ઊભા રહો, અને યહોવાહ કેવું રક્ષણ કરે છે તે જુઓ!
ઊભા રહો, અને યહોવાહ કેવું રક્ષણ કરે છે તે જુઓ!
“સ્થિર થઈને ઊભા રહો, અને યહોવાહ તમારૂં કેવું રક્ષણ કરે છે તે જુઓ.” —૨ કાળવૃત્તાંત ૨૦:૧૭.
૧, ૨. “માંગોગ દેશનો ગોગ” જે હુમલો કરશે એ શા માટે આતંકવાદી હુમલા કરતાં પણ વધારે ખતરનાક હશે?
આતંકવાદે આખા જગતને ધ્રુજાવી મૂક્યું છે. આજે આખા જગના ખૂણે ખૂણે આતંકવાદનો ખતરો ઊભો થયો છે. તેથી, એને શમાવી દેવા કડક પગલાં જરૂર લેવા જોઈએ. પરંતુ આતંકવાદ કરતાં પણ વધારે ખતરનાક હુમલો આ જગત પર થવાનો છે, જેની કોઈને પણ પરવા નથી. એ હુમલો કોણ કરશે?
૨ એ હુમલો “માંગોગ દેશનો ગોગ” કરશે, જેના વિષે હઝકીએલ અધ્યાય ૩૮ વધારે માહિતી આપે છે. પરંતુ શું એમ કહી શકાય કે આ હુમલો આતંવાદી હુમલા કરતાં પણ વધારે ખતરનાક હશે? હા. કેમ કે, ગોગ એટલે શેતાન, દેશ-વિદેશની સરકારો પર નહિ, પણ ખુદ પરમેશ્વરના સ્વર્ગીય રાજ્ય પર હુમલો કરશે! માણસોની સરકાર પર કોઈ હુમલો કરે તો, તેઓ અમુક હદે જ દેશનું રક્ષણ કરી શકે છે. પરંતુ, પરમેશ્વરના રાજ્ય પર, ગોગ ખતરનાક હુમલો કરશે ત્યારે, ખુદ પરમેશ્વર એનો સામનો કરશે અને શેતાનનું નામનિશાન મિટાવી દેશે.
પરમેશ્વરની સરકાર પર હુમલો
૩. વર્ષ ૧૯૧૪થી જગતના રાજાઓ અને નેતાઓને શું કહેવામાં આવ્યું, પણ તેઓએ શું કર્યું?
૩ યહોવાહનું રાજ્ય ૧૯૧૪માં સ્થપાયું. ત્યારથી માંડીને રાજા ઈસુ અને શેતાન વચ્ચે તકરાર ચાલુ જ છે. વર્ષ ૧૯૧૪થી માંડીને સાક્ષીઓએ દેશ-વિદેશના રાજાઓ તથા નેતાઓને જણાવ્યું હતું કે, તેઓ યહોવાહે નીમેલા રાજા ઈસુને જ આધીન રહે. પરંતુ તેઓએ એમ ન કર્યું, એના વિષે અગાઉથી બાઇબલમાં જણાવવામાં આવ્યું હતું: “યહોવાહ તથા તેના અભિષિક્તની વિરૂદ્ધ પૃથ્વીના રાજાઓ સજ્જ થાય છે, અને હાકેમો માંહોમાંહે મસલત કરે છે, કે તેઓનાં બંધન આપણે તોડી પાડીએ, એમની દોરીઓ આપણી પાસેથી ફેંકી દઈએ.” (ગીતશાસ્ત્ર ૨:૧-૩) યહોવાહના રાજ્ય વિરૂદ્ધ જનારાઓનો ગુસ્સો ખરેખર ઊકળી ઊઠશે ત્યારે, ગોગ યહોવાહના સેવકો પર હુમલો કરશે.
૪, ૫. માણસો પરમેશ્વરની સરકાર સામે કઈ રીતે લડી શકે?
૪ આપણને કદાચ નવાઈ લાગી શકે કે સ્વર્ગની અદૃશ્ય સરકાર સામે માણસો કઈ રીતે લડી શકે? એ સરકાર શાની બનેલી છે? બાઇબલ જણાવે છે કે એમાં “એક લાખ ચુમ્માળીસ હજાર” દૂતો છે. તેઓને પૃથ્વી પરથી લેવામાં આવ્યા હતા. તેઓ “હલવાન” અથવા ઈસુ સાથે રાજ કરે છે. (પ્રકટીકરણ ૧૪:૧, ૩; યોહાન ૧:૨૯) આ નવી સરકાર સ્વર્ગમાંથી રાજ કરશે, તેથી એને “નવાં આકાશ” કહેવામાં આવે છે. જેઓ એ સરકાર હેઠળ પૃથ્વી પર રહેશે, તેઓને “નવી પૃથ્વી” કહેવામાં આવે છે. (યશાયાહ ૬૫:૧૭; ૨ પીતર ૩:૧૩) જેઓ ૧,૪૪,૦૦૦માંના છે, તેઓ મોટે ભાગે હવે સ્વર્ગમાં છે. ત્યાં તેઓ ઈસુ સાથે રાજ કરે છે. તેઓ પૃથ્વી પર હતા ત્યારે યહોવાહ પર પૂરો ભરોસો રાખ્યો હતો. તેથી, તેઓ હવે સ્વર્ગમાં યહોવાહની સેવા કરવા તૈયાર છે.
૫ સ્વર્ગમાં જનારા એક લાખ ચુમ્માળીસ હજારમાંથી થોડાક જ પૃથ્વી પર રહ્યા છે. વર્ષ ૨૦૦૨નાં મેમોરિયલમાં ૧,૫૦,૦૦,૦૦૦ લોકો આવ્યા હતાં. એમાંથી ફક્ત ૮,૭૬૦ લોકો સ્વર્ગમાં જવાની આશા રાખે છે. પૃથ્વી પર જો કોઈ માણસો તેઓનો વાળ પણ વાંકો કરવાની કોશિશ કરશે તો, તેઓ ખરેખર પરમેશ્વરના રાજ્યની સામા થાય છે.—પ્રકટીકરણ ૧૨:૧૭.
મહાન રાજા જીતે છે
૬. જેઓ યહોવાહના સેવકો પર હુમલો કરે છે તેઓ વિષે યહોવાહને અને ઈસુ ખ્રિસ્તને કેવું લાગે છે?
૬ જેઓ યહોવાહના રાજ્યની સામે થાય છે તેઓ વિષે યહોવાહે અગાઉથી કહ્યું હતું: “આકાશમાં જે બેઠો છે, તે હાસ્ય કરશે; પ્રભુ [યહોવાહ] તેઓને તુચ્છ ગણશે. ત્યારે તે ક્રોધમાં તેઓની સાથે બોલશે, અને પોતાના કોપથી તે તેઓને ત્રાસ પમાડશે. પરંતુ મારા પવિત્ર પર્વત સિયોન પર મેં મારા રાજાને પ્રતિષ્ઠિત કર્યો છે.” (ગીતશાસ્ત્ર ૨:૪-૬) હવે એ ઘડી આવી પહોંચી છે. જલદી જ રાજા ઈસુ ખ્રિસ્ત યહોવાહના માર્ગદર્શન હેઠળ આખરે ‘જીત મેળવશે.’ (પ્રકટીકરણ ૬:૨) એ સમયે શેતાન યહોવાહના સેવકો પર ઘણા હુમલા કરશે. એ વિષે યહોવાહને કેવું લાગશે? યહોવાહ અને રાજા ઈસુ ખ્રિસ્તને જાણે પોતાના પર હુમલો કર્યો હોય એવું લાગશે. તેથી, યહોવાહ તેમના સેવકોને કહે છે કે, ‘જે તમને અડકે છે તે મારી આંખની કીકીને અડકે છે.’ (ઝખાર્યાહ ૨:૮) ઈસુએ પણ કહ્યું કે લોકો અભિષિક્ત જનો સાથે જેવો વર્તાવ કરશે એ ખુદ તેમના સાથે વર્તાવ કર્યા બરાબર હશે.—માત્થી ૨૫:૪૦, ૪૫.
૭. યહોવાહના સેવકોની ‘મોટી સભા’ પર શા માટે ગોગ હુમલો કરે છે?
૭ જેઓ અભિષિક્ત જનોને પૂરેપૂરો સાથ આપે છે તેઓ પર ગોગનો કોપ ઊકળી ઊઠશે. યહોવાહની ‘નવી પૃથ્વીના’ આ લોકો “એક મોટી સભા” છે. તેઓ ‘સર્વ દેશોમાંથી, આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના ગણી શકાય નહિ એટલા લોકો હશે.’ (પ્રકટીકરણ ૭:૯) બાઇબલ જણાવે છે કે “તેઓ રાજ્યાસનની આગળ તથા હલવાનની આગળ ઊભેલા હતા; તેઓએ શ્વેત ઝભ્ભા પહેરેલા હતા.” એનો અર્થ એમ થાય કે ઈસુ અને યહોવાહ તેઓને ખૂબ ચાહે છે. તેઓના હાથમાં “ખજૂરીની ડાળીઓ” છે. એટલે કે તેઓ વિશ્વના ખરા રાજા યહોવાહને માન આપે છે. તેમ જ, તેઓ રાજા ઈસુને અથવા ‘દેવના હલવાનને’ પણ માન આપે છે.—યોહાન ૧:૨૯, ૩૬.
૮. ગોગ હુમલો કરશે ત્યારે ઈસુ શું કરશે? એનું શું પરિણામ આવશે?
૮ યહોવાહના સેવકો પર ગોગ હુમલો કરશે ત્યારે, રાજા ઈસુ તેઓ સામે લડવા માટે પગલાં લેશે અને ત્યારે આર્માગેદનની લડાઈ ફાટી નીકળશે. (પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬) જેઓ યહોવાહને વિશ્વના રાજા તરીકે નહિ સ્વીકારે તેઓનો વિનાશ કરવામાં આવશે. પરંતુ જેઓ યહોવાહને વફાદાર રહેશે, અને કસોટીઓ સહન કરશે તેઓને યહોવાહ બચાવશે અને અનંતજીવન આપશે. આ ઘટના વિષે પ્રેષિત પાઊલ કહે છે: “એ તો દેવના ન્યાયી ઇનસાફનું પ્રમાણ છે, જેથી દેવના જે રાજ્યને સારૂ તમે દુઃખ વેઠો છો, તે રાજ્યમાં દાખલ થવાને યોગ્ય તમે ગણાઓ. કેમકે એ ગેરવાજબી ન કહેવાય કે જેઓ તમને દુઃખ દે છે તેઓને દેવ દુઃખનો બદલો આપે, અને જ્યારે પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી દૂતો સાથે અગ્નિની જ્વાળામાં પ્રગટ થશે, ત્યારે તે તમો દુઃખ સહન કરનારાઓને અમારી સાથે વિસામો આપે; તે વેળા જેઓ દેવને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી, તેઓને તે સજા કરશે.”—૨ થેસ્સાલોનીકી ૧:૫-૮.
૯, ૧૦. (ક) યહોવાહે યહુદાહના રહેવાસીઓને કઈ રીતે જીત અપાવી? (ખ) આજે યહોવાહના સેવકોએ શું કરતા રહેવું જોઈએ?
૯ હવે મહાન વિપત્તિ નજીકમાં જ છે, જેનાથી આર્માગેદન શરૂ થશે. એ વખતે ઈસુ શેતાન અને સર્વ દુષ્ટો સામે લડાઈ કરશે. પરંતુ યહોવાહના સેવકોને લડવાની કોઈ જરૂર નહિ પડે. હજારો વર્ષ જૂનો ઇતિહાસ બતાવે છે કે યહુદાહ જિલ્લાના રહેવાસીઓ પર હુમલો થયો ત્યારે, તેઓને પણ લડવાની જરૂર પડી ન હતી. બાઇબલ બતાવે છે કે યહોવાહે તેઓને કેવી ભવ્ય જીત અપાવી: “યહોવાહે આમ્મોનીઓ, મોઆબીઓ તથા સેઈર પર્વતના લોકો, જેઓ યહુદાહની સામે લડવા આવ્યા હતા, તેઓના માર્ગમાં કેટલાક માણસોને સંતાડી રાખ્યા; અને તેઓએ માર ખાધો. આમ્મોન તથા મોઆબના લોકોએ સેઈર પર્વતના રહેવાસીઓની સામે થઈને તેઓનો સંપૂર્ણ સંહાર કર્યો; સેઈરના રહેવાસીઓને પૂરા કરી રહ્યા પછી તેઓએ માંહોમાંહે લડીને એકબીજાનો નાશ કર્યો. જ્યારે યહુદાહના લોકો અરણ્યની ચોકીના કિલ્લા પાસે જઈ પહોંચ્યા, ત્યારે તેઓએ તે સૈન્ય તરફ નજર કરી; તો તેઓની લાશો જમીન પર પડેલી દીઠી, ને તેઓમાંનો એક પણ માણસ બચ્યો ન હતો.”—૨ કાળવૃત્તાંત ૨૦:૨૨-૨૪.
૧૦ યહોવાહે તેઓને કહ્યું હતું એમ જ થયું: “આ લડાઈમાં તમારે યુદ્ધ કરવું નહિ પડે.” (૨ કાળવૃત્તાંત ૨૦:૧૭) આ દાખલામાંથી આપણને મહત્ત્વનો પાઠ શીખવા મળે છે કે ઈસુ ‘જીત મેળવવા’ આવશે ત્યારે, આપણને પણ લડવું નહિ પડે. એ વખત આવે ત્યાં સુધી, યહોવાહના સેવકો પણ દુષ્ટતા સામે લડી રહ્યા છે. પરંતુ તેઓ કોઈ હથિયારોથી લડતા નથી. તેઓ તો “સારાથી ભૂંડાનો પરાજય” કરે છે.—રૂમીઓને પત્ર ૬:૧૩; ૧૨:૧૭-૨૧; ૧૩:૧૨; ૨ કોરીંથી ૧૦:૩-૫.
ગોગ કેવી રીતે હુમલો કરશે?
૧૧. (ક) કોના હાથથી ગોગ યહોવાહના સેવકો પર હુમલો કરશે? (ખ) ભવિષ્યવાણી વિષે આપણે શું નોંધ કરવું જોઈએ?
૧૧ શેતાનને ૧૯૧૪માં સ્વર્ગમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. ત્યારથી માંડીને તે માંગોગનો ગોગ તરીકે ઓળખાય છે. તે અદૃશ્ય છે, તેથી તે પોતે યહોવાહના સેવકો પર હુમલો કરી શકે એમ નથી. તેથી, શેતાન હુમલો કરવા માટે મનુષ્યોનો કઠપુતળીની જેમ ઉપયોગ કરી રહ્યો છે. પરંતુ, કયા માણસોને પોતાની કઠપૂતળી બનાવશે? એ વિષે બાઇબલમાં સાફ જણાવવામાં આવ્યું નથી. પરંતુ એમાં એવી ઘણી નિશાનીઓ છે જે આપણને તેઓને ઓળખવામાં મદદ કરી શકે. બાઇબલની ભવિષ્યવાણી પ્રમાણે, આજે આપણે જગતમાં ઘણા બનાવો બનતા જોઈ રહ્યા છીએ. આ ભવિષ્યવાણીઓ દિવસે દિવસે વધારે પ્રકાશ ફેંકે છે. તેમ છતાં, યહોવાહના સેવકો કોઈ અફવા નથી ફેલાવતા. પરંતુ તેઓ જોઈ શકે છે કે બાઇબલની ભવિષ્યવાણી પ્રમાણે, આજે ધર્મ અને રાજનીતિ કયો ભાગ ભજવી રહ્યા છે.
૧૨, ૧૩. યહોવાહના લોકો પર આખરી હુમલો થશે એ વિષે પ્રબોધક દાનીયેલ શું જણાવે છે?
૧૨ યહોવાહના સેવકો પર આખરી હુમલો થશે એ વિષે પ્રબોધક દાનીયેલ વધુ પ્રકાશ ફેંકે છે. તે કહે છે કે “ઘણાઓનો નાશ કરવાને તથા તેઓનો સંહાર કરવાને તે [ઉત્તરનો રાજા] ઘણા જ ક્રોધાવેશમાં ચાલી નીકળશે. સમુદ્ર તથા રળિયામણા પવિત્ર પર્વતની વચ્ચે તે પોતાના પાદશાહી તંબુઓ મારશે.”—દાનીયેલ ૧૧:૪૪, ૪૫.
૧૩ એ બાઇબલ કલમો પ્રમાણે “સમુદ્ર” મહાસાગરને (ભૂમધ્ય સમુદ્ર) દર્શાવે છે. અને “પવિત્ર પર્વત” સિયોન અથવા યરૂશાલેમને દર્શાવે છે. એ વિષે યહોવાહ કહે છે: “મારા પવિત્ર પર્વત પર મેં મારા રાજાને પ્રતિષ્ઠિત કર્યો છે.” (ગીતશાસ્ત્ર ૨:૬; યહોશુઆ ૧:૪) તેથી ‘સમુદ્ર તથા રળિયામણો પવિત્ર પર્વત’ અભિષિક્ત જનોના આશીર્વાદોને દર્શાવે છે. તેઓને યહોવાહ તરફથી અઢળક આશીર્વાદો મળ્યા છે. જગતના લોકો, જેઓ પરમેશ્વરને ઓળખતા નથી તેઓ સાથે અભિષિક્ત જનો ભળતા નથી. તેઓ સ્વર્ગમાં ઈસુ સાથે રાજ કરવાની જ આશા રાખે છે. હવે, નજીકમાં અભિષિક્ત જનો અને બીજા બધા યહોવાહના સેવકો પર ઉત્તરનો રાજા ખતરનાક હુમલો કરશે. એ વખતે દાનીયેલની ભવિષ્યવાણી ખરેખર સાચી પડશે.—યશાયાહ ૫૭:૨૦; હેબ્રી ૧૨:૨૨; પ્રકટીકરણ ૧૪:૧.
હુમલો થશે ત્યારે, યહોવાહના સેવકો શું કરશે?
૧૪. યહોવાહના સેવકો પર હુમલો થશે ત્યારે તેઓ કઈ ત્રણ બાબતો ધ્યાનમાં રાખશે?
૧૪ યહોવાહના સેવકો પર હુમલો થશે ત્યારે તેઓએ શું કરવું જોઈએ? યહોશાફાટના દિવસોમાં યહોવાહના લોકોએ જે કર્યું હતું એ જ યહોવાહના સેવકો પણ કરશે. યાદ કરો કે યહુદાહના રહેવાસીઓને યહોવાહે ખાસ કરીને ત્રણ બાબતો કરવાનું કહ્યું હતું: (૧) સ્થિર રહેવું, (૨) ઊભા રહેવું અને (૩) યહોવાહનું રક્ષણ જોવું. આજે યહોવાહના સેવકો એ ત્રણ બાબતો કઈ રીતે પાળી શકે?—૨ કાળવૃત્તાંત ૨૦:૧૭.
૧૫. યહોવાહના સેવકો કઈ રીતે સ્થિર રહેશે?
૧૫ સ્થિર રહેવું: એનો અર્થ એમ થાય કે ભલે ગમે એ થાય, તોપણ યહોવાહના સેવકો તેમની સેવા કરવાનું ચાલુ જ રાખશે. તેઓ જરા પણ ગભરાશે નહિ. તેઓ રાજકારણમાં પણ કોઈ ભાગ નહિ લે. તેઓ યહોવાહની સેવામાં “સ્થિર તથા દૃઢ” રહેશે. વધુમાં તેઓ જાહેરમાં બધાને યહોવાહની કૃપા વિષે શીખવતા રહેશે. (૧ કોરીંથી ૧૫:૫૮; ગીતશાસ્ત્ર ૧૧૮:૨૮, ૨૯) તેઓ પર ભલે ગમે તેવું દબાણ આવે, યહોવાહના આશીર્વાદ તેઓ પાસેથી કોઈ છીનવી શકે એમ નથી.
૧૬. યહોવાહના સેવકો કઈ રીતે ઊભા રહેશે?
૧૬ ઊભા રહો: સખત હુમલાનાં વખતે યહોવાહના સેવકો રક્ષણ માટે ફક્ત યહોવાહ તરફ જોશે. આ જગતની અંધાધૂંધીમાંથી ફક્ત યહોવાહ જ તેમના સેવકોને બચાવી શકે છે. એ ચોક્કસ થશે કેમ કે યહોવાહે તેઓને બચાવવાનું વચન આપ્યું છે. (યશાયાહ ૪૩:૧૦, ૧૧; ૫૪:૧૫; યિર્મેયાહનો વિલાપ ૩:૨૬) યહોવાહ પર ભરોસો મૂકવાનો અર્થ એ પણ થાય કે તેઓ યહોવાહની પૃથ્વી પરની સંસ્થા પર પૂરો ભરોસો મૂકે. યહોવાહે દાયકાઓથી પોતાનું સત્ય ફેલાવવા માટે આ સંસ્થાનો ઉપયોગ કર્યો છે. તેમ જ, સાચા ખ્રિસ્તીઓએ યહોવાહથી નીમેલા વડીલો પર પણ પૂરેપૂરો ભરોસો મૂકવો જોઈએ. આ વિશ્વાસુ ભાઈઓ યહોવાહના સેવકોને, ખુદ યહોવાહના માર્ગદર્શન આપે છે. જેઓ તેઓનું નહિ માને તેઓનો જીવ જોખમમાં આવી પડશે.—માત્થી ૨૪:૪૫-૪૭; હેબ્રી ૧૩:૭, ૧૭.
૧૭. યહોવાહ શા માટે પોતાના વિશ્વાસુ સેવકોને બચાવી લેશે?
૧૭ યહોવાહનું રક્ષણ જુઓ: જેઓ યહોવાહમાં પૂરેપૂરો ભરોસો મૂકશે અને તેમને જ વફાદાર રહેશે તેઓ બચી જશે. આ દુનિયાની છેલ્લી ઘડી સુધી તેઓથી થાય એટલો યહોવાહના ન્યાયચુકાદાના દિવસ વિષે જાહેરમાં પ્રચાર કરશે. એકેએક જણ જાણશે કે ફક્ત યહોવાહ જ સાચા પરમેશ્વર છે અને તેમના વફાદાર સેવકો પૃથ્વી પર છે. ત્યાર પછી, ખરા પરમેશ્વર કોણ છે, એવો પ્રશ્ન ફરી ક્યારેય ઊભો નહિ થાય.—હઝકીએલ ૩૩:૩૩; ૩૬:૨૩.
૧૮, ૧૯. (ક) ગોગના હુમલામાંથી બચી જનારાઓ કેવું ગીત ગાશે? (ખ) યહોવાહના સેવકોએ અત્યારે શું કરવું જોઈએ?
૧૮ પછી યહોવાહના સેવકો પૂરા ઉમંગથી સુંદર નવી દુનિયામાં રહેશે. જેમ ઈસ્રાએલીઓએ રાતા સમુદ્રમાંથી બચી ગયા પછી, ખુશીથી વિજયના ગીતો ગાયા હતા. એ જ રીતે, યહોવાહના સેવકો પણ યહોવાહે અપાવેલા છુટકારા માટે એક રાગથી વિજયગીત ગાશે અને તેઓનો અવાજ ચારેકોર ગુંજી ઊઠશે. તેઓ હંમેશાં યહોવાહનો ઉપકાર માનશે અને સર્વ લોકોના દિલમાં આ શબ્દો ગુંજતા હશે: ‘હું યહોવાહની આગળ ગાયન કરીશ, કેમકે તેણે મહાભારત ફતેહ મેળવી છે. યહોવાહ તો યોદ્ધો છે; તેનું નામ યહોવાહ છે. હે યહોવાહ, તારો જમણો હાથ શત્રુઓને અફાળીને તેમના ચૂરા કરે છે. અને તારી વિરૂદ્ધ ઊઠનારને તું તારી શ્રેષ્ઠતાના માહાત્મ્યથી પાયમાલ કરે છે; તું તારો કોપ મોકલે છે, ને તે તેઓને ખૂંપરાની પેઠે ભસ્મ કરે છે. જે લોકોને તેં છોડાવ્યા, તેઓને તેં દયા રાખીને ચલાવ્યા છે; અને તેં તારા પરાક્રમ વડે તેઓને તારા પવિત્ર વાસમાં દોરી આણ્યા છે. હે યહોવાહ, જે જગા તારા નિવાસને માટે તેં તૈયાર કરી છે, હે યહોવાહ, જે પવિત્રસ્થાન તેં તારે હાથે સ્થાપ્યું છે તેમાં, એટલે તારા વતનના પર્વતમાં, તું તેઓને લાવીને તેમાં રોપીશ. યહોવાહ સદાસર્વકાળ રાજ કરશે.’—નિર્ગમન ૧૫:૧-૧૯.
૧૯ આપણે જોઈ શકીએ છીએ કે હંમેશ માટે સુખચેન લાવતું જીવન હવે આપણે આંગણે આવીને ઊભું છે. આ જાણીને આપણું હૈયું ઝૂમી ઊઠે છે. તેથી, ચાલો આપણે યહોવાહની ભક્તિ કરવા પૂરેપૂરી કોશિશ કરીએ. એમ કરીને આપણે બતાવીશું કે ખરેખર યહોવાહ એકલા જ આપણા પરમેશ્વર અને રાજા છે!—૧ કાળવૃત્તાંત ૨૯:૧૧-૧૩.
તમે સમજાવી શકો?
• શા માટે ગોગ, અભિષિક્ત જનો અને યહોવાહના બીજા સેવકો જે પૃથ્વી પર કાયમ રહેવાના છે તેઓ પર હુમલો કરશે?
• યહોવાહના સેવકો કઈ રીતે સ્થિર રહેશે?
• ઊભા રહેવાનો મતલબ શું થાય છે?
• યહોવાહ પોતાના સેવકોનું કઈ રીતે રક્ષણ કરશે?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૮ પર ચિત્ર]
યહોશાફાટ અને તેમના સાથીઓએ લડાઈમાં ભાગ ન લેવો પડ્યો, અને ખુદ યહોવાહ તેઓને જીત આપી
[પાન ૨૦ પર ચિત્ર]
અભિષિક્ત જનો અને જે લોકો પૃથ્વી પર રહેવાની આશા રાખે છે તેઓ યહોવાહને વિશ્વના રાજા અથવા પરમેશ્વર તરીકે મહાન મનાવે છે
[પાન ૨૨ પર ચિત્ર]
ઈસ્રાએલીઓની જેમ, યહોવાહના સેવકો પણ થોડા જ સમયમાં વિજયગીત ગાશે