સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમારી પાસે જે હોય એમાં સંતોષથી રહેતા શીખો

તમારી પાસે જે હોય એમાં સંતોષથી રહેતા શીખો

તમારી પાસે જે હોય એમાં સંતોષથી રહેતા શીખો

પ્રેષિત પાઊલે ફિલિપીના ખ્રિસ્તી ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા પત્રમાં આમ લખ્યું: ‘મારી પાસે જે હોય તેથી સંતોષી રહેવાને હું શીખ્યો છું. જરૂર કરતા વધારે શું છે એ રહસ્ય હું શીખ્યો છું. જો કે હું ભરપૂર હોઉં કે ભૂખ્યો હોઉં; મારી પાસે વધું હોય કે ઓછું હોય, તો પણ સર્વ જગ્યાએ અને સર્વ સમયે હું સંતોષી રહી શકું છું.’ —ફિલિપી ૪:૧૧, ૧૨, પ્રેમસંદેશ.

આજે દરેક ચીજ-વસ્તુના ભાવ દિવસે દિવસે વધી રહ્યા છે. વળી, ઘણા લોકોની આર્થિક સ્થિતિ પણ સારી નથી. આવા સંજોગોમાં આપણે પાઊલની જેમ સંતોષી રહેવાનું શીખી શકીએ. એમ કરવાથી આપણે પરમેશ્વરની સેવામાં વધારે કરી શકીશું અને આપણને ઘણા લાભ થશે.

પાઊલે તેમના અગાઉના પત્રમાં પોતે ખ્રિસ્તી બન્યા એ પહેલાંની સફળ કારકિર્દી વિષે જણાવ્યું હતું. તેમણે લખ્યું: “જો કોઈ ધારે કે બાહ્ય સંસ્કારથી તે સલામત છે તો તે પ્રમાણે વિચારવાનું મારે વધારે કારણ છે. જ્યારે હું આઠ દિવસનો હતો ત્યારે મારી સુન્‍નત કરવામાં આવી હતી. હું જન્મથી ઈઝરાયલી, બિન્યામીનના કુળનો છું અને મારામાં માત્ર હેબ્રુ લોહી જ છે. જ્યાં સુધી યહુદી નિયમશાસ્ત્રને લાગેવળગે છે ત્યાં સુધી હું ફરોશી છું. અને હું એટલો બધો ધગશવાળો હતો કે મેં મંડળીની સતાવણી કરી હતી. નિયમશાસ્ત્રની આજ્ઞાઓને આધીન થઈને ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવી શકાતું હોય તો હું નિયમશાસ્ત્ર પ્રમાણે નિર્દોષ છું.” (ફિલિપી ૩:૪-૬, પ્રેમસંદેશ) એ ઉપરાંત, એક જોશીલા યહુદી તરીકે પાઊલને યરૂશાલેમના મહાયાજકો તરફથી મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. આ બધા કારણોને લીધે યહુદી રાજમાં પાઊલનો ખૂબ દબદબો હતો. તેમના માટે અમીર બનવાનો પણ સરસ મોકો હતો. તેમને ધર્મમાં અને રાજકીય કાર્યોમાં ખૂબ આગળ વધવાનો પણ મોકો હતો.—પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૧૦, ૧૨.

પરંતુ પાઊલ ઈસુના જોશીલા સેવક બન્યા ત્યારે તેમનું જીવન એકદમ બદલાઈ ગયું. સુસમાચારનો પ્રચાર કરવા તેમણે પોતાનો માન-મોભો અને યહુદી સમાજમાં જે મોટું નામ હતું એ બધું જતું કર્યું. (ફિલિપી ૩:૭, ૮) પાઊલ હવે પોતાનું જીવન નિભાવવા શું કરવાના હતા? શું તેમને એક સેવક તરીકે કંઈ વેતન મળતું હતું? તે પોતાની જરૂરિયાતોને કઈ રીતે પૂરી કરી શક્યા?

પાઊલ કોઈ વેતન લીધા વગર પોતાનું સેવાકાર્ય કરતા હતા. તે પોતે ભાઈઓ પર બોજરૂપ બનવા માગતા ન હતા. એ માટે તે કોરીંથમાં આકુલા અને પ્રિસ્કીલા સાથે રહીને તંબુ બનાવવાનું કામ કરતા હતા. તેમ જ, તેમણે બીજું કોઈ કામ પણ કર્યું હોય શકે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૧-૩; ૧ થેસ્સાલોનીકી ૨:૯; ૨ થેસ્સાલોનીકી ૩:૮-૧૦) મિશનરી તરીકે પાઊલ દૂર દૂર ત્રણ જગ્યાઓએ ગયા. તેમ જ, જે મંડળોને ઉત્તેજનની જરૂર હતી ત્યાં પણ તે ગયા હતા. તે પરમેશ્વરની સેવા કરવા માટે જ જીવતા હતા, એટલે તેમની પાસે બહુ માલ-મિલકત ન હતી. ઘણી વાર ભાઈઓ પાઊલની જરૂરિયાતો પૂરી કરતા હતા. તેમ છતાં, તેમણે ઘણી વાર મુશ્કેલ સંજોગોમાં રોજબરોજની વસ્તુઓ વગર પણ ચલાવી લેવું પડ્યું હતું. (૨ કોરીંથી ૧૧:૨૭; ફિલિપી ૪:૧૫-૧૮) તોપણ, પાઊલે ક્યારેય રોદણાં રડ્યા ન હતા. તેમને બીજાની માલમિલકત જોઈને ઈર્ષા થતી ન હતી. એના બદલે તેમણે ખ્રિસ્તી ભાઈ-બહેનોના હિત માટે ખુશીથી મહેનત કરી. પાઊલે કહ્યું: “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.” તેમણે ઈસુની આ પ્રખ્યાત કહેવત ટાંકી અને એ જ પ્રમાણે જીવ્યા. આપણા સર્વ માટે કેવો સરસ નમૂનો!—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૩-૩૫.

સંતોષી રહેવાનો અર્થ

પાઊલના સુખનું મુખ્ય કારણ એ હતું કે તેમને થોડામાં પણ સંતોષ હતો. તો પછી, સંતોષી રહેવાનો શું અર્થ થાય છે? સાદા શબ્દોમાં કહીએ તો, આપણી પાસે જેટલું હોય એનાથી રાજી રહેવું. આ બાબત વિષે પાઊલે પોતાના સાથી તીમોથીને કહ્યું: “સંતોષસહિતનો ભક્તિભાવ એ મોટો લાભ છે; કેમકે આપણે આ જગતમાં કંઈ લાવ્યા નથી, અને તેમાંથી કંઈ પણ લઈ જઈ શકતા નથી; પણ આપણને જે અન્‍નવસ્ત્ર મળે છે તેઓથી આપણે સંતોષી રહીએ.”—૧ તીમોથી ૬:૬-૮.

અહીં પાઊલે સંતોષને ભક્તિભાવ સાથે જોડ્યું છે. તેમને સમજાયું હતું કે ભક્તિભાવથી સાચું સુખ મળે છે. તેમ જ, અમીર બનવાથી નહીં પણ પરમેશ્વરની સેવાને પ્રથમ રાખવાથી ખુશી મળે છે. પાઊલ “અન્‍નવસ્ત્ર”થી જ સંતુષ્ટ થઈને ભક્તિભાવમાં લાગુ રહી શક્યા હતા. હા, પાઊલનું સંતોષી રહેવાનું રહસ્ય એ હતું કે ગમે તેવા સંજોગોમાં, યહોવાહ પર ભરોસો રાખવો.

આજે ઘણા લોકોને આ સલાહની ખબર નથી અથવા તો, તેઓ એને માનતા નથી. એ કારણે તેઓના જીવનમાં ખુશી નથી. સાદું જીવન જીવવાને બદલે તેઓ પૈસા પાછળ પડે છે. જાહેરખબરો અને મિડિયા લોકોને એવો અહેસાસ કરાવતા હોય છે કે છેલ્લામાં છેલ્લી ફેશનનો માલ કે વસ્તુ વિના તેઓને સુખ નહિ મળે. પરિણામે, ઘણા લોકો ધન-સંપત્તિ પાછળ પડી જાય છે. આમ, પોતાની પાસે જે છે એનાથી સંતુષ્ટ રહેવાને બદલે, તેઓ “મૂર્ખ તથા હાનિકારક ઇચ્છાઓના ફાંદામાં ફસાઈ જાય છે, જે માણસને અધોગતિના અને વિનાશના માર્ગે ઘસડી જાય છે.”—૧ તીમોથી ૬:૯, ૧૦, પ્રેમસંદેશ.

ઘણા લોકો સંતોષી બન્યા છે

શું આજે આપણે ભક્તિભાવ બતાવીને સંતોષથી રહી શકીએ? ચોક્કસ. આજે લાખો લોકો પણ એમ જ કરી રહ્યા છે. તેઓ પોતાની પાસે જે છે એનાથી ખુશ છે. તેઓ યહોવાહના સાક્ષીઓ છે. તેઓ પરમેશ્વરને પોતાનું સમર્પણ કરીને તેમની સેવા કરી રહ્યા છે. તેમ જ તેઓ દરેક જગ્યાએ લોકોને યહોવાહના હેતુઓ વિષે શીખવે છે.

મિશનરીઓનો વિચાર કરો. તેઓ રાજીખુશીથી તાલીમ લઈને કોઈ પણ દેશોમાં પરમેશ્વરના ખુશખબર ફેલાવવા જાય છે. (માત્થી ૨૪:૧૪) પહેલાં તેઓ પોતાના દેશમાં ઘણી સુખ-સગવડોમાં રહેતા હતા અને નવી નવી ટેક્નૉલૉજી વાળા સાધનો વાપરતા હતા. પરંતુ, તેઓમાંના ઘણાને એવા ગરીબ દેશોમાં મોકલવામાં આવ્યા છે, જ્યાં જરૂરી સગવડો પણ નથી. દાખલા તરીકે, મિશનરીઓ ૧૯૪૭માં એશિયાના એક દેશમાં આવ્યા ત્યારે, દેશમાં હજુ પણ યુદ્ધની અસરો હતી. મોટા ભાગના ઘરોમાં વીજળી પણ ન હતી. ઘણા દેશોમાં મિશનરીઓએ જોયું કે લોકો કપડાં ધોવા વોશિંગ મશીન વાપરવાને બદલે, નદી કાંઠે જઈને કપડાં ધોવે છે. પરંતુ તેઓ ત્યાં એશઆરામથી રહેવા નહિ પણ, બાઇબલના શુભસંદેશનો પ્રચાર કરવા ગયા હતા. તેથી, તેઓ જલદી જ ત્યાંના લોકોની જેમ રહેવા ટેવાઈ ગયા. આમ, તેઓ પોતાના સેવાકાર્યમાં ખૂબ વ્યસ્ત થઈ ગયા.

જેઓ મિશનરી નથી તેઓ વિષે શું? તેઓ પણ પૂરા સમયની સેવામાં જોડાયા છે. ઘણા તો સુસમાચારનો પ્રચાર થયો નથી એવા વિસ્તારમાં ગયા છે. અડુલ્ફોભાઈ પાયોનિયર તરીકે મૅક્સિકોના જુદા જુદા શહેરોમાં છેલ્લા ૫૦ વર્ષથી પ્રચાર કરી રહ્યા છે. તે કહે છે: “હું અને મારી પત્ની પ્રેષિત પાઊલની જેમ જુદા જુદા સંજોગોમાં રહેતા શીખ્યા છીએ. દાખલા તરીકે, અમે શહેર કે માર્કેટથી ખૂબ દૂર આવેલા એક મંડળની મુલાકાત લીધી હતી. ત્યાંના ભાઈઓ ભોજનના સમયે ફક્ત એક નાની ટોરટીલા (બ્રેડ) જોડે ડુક્કરની થોડી ચરબી અને મીઠું તથા એક કપ કોફી પીને સંતુષ્ટ રહેતા હતા. તેઓ આખા દિવસમાં ફક્ત ત્રણ નાની ટોરટીલા ખાતા હતા. તેથી, અમે પણ એ ભાઈઓની જેમ સાદું જીવન જીવતા શીખ્યા. મેં યહોવાહની સેવામાં ચોપન વર્ષ દરમિયાન, આવા ઘણા અનુભવોનો આનંદ માણ્યો છે.”

ફ્લૉરેન્ટીનો અને તેના કુટુંબે પણ મુશ્કેલીના સંજોગોમાં સાદું જીવન જીવવું પડ્યું હતું. તે કહે છે: “મારા પિતા એક ધનવાન વેપારી હતા. તેમની પાસે ઘણી મિલકત હતી. મને હજુ પણ યાદ છે કે અમારી દુકાનમાં પૈસા રાખવા માટે ચાર ખાનાનું એક મોટું કાઉન્ટર હતું. એ ૫૦ સેન્ટિમીટર પહોળું અને ૨૦ સેન્ટિમીટર ઊંડું હતું. દિવસને અંતે એ કાઉન્ટર પૈસા અને રૂપિયાથી ભરાઈ જતું હતું.

“પછી અચાનક અમારો ધંધો ચોપટ થઈ ગયો અને અમે અમીરથી ગરીબ બની ગયા. અમે અમારા ઘર સિવાય બધું જ ગુમાવી દીધું. વધુમાં, મારા મોટા ભાઈને અકસ્માત થયો અને તે અપંગ બની ગયો. હવે પહેલાં જેવું કંઈ પણ રહ્યું ન હતું. તેથી, મેં અમુક સમય માટે ફળો અને માંસ વેચવાનું શરૂ કર્યું. મેં રૂ, દ્રાક્ષ અને પશુઓ માટેના ઘાસની પણ ખેતી કરી અને જાતે જમીનમાં પાણી સિંચતો. અમુક લોકો મને બધા કામોમાં પાવરધો કહેતા હતા. મારી મમ્મી હંમેશાં અમને ઉત્તેજન આપતી કે આપણી પાસે તો પરમેશ્વરના જ્ઞાનનું ધન છે, જે બહુ ઓછા લોકો પાસે છે. આમ, હું બદલાતા સંજોગો પ્રમાણે રહેતા શીખ્યો. હવે હું લગભગ ૨૫ વર્ષથી પાયોનિયરીંગ કરું છું. દિવસે દિવસે મને એ જાણીને ઘણો આનંદ થાય છે કે મેં જીવનમાં યહોવાહની સેવા કરવાનો સૌથી સારો માર્ગ પસંદ કર્યો છે.”

બાઇબલ આપણને જણાવે છે કે “આ જગતનો ડોળદમાક જતો રહે છે.” તેથી, એ આપણને અરજ કરે છે: ‘આનંદ કરનારા હવે આનંદ નહિ કરનારા જેવા થાય; વેચાતું લેનારાઓ, પોતાની પાસે કશું નહિ રાખનારા જેવા થાય; અને આ જગતનો વહેવાર કરનારાઓ, જગતના વહેવારમાં તલ્લીન થઈ ગએલા જેવા ન થાય.’—૧ કોરીંથી ૭:૨૯-૩૧.

તો પછી, તમે કઈ રીતે જીવન જીવો છો એની તપાસ કરો. જો તમારા સંજોગોને લીધે તમારી પાસે બહુ ઓછું હોય તો, ધ્યાન રાખો કે તમે બીજાઓની અદેખાઈ ન કરો. તેમ જ, તમારી પાસે જે કંઈ પણ માલ-મિલકત હોય એને તમારા જીવનમાં પ્રથમ ન મૂકો, જેથી તમે એના દાસ ન બનો. પ્રેષિત પાઊલે સલાહ આપી તેમ, આપણી આશા “ધન જેવી ક્ષણિક બાબતો પર નહિ પણ આપણા ઉપયોગને માટે સર્વ કંઈ ઉદારતાથી આપનાર ઈશ્વર પર” હોવી જોઈએ. તમે આમ કરશો તો, તમે કહી શકશો કે હું પણ સંતોષી છું.—૧ તીમોથી ૬:૧૭-૧૯, પ્રેમસંદેશ.

[પાન ૯ પર ચિત્ર]

પાઊલે બીજાઓ પર બોજ ન બનવા માટે જાતે મહેનત કરી

[પાન ૧૦ પર ચિત્ર]

લાખો લોકો ‘સંતોષસહિતના ભક્તિભાવથી’ જીવનમાં સુખી છે