સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“બીશો નહિ, તેમ ગભરાશો પણ નહિ”

“બીશો નહિ, તેમ ગભરાશો પણ નહિ”

“બીશો નહિ, તેમ ગભરાશો પણ નહિ”

“બીશો નહિ, તેમ ગભરાશો પણ નહિ . . . યહોવાહ તમારી સાથે છે.”—૨ કાળવૃત્તાંત ૨૦:૧૭.

૧. આતંકવાદે લોકોમાં કેવો ડર ફેલાવ્યો છે અને એનું શું પરિણામ આવ્યું છે?

 આતંકવાદ! એ શબ્દ સાંભળતા જ ઘણાના રુવાંટાં ઊભા થઈ જાય છે. એ શબ્દ સાંભળીને ઘણાના હાંજા ગગડી જાય છે, અમુક તો લાલપીળા થઈ જાય છે. હવે ઘણા લોકો એમ માને છે કે, આતંકવાદ જગતના ખૂણે ખૂણે ફેલાઈ જશે. ઘણા દેશો વર્ષોથી આતંકવાદ સામે લડી રહ્યા છે. પણ તેઓ ભાગ્યે જ એમાં સફળ થયા છે. બસ, તેઓ આ રીતે બીકનાં માર્યા જ રહે છે.

૨. આજે ચારે બાજુ આતંકવાદનો ડર છવાયેલો છે, તોપણ યહોવાહના સાક્ષીઓ શું માને છે? કેવા પ્રશ્નો ઊભા થાય છે?

આટલો ખરાબ સમય છે છતાં, યહોવાહના સાક્ષીઓને આશા છે કે સારો વખત આવશે જ. તેથી તેઓ ૨૩૪ દેશોમાં પ્રચાર કરે છે. આતંકવાદથી ડરવાને બદલે તેઓ માને છે કે થોડા જ સમયમાં આતંકવાદનું નામનિશાન મટી જશે અને જલદી જ સારો વખત આવશે. શું તેઓ જે માને છે એ સાચું છે? આ જગતમાં કોણ શાંતિ લાવી શકે? અને લાવે તોપણ કઈ રીતે? આપણને બધાને શાંતિમાં રહેવું ગમે છે ખરું ને? તેથી ચાલો આપણે જોઈએ કે સારો વખત આવે એની શું ખાતરી છે.

૩. આજે શા માટે લોકો શાંતિથી જીવી શકતા નથી અને બાઇબલમાં આ સમય વિષે શું લખેલું છે?

આતંકવાદ સીવાય આજે ઘણા લોકો બીજી અનેક મુસીબતોથી હેરાન થાય છે. દાખલા તરીકે, વૃદ્ધ વ્યક્તિઓ ખૂબ વ્યાધિ કરતા હોય છે કે તેઓનું કોણ ધ્યાન રાખશે. બીજા ઘણા લોકો અનેક જાતની બીમારીથી પીડાતા હોય છે. ઘણાને રોજીરોટી મળતી નથી. અરે, આપણું ફૂલ જેવું જીવન પણ ક્યારે કરમાઈ જાય એની કોને ખબર છે? ઘણા લોકો ઍક્સિડન્ટમાં અચાનક જીવન ગુમાવી દે છે. એ ઉપરાંત, ઘણા પોતાના દુઃખમાં ડૂબેલા હોય છે. ખરેખર, પાઊલે કહ્યું હતું એવો જ આ જમાનો છે: ‘પણ છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે, એ વાત ધ્યાનમાં રાખ. કેમકે માણસો સ્વાર્થી, નિંદક, માબાપનું સન્માન નહિ રાખનારા, ક્રૂર, બટ્ટા મૂકનારા, સંયમ ન કરનારા, નિર્દય’ હશે. શું આજે આપણને આવું જ જોવા મળતું નથી?—૨ તીમોથી ૩:૧-૩.

૪. ૨ તીમોથી ૩:૧-૩માં દુઃખના દહાડા વિષે જણાવે છે, તોપણ આપણે કેવી આશા રાખીયે છીએ?

બાઇબલ દુઃખના દિવસો વિષે જણાવે છે. તેમ છતાં, બાઇબલ એ પણ બતાવે છે કે સુખના દિવસો પાછા જરૂર આવશે. હા, ખુદ ઈશ્વરનું રાજ્ય સુખના દિવસો લાવશે. ઈસુએ પણ તેમના શિષ્યોને એ રાજ્ય વિષે પ્રાર્થના કરવાનું શીખવ્યું હતું. (માત્થી ૬:૯, ૧૦) એ રાજ્ય સ્વર્ગમાંથી રાજ કરશે અને એનો “નાશ કદી થશે નહિ.” પ્રબોધક દાનીયેલ જણાવે છે ઈશ્વરનું રાજ્ય મનુષ્યોના “રાજ્યોને તોડીને ભૂકો કરી નાખશે પણ પોતે હમેશને માટે અવિનાશી રહેશે.”—દાનિયેલ ૨:૪૪, IBSI.

યહોવાહના સેવકો શાંત રહે છે

૫. આતંકવાદીઓનો હુમલો થયા પછી ઘણા દેશોએ શું કર્યું?

દાયકાઓથી આતંકવાદે હજારો લોકોના જીવન ભરખી લીધા છે. પરંતુ સપ્ટેમ્બર ૧૧, ૨૦૦૧ના રોજ ન્યુ યોર્કમાં અને વોશિંગ્ટન ડી.સી.માં આતંકવાદી હુમલો થયો ત્યારથી આખું જગત એનાથી થથરે છે. આતંકવાદના ખતરા વિષે પહેલી વાર દુનિયાની આંખ ઊઘડી અને બધા દેશોએ મળીને એનો અંત લાવવાનું નક્કી કર્યું. દાખલા તરીકે, એક અહેવાલ જણાવે છે કે, ડિસેમ્બર ૪, ૨૦૦૧ના રોજ “યુરોપ, એશિયા અને ઉત્તર અમેરિકાના કુલ ૫૫ દેશોના મંત્રીઓ ભેગા થયા હતા.” તેઓએ આતંકવાદનો અંત લાવવાનું નક્કી કર્યું. અમેરિકાના એક વડાએ કહ્યું કે “આ બહુ જ સારું કહેવાય.” પછી તો બીજા અસંખ્ય લોકોએ આતંકવાદની આગને ઓલવી દેવાનો નિર્ણય લીધો. એ વિષે ધ ન્યુ યોર્ક ટાઈમ્સ મૅગેઝિન જણાવે છે કે ‘ધર્મને નામે જે ધતિંગ થાય છે એને હવે વધારે ચલાવી નહિ લેવાય.’ આ જગતમાં શાંતિ લાવવાના આ બધા પ્રયત્નો કેટલા સફળ થાય છે, એ તો હજુ જોવાનું બાકી જ છે. હવે તો આતંકવાદીઓ પણ વધારે છંછેડાયા છે. આ જાણીને ઘણાના મનમાં બીક પેસી ગઈ છે. પરંતુ યહોવાહના સાક્ષીઓને કોઈ ડર નથી લાગતો. કેમ કે તેઓ ફક્ત યહોવાહમાં ભરોસો મૂકે છે.

૬. (ક) યહોવાહના સાક્ષીઓ રાજકારણમાં કોઈ ભાગ નથી લેતા, એ સમજવું કેમ ઘણાને અઘરું લાગી શકે? (ખ) રાજનીતિની બાબતમાં ઈસુએ તેમના શિષ્યો માટે કેવો દાખલો બેસાડ્યો?

યહોવાહના સાક્ષીઓ રાજકારણમાં કોઈ ભાગ લેતા નથી. ઘણા લોકોને એ વિષે ખબર છે. જોકે, દેશમાં કોઈ જાતની આફત ન આવે ત્યારે શાંત રહેવું સહેલું છે. પરંતુ જો દેશમાં કોઈ આફત આવી પડે અથવા કોઈ હુમલો કરે તો, લોકો માટે આ રીતે શાંત રહેવું સહેલું નથી. એવા વખતે મોટે ભાગે લોકો દેશપ્રેમી બની જાય છે. અંધાધૂંધીના સમયે ઘણા લોકો સમજી નહિ શકે કે શા માટે સાક્ષીઓ તેઓ સાથે જોડાતા નથી. ભલે આકાશ પાતાળ એક થઈ જાય, પણ સાચા ખ્રિસ્તીઓ ઈસુની સલાહને વળગી રહે છે. તેથી, તેઓ “જગતના નથી” એટલે કે તેઓ આ જગતના રાજકારણમાં કોઈ પણ રીતે ભાગ લેતા નથી. (યોહાન ૧૫:૧૯; ૧૭:૧૪-૧૬; ૧૮:૩૬; યાકૂબ ૪:૪) ઈસુએ પોતે આ બાબતમાં સારો દાખલો બેસાડ્યો હતો. તેમનામાં ઘણી આવડત હતી. જો તે ચાહત તો તે રાજા કે પ્રાઈ-મિનીસ્ટર બનીને સમાજમાં ઘણો સુધારો લાવી શક્યા હોત. પરંતુ તેમણે એવું કંઈ કર્યું નહિ. ઈસુએ પ્રચાર કરવાનું શરૂ કર્યું ત્યારે, શેતાને તેમને આ જગતના બધા દેશોના રાજા બનવાની લાલચ આપી હતી. પરંતુ, ઈસુએ ચોખ્ખી ના પાડી. બીજા કિસ્સામાં લોકો ઈસુને રાજા બનાવવા માગતા હતા, તોપણ, તેમણે ના જ પાડી.—માત્થી ૪:૮-૧૦; યોહાન ૬:૧૪, ૧૫.

૭, ૮. (ક) યહોવાહના સાક્ષીઓ શેને ટેકો નથી આપતા અને શા માટે? (ખ) શા માટે સાક્ષીઓ સરકાર સામે નથી જતા? રૂમીઓને પત્ર ૧૩:૧, ૨ જુઓ.

યહોવાહના સાક્ષીઓ રાજકારણમાં કોઈ ભાગ લેતા નથી, અને તેઓ હિંસા અને મારામારીને ટેકો આપતા નથી. તેઓને મારામારી જરાય પસંદ નથી કેમ કે, તેઓ તો “પ્રેમ તથા શાંતિ આપનાર” પરમેશ્વરના સેવકો છે. (૨ કોરીંથી ૧૩:૧૧) તેઓને ખબર છે કે યહોવાહ મારામારીને નફરત કરે છે. બાઇબલ જણાવે છે: “યહોવાહ ન્યાયીઓને પારખે છે; પણ દુષ્ટ તથા જુલમીથી તે કંટાળે છે.” (ગીતશાસ્ત્ર ૧૧:૫) સાક્ષીઓને, ઈસુએ પીતરને કહેલા શબ્દો પણ યાદ છે: “તારી તરવાર તેના મ્યાનમાં પાછી ઘાલ; કેમકે જેટલા તરવાર પકડે છે તેઓ સર્વ તરવારથી નાશ પામશે.”—માત્થી ૨૬:૫૨.

ઇતિહાસમાંથી જોવા મળે છે કે ઘણા લોકો ખ્રિસ્તી હોવાનો ઢોંગ કરતા, પણ પછી લડાઈમાં ભાગ લે છે. પરંતુ યહોવાહના સાક્ષીઓ લડાઈ-ઝગડામાં જરાય ભાગ લેતા નથી. તેઓ રાજકારણની કોઈ પણ બાબતોમાં પડતા નથી. તેઓ બાઇબલની આ સલાહને વળગી રહે છે: “દરેક માણસે મુખ્ય અધિકારીઓને [એટલે મનવી સરકારોને] આધીન રહેવું; કેમકે દેવના તરફથી ન હોય એવો કોઈ અધિકાર નથી; જે અધિકારીઓ છે તેઓ દેવથી નીમાએલા છે. એથી અધિકારીની સામે જે થાય છે તે દેવના ઠરાવની વિરૂદ્ધ થાય છે, ને જેઓ વિરૂદ્ધ થાય છે તેઓ પોતાને માથે દંડ વહોરી લેશે.”—રૂમીઓને પત્ર ૧૩:૧, ૨.

૯. કઈ બે રીતોએ યહોવાહના સાક્ષીઓ આતંકવાદ અને હિંસાનો ઇલાજ બતાવે છે?

આતંકવાદ બહુ જ ખરાબ છે. તો પછી, શું યહોવાહના સાક્ષીઓએ એને રોકવા માટે કંઈ કરવું ન જોઈએ? હા, તેઓએ જરૂર કંઈક કરવું જોઈએ અને તેઓ કરે પણ છે. સૌથી પહેલાં, તેઓ પોતે હિંસામાં કોઈ ભાગ લેતા નથી. બીજું, તેઓ દેશ-વિદેશના લોકોને બાઇબલમાંથી સત્ય શીખવે છે. ગયા વર્ષે તેઓએ ૧,૨૦,૨૩,૮૧,૩૦૨ કલાકો આ પ્રચાર કામમાં ગાળ્યા હતા. એ સત્ય શીખીને ઘણા લોકોએ મારામારી કરવાનું એકદમ છોડી દીધું છે. * તેઓએ આ સમય કંઈ નકામો બગાડ્યો ન હતો. પરંતુ, એને લીધે ૨,૬૫,૪૬૯ લોકો યહોવાહના સાક્ષીઓ બન્યા. તેઓએ જાહેરમાં બતાવ્યું કે તેઓ મારામારી અને હિંસાથી દૂર રહેશે.

૧૦. આ જગતની હિંસા અને આતંકનું નામનિશાન કઈ રીતે મટી શકે?

૧૦ યહોવાહના સાક્ષીઓને એ ખબર છે કે, તેઓ પોતે આ બધી ખરાબ બાબતોનો અંત લાવી શકતા નથી. તેથી તેઓ પોતાનો ભરોસો યહોવાહ પરમેશ્વરમાં મૂકે છે. (ગીતશાસ્ત્ર ૮૩:૧૮) માણસો ભલે ગમે એટલી કોશિશ કરે તોપણ, તેઓ પોતે એકલે હાથે કંઈ કરી શકે એમ નથી. બાઇબલ કહે છે કે આ જગતના ‘છેલ્લા દિવસોમાં,’ “દુષ્ટ માણસ તથા ધુતારાઓ ઠગીને તથા ઠગાઈને વિશેષ દુરાચાર કરતા જશે.” (૨ તીમોથી ૩:૧, ૧૩) આ કલમ આપણને બતાવે છે કે શાંતિ લાવવી એ માણસોના હાથમાં નથી. પરંતુ, પરમેશ્વર યહોવાહ જ હિંસા અને આતંકને હંમેશ માટે જડમૂળથી કાઢી શકે છે.—ગીતશાસ્ત્ર ૩૭:૧, ૨, ૯-૧૧; નીતિવચનો ૨૪:૧૯, ૨૦; યશાયાહ ૬૦:૧૮.

કોઈ હુમલો કરે તોપણ ડરો નહિ

૧૧. હિંસા અને મારામારીને જડમૂળથી દૂર કરવા યહોવાહે કયા પગલાં લીધાં?

૧૧ યહોવાહ પોતે શાંતિ ચાહે છે. તેથી, તે શેતાનનો નાશ કરી નાખશે. પણ કઈ રીતે? પહેલાં, યહોવાહે શેતાનને સ્વર્ગમાંથી કાઢી નાખ્યો છે. આ બનાવ વિષે બાઇબલ જણાવે છે: “આકાશમાં લડાઈ જાગી; મીખાએલ તથા તેના દૂતો અજગરની સાથે લડ્યા; અને અજગર તથા તેના દૂતો પણ લડ્યા; તોપણ તેઓ તેમને જીત્યા નહિ, ને તેઓને આકાશમાં ફરી સ્થાન મળ્યું નહિ. તે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો, એટલે તે જૂનો સર્પ જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે, જે આખા જગતને ભમાવે છે, તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો; અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા.” (પ્રકટીકરણ ૧૨:૭-૯) આ કલમમાં મિખાએલ દૂત, ઈસુ ખ્રિસ્ત પોતે જ છે, જેમને યહોવાહે રાજા બનાવ્યા છે.

૧૨, ૧૩. (અ) વર્ષ ૧૯૧૪ને કેમ ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે? (ખ) જેઓ યહોવાહના રાજ્યને ટેકો આપે છે તેઓ વિષે હઝકીએલની ભવિષ્યવાણી શું જણાવે છે?

૧૨ પરંતુ આ લડાઈ સ્વર્ગમાં ક્યારે થઈ? બાઇબલના ઇતિહાસની ગણતરી પ્રમાણે, એ સ્વર્ગની લડાઈ ૧૯૧૪માં થઈ હતી. ત્યારથી માંડીને આ જગતની હાલત દિવસે દિવસે બગડતી ગઈ છે. તેથી પ્રકટીકરણ ૧૨:૧૨ જણાવે છે કે, “ઓ આકાશો તથા તેઓમાં રહેનારાંઓ, તમે આનંદ કરો. પૃથ્વીને તથા સમુદ્રને અફસોસ! કેમકે શેતાન તમારી પાસે ઊતરી આવ્યો છે, ને તે ઘણો કોપાયમાન થયો છે, કેમકે તે જાણે છે કે હવે મારે માટે થોડો જ વખત રહેલો છે.”

૧૩ શેતાન ખાસ કરીને યહોવાહના અભિષિક્ત લોકો પર ગુસ્સે થયો છે. વળી, શેતાન “બીજાં ઘેટાં” એટલે કે જે લોકો પૃથ્વી પર હંમેશ રહેવાના છે, તેઓ પર કોપાયમાન થયો છે. (યોહાન ૧૦:૧૬; પ્રકટીકરણ ૧૨:૧૭) જેઓ યહોવાહમાં પૂરો ભરોસો મૂકે છે, તેઓ પર હવે નજીકમાં શેતાનનો કોપ સળગી ઊઠશે. શેતાન ગમે તેમ કરીને આ હુમલો કરશે. એ હુમલાને હઝકીએલનો ૩૮મો અધ્યાય “માંગોગ દેશનો ગોગ” તરીકે જણાવે છે.

૧૪. ઘણી વખતે યહોવાહના સેવકોનું રક્ષણ કોણે કર્યું છે? શું તેઓ હંમેશાં એમ કરશે?

૧૪ શેતાનને સ્વર્ગમાંથી પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો ત્યારથી માંડીને, તેણે ઘણી વખત યહોવાહના સેવકો પર હુમલા કર્યા છે. પરંતુ દેશ-વિદેશની ઘણી સરકારોએ તેઓનું રક્ષણ કર્યું છે. એ વિષે પ્રકટીકરણ ૧૨:૧૫, ૧૬ ઘણી વિગતો આપે છે. પરંતુ બાઇબલ એ પણ જણાવે છે કે જ્યારે શેતાન યહોવાહના ભક્તો પર આખરી હુમલો કરશે ત્યારે, તેઓનું રક્ષણ કરવા કોઈ સરકાર નહિ આવે. આ જાણીને શું યહોવાહના સેવકોએ ડરવું જોઈએ? ના, જરાય નહિ!

૧૫, ૧૬. (ક) યહોવાહે તેમના લોકો અને યહોશાફાટને જે ઉત્તેજન આપ્યું, એમાંથી આપણને પણ કઈ રીતે ઉત્તેજન મળી શકે? (ખ) આપણા માટે યહોશાફાટ અને ત્યારના સેવકોએ કેવો દાખલો બેસાડ્યો?

૧૫ યહોવાહે જેમ રાજા યહોશાફાટનું રક્ષણ કર્યું હતું તેમ, તે પોતાના ભક્તોનું પણ રક્ષણ કરશે. એ વિષે બાઇબલ જણાવે છે: “તેણે કહ્યું, હે યહુદાહના તથા યરૂશાલેમના સર્વ રહેવાસીઓ, તથા હે યહોશાફાટ રાજા, તમે સર્વ સાંભળો; યહોવાહ તમને કહે છે, કે આ મોટા સૈન્યને લીધે તમારે બીવું નહિ કે ગભરાવું નહિ; કેમકે એ યુદ્ધ તમારૂં નથી, પણ દેવનું છે. . . . આ લડાઈમાં તમારે યુદ્ધ કરવું નહિ પડે; હે યહુદાહના તથા યરૂશાલેમના લોકો, સ્થિર થઈને ઊભા રહો, અને યહોવાહ તમારૂં કેવું રક્ષણ કરે છે તે જુઓ; બીશો નહિ, તેમ ગભરાશો પણ નહિ; કાલે નીકળીને તેઓની સામે જાઓ; યહોવાહ તમારી સાથે છે.”—૨ કાળવૃત્તાંત ૨૦:૧૫-૧૭.

૧૬ યહુદાહના લોકોને યહોવાહે કહ્યું કે તેઓને લડવાની કોઈ જરૂર નહિ પડે. એ જ રીતે, આજે યહોવાહના સેવકો પર શેતાન હુમલો કરશે ત્યારે, તેઓએ પણ કોઈ હથિયાર ઉપાડવું પડશે નહિ. એને બદલે, તેઓ ‘સ્થિર થઈને ઊભા રહેશે, અને યહોવાહ તેઓનું કેવું રક્ષણ કરે છે તે જોશે.’ જોકે, સ્થિર ઊભા રહેવાનો અર્થ એમ થતો નથી કે તેઓ કંઈ જ નહિ કરે. રાજા યહોશાફાટના સમયમાં લોકો સાવ સ્થિર ઊભા ન હતા. બાઇબલ જણાવે છે: “એ સાંભળીને યહોશાફાટે ભૂમિ સુધી મુખ નમાવીને નમન કર્યું; અને સર્વ યહુદાહ તથા યરૂશાલેમના રહેવાસીઓએ યહોવાહનું ભજન કરીને તેને સાષ્ટાંગ દંડવત્ર પ્રણામ કર્યા. . . . તેણે [યહોશાફાટે] લોકોને એ બોધ આપ્યા પછી, સૈન્યની આગળ ચાલતાં ચાલતાં યહોવાહની આગળ ગાયન કરનારાઓને, પવિત્ર વસ્ત્ર પહેરીને તેની સ્તુતિ કરનારાઓને, તથા, યહોવાહનો આભાર માનો કેમકે તેની કૃપા સદાકાળ ટકે છે, એ સ્તોત્ર ગાનારાઓને ઠરાવ્યા.” (૨ કાળવૃત્તાંત ૨૦:૧૮-૨૧) યહોવાહના આ ભક્તો પર હુમલો થયો ત્યારે પણ, તેઓ યહોવાહની સેવા કરવામાં પાછા પડ્યા ન હતા. તેઓએ આપણા માટે સરસ દાખલો બેસાડ્યો છે. જ્યારે ગોગ કે શેતાન આપણા પર હુમલો કરશે ત્યારે, આપણે પણ તેઓની જેમ યહોવાહની સેવા કરવાનું ચાલું જ રાખવું જોઈએ.

૧૭, ૧૮. (ક) શેતાનના હુમલાનો ડર રાખ્યા વગર યહોવાહના સેવકો શું કરે છે? (ખ) ખાસ કરીને યુવાનો માટે શું બહાર પાડવામાં આવ્યું હતું?

૧૭ ગોગ તેનો હુમલો કરે ત્યારે અને ત્યાર પછી પણ યહોવાહના સાક્ષીઓ, યહોવાહને વફાદાર રહેશે. તેઓને દેશ-વિદેશના લગભગ ૯૪,૬૦૦ મંડળોમાંથી રક્ષણ મળતું રહેશે. (યશાયાહ ૨૬:૨૦) ખરેખર, હિંમતથી યહોવાહને વફાદાર રહેવાનો આ જ સારો મોકો છે! ગોગ હુમલો કરશે એ જાણીને યહોવાહના સેવકો ડરતા નથી. એને બદલે તેઓ યહોવાહની સેવા કરવા બનતી બધી કોશિશ કરે છે.—ગીતશાસ્ત્ર ૧૪૬:૨.

૧૮ હજારો યુવાનો પોતાનો પૂરો સમય યહોવાહની સેવામાં ગાળે છે. આ રીતે તેઓ યહોવાહમાં ભરોસો બતાવે છે. પરંતુ, આ યુવાનો જીવનમાં શું કરી શકે છે? વર્ષ ૨૦૦૨ના મહાસંમેલનોમાં યુવાનો માટે એક ખાસ પત્રિકા બહાર પાડવામાં આવી હતી. એનો વિષય હતો, યુથ્સ—વોટ વીલ યુ ડુ વીથ યોર લાઈફ? યહોવાહના સર્વ સેવકો આવી સમયસરની માર્ગદર્શનની ખૂબ કદર કરે છે.—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૪, ૨૪, ૯૯, ૧૧૯, ૧૨૯, ૧૪૬.

૧૯, ૨૦. (ક) યહોવાહના સેવકો શા માટે ગભરાતા નથી? (ખ) હવે પછીના લેખમાં આપણે શેની ચર્ચા કરીશું?

૧૯ આ જગતની હાલત ભલે દિવસે દિવસે બગડતી જાય, તોપણ યહોવાહના સેવકો જરાય બીતા કે ગભરાતા નથી. તેઓ જાણે છે કે યહોવાહનું રાજ્ય મારામારી અને લડાઈ-ઝગડાને હંમેશ માટે જડમૂળથી કાઢી નાખશે. વળી, તેઓને ખૂબ દિલાસો મળે છે કે હિંસામાં જે નિર્દોષ લોકોએ જાન ગુમાવ્યા છે, યહોવાહ તેઓને પાછા જીવતા કરશે. તેઓમાંથી ઘણાને તો યહોવાહ વિષે પહેલી વાર શીખવવામાં આવશે. જેઓ યહોવાહ વિષે જાણતા હતા અને તેઓને સજીવન કરવામાં આવશે પછી, તેઓ પાછા યહોવાહની સેવા કરી શકશે.—પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫.

૨૦ ભલે ગમે તે થાય, પણ યહોવાહના સેવકો તરીકે આપણે રાજકારણમાં કે લડાઈમાં જરાય ભાગ લેવો ન જોઈએ. એમ કરવાથી આપણે ‘સ્થિર થઈને ઊભા રહીશું, અને યહોવાહ આપણું કેવું રક્ષણ કરે છે તે જોઈશું.’ હવે પછીનો લેખ બતાવશે કે આજે જગતમાં જે બની રહ્યું છે એ વિષે બાઇબલ કઈ રીતે વધારે પ્રકાશ પાડે છે.

[ફુટનોટ્‌સ]

^ જે લોકોએ સાક્ષી બનવા માટે મારામારી અને ઝગડા કરવાનું બંધ કરી દીધું છે, તેઓના દાખલા આ મેગઝીનમાં વાંચો: સજાગ બનો! જાન્યુઆરી ૨૦૦૦, પાન ૧૮; એપ્રિલ-જૂન ૨૦૦૩, પાન ૧૪; ચોકીબુરજ જાન્યુઆરી ૧, ૧૯૯૬, પાન ૬; ઑગસ્ટ ૧, ૧૯૯૮ પાન ૫

શું તમે સમજાવી શકો?

• આજે શા માટે ઘણા લોકો ગભરાય છે?

• યહોવાહના સાક્ષીઓ શા માટે જરાય ગભરાતા નથી?

• યહોવાહે હિંસા અને મારામારી દૂર કરવા માટે કયા પગલા લીધા છે?

• ગોગના હુમલાથી આપણે શા માટે ગભરાવું ન જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૩ પર ચિત્ર]

ઈસુએ રાજનીતિમાં ભાગ ન લઈને સરસ દાખલો બેસાડ્યો

[પાન ૧૬ પર ચિત્ર]

હજારો યુવાનો રાજીખુશીથી યહોવાહની સેવા કરે

[પાન ૧૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

UN PHOTO 186226/M. Grafman