“રાજા શલોમોનનાં વસ્ત્રો પણ આ ફૂલોના જેવાં સુંદર નહોતાં”
“રાજા શલોમોનનાં વસ્ત્રો પણ આ ફૂલોના જેવાં સુંદર નહોતાં”
દક્ષિણ આફ્રિકાના અનેક રસ્તાઓની કોરે તમને આ ચિત્રમાં છે એવા રંગબેરંગી સુંદર ફૂલો જોવા મળશે. એ ફૂલોનું નામ કોસમોસ છે, અને એ મૂળ દક્ષિણ અમેરિકાથી આવે છે. આ સુંદર ફૂલો જોઈને તમને ઈસુએ શીખવેલો એક બોધપાઠ યાદ આવી શકે. ઈસુના દિવસોમાં મોટા ભાગના લોકો ખૂબ ગરીબ હતા. તેઓ રોજ-બરોજની રોટી અને કપડાંની બહુ જ ચિંતા કરતા હતા.
એ કારણે ઈસુએ કહ્યું: “તમારાં વસ્ત્રો વિષે શા માટે ચિંતા કરો છો? ખેતરમાંના ફૂલોને નિહાળો. તેઓ શ્રમ કરતાં નથી કે પોતાને માટે વસ્ત્ર બનાવતાં નથી. તેમ છતાં અતિ વૈભવી રાજા શલોમોનનાં વસ્ત્રો પણ આ ફૂલોના જેવાં સુંદર નહોતાં.”—માથ્થી ૬:૨૮,૨૯, IBSI.
આપણે ચોક્કસ જાણતા નથી કે ઈસુ કેવા ફૂલો વિષે વાત કરતા હતા. પરંતુ, બોધ આપતી વખતે તેમણે ફૂલોને વનસ્પતિ સાથે સરખાવ્યા. ઈસુએ કહ્યું: “એ માટે ખેતરનું ઘાસ જે આજ છે, ને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે, તેને જો દેવ એવું પહેરાવે છે, તો, ઓ અલ્પવિશ્વાસીઓ, તમને શું એથી વિશેષ નહિ પહેરાવશે?”—માત્થી ૬:૩૦.
કોસમોસના ફૂલો મૂળ ઈઝરાયેલના નથી. તોપણ એનો ઉપયોગ કરીને ઈસુ સારો બોધ આપી શક્યા. તમે આ કોમળ ફૂલોને દૂરથી કે એકદમ નજીકથી જુઓ, એની સુંદરતા પર જરૂર મોહી પડશો. અનેક ફોટોગ્રાફરો અને કલાકારો આ ફૂલની સુંદરતામાં ડૂબી ગયા છે. એ જ કારણે ઈસુ કહી શક્યા કે “રાજા શલોમોનનાં વસ્ત્રો પણ આ ફૂલોના જેવાં સુંદર નહોતાં.”
પરંતુ, આપણે આ ફૂલોમાંથી શું શીખી શકીએ? આપણને પૂરી ખાતરી હોવી જોઈએ કે મુશ્કેલીઓમાં પણ ઈશ્વર આપણને રોજ-બરોજની ચીજો પૂરી પાડશે. ઈસુએ કહ્યું: “જો તમે ઈશ્વરના રાજ્યને પ્રથમ સ્થાન આપશો તો ઈશ્વર તમારી દરરોજની સર્વ જરૂરિયાતો [એટલે ખોરાક અને કપડાં] પૂરી પાડશે.” (લૂક ૧૨:૩૧, IBSI) હા, આપણે જીવનમાં ઈશ્વરના રાજ્યને પ્રથમ રાખીશું તો, ઘણા ફાયદા થાય છે. પરંતુ, ઈશ્વરનું રાજ્ય શું છે? અને એ માણસજાત માટે શું કરશે? બાઇબલમાંથી આના જવાબો મેળવવા, યહોવાહના સાક્ષીઓ તમને રાજી-ખુશીથી શીખવવા તૈયાર છે.