લોકો ચૅરિટીને દાન આપતા કેમ અચકાય છે?
લોકો ચૅરિટીને દાન આપતા કેમ અચકાય છે?
આપણે બધા જ જાણીએ છીએ કે ૨૦૦૧, સપ્ટેમ્બર ૧૧ના રોજ અમેરિકામાં શું થયું હતું. ન્યૂ યૉર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને વૉશિંગ્ટન ડી.સી. પર થયેલા હુમલાને કારણે ઘણા લોકો ઘાયલ થયા હતા. તેથી તેઓનું દુઃખ હળવું કરવા નાની મોટી અનેક ચૅરિટી સંસ્થાઓ મદદ આપવા આગળ આવી હતી. એ દુખીઆરાઓને મદદ કરવા માટે લોકોએ પૈસાનો વરસાદ વરસાવી દીધો હતો. લોકોએ ચૅરિટીને ૨.૭ અબજ ડૉલર આપ્યા હતા, જેથી ઇજા પામેલા કુટુંબોને જોઈતી મદદ આપી શકાય. જોકે એ પૈસા જોઈને ચૅરિટી સંસ્થાઓના દિલમાં ઊંડી અસર પડી હતી. એ મોટો હુમલો જોઈને લોકોના હૈયા પર કારમો ઘા લાગ્યો હતો. તેઓ મોતના મોંમાંથી બચી ગયેલાઓને બધી જ બાજુથી મદદ કરવા તલપાપડ હતા.
તેમ છતાં, જ્યારે લોકોને ખબર પડી કે પૈસા જોઈને મોટી મોટી ચૅરિટીઓની દાનત બગડી છે, ત્યારે ઘણાનાં મન તેઓ પ્રત્યે કડવાશથી ભરાઈ ગયાં હતાં. એમાંની એક ચૅરિટીને ૫૪.૬ કરોડ ડૉલર આપવામાં આવ્યા હતા. એ ચૅરિટીએ પોતાને જે પૈસા મળ્યા એમાંથી અડધા પૈસા જ હુમલામાં અસર પામેલાઓને મદદ કરવા વાપરવાનું નક્કી કર્યું હતું. બાકીના પૈસા તેઓએ બીજા કામ માટે રાખી મૂક્યા હતા. એ સાંભળીને લોકોનું લોહી ઊકળી ઊઠ્યું હતું. જોકે, એ ચૅરિટીનો ભાંડો ફૂટી ગયા પછી તેઓએ પોતાનો નિર્ણય બદલ્યો અને માફી માગી. એ વિષે એક પત્રકારે આમ કહ્યું: “લોકોનો વિશ્વાસ ઊઠી જાય પછી માફી માગવાનો શું અર્થ? હવે કોણ તેઓનો વિશ્વાસ કરશે!” શું તમે તેઓનો ભરોસો કરશો? ચૅરિટી પરથી શું તમારો પણ વિશ્વાસ ઊઠી ગયો છે?
ઉપયોગ કે દુરુપયોગ?
મોટા ભાગે લોકો માને છે કે ચૅરિટીમાં પૈસા આપવા જોઈએ. તેમ છતાં બધા જ એવું માનતા નથી. દાખલા તરીકે, ૨૦૦ વર્ષ પહેલાં એક અંગ્રેજ લેખક શમૂએલ જોનસને આમ લખ્યું હતું: “જો કોઈ કામ કરીને પૈસા લે તો, આપણે જાણીએ છીએ કે તે મહેનતના લે છે. પરંતુ જ્યારે ચૅરિટીને આપીએ છીએ ત્યારે આપણે જાણતા નથી કે એનો કેવી રીતે ઉપયોગ થશે.” જોકે આજે પણ ઘણા લોકો એવું જ માને છે. ખાસ કરીને જ્યારે એવું સાંભળવા મળે છે કે અમુક ચૅરિટીઓ પૈસાનો બગાડ કરે છે. પછી લોકોને તેઓનો ભરોસો કરવા જેવું કંઈ રહેતું નથી. ચાલો હવે આપણે બે અહેવાલો તપાસીએ.
અમેરિકાના સૅન ફ્રેન્સિસ્કોની એક ધાર્મિક ચૅરિટીના ડાયરેક્ટરે પૈસા પાણીની માફક વાપર્યા હતા. જેમ કે સુંદર દેખાવા માટે તેમણે પ્લાસ્ટિક સર્જરી કરાવી અને હોટલમાં જમવાનો અઠવાડિયાંના ૫૦૦ ડૉલરના હિસાબે, બે વર્ષનો ખરચો તેમણે એ ચૅરિટી પાસેથી માંગ્યો હતો. તેથી તેમને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યા હતા. એ જ રીતે બ્રિટનમાં એક મોટી ચૅરિટીએ ટીવી પ્રોગ્રામ ચલાવીને રોમાનિયામાં અનાથો માટે ઘરો બાંધવા પાંસઠ લાખ પાઉન્ડ ભેગા કર્યા હતા. એમાંથી તેઓએ નામ પૂરતા જ ૧૨ ઘરો
બાંધ્યાં અને બાકીના પૈસા ગાયબ થઈ ગયા હતા. એના વિષે જનતાને ખબર પડી ત્યારે એ ચૅરિટીને નીચું જોવું પડ્યું. લોકો એવું સાંભળ્યા પછી, દાન આપતા પહેલા બે વાર વિચારે છે.દાન કરવું કે નહિ?
એ ખરું છે કે અમુક લોકો દાનનો ગેરફાયદો ઉઠાવે છે. જો તેઓના કારણે આપણા દિલમાં દયાનો છાંટો ન રહે તો, એ કેટલું દુઃખદ કહેવાય. બાઇબલ કહે છે: “વિધવાઓની અને અનાથોની તેઓનાં દુઃખની વખતે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો એજ દેવની, એટલે બાપની, આગળ શુદ્ધ તથા નિર્મળ ધાર્મિકતા છે.” (યાકૂબ ૧:૨૭) જોકે, ઈસુના ખરા શિષ્યો ગરીબોને અને તંગીમાં આવી ગયેલાઓને આ રીતે મદદ આપવી પોતાનો ધર્મ માને છે.
તેમ છતાં, કદાચ તમારા મનમાં સવાલ થશે કે ‘મારે ચૅરિટી સંસ્થાને દાન કરવું જોઈએ કે પછી દુખીઆરાઓને જાતે જ મદદ આપવી જોઈએ?’ તેમ જ દુખીઆરાઓને કેવી રીતે મદદ કરવી જોઈએ? એ વિષે શું ઈશ્વરે કંઈ જણાવ્યું છે? એ સવાલોના જવાબ આપણને હવે પછીના લેખમાં મળશે.