શું યહોવાહના સેવકો—ધૂપ બાળી શકે?
શું યહોવાહના સેવકો—ધૂપ બાળી શકે?
પ્રાચીન ઇજિપ્તમાં બધા જ લોકો કહેતા કે, “ઈશ્વરને ખુશબૂ પ્યારી છે.” ખુશબોદાર ધૂપ વગર તો, તેઓ પૂજા પણ કરી શકતા ન હતા. તેઓ માનતા હતા કે મંદિરમાં અને ઘરે દેવ-દેવીઓને ધૂપ ચઢાવવામાં આવે તો જ, દેવો તેઓની સાથે રહેશે. તેથી, તેઓ કામ-ધંધાની જગ્યાએ પણ ધૂપનો ઉપયોગ કરતા. જો કે બીજા દેશોમાં પણ એવા જ રિવાજો હતા.
ધૂપ શું છે? કોઈ પણ સુગંધી પદાર્થને બાળવામાં આવે તો, એના ધુમાડાને ધૂપ કહેવાય છે. ધૂપ અને અગરબત્તી અનેક સુગંધી પદાર્થોમાંથી બનાવવામાં આવે છે. જેમ કે સુગંધી ગુંદર અને લોબાન, મસાલા, વૃક્ષની છાલ અને ફૂલોને ખાંડીને અમુક જાતની ખુશબૂ આપતો ધૂપ અને અગરબત્તી બનાવવામાં આવે છે.
પ્રાચીન સમયમાં ખુશબોદાર ધૂપ કે અગરબત્તી લોકપ્રિય હતી. તેથી, એ સોના જેટલી કીમતી હોવાથી લોકો એનો વેપાર કરતા. વેપારીઓ દૂર દૂરથી વસ્તુઓ વેચવા લાવતા. તમને કદાચ યાદ હશે કે યાકૂબના દીકરાઓએ પોતાના નાના ભાઈ, યુસફને ઇશ્માએલી વેપારીઓને વેચી દીધો હતો. જેઓ ‘ગિલઆદથી સુગંધીઓ, લોબાન તથા બોળ ઊંટ પર ઇજિપ્તમાં લઈ જતા હતા.’ (ઉત્પત્તિ ૩૭:૨૫) એ સમયે ધૂપની માંગ હોવાથી, વેપારીઓએ એશિયાથી યુરોપ સુગંધી પદાર્થો અને લોબાનનો વેપાર શરૂ કર્યો હતો.
જો કે આજે પણ ઘણા ધર્મો વિધિ કે પૂજામાં ધૂપ અથવા અગરબત્તી વાપરે છે. તેમ જ આજે ઘણા લોકો ઘરમાં સુગંધ અથવા ખુશબોદાર હવા માટે પણ ધૂપ-અગરબત્તી વાપરે છે. તેથી મનમાં સવાલ થાય છે કે, શું યહોવાહના સાક્ષીઓ ધૂપ-અગરબત્તી વાપરી શકે કે કેમ? આપણે જો એ વાપરીએ તો શું યહોવાહ પરમેશ્વરને ગમશે? ચાલો એના વિષે બાઇબલ શું જણાવે છે એ આપણે જોઈએ.
“યહોવાહને સારૂ પવિત્ર”
સદીઓ પહેલાં ઈસ્રાએલમાં ફક્ત યાજકો યહોવાહની ભક્તિમાં ધૂપ વાપરી શકતા હતા. એ વિષે મેકક્લિન્ટોક એન્ડ સ્ટ્રોંગનો સાયક્લોપેડિયા કહે છે: “ખરેખર એવું લાગે છે કે, યહુદીઓ ઈશ્વરને ભજવા અથવા અર્પણ ચડાવવા માટે જ ધૂપ બાળતા હતા. એ સિવાય બીજા કોઈ સમયે એ વાપરતા હોય એવું ક્યાંય જોવા મળ્યું નથી.”
પ્રાચીન ઈસ્રાએલીઓએ યહોવાહની ભક્તિ માટે કેવો ધૂપ વાપરવાનો હતો? એ વિષે યહોવાહે તેઓને ચાર જાતના સુગંધી પદાર્થોમાંથી આ પ્રમાણે ધૂપ બનાવવાનું જણાવ્યું હતું: ‘તું તારી પાસે સુગંધીદાર કરિયાણું લે, એટલે નાટાફ તથા શહેલેથ તથા હેલ્બનાહ, એ સુગંધીદાર કરિયાણું ચોખ્ખા લોબાન સુદ્ધાં લે; દરેકને સરખા તોલ પ્રમાણે લે; અને તેનો તું ધૂપ એટલે સુગંધી બનાવનારના હુન્નર મુજબ સુગંધી બનાવ, તે મીઠાનો પટ દીધેલું નિર્મળ તથા પવિત્ર હોય; અને તેમાંથી કેટલુંક ઝીણું ખાંડીને તું તેને મુલાકાતમંડપમાં, સાક્ષ્યકોશની આગળ મૂક.’ (નિર્ગમન ૩૦:૩૪-૩૬) જો કે ઘણા પંડિતોનું માનવું છે કે સમય જતાં યહુદી ધર્મગુરુઓએ મંદિરમાં વપરાતા ધૂપમાં બીજા પદાર્થો પણ ઉમેર્યા હતા.
યહોવાહના મંડપમાં અને પછીથી મંદિરમાં જે ધૂપ બાળવામાં આવતો હતો એ ફક્ત તેમની ભક્તિ માટે જ હતો. યહોવાહે કહ્યું: “જે ધૂપ તું બનાવે, તેના જેવી બનાવટનો તમે પોતાને વાસ્તે બનાવશો મા; તે તને યહોવાહને નિર્ગમન ૩૦:૩૭, ૩૮) યહોવાહે પસંદ કરેલી વેદી પર યાજકોએ દિવસમાં બે વાર ધૂપ બાળવાનો હતો. (૨ કાળવૃત્તાંત ૧૩:૧૧) તેમ જ, પ્રમુખ-યાજકે પ્રાયશ્ચિતના દિવસે મંદિરના પરમ-પવિત્ર ભાગમાં ધૂપ બાળવાનો હતો.—લેવીય ૧૬:૧૨, ૧૩.
સારૂ પવિત્ર હોય. તેના જેવો જે કોઈ સુંઘવાને માટે બનાવે, તે તેના સમાજમાંથી અલગ કરાય [તે નિશ્ચે માર્યો જાય].” (યહોવાહને એ પસંદ ન હતું કે સર્વ લોકો તેમને ધૂપ ચઢાવે. એક પ્રસંગે યાજકો ન હતા તેઓએ ગર્વથી ધૂપ ચઢાવ્યો ત્યારે, યહોવાહે તેઓને સજા કરી હતી. (ગણના ૧૬:૧૬-૧૮, ૩૫-૪૦; ૨ કાળવૃત્તાંત ૨૬:૧૬-૨૦) એવી જ રીતે, ઈસ્રાએલીઓના હાથ રક્તથી ભરેલા હતા છતાં, યહોવાહની સાથે સાથે તેઓ બીજા દેવ-દેવીઓને પણ ધૂપ ચઢાવતા હતા. યહોવાહને એ જરાય પસંદ ન હતું. તેથી યહોવાહે તેઓને કહ્યું કે, “ધૂપ તો મને ધિક્કારપાત્ર લાગે છે.” (યશાયાહ ૧:૧૩, ૧૫) તેમ છતાં, ઈસ્રાએલીઓએ યહોવાહની ઉપાસના વિષે બેદરકારી બતાવી. તેમ જ, તેઓએ મંદિરનાં બારણાં બંધ કરીને મનપસંદ વેદીઓ પર બીજા દેવ-દેવીઓને ધૂપ ચઢાવ્યો. (૨ કાળવૃત્તાંત ૨૮:૨૪, ૨૫) એટલું જ નહિ, પણ અમુક વર્ષો પછી યહોવાહને સારુ જે પવિત્ર ધૂપ હતો એ તેઓએ જૂઠા દેવોને ચઢાવ્યો અને તેઓ સાથે વ્યભિચાર કર્યો. આમ, જે રીતે તેઓ ભક્તિ કરતા હતા એનાથી, યહોવાહને ઘૃણા થતી હતી.—હઝકીએલ ૧૬:૨, ૧૭, ૧૮.
પ્રથમ સદીના ખ્રિસ્તીઓ અને ધૂપ
યહોવાહે ઈસ્રાએલીઓને તેમની ભક્તિ વિષે મુસા દ્વારા નિયમો આપ્યા હતા. એમાં યહોવાહે જણાવ્યું હતું કે ફક્ત યાજકો જ પવિત્ર ધૂપ ચડાવી શકે. પરંતુ, ખ્રિસ્તને જ્યારે ૩૩ની સાલમાં વધસ્તંભે ચઢાવીને મારી નાખવામાં આવ્યા ત્યારે એ નિયમ રદ થયો હતો. (કોલોસી ૨:૧૪) તેથી, એવું કંઈ જોવા મળતું નથી કે પ્રથમ સદીના ખ્રિસ્તીઓએ યહોવાહની સેવામાં ધૂપ ચઢાવ્યો હોય. એ વિષે મેકક્લિન્ટોક એન્ડ સ્ટ્રોંગનો સાયક્લોપેડિયા કહે છે: “એ ચોક્કસ છે કે [પ્રથમ સદીના ખ્રિસ્તીઓ] ક્યારેય ધૂપ બાળતા ન હતા. ફક્ત બીજા દેવ-દેવીઓને ભજતા લોકો જ ધૂપ બાળતા હતા. . . . જો કોઈ ફક્ત ચપટી ધૂપ પણ વેદી પર નાખે તો એ તેઓ માટે મૂર્તિપૂજા કહેવાતી.”
પહેલી સદીના રોમન લોકો રોમન સમ્રાટને “દેવ” માનતા હતા. તેથી, તેમની વેદી પર તેઓ ધૂપ બાળતા. પરંતુ, ખ્રિસ્તીઓ એમ કરવા બિલકુલ તૈયાર ન હતા. પછી ભલેને તેઓને મરણની સજા થાય. (લુક ૪:૮; ૧ કોરીંથી ૧૦:૧૪, ૨૦) પહેલી સદીમાં જો કોઈ ધૂપ બાળે તો, તેને મૂર્તિપૂજક ગણવામાં આવતો. તેથી, ખ્રિસ્તીઓ ધૂપ માટે વપરાતા સુગંધી પદાર્થોનો પણ વેપાર કરતા ન હતા.
આજે ધૂપ-અગરબત્તી વિષે શું?
આજે ધૂપ-અગરબત્તી ક્યાં વપરાય છે? ચર્ચના લોકો ઈસુનું છેલ્લું ભોજન કે ‘પ્રભુભોજન’ ઊજવે છે ત્યારે, અથવા બીજી કોઈ વિધિઓમાં તેઓ ધૂપ-અગરબત્તી વાપરે છે. તેમ જ, આજે એશિયન દેશોમાં અને ભારતમાં ઘણા લોકો ઘરમાં કે મંદિરમાં ધાર્મિક વિધિઓ કરતી વખતે ધૂપ-અગરબત્તી વાપરે છે. જો કોઈ ગુજરી ગયું હોય તો, તેના આત્માના રક્ષણ માટે તેનું કુટુંબ અગરબત્તી વાપરે છે. એ જ રીતે, ઘરમાં કોઈ દરદી હોય તો, ઘરમાં સારી સુગંધ લાવવા માટે પણ લોકો અગરબત્તી વાપરે છે.
જો કે આજે જેઓ ધાર્મિક નથી તેઓ પણ
ધૂપ-અગરબત્તી વાપરવા લાગ્યા છે. ઘણા લોકો યોગ, ધ્યાન કે મંત્રનો જપ કરતી વખતે ધૂપ કે અગરબત્તી કરે છે. એક પુસ્તક જણાવે છે કે લોકો ‘ખાસ ચમત્કારી શક્તિ પ્રાપ્ત કરવા અથવા પોતાના આત્માની અંદર જોવા ધ્યાન ધરે છે’ ત્યારે ધૂપ-અગરબત્તી વાપરે છે. તેમ જ લોકોનું કહેવું છે કે દુઃખનો ઇલાજ શોધવા અને “ઈશ્વર તમારામાં વસે” એ માટે પણ ધૂપ કરવો જોઈએ. શું આજે સાચા ખ્રિસ્તીઓ એવું કરી શકે?સાદા શબ્દમાં કહીએ તો, યહોવાહનો કોઈ સેવક જૂઠા ધર્મની એક પણ રીત અપનાવવા લાગે તો, તે યહોવાહની કૃપા ગુમાવી બેસશે! એ વિષે પ્રેષિત પાઊલે યશાયાહની ભવિષ્યવાણી ખ્રિસ્તીઓને લાગુ પાડીને અરજ કરી કે જૂઠા ધર્મોની મલિનતાથી દૂર રહો. તેમણે કહ્યું: “તમે તેઓમાંથી નીકળી આવો, અને અલગ થાઓ, એમ પ્રભુ [યહોવાહ] કહે છે, મલિન વસ્તુને અડકો મા; એટલે હું તમારો અંગીકાર કરીશ.” (૨ કોરીંથી ૬:૧૭; યશાયાહ ૫૨:૧૧) તેથી, આજે સાચા ખ્રિસ્તીઓ જૂઠી માન્યતાઓ અને જંતરમંતરથી દૂર રહેવા બનતું બધું જ કરે છે.—યોહાન ૪:૨૪.
જૂઠા ધર્મોમાં કે જંતરમંતર અને મેલીવિદ્યા કરનારાઓ ધૂપ-અગરબત્તી વાપરતા હોય છે. તો પછી, ઘરમાં સારી સુગંધ લાવવા માટે શું આપણે ધૂપ-અગરબત્તી ન વાપરી શકીએ? એવું જરૂરી નથી કે આપણે ન જ વાપરી શકીએ. (નીતિવચનો ૨૭:૯) જોકે ધૂપ કે અગરબત્તી વાપરતા પહેલાં આપણે પોતાને અમુક પ્રશ્નો પૂછવા જોઈએ. શું તમારી આસપાસ રહેતા લોકો તેઓની ધાર્મિક ક્રિયાઓમાં ધૂપ-અગરબત્તી વાપરે છે? તમારા વિસ્તારના લોકો શું એવું માને છે કે જંતરમંતર તથા મેલીવિદ્યા કરનારાઓ જ ધૂપ-અગરબત્તી વાપરે છે? કે પછી એ સિવાય પણ લોકો વાપરે છે?
તમે ધૂપ-અગરબત્તી વાપરવા ઇચ્છતા હોવ તો, એનાથી બીજાઓ પર કેવી અસર પડશે અને તમારું અંતઃકરણ ડંખશે કે કેમ એ પ્રથમ વિચારવું જોઈએ. (૧ કોરીંથી ૧૦:૨૯) પ્રેષિત પાઊલે રોમના ખ્રિસ્તી મંડળને જે લખ્યું હતું એ આપણને પણ લાગુ પડે છે. તેમણે લખ્યું: “તેથી જે બાબતો શાંતિકારક છે તથા જે વડે આપણે એકબીજામાં સુધારોવધારો કરી શકીએ એવી બાબતોની પાછળ આપણે લાગુ રહેવું. ખાવાને કારણે દેવનું કામ તોડી પાડો નહિ. બધું શુદ્ધ છે ખરૂં, પણ તે ખાવાથી જેને ઠોકર લાગે છે તે માણસને તે ભૂંડું છે. માંસ ન ખાવું, દ્રાક્ષારસ ન પીવો, અને બીજી જે કોઈ બાબતથી તારો ભાઈ ઠેસ ખાય છે, અથવા ઠોકરાય છે, અથવા નિર્બળ થાય છે તે ન કરવું એ તને ઘટારત છે.”—રૂમીઓને પત્ર ૧૪:૧૯-૨૧.
ધૂપ જેવી પ્રાર્થનાઓ
ઈસ્રાએલીઓ ધૂપ ચઢાવવાને યહોવાહને પ્રાર્થના કર્યા બરાબર ગણતા હતા. તેથી દાઊદ રાજાએ યહોવાહને પ્રાર્થના કરતાં કહ્યું: “આ મારી પ્રાર્થનાને તમારી તરફ ઊંચે ચઢતા ધૂપ સમાન માનો.”—ગીતશાસ્ત્ર ૧૪૧:૨.
પ્રાચીન સમયમાં યહોવાહના વફાદાર ઈસ્રાએલીઓ નામ પુરતો જ ધૂપ ચઢાવતા નહિ. યહોવહને ધૂપ ચઢાવવો એ તેઓ માટે ઘણું જ મહત્ત્વનું હતું. તેઓ યહોવાહના માર્ગદર્શન પ્રમાણે કાળજી રાખીને સુગંધી પદાર્થોમાંથી ધૂપ તૈયાર કરીને બાળતા હતા. જો કે આજે આપણે એમ કરતા નથી. તેમ છતાં, જે રીતે ધૂપ તૈયાર કરવામાં આવતો એની માફક જ આપણે સાચા દિલથી યહોવાહને પ્રાર્થના કરી શકીએ છીએ. એમ કરીશું તો, જે રીતે યાજકો મંદિરમાં યહોવાહને ખુશબોદાર ધૂપ બાળતા એવી આપણી પ્રાર્થનાઓ બનશે. બાઇબલ પણ આપણને ખાતરી આપતાં કહે છે: “પ્રામાણિકની પ્રાર્થનાથી તેને આનંદ થાય છે.”—નીતિવચનો ૧૫:૮.
[પાન ૨૯ પર ચિત્ર]
યહોવાહના મંડપમાં અને મંદિરમાં જે ધૂપ બાળવામાં આવતો એ પવિત્ર હતો
[પાન ૩૦ પર ચિત્ર]
જો ધૂપ કે અગરબત્તી ધ્યાન કે જંતરમંતર સાથે સંકળાએલી હોય તો, શું ખ્રિસ્તીઓ એ વાપરી શકે?