ઈસુનો પુરાવો આપતો પથ્થર
ઈસુનો પુરાવો આપતો પથ્થર
‘ઈસુના અસ્તિત્વનો પથ્થર પર કોતરેલો પુરાવો,’ એમ બિબ્લિકલ આર્કિઑલોજિ રિવ્યૂના કવર પર લખવામાં આવ્યું હતું (નવેમ્બર/ડિસેમ્બર ૨૦૦૨). એ લેખે ઈઝરાયેલમાંથી મળેલા ચૂનામાંથી બનાવેલા, હાડકાં મૂકવાના બૉક્સ વિષે જણાવ્યું. ઈસવી સન પૂર્વે પહેલી સદીથી ૭૦ની સાલના ટૂંકા સમયગાળામાં યહુદીઓ આવા બૉક્સનો ઉપયોગ કરતા હતા. પરંતુ, એ એક બૉક્સ શા માટે વધારે મહત્ત્વનું હતું? એના પર અરામી ભાષામાં લખાણ હતું. એ લખાણ શું હતું? વિદ્વાનો કે સ્કોલરોના કહેવા પ્રમાણે આ હતું: “યાકૂબ, યુસફનો દીકરો, ઈસુનો ભાઈ.”
બાઇબલ અનુસાર, નાઝરેથના ઈસુના ભાઈનું નામ પણ યાકૂબ હતું. તે મરિયમના પતિ, યુસફનો દીકરો હતો. ઈસુએ પોતાના વતનમાં પરમેશ્વર વિષે શીખવ્યું ત્યારે, લોકો મોંમાં આંગળા નાખી ગયા. તેઓએ કહ્યું: “શું એ સુતારનો દીકરો નથી? એની માનું નામ મરિયમ નથી શું? અને શું યાકૂબ તથા યુસફ તથા સીમોન તથા યહુદાહ તેના ભાઈઓ નથી? અને શું એની સઘળી બહેનો આપણી પાસે નથી?”—માત્થી ૧૩:૫૪-૫૬; લુક ૪:૨૨; યોહાન ૬:૪૨.
હાડકાં મૂકવાના પેલા બૉક્સ પરનું લખાણ ઈસુ નાઝારીને એકદમ મળતું આવે છે. ઉપર જણાવેલા યાકૂબ જો ઈસુના સાવકા ભાઈ જ હોય, તો એ “બાઇબલ સિવાય, ઈસુ વિષે જણાવતો આર્કિઓલોજિનો સૌથી જૂનો પુરાવો” હશે. એ પ્રમાણે બિબ્લિકલ આર્કિઑલોજિ રિવ્યૂના લેખક અને જૂના જમાનાના લખાણોના અધિકારી ઓન્ડ્રે લેમેરે કહ્યું. મૅગેઝિનના તંત્રી હર્શેલ શેન્કે જણાવ્યું કે આ બૉક્સ “એવું છે જેના પર ભરોસો કરી શકાય. તેમ જ, એવી વસ્તુ છે જે પૃથ્વી પર થઈ ગયેલા સૌથી મહાન માણસનો પુરાવો આપે છે.”
તેમ જ, એ બૉક્સ પરના લખાણમાંના ત્રણેય નામ પ્રથમ સદીમાં બહુ જ સામાન્ય હતા. તેથી, ઈસુ ખ્રિસ્તના કુટુંબ સિવાય પણ એવા કુટુંબ હતા કે જેમાં યાકૂબ, યુસફ અને ઈસુ જેવા નામ હતા. લેમેર એવું માને છે કે, “યરૂશાલેમમાં ૭૦ની સાલ પહેલાંની બે પેઢીઓમાં, . . . લગભગ ૨૦ વ્યક્તિઓ હતી કે જેઓને ‘યુસફના દીકરા અને ઈસુના ભાઈ યાકૂબ’ કહી શકાય.” તેમ છતાં, તેમને એવું લાગે છે કે હાડકાં મૂકવાના એ બૉક્સ પરના લખાણનો યાકૂબ, ઈસુ ખ્રિસ્તનો સાવકો ભાઈ હતો.
બીજા એક કારણના લીધે પણ કેટલાક માને છે કે લખાણનો યાકૂબ ઈસુ ખ્રિસ્તનો સાવકો ભાઈ હતો. આવા લખાણોમાં, મરનારના પિતાનું નામ લખવામાં આવે એ સામાન્ય હતું. તેમ છતાં, મોટે ભાગે ભાઈનું નામ લખાતું નહિ. આથી, કેટલાક સ્કોલરો માને છે કે આ ઈસુ કોઈ મહત્ત્વની વ્યક્તિ હોવી જોઈએ. કદાચ એ જ ઈસુ ખ્રિસ્ત, જેમણે ખ્રિસ્તી ધર્મની શરૂઆત કરી હતી.
શું હાડકાં મૂકવાનું બૉક્સ હકીકત છે?
આ હાડકાં મૂકવાનું બૉક્સ શું છે? એ સમયે વ્યક્તિ મરણ પામે, પછી એનું શરીર ગુફામાં સડવા દેવામાં આવતું. પછી તેના હાડકાંને એક બૉક્સમાં મૂકવામાં આવતા. યરૂશાલેમમાં આવા ઘણા બૉક્સ કબ્રસ્તાનેથી જ લૂંટી લેવામાં આવ્યા હતા. યાકૂબ વિષેના લખાણનું બૉક્સ ખોદકામ કરીને સંશોધન થતું હોય એવી જગ્યાએથી નહિ, પણ જૂની જૂની વસ્તુઓ વેચાતી હોય એવી બજારમાંથી મળી આવ્યું હતું. હાડકાં મૂકવાના આ બૉક્સને એક વ્યક્તિએ ૧૯૭૦ પછીના વર્ષોમાં ફક્ત થોડા ડૉલરમાં વેચાતું લીધું હતું. આથી, આ બૉક્સ મૂળ ક્યાંથી આવ્યું એની કોઈને ખબર નથી. બાર્ડ કૉલેજના પ્રોફેસર બ્રૂસ ચીલ્ટન કહે છે: “જો તમને ખબર ન હોય કે બૉક્સ ક્યાંથી મળ્યું અને એ ૨,૦૦૦ વર્ષથી ક્યાં હતું, તો તમે એ વસ્તુ અને એમાં જણાવેલી વ્યક્તિ વચ્ચે શું સંબંધ છે, એ ચોક્કસ કહી ન શકો.”
આ બૉક્સ વિષેની ચોક્કસ માહિતી ન હોવાના કારણે, ઓન્ડ્રે લેમેરે એને સર્વે માટે ઈઝરાયેલમાં મોકલ્યું. સંશોધકોએ બતાવ્યું કે આ બૉક્સ ઈસવી સન પહેલી કે બીજી સદીના ચૂનાના પથ્થરમાંથી બનાવવામાં આવ્યું હતું. તેઓના કહેવા પ્રમાણે “એના પર કોઈ મોર્ડન સાધનનો ઉપયોગ થયો નથી.” તોપણ, ધ ન્યૂ યૉર્ક ટાઇમ્સે બાઇબલ સ્કોલરોના ઇન્ટરવ્યૂ લીધા હતા, એના પરથી જણાવ્યું કે “બધા પુરાવા પ્રમાણે તો ઈસુ સાથે એ લખાણનો સંબંધ વધારે છે. પણ એ ફક્ત તેઓના મંતવ્યનો જ પુરાવો હતો.”
ટાઈમ મૅગેઝિને બતાવ્યું કે “કોઈ પણ ભણેલા-ગણેલા લોકો શંકા નહિ કરે, કે ઈસુ પૃથ્વી પર આવ્યા હતા.” તોપણ, ઘણા લોકોને લાગે છે કે ઈસુ વિષે બાઇબલ સિવાય બીજા પુરાવા હોવા જોઈએ. પરંતુ, શું આર્કિઓલોજીના પુરાવા જોઈને પછી જ વ્યક્તિએ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ મૂકવો જોઈએ? “આ પૃથ્વી પરના સૌથી મહાન માણસ” વિષેના ઇતિહાસનો કોઈ પુરાવો આપણી પાસે છે?
[પાન ૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
ડાબી બાજુ, યાકૂબનું બૉક્સ: AFP PHOTO/J.P. Moczulski; જમણી, વિવરણ: AFP PHOTO/HO