સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુ ખ્રિસ્ત—પૃથ્વી પર થઈ ગયા એના પુરાવા

ઈસુ ખ્રિસ્ત—પૃથ્વી પર થઈ ગયા એના પુરાવા

ઈસુ ખ્રિસ્ત—પૃથ્વી પર થઈ ગયા એના પુરાવા

આલ્બર્ટ આઈનસ્ટાઈન નામે એક માણસ હતા, એમ તમે માનો છો? તમે પટ દઈને કહેશો કે ‘હા.’ જોકે, આપણે તો તેમને મળ્યા નથી. તેમ છતાં, તેમણે કરેલી વૈજ્ઞાનિક શોધખોળ પુરવાર કરે છે કે તે એક જમાનામાં થઈ ગયા. આજે પણ તેમણે કરેલી શોધખોળનો ઉપયોગ કરીને તેમને યાદ કરાય છે. દાખલા તરીકે, આજે ઘણા લોકો અણુ શક્તિથી ઉત્પન્‍ન થતી વિજળીનો લાભ લે છે. એ આઈનસ્ટાઈનના પ્રખ્યાત સિદ્ધાંત પર આધારિત છે કે, કોઈ પણ પદાર્થની શક્તિનું માપ જાણવા માટે તેના વજન અને વીજળીની ગતિનો ગુણાકાર કરવો.

એવી જ રીતે, ઈસુ ખ્રિસ્ત વિષે પણ છે, જેમણે આપણા પર ઊંડી અસર કરી છે. ઈસુ વિષે જે લખાયું છે અને દુનિયામાં તેમની જે અસર આજે પણ દેખાય છે, એ જ તેમના વિષે જોરદાર પુરાવો આપે છે. અગાઉના લેખમાં જોઈ ગયા તેમ, યાકૂબ વિષે મળેલું લખાણ ધ્યાન ખેંચી લે એવું હોય શકે. પરંતુ, ઈસુ પૃથ્વી પર આવ્યા હતા, એ સાબિત કરવા આ કે એવી કોઈ બીજી પુરાણી વસ્તુઓની જરૂર નથી. ઈસુ અને તેમના શિષ્યો વિષે તો ઇતિહાસકારોએ જે લખ્યું એ જ પૂરતું છે.

ઇતિહાસકારો શું કહે છે?

પ્રથમ સદીના ઇતિહાસકાર ફ્લેવીઅસ જોસેફસનો વિચાર કરો, તે પોતે એક ફરોશી હતા. અગાઉના યહુદી રીતિરિવાજો (અંગ્રેજી) પુસ્તકમાં, તેમણે ઈસુ ખ્રિસ્ત વિષે જણાવ્યું. જોસેફસે પહેલી વાર ઈસુની મસીહ તરીકે ઓળખ આપી, એ વિષે કેટલાક શંકા ઉઠાવે છે. તેમ છતાં, યેશીવા યુનિવર્સિટીના પ્રોફેસર લૂઈ એચ. ફેલ્ડમેન કહે છે કે જોસેફસે બીજી વાર ઈસુ વિષે જણાવ્યું, એના વિષે લોકો ભાગ્યે જ શંકા કરે છે. બીજા લખાણમાં જોસેફસે કહ્યું: “[પ્રમુખ યાજક અન્‍નાસે] સાન્હેડ્રીનમાં ન્યાયાધીશોને ભેગા કર્યા અને તેમની સામે યાકૂબને લાવ્યા, જે ખ્રિસ્ત કહેવાતા ઈસુના ભાઈ હતા.” (અગાઉના યહુદી રીતિરિવાજો (અંગ્રેજી), XX, ૨૦૦.) હવે ફરોશીઓ તો ઈસુના કટ્ટર દુશ્મનો હતા. પરંતુ, તેઓમાંના એકે “યાકૂબના ભાઈ, ઈસુ” પૃથ્વી પર થઈ ગયા, એવું સ્વીકાર્યું.

ઈસુ પૃથ્વી પર હતા એનો પુરાવો તેમના શિષ્યોનાં કાર્યો પરથી પણ જોવા મળે છે. પાઊલ લગભગ ૫૯ની સાલમાં રોમમાં કેદ હતા ત્યારે, યહુદીઓના આગેવાનોએ તેમને કહ્યું: “આ પંથની વિરૂદ્ધ લોકો સર્વ સ્થળે બોલે છે એવું અમે જાણીએ છીએ.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૧૭-૨૨) તેઓએ ઈસુના શિષ્યોને ‘આ પંથના’ કહ્યા. જો દરેક જગ્યાએ તેઓના વિરુદ્ધ બોલવામાં આવતું હતું, તો ઈતિહાસકારો જરૂર એના વિષે લખશે, ખરું ને?

દુનિયાના જાણીતા ઇતિહાસકાર, ટેસીટસનો જન્મ પંચાવનની સાલમાં થયો હતો. તેમણે પોતાના લખાણ એનલ્સમાં ખ્રિસ્તીઓનો ઉલ્લેખ કર્યો. નીરોએ ૬૪ની સાલમાં રોમમાં ભડકી ઉઠેલી આગનો આરોપ ખ્રિસ્તીઓ પર મૂક્યો. ટેસીટસે લખ્યું: ‘નીરોએ ખ્રિસ્તીઓ પર એ માટે આરોપ મૂક્યો. એ કારણે ખ્રિસ્તીઓનો ધિક્કાર કરવામાં આવ્યો અને માની પણ ન શકાય એવો જુલમ તેઓ પર કરવામાં આવ્યો. ખ્રિસ્તી નામ મૂળ લેટિન ક્રિસ્તુસ એટલે કે મસીહ અથવા ખ્રિસ્ત પરથી આવે છે. ખ્રિસ્તને તીબેરિયસના રાજ્યમાં, રૂમી અધિકારી પોંતિયસ પીલાતે મરણની સજા આપી હતી.’ ટેસીટસની આ માહિતી બાઇબલમાં ઈસુ વિષે આપવામાં આવેલી માહિતી સાથે મળતી આવે છે.

ઈસુના શિષ્યો વિષે લખનાર બીજો એક લેખક હતો પ્લીની ધ યંગર. તે બિથુનીઆનો અધિકારી હતો. લગભગ ૧૧૧ની સાલમાં પ્લીનીએ રાજા ટ્રેજનને પત્ર લખ્યો. એમાં તેણે પૂછ્યું કે ખ્રિસ્તીઓનું શું કરવું. પ્લીનીએ લખ્યું, કે જેઓ ખ્રિસ્તી ન હતા, તેઓ દેવોને મંત્રો બોલશે અને ટ્રેજનના પૂતળાની ભક્તિ કરશે. આમ, તેઓ કોઈ પણ હિસાબે સાબિત કરશે કે પોતે ખ્રિસ્તી નથી. પ્લીની કહે છે: “કોઈ પ્રકારનું દબાણ ન હોવા છતાં, સાચા ખ્રિસ્તીઓ આવી કોઈ પણ વિધિમાં ભાગ લેતા નથી.” એ પુરાવો આપે છે કે ખ્રિસ્ત ખરેખર હતા, જેમના શિષ્યો તેમના માટે પોતાનો જીવ આપવા પણ તૈયાર હતા.

પ્રથમ બે સદીના ઇતિહાસકારોએ ઈસુ ખ્રિસ્ત અને તેમના શિષ્યો વિષે જે કહ્યું, એના પર વિચાર કર્યા પછી, ધ ન્યૂ એન્સાયક્લોપીડિયા બ્રિટાનીકા (૨૦૦૨નો અંક) કહે છે: “આ અલગ અલગ લખાણો પરથી સાબિત થાય છે, કે અગાઉના સમયમાં ખ્રિસ્તી ધર્મના દુશ્મનો પણ ઈસુ વિષે શંકા કરતા ન હતા. પરંતુ, ઈસુ વિષે કોઈ પૂરતી સાબિતી વગર પહેલી વાર ૧૮મી સદીના અંતે, ૧૯મી સદીમાં અને ૨૦મી સદીની શરૂઆતમાં શંકા ઊભી કરવામાં આવી.”

ઈસુના શિષ્યો શું કહે છે?

ધી એન્સાયક્લોપીડિયા અમેરિકાના કહે છે, “નવા કરારમાં ઈસુના જીવન વિષેના સર્વ પુરાવા મળી આવે છે. તેમ જ એમાં ઈસુ વિષે શરૂઆતના ખ્રિસ્તીઓ જે માનતા હતા એના પુરાવાઓ પણ મળે છે.” ટીકાકારો ઈસુ થઈ ગયા એના પુરાવા માટે બાઇબલને ન પણ સ્વીકારે. તોપણ, બાઇબલના બનાવો એ સાબિત કરે છે કે ઈસુ ખરેખર પૃથ્વી પર આવ્યા હતા.

આપણે અગાઉ જોયું તેમ આઈન-સ્ટાઈનના સિદ્ધાંતો પરથી તે થઈ ગયો એ સાબિત થાય છે. એવી જ રીતે, ઈસુનું શિક્ષણ પુરવાર કરે છે કે તે પૃથ્વી પર આવ્યા હતા. ઈસુના પહાડ પરના જાણીતા શિક્ષણનો વિચાર કરો. (માત્થી, અધ્યાય ૫-૭) એ શિક્ષણની લોકો પર કેવી અસર પડી? પ્રેષિત માત્થીએ લખ્યું: “લોકો તેના ઉપદેશથી અચરત થયા; કેમકે . . . જેને અધિકાર હોય છે, તેની પેઠે તે તેઓને ઉપદેશ કરતો હતો.” (માત્થી ૭:૨૮, ૨૯) સદીઓ સુધી લોકો પર થયેલી અસર વિષે પ્રોફેસર હાન્સ ડાઈટર બેટ્‌સે લખ્યું: “પહાડ પરના ઉપદેશની અસર ફક્ત યહુદી, ખ્રિસ્તીઓને કે પશ્ચિમના લોકોને જ થઈ ન હતી.” તેમણે ઉમેર્યું કે આ ઉપદેશે “આખા વિશ્વના લોકોને અસર કરી.”

ચાલો આપણે એ ઉપદેશમાંથી અમુક ઉદાહરણનો વિચાર કરીએ. “જે કોઈ તારા જમણા ગાલ પર તમાચો મારે, તેની તરફ બીજો પણ ફેરવ.” “માણસો તમને જુએ એવા હેતુથી તેઓની આગળ તમારાં ધર્મકૃત્યો કરવાથી સાવધાન રહો.” “આવતી કાલ પોતાની વાતોની ચિંતા કરશે; દહાડાને સારૂ તે દહાડાનું દુઃખ બસ છે.” “તમારાં મોતી ભૂંડોની આગળ ન ફેંકો.” “માગો, તો તમને અપાશે.” “જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તે તમે પણ તેઓને કરો.” “સાંકડે બારણેથી માંહે [અંદર] પેસો.” “તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો.” “હરેક સારૂં ઝાડ સારાં ફળ આપે છે.”—માત્થી ૫:૩૯; ૬:૧, ૩૪; ૭:૬, ૭, ૧૨, ૧૩, ૧૬, ૧૭.

તમે આમાંનાં કેટલાંક વચનો સાંભળ્યાં હશે. અરે, એના પરથી આપણી ભાષામાં કહેવતો પણ હોય. એ તો ઈસુએ પહાડ પર આપેલા ઉપદેશમાંથી છે. આ ઉપદેશની જોરદાર અસર દેશ-પરદેશના લોકો પર થઈ છે. એ જ પુરાવો આપે છે કે “મહાન શિક્ષક” ઈસુએ આ પૃથ્વી પર લોકોને શિક્ષણ આપ્યું હતું.

પરંતુ, માનો કે કોઈ ચાલાકીથી ઈસુ ખ્રિસ્ત નામની વ્યક્તિની વાર્તા બનાવી કાઢે. તેમ જ, એ વ્યક્તિ એટલી હોંશિયાર છે કે બાઇબલમાં જણાવેલા ઈસુનાં શિક્ષણ વિષેની બધી વાર્તા બનાવી કાઢે. તો શું એ ચાલાક વ્યક્તિ, ઈસુ અને તેમનું શિક્ષણ બધાના ગળે ઊતરી જાય એવી રીતે રજૂ નહિ કરે? પરંતુ, વધસ્તંભે જડાએલા ખ્રિસ્ત વિષેનો સંદેશો યહુદીઓ કે બિન-યહુદીઓને ગમતો ન હતો. તેથી, પ્રેષિત પાઊલે લખ્યું: “યહુદીઓ ચિહ્‍ન માગે છે અને ગ્રીક લોકો જ્ઞાન શોધે છે; પણ અમે તો વધસ્તંભે જડાએલા ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ, તે તો યહુદીઓને ઠોકરરૂપ, અને ગ્રીકોને મૂર્ખતારૂપ લાગે છે.” (૧ કોરીંથી ૧:૨૨-૨૩) તેમ છતાં, પ્રથમ સદીના ખ્રિસ્તીઓએ એ જ ખ્રિસ્ત વિષે લોકોને પ્રચાર કર્યો. વધસ્તંભે જડાયેલા ઈસુનું ચિત્ર શા માટે જોવા મળે છે? એનું એક જ જવાબ છે કે ગ્રીક શાસ્ત્રવચનના લેખકોએ ઈસુના જીવન અને મરણ વિષેનું સત્ય લખ્યું છે.

વળી, બીજો પણ એક જોરદાર પુરાવો છે. ઈસુના શિક્ષણનો પ્રચાર કરવા તેમના શિષ્યોએ શા માટે તનતોડ મહેનત કરી? ઈસુએ પ્રચાર કાર્ય શરૂ કર્યું, એના લગભગ ૩૦ વર્ષમાં જ પાઊલે કહ્યું કે “એ સુવાર્તા આકાશ તળેનાં સર્વ પ્રાણીઓને પ્રગટ થઈ છે.” (કોલોસી ૧:૨૩) ખરેખર, ઘણી સતાવણી છતાં ઈસુનું શિક્ષણ એ જમાનામાં બધી બાજુ ફેલાઈ ગયું. પોતે સતાવણી સહન કરનાર, પાઊલે લખ્યું: “જો ખ્રિસ્ત ઊઠ્યો નથી, તો અમારો ઉપદેશ વ્યર્થ છે, અને તમારો વિશ્વાસ પણ વ્યર્થ છે.” (૧ કોરીંથી ૧૫:૧૨-૧૭) જો મરણમાંથી સજીવન થયા ન હોય એવા ખ્રિસ્તનો પ્રચાર વ્યર્થ હોય. તો પછી, ખ્રિસ્ત જેવી કોઈ વ્યક્તિ જ ન હોય, તેમનો પ્રચાર તો વધારે વ્યર્થતા કહેવાય. પ્લીની ધ યંગરે કહ્યું તેમ, પ્રથમ સદીના ખ્રિસ્તીઓ ખ્રિસ્ત ઈસુને માટે જીવ આપવા પણ તૈયાર હતા. એ ખ્રિસ્તીઓએ જીવન જોખમમાં મૂક્યા, કેમ કે ઈસુ ખરેખર થઈ ગયા છે; માત્થી, માર્ક, લુક અને યોહાનની સુવાર્તા બતાવે છે તેમ તે આ પૃથ્વી પર જીવી ગયા છે.

શું તમે પુરાવો જોયો છે?

ખ્રિસ્તીઓએ પ્રચાર કરતા પહેલાં, ભરોસો કરવાનો હતો કે ઈસુ સજીવન થયા છે. આજે ઈસુના શિક્ષણની લોકો પર જોરદાર અસર થઈ રહી છે. એના પરથી તમે પણ સજીવન થયેલા ઈસુને, તમારી મનની આંખથી જોઈ શકો છો.

ઈસુને વધસ્તંભ પર મારી નાખ્યા, એના થોડા સમય પહેલાં જ, તેમણે મહત્ત્વની ભવિષ્યવાણી કરી. તેમણે એવી ભવિષ્યવાણી પણ કરી કે પોતે સજીવન થશે અને પરમેશ્વરના જમણા હાથે બેસશે. તે પોતાના દુશ્મનોને બદલો આપવાના સમયની રાહ જોશે. (ગીતશાસ્ત્ર ૧૧૦:૧; યોહાન ૬:૬૨; પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૪, ૩૫; રૂમીઓને પત્ર ૮:૩૪) પછી, તે શેતાન અને તેના ચેલાઓને સ્વર્ગમાં બહાર ફેંકી દેશે.—પ્રકટીકરણ ૧૨:૭-૯.

એ સર્વ ક્યારે બનવાનું હતું? ઈસુએ શિષ્યોને ‘તેમના આવવાની તથા જગતના અંતની નિશાની’ આપી. એ નિશાનીમાં તેમણે મોટી મોટી લડાઈઓ, ભૂખમરો, ધરતીકંપ, જૂઠા પ્રબોધકો, નિયમભંગ અને બીમારીઓ વિષે જણાવ્યું. આવી આફતો કેમ ન હોય, કેમ કે શેતાનને પૃથ્વી પર નાખ્યો, એટલે હવે ‘પૃથ્વીને અફસોસ’ છે. શેતાન “ઘણો કોપાયમાન થયો છે, કેમકે તે જાણે છે કે હવે મારે માટે થોડો જ વખત રહેલો છે.” વધુમાં, એ નિશાનીમાં ઈસુ રાજ્યના સુસમાચાર ‘સાક્ષીરૂપ થવા આખા જગતમાં પ્રગટ’ થવાની વાત પણ કરે છે.—માત્થી ૨૪:૩-૧૪; પ્રકટીકરણ ૧૨:૧૨; લુક ૨૧:૭-૧૯.

ઈસુએ જે ભવિષ્યવાણી કરી હતી, એ બધી જ આપણા સમયમાં પૂરી થઈ રહી છે. વર્ષ ૧૯૧૪માં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારથી, બધી નિશાનીઓ બતાવે છે કે ઈસુ પરમેશ્વરના રાજ્યના રાજા બન્યા છે. તે લોકોના જીવન પર ઊંડી અસર કરી રહ્યા છે. તમારા હાથમાંનું મૅગેઝિન પુરાવો આપે છે, કે આજે યહોવાહના રાજ્યનો પ્રચાર થઈ રહ્યો છે.

ઈસુ વિષે વધારે જાણવા તમારે પોતે બાઇબલ તપાસવું જોઈએ. કેમ નહિ કે યહોવાહના સાક્ષીઓને તમે એ વિષે વધારે માહિતી પૂછો?

[પાન ૫ પર ચિત્ર]

જોસેફસ, ટેસીટસ અને પ્લીની ધ યંગરે ઈસુ ખ્રિસ્ત અને તેમના શિષ્યો વિષે જણાવ્યું

[ચિત્રની ક્રેડીટ લાઈન]

ત્રણેય ચિત્રો: © Bettmann/CORBIS

[પાન ૭ પર ચિત્ર]

શરૂઆતના ખ્રિસ્તીઓને ઈસુ થઈ ગયા એવો પૂરો ભરોસો હતો