સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કોરિયાની અજોડ ભાષાનું ગ્રૂપ

કોરિયાની અજોડ ભાષાનું ગ્રૂપ

કોરિયાની અજોડ ભાષાનું ગ્રૂપ

યહોવાહના સાક્ષીઓ ૧૯૯૭ના ઉનાળામાં મોટા સંમેલન માટે ભેગા મળ્યા. અહીં ભેગા મળેલા લોકો શાંત પણ ઉત્સાહી હતા. કોરિયામાં આ સૌથી પહેલું સંમેલન હતું જે બહેરા અને મૂંગા લોકો માટે ભરવામાં આવ્યું હતું. એમાં ૧,૧૭૪ વ્યક્તિઓ આવી હતી. આખો કાર્યક્રમ કોરિયાની સાઇન લૅંગ્વેજ એટલે કે બહેરા અને મૂંગા લોકો સમજી શકે, એવી ઇશારાની ભાષામાં હતો. બધી જ ટોક, ઇન્ટર્વ્યૂં અને ડ્રામા હૉલના મોટા પડદા પર જોઈ શકાય, એ રીતે ગોઠવણ હતી. ભાઈઓની વર્ષોની મહેનત પછીનું આ પહેલું સંમેલન હતું. તેમ જ, દરેક ભાઈ-બહેનો પોતે ઉમંગથી મદદ કરવા તૈયાર હતા.

યહોવાહ જલદી જ નવી દુનિયા લાવનાર છે. એમાં જીવન મેળવવા, દરેકે પહેલા તો યહોવાહ પરમેશ્વરના સંગઠનમાં આવવું પડશે. એ માટે દરેકે યહોવાહ પાસેથી શીખવું જ જોઈએ. એમ કરવાથી તેઓ યહોવાહના આશીર્વાદોનો આનંદ માણશે. આવનાર નવી દુનિયામાં જેઓ હમણાં બહેરા કે મૂંગા છે, તેઓને પણ આશીર્વાદ મળશે. બાઇબલ કહે છે, કે નવી દુનિયામાં “બહેરાઓના કાન પણ ઉઘાડવામાં આવશે.” (યશાયાહ ૩૫:૫) તેથી, તેઓએ પણ પોતાનું સમર્પણ કરીને, યહોવાહના સાક્ષી તરીકે બાપ્તિસ્મા લેવું જોઈએ.—મીખાહ ૪:૧-૪.

શરૂઆત

જોકે, ૧૯૬૦ પછીના વર્ષોમાં જેઓ બહેરા હતા, તેઓને પ્રચાર કરવામાં આવ્યો. પરંતુ, છેક ૧૯૭૦ના વર્ષો પછી કોરિયાના સોલ શહેરમાં અમુક બહેરી વ્યક્તિઓએ યહોવાહના સાક્ષીઓની મિટિંગોમાં આવવાનું શરૂ કર્યું. એક ભાઈ ઝડપથી લખી શકતા હતા. તેથી, તે ટોકના મુખ્ય મુદ્દાઓ અને બાઇબલની કલમો બ્લેકબોર્ડ પર લખતા.

ટાઇજોન શહેરમાં, ૧૯૭૧માં એક ભાઈએ પોતાના બહેરા છોકરા અને તેના મિત્રોને બાઇબલનો સંદેશો શીખવવાનું શરૂ કર્યું. એ જ ગ્રૂપમાંથી ઘણા છોકરાઓ હવે સાઇન લૅંગ્વેજ એટલે કે ઇશારાથી બીજા મંડળોમાં શીખવી રહ્યા છે.—ઝખાર્યાહ ૪:૧૦.

ખુશીથી ભાગ લેતા યુવાનો

જેઓ બહેરા અને મૂંગા હોય, તેઓએ યહોવાહનો આશીર્વાદ મેળવવા, તેમના વિષે અને ઈસુ ખ્રિસ્ત વિષેનું જ્ઞાન લેવું જ જોઈએ. તેઓને એ જ્ઞાન આપવા યહોવાહના સાક્ષીઓ બનતા બધા જ પ્રયત્ન કરી રહ્યા છે. (યોહાન ૧૭:૩) કેટલાક યહોવાહના સાક્ષીઓ તો સાઇન લૅંગ્વેજ પણ શીખ્યા છે. એના તેઓને ભરપૂર આશીર્વાદો મળ્યા છે.

પંદર વર્ષના પાર્ક ઈનસેનનો વિચાર કરો. તેમણે સાઇન લૅંગ્વેજ શીખવાનું નક્કી કર્યું. એ માટે તેમણે એક એવી ફેક્ટરીમાં એપ્રેન્ટિસ તરીકે કામ શરૂ કર્યું, જ્યાં ૨૦ બહેરા મૂંગા લોકો પણ કામ કરતા હતા. પાર્કે આઠ મહિના તેઓની સાથે કામ કર્યું, એના પરથી તે ભાષા અને તેઓની વિચારવાની રીત શીખ્યા. પછીના વર્ષે તે નિયમિત પાયોનિયર બન્યા. તે જેઓની સાથે ફેક્ટરીમાં કામ કરતા હતા, એ બહેરા અને મૂંગા લોકોમાંથી ઘણાને બાઇબલ વિષે શીખવું હતું. ધીમે ધીમે રવિવારની મિટિંગમાં ૩૫ જેટલા આવવા લાગ્યા.—ગીતશાસ્ત્ર ૧૧૦:૩.

આ રીતે, સોલ શહેરમાં સૌથી પહેલી સાઇન લૅંગ્વેજની મિટિંગ રાખવામાં આવી. આ વધતા જતા ગ્રૂપમાં ભાઈ પાર્ક ઈનસેન ખાસ પાયોનિયર તરીકે જોડાયા. હવે તેમને સાઇન લૅંગ્વેજ સારી રીતે આવડતી હતી. તેથી, અમુક મહિનાઓમાં જ, તેમણે ૨૮ વ્યક્તિઓ સાથે બાઇબલ અભ્યાસ કર્યો. તેઓમાંના ઘણાએ યહોવાહના સાક્ષી તરીકે બાપ્તિસ્મા લીધું.

આ ઉત્સાહી ભાઈબહેનોના લીધે, ઑક્ટોબર ૧૯૭૬માં સોલમાં સૌ પ્રથમ સાઇન લૅંગ્વેજનું મંડળ શરૂ થયું. એમાં ૪૦ પ્રકાશકો અને બે ફૂલ-ટાઈમ પ્રચાર કરનારા હતા. એના લીધે, કોરિયાનાં બીજાં શહેરોને પણ ઉત્તેજન મળ્યું. બીજા ઘણા સાંભળી કે બોલી ન શકનારા લોકો આ સંદેશો સાંભળવા ચાહતા હતા.

ખાસ આવડતથી પ્રચાર કરવો

પરંતુ, આટલા બધા લોકો મળ્યા કઈ રીતે? મોટા ભાગે એકબીજાની ઓળખાણથી. જેમ કે ચોખાની દુકાનોના માલિકોએ અમુક નામ અને સરનામા આપ્યાં. તેમ જ, કેટલાક સરકારી અધિકારીઓએ પણ માહિતી આપી. સાંભળી અને બોલી ન શકતા હોય, એવા લોકોને પ્રચાર કરવાથી જુદી જુદી જગ્યાએ સાઇન લૅંગ્વેજનાં ચાર મંડળો શરૂ થયા. આમ ઘણા યુવાનોને આ ભાષા શીખવાનું ઉત્તેજન મળ્યું.

યહોવાહના સાક્ષીઓની બ્રાંચમાંથી સાઇન લૅંગ્વેજ શીખેલા સ્પેશિયલ પાયોનિયરોને આ મંડળોમાં મોકલવામાં આવ્યા. વળી, (મિનીસ્ટરીયલ ટ્રેનિંગ સ્કૂલ) સેવકાઈ તાલીમ શાળામાંથી ગ્રેજ્યુએટ થયેલા ભાઈઓને આ મંડળોમાં મોકલવામાં આવ્યા. જેથી તેઓ મંડળમાં દરેકને યહોવાહની સેવામાં પ્રગતિ કરવા મદદ કરી શકે.

તેમ છતાં, હજુ ઘણા પ્રોબ્લમ હતા. સાઇન લૅંગ્વેજમાં લોકોને શીખવવા તેઓની રીત-ભાતથી સારી રીતે જાણીતા હોવું ખૂબ જ જરૂરી છે. તેઓ વિચાર અને વર્તનમાં તદ્દન સાદા-સીધા હોય છે. એના લીધે લોકો ઘણી વાર તેઓને સમજવામાં ભૂલ કરી બેસે છે. વધુમાં, તેઓને બાઇબલમાંથી શીખવતા હોઈએ ત્યારે, તેમની પોતાની જ ભાષામાં તેઓ એક્સપર્ટ બને, એ માટે મદદ કરવી જરૂરી બને છે. બહુ જ અગત્યનું છે કે તેઓને પોતાની ભાષામાં વાંચવાનું અને અભ્યાસ કરવાનું ઉત્તેજન આપતા રહીએ.

આપણને ખબર હોતી નથી, પણ તેઓએ પોતાના રોજ-બ-રોજના સાદાં કામોમાં પણ ઘણી તકલીફો ઉઠાવવી પડે છે. સરકારી ઑફિસોમાં, દવાખાનાઓમાં વાતચીત કરતા, નાની મોટી ખરીદી કરતા પણ તેઓને ઘણી મુશ્કેલી પડે છે. પરંતુ, નજીકના મંડળના ભાઈ-બહેનોની મદદથી, આવા લોકોએ પણ સાચો ખ્રિસ્તી પ્રેમ જોયો છે.—યોહાન ૧૩:૩૪, ૩૫.

જ્યાં તક મળે ત્યાં પ્રચાર કરવો

કોરિયાની દક્ષિણમાં આવેલા મુખ્ય બંદર પુસાનમાં, યહોવાહના સાક્ષી ભાઈને બે વ્યક્તિઓ મળી કે જેઓએ કાગળ પર લખ્યું: “અમને પારાદેશ ગમે છે. અમે અનંતજીવન વિષે બાઇબલમાંથી વધુ શીખવા માંગીએ છીએ.” આ ભાઈએ તેઓનું સરનામું લીધું અને કહ્યું કે હું જરૂર તમને મળવા આવીશ. આ ભાઈ તેઓને મળવા ગયા ત્યારે, બાઇબલનો સંદેશો સાંભળવા આખો રૂમ ભરાઈ ગયો હતો. એ જોઈને આ ભાઈને સાઇન લૅંગ્વેજ શીખવાની તમન્‍ના જાગી. પુસાનમાં બહુ જલદી જ સાઇન લૅંગ્વેજમાં મંડળ શરૂ થયું.

આ મંડળના એક ભાઈએ બે વ્યક્તિઓને સાઇન લૅંગ્વેજમાં વાત કરતા જોયા. ભાઈએ તેઓ સાથે વાત કરી ત્યારે, ખબર પડી કે તેઓ એક ધાર્મિક મિટિંગમાં ગયા હતા. તેથી, ભાઈએ તેઓને એ જ બપોરે બે વાગે કિંગ્ડમ હૉલમાં થનારી મિટિંગ વિષે જણાવ્યું. તેઓ મિટિંગમાં આવ્યા અને બાઇબલ વિષે શીખવાનું શરૂ કર્યું. થોડા જ વખતમાં, એ બે વ્યક્તિઓ પોતાના ૨૦ મિત્રોને લઈને સંમેલનમાં ગયા. હવે તેઓમાંથી બે વ્યક્તિ વડીલ અને એક સેવકાઈ ચાકર છે. તેઓ સાઇન લૅંગ્વેજના મંડળમાં સેવા આપી રહ્યા છે. આ રીતે, બીજા ઘણા યહોવાહના સેવકો બન્યા છે.

મહેનતનાં ફળ મીઠાં

સાઇન લૅંગ્વેજમાં વાતચીત કરનારા કેટલાક મંડળથી દૂર રહેતા હતા. તેથી, તેઓને બાઇબલનું જ્ઞાન નિયમિત મળતું ન હતું. દાખલા તરીકે, એક ટાપુ પર રહેતા ૩૧ વર્ષના એક માછીમારને ઇશારાની ભાષા જ આવડતી હતી. તેણે પોતાના નાના ભાઈ પાસેથી બાઇબલનો સંદેશો સાંભળ્યો હતો. આ નાના ભાઈને યહોવાહના સાક્ષીઓ મળ્યા હતા. આ માછીમાર બાઇબલ વિષે શીખવા હોડીમાં ૧૬ કિલોમીટર મુસાફરી કરીને, કોરિયાના દક્ષિણ કિનારે આવેલા ટોંગયંગ સિટિમાં જતો હતો. ત્યાં તે સ્પેશિયલ પાયોનિયર ભાઈને મળતો, જે માસાન સિટિમાં આવેલા સાઇન લૅંગ્વેજના મંડળમાંથી આવતા હતા. દર સોમવારે, આ માછીમારને બાઇબલ શીખવવા માટે આ સ્પેશિયલ પાયોનિયર પણ ૬૫ કિલોમીટરની મુસાફરી કરતા હતા.

મિટિંગો માસાન સિટિમાં રાખવામાં આવતી હતી. તેથી, રવિવારની મિટિંગમાં જવા માટે, પેલા માછીમારને ૧૬ કિલોમીટર હોડીમાં અને બીજા ૬૫ કિલોમીટર બસમાં મુસાફરી કરવી પડતી હતી. છેવટે, તેને મહેનતનું ફળ મળ્યું. થોડા જ મહિનામાં, તેણે પોતાની સાઇન લૅંગ્વેજમાં સુધારો કર્યો. તેમ જ, કોરિયાની સાઇન લૅંગ્વેજની બારાખડી શીખ્યો. સૌથી મહત્ત્વનું તો, તે યહોવાહ સાથે ગાઢ સંબંધ બાંધવાનું પણ શીખ્યો. હવે તેને સમજાયું કે મિટિંગમાં આવવું ખૂબ જ જરૂરી છે. તેથી, તે પોતાની ભાષાનું મંડળ નજીક હોય એવી જગ્યાએ રહેવા ગયો. શું આમ કરવું તેના માટે સહેલું હતું? ના, જરાય નહિ. તેને દર મહિને ૩,૮૦૦ ડૉલરની કમાણી કરી આપતો માછીમારનો ધંધો છોડવો પડ્યો. પરંતુ, તેને ખૂબ જ આશીર્વાદ મળ્યો. તેણે બાપ્તિસ્મા લીધું અને હવે પોતાના કુટુંબ સાથે ખુશીથી યહોવાહની સેવા કરી રહ્યો છે.

સાઇન લૅંગ્વેજમાં ભાષાંતર

બાઇબલના સંદેશાનો પ્રચાર કરવામાં આવે છે. પરંતુ, બાઇબલના જ્ઞાનને બરાબર સમજી શકાય એ માટે કાયમી લખાણમાં હોવું જરૂરી છે. જેમ કે પહેલી સદીમાં, વડીલોએ પુસ્તકો અને પત્રો લખ્યા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૨-૩૧; એફેસી ૩:૪; કોલોસી ૧:૨; ૪:૧૬) એ જ રીતે, આજે પણ બાઇબલને લગતા સાહિત્ય દ્વારા પુષ્કળ જ્ઞાન આપવામાં આવે છે. આ સાહિત્યો લગભગ ૩૮૦ ભાષામાં ભાષાંતર થાય છે, જેમાં સાઇન લૅંગ્વેજ પણ આવે છે. કોરિયાની સાઇન લૅંગ્વેજમાં ભાષાંતર કરવા માટે, ત્યાં બ્રાંચમાં એક જુદો જ વિભાગ છે. એમાં વિડીયો ડિપાર્ટમેન્ટ સાઇન લૅંગ્વેજમાં વિડીયો તૈયાર કરે છે. એનાથી આખા કોરિયામાં લાભ થયો છે. જેઓ બાઇબલ શીખવા માંગતા હોય, કે એવા ભાઈબહેનો જેઓ બાઇબલનો સંદેશો સાઇન લૅંગ્વેજમાં લોકો સુધી પહોંચાડે છે, તેઓ દરેકને મદદ મળી રહી છે.

જોકે ઘણાએ સાઇન લૅંગ્વેજમાં એક્સપર્ટ બનીને વિડીયો તૈયાર કરવા મદદ કરી છે. તેમ છતાં, સૌથી સારું ભાષાંતર કરી જાણનાર તો બહેરા અને મૂંગા હોય, એવા માબાપનાં બાળકો જ છે. તેઓ નાનપણથી ઇશારાની ભાષા શીખે છે. તેથી, ઇશારામાં કઈ રીતે સમજાવવું એ તેઓ બરાબર જાણતા હોય છે. એટલું જ નહિ, તેઓ મોંના હાવભાવ પણ એવા કરી જાણે છે જે લોકોના દિલ પર ઊંડી અસર કરે છે. તેમ જ જ્યાં જરૂર હોય ત્યાં ભાર કઈ રીતે આપવો એ પણ તેઓ જાણે છે. આમ, તેઓ વ્યક્તિના મન અને હૃદય સુધી પહોંચી શકે છે.

આગળ જોઈ ગયા તેમ, હવે કોરિયામાં નિયમિત રીતે સાઇન લૅંગ્વેજમાં સંમેલનો થાય છે. તેથી, ઘણું કામ, ખર્ચ અને મહેનતની જરૂર પડે છે. તેમ છતાં, દરેક ભાઈ-બહેનો આ સંમેલનોની કદર કરે છે. આવા સંમેલનો પૂરા થાય પછી, ઘણા લોકો ત્યાં જ મોડે સુધી રહીને એકબીજાની સંગતનો આનંદ માણે છે. તેમ જ, સંમેલનમાં મળેલા શિક્ષણની કદર કરે છે. જો કે આવી અજોડ ભાષામાં કામ કરવાની મુશ્કેલીઓ તો પડે જ છે. પરંતુ, એ મહેનત પર યહોવાહના ઘણા જ આશીર્વાદો હોવાથી, એના ફળ મીઠાં છે.

[પાન ૧૦ પર ચિત્ર]

કોરિયામાં ઇશારાની ભાષામાં તૈયાર કરેલી વિડીયો: “દેવ આપણી પાસે શું માંગે છે?,” “યહોવાહે આપેલા વારસાની કદર કરવી,” “આપણા દિવસો માટે ચેતવણીરૂપ ઉદાહરણ,” અને “યહોવાહની ગોઠવણને માન આપો”

[પાન ૧૦ પર ચિત્ર]

નીચેથી ગોળાકારમાં: કોરિયા બ્રાન્ચમાં સાઇન લૅંગ્વેજમાં વિડીયો કૅસેટ તૈયાર થઈ રહી છે; ઇશારામાં દેવશાહી શબ્દો તૈયાર કરવા; સાઇન લૅંગ્વેજની ભાષાંતર ટીમ; વિડિયો તૈયાર કરતી વખતે ભાઈને મદદ કરવી