દરેકમાં સદ્ગુણો શોધો
દરેકમાં સદ્ગુણો શોધો
“હે મારા દેવ, મારા હિતને માટે તેનું સ્મરણ કર.”—નહેમ્યાહ ૧૩:૩૧.
૧. યહોવાહ કઈ રીતે દરેકને ભલાઈ બતાવે છે?
આખો ઉનાળો ધોમધખતા તાપમાં માનવ, પશુ-પંખી તોબા પોકારી ઊઠે છે. એવા સમયે ચોમાસાનો પહેલો પહેલો વરસાદ કેવી રાહત અને તાજગી આપે છે! એવી જ રીતે ઠંડા દેશોમાં, ઠંડી અને વાદળિયા વાતાવરણમાં જીવ કંટાળી જાય છે. પણ વાદળા પાછળથી સૂરજના કિરણો નીકળતા જ જાણે બધાના જીવમાં જીવ આવી જાય છે. વિશ્વને રચનાર, યહોવાહ પરમેશ્વરે એવી સુંદર મોસમની ભેટ આપણને આપી છે. ઈસુએ લોકોને શિક્ષણ આપતી વખતે, યહોવાહની ઉદારતા તરફ ધ્યાન દોર્યું: “તમે તમારા વૈરીઓ પર પ્રીતિ કરો, ને જેઓ તમારી પૂઠે લાગે છે તેઓને સારૂ પ્રાર્થના કરો; એ માટે કે તમે આકાશમાંના તમારા બાપના દીકરા થાઓ; કારણ કે તે પોતાના સૂરજને ભૂંડા તથા ભલા પર ઉગાવે છે, ને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ વરસાવે છે.” (માત્થી ૫:૪૩-૪૫) ખરેખર, યહોવાહ આપણને બધાને ભલાઈ બતાવે છે. યહોવાહની જેમ, આપણે પણ બીજાઓમાં સદ્ગુણો શોધતા રહીએ.
૨. (ક) યહોવાહ કઈ રીતે અપાર કૃપા બતાવે છે? (ખ) યહોવાહની કૃપાની આપણે શા માટે કદર કરવી જ જોઈએ?
૨ પહેલા માણસ આદમે પાપ કર્યું. આપણે આદમનાં બાળકો હોવા છતાં, યહોવાહ આપણામાં સદ્ગુણો જુએ છે. (ગીતશાસ્ત્ર ૧૩૦:૩, ૪) યહોવાહનો હેતુ છે કે એદન બાગના જેવું સુંદર જીવન આપણને આપે. (એફેસી ૧:૯, ૧૦) આદમને કારણે આપણે જે પાપ અને મોતની જંજીરમાં કેદ છીએ, એમાંથી છુટકારો અપાવવા યહોવાહે અપાર કૃપા બતાવી છે. (ઉત્પત્તિ ૩:૧૫; રૂમીઓને પત્ર ૫:૧૨, ૧૫) યહોવાહે ઈસુના બલિદાન દ્વારા કિંમત ચૂકવીને, આપણા માટે સંપૂર્ણ જીવન શક્ય બનાવ્યું છે. હવે એ આપણા પર છે કે આપણે કેટલી હદે એની કદર કરીએ છીએ. (૧ યોહાન ૩:૧૬) આપણે યહોવાહના પ્રેમને લીધે જે કંઈ કરીએ, એની તે કદર કરે છે: “દેવ તમારા કામને તથા તેના નામ પ્રત્યે તમે જે પ્રીતિ દેખાડી છે, . . . તેને વિસરે એવો અન્યાયી નથી.”—હેબ્રી ૬:૧૦.
૩. આપણે કયા પ્રશ્ન પર વિચાર કરવો જોઈએ?
૩ તો પછી આપણે કઈ રીતે યહોવાહની જેમ, બીજાઓમાં સારા ગુણો જોઈએ? ચાલો આપણે જીવનનાં ચાર પાસાનો વિચાર કરીએ: (૧) પ્રચાર કાર્યમાં, (૨) કુટુંબમાં, (૩) મંડળમાં અને (૪) બીજા સાથેના આપણા સંબંધમાં.
લોકોને સત્ય શીખવતી વખતે
૪. પ્રચાર કાર્ય વડે આપણે કઈ રીતે બીજાઓમાં સારું શોધીએ છીએ?
૪ ઈસુએ ખેતરનાં સારાં અને કડવા દાણાનું ઉદાહરણ આપ્યું. તેમના શિષ્યોએ એનો અર્થ પૂછ્યો ત્યારે, ઈસુએ કહ્યું કે “ખેતર જગત છે.” ઈસુના શિષ્યો તરીકે, આપણે પણ એ સમજીએ છીએ અને પ્રચાર કરીએ છીએ. (માત્થી ૧૩:૩૬-૩૮; ૨૮:૧૯, ૨૦) આપણે પ્રચાર કરીને આપણો વિશ્વાસ પ્રગટ કરીએ છીએ. આજે લોકો યહોવાહના સાક્ષીઓને ઘરે ઘરે અને રસ્તાઓમાં પ્રચાર કરનારા તરીકે ઓળખે છે. એ જ બતાવે છે કે આપણે સત્ય જાણવા માગતા લોકોની સારી રીતે શોધ કરીએ છીએ. ઈસુએ સૂચના આપી હતી: “જે જે નગરમાં કે ગામમાં તમે જાઓ, તેમાં યોગ્ય કોણ છે એની તપાસ કરો.”—માત્થી ૧૦:૧૧; પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૧૭; ૨૦:૨૦.
૫, ૬. શા માટે આપણે લોકોની વારંવાર મુલાકાત લઈએ છીએ?
૫ આપણે પ્રચારમાં જઈએ ત્યારે, ઘણા યહોવાહ વિષે સાંભળે છે, અને ઘણા નથી સાંભળતા. કોઈ વાર ઘરની એક વ્યક્તિ સાંભળતી હોય, પણ અંદરથી કોઈ બીજું કહેશે કે, ‘અમારે કંઈ જાણવું નથી.’ ખરેખર, જેને સાંભળવું હોય છે એ મુશ્કેલીમાં મૂકાય છે. એવા સંજોગોમાં આપણે કઈ રીતે તેઓમાં સદ્ગુણો જોઈ શકીએ?
૬ આપણે ફરીથી એ જ એરિયામાં જઈએ ત્યારે, કદાચ જેને કંઈ જાણવું ન હતું, એ જ વ્યક્તિને મળીએ. પહેલી મુલાકાતે જે થયું હતું, એનાથી આપણને તૈયાર રહેવા મદદ મળશે. એ વ્યક્તિએ આપણા વિષે કોઈ અફવાઓ સાંભળી હોય, જેના કારણે ના પાડી હોય શકે. પરંતુ, આપણે એ ઘરે પ્રચાર કરવાનું બંધ ન કરવું જોઈએ. એને બદલે, તેઓના મનમાં ઊભી થયેલી કોઈ પણ શંકા સમજી-વિચારીને દૂર કરવી જોઈએ. યહોવાહ વિષે જાણવા માટે, આપણે બધાને મદદ કરવા ચાહીએ છીએ. આપણે એવું વલણ રાખીશું તો, યહોવાહ જરૂર મદદ કરશે. —યોહાન ૬:૪૪; ૧ તીમોથી ૨:૪.
૭. સારી રીતે સંદેશો જણાવવા આપણને શું મદદ કરી શકે?
૭ ઈસુએ સૂચના આપતી વખતે જણાવ્યું હતું કે કુટુંબમાંથી વિરોધ થશે: ‘પુત્ર પોતાના પિતાની વિરુદ્ધ, પુત્રી પોતાની માતાની વિરુદ્ધ અને વહુ પોતાની સાસુની વિરુદ્ધ થાય તે માટે હું આવ્યો છું. માનવીના સૌથી કટ્ટર દુશ્મનો તો તેના કુટુંબીજનો જ બનશે.’ (માથ્થી ૧૦:૩૫, ૩૬, પ્રેમસંદેશ) જો કે સંજોગો અને સ્વભાવ બદલાઈ શકે છે. જેમ કે, કુટુંબમાં કોઈ બીમાર થઈ જાય, કોઈ મરણ પામે, કોઈ આફત આવી શકે. એવા કોઈ સંજોગોમાં લોકો પર આપણા સંદેશાની અલગ જ અસર પડે છે. પરંતુ જો પહેલેથી જ કહીએ કે ‘એ લોકો તો કંઈ સાંભળે એવા નથી,’ તો શું ખરેખર આપણે તેઓમાં સારું શોધી રહ્યા છીએ? એક વાર ન સાંભળે તો, બીજી કોઈ વાર સાંભળશે એમ માનીને આપણે પ્રચાર કાર્યનો આનંદ માણીએ. અમુક વખત આપણે શું કહીએ એનાથી નહિ પણ આપણે કેવી રીતે કહીએ છીએ, એનાથી લોકો પર અસર પડી શકે છે. ખાસ તો પ્રચાર કરવા જતાં પહેલાં, આપણે યહોવાહને દિલથી પ્રાર્થના કરીએ કે દરેકને આપણે સારી રીતે સંદેશો જણાવી શકીએ.—કોલોસી ૪:૬; ૧ થેસ્સાલોનીકી ૫:૧૭.
૮. કુટુંબમાં એકબીજામાં સારું જોવાથી શું બની શકે છે?
૮ અમુક મંડળોમાં એક જ કુટુંબમાંથી ઘણા લોકો યહોવાહના સેવકો હોય શકે. યુવાનો પોતાના સગા-વહાલાઓ પાસેથી ઘણું શીખે છે અને તેઓની ખૂબ જ કદર કરે છે. વળી, પ્રેષિત પીતરની સલાહથી ઘણી પત્નીઓને મદદ મળી છે. તેઓએ ‘એક પણ શબ્દ કહ્યા વગર’ પોતાના પતિને યહોવાહની ભક્તિ કરવા મદદ કરી છે.—૧ પીતર ૩:૧, ૨.
કુટુંબમાં
૯, ૧૦. યાકૂબ અને યુસફે પોતાના કુટુંબમાં કઈ રીતે સદ્ગુણો શોધ્યા?
૯ એકબીજામાં સદ્ગુણો જોવાથી કુટુંબનું બંધન અતૂટ બને છે. યાકૂબનો દાખલો લો. ઉત્પત્તિ ૩૭:૩, ૪ જણાવે છે કે યાકૂબને પોતાના દીકરા યુસફ પર વધારે પ્રેમ હતો. યાકૂબના બીજા દીકરાઓ એ કારણે યુસફથી ખૂબ જલતા હતા. અરે તેઓએ તો યુસફને મોતને ઘાટ ઊતારી દેવાનો પ્લાન ઘડ્યો હતો. પરંતુ, શું યાકૂબ અને યુસફે પછીથી તેઓ સાથે દુશ્મની રાખી? ના, પણ તેઓએ તો પોતાના કુટુંબમાં સદ્ગુણો શોધ્યા. કઈ રીતે? ચાલો આપણે જોઈએ.
૧૦ વર્ષો પછી યુસફ ઇજિપ્તમાં અનાજ ખાતાનો અધિકારી બન્યો. પછી, મોટો દુકાળ પડ્યો. એ દુઃખના સમયમાં યુસફે પોતાના ભાઈઓને દુશ્મની બતાવી નહિ પણ મદદ કરી. યુસફે પોતાના ભાઈઓને જાણ થવા દીધી નહિ, કે પોતે કોણ છે. પરંતુ, ગોઠવણ કરી કે પોતાના ઘરડા પિતા અને ભાઈઓને જરૂરી અનાજ મળી રહે. એ જ ભાઈઓએ યુસફને મોતના મોંમાં ધકેલ્યો હતો, છતાં યુસફે તેઓનું ભલું કર્યું. (ઉત્પત્તિ ૪૧:૫૩–૪૨:૮; ૪૫:૨૩) એ જ પ્રમાણે, યાકૂબ જ્યારે મરણ-પથારી પર હતા, ત્યારે તેમણે દરેક દીકરાને તેઓનાં કામ પ્રમાણે આશીર્વાદ આપ્યા. તેઓમાંનો કોઈ બાકી રહી ગયો નહિ. (ઉત્પત્તિ ૪૯:૩-૨૮) ખરેખર, યાકૂબે અતૂટ પ્રેમનું સુંદર ઉદાહરણ બેસાડ્યું!
૧૧, ૧૨. (ક) યહોવાહ હોશીઆના સંજોગો પરથી આપણને શું શીખવે છે? (ખ) ઈસુ ઉડાઉ દીકરાના દાખલામાંથી આપણને શું શીખવે છે?
૧૧ યહોવાહ બેવફા ઈસ્રાએલીઓ સાથે ધીરજથી વર્ત્યા. એ આપણને હજુ વધારે શીખવે છે. યહોવાહ પોતાનો અતૂટ પ્રેમ બતાવવા પ્રબોધક હોશીઆના સંજોગો પરથી દાખલો આપે છે. હોશીઆની પત્ની ગોમાર વ્યભિચારી હતી. પરંતુ, યહોવાહ કહે છે કે “ફરીથી જા, ને જોકે ઈસ્રાએલપુત્રો અન્ય દેવો તરફ ફરી જાય છે, ને સૂકી દ્રાક્ષાની બાટીઓના શોખીલા થાય છે, તેમ છતાં યહોવાહ તેમના પર પ્રીતિ રાખે છે તેવી જ રીતે તું તેના યારને પ્યારી તથા વ્યભિચારી સ્ત્રી ઉપર પ્રીતિ કર.” (હોશીઆ ૩:૧) શા માટે? યહોવાહ જાણતા હતા કે મોટા ભાગના ઈસ્રાએલીઓ ભટકી ગયા હતા. પરંતુ, તેઓમાં અમુક લોકો એવા હતા જેઓ યહોવાહની ધીરજની કદર કરતા હતા. તેથી, હોશીઆ કહે છે: “પછીથી ઈસ્રાએલપુત્રો પાછા આવીને પોતાના દેવ યહોવાહની તથા પોતાના રાજા દાઊદની શોધ કરશે; અને પાછલા દિવસોમાં તેઓ યહોવાહનું ભય રાખીને તેની પાસે આવશે, ને તેની ઉદારતાનો આશ્રય લેશે.” (હોશીઆ ૩:૫) આ આપણા માટે બહુ જ સરસ દાખલો છે. જો કુટુંબમાં કોઈ તકલીફો હોય તો, આપણે પણ એકબીજામાં ફક્ત સારા ગુણો શોધીએ. આમ, આપણે ધીરજનો દાખલો બેસાડીશું.
૧૨ હવે ઈસુએ ઉડાઉ દીકરાનો દાખલો આપ્યો, એનો વિચાર કરો. નાનો દીકરો પોતાની ઉડાઉ જિંદગીથી પસ્તાઈને પાછો ઘરે આવ્યો. પિતાએ દરિયા જેવા દિલથી તેને માફ કરી દીધો. પરંતુ, મોટા દીકરાએ જ્યારે ફરિયાદ કરી, ત્યારે પિતાએ શું કર્યું? પિતાએ મોટા દીકરાને કહ્યું: “દીકરા, તું નિત્ય મારી સાથે છે, અને મારૂં સઘળું તારૂં જ છે.” પિતાએ તેને ખખડાવી નાખ્યો નહિ, પણ પોતાને તેના પર કેટલો પ્રેમ છે એ જણાવ્યું. પિતા આગળ કહે છે: ‘તને ખુશી થવું તથા હરખાવું ઉચિત હતું, કેમકે આ તારો ભાઈ મૂઓ હતો, અને તે પાછો જીવતો થયો છે; અને ખોવાએલો હતો, તે પાછો જડ્યો છે.’ એ જ રીતે, આપણે પણ બીજા લોકોમાં જે સારું છે એ જોઈએ.—લુક ૧૫:૧૧-૩૨.
મંડળમાં
૧૩, ૧૪. આપણા મંડળમાં કઈ રીતે પ્રેમનો નિયમ પાળી શકાય?
૧૩ યહોવાહના સેવકો તરીકે, આપણે પ્રેમનો નિયમ પાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. (યાકૂબ ૨:૧- ૯) આપણામાં અમીર-ગરીબનો કોઈ ભેદભાવ ન પણ હોય. પરંતુ, શું આપણામાં નાત-જાતનો ભેદભાવ છે? મંડળમાં ભાઈ-બહેનો ક્યાંના છે, એ જોઈને શું આપણે તેમના વિષે કોઈ માન્યતા બાંધી લઈએ છીએ? જો એમ હોય, તો આપણે કઈ રીતે યાકૂબની સલાહ પાળી શકીએ?
૧૪ આપણી મિટિંગોમાં કોઈ પણ આવે, આપણે તેઓને દિલથી આવકાર આપીએ. કિંગ્ડમ હૉલમાં કોઈ નવા નવા આવે ત્યારે, આપણે રાહ ન જોઈએ કે તે આવીને આપણી સાથે વાત કરે. પરંતુ, આપણે પહેલા જઈને વાત કરીએ. એમ કરવાથી, તેઓની શરમ કે ગભરાટ દૂર થઈ શકશે. એટલે જ તો પહેલી વાર આવનાર અમુક જણે કહ્યું છે: “અહીં તો મને ઘર જેવું લાગે છે. બધા કેટલા હળી-મળીને રહે છે. મને લાગ્યું કે જાણે બધા મને વર્ષોથી જાણે છે.”
૧૫. કઈ રીતે આપણે યુવાનોને મંડળમાં હળવા-મળવા મદદ કરી શકીએ?
૧૫ અમુક મંડળોમાં મિટિંગ પૂરી થાય કે, છોકરા-છોકરીઓ એક બાજુ ટોળે વળી જશે. તેઓ કદાચ પોતાનાથી મોટી ઉંમરના સાથે સહેલાઈથી ભળતા નથી. શું માબાપ કંઈ મદદ કરી શકે? સૌથી પહેલા તો, માબાપ પોતાનાં બાળકોને ઘરે મિટિંગો માટે સારી રીતે તૈયાર કરી શકે. (નીતિવચનો ૨૨:૬) તેમ જ, બાળકોને મિટિંગમાં જરૂરી પુસ્તકો વગેરે તૈયાર કરવાનું કામ સોંપી શકે. વળી, માબાપ બાળકોને એ રીતે કેળવી શકે, જેથી તેઓ પોતાનાથી મોટી ઉંમરના અથવા અપંગ ભાઈ-બહેનો સાથે પણ હળે-મળે. બાળકો એવા ભાઈ-બહેનોને ઉત્તેજન આપતી એવી કોઈ વાત કહી શકે, જેનાથી પોતાને પણ ખુશી થશે.
૧૬, ૧૭. મંડળમાં યુવાનોના સારા ગુણો કઈ રીતે કેળવી શકાય?
૧૬ મોટી ઉંમરના ભાઈ-બહેનોએ પણ યુવાનો સાથે દોસ્તી બાંધવી જોઈએ. (ફિલિપી ૨:૪) તેઓ યુવાનોને ઉત્તેજન આપતી વાતો કરી શકે. યુવાનોને પૂછી શકાય કે તેઓને મિટિંગ કેવી લાગી? શું એ યુવાનને મિટિંગમાંથી એવા કોઈ મુદ્દા ગમ્યા, જે પોતે જીવનમાં લાગુ પાડવા માંગે છે? તેઓ મિટિંગમાં આવે છે, એ માટે વખાણ કરવા જોઈએ. જો તેઓ જવાબ આપે અથવા મિટિંગમાં કોઈ ભાગ રજૂ કરે, તો તેઓને શાબાશી આપવી જોઈએ. મંડળમાં યુવાનો બધાને વહાલા છે. યુવાનો જીવનની સફરમાં સારી રીતે જવાબદારી ઉપાડી શકે, એ માટે તેઓનું ઘડતર હમણાંથી જ થાય છે. કોઈ યુવાન પોતાનાથી મોટી વ્યક્તિ સાથે કઈ રીતે વર્તે છે, ઘરે નાના-મોટા કામ કઈ રીતે કરે છે, એનાથી તે ભાવિ માટે ઘડાય છે.—લુક ૧૬:૧૦.
૧૭ જે યુવાનો નાનપણથી જ જવાબદારી સારી રીતે નિભાવે છે, તેઓ મોટા થઈને યહોવાહની સેવામાં ઘણું વધારે કરી શકે છે. આ રીતે બીઝી રહેવાથી મૂર્ખાઈ ભરેલા કામો માટે સમય જ રહેતો નથી. (૨ તીમોથી ૨:૨૨) ભારે જવાબદારી ઉપાડવા માટે ભાઈઓની આ રીતે ‘પારખ થાય’ છે, કે તે સેવકાઈ ચાકર બનવા લાયક છે કે કેમ. (૧ તીમોથી ૩:૧૦) તેમ જ, વડીલો જોશે કે એ યુવાનને બીજી જવાબદારીઓ આપી શકાય કે કેમ. શું એ યુવાન સભામાં સારી રીતે ભાગ લે છે? શું તે પ્રચારમાં ઉત્સાહી છે? વળી, તે મંડળમાં ભાઈ-બહેનો માટે કેવો પ્રેમ બતાવે છે?
સર્વમાં સદ્ગુણો શોધો
૧૮. ભાઈઓએ ઇન્સાફ કરતી વખતે કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને શા માટે?
૧૮ “ઇન્સાફમાં આંખની શરમ રાખવી તે યોગ્ય નથી.” (નીતિવચનો ૨૪:૨૩) યહોવાહ ચાહે છે કે કોઈ પણ વડીલ મંડળમાં ઇન્સાફ કરતી વખતે જરાય ભેદભાવ ન બતાવે. યાકૂબ જણાવે છે: “ઉપરથી આવતું જ્ઞાન [અથવા સમજણ] સૌ પ્રથમ તો નિર્મળ છે; વળી તે શાંતિદાયક, નમ્ર, મૈત્રીભાવી અને દયાપૂર્ણ હોય છે. અને સારાં કાર્યો નીપજાવે છે. તેમાં ભેદભાવ કે દંભ નથી.” (યાકૂબ ૩:૧૭, પ્રેમસંદેશ) એ દેખીતું છે કે ઇન્સાફ કરતી વખતે, વડીલોને દોસ્તી કે સગાંનો સંબંધ નડવો ન જોઈએ. ગીતશાસ્ત્રના એક લેખક, આસાફ કહે છે તેમ, “દેવની સભામાં ઈશ્વર ઊભો રહે છે; તે દેવો [‘દેવો જેવા’ ન્યાયાધીશો] મધ્યે ન્યાય કરે છે. તમે ક્યાં સુધી ગેરઈન્સાફ કરશો, અને દુષ્ટોનું મોં રાખશો?” (ગીતશાસ્ત્ર ૮૨:૧, ૨) તેથી, ભલેને કોઈ મિત્ર કે સગું-વહાલું હોય, ન્યાયાધીશો એટલે કે વડીલોએ જરાય ભેદભાવ રાખવો જોઈએ નહિ. આ રીતે ભાઈઓ મંડળમાં સંપ જાળવી રાખે છે અને યહોવાહનો પવિત્ર આત્મા આપણામાં રહે છે.—૧ થેસ્સાલોનીકી ૫:૨૩.
૧૯. કઈ કઈ રીતોએ આપણે બીજાઓમાં સારું જ જોઈ શકીએ?
૧૯ ચાલો આપણે વહાલા ભાઈ-બહેનોમાં સારું જ શોધીએ. એમ કરીને આપણે પાઊલ જેવો જ ભરોસો બતાવીએ છીએ, જેમણે કહ્યું: “જે આજ્ઞા અમે કરીએ છીએ તે તમે પાળો છો અને પાળશો, એવો તમારા વિષે અમે પ્રભુમાં ભરોસો રાખીએ છીએ.” (૨ થેસ્સાલોનીકી ૩:૪) આપણે બીજાઓમાં સદ્ગુણો શોધતા હોઈશું તો, આપણે એકબીજાનો દોષ ઢાંકી દઈશું. આપણે દરેક વાતમાં તેઓને ટોક ટોક નહિ કરીએ, પણ વખાણ કરીએ. વળી, પાઊલે કહ્યું: “દરેક કારભારીએ વિશ્વાસુ થવું એ જરૂરનું છે.” (૧ કોરીંથી ૪:૨) ફક્ત કારભારી એટલે કે વડીલો જ નહિ, પણ બધા જ ભાઈ-બહેનોએ વિશ્વાસુ થવું જરૂરી છે. એ જ કારણે તો તેઓ આપણને ગમે છે અને આપણે એકબીજાના પાક્કા મિત્રો બનીએ છીએ. પાઊલને પણ ભાઈબહેનો વિષે એવું જ લાગ્યું હતું. ભાઈ-બહેનો એકબીજા “સાથે કામ કરનારા” અને “દિલાસારૂપ” છે. (કોલોસી ૪:૧૧) આમ, યહોવાહની જેમ આપણે બીજાઓમાં સારું જ જોઈએ છીએ.
૨૦. બધામાં ફક્ત સારું જ જોવાથી આપણને કયા આશીર્વાદો મળશે?
૨૦ આપણે પણ નહેમ્યાહની સાથે સહમત થઈએ છીએ: “હે મારા દેવ, મારા હિતને માટે તેનું સ્મરણ કર.” (નહેમ્યાહ ૧૩:૩૧) આપણે બહુ જ ખુશ છીએ કે યહોવાહ આપણામાં ફક્ત સારું જ જુએ છે! (૧ રાજાઓ ૧૪:૧૩) આપણે પણ એમ જ કરીએ. આમ, કાયમી જીવનની આપણી આશાના ફૂલો ખીલી ઊઠશે.—ગીતશાસ્ત્ર ૧૩૦:૩-૮.
તમે કેવો જવાબ આપશો?
• યહોવાહ કઈ રીતે સર્વમાં સારું જુએ છે?
• આપણે પ્રચારમાં, કુટુંબમાં,
મંડળમાં અને બીજા સાથેના આપણા સંબંધમાં કઈ રીતે ફક્ત સારું જ જોવું જોઈએ?
એક પછી એક સમજાવો.
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૮ પર ચિત્ર]
યુસફના ભાઈઓએ તેમને મોતના મોંમાં ધકેલ્યા હતા. પણ યુસફે તેઓમાં ફક્ત સારું જ જોયું
[પાન ૧૯ પર ચિત્ર]
બધાને મદદ કરવામાં કોઈ વિરોધ આડો આવે એમ નથી
[પાન ૨૦ પર ચિત્ર]
યાકૂબના દીકરાઓએ ભલે ગમે એ કર્યું હોય, પણ તે દરેકને આશીર્વાદ મળ્યા
[પાન ૨૧ પર ચિત્ર]
મિટિંગોમાં સર્વને આવકાર આપો