વાચકો તરફથી પ્રશ્નો
વાચકો તરફથી પ્રશ્નો
શું શેતાન આપણા મનના વિચારો જાણી શકે છે?
શેતાન અને તેના અપદૂતો કોઈ પણ રીતે આપણું મન જાણી શકતા નથી છતાં, આપણે ચોક્કસ કંઈ કહી શકતા નથી.
બાઇબલમાં શેતાનને જે નામો આપવામાં આવ્યાં છે એનો વિચાર કરો. તેને શેતાન (વિરોધી), ડેવિલ (નિંદા કરનાર), કપટી સર્પ, કસોટી લાવનાર એવા નામો આપવામાં આવ્યાં છે. વળી, તેને તો જૂઠો અને જૂઠાનો બાપ પણ કહેવામાં આવ્યો છે. (અયૂબ ૧:૬; માત્થી ૪:૩; યોહાન ૮:૪૪; ૨ કોરીંથી ૧૧:૩; પ્રકટીકરણ ૧૨:૯) આ નામમાંથી એકનો પણ અર્થ એમ નથી બતાવતો કે શેતાન આપણું મન જાણી શકે છે.
પરંતુ, યહોવાહ પરમેશ્વર જ આપણું મન જાણે છે. (નીતિવચનો ૧૭:૩; ૧ શમૂએલ ૧૬:૭; ૧ કાળવૃત્તાંત ૨૯:૧૭) વળી, યહોવાહની “આગળ કશું છૂપું નથી, તેની નજર આગળ બધું જ ખુલ્લું અને ઉઘાડું છે. અને [તેમની] આગળ આપણે હિસાબ આપવાનો છે.” (હેબ્રી ૪:૧૩, સંપૂર્ણ બાઇબલ) તેમ જ યહોવાહે, ફક્ત તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તને માણસોના મન જાણવાની શક્તિ આપી છે. એટલા માટે સ્વર્ગમાં ગયા પછી ઈસુએ કહ્યું: “હું માણસોનાં અંતરને અને મનને પૂરેપૂરાં ઓળખું છું.” તેમ જ, ‘દરેકને હું તેઓના કામ પ્રમાણે બદલો આપીશ.’—દર્શન [પ્રકટીકરણ] ૨:૨૩, સંપૂર્ણ બાઇબલ.
એટલે આપણે જરાય ડરવાની જરૂર નથી કે શેતાન આપણું મન જાણી શકે છે. પ્રેષિત પાઊલે કહ્યું: “તેની [શેતાનની] ચાલબાજીથી આપણે અજાણ્યા નથી.” (૨ કોરીંથી ૨:૧૧, સંપૂર્ણ બાઇબલ) વળી, બાઇબલ કહે છે કે શેતાન આપણા પર કોઈ નવી ચાલ રમી શકતો નથી.
તેથી એ સ્પષ્ટ છે કે શેતાન આપણું મન તો જાણી શકતો નથી, પણ આપણી નબળાઈઓને તે જરૂર જોઈ શકે છે. એ માટે તેણે કંઈ મન વાંચવાની જરૂર પડતી નથી. તેને તો માણસની ખામીઓનો હજારો વર્ષોનો અનુભવ છે. જેમ કે, આપણું વર્તન, આપણા મનોરંજનની પસંદગી તેમ જ આપણી વાતચીત પરથી તે ઘણું જાણી શકે છે. વળી, તે આપણા મોઢા પરથી સમજી જાય છે કે આપણા મનમાં શું છે.
વળી, શેતાન જૂઠું બોલવામાં અને છેતરવામાં પણ ઉસ્તાદ છે. તેણે આપણા પહેલાં માબાપ આદમ અને હવા સાથે એ ચાલનો ઉપયોગ કર્યો. આજે પણ તે તેની એ જ જૂની ચાલ આપણી સાથે રમી રહ્યો છે. (ઉત્પત્તિ ૩:૧-૫) જો કે તે આપણું મન જાણી લેશે એમ ડરવાની જરૂર નથી, છતાં આપણે હંમેશાં સાવચેત રહેવાનું છે કારણ કે તે સત્યથી દૂર રાખવા માટે આપણા મન પાપથી ભ્રષ્ટ કરી રહ્યો છે. કઈ રીતે? (૧ તીમોથી ૬:૫) તે આપણાં મનમાં ગંદા વિચારો ભરી રહ્યો છે. તેમ જ તેણે આજે જગતમાં, મન ભ્રષ્ટ કરે એવું મનોરંજન અને મોજશોખ પાર વગર આપ્યા છે. તેથી, તેની ચાલથી બચવા અને આપણા વિચારોને શુદ્ધ રાખવા માટે આપણે “તારણનો ટોપ” પહેરવાની જરૂર છે. (એફેસી ૬:૧૭) એમ કરવા માટે આપણે બાઇબલના વિચારોને પોતાના મનમાં ઊતારવા જોઈએ. તેમ જ આ ગંદા જગતની ખરાબ અસરથી એકદમ દૂર રહીએ.
શેતાન ઘણો જ શક્તિશાળી છે. પણ આપણે તેનાથી કે તેના અપદૂતોથી જરાય ડરવાની જરૂર નથી. બાઇબલ આપણને યાકૂબ ૪:૭માં કહે છે કે, “શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે.” એ સલાહને પાળવાથી આપણે પણ ઈસુની જેમ કહી શકીશું કે, ‘શેતાનને મારા પર કોઈ જ સત્તા નથી.’—યોહાન ૧૪:૩૦.