સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“જુઓ, આ આપણો દેવ છે”

“જુઓ, આ આપણો દેવ છે”

જુઓ, આ આપણો દેવ છે”

આ મૅગેઝિનના બે અભ્યાસ લેખોમાં આપેલી માહિતી, ડ્રૉ ક્લોઝ ટુ જેહોવાહ પુસ્તકમાંથી લેવામાં આવી છે. આ પુસ્તક ૨૦૦૨/૦૩માં આખી દુનિયામાં યોજાયેલા “ઉત્સાહી રાજ્ય પ્રચારકો” ડિસ્ટ્રીક્ટ મહાસંમેલનોમાં બહાર પાડવામાં આવ્યું હતું.—‘એ પુસ્તક વાંચીને મારું દિલ ભરાઈ આવ્યું,’” પાન ૨૦ પરનો લેખ જુઓ.

“જુઓ, આ આપણો દેવ છે; આપણે તેની વાટ જોતા આવ્યા છીએ, તે આપણને તારશે; આ યહોવાહ છે.”—યશાયાહ ૨૫:૯.

૧, ૨. (ક) યહોવાહે ઈબ્રાહીમ વિષે શું કહ્યું? એનાથી આપણા મનમાં કયો પ્રશ્ન ઊભો થાય છે? (ખ) બાઇબલ કઈ ગૅરન્ટી આપે છે કે આપણે પણ ઈશ્વરના પ્યારા દોસ્ત બની શકીએ?

 સદીઓ પહેલાં વિશ્વના સર્જનહાર યહોવાહે ઈશ્વરભક્ત ઈબ્રાહીમને “મારા મિત્ર” કહ્યા હતા. (યશાયાહ ૪૧:૮) જો ખુદ ઈશ્વર તમારા જિગરી દોસ્ત બનવા ચાહતા હોય તો, તમને કેવું લાગશે? તમે વિચારવા લાગશો કે ‘શું હું ખરેખર ઈશ્વર સાથે દોસ્તી રાખી શકું?’

બાઇબલ આપણને ગૅરન્ટી આપે છે કે આપણે પણ ઈશ્વરના દોસ્ત બની શકીએ છીએ. ઈબ્રાહીમે “દેવ પર વિશ્વાસ કર્યો,” એટલે તેમને દેવના મિત્ર કહેવામાં આવ્યા હતા. (યાકૂબ ૨:૨૩) એ જ રીતે આજે પણ યહોવાહ ‘ન્યાયીઓ સાથે મિત્રતા રાખે છે.’ (નીતિવચનો ૩:૩૨, IBSI) યાકૂબ ૪:૮ આપણને આગ્રહ કરે છે: “દેવની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે.” એ સ્પષ્ટ જણાવે છે કે જો આપણે ઈશ્વર સાથે દોસ્તી બાંધવા હાથ લંબાવીશું તો, તે પણ આપણા દિલોજાન દોસ્ત બનશે. પરંતુ શું આ કલમ એમ કહે છે કે આપણે પાપી હોવાથી, ઈશ્વર સાથે દોસ્તી બાંધવામાં આપણે પહેલું પગલું લેવું જોઈએ? જરાય નહિ. પહેલું પગલું તો યહોવાહ લે છે અને તે પોતે તેમની દોસ્તીનો હાથ લંબાવે છે. પરંતુ કઈ રીતે? યહોવાહે આપણી સાથે દોસ્તી બાંધવા બે મહત્ત્વનાં પગલાં લીધાં છે.—ગીતશાસ્ત્ર ૨૫:૧૪.

૩. આપણી સાથે દોસ્તી બાંધવા યહોવાહે કયા બે પગલાં લીધાં છે?

દોસ્તીનો હાથ લંબાવવા યહોવાહે પહેલું પગલું કઈ રીતે ભર્યું? આદમ પાસેથી મેળવેલા પાપ અને મરણમાંથી આપણને છોડાવવા તેમણે ‘ખંડણી’ તરીકે ઈસુનું જીવન આપ્યું. (માત્થી ૨૦:૨૮) ઈસુની ખંડણીને કારણે હવે આપણે ઈશ્વર સાથે સહેલાઈથી દોસ્તી બાંધી શકીએ છીએ. પ્રેષિત યોહાને લખ્યું: “આપણે ઈશ્વર પર પ્રેમ રાખીએ છીએ કારણ કે પ્રથમ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો.” (૧ યોહાન ૪:૧૯, IBSI) હા, ‘ઈશ્વરે આપણા પર પ્રથમ પ્રેમ રાખ્યો.’ એનાથી તેમણે એવો માર્ગ ખોલ્યો કે આપણે તેમની સાથે દોસ્તી બાંધી શકીએ. બીજું પગલું શું હતું? યહોવાહે આપણને તેમની ઓળખાણ કરાવી. કઈ રીતે? જેમ કોઈ પણ વ્યક્તિ સાથે દોસ્તી બાંધતા પહેલાં આપણે તેઓનો સ્વભાવ જાણીએ છીએ, તેમ આપણે પણ યહોવાહના સદ્‍ગુણો વિષે જાણી શકીએ છીએ. યહોવાહ ચાહે છે કે આપણે તેમને સારી રીતે ઓળખીએ. (યશાયાહ ૪૫:૧૯) પરંતુ, કઈ રીતે? બાઇબલ બતાવે છે કે યહોવાહ આપણા ઈશ્વર છે. બાઇબલમાં યહોવાહ પોતે સમજાવે છે કે તે આપણા પ્યારા પિતા છે અને આપણને ખૂબ ચાહે છે. આ જાણીને શું તમે તેમના પ્રિય બાળક બનવા ચાહતા નથી?

૪. યહોવાહના સદ્‍ગુણો વિષે શીખીએ છીએ તેમ આપણને શું કરવાનું મન થાય છે?

શું તમે કદી તમારા પપ્પાને જોઈને અજનબી કે મિત્રોની સામે પ્રેમ અને ખુશીથી કહ્યું છે કે “આ મારા પપ્પા છે?” વિચાર કરો કે તમને કેવું લાગશે જ્યારે તમે યહોવાહને દિલથી કહેશો: ‘જુઓ, આ મારા દેવ છે.’ (યશાયાહ ૨૫:૮, ૯) આપણે યહોવાહના સદ્‍ગુણો વિષે શીખીએ તેમ આપણને વધુને વધુ ખબર પડે છે કે તે આપણા પ્યારા પિતા અને દોસ્ત છે. ખરેખર, આપણને યહોવાહ વિષે પૂરું જ્ઞાન લેવાથી જ તેમના મિત્ર બનવાની હોંશ જાગે છે. તેથી ચાલો આપણે યહોવાહના મુખ્ય સદ્‍ગુણો, એટલે કે શક્તિ, ન્યાય, ડહાપણ અને પ્રેમ વિષે બાઇબલ શું કહે છે એ તપાસીએ. આ લેખમાં આપણે પહેલા ત્રણ ગુણો તપાસીશું.

“સર્વશક્તિમાન”

૫. આપણે શા માટે કહી શકીએ કે યહોવાહ એકલા જ “સર્વશક્તિમાન” છે, અને તે કેવી રીતે પોતાની શક્તિ વાપરે છે?

યહોવાહ ‘સર્વશક્તિમાન છે.’ (અયૂબ ૩૭:૨૩; પ્રકટીકરણ ૧૫:૩) યિર્મેયાહ ૧૦:૬ આમ કહે છે: “હે યહોવાહ, તારા જેવો કોઈ નથી; તું મોટો છે, ને સામર્થ્યમાં તારૂં નામ મોટું છે.” ખરેખર, યહોવાહનું સામર્થ્ય કે શક્તિનો કોઈ પાર નથી! એ કારણે ફક્ત યહોવાહને જ “સર્વશક્તિમાન” કહેવામાં આવે છે. યહોવાહે વિશ્વનું સર્જન કરતી વખતે પોતાની અપાર શક્તિ વાપરી હતી. તેમ જ તે ન્યાયીનું રક્ષણ તથા દુષ્ટોનો નાશ કરવા અને પૃથ્વીને ફરીથી સુંદર બનાવવા એ શક્તિ વાપરશે. ચાલો હવે આપણે બે ઉદાહરણો તપાસીએ, કે યહોવાહે વિશ્વનું સર્જન અને ન્યાયીનું રક્ષણ કરવા કેવી રીતે પોતાની શક્તિ વાપરી હતી.

૬, ૭. સૂર્યમાં કેટલી શક્તિ છે, અને આપણે એમાંથી શું શીખી શકીએ?

તમે ઉનાળાની ભરબપોરે ઘરની બહાર જરા ઊભા રહો તો કેવું લાગશે? તમને તાપ લાગશે ખરું ને? પણ ખરેખર એ તો યહોવાહની શક્તિથી બનેલા સૂર્યમાંથી તાપ આવે છે. એથી સવાલ થાય છે કે, સૂર્યમાં કેટલી ગરમી છે? એક અંદાજ પ્રમાણે સૂર્યના કેન્દ્રભાગમાં આશરે ૧.૫ કરોડ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હોય છે. તમે જો એમાંથી રાઈના દાણા જેટલો સૂર્યનો ટૂકડો પૃથ્વી પર મૂકો તો, એની શું અસર થશે એ તમે જાણો છો? એની અસર આસપાસના ૧૫૦ કિલોમીટર સુધી પહોંચશે. એટલે કે એ વિસ્તારમાં જે કંઈ હોય તે વરાળ જ થઈ જશે અને તમે પણ જીવતા ન રહી શકો! જો દર સેકંડે કરોડોના કરોડો હાઇડ્રોજન બૉંબ ફોડવામાં આવે તો, એમાંથી જેટલી ગરમી પેદા થાય, તેટલી જ ગરમી સૂર્ય દર સેકંડે પેદા કરે છે. તેમ છતાં, આપણી પૃથ્વી સૂર્યના ધગધગતા ગોળાથી યોગ્ય અંતરે ફરે છે. જો એ સૂર્યની જરા પણ નજીક હોય તો, પૃથ્વી પર પાણીનું ટીપું પણ ન હોત કેમ કે એ વરાળ બની જાત. તેમ જ જો પૃથ્વી સૂર્યથી દૂર હોય તો, એ બરફનો ગોળો બની જાત અને કોઈ જીવસૃષ્ટિ જ ન હોત. તેથી, પૃથ્વી પર જીવન ટકી શકે એ માટે એને યોગ્ય અંતરે રાખવામાં આવી છે.

જોકે લોકો જાણે છે કે તેઓ સૂર્યને આધારે જીવે છે, છતાં તેઓને એની કોઈ પરવા નથી. એટલું જ નહિ, તેઓ એમાંથી કંઈ શીખતા પણ નથી. યહોવાહ વિષે ગીતશાસ્ત્ર ૭૪:૧૬ કહે છે: “અજવાળું તથા સૂર્ય તેં સિદ્ધ કર્યાં [બનાવ્યા] છે.” હા, સૂર્ય બતાવે છે કે યહોવાહ કેટલા મહાન છે, કારણ કે તે આકાશ અને પૃથ્વીના સર્જનહાર છે. (ગીતશાસ્ત્ર ૧૪૬:૬) યહોવાહે તો હિસાબ વગરની ચીજો બનાવી છે. એમાંથી આપણે ફક્ત એક જ વસ્તુની ચર્ચા કરી, જે બતાવે છે કે યહોવાહમાં અપાર શક્તિ છે. યહોવાહે કેવી કેવી ચીજો બનાવી છે એના વિષે આપણે જેમ શીખીએ છીએ, તેમ તેમના માટે આપણો પ્રેમ ઊભરાઈ આવે છે. તેમ જ આપણે યહોવાહની કદર પણ કરીએ છીએ.

૮, ૯. (ક) આપણે કેવી રીતે કહી શકીએ કે યહોવાહ પોતાના સેવકોનું રક્ષણ કરવા આતુર છે? (ખ) બાઇબલના સમયમાં ઘેટાંપાળકો કેવી રીતે ઘેટાનું પાલન કરતા? અને એ આપણને મહાન ઘેટાંપાળક વિષે શું શીખવે છે?

એવી જ રીતે, યહોવાહ તેમના સેવકોની દેખરેખ રાખવા અને તેઓનું રક્ષણ કરવા તેમની અપાર શક્તિ વાપરે છે. યહોવાહ તેમના સેવકોનું જે રીતે રક્ષણ કરવાનું વચન આપે છે, એ વિષે બાઇબલમાં સુંદર શબ્દ-ચિત્ર આપવામાં આવ્યું છે. એ વાંચીને આપણું હૈયું પાંગરી ઊઠે છે. દાખલા તરીકે, યશાયાહ ૪૦:૧૧ શું કહે છે એની નોંધ લો. અહીં યહોવાહ પોતાને પ્રેમાળ ઘેટાંપાળકની સાથે સરખાવે છે. જેવી રીતે ઘેટાંપાળક પોતાના ઘેટાંની સંભાળ રાખે છે તેમ યહોવાહ તેમના સેવકોની સંભાળ રાખે છે. એ વિષે યશાયાહ ૪૦:૧૧ કહે છે: “ભરવાડની [ઘેટાંપાળકની] પેઠે તે પોતાના ટોળાનું પાલન કરશે, ને તે બચ્ચાંને પોતાના હાથથી એકઠાં કરીને તેમને પોતાની ગોદમાં ઊંચકી લેશે, તે ધવડાવનારીઓને સંભાળીને ચલાવશે.” શું તમે આ દૃશ્યની કલ્પના કરી શકો છો?

ઘેટાંની જેમ અમુક જ પ્રાણીઓ નિરાધાર હોય છે. બાઇબલના જમાનામાં ઘેટાંપાળકને ઘણી વખતે પોતાના ઘેટાંને રીંછ, વરુ અને સિંહના મોંમાંથી છોડાવવા પડતા. (૧ શમૂએલ ૧૭:૩૪-૩૬; યોહાન ૧૦:૧૦-૧૩) તેમ જ ઘણી વાર ઘેટાંનું રક્ષણ કરતી વખતે ઘેટાંપાળકને કોમળ રીતે વર્તવાની જરૂર પડતી. દાખલા તરીકે, ઘેટી દૂર દૂર ચરવા ગઈ હોય અને ત્યાં જ બચ્ચાંને જન્મ આપે ત્યારે, ઘેટાંપાળક એ બચ્ચાંનું કઈ રીતે રક્ષણ કરતો? તે પોતાની શાલ ખોલીને જન્મેલા બચ્ચાને ‘ગોદમાં ઊંચકી લેતો.’ જો જરૂર પડે તો, તે અમુક દિવસો સુધી એ બચ્ચાંને લઈને ફરતો. તેમ જ ઘણી વાર બચ્ચું શું કરે એ તમે જાણો છો? ઘણી વાર બચ્ચું ઘેટાંપાળકના પગ પાસે આવીને માથાંથી તેને ઠોંસા મારશે. ત્યારે ઘેટાંપાળક વાંકો વળીને એ બચ્ચાંને પોતાની ગોદમાં ઊંચકી લે છે. યહોવાહ સૌથી મહાન ઘેટાંપાળક હોવાથી, તે પોતાના સેવકોનું કેટલી કોમળ રીતે રક્ષણ કરશે એનું ચિત્ર અહીં જોવા મળે છે!

૧૦. યહોવાહ કયું રક્ષણ પૂરું પાડે છે, અને શા માટે આપણને એની ખૂબ જ જરૂર છે?

૧૦ યહોવાહ ફક્ત વચનો આપતા નથી. પણ તે જે કહે છે એ કરી બતાવે છે. બાઇબલના સમયમાં યહોવાહે ચમત્કારથી પોતાના ‘ભક્તોને પરીક્ષણોમાંથી છોડાવ્યા હતા.’ (૨ પીતર ૨:૯) શું તે આજે પણ એમ કરે છે? જોકે, આપણે જાણીએ છીએ કે, પહેલાંની જેમ તે આજે બધી જ આફતોથી આપણું રક્ષણ કરવા પોતાની શક્તિ વાપરતા નથી. તેમ છતાં, તે આપણું એક સારી રીતે રક્ષણ કરે છે. કેવી રીતે? તે તેમના સત્યના શિક્ષણથી આત્મિક રક્ષણ પૂરું પાડે છે. આપણે તેમના પરથી વિશ્વાસ ગુમાવી ન દઈએ અને કસોટીઓ સહન કરીને તેમની સાથે અતૂટ દોસ્તી બાંધતા રહીએ, એ માટે તે આપણને પૂરતું શિક્ષણ આપી રહ્યા છે. દાખલા તરીકે, લુક ૧૧:૧૩ આમ કહે છે: “જો તમે ભૂંડા છતાં તમારાં છોકરાંને સારાં દાન આપી જાણો છો, તો આકાશમાંના બાપની પાસેથી જેઓ માગે, તેમને તે પવિત્ર આત્મા આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?” પછી ભલેને આપણા પર કોઈ પણ તકલીફો આવી પડે તોપણ, આપણે તેમના પવિત્ર આત્મા કે શક્તિથી વિશ્વાસમાં ટકી શકીએ છીએ. (૨ કોરીંથી ૪:૭) આ રીતે યહોવાહ ફક્ત થોડા વર્ષો માટે જ નહિ પણ કાયમ આપણું જીવન બચાવી રાખે છે. તેથી, આપણે એ ભૂલવું ન જોઈએ કે, આપણા પર આવી પડતી મુશ્કેલીઓ ‘નાની અને ક્ષણિક જ છે.’ (૨ કોરીંથી ૪:૧૭, પ્રેમસંદેશ) યહોવાહ પ્રેમ અને કોમળતાથી આપણું રક્ષણ કરે છે! એ જાણ્યા પછી શું તમને તેમના જિગરી દોસ્ત બનવાનું મન થતું નથી?

‘યહોવાહ ન્યાય ચાહે છે’

૧૧, ૧૨. (ક) આપણને શા માટે ન્યાયના પરમેશ્વર યહોવાહ પાસે દોડી જવાનું મન થઈ શકે? (ખ) દાઊદે યહોવાહના ઇન્સાફ વિષે શું કહ્યું? અને એમાંથી આપણને કઈ રીતે દિલાસો મળી શકે?

૧૧ યહોવાહ હંમેશાં ન્યાયથી વર્તે છે. તેમ જ તે પક્ષપાતી નથી. યહોવાહનો ન્યાય કઠોર નથી. પરંતુ તે પ્રેમના સાગર છે. તેથી, કોઈને પણ તેમની પાસે ઇન્સાફ માટે દોડી જવાનું મન થઈ શકે. બાઇબલ જણાવે છે કે, બધાને ગમી જાય એવા તેમના ગુણો છે. તો ચાલો આપણે જોઈએ કે યહોવાહ કઈ ત્રણ રીતોએ ન્યાય કરવા પોતાની શક્તિ વાપરે છે.

૧૨ પહેલું એ કે યહોવાહ ન્યાય ચાહે છે. એનાથી યહોવાહ તેમના સેવકો પ્રત્યે વફાદાર રહેવા દોરાય છે. ગીતશાસ્ત્રના એક લેખક દાઊદે પોતે યહોવાહનો ઇન્સાફ અનુભવ્યો હતો. યહોવાહ વિષે દાઊદ પવિત્ર શાસ્ત્રમાંથી અને પોતાના અનુભવમાંથી શું શીખ્યા? તેમણે કહ્યું: “યહોવાહ ન્યાયને ચાહે છે, તે પોતાના ભક્તોને તજી દેતો નથી; તે તેઓનું સદા રક્ષણ કરે છે.” (ગીતશાસ્ત્ર ૩૭:૨૮) એ શબ્દો કેટલો દિલાસો આપે છે! યહોવાહ એક પળ માટે પણ પોતાના વફાદાર ભક્તોને તજી દેશે નહિ. તેથી, આપણે તેમના પર પૂરો ભરોસો રાખી શકીએ કે, તે આપણી કાળજી રાખશે અને આપણો સાથ આપશે. તેમનો નિયમ એની પૂરેપૂરી ખાતરી આપે છે!—નીતિવચનો ૨:૭, ૮.

૧૩. ઈસ્રાએલીઓને આપેલા નિયમ પરથી આપણે કેવી રીતે કહી શકીએ કે, યહોવાહ નિરાધારોની ચિંતા કરે છે?

૧૩ બીજું કે યહોવાહ દુખિયારાઓનો ઇન્સાફ પથ્થર-દિલથી કરતા નથી. યહોવાહે ઈસ્રાએલીઓને મુસા દ્વારા જે નિયમ આપ્યો હતો, એમાંથી જોવા મળે છે કે નિરાધાર લોકોની તેમને ખૂબ જ ચિંતા રહે છે. દાખલા તરીકે, એ નિયમોમાં યહોવાહે જણાવ્યું હતું કે, અનાથો અને વિધવાઓની કેવી રીતે દેખભાળ થવી જોઈએ. (પુનર્નિયમ ૨૪:૧૭-૨૧) યહોવાહ જાણતા હતા કે, તેઓનું જીવન કેટલું કઠિન હોય છે. તેથી, તે તેઓના પ્રેમાળ પિતા તથા ન્યાયાધીશ બન્યા, જેથી તેઓને ઇન્સાફ અને રક્ષણ મળી શકે. (પુનર્નિયમ ૧૦:૧૭, ૧૮) યહોવાહે ઈસ્રાએલીઓને ચેતવ્યા હતા કે, જો કોઈ વિધવા કે અનાથ પર જુલમ અથવા હેરાનગતિ કરશે તો, તે તેઓનો પોકાર સાંભળશે. તેમ જ નિર્ગમન ૨૨:૨૨-૨૪માં તે જણાવે છે કે એનાથી ‘મારો ક્રોધ તપી ઊઠશે.’ જોકે ક્રોધ યહોવાહનો મુખ્ય ગુણ નથી. તેમ છતાં, જો કોઈ જાણીજોઈને નિરાધાર લોકો પર જુલમ કરે તો, ન્યાયી રીતે જ તેમનો ક્રોધ તપી ઊઠે છે.—ગીતશાસ્ત્ર ૧૦૩:૬.

૧૪. આપણી પાસે કયો અજોડ પુરાવો છે કે યહોવાહ પક્ષપાતી નથી?

૧૪ ત્રીજું, પુનર્નિયમ ૧૦:૧૭માં આપણને જોવા મળે છે કે યહોવાહ “કોઈની આંખની શરમ રાખતો નથી, તેમ લાંચ પણ લેતો નથી.” જેમ આજે ઘણા અધિકારીઓ માલમિલકત કે વ્યક્તિના દેખાવથી લલચાઈ જાય છે, એમ યહોવાહ લલચાઈ જતા નથી. તેમ જ તે પક્ષપાતી નથી. એનો પુરાવો એ છે કે, ફક્ત મુઠ્ઠીભર લોકો જ નહિ, પણ બધા જ કાયમ માટે જીવી શકે એવી તેમણે ગોઠવણ કરી છે. એ વિષે પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫ આમ કહે છે: “દેવ પક્ષપાતી નથી; પણ દરેક દેશમાં જે કોઈ તેની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેને માન્ય છે.” પછી ભલેને આપણે કોઈ પણ જાતિના કે રંગના હોઈએ, ગરીબ કે અમીર હોઈએ. અથવા હમણાં ગમે ત્યાં રહેતા હોઈએ, તોપણ દરેકને તેમણે કાયમ માટે જીવવાની આશા આપી છે. એનાથી સારો ઇન્સાફ બીજે ક્યાંથી મળી શકે? યહોવાહ કેવા ન્યાયી છે એ જાણ્યા પછી, શું તમને યહોવાહનો સથવારો લેવાનું મન થતું નથી?

‘આહા! દેવની બુદ્ધિની સંપત્તિ કેવી અગાધ છે!’

૧૫. યહોવાહના ડહાપણમાંથી આપણે શું શીખી શકીએ?

૧૫ પ્રેષિત પાઊલે આનંદથી પોકારતા રૂમી ૧૧:૩૩માં કહ્યું: ‘આહા! દેવની બુદ્ધિ [ડહાપણ] અને જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે!’ હા, આપણે યહોવાહની બુદ્ધિ અને ડહાપણ વિષે જાણવાનો જેટલો પ્રયત્ન કરીએ છીએ તેમ, આપણા દિલમાં સાચે જ તેમના માટે માન વધે છે. પરંતુ, આપણને એનાથી કઈ રીતે મદદ મળી શકે? એનાથી, આપણે ખરો નિર્ણય લેતા શીખી શકીએ છીએ. તેમ જ, જીવનના બધા જ પાસાંમાં ડહાપણનો ગુણ લાગુ પાડતા શીખીએ છીએ. એ ઉપરાંત જો આપણે યહોવાહનું જ્ઞાન લેતા રહીશું તો જીવનમાં સૌથી સારા નિર્ણયો લઈ શકીશું.

૧૬, ૧૭. યહોવાહે રચેલી વસ્તુઓ કઈ રીતે પુરાવો આપે છે કે, તેમનામાં અપાર બુદ્ધિ અને ડહાપણ છે?

૧૬ યહોવાહમાં અપાર બુદ્ધિ અને ડહાપણના કયા પુરાવા છે? એના વિષે ગીતશાસ્ત્ર ૧૦૪:૨૪ કહે છે: “હે યહોવાહ, તારાં કામ કેવાં તરેહતરેહનાં છે! તેં તે સઘળાંને ડહાપણથી પેદા કર્યાં છે; પૃથ્વી તારી સંપત્તિથી ભરપૂર છે.” યહોવાહે જે જે પેદા કર્યું છે એ વિષે આપણે શીખતા જઈશું, તેમ આપણા દિલમાં તેમના ડહાપણની કદર વધતી જશે. શું એ ખરું નથી કે, આપણે યહોવાહના ગુણો વિષે જેમ શીખીએ છીએ, તેમ આપણા દિલમાં તેમના માટે માન વધે છે? ખરું કહીએ તો, યહોવાહે રચેલી વસ્તુઓમાંથી વૈજ્ઞાનિકો ઘણું શીખ્યા છે. તેઓ કોષના અભ્યાસને બાયોમિમેટીક્સ નામથી ઓળખે છે. વૈજ્ઞાનિકો એમાં કોષોની રચના વિષે અનેક પ્રકારના અભ્યાસો કરી રહ્યા છે, જેથી તેઓ એમાંથી શીખીને પ્રગતિ કરી શકે.

૧૭ દાખલા તરીકે, કરોળિયાની જાળ જોઈને શું તમે કદી મુગ્ધ થયા છો? એની રચના શું અજોડ નથી? ખરું કે કરોળિયાની જાળના તાર, વાળ કરતાં પણ પાતળા હોય છે. પરંતુ અમુક કરોળિયાની જાળનાં તારનું બંધારણ તો સ્ટીલ કરતાં પણ સખત મજબૂત હોય છે. એટલું જ નહિ, પરંતુ આજે બુલેટ-પ્રૂફ કપડાં બનાવવામાં વપરાતા રેસાઓ કરતાં પણ એ તાર મજબૂત હોય છે. એટલે એનો શું અર્થ થાય? જરા કલ્પના કરો કે, જો આ કરોળિયાની જાળમાંથી માછીમારની મોટી જાળ બનાવવામાં આવે તો, એનાથી ફૂલ સ્પીડે ઊડતા મોટા વિમાનને પતંગિયાંની જેમ સહેલાઈથી પકડી શકાય! હા, યહોવાહે ખરેખર સઘળું તેમની ‘બુદ્ધિ અને ડહાપણથી’ પેદા કર્યું છે.

૧૮. યહોવાહે બાઇબલ લખવા સ્વર્ગદૂતોને બદલે મનુષ્યોનો કેમ ઉપયોગ કર્યો?

૧૮ બાઇબલ યહોવાહની બુદ્ધિ અને ડહાપણનો સૌથી ઉત્તમ પુરાવો આપે છે. તેમ જ કેવી રીતે સૌથી સારું જીવન જીવી શકાય, એ વિષે બાઇબલમાં આપણા માટે તેમણે માર્ગદર્શન આપ્યું છે. (યશાયાહ ૪૮:૧૭) એ ઉપરાંત, જે રીતે બાઇબલ લખવામાં આવ્યું છે એ બીજો પુરાવો આપે છે કે, યહોવાહની બુદ્ધિ અને ડહાપણનો કોઈ પાર નથી. કેવી રીતે? યહોવાહે બાઇબલ લખવા બીજું કોઈ નહિ, પણ મનુષ્યોનો ઉપયોગ કર્યો હતો. એમાં આપણને તેમનું ડહાપણ જોવા મળે છે. જરા વિચારો કે, જો તેમણે બાઇબલમાં તેમનો સંદેશો લખવા માટે સ્વર્ગદૂતોનો ઉપયોગ કર્યો હોત તો, શું એ વાંચવાનું તમને એટલું જ મન થાત? શું એ ખરું નથી કે, દૂતોએ પોતે જે રીતે યહોવાહને ભજે છે એ દૃષ્ટિથી બાઇબલ લખ્યું હોત? સ્વર્ગદૂતો આપણી માફક અપૂર્ણ નહિ, પણ સંપૂર્ણ છે. તેમ જ તેઓનું જ્ઞાન, અનુભવ અને શક્તિ તો આપણા કરતાં હજારો ઘણી વધારે છે. હવે ફરી વિચાર કરો કે, જો સ્વર્ગદૂતોએ બાઇબલ લખ્યું હોત તો, શું તમે સહેલાઈથી એ સમજી શકત?—હેબ્રી ૨:૬, ૭.

૧૯. યહોવાહે બાઇબલ લખવા મનુષ્યોનો ઉપયોગ કર્યો એનાથી આપણા પર કેવી અસર થાય છે?

૧૯ યહોવાહે બાઇબલ લખવા મનુષ્યોનો ઉપયોગ કર્યો એનાથી આપણને એ હોંશે હોંશે વાંચવાનું મન થાય છે. એના લેખકો સંપૂર્ણ નહિ પણ આપણા જેવા હતા. તેઓ પણ ભૂલો કરતા, અને આપણી માફક સતાવણી અનુભવતા હતા. તેમ જ તેઓને પણ આપણી માફક ભૂંડાઈથી દૂર રહેવા સખત લડત આપવી પડતી હતી. અમુક કિસ્સામાં તો તેઓએ એમ પણ લખ્યું છે કે, તેઓ કઈ નબળાઈ દૂર કરવા મહેનત કરી રહ્યા હતા. તેમ જ પોતાની લાગણીઓ વિષે પણ તેઓએ લખ્યું છે. (૨ કોરીંથી ૧૨:૭-૧૦) વળી, અમુકે તો એવા શબ્દોથી પોતાની લાગણી વ્યક્ત કરી છે કે જે સ્વર્ગદૂતો કરી જ ન શકત. દાખલા તરીકે, ગીતશાસ્ત્ર ૫૧ અધ્યાયમાં ઈશ્વરની પ્રેરણા હેઠળ દાઊદે લખેલા વિચારો જુઓ. એ અધ્યાય ઉપરનું લખાણ જણાવે છે કે દાઊદે બાથશેબા સાથે વ્યભિચાર કર્યા પછી એ ગીત લખ્યું હતું. એ પછી તેમણે યહોવાહની આગળ કેવી રીતે પોતાનું હૃદય ઠાલવીને દયા અને માફીની પ્રાર્થના કરી એ જોવા મળે છે. બીજી અને ત્રીજી કલમ કહે છે: “મારા અન્યાયથી મને પૂરો ધો, અને મારા પાપથી મને શુદ્ધ કર. કેમકે મારાં ઉલ્લંઘન હું જાણું છું, અને મારૂં પાપ નિત્ય મારી આગળ છે.” પાંચમી કલમ કહે છે: “હું અન્યાયીપણામાં જન્મ્યો, અને મારી માએ પાપમાં મારો ગર્ભ ધર્યો હતો.” સત્તરમી કલમ આગળ કહે છે: “ઈશ્વરના યજ્ઞો તો રાંક મન છે: હે ઈશ્વર, તું રાંક અને નમ્ર હૃદયને ધિક્કારીશ નહિ.” તેમને જે દુઃખ થતું હતું એ શું તમે સમજી શકો છો? આપણા જેવા અપૂર્ણ મનુષ્ય સિવાય બીજું કોણ આવા શબ્દોથી પોતાનું દુઃખ જણાવી શકે?

૨૦, ૨૧. (ક) આપણે શા માટે એમ કહી શકીએ કે બાઇબલમાં માણસોનું નહિ પણ યહોવાહનું ડહાપણ જોવા મળે છે? (ખ) આપણે હવે પછીના લેખમાં શાની ચર્ચા કરીશું?

૨૦ આપણા જેવા મનુષ્યોનો ઉપયોગ કરીને યહોવાહે આપણને જેની જરૂર છે એ પૂરું પાડ્યું છે. એ શું છે? એ યહોવાહના વિચારો જણાવતું પુસ્તક છે જે યહોવાહના ભક્તોએ હાથેથી લખ્યું છે. એ “ઈશ્વરપ્રેરિત” બાઇબલમાં મનુષ્યોની લાગણીઓ જોવા મળે છે. (૨ તીમોથી ૩:૧૬) આપણે એ ન ભૂલવું જોઈએ કે તેઓએ યહોવાહના પવિત્ર આત્મા કે શક્તિ દ્વારા બાઇબલ લખ્યું છે. તેઓએ પોતાની નહિ, પણ યહોવાહની બુદ્ધિ અને ડહાપણ વિષે લખ્યું છે. તેથી એ લખાણોમાં આપણે પૂરેપૂરો ભરોસો રાખી શકીએ છીએ. એમાં મનુષ્યોના ડહાપણ કરતાં પણ ઉત્તમ સલાહ આપવામાં આવી છે. યહોવાહ આપણને પ્રેમથી આગ્રહ કરે છે: “તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે.” (નીતિવચનો ૩:૫, ૬) એ સલાહ પ્રમાણે જીવીશું તો, આપણે જીવનભર ઈશ્વરનો સથવારો લઈ શકીશું.

૨૧ યહોવાહના બધા જ ગુણોમાં સૌથી ઉત્તમ ગુણ પ્રેમ છે. તેમણે કઈ રીતે પ્રેમ બતાવ્યો છે, એ આપણને હવે પછીના લેખમાં જોવા મળશે.

શું તમને યાદ છે?

આપણે યહોવાહના જિગરી દોસ્ત બની શકીએ એ માટે તેમણે કેવાં પગલાં લીધા છે?

યહોવાહે સર્જન કરવા અને તેમના ભક્તોનું રક્ષણ કરવા કેવી રીતે પોતાની શક્તિ વાપરી છે?

યહોવાહ કઈ રીતે ન્યાયી છે?

યહોવાહે સર્જેલી વસ્તુઓમાંથી અને બાઇબલમાંથી કેવી રીતે તેમનું ડહાપણ દેખાઈ આવે છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૦ પર ચિત્ર]

જેવી રીતે ઘેટાંપાળક પોતાની ગોદમાં ઘેટાંના બચ્ચાંને ઉપાડી લે છે તેમ, યહોવાહ પોતાના ભક્તોની કોમળતાથી સંભાળ રાખે છે

[પાન ૧૩ પર ચિત્ર]

બાઇબલ જે રીતે લખવામાં આવ્યું છે એમાં યહોવાહનું ડહાપણ જોવા મળે છે