સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“દેવ પ્રેમ છે”

“દેવ પ્રેમ છે”

“દેવ પ્રેમ છે”

જે પ્રેમ કરતો નથી, તે દેવને ઓળખતો નથી; કેમકે દેવ પ્રેમ છે.૧ યોહાન ૪:૮.

 યહોવાહના કોઈ પણ ગુણોમાં જરા પણ ખામી જોવા મળતી નથી. તેમના એકેએક ગુણો આપણને ગમી જાય એવા છે. પરંતુ તેમના બધા જ ગુણોમાં પ્રેમ અજોડ છે. એના લીધે આપણને તેમના પ્યારા દોસ્ત બનવા હિંમત મળે છે. યહોવાહના સર્વ ગુણોમાં પ્રેમ સૌથી ચડિયાતો છે. એ જાણીને શું તમારા દિલને ઠંડક વળતી નથી? પરંતુ આપણે કેવી રીતે કહી શકીએ કે પ્રેમ તેમનો અજોડ ગુણ છે?

યહોવાહના પ્રેમ વિષે બાઇબલ એટલું બધું જણાવે છે કે, એવું બીજા કોઈ ગુણો વિષે જણાવતું નથી. બાઇબલમાં એવું ક્યાંય જોવા મળતું નથી કે, દેવ શક્તિ છે, દેવ ન્યાય છે કે દેવ ડહાપણ છે. યહોવાહમાં આ બધા જ ગુણો સંપૂર્ણ છે. તેમ છતાં, એ બધા ગુણોમાં પ્રેમ ચડિયાતો છે. પ્રેમ વિષે ૧ યોહાન ૪:૮ ઊંડું સત્ય જણાવે છે: “દેવ પ્રેમ છે.” હા, યહોવાહ પ્રેમના સાગર છે. તેથી સામાન્ય રીતે કદાચ આપણે તેમના વિષે આમ વિચારતા હોઈશું: યહોવાહમાં શક્તિ હોવાથી તે પગલાં લે છે. તેમ જ તેમનામાં અપાર ડહાપણ અને બુદ્ધિ હોવાથી તે એ રીતે વર્તે છે. પરંતુ ખરેખર તો તેમને આપણા પર પ્રેમ હોવાથી તે યોગ્ય પગલાં લે છે. યહોવાહ આપણા ભલા માટે કંઈક કરે છે ત્યારે, તે તેમના બીજા ગુણો પણ વાપરે છે. પણ પ્રેમ તેમના સર્વ ગુણોમાં ચડિયાતો છે.

જોકે, ઘણી વખતે કદાચ આપણે એમ કહ્યું હશે કે, યહોવાહ પ્રેમના સાગર છે. તેથી, જો આપણે તેમના પ્રેમ વિષે શીખવું હોય તો પ્રથમ યહોવાહ વિષે શીખવું જ જોઈએ. તો પછી ચાલો આપણે યહોવાહના પ્રેમના અમુક પાસાઓ તપાસીએ.

અજોડ પ્રેમનો પુરાવો

૪, ૫. (ક) આપણી પાસે અજોડ પ્રેમનો કયો પુરાવો છે? (ખ) આપણે શા માટે એમ કહી શકીએ કે યહોવાહ અને ઈસુ વચ્ચે અતૂટ પ્રેમ છે?

યહોવાહે અનેક રીતે આપણને પ્રેમ બતાવ્યો છે. પરંતુ એમાંની એક અજોડ રીતે તેમણે પ્રેમ બતાવ્યો છે. કઈ રીતે? જે રીતે તેમણે પોતાના દીકરાને પૃથ્વી પર મોકલ્યા, જેથી તે દુઃખ વેઠીને આપણા માટે પોતાના જીવનનું બલિદાન આપે. સાચે જ બીજા કોઈએ કદી પણ આપણને તેમના જેવો પ્રેમ બતાવ્યો નથી. આપણે કઈ રીતે એમ કહી શકીએ?

બાઇબલ કહે છે કે ઈસુ “સર્વ સૃષ્ટિનો પ્રથમજનિત છે.” (કોલોસી ૧:૧૫) યહોવાહે સૃષ્ટિની રચના કરી એ પહેલાં ઈસુ તેમની સાથે હતા. શું તમે એનો કદી વિચાર કર્યો છે? એમ હોય તો, સવાલ થાય છે કે ઈસુએ તેમના પિતા યહોવાહ સાથે કેટલો સમય કાઢ્યો હશે? ઘણા વૈજ્ઞાનિકોના અંદાજ પ્રમાણે વિશ્વને આજે લગભગ ૧૩ અબજ વર્ષ થયાં છે. એ અંદાજ સાચો હોય તોપણ, યહોવાહ પરમેશ્વર સાથે ઈસુ સ્વર્ગમાં કેટલા વર્ષો હતા, એની ચોક્કસ ગણતરી આપણે કરી શકતા નથી! તેથી સવાલ ઊભો થાય છે કે સ્વર્ગમાં ઈસુ એટલાં વર્ષો શું કરતા હતા? ઈસુ આનંદથી “કુશળ કારીગર તરીકે” તેમના પિતા સાથે સ્વર્ગમાં કામ કરતા હતા. (નીતિવચનો ૮:૩૦; યોહાન ૧:૩) યહોવાહ અને ઈસુએ સાથે મળીને સઘળી વસ્તુઓ રચી છે. એ બધું રચવામાં તેઓને કેવો આનંદ થયો હશે એની જરા કલ્પના કરો! તેઓએ સેંકડો સદીઓ સાથે પસાર કરી હોવાથી તેઓનો એકબીજા માટેનો પ્રેમ કેટલો વધ્યો હશે, એની કલ્પના આપણામાંથી કોણ કરી શકે? ખરેખર, યહોવાહ અને ઈસુ વચ્ચે અતૂટ પ્રેમ છે.

૬. ઈસુએ બાપ્તિસ્મા લીધું ત્યારે યહોવાહે તેમના વિષે શું કહ્યું?

તેમ છતાં યહોવાહે તેમના વહાલા દીકરાને પૃથ્વી પર મનુષ્ય તરીકે મોકલ્યા હતા. એ સમયે યહોવાહને લગભગ ત્રીસેક વર્ષો સુધી ઈસુની ખોટ સહેવી પડી હતી. ઈસુ સંપૂર્ણ મનુષ્ય તરીકે મોટા થતા ગયા એ યહોવાહ સ્વર્ગમાંથી જોઈ રહ્યા હતા. પછી ઈસુ આશરે ત્રીસ વર્ષના થયા ત્યારે બાપ્તિસ્મા લીધું. એ સમયે યહોવાહે સ્વર્ગમાંથી કહ્યું: “આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્‍ન છું.” (માત્થી ૩:૧૭) ઈસુ વિષે જે લખવામાં આવ્યું હતું એ પ્રમાણે તેમણે બધું જ કર્યું હતું. એ જોઈને યહોવાહને કેવો આનંદ થયો હશે એની કલ્પના કરો!—યોહાન ૫:૩૬; ૧૭:૪.

૭, ૮. (ક) નીસાન ૧૪ની સાંજે ઈસુએ શું અનુભવ્યું, અને એ જોઈને યહોવાહને કેવું લાગ્યું હશે? (ખ) યહોવાહે શા માટે ઈસુને દુઃખ સહેવા દઈને મરણ પામવા દીધા?

ઈસવીસન ૩૩માં, નીસાન ૧૪ની સાંજે ઈસુનો વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો. અરે, ચોરને પકડવા લોકો નીકળી પડે તેમ, ક્રોધે ભરાયેલા એક ટોળાએ તેમની ધરપકડ કરી હતી. એ જોઈને યહોવાહને કેવું લાગ્યું હશે? પછી લોકોએ તેમની હાંસી-મજાક ઉડાવી, મોં પર થૂંક્યા, મુક્કીઓ મારી, કોરડા મારીને તેમની પીઠ પરની ચામડી ચીરી નાખી ત્યારે, એ જોઈને યહોવાહને કેવું લાગ્યું હશે? એટલું જ નહિ, તેઓએ ઈસુને વધસ્તંભ પર ચડાવીને હાથપગમાં ખીલા મારીને લટકાવ્યા અને તેમની મશ્કરી કરતા રહ્યા, ત્યારે એ જોઈને યહોવાહને કેવું લાગ્યું હશે? પછી તેમના દીકરાએ વેદનાથી યહોવાહને પોકાર કર્યો ત્યારે તેમને કેવું લાગ્યું હશે? સૃષ્ટિને રચવામાં આવી ત્યારથી લઈને નીસાન ૧૪ની સાંજે જે બન્યું એવું ઈસુના જીવનમાં કદી થયું ન હતું. તે હવે છેલ્લો શ્વાસ લઈને મરણ પામ્યા, એ જોઈને યહોવાહને કેવું લાગ્યું હશે?—માત્થી ૨૬:૧૪-૧૬, ૪૬, ૪૭, ૫૬, ૫૯, ૬૭; ૨૭:૨૬, ૩૮-૪૪, ૪૬; યોહાન ૧૯:૧.

યહોવાહના અતિ પ્રિય દીકરા ઈસુ જે રીતે દુઃખ વેઠીને મરણ પામ્યા, એ જોઈને શું તેમને કંઈ જ થયું નહિ હોય? જોકે યહોવાહ પથ્થર દિલના નથી. તે તો ફૂલની પાંખડી કરતાં પણ કોમળ દિલના છે. તેમને ઈસુનું દુઃખ જોઈને કેવું લાગ્યું હશે એનું આપણે શબ્દથી વર્ણન કરી શકીએ એમ નથી. ઈસુએ જે રીતે એ દુઃખ વેઠ્યું એની પાછળ યહોવાહનો શું ઇરાદો હતો? યોહાન ૩:૧૬માં, તે તેમનો અજોડ હેતુ જણાવે છે. એ શબ્દોમાં તેમનું સનાતન સત્ય રહેલું છે. એ કહે છે: “દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ સારૂ કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.” હા, યહોવાહને આપણા પર અનહદ પ્રેમ હોવાથી તેમણે ઈસુને એ દુઃખ વેઠવા દીધું. કોઈએ પણ કદી આ હદે પ્રેમ બતાવ્યો નથી.

યહોવાહ આપણને કેવી રીતે પ્રેમ બતાવે છે?

૯. શેતાન શું ચાહે છે કે આપણે યહોવાહ વિષે વિચારતા રહીએ? પરંતુ યહોવાહ આપણને શું ખાતરી આપે છે?

જોકે, યોહાન ૩:૧૬માં જણાવ્યા પ્રમાણે અમુક લોકો સહમત થાય છે કે યહોવાહ બધા મનુષ્યોને પ્રેમ કરે છે. તોપણ, તેઓ વિચારે કે ‘શું યહોવાહ ખરેખર મને ચાહે છે?’ અથવા તેઓને એવું લાગે છે કે ‘યહોવાહની નજરમાં મારી તો જરાય કિંમત નથી.’ આપણે જો એવું માનતા રહીશું તો, એનાથી શેતાનની જરૂર જીત થશે. તે ચાહે છે કે આપણે એવું જ વિચારતા રહીએ. પણ યાદ રાખો, ભલે આપણને એવું લાગે કે ‘મારી કોઈ કિંમત નથી,’ તોપણ, યહોવાહ આપણને પૂરી ખાતરી આપે છે કે આપણે તેમની સેવામાં અડગ રહીશું ત્યાં સુધી, તેમનો પ્રેમ આપણી પ્રત્યે કદી ઠંડો થશે નહિ!

૧૦, ૧૧. ઈસુએ ચકલીના દૃષ્ટાંતથી કેવી રીતે બતાવ્યું કે આપણે યહોવાહની નજરમાં મૂલ્યવાન છીએ?

૧૦ ઈસુએ માત્થી ૧૦:૨૯-૩૧માં શું કહ્યું એનો વિચાર કરો. તેમના શિષ્યો તેમને કેટલા કીમતી છે, એ સમજાવવા તેમણે એક દૃષ્ટાંત આપતા કહ્યું: “પૈસાની બે ચકલી વેચાતી નથી શું? તોપણ તમારા બાપની ઇચ્છા વગર તેમાંથી એકે ભોંય પર પડનાર નથી. અને તમારા માથાના નિમાળા પણ બધા ગણેલા છે. તે માટે બીહો મા; ઘણી ચલ્લીઓ કરતાં તમે મૂલ્યવાન છો.” ઈસુએ એમ કહ્યું ત્યારે, જેઓ સાંભળી રહ્યા હતા તેઓને કેવું લાગ્યું હશે એનો વિચાર કરો.

૧૧ ઈસુના સમયમાં લોકો ખોરાક તરીકે પક્ષીઓ પણ વેચતા હતા. એમાંથી ચકલીઓ સૌથી સસ્તી હતી. ત્યારે એક પૈસામાં બે ચકલીઓ મળતી હતી. પરંતુ, લુક ૧૨:૬, ૭ પ્રમાણે ઈસુએ પછી કહ્યું કે, જો ખરીદનાર બે પૈસા ખર્ચવા તૈયાર હોય તો, તેને ચાર નહિ પણ પાંચ ચકલીઓ મળે છે. વધારાની ચકલીનું જાણે કોઈ મૂલ્ય ન હોય એમ, તેને મફત આપી દેવામાં આવતી. માણસની નજરમાં કદાચ એની કોઈ કિંમત નહિ હોય. પરંતુ યહોવાહની નજરમાં શું એની કોઈ કિંમત હતી? ઈસુએ કહ્યું: “દેવની દૃષ્ટિમાં તેઓમાંની એકે [વધારાની ચકલી પણ] વિસારેલી નથી.” ઈસુનો કહેવાનો અર્થ કદાચ આપણે હવે સમજ્યા હોઈશું. જો યહોવાહની નજરમાં એક ચકલી પણ એટલી કીમતી હોય તો, આપણે તેમની નજરમાં કેટલા કીમતી છીએ! ઈસુએ કહ્યું તેમ, યહોવાહ આપણા વિષે બધું જ જાણે છે. અરે, આપણા માથામાં કેટલા વાળ છે એ પણ યહોવાહ જાણે છે!

૧૨. ઈસુએ માથાના વાળ વિષે કંઈ વધારે પડતું કહ્યું ન હતું એમ આપણે શા માટે કહી શકીએ?

૧૨ જોકે, કોઈને એવું લાગી શકે કે ઈસુ અહીંયા જરા વધારે પડતું કહેતા હતા. પરંતુ જરા વિચારો કે જો યહોવાહ મૂએલાઓ વિષે કંઈ જાણતા જ ન હોય તો, તે કેવી રીતે તેઓને સજીવન કરી શકે? શું એ ખરું નથી કે એમ કરવા માટે તે આપણી રગે રગ જાણતા હોવા જોઈએ? અરે, તે આપણા વિષે બધું જ જાણે છે. જેમ કે, આપણા જીવનનો અનુભવ અને આપણી મધુર યાદીઓ વિષે પણ તેમને પૂરેપૂરો ખ્યાલ છે. શું તમે જાણો છો કે આપણા માથામાં કેટલા વાળ હશે? એમ કહેવામાં આવે છે કે, દરેકનાં માથામાં લગભગ ૧,૦૦,૦૦૦ વાળ હોય છે. તો વિચારો, આપણા જીવનના અનુભવો અને બધી જ યાદોની નોંધ રાખવા સામે, શું યહોવાહ માટે એ રમત વાત નથી? ખરેખર, ઈસુએ કેટલી સુંદર રીતે બતાવી આપ્યું કે, આપણે દરેક યહોવાહને કેટલા પ્રિય છીએ!

૧૩. રાજા યહોશાફાટ સાથેના યહોવાહના વહેવારમાંથી આપણને શું શીખવા મળે છે?

૧૩ આપણે યહોવાહની નજરમાં અતિ પ્રિય છીએ એની ખાતરી આપતાં બાઇબલ બીજું શું જણાવે છે? યહોવાહ આપણામાં સદ્‍ગુણો જુએ છે, અને એની તે કદર કરે છે. દાખલા તરીકે, રાજા યહોશાફાટનો વિચાર કરો. યહોશાફાટે યહોવાહ સામે પાપ કર્યું ત્યારે યહોવાહના પ્રબોધકે તેમને કહ્યું: “એને લીધે યહોવાહનો કોપ તારા પર પ્રગટ થયો છે.” આ શબ્દો તેમને કેવી ચેતવણી આપે છે! પરંતુ યહોવાહનો સંદેશો એટલાથી પૂરો થયો ન હતો. તેમણે આગળ કહ્યું: “તોપણ તારામાં કંઈક સારી વાતો માલૂમ પડી છે.” (૨ કાળવૃત્તાંત ૧૯:૧-૩) જોકે, યહોવાહ ન્યાયી રીતે ગુસ્સે થયા હતા. તેમ છતાં, યહોવાહ રાજાના સારાં કૃત્યો ભૂલી ગયા ન હતા. હા, આપણે અપૂર્ણ હોવા છતાં યહોવાહ આપણામાં સારી બાબતો જુએ છે. એ જાણીને આપણા દિલને કેટલી રાહત મળે છે!

યહોવાહ “ક્ષમા કરવાને તત્પર છે”

૧૪. આપણે પાપ કરી બેસીએ છીએ ત્યારે દિલમાં કેવું લાગે છે? અને યહોવાહની માફી મેળવવા આપણે શું કરવું જોઈએ?

૧૪ પાપ કરી બેસીએ પછી આપણને એનો પસ્તાવો થતો હોય છે. તેથી આપણને શરમથી પોતાનું મોં સંતાડવું પડે છે. તેમ જ આપણું હૈયું ડંખતું હોવાથી, આપણને એવું લાગી શકે કે, હવે આપણે કદી યહોવાહની સેવા કરવા લાયક બની શકીએ એમ નથી. તેમ છતાં, ભૂલશો નહિ કે, યહોવાહ “ક્ષમા કરવાને તત્પર છે.” (ગીતશાસ્ત્ર ૮૬:૫) જો આપણે પાપનો સાચો પસ્તાવો કર્યા પછી, ફરી પાપ ન કરીએ એ માટે આપણાથી બનતું બધું જ કરીશું તો, યહોવાહ આપણને જરૂર માફ કરશે. યહોવાહના પ્રેમનું આ બીજું પાસું છે. એના વિષે બાઇબલ શું કહે છે એનો વિચાર કરો.

૧૫. યહોવાહ આપણાં પાપ આપણાથી કેટલે દૂર મૂકી દે છે?

૧૫ યહોવાહ કઈ હદ સુધી આપણને ક્ષમા આપવા તૈયાર છે એ વિષે દાઊદે ગીતશાસ્ત્રમાં કહ્યું: “પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે, તેટલાં તેણે આપણાં ઉલ્લંઘન આપણાથી દૂર કર્યાં છે.” (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૨) પૂર્વ પશ્ચિમથી કેટલું દૂર છે? ખરા અર્થમાં કહીએ તો, પૂર્વ અને પશ્ચિમનો કદી મેળાપ થતો જ નથી. કેમ કે એ બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે. એક વિદ્વાને એ સમજાવતાં કહ્યું: “આપણે કલ્પી પણ ન શકીએ એટલી હદે આ બંને દિશાઓ એકબીજાથી દૂર છે.” ઈશ્વરની પ્રેરણાથી દાઊદે એ શબ્દો લખ્યા હતા. એ બતાવે છે કે યહોવાહ આપણને ક્ષમા કરે છે ત્યારે, આપણે કલ્પી પણ ન શકીએ એટલે દૂર તે આપણાં પાપ મૂકી દે છે.

૧૬. પાપોની માફી મળ્યા પછી આપણે યહોવાહની નજરમાં ધોળા ઊન જેવા છીએ, એમ શા માટે ખાતરી રાખી શકીએ?

૧૬ શું તમે કદી સફેદ સાડી કે શર્ટમાંથી લાલ રંગનો ડાઘ કાઢવાનો પ્રયત્ન કર્યો છે? તમે એને કાઢવા ગમે તેટલો પ્રયત્ન કરો તોપણ, એ કદાચ તમને દેખાઈ આવશે. નોંધ કરો કે યહોવાહ પાપને શાની સાથે સરખાવે છે અને તે કઈ હદ સુધી માફી આપે છે: “તમારાં પાપ જોકે લાલ વસ્ત્રના જેવાં હોય, તો પણ તેઓ હિમ સરખાં શ્વેત થશે; જો તે કીરમજના જેવાં રાતાં હોય, તોપણ તેઓ ઊન સરખાં થશે.” (યશાયાહ ૧:૧૮) કિરમજી રંગ લોહી જેવા લાલ રંગને બતાવે છે. * આપણે પોતાની જાતે આપણાં પાપ ધોઈને કદી યહોવાહની નજરમાં શુદ્ધ બની શકતા નથી. તેમ છતાં, યહોવાહ લાલ કે કિરમજી રંગ જેવાં પાપ ધોઈને હિમ કે ઊન જેવા સફેદ કરી શકે છે. તેથી, યહોવાહ આપણામાં સાચો પસ્તાવો જોઈને આપણાં ગંભીર પાપ ધોઈ નાખે છે. પછી આપણે દિલમાં પાપનો ડાઘ લઈને આખી જિંદગી ફરવું ન જોઈએ.

૧૭. યહોવાહ કયા અર્થમાં આપણાં પાપ તેમની પીઠ પાછળ નાખી દે છે?

૧૭ હિઝકીયાહ રાજાએ મરણતોલ બીમારીમાંથી સાજા થયા પછી, યહોવાહનો ઉપકાર માનતા એક સુંદર ગીત લખ્યું: “તેં મારાં સર્વ પાપ તારી પીઠ પાછળ નાખી દીધાં છે.” (યશાયાહ ૩૮:૧૭) યહોવાહ આપણાં ગંભીર પાપની માફી આપે છે ત્યારે, તે જાણે એને પોતાની પાછળ નાખી દેતા હોય એવું ચિત્ર અહીં જોવા મળે છે. પછી તે આપણે કરેલાં પાપ સામે જોતા નથી. તેમ જ તેને ફરી યાદ પણ કરતા નથી. એ કલમ વિષે એક લખાણ કહે છે: “તેં એવું કર્યું છે કે જાણે [મેં પાપ જ] ન કર્યું હોય.” એ શબ્દોથી શું તમારા દિલમાં ઠંડક થતી નથી?

૧૮. યહોવાહ આપણાં પાપ કાયમ માટે ધોઈ નાખે છે, એમ પ્રબોધક મીખાહ કઈ રીતે બતાવે છે?

૧૮ યહોવાહે ઈસ્રાએલીઓને વચન આપ્યું હતું કે પસ્તાવો કરનાર લોકો પોતાના દેશમાં જરૂર પાછા જશે. એમાં મીખાહ પ્રબોધકે ભરોસો બતાવતા કહ્યું: “તારા જેવો દેવ કોણ છે? કેમકે તું તો પાપ માફ કરે છે, ને તારા વારસાના બચેલા ભાગના અપરાધને દરગુજર કરે છે; . . . અને તું તેઓનાં સર્વ પાપો સમુદ્રનાં ઊંડાણમાં ફેંકી દેશે.” (મીખાહ ૭:૧૮, ૧૯) જરા કલ્પના કરો કે જેઓ બાઇબલના જમાનામાં રહેતા હતા, તેઓને એ સાંભળીને કેવું લાગ્યું હશે! ‘સમુદ્રનાં ઊંડાણમાં કંઈક ફેંકી’ દીધા પછી શું એને સહેલાઈથી પાછું બહાર કાઢી શકાય? મીખાહના શબ્દો બતાવે છે કે યહોવાહ આપણાં પાપ માફ કરે છે ત્યારે, તે એને કાયમ માટે ધોઈ નાખે છે.

“આપણા ઈશ્વર દયાળુ તથા મમતાળુ છે”

૧૯, ૨૦. (ક) “દયા” માટે વાપરવામાં આવેલ હેબ્રી ક્રિયાપદનો શું અર્થ થાય છે? (ખ) બાઇબલ આપણને કેવી રીતે બતાવે છે કે માતાની જેમ, યહોવાહને પણ આપણા પર દયા છે?

૧૯ યહોવાહના પ્રેમનું બીજું પાસું દયા છે. દયા એટલે શું? બાઇબલ પ્રથમ હેબ્રી અને ગ્રીક ભાષામાં લખાયું હોવાથી, એ ભાષાઓમાં દયા માટે અનેક શબ્દો વાપરવામાં આવ્યા છે. દાખલા તરીકે, મોટા ભાગે હેબ્રી ક્રિયાપદ રાહેમનો અર્થ, કોઈને “દયા બતાવવી” અથવા કોઈના પર “દયા આવવી” થાય છે. “ગર્ભ” અને “માની મમતા” માટે જે હેબ્રી શબ્દો વાપરવામાં આવ્યા છે એની સાથે દયાનો અર્થ જોડાયેલો છે. તેથી એ ગુણ યહોવાહને શોભે છે.

૨૦ બાઇબલ આપણને બતાવે છે કે જેમ માતાને તેના બાળક પર દયા અને મમતા હોય છે, તેમ યહોવાહને પણ આપણા પર મમતા છે. એ વિષે યશાયાહ ૪૯:૧૫ કહે છે: “શું, સ્ત્રી પોતાના પેટના દીકરા [બાળક] પર દયા [અથવા મમતા] ન કરે, એવી રીતે કે તે પોતાના ધાવણાં બાળકને વીસરી જાય? હા, કદાચ તેઓ વીસરે, પરંતુ હું તને વિસરીશ નહિ.” એ માની પણ ન શકાય કે માતા પોતાના બાળકને ધવડાવવાનું ભૂલી જાય. સાચું કહીએ તો, શિશુ દિન-રાત તેની માતાના હેત અને મમતા પર જીવતું હોય છે, અને તેને હંમેશાં માતાની સંભાળની જરૂર હોય છે. તેમ છતાં, દુઃખની વાત છે કે આજે “છેલ્લા સમયમાં” ઘણી માતાઓ તેમના બાળકોને તજી દે છે. (૨ તીમોથી ૩:૧,) તોપણ યહોવાહ કહે છે કે “હું તને વિસરીશ નહિ.” જોકે, યહોવાહને તેમના સેવકો પર જેટલી મમતા હોય છે, એની સરખામણીમાં માતાઓ તેમનાં બાળકને જે મમતા બતાવે છે, એ કંઈ જ નથી.

૨૧, ૨૨. ઈસ્રાએલીઓએ ઇજિપ્તમાં શું અનુભવ્યું, અને તેઓનો પોકાર સાંભળીને યહોવાહે શું કર્યું?

૨૧ યહોવાહ પ્યારા મા-બાપની જેમ આપણને કેવી રીતે મમતા બતાવે છે? તેમણે પ્રાચીન ઈસ્રાએલ સાથે જે રીતે વહેવાર કર્યો હતો, એમાં તેમની મમતા જોવા મળે છે. એ જમાનો યાદ કરો, જ્યારે યહોવાહે લાખો ઈસ્રાએલીઓને ઇજિપ્તની ગુલામીમાંથી છોડાવ્યા હતા. (નિર્ગમન ૧:૧૧, ૧૪) તેઓ પર સખત દુઃખ આવી પડ્યું ત્યારે, તેઓએ મદદ માટે યહોવાહને પોકાર કર્યો હતો. દયાળુ પરમેશ્વર યહોવાહે જવાબમાં શું કર્યું?

૨૨ તેઓનું દુઃખ યહોવાહના હૃદયને સ્પર્શી ગયું. તેમણે કહ્યું: “મેં મિસરમાંના [ઇજિપ્તમાંના] મારા લોકનું દુઃખ નિશ્ચે જોયું છે, ને . . . તેમનો વિલાપ સાંભળ્યો છે; કેમકે તેઓનો ખેદ હું જાણું છું.” (નિર્ગમન ૩:૭) યહોવાહે તેમના લોકોનું દુઃખ જોયું અને તેઓનો વિલાપ સાંભળ્યો ત્યારે તેમને કેવું લાગ્યું હશે, એનો વિચાર કરો! એ જોઈને તેમનું હૃદય વીંધાઈ ગયું હતું. યહોવાહ રહેમદિલ પરમેશ્વર છે. તે આપણું દુઃખ અનુભવે છે. તેથી, યહોવાહે તેમના લોકોને દયા બતાવી હતી. એટલું જ નહિ, તેમણે તેઓને છોડાવવા પગલાં પણ લીધા. યશાયાહ ૬૩:૯ કહે છે: “તેણે જ પોતાની પ્રીતિથી તથા પોતાની દયાથી તેમનો ઉદ્ધાર કર્યો.” તેમણે પોતાના ‘પરાક્રમી હાથે’ ઈસ્રાએલીઓને ઇજિપ્તમાંથી છોડાવ્યા હતા. (પુનર્નિયમ ૪:૩૪) એના પછી યહોવાહે ઈસ્રાએલીઓને ચમત્કારિક રીતે ખોરાક પૂરો પાડ્યો અને તેઓને વચનના દેશમાં લઈ ગયા.

૨૩. (ક) ગીતશાસ્ત્રના શબ્દો પરથી આપણે કઈ રીતે કહી શકીએ કે યહોવાહ આપણા દરેકની ચિંતા કરે છે? (ખ) યહોવાહ આપણને કઈ કઈ રીતે મદદ આપે છે?

૨૩ યહોવાહ એક સમૂહ તરીકે જ તેમના સેવકોને દયા અને મમતા બતાવતા નથી. પણ તે તેમના દરેક સેવકોની ખૂબ જ ચિંતા કરે છે. આપણે કેવું દુઃખ સહેવું પડે છે, એ પણ તે જાણે છે. તેથી, ગીતશાસ્ત્રના એક લેખકે કહ્યું: “ન્યાયીઓ પર યહોવાહની કૃપાદૃષ્ટિ છે, તેઓની અરજ પ્રત્યે તેના કાન ઉઘાડા છે. આશાભંગ થએલાઓની પાસે યહોવાહ છે, અને નમ્ર આત્માવાળાને [ભગ્‍ન હૃદયોવાળાને] તે તારે છે.” (ગીતશાસ્ત્ર ૩૪:૧૫, ૧૮) એમ હોય તો, યહોવાહ આપણને પોતાને કેવી રીતે મદદ પૂરી પાડે છે? તે આપણું દુઃખ લઈ લેતા નથી. પરંતુ આપણે દુઃખના કારણે યહોવાહને પ્રાર્થના કરીએ છીએ ત્યારે, મદદ કરવા તેમણે અનેક જોગવાઈઓ કરી છે. એમાંની એક છે બાઇબલ. એમાં સારી સલાહ આપવામાં આવી છે. એની સલાહ લાગુ પાડવાથી આપણા જીવનમાં મોટો ફેર પડી શકે છે. તેમ જ તેમણે મંડળમાં વડીલો આપ્યા છે. તેઓ યહોવાહની માફક જ બીજાઓને દયા અને મમતા બતાવીને મદદ આપવા તેઓથી બનતું બધું જ કરે છે. (યાકૂબ ૫:૧૪, ૧૫) વધુમાં, યહોવાહ પ્રાર્થનાના સાંભળનાર છે. તેથી, જેઓ તેમની પાસે મદદ માંગે છે, તેઓને તે પવિત્ર આત્મા કે તેમની શક્તિ આપે છે. (ગીતશાસ્ત્ર ૬૫:૨; લુક ૧૧:૧૩) “આપણા ઈશ્વર દયાળુ તથા મમતાળુ” હોવાથી તેમની દરેક જોગવાઈમાં તેમનો પ્રેમ જોવા મળે છે.—લુક ૧:૭૮, પ્રેમસંદેશ.

૨૪. તમે યહોવાહના પ્રેમની કેવી રીતે કદર બતાવશો?

૨૪ યહોવાહ પરમેશ્વરને આપણા પર કેટલો પ્રેમ છે એ જાણવું રોમાંચભર્યું નથી શું? પહેલાં લેખમાં આપણે જોયું કે યહોવાહ તેમની શક્તિ, ન્યાય, ડહાપણ કે બુદ્ધિ આપણા ભલા માટે પ્રેમથી વાપરે છે. તેમ જ તેમણે મનુષ્યોને કઈ અજોડ રીતે પોતાનો પ્રેમ બતાવ્યો છે એ પણ આપણે જોયું. તે આપણને પોતાને કેવી રીતે તેમનો પ્રેમ બતાવે છે, એ પણ આપણે આ લેખમાં જોયું. તેથી ચાલો, હવે આપણે દરેક પોતાને પૂછીએ કે, ‘યહોવાહના પ્રેમની હું કેવી કદર બતાવીશ?’ અમારી પ્રાર્થના છે કે તમે પણ પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરી બુદ્ધિથી અને પૂરા જોશથી યહોવાહ પરમેશ્વરને પ્રીતિ કરતા રહેશો. (માર્ક ૧૨:૨૯, ૩૦) અમારી આશા છે કે દરરોજ તમે તમારા જીવનમાં યહોવાહના દિલોજાન દોસ્ત બનવા ખુશીથી બનતું બધું જ કરતા રહેશો. તેમ જ અમારી આશા છે કે પ્રેમના પરમેશ્વર, યહોવાહ સદા તમારો સાથ આપે!—યાકૂબ ૪:૮.

[ફુટનોટ્‌સ]

^ એક વિદ્વાનનું કહેવું છે કે, કિરમજી-લાલ રંગ “પાકો રંગ હોય છે. એ રંગવાળું વસ્ત્ર ઝાકળથી, વરસાદથી અથવા ધોવાથી કે લાંબો સમય પહેરવાથી એ રંગ જલદી ઘસાઈને નીકળતો નથી.”

તમને યાદ છે?

આપણે કેવી રીતે જાણી શકીએ કે યહોવાહનો મુખ્ય ગુણ પ્રેમ છે?

આપણે શા માટે કહી શકીએ કે, યહોવાહે આપણા માટે તેમના દીકરાને દુઃખ સહેવા દઈને મરવા દીધા, એ તેમના અજોડ પ્રેમનો પુરાવો છે?

યહોવાહને આપણે દરેક અતિ પ્રિય છીએ એની તેમણે શું ખાતરી આપી છે?

યહોવાહ આપણને કઈ હદ સુધી માફ કરે છે એ વિષે બાઇબલ શું કહે છે?

[અભ્યાસ પ્રશ્નો]

૧-૩. (ક) બાઇબલ યહોવાહના પ્રેમ વિષે શું કહે છે, અને એ કઈ રીતે અજોડ છે? (ખ) “દેવ પ્રેમ છે” એવું બાઇબલ શા માટે કહે છે?

[પાન ૧૫ પર ચિત્ર]

‘ઈશ્વરે પોતાનો એકનોએક પુત્ર આપી દીધો’

[પાન ૧૬, ૧૭ પર ચિત્રો]

“ઘણી ચલ્લીઓ કરતાં તમે મૂલ્યવાન છો”

[ક્રેડીટ લાઈન]

© J. Heidecker/VIREO

[પાન ૧૮ પર ચિત્ર]

માતાને તેના બાળક પર મમતા હોય છે, તેમ યહોવાહને પણ આપણા પર અપાર મમતા છે