સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નાના માણસોએ બાઇબલ ભાષાંતરનું મોટું કામ કર્યું!

નાના માણસોએ બાઇબલ ભાષાંતરનું મોટું કામ કર્યું!

નાના માણસોએ બાઇબલ ભાષાંતરનું મોટું કામ કર્યું!

હેન્રી નોટ કડિયાકામ કરતા હતા અને જોન ડેવીસ કરિયાણાંની દુકાન સંભાળવાનું શીખતા હતા. તેઓએ ટાહિટીયન ભાષામાં બાઇબલ ભાષાંતરનું મોટું કામ શરૂ કર્યું અને એને પૂરું કરતા ત્રીસ વર્ષ લાગ્યા. છેવટે, વર્ષ ૧૮૩૫માં તેઓએ એ કામ પૂરું કર્યું. આ બંન્‍ને જણા કંઈ બહુ ભણેલા-ગણેલા ન હતા. તેઓને બાઇબલનું ભાષાંતર કરવામાં કેવી કેવી તકલીફો પડી અને તેઓને મહેનતના કેવાં ફળ મળ્યા?

“ગ્રેટ અવેકનિંગ” નામની એક સંસ્થા

વર્ષ ૧૭૫૧-૧૮૦૦માં પ્રોટેસ્ટંટ ખ્રિસ્તી ધર્મ ગ્રેટ અવેકનિંગ નામે ઓળખાતો હતો. તેઓ બ્રિટનની કોલસાની ખાણો અને ફૅક્ટરી આગળ આવેલાં ગામડાંઓમાં મજૂરોને પ્રચાર કરતા હતા. તેઓ જેમ જેમ પ્રચાર કરતા, તેમ લોકોને બાઇબલ પણ આપતા હતા.

વિલિયમ કેરી નામની વ્યક્તિએ આ પ્રચાર કામની ગોઠવણ શરૂ કરી હતી. તે બેપ્ટીસ્ટ ધર્મના હતા. તેમણે ૧૭૯૫માં લંડન મિશનરી સોસાયટીની પણ સ્થાપના કરી હતી. જો કોઈ મિશનરી તરીકે, દક્ષિણ પૅસિફિકના રહેવાસીઓની ભાષા શીખવા અને ત્યાં જવા તૈયાર હોય તો, તેઓને લંડન મિશનરી સોસાયટીમાં તાલીમ આપવામાં આવતી. આ મિશનરીઓનું કામ બસ એ જ હતું કે બધી ભાષાઓમાં બાઇબલનો પ્રચાર કરવામાં આવે.

એ વખતે જ ટાહિટી નામના ટાપુની શોધ થઈ હતી. લંડન મિશનરી સોસાયટીના સેવકો, સૌથી પહેલાં ત્યાં પ્રચાર કરવા માટે પહોંચી ગયા હતા. મિશનરીઓને લાગ્યું કે આ ટાપુઓનાં લોકોના જીવનમાં અંધકાર છવાયેલો છે. તેથી તેઓએ બાઇબલ વિષે જાણવું જ જોઈએ.

વધારે ભણેલાં-ગણેલાં નહિ છતાં ભાષાંતર કરવા તૈયાર થયા

નવા શિષ્યો શોધવા માટે, જેમ તેમ તૈયાર થયેલા લગભગ ત્રીસેક મિશનરીઓને ત્યાં મોકલવામાં આવ્યા. એમાં કોનો કોનો સમાવેશ થતો હતો? એક રિપોર્ટ બતાવે છે કે, તેઓમાં “ચાર પાદરીઓ હતા જેઓને બાઇબલ વિષે કંઈ શીખવવામાં આવ્યું ન હતું. પછી ૮ સુથાર, બે મોચી, બે કડિયાકામ કરનારા, બે વણાટકામ કરનાર, બે દરજી, એક દુકાનદાર, એક જીનગર, એક નોકર, એક માળી, એક વૈધ, એક લુહાર, એક પીપડાં બનાવનાર, એક સુતરાઉ કાપડ બનાવનાર, એક ટોપીઓ બનાવનાર, એક કાપડ બનાવનાર અને તેઓમાંથી પાંચની પત્નીઓ અને ત્રણ બાળકો” હતા. તેઓ બધાએ ડફ નામના વહાણમાં મુસાફરી કરી, જે લંડન મિશનરી સોસાયટીએ ખરીદી હતી.

બાઇબલની પ્રાચીન ભાષા શીખવા માટે, મિશનરીઓ પાસે ફક્ત બે જ સાધનો હતા. એક ગ્રીક-અંગ્રેજી શબ્દકોશ અને બીજું એક બાઇબલ, કે જેની સાથે હિબ્રૂ શબ્દકોશ હતો. આ સાત મહિનાની મુસાફરી હતી. એ સાત મહિના દરમિયાન મિશનરીઓ અમુક ટાહિટીયન શબ્દો શીખી શક્યા. એ શબ્દો, અગાઉ બાઉંટી નામની સ્ટીમર પર હુમલો કરનાર લોકો પાસેથી શીખ્યા હતા. છેવટે માર્ચ ૭, ૧૭૯૭માં તેઓનું ડફ વહાણ, ટાહિટી ટાપુએ પહોંચ્યું. પરંતુ એક વર્ષ પછી મોટા ભાગના મિશનરીઓથી રહેવાયું નહિ અને તેઓ એ ટાપુ છોડીને પાછા ચાલ્યા ગયા. ફક્ત સાત મિશનરીઓ જ ત્યાં રહ્યાં હતા.

આ સાતમાં કડિયાકામ કરનાર હેન્રી નોટ પણ હતા. એ વખતે તે ફક્ત ૨૩ વર્ષના જ હતા. તેમના પત્રો વાંચીને એવું લાગી શકે કે તે બહુ ભણેલા-ગણેલા ન હતા. તેમ છતાં, તે ટાહિટી ભાષા શીખવામાં બહુ હોશિયાર હતા. એમ કહેવામાં આવે છે કે તે સ્વભાવે નિખાલસ અને શાંત હતા.

પછી વર્ષ ૧૮૦૧માં બીજા નવ મિશનરીઓ ટાહિટીમાં આવ્યા. તેઓને ટાહિટી ભાષા શીખવવાની જવાબદારી હેન્રીને સોંપવામાં આવી. એ મિશનરીઓમાં એક ૨૮ વર્ષનો નવજુવાન, જોન ડેવીસ પણ હતો. જોન પોતે ભાષા શીખવામાં હોશિયાર હતો. તેનો સ્વભાવ પણ શાંત હતો. તેમ જ તે ઉદાર દિલનો પણ હતો. હવે હેન્રી અને જોને ટાહિટીયન ભાષામાં બાઇબલનું ભાષાંતર કરવાનું નક્કી કર્યું.

ભાષાંતર કરવાનું અઘરું કામ

ટાહિટીયનમાં ભાષાંતર કરવાનું કામ બહુ જ અઘરું હતું. કેમ કે એ ભાષાની કોઈ લિપી ન હતી. મિશનરીઓ ફક્ત એ સાંભળીને જ શીખી શકે. તેઓની પાસે કોઈ શબ્દકોશ અથવા વ્યાકરણના પુસ્તકો ન હતા. એ ઉપરાંત ભાષા પણ અઘરી હતી. દાખલા તરીકે, ટાહિટી ભાષાના અનેક શબ્દો જેમ આપણે પાણી પીતા ગળામાંથી ગટ..ગટ..ગટ અવાજ કાઢીએ છીએ એમ બોલાય છે. (એક શબ્દમાં આવા પાંચ સ્વરો એક સાથે બોલાય છે). એ ભાષામાં અનોખા વ્યંજનો પણ છે. આને કારણે મિશનરીઓના મગજનું દહીં થઈ જતું હતું. તેઓ માથે હાથ દઈને કહેતા: “ઘણા શબ્દો ફક્ત સ્વરથી જ બનેલા હોય છે, અને એ દરેક શબ્દોનો ઉચ્ચાર પણ અલગ થાય છે.” પછી તેઓ કબૂલે છે કે “અમે દરેક શબ્દ વચ્ચેનો ફેર બરાબર રીતે જાણી શકતા ન હતા.” અરે, અમુક શબ્દોના ઉચ્ચારો તો તેઓએ જિંદગીમાં કદી સાંભળ્યા પણ ન હતા.

ભાષામાં આ બધા ગોટાળા હતા એ તો ખરું, પણ એ ઉપરાંત એવા અનેક શબ્દો હતા જે ટાહિટી લોકો ઘણી વાર બાઇબલમાં વાપરવા ન દેતા. તેથી, એના બીજા સમાનાર્થી શોધવા પડતા. બીજી માથાકૂટ એ હતી કે ટાહિટીમાં એક શબ્દોના અનેક રૂપ હોય છે. દાખલા તરીકે, ફક્ત “પ્રાર્થના” માટે ટાહિટીયન ભાષામાં લગભગ ૭૦ જુદા જુદા શબ્દો છે. ટાહિટીયન ભાષાનું વ્યાકરણ પણ અંગ્રેજીથી તદ્દન અલગ છે. આ બધી તકલીફો છતાં, આપણે કહીએ છીએ કે ટીપે ટીપે સરોવર બંધાય એમ, આ મિશનરીઓ નવા નવા શબ્દોની યાદી બનાવતા ગયા. લગભગ પ૦ વર્ષ પછી, જોન ડેવીસે એક શબ્દકોશ બહાર પાડ્યો, જેમાં લગભગ ૧૦,૦૦૦ શબ્દો હતા.

પરંતુ ટાહિટીયન ભાષાની લિપી ન હતી તો તેઓએ શું કર્યું? મિશનરીઓએ અંગ્રેજી બારાક્ષરી વાપરી. પરંતુ અંગ્રેજી બારાક્ષરીમાં એવા કોઈ અક્ષરો ન હતા જે ટાહિટીયન ભાષા સાથે મેચ થઈ શકે. તેથી, શબ્દો કેવી રીતે લખવા એની ચર્ચા દિવસને રાત ચાલુ જ રહેતી. મિશનરીઓએ પહેલી વખત ટાહિટીયન ભાષાને લિપીમાં મૂકી. તેથી, તેઓ પોતે જ નક્કી કરતા કે શબ્દને કેવી રીતે લખવા. તેઓને એ સમયે ખબર ન હતી કે તેઓની મહેનત, દક્ષિણ પૅસિફિકની અનેક ભાષાઓમાં કામ આવશે.

પુસ્તકો ઓછા હતા તોપણ તેઓ ભાષાંતર કરી શક્યા

બાઇબલનું ભાષાંતર કરવા માટે તેઓ પાસે થોડાક જ પુસ્તકો હતા. લંડન મિશનરી સોસાયટીએ તેઓને ખાસ બે પુસ્તકોનો ઉપયોગ કરવાનું કહ્યું. એક ગ્રીક બાઇબલ અને બીજું કીંગ જેમ્સ વર્સન અંગ્રેજી બાઇબલ. તેથી હેન્રીએ લંડન મિશનરી સોસાયટી પાસેથી હિબ્રૂ અને ગ્રીક ભાષામાં બીજા શબ્દકોશો અને બાઇબલો પણ મંગાવ્યા. આપણે જાણતા નથી કે એ તેમને મળ્યા કે નહિ. પરંતુ જોન ડેવીસ, વેલ્સના દેશમાંથી તેમના મિત્રો પાસેથી અનેક ગ્રંથો મેળવી શક્યા. હકીકતમાં તેઓ પાસે એક ગ્રીક શબ્દકોશ, એક હિબ્રૂ બાઇબલ, ગ્રીક ભાષામાં નવો કરાર અને એક સેપ્ટ્યુઆજીંટ હતું.

મિશનરીઓ ૧૨ વર્ષથી ટાહિટીમાં પ્રચાર કરતા હતા, પણ કોઈ તેઓનું સાંભળતા નહિ. જ્યારે ટાહિટીમાં અંદરોઅંદર લડાઈ ફાટી નીકળી ત્યારે હેન્રી નોટ સિવાય બધા મિશનરીઓ ઑસ્ટ્રેલિયા ચાલ્યા ગયા. હેન્રી નોટ એ વખતે વિન્ડવર્ડ ટાપુઓમાં રહ્યા હતા. છેવટે જ્યારે ત્યાંના રાજા પોંમરે બીજાને નાસી જવું પડ્યું ત્યારે હેન્રીએ પણ મોરિયા નામના ટાપુમાં જવું પડ્યું.

હેન્રી નોટને ભાગી જવું પડ્યું એનો અર્થ એ નથી કે હવે ભાષાંતરનું કામ અટકી ગયું. જોન ડેવીસે ઑસ્ટ્રેલિયામાં બે વર્ષ ગુજાર્યા પછી, તે અને હેન્રી પાછા ભેગા થયા. એ દરમિયાન, હેન્રી ગ્રીક અને હિબ્રૂ ભાષા સારી રીતે શીખ્યા હતા. એ શીખ્યા પછી તેમણે જૂના કરારનું ટાહિટીયનમાં ભાષાંતર ચાલુ કર્યું. ટાહિટી વાસીઓ સમજી શકે એવા ભાગોનું તેમણે ભાષાંતર કર્યું.

હેન્રીએ જોનની મદદથી લુકના પુસ્તકનું પણ ભાષાંતર કર્યું, જે ૧૮૧૪માં પૂરું થયું. હેન્રી પોતે ટાહિટીયનમાં સરળ રીતે વંચાય એવું ભાષાંતર કરતા હતા અને જોન અસલી ભાષામાંથી ચેક કરતા હતા. વર્ષ ૧૮૧૭માં રાજા પોમ્રે બીજાએ પોતે રસ લઈને નાના પ્રેસમાં લુકના પુસ્તકના પહેલા પાનની પ્રિન્ટ કાઢી. આ પ્રેસ મિશનરીઓ મોરિયામાં લાવ્યા હતા. ટુહાઇનનું નામ લીધા વગર આ બાઇબલની વાર્તા અધુરી રહી જાય છે. ટુહાઇને મિશનરીઓને ભાષા શીખવામાં પૂરેપૂરો સાથ આપ્યો હતો.

છેવટે ભાષાંતર પૂરું થાય છે

છ વર્ષ સુધી મહામહેનત કર્યા પછી, છેવટે ૧૮૧૯માં માત્થી, માર્ક, લુક, યોહાન, પ્રેરિતોનાં કૃત્યો અને ગીતશાસ્ત્રનું ભાષાંતર પૂરું થયું. પછી નવા મિશનરીઓ આવ્યા અને સાથે પ્રિન્ટિંગ પ્રેસ પણ લાવ્યા, જેથી બાઇબલના પુસ્તકો પ્રિન્ટ કરી શકાય અને લોકોને વાંચવા આપી શકાય. આ વખત તેઓ માટે સખત કામ કરવાનો હતો. તેઓએ બાઇબલ ભાષાંતર કર્યું, એને ચેક કર્યું અને પછી પ્રૂફરીડિંગ કરીને એમાં સુધારા પણ કર્યાં.

હેન્રી ટાહિટીમાં ૨૮ વર્ષ રહ્યા. પછી તે અચાનક બીમાર પડ્યા અને તેમને પાછા ઇંગ્લૅંડ જવાની રજા મળી. મોટા ભાગે નવા કરારનું ભાષાંતર થઈ ગયું હતું. તેમ છતાં, હેન્રીએ તેમની મુસાફરીના સમયે બાઇબલનું બાકીનું ભાષાંતર ચાલુ જ રાખ્યું. હેન્રી ૧૮૨૭માં પાછા ઇંગ્લૅંડથી ટાહિટી આવ્યા. છેવટે ૮ વર્ષ પછી ડિસેમ્બર, ૧૮૩૫માં તેમણે ભાષાંતર કરવાનું બંધ કર્યું. આ રીતે બાઇબલનું ભાષાંતર કરવામાં લગભગ ૩૦ વર્ષ લાગ્યા!

વર્ષ ૧૮૩૬માં હેન્રી ઇંગ્લૅંડ આવ્યા, જેથી આખા ટાહિટીયન બાઇબલનું લંડનમાં છાપકામ કરી શકે. જૂન ૮, ૧૮૩૮ હેન્રી માટે ખૂબ ખુશીનો દિવસ હતો. એ દિવસે તેમણે સૌથી પહેલું ટાહિટીયન બાઇબલ રાણી વિક્ટોરીયાને ભેટમાં આપ્યું. આ કામ ઉપાડી લેવા હેન્રી, ૪૦ વર્ષ પહેલાં ડફ વહાણમાં ટાહિટી ગયા હતા. પછી ટાહિટી લોકોની રીતભાત શીખ્યા અને એ પ્રમાણે રહીને જીવનનો મોટો ભાગ બાઇબલનું ભાષાંતર કર્યું.

બે મહિના પછી, હેન્રી પાછા ટાહિટી જવા માટે નીકળ્યા અને મુસાફરીમાં, સાથે ૩,૦૦૦ ટાહિટીયન બાઇબલ પણ લઈ ગયા. પરંતુ એ મુસાફરી દરમિયાન તે બીમાર પડ્યા અને સાજા થવા માટે તેમણે ઑસ્ટ્રેલિયા ઊતરવું પડ્યું. સાજા થઈ ગયા પછી, તેમણે પાછા ટાહિટી જવા માટે તૈયારી કરી અને ૧૮૪૦માં તે ત્યાં પહોંચ્યાં. તેમના આવતા વેંત બધા લોકો તેમના વહાણ પર દોડી આવ્યા, જેથી તેઓ ટાહિટીયન ભાષામાં બાઇબલ મેળવી શકે. મે, ૧૮૪૪માં, ૭૦ વર્ષનાં હેન્રીનું ટાહિટીમાં જ અવસાન થયું.

એ મહેનતનાં ફળ મળ્યા

હેન્રીએ જે કામ શરૂ કર્યું એ તો ચાલતું જ રહ્યું. તેમણે ભાષાંતર કરવા માટે જે લિપીની શોધ કરી હતી એ લિપી પોલિનીશિયનની બીજી અનેક ભાષાઓમાં વાપરવામાં આવી હતી. ટાહિટીયનને લખાણમાં મૂકીને, મિશનરીઓએ એ ભાષાને જાળવી રાખી. એક લેખક જણાવે છે: “ટાહિટીયન ભાષાનું વ્યાકરણ શીખવા માટે ટાહિટીયન બાઇબલ જોવું પડશે, કેમ કે એમાં હેન્રીએ ટાહિટીયન ભાષાનું શુદ્ધ વ્યાકરણ જાળવી રાખ્યું છે.” ટાહિટીયન બાઇબલનું જેઓએ ભાષાંતર કર્યું તેઓએ હજારો શબ્દો પણ જાળવી રાખ્યા છે. સદીઓ પછી એક લેખકે કહ્યું: “ટાહિટીયન ભાષામાં હેન્રીના બાઇબલ ભાષાંતર વિષે બધા જાણે છે કે એ એકદમ સરસ છે.”

હેન્રીની આ મહેનતથી ફક્ત ટાહિટીના લોકોને જ લાભ નથી થયો. પરંતુ, દક્ષિણ પૅસિફિક ટાપુઓના બીજા અનેક ભાષાંતરકારોને પણ મદદ મળી છે. દાખલા તરીકે, સમોઆમાં આવેલા કુક ટાપુઓના લોકોએ ભાષાંતર કામ માટે હેન્રીનું ટાહિટીયન બાઇબલ વાપર્યું હતું. “મેં હેન્રીનું બાઇબલ સારી રીતે વાપર્યું છે. એમાંથી હું ઘણું શીખ્યો છું,” એમ એક ભાષાંતરકાર કહે છે. એવું પણ જાણવામાં આવ્યું છે કે એક ભાષાંતરકારે ‘સમોઅન ભાષામાં ગીતશાસ્ત્રમાંથી દાઊદના એક ગીતનું ભાષાંતર કરતી વખતે બાજુમાં હિબ્રૂ, ટાહિટીયન અને અંગ્રેજીમાં ગીતશાસ્ત્રનું પુસ્તક રાખ્યું હતું.’

આપણે આગળ જોઈ ગયા તેમ, ઇંગ્લૅંડમાં ગ્રેટ અવેકનિંગ નામની સંસ્થા બધા મજૂરોને બાઇબલમાંથી શીખવતી હતી. એ જ રીતે, જે મિશનરીઓ ટાહિટીમાં ગયા તેઓએ પણ લોકોને લખતા-વાંચતા શીખવ્યું. ટાહિટીમાં લગભગ એક સદી સુધી બાઇબલ સિવાય બીજું કોઈ પુસ્તક ન હતું. તેથી, ટાહિટીનાં લોકો માટે એ ખૂબ જ મહત્ત્વનું હતું.

હેન્રી નોટે જે બાઇબલનું ભાષાંતર કર્યું એમાં યહોવાહનું નામ વાપર્યું છે. તેથી, આજે ટાહિટીના લોકો યહોવાહનું નામ સારી રીતે જાણે છે. એ નામ ત્યાંના અમુક પ્રોટેસ્ટંટ ચર્ચમાં પણ દેખાઈ આવે છે. પરંતુ આજે ખાસ કરીને યહોવાહનું નામ, યહોવાહના સાક્ષીઓ પ્રચાર કરતી વખતે વાપરે છે. પ્રચાર કામમાં તેઓ હેન્રી નોટનું બાઇબલ વાપરે છે. તનતોડ મહેનત કરીને એ બાઇબલનું ભાષાંતર થયું હતું. એ માટે હેન્રી નોટ અને જે લોકોએ તેમને સાથ આપ્યો, તેઓની મહેનતને આપણે ભૂલવી ન જોઈએ. એ ઉપરાંત, આપણે ખુશ થવું જોઈએ કે આજે જગતમાં મોટે ભાગે બધાને બાઇબલ પોતપોતાની ભાષામાં વાંચવા મળે છે.

[પાન ૨૬ પર ચિત્ર]

વર્ષ ૧૮૧૫માં પહેલી વાર ભાષાંતર કરેલા ટાહિટીયન બાઇબલની નકલ. એમાં યહોવાહનું નામ છે

હેન્રી નોટ (૧૭૭૪-૧૮૪૪), જેમણે મોટે ભાગે ટાહિટીયન ભાષામાં બાઇબલનું ભાષાંતર કર્યું

[ક્રેડીટ લાઈન]

ટાહિટીયન ભાષામાં બાઇબલ: Copyright the British Library (3070.a.32); હેન્રી નોટ અને એક પત્ર: Collection du Musée de Tahiti et de ses Îles, Punaauia, Tahiti; catechism: With permission of the London Missionary Society Papers, Alexander Turnbull Library, Wellington, New Zealand

[પાન ૨૮ પર ચિત્ર]

વર્ષ ૧૮૦૧નું ટાહિટીયન અને વેલ્સ, બંન્‍ને ભાષામાં સાથે વાંચી શકાય એવું બાઇબલ, જેમાં યહોવાહનું નામ છે

[ક્રેડીટ લાઈન]

With permission of the London Missionary Society Papers, Alexander Turnbull Library, Wellington, New Zealand

[પાન ૨૯ પર ચિત્ર]

ફ્રેન્ચ પૉલિનીશિયાના હુએન ટાપુમાં આવેલું પ્રોટેસ્ટંટ ચર્ચ, જેની આગળ યહોવાહનું નામ છે

[ક્રેડીટ લાઈન]

Avec la permission du Pasteur Teoroi Firipa