સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પોતે બીમાર હતા તોપણ બીજાઓની સેવા કરી

પોતે બીમાર હતા તોપણ બીજાઓની સેવા કરી

મારો અનુભવ

પોતે બીમાર હતા તોપણ બીજાઓની સેવા કરી

જુલિયન આરૈયસના જણાવ્યા પ્રમાણે

સાલ ૧૯૮૮માં, હું ૪૦ વર્ષનો હતો. ત્યારે મારી પાસે સરસ નોકરી હતી. એ જમાનામાં તે ખરેખર સોનેરી દિવસો હતા. હું મારા વિસ્તારની એક ઇન્ટરનૅશનલ કંપનીમાં ડાઇરેક્ટર હતો. કંપનીએ નોકરીની સાથે મને મોંઘી કાર પણ આપી હતી. તેમ જ સારો પગાર પણ હતો. સ્પેનના મડ્રિડ શહેરમાં મારી આલીશાન ઑફિસ હતી. મારી કંપની સ્પેનમાં મને બ્રાંચનો ડાઇરેક્ટર બનાવવા ચાહતી હતી. પરંતુ આવતા દિવસોમાં હું એકદમ બીમાર પડી જઈશ એવું તો મેં સપનામાં પણ ધાર્યું ન હતું.

એ વર્ષે મારા ડૉક્ટરે મને કહ્યું કે, મને મલ્ટીપલ સ્કલરોસિસની બીમારી છે. * અને એનો કોઈ જ ઇલાજ નથી. એ સાંભળીને હું તો સાવ ગભરાઈ ગયો હતો. તેથી, આ રોગથી જાણકાર થવા હું એના વિષે વધારે વાંચવા લાગ્યો. મેં જે વાંચ્યું એનાથી હું વધારે ડરી ગયો. મને એમ લાગતું હતું કે મારા પર હવે મોતના ડંકા વાગી રહ્યા છે. હું મારી પત્ની મિલાગૉસ અને ત્રણ વર્ષના દીકરા ઈસ્માએલની કઈ રીતે દેખરેખ રાખી શકીશ? અમે આ સંજોગનો કઈ રીતે સામનો કરી શકીશું? હું એ વિચારતો જ હતો એવામાં મારા પર બીજું દુઃખ આવી પડ્યું.

મારી બીમારી વિષે ડૉક્ટરે જણાવ્યું એના લગભગ મહિના પછી, મારા સુપરવાઈઝરે મને તેમની ઑફિસમાં બોલાવ્યો. તેમણે મને જણાવ્યું કે કંપનીને “તંદુરસ્ત” અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા લોકોની જ જરૂર છે. તેમણે એમ પણ કહ્યું કે, ભલે કોઈને જીવલેણ બીમારીના શરૂઆતના દિવસો જ હોય, તોપણ એવી વ્યક્તિ કંપની માટે લાયક નથી. એમ કહ્યા પછી તેમણે એ જ ઘડીએ મને નોકરીમાંથી કાઢી મૂક્યો. આમ એક પળમાં જ મારી નોકરી હાથમાંથી જતી રહી!

તેમ છતાં, હું મારા કુટુંબ સામે એમ બતાવવા કોશિશ કરતો કે હું હજુ પડી ભાંગ્યો નથી, મારામાં હજુ પણ પહેલાં જેટલું જ જોમ છે. પરંતુ, અંદરથી તો હું પડી ભાંગ્યો હતો, અને મારા નવા સંજોગો તથા કુટુંબના ભવિષ્ય વિષે વિચારવા એકાંત શોધતો રહેતો. એક રાતમાં જ હું મારી કંપનીની નજરમાં સાવ નકામો થઈ ગયો, એ જાણીને મને ખૂબ જ દુઃખ થયું હતું.

નબળાઈમાંથી સામર્થ્ય મળ્યું

આ દુઃખના સમયમાં પણ મને ઘણી જગ્યાએથી હિંમત મળી રહેતી. લગભગ ૨૦ વર્ષ પહેલાં હું યહોવાહનો સાક્ષી બન્યો હતો. તેથી, હું યહોવાહને દિલથી પ્રાર્થનામાં મારા વિચારો અને ચિંતાઓ જણાવતો. મારી પત્ની પણ યહોવાહની સાક્ષી હતી. તે મને વારંવાર ખૂબ જ ઉત્તેજન આપતી. તેમ જ, મારા મિત્રો પણ મને હંમેશાં ઉત્તેજન અને મદદ આપતા રહેતા. તેઓનો પ્રેમ અને દયા મારા માટે અમૂલ્ય હતા.—નીતિવચનો ૧૭:૧૭.

તેમ જ કુટુંબની ચિંતાઓ પણ હોવાથી મને મદદ મળી. હું મારા દીકરાને સારી રીતે ભણાવવા-ગણાવવા માંગતો હતો. તેની સાથે રમવા ઇચ્છતો હતો. તેમ જ, તેને પ્રચાર કરતા શીખવવાની મારી ઇચ્છા હતી. તેથી હું કેવી રીતે હિંમત હારી શકું? વધુમાં, હું યહોવાહના સાક્ષીઓના એક મંડળમાં વડીલ હતો. તેમ જ મારા ખ્રિસ્તી ભાઈ-બહેનોને પણ મારી મદદની જરૂર હતી. જો હું મારી બીમારીના કારણે મારા વિશ્વાસને નબળો પડવા દઉં તો, પછી હું બીજાઓને કેવી રીતે ઉત્તેજન આપી શકું?

બીમારીને કારણે અચાનક મારી નોકરી જતી રહી એનાથી મને અમુક રીતે દુઃખ તો થયું, પણ અમુક રીતે મને એનો લાભ પણ થયો. એક વાર મેં ડૉક્ટરને આમ કહેતા સાંભળ્યા હતા: “બીમારીથી વ્યક્તિ મરી જતી નથી; પણ એનાથી વ્યક્તિમાં ફેરફારો આવે છે.” હું પણ શીખ્યો છું કે બીમારીને લીધે વ્યક્તિમાં હંમેશાં ખરાબ નહિ પણ સારા ફેરફારો આવી શકે છે.

મારી બીમારી મને જાણે “શરીરમાં કાંટારૂપી વેદના” આપે છે. એનાથી હું બીજા દર્દીઓનું દુઃખ સૌથી સારી રીતે સમજી શકું છું. એટલું જ નહિ, પરંતુ તેઓનું દુઃખ જોઈને મારા જીવમાં બળતરા થાય છે. (૨ કોરીંથી ૧૨:૭, IBSI) નીતિવચનો ૩:૫ના શબ્દો આજે હું જેટલી સારી રીતે સમજી શકું છું એ પહેલાં સમજ્યો ન હતો. એ કહે છે: “તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ.” એ ઉપરાંત, મારા નવા સંજોગોથી હું શીખ્યો કે જીવનમાં સૌથી મહત્ત્વનું તો એ છે કે, જીવંત રહીને જીવનનો ખરો આનંદ અને સંતોષ માણવો. ઈસુએ કહ્યું હતું કે, “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.” તેથી મને યહોવાહના સંગઠનમાં ઘણું કામ કરવું હતું. એ શબ્દોનો હું હવે ખરો અર્થ સમજ્યો હતો.—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫.

નવું જીવન

મારી બીમારીનું નિદાન કર્યાના થોડા સમય પછી, મડ્રિડમાં એક સેમિનાર ભરાવાનો હતો, અને મને પણ એમાં બોલાવવામાં આવ્યો હતો. એ સેમિનારમાં ખ્રિસ્તી ભાઈઓને શીખવવામાં આવ્યું કે યહોવાહના સાક્ષીઓ સર્જરી કરાવતી વખતે લોહીની આપ-લે કરતા નથી. તેથી આપણે કઈ રીતે ડૉક્ટરોના સહકારથી સારવાર લઈ શકીએ. પછી, આ રીતે સેવા આપવા સ્વયંસેવક ભાઈઓની કમિટી રચવામાં આવી, જેને હૉસ્પિટલ લિએઝન કમિટી કહેવામાં આવે છે. એ સેમિનાર મારા માટે ખરા સમયે હતો. એનાથી હું જોઈ શક્યો કે દુન્યવી કોઈ પણ નોકરીથી જે સંતોષ મળે છે એનાં કરતાં આ રીતે ભાઈઓની સેવા કરવામાં કંઈ ઓર જ આનંદ મળે છે.

એ સેમિનારમાં અમે શીખ્યા હતા કે હૉસ્પિટલ લિએઝન કમિટીના નવા સભ્યોએ હૉસ્પિટલોમાં કામ કરતા ડૉક્ટરોની મુલાકાત લઈને પોતાની ઓળખાણ કરાવવી જોઈએ અને તેઓના ઇન્ટર્વ્યૂં લેવાં જોઈએ. તેમ જ, તેઓને સમજાવવું જોઈએ કે સાક્ષીઓ શા માટે લોહીની આપ-લે કરતા નથી, પરંતુ કેવી સારવાર લેવા તેઓ તૈયાર છે. એમ કરવાથી લોહી વગર સારવાર આપવા ડૉક્ટરો સાથે સહકારથી કામ લઈ શકાય છે. આમ, આ કમિટી લોહીની આપ-લે વગર સાક્ષીઓની સારવાર કરવા તૈયાર હોય એવી હૉસ્પિટલો અને ડૉક્ટરોનું લિસ્ટ બનાવે છે, જેથી સાક્ષી દર્દીઓ જરૂર પડ્યે તેઓની મદદ લઈ શકે. જોકે મેં ડૉક્ટરની કોઈ તાલીમ લીધી ન હતી. તેથી મને ડૉક્ટરની ભાષા, દવાઓ, સારવાર આપવાની રીતો અને હૉસ્પિટલના નીતિ-નિયમો વિષે ઘણું શીખવાનું હતું. તેમ છતાં, એ સેમિનાર પછી હું ઘરે ગયો ત્યારે, મારી નવી જવાબદારી ઉપાડવા હવે હું સૌથી સારી રીતે તૈયાર થયો હતો. આ રીતે સાક્ષીઓને સેવા આપવી મારા માટે નવી જવાબદારી હતી. તોપણ હું ખુશીથી સેવા આપવા તૈયાર હતો.

હૉસ્પિટલોની મુલાકાતથી મને મળતો આનંદ

જોકે મારી બીમારી ધીરે ધીરે મારા પર રાજ કરવા લાગી હતી. તેમ છતાં, હું હૉસ્પિટલ લિએઝન કમિટીનો સભ્ય હોવાથી મારી જવાબદારીઓમાં કોઈ ઘટાડો થતો ન હતો. હું અપંગ થઈ ગયો હોવાથી મને સરકાર પેન્શન આપતી હતી. તેથી, હૉસ્પિટલોની મુલાકાત લેવા મારી પાસે ઘણો સમય રહેતો હતો. અમુક વાર એ મુલાકાતોથી હું નારાજ થઈ જતો. તેમ છતાં, તેઓની મુલાકાતો લેતા રહેવાથી નડતરો દૂર થતી ગઈ અને મારા ધારવા કરતાં પણ આ જવાબદારી ઉપાડવામાં મને વધારે મજા આવતી ગઈ. જોકે હવે હું સાવ અપંગ થઈ ગયો હોવાથી બધે જ વ્હીલચેર વાપરવી પડે છે. પણ એનાથી હું હિંમત હાર્યો નથી. તેથી, હવે જ્યારે હું હૉસ્પિટલમાં ડૉક્ટરોની મુલાકાત લેવા જાઉં છું ત્યારે મારી સાથે હંમેશાં હૉસ્પિટલ લિએઝન કમિટીના એક ભાઈ હોય છે. તેમ જ આજે ડૉક્ટરો પણ વ્હીલચેર વાપરતા અપંગ લોકો સાથે વાત કરતાં ટેવાઈ ગયા છે. અમુક વાર ડૉક્ટરો જુએ છે કે તેઓની મુલાકાત લેવા મેં કેટલી મહેનત કરી છે ત્યારે, તેઓ મારું સારી રીતે સાંભળે છે.

છેલ્લા દસ વર્ષોમાં મેં ૧૦૦થી પણ વધારે ડૉક્ટરોની મુલાકાત લીધી છે. જોકે અમુક ડૉક્ટરોએ તો શરૂઆતથી જ અમને મદદ કરી છે. જેમ કે, ડૉ. કુવાન ડૉરેટ, જે હૃદયના સર્જન છે. તે દર્દીની માન્યતાને ખૂબ માન આપે છે. તેમણે સ્પેનમાં લોહી આપ્યા વગર ૨૦૦ કરતાં વધારે યહોવાહના સાક્ષીઓનું ઑપરેશન કર્યું છે. હવે અમુક વર્ષોથી વધારેને વધારે ડૉક્ટરો લોહી લેવાનું દબાણ કર્યા વગર યહોવાહના સાક્ષી દર્દીઓની સર્જરી કરી રહ્યા છે. જોકે, અમે લીધેલી ડૉક્ટરોની મુલાકાતોએ પણ તેઓને લોહી વગર સર્જરી માટે તૈયાર કરવામાં ફાળો આપ્યો છે. પરંતુ, મેડિકલ ક્ષેત્રમાં ઘણી જ પ્રગતિ થઈ હોવાથી, લોહી વગર સર્જરી કરવાથી સારા પરિણામો આવ્યા છે. અને અમને ખાતરી થઈ છે કે યહોવાહે અમારા પ્રયત્નોને આશીર્વાદ આપ્યો છે.

બાળકોના હૃદયની સર્જરી ફક્ત અમુક જ સર્જનો કરે છે. હું એવા સર્જનને મળ્યો કે જેઓ લોહી વગર સાક્ષીઓના બાળકોનું ઑપરેશન કરવા તૈયાર હતા. એનાથી મને ઘણું જ ઉત્તેજન મળ્યું હતું. બે વર્ષ સુધી અમે સર્જનોની એક ટીમને મળી રહ્યા હતા. એમાં બે સર્જન હતા અને બીજા એનિસ્થેસીઑલોજીસ્ટ કે બેભાન કરનાર ડૉક્ટર હતા. અમે તેઓને મેડિકલને લગતું સાહિત્ય આપ્યું અને સમજાવ્યું કે બીજા ડૉક્ટરો આ ક્ષેત્રમાં કઈ રીતે લોહી વગર કામ કરે છે. અમારા આ પ્રયત્નોનો અમને સરસ બદલો મળ્યો હતો. જેમ કે, વર્ષ ૧૯૯૯માં, સ્પેનમાં બાળકોના હૃદયની સર્જરી વિષે સર્જનોનો એક સેમિનાર ભરાયો હતો. પછી, એમાં આ બે સર્જનોએ ઇંગ્લૅંડના એક સર્જનના માર્ગદર્શન પ્રમાણે, યહોવાહના સાક્ષીની એક બેબીનું ખૂબ જ અઘરું ઑપરેશન કર્યું હતું. એ બેબીનો એરોટીક કે મેઇન વાલ્વ બરાબર કામ કરતો ન હતો. * તોપણ, તેમણે લોહી આપ્યા વગર ઑપરેશન કર્યું હતું. પછી એક સર્જને ઑપરેશન રૂમમાંથી જણાવ્યું કે કુટુંબની ઇચ્છા પ્રમાણે લોહી વગર ઑપરેશન સફળ થયું છે. ત્યારે એ બેબીના માબાપ સાથે મને પણ ઘણો આનંદ થયો હતો. હવે આ બે ડૉક્ટરો સ્પેનના યહોવાહના સાક્ષીઓનો લોહી વિના નિયમિત ઇલાજ કરે છે.

હું મારા ભાઈબહેનોને મદદ કરી શકું છું એ જોતા મને ખરેખર સંતોષ અને આનંદ થાય છે. તેઓ હૉસ્પિટલ લિએઝન કમિટીને મળવા આવે છે ત્યારે તેઓના મનમાં ઘણી જ ચિંતાઓ હોય છે. કેમ કે તેઓ ઑપરેશન કરાવવા માંગે છે, પણ સ્થાનિક સર્જનો લોહી વગર તેઓનો ઇલાજ કરતા નથી અથવા કરવા ઇચ્છતા નથી. તેથી, જ્યારે ભાઈબહેનોને ખબર પડે છે કે મડ્રિડમાં લોહી વગર સર્જરી કરતા સર્જનો છે ત્યારે, તેઓને ઘણો જ આનંદ થાય છે. મેં એ પણ જોયું કે હૉસ્પિટલમાં અમારી હાજરીથી ભાઈબહેનો કેટલી રાહત અનુભવે છે.

જજની દુનિયામાં અને સારવાર આપવાની રીતો

થોડાં વર્ષોથી હૉસ્પિટલ લિએઝન કમિટીના ભાઈઓ જજોની મુલાકાતો લઈ રહ્યા છે. એ મુલાકાતો દરમિયાન, અમે તેઓને ફેમીલી કેર ઍન્ડ મેડીકલ મેનેજમેન્ટ ફૉર જેહોવાઝસ વીટનેસીસ પ્રકાશન આપીએ છીએ. એ પ્રકાશનમાં જણાવવામાં આવ્યું છે કે યહોવાહના સાક્ષીઓ શા માટે લોહીની આપ-લે કરતા નથી. તેમ જ તેઓ લોહી વગરની બીજી કઈ દવાઓ અથવા સારવાર લેવા તૈયાર છે. તેઓ આપણી માન્યતા વિષે જાણે એ માટે આ પ્રકાશન ખાસ તૈયાર કરવામાં આવ્યું છે. એક સમય એવો હતો જ્યારે દર્દીને લોહી ન લેવું હોય તોપણ જજો તેમને લોહી આપવા માટે ડૉક્ટરોને મંજૂરી આપતા હતા. બીજા સાક્ષીઓને એવું ન થાય એ માટે જજોની મુલાકાત લેવી અમારા માટે ખૂબ જરૂરી હતું.

જજની ઑફિસો ખૂબ જ આલીશાન હોય છે. હું પહેલી વાર તેઓને મળવા જતો હતો ત્યારે, આખા રસ્તે મને ખૂબ બેચેની જેવું લાગતું હતું. એવામાં એક અણબનાવ બન્યો. એ શું હતો? હું વ્હીલચેર પરથી પડી ગયો હતો. એ જોઈને કેટલાક જજો અને વકીલો મને મદદ કરવા દોડી આવ્યા. તેથી, હું તેઓની નજરમાં મૂરખ દેખાતો હતો.

જોકે જજોને ખબર ન હતી કે, અમે તેઓને શા માટે મળવા આવ્યા છીએ. તોપણ, મોટા ભાગના જજ અમારી સાથે પ્રેમથી વર્ત્યા હતા. અમે જે જજને પહેલી વાર મળ્યા હતા તે સાક્ષીઓની માન્યતા વિષે જ વિચારી રહ્યા હતા. તેથી, તેમણે કહ્યું કે તે અમારી સાથે વધારે વાત કરવા માંગે છે. અમે બીજી વાર તેમને મળવા ગયા ત્યારે, તે જાતે મને વ્હીલચેરમાં તેમની ઑફિસમાં લઈ ગયા અને અમારું ધ્યાનથી સાંભળ્યું. આ મુલાકાતથી મારો અને મારી સાથેના ભાઈનો જજો પ્રત્યેનો ડર નીકળી ગયો હતો. થોડા સમય પછી એના સારાં પરિણામો આવ્યા.

એ જ વર્ષે અમે બીજા એક જજને પણ ફેમીલી કેરની એક પ્રત આપી હતી. તેમણે અમારું સારી રીતે સાંભળ્યું હતું અને પોતે એ જરૂર વાંચશે એની ખાતરી આપી હતી. મેં તેમને મારો ફોન નંબર પણ આપ્યો જેથી ઇમર્જન્સીમાં તે મારો સંપર્ક સાધી શકે. બે અઠવાડિયાં પછી તેમણે મને ફોન કર્યો. તેમણે કહ્યું કે તેમના વિસ્તારના એક સર્જને યહોવાહના એક સાક્ષીની સર્જરી કરવા માટે લોહી ચઢાવવા તેમની મંજૂરી માંગી છે. એ જજે સાક્ષીની ઇચ્છા પ્રમાણે લોહી વગર તેની સર્જરી કરવાનો કોઈ ઉકેલ શોધવા અમને કહ્યું. જોકે, લોહી વગર ઑપરેશન કરે એવી બીજી હૉસ્પિટલ શોધવામાં અમને કંઈ મુશ્કેલી ન પડી. એ જજે જોયું કે લોહી વગર ઑપરેશન સફળ થયું છે ત્યારે, તેમને ઘણો આનંદ થયો. તેમણે અમને ખાતરી આપી કે ભવિષ્યમાં પણ જરૂર પડશે તો, તે આવો જ કોઈ ઉકેલ શોધશે.

હૉસ્પિટલની મુલાકાત દરમિયાન મેડિકલના સિદ્ધાંતો વિષે પણ ઘણા પ્રશ્નો ઊભા થતા હતા. કેમ કે અમે એવા ડૉક્ટરોની શોધમાં હતા જેઓ દરદીના ધર્મ અને ઇચ્છા પ્રમાણે સારવાર આપવા તૈયાર હોય. આવી સારવારમાં અમને ટેકો આપતી મડ્રિડની એક હૉસ્પિટલે એના વિષે એક કોર્સનું આયોજન કર્યું હતું. એના ડૉક્ટરોએ મને પણ એમાં ભાગ લેવા માટે બોલાવ્યો હતો. તેથી હું અનેક પ્રકારના ડૉક્ટરોને એ જણાવી શક્યો કે બાઇબલ લોહીનો ઉપયોગ કરવા વિષે શું કહે છે. એ કોર્સથી હું જોઈ શક્યો કે અઘરા સંજોગોમાં ડૉક્ટરો માટે નિર્ણયો લેવા કંઈ રમત વાત નથી. તેથી મને પણ ડૉક્ટરોના વિચારો જાણવા ઘણી મદદ મળી.

એ કોર્સના એક પ્રોફેસર, ડીગો ગ્રેસિયા સ્પેનિશ ડૉક્ટરો માટે નિયમિતપણે એક કોર્સનું આયોજન કરે છે. આ કોર્સ નિષ્ણાત ડૉક્ટરો ચલાવે છે. એમાં, તે અનેક પ્રકારના ડૉક્ટરોને જણાવે છે કે, દર્દી ઑપરેશન કરાવવા આવે ત્યારે, તેને લોહી લેવું છે કે નહિ એ પસંદ કરવાનો પૂરો હક્ક છે. સાક્ષીઓના ધર્મ પ્રમાણે, લોહી વગરની સારવાર આપવા માટે તે પૂરો ટેકો આપે છે. * અમે તેમને નિયમિત મળતા હોવાથી, સ્પેનના યહોવાહના સાક્ષીઓના બેથેલમાંથી અમુક પ્રતિનિધિઓને પ્રોફેસર ગ્રેસિયાના પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉક્ટરોને મળવા માટે બોલાવવામાં આવ્યા હતા. જેથી તેઓ પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉક્ટરોને સમજાવે કે શા માટે યહોવાહના સાક્ષીઓ લોહીની આપ-લે કરતા નથી. એમાંના અમુક ડૉક્ટરો તો પોતાના દેશમાં ખૂબ પ્રખ્યાત છે.

હકીકતનો સામનો કરવો

હા, આ રીતે ખ્રિસ્તી ભાઈબહેનોની સેવા કરવાથી મને ઘણો આનંદ મળે છે. પરંતુ, એનાથી મારી પોતાની સમસ્યાઓ ચાલી જતી નથી. કેમ કે મારી તબિયત ધીરે ધીરે બગડતી જાય છે. તેમ છતાં, મારું મગજ બરાબર કામ કરે છે. અરે, બીમારીના કારણે મારી પત્ની કે મારા દીકરાએ પણ મારા વિષે કદી ફરિયાદ કરી નથી. એ માટે હું તેઓનો ખૂબ જ આભાર માનું છું. તેમ છતાં, હું મારી જવાબદારી બરાબર હાથ ધરું છું. જોકે તેઓની મદદ અને ટેકા વગર મારી ફરજ નિભાવવી કંઈ સહેલું નથી. કેમ કે હું મારી જાતે કપડાં પણ પહેરી શકતો નથી. મારા પુત્ર ઈસ્માઈલ સાથે દર શનિવારે મને પ્રચાર કરવામાં ઘણી મજા આવે છે. હું લોકોને પ્રચાર કરી શકું એ માટે તે મને વ્હીલચેરમાં ઘરે ઘરે લઈ જાય છે. હું હજું પણ મંડળમાં વડીલ તરીકેની સેવા આપું છું.

છેલ્લા બાર વર્ષમાં મેં ઘણું સખત દુઃખ સહ્યું છે. મારી બીમારીને લીધે હું અપંગ હોવાથી, મારા કુટુંબને એની જે અસર થઈ છે, એ જોઈને મારું હૈયું ઘણી વાર વીંધાઈ જાય છે. તેમ છતાં, તેઓ એક શબ્દ પણ બોલ્યા વિના બધું સહન કરી લે છે. થોડાં વર્ષ પહેલાં મારા સાસુ અને મારા પપ્પા ગુજરી ગયા. એ જ વર્ષે મારી તબિયત એટલી ખરાબ થઈ ગઈ કે હું વ્હીલચેર વગર ક્યાંય જઈ શકતો ન હતો. મારા પપ્પા પહેલાં અમારી સાથે જ રહેતા હતા. તે પણ મારા જેવી જ એક બીમારીને લીધે મરણ પામ્યા હતા. છેલ્લે સુધી મિલાગૉસે તેમની દેખરેખ રાખી હતી. તેથી, તેને ખબર છે કે કાલે મારી પણ મારા પપ્પા જેવી જ હાલત થવાની છે.

અમે ઘણી મુશ્કેલીઓ સહી છે. તોપણ અમારા કુટુંબમાં પ્રેમ અને સંપ જરાય ઓછો થયો નથી. હું પહેલાં ડાઇરેક્ટરની ખુરશીમાં બેસતો હતો. પરંતુ આજે વ્હીલચેરમાં બેસું છું. તોપણ, મારું જીવન પહેલાં કરતાં આજે ઘણું સુખી છે. કેમ કે હવે હું પૂરો સમય પરમેશ્વરની સેવા કરી શકું છું. બીમાર હોવા છતાં હું બીજાઓની સેવા કરવા સમય અને શક્તિ આપી શક્યો છું. એમ કરવા યહોવાહે પણ ખરા સમયે મને શક્તિ અને હિંમત આપી છે. તેથી, પાઊલની જેમ હું પણ કહી શકું છું: “મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું.”—ફિલિપી ૪:૧૩.

[ફુટનોટ્‌સ]

^ મલ્ટીપલ સ્કલરોસિસ એ ચેતાતંત્રને લગતી એક બીમારી છે. એનાથી ઊભા રહેવામાં, હરવા-ફરવામાં, બોલવામાં અને સમજવામાં તકલીફો પડે છે, હાથપગ બરાબર કામ કરતા નથી અને આંખો ખેંચાય છે.

^ આ ઑપરેશન ડૉ. રોસની ટૅકનીકના નામે જાણીતું થયું.

^ ફેબ્રુઆરી ૧૫, ૧૯૯૭ના ચોકીબુરજમાં પાન ૧૯-૨૦ જુઓ.

[પાન ૨૪ પર બોક્સ]

પત્ની શું કહે છે?

એક પત્ની માટે મલ્ટીપલ સ્કલરોસિસથી પીડાતા પતિ સાથે રહેવું કંઈ રમત વાત નથી. આ બીમારીથી પીડાતી વ્યક્તિની સંભાળ રાખવામાં બધી જ રીતે આપણી શક્તિ ચૂસાઈ જાય છે. હું કંઈ પણ ગોઠવણ કરું એ પહેલાં મારે ઘણું વિચારવું પડે છે. તેમ જ આવતા દિવસોની ખોટી ચિંતાઓથી દૂર રહેવા સખત મહેનત કરવી પડે છે. (માત્થી ૬:૩૪) તોપણ, બીમારીથી પીડાતા પતિ સાથે રહેવાથી હું સારા ગુણો કેળવી શકી છું. પતિ-પત્નીના અમારા સંબંધો પણ બહુ જ સારા થયા છે. તેમ જ, યહોવાહ સાથેનો મારો સંબંધ પહેલાં કરતાં આજે વધારે ગાઢ થયો છે. આવી બીમારીઓ સહન કરતા બીજા ભાઈબહેનોના અનુભવો વાંચવાથી પણ મને ખૂબ જ ઉત્તેજન મળ્યું છે. જુલિયનને ભાઈબહેનોની સેવા કરવામાં જે સંતોષ મળે છે એનાથી મને પણ ઘણો આનંદ થાય છે. મને શીખવા મળ્યું છે કે જીવનમાં આપણે દરરોજ નવી નવી મુશ્કેલીઓનો સામનો કરીએ તોપણ, યહોવાહ આપણને મદદ આપવાનું ભૂલી જશે નહિ.

[પાન ૨૪ પર બોક્સ]

દીકરો શું કહે છે?

મારા પપ્પાની ધીરજ અને સારા વર્તનથી મારા પર ઊંડી અસર થઈ છે. તેમના ઉદાહરણથી મને ઘણું શીખવા મળ્યું છે. મને તેમને વ્હીલચેરમાં બહાર લઈ જવાનું ઘણું ગમે છે. મને ખબર છે કે હું જે કરવા ઇચ્છું છું એ હંમેશાં કરી શકીશ નહિ. હું હવે યુવાનીમાં ડગ ભરી રહ્યો છું. પરંતુ, હું મોટો થઈને હૉસ્પિટલ લિએઝન કમિટીનો સભ્ય બનવા ચાહું છું. બાઇબલના વચન પ્રમાણે હું જાણું છું કે બીમારી કે મુશ્કેલીઓ થોડા જ સમય માટે છે. ઘણા ભાઈબહેનો અમારા કરતાં પણ વધારે દુઃખ સહન કરી રહ્યા છે.

[પાન ૨૨ પર ચિત્ર]

મારી પત્ની મને ખૂબ જ ઉત્તેજન આપતી રહે છે

[પાન ૨૩ પર ચિત્ર]

હૃદયના સર્જન ડૉ. કુવાન ડૉરેટ સાથે વાત કરતા

[પાન ૨૫ પર ચિત્ર]

મારો પુત્ર અને હું સાથે પ્રચાર કરતા આનંદ માણીએ છીએ