સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રેમથી દુનિયા ચાલે છે

પ્રેમથી દુનિયા ચાલે છે

પ્રેમથી દુનિયા ચાલે છે

પ્રેમ, મહોબ્બત કે પ્રીતિ. એના વગર આપણું જીવન કેવું સૂનું સૂનું બની જાય છે! ભલે નાના-મોટા, ગમે તે જાતિ કે ભાષાના હોય, બધા જ લોકો પ્રેમના ભૂખ્યા હોય છે. પ્રેમ વગર તો આપણે દુઃખી દુઃખી થઈ જઈએ. એક ડૉક્ટરે લખ્યું: ‘પ્રેમ આપણને બીમાર કરે છે અને તાજામાજા પણ કરે છે. પ્રેમ આપણને દુઃખી કરે છે અને ખુશીથી ભરી પણ દે છે. જો પ્રેમ દવા હોત તો, દરેક ડૉક્ટર પોતાના દર્દીઓને એ જ દવા આપત.’

તોપણ, આજે મોટા ભાગના લોકોમાં પ્રેમનો છાંટોય જોવા મળતો નથી. દુનિયામાં ખાસ કરીને મિડીયા અને પ્રખ્યાત લોકો ધનદોલત, માન-મોભો અને સેક્સ પર જ વધારે ભાર મૂકતા હોય છે. પ્રેમ વિષે તેઓને કંઈ પડી જ નથી. ઘણા શિક્ષકો ગળું ફાડીને કહે છે કે જો તમારું મોટું નામ હોય અને માન-મોભો હોય, તો જ તમે કંઈક છો. ખરું કે શિક્ષણ મહત્ત્વનું છે, પણ શું આપણે ફક્ત એની પાછળ જ પડવું જોઈએ? શું આપણે પોતાના કુટુંબ કે મિત્રો માટે કોઈ સમય ફાળવવો ન જોઈએ? આશરે ૨,૦૦૦ વર્ષ પહેલાં, માનવ સ્વભાવને સારી રીતે પારખનાર એક લેખકે કહ્યું કે, ભલે કોઈ વ્યક્તિમાં ગમે એવી ક્ષમતા હોય, પણ જો તેનામાં પ્રેમ ન હોય તો, તે “રણકાર કરનાર ઘંટ અને ઘોંઘાટ કરનાર થાળી” જેવા છે. (૧ કોરીંથી ૧૩:૧, પ્રેમસંદેશ) આવા લોકો ભલે અમીર કે મશહૂર બને તોપણ, તેઓ સુખી હોતા નથી.

ઈસુ ખ્રિસ્તની રગેરગમાં પ્રેમ વહેતો હતો. અને તે મનુષ્યોને તો ખૂબ જ ચાહતા હતા. તેમણે પોતાના શિક્ષણમાં પરમેશ્વરને અને એકબીજાને પ્રેમ કરવા પર ખૂબ ભાર મૂક્યો. તેમણે કહ્યું: “તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી પ્રીતિ કર. . . . જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર.” (માત્થી ૨૨:૩૭-૩૯) જો લોકો આ બોધ જીવનમાં ઉતારે તો એનું પરિણામ શું હશે? ઈસુએ કહ્યું: “તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.”—યોહાન ૧૩:૩૫.

આ ક્રૂર દુનિયામાં આપણે કઈ રીતે એકબીજાને ખૂબ ચાહી શકીએ? માબાપો, તમે કઈ રીતે તમારા બાળકોને પ્રેમ કરવાનું શીખવી શકો? આના જવાબો હવે પછીના લેખમાં જોવા મળશે.

[પાન ૩ પર ચિત્ર]

લોભી દુનિયામાં એકબીજા માટે પ્રેમ રાખવો કંઈ સહેલું નથી