સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

હેબ્રી ૨:૧૪માં બાઇબલ શા માટે એમ કહે છે કે શેતાન “મરણ પર સત્તા ધરાવનાર” છે?

ટૂંકમાં એનો અર્થ એ છે કે શેતાન પોતે કે તેના હાથ નીચેના માણસો દ્વારા કોઈ પણ વ્યક્તિને મારી નાખી શકે છે. ઈસુએ પણ કહ્યું હતું કે શેતાન “પ્રથમથી મનુષ્યઘાતક હતો.”—યોહાન ૮:૪૪.

ગુજરાતી બાઇબલમાં હેબ્રી ૨:૧૪ કહે છે કે શેતાન “મરણ પર સત્તા ધરાવનાર” છે. ઘણા લોકો આ કલમ વાંચીને ગભરાય છે. તેઓને લાગે છે કે શેતાન મન ફાવે તેમ કોઈ પણ વ્યક્તિને મારી નાખશે. પરંતુ, આ કલમ ખરેખર એમ કહેતી નથી. જો એ સાચું હોત, તો શેતાને વર્ષો પહેલાં યહોવાહના ભક્તોનું નામનિશાન મિટાવી નાખ્યું હોત.—ઉત્પત્તિ ૩:૧૫.

ગુજરાતી બાઇબલમાં “મરણ પર સત્તા ધરાવનાર” વાક્ય મૂળ ગ્રીક ભાષામાંથી ભાષાંતર થયું છે. મૂળ ભાષામાં આ વાક્ય “ક્રાટોસ ટુ થાનાટુ” છે. ટુ થાનાટુનો મુખ્ય અર્થ “મરણ” અને ક્રાટોસનો મતલબ “જોર, શક્તિ કે સત્તા” થાય છે. નવા કરારનો ધાર્મિક શબ્દ કોષ (અંગ્રેજી) કહે છે કે શેતાન પાસે કોઈની પણ જાન લેવાની “શક્તિ કે સત્તા છે. પરંતુ એનો અર્થ એ નથી કે તે કાયમ એવી સત્તા ચલાવે છે.” પ્રેષિત પાઊલ હેબ્રી ૨:૧૪માં એમ કહેવા માગતા ન હતા કે શેતાન મરણ પર પૂરેપૂરી સત્તા ધરાવે છે. ના, તે કહેવા માગતા હતા કે શેતાનમાં, મનુષ્યોને મારી નાખવાની શક્તિ છે.

તો પછી, શેતાન કઈ રીતે ‘મરણ પર સત્તા ધરાવે’ છે? આ સમજવા માટે આપણે અયૂબના પુસ્તકમાંથી એક બનાવ વિષે તપાસી શકીએ. એ અહેવાલ જણાવે છે કે શેતાને એક ‘ભારે વાવાઝોડું’ લાવીને અયૂબના બાળકોને ‘મારી’ નાખ્યા. પરંતુ, એ અહેવાલમાં નોંધ કરો કે શેતાન ફક્ત યહોવાહની મંજૂરીથી જ તેઓના જાન લઈ શક્યો. પણ શા માટે યહોવાહે આ મંજૂરી આપી? કેમ કે તે શેતાનને જૂઠો ઠરાવવા માગતા હતા. (અયૂબ ૧:૧૨, ૧૮, ૧૯) પરંતુ શેતાન અયૂબનો જીવ ના લઈ શક્યો. કેમ કે યહોવાહે તેને એમ કરવાની મંજૂરી આપી ન હતી. (અયૂબ ૨:૬) આ કિસ્સો બતાવે છે કે શેતાને અમુક વાર યહોવાહના ભક્તોના મોત નિપજાવ્યા છે. પરંતુ, એ પણ જોવા મળે છે કે તે મન ફાવે તેમ આપણો જીવ લઈ શકતો નથી. તેથી, આપણે ડરી ડરીને જીવવાની કોઈ જરૂર નથી.

શેતાનના હાથમાં ઘણા દુષ્ટ માણસો છે. આ માણસોનો ઉપયોગ કરીને પણ શેતાને ઘણા વફાદાર ભક્તોને મારી નાખ્યા છે. અમુક ખ્રિસ્તીઓ ગુસ્સાથી ઊકળી ઊઠેલા ટોળાને હાથે મરી ગયા છે. બીજા ઈશ્વર ભક્તોને નિર્દોષ હોવા છતાં, સરકારો અને ભ્રષ્ટ ન્યાયાધીશો તરફથી મોતની સજા મળી છે.—પ્રકટીકરણ ૨:૧૩.

શેતાન જાણે છે કે માનવજાતમાં ઘણી નબળાઈઓ છે. એટલે તે અમુક લોકોની નબળી રગ પારખીને તેઓને મોતના માર્ગ પર લઈ ગયો છે. દાખલા તરીકે, હજારો વર્ષે પહેલાં, ઈસ્રાએલમાં બલઆમ નામે એક ખરાબ પ્રબોધક થઈ ગયો હતો. તેણે મોઆબના રહેવાસીઓને કહ્યું કે ઈસ્રાએલીઓ સાથે ‘યહોવાહની વિરૂદ્ધ પાપ કરો.’ (ગણના ૩૧:૧૬) તેઓના વ્યભિચારને લીધે ૨૩,૦૦૦થી વધારે ઈસ્રાએલીઓ મરી ગયા. (ગણના ૨૫:૯; ૧ કોરીંથી ૧૦:૮) આજે પણ, અમુક ખ્રિસ્તીઓ શેતાનની ‘કુયુક્તિઓથી’ વ્યભિચાર કરવાની જાળમાં ફસાઈ જાય છે કે બીજી કુટેવો કરવા માંડે છે. (એફેસી ૬:૧૧) મોટા ભાગના કિસ્સામાં આ વ્યક્તિઓ તરત જ મરી જતી નથી. પરંતુ, આ રસ્તા પર ચાલવાથી તેઓ હંમેશ માટેના સુખી જીવનનું વરદાન ગુમાવે છે. આ રીતે શેતાન તેઓના જીવ લઈ લે છે.

આપણને ખબર છે કે શેતાન આપણા પર દુઃખના ડુંગરો લાવી શકે છે. પરંતુ આ જાણીને આપણે સૌએ ગભરાઈ જવું ના જોઈએ. પાઊલે કહ્યું કે શેતાન “મરણ પર સત્તા” ચલાવે છે. પરંતુ તેમણે એમ પણ કહ્યું કે શેતાનનો નાશ કરવા ઈસુ ‘પોતે મરણ પામ્યા છે.’ આમ ઈસુ, ‘મરણની બીકથી જેઓ આખા જીવનપર્યંત દાસત્વમાં હતા, તેઓને મુક્ત કરશે.’ (હેબ્રી ૨:૧૪, ૧૫) હા, ઈસુએ ખંડણી તરીકે પોતાનું બલિદાન આપીને યહોવાહના સર્વ ભક્તોને પાપની ગુલામી અને મોતના મોંમાંથી છોડાવ્યા છે.—૨ તીમોથી ૧:૧૦.

શેતાનની શક્તિ વિષે જાણીને કદાચ આપણને થોડી ચિંતા થઈ શકે. પરંતુ, આપણે ખરેખર કોઈ ફિકર કરવાની જરૂર નથી. કેમ કે શેતાન ભલે આપણા પર ગમે તેમ કરે, યહોવાહ બાબતોને સાચે જ પહેલાં હતી એવી કરી શકે છે. યહોવાહ આપણને પૂરી ખાતરી આપતા કહે છે કે સજીવન થયેલા ઈસુ “શેતાનનાં કામનો નાશ” કરશે. (૧ યોહાન ૩:૮) યહોવાહની શક્તિથી ઈસુ મૂએલાઓને પાછા જીવતા કરશે. આમ, મરણ અને એનો અર્થ પણ સૌ ભૂલી જશે. (યોહાન ૫:૨૮, ૨૯) પછી, ઈસુ શેતાનનું હંમેશ માટે નામનિશાન મિટાવી દેશે. ત્યારે આપણને જોવા મળશે કે ઈસુની સામે શેતાન કેટલો કમજોર છે!—પ્રકટીકરણ ૨૦:૧-૧૦.