સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પહેલા—વિચારો પછી કામ કરો

પહેલા—વિચારો પછી કામ કરો

પહેલા—વિચારો પછી કામ કરો

જરા કલ્પના કરો. ઈસુ ખ્રિસ્ત શિષ્યોને સમજાવી રહ્યા છે કે દુશ્મનો કઈ રીતે તેમના પર દુઃખોના પહાડ લાવશે અને છેવટે મારી નાખશે. આ સાંભળીને તેમના ખાસ મિત્ર પીતરથી રહેવાયું નહિ. તે તરત જ ઈસુને બાજુ પર લઈ જઈને કાન ભંભેરવા લાગ્યા. જોકે, પીતરને ઈસુની ચિંતા હતી તેથી મદદ કરવા માંગતા હતા. પરંતુ, શું તમે જાણો છો ઈસુએ પીતરને કેવો જવાબ આપ્યો? તેમણે કહ્યું: “ઓ શેતાન, મારાથી દૂર જા! તું મારા માટે ઠોકરરુપ છે. તું માણસની રીતે વિચારે છે, પ્રભુની રીતે નહિ.”—માત્થી ૧૬:૨૧-૨૩, IBSI.

આ સાંભળીને પીતરને કેવો આઘાત લાગ્યો હશે! ઈસુને મદદ કરવાને બદલે પીતર તેમને “ઠોકરરુપ” બન્યા. પરંતુ આમ કઈ રીતે બન્યું? કદાચ એ સમયે પીતર ઈશ્વરની રીતે નહિ, પણ માણસની રીતે વિચારતા હોય શકે. તે પણ પોતાનો જ કક્કો ખરો કરાવવા માંગતા હોય શકે.

પોતાની નજરમાં હોંશિયાર ન બનો

ઘણી વખતે, અભિમાન આપણને ખોટા વિચારો તરફ દોરી લઈ જાય છે. એટલા માટે, પાઊલે કોરીંથ મંડળના ભાઈબહેનોને ચેતવ્યા કે, “માટે જે કોઈ પોતાને સ્થિર ઊભેલો ધારે છે, તે પોતે ન પડે માટે સાવચેત રહે.” (૧ કોરીંથી ૧૦:૧૨) શા માટે પાઊલને આ સલાહ આપવી પડી? એનું કારણ તે જાણતા હતા કે આપણું મન કેટલી આસાનીથી ભરમાઈ શકે છે! વળી, તેમને એ પણ ડર હતો કે આપણું મન ‘દુષિત થઈ જઈ શકે અને ખ્રિસ્તની સંપૂર્ણ અને શુદ્ધ ભક્તિને તજી દઈ શકે છે.’—૨ કોરીંથી ૧૧:૩, પ્રેમસંદેશ.

જોકે, પાઊલના બાપદાદાઓ સાથે પણ એમ જ બન્યું. યહોવાહે તેઓને કહ્યું: “કેમકે મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી.” (યશાયાહ ૫૫:૮) તેઓ “પોતાની નજરમાં હોંશિયાર” બની બેઠા, જેના લીધે તેમના પર આફત આવી પડી. (યશાયાહ ૫:૨૧) તેથી, આપણે એવી કોઈ આફતમાં આવી પડવા ના માંગતા હોઈએ તો, આપણાં વિચારોને કાબૂમાં રાખવા જોઈએ.

માણસના વિચારોથી દૂર રહો

કોરીંથમાં અમુક લોકો દુનિયાના વિચારો પ્રમાણે જીવતા હતા. (૧ કોરીંથી ૩:૧-૩) તેઓ બાઇબલમાં નહિ, પણ માણસોની ફિલસૂફીઓ પર ભરોસો રાખતા હતા. જો કે એ સમયના ગ્રીક ફિલસૂફો ઘણા જ હોંશિયાર હતા. પરંતુ, પરમેશ્વરની નજરમાં તેઓ મૂર્ખો હતા. પાઊલે કહ્યું: “કેમકે લખેલું છે, કે હું જ્ઞાનીઓના જ્ઞાનનો નાશ કરીશ, અને બુદ્ધિમાનોની બુદ્ધિને નિરર્થક કરીશ. જ્ઞાની ક્યાં છે? શાસ્ત્રી ક્યાં છે? આ જમાનાનો વાદવિવાદ કરનાર ક્યાં છે? શું દેવે જગતના જ્ઞાનને મૂર્ખતા ઠરાવી નથી?” (૧ કોરીંથી ૧:૧૯, ૨૦) આવા જ્ઞાનીઓ તો યહોવાહ વિચારે છે એમ નહિ, પણ આ દુનિયાના વિચારોના રંગે રંગાયેલા છે. (૧ કોરીંથી ૨:૧૨) તેઓના આચારવિચાર, યહોવાહ જે કહે છે એનાથી તદ્દન અલગ છે.

હકીકતમાં, તેઓના આ વિચારો પાછળ તો શેતાનનો હાથ છે, જેણે એક સાપનો વેશ ધરી હવાને પણ છેતરી હતી. (ઉત્પત્તિ ૩:૧-૬; ૨ કોરીંથી ૧૧:૩) પરંતુ, શું એ હજી પણ આપણા મનો પર રાજ કરી રહ્યો છે? હા! બાઇબલ જણાવે છે કે, શેતાને એટલે હદ સુધી આપણા “મન આંધળાં” કરી નાખ્યા છે કે, તે હવે ‘આખા જગતને ભમાવી’ રહ્યો છે. (૨ કોરીંથી ૪:૪; પ્રકટીકરણ ૧૨:૯) તેથી, આપણે તેની કપટી રમતોથી બચીને રહીએ એ કેટલું જરૂરી છે!—૨ કોરીંથી ૨:૧૧.

“માણસોની ઠગાઈથી” ચેતો

વળી, પ્રેષિત પાઊલે “માણસોની ઠગાઈથી” બચીને રહેવા જણાવ્યું. (એફેસી ૪:૧૪) તેમણે કહ્યું કે, આવા “કપટથી કામ કરનારા” સત્ય કહેવાનો ઢોંગ કરે છે. પરંતુ, હકીકતમાં તો એને અલગ જ રૂપ આપીને રજૂ કરે છે. (૨ કોરીંથી ૧૧:૧૨-૧૫) આવા લોકો પોતાનો જ કક્કો ખરો થાય એ માટે, પોતે જ્યાં સાચા પડતા હોય એ જ સત્ય રજૂ કરે છે. તેમ જ, તેઓ એવી ભાષા વાપરે છે જેનાથી લોકોના મન જીતી લેવાય. એટલું જ નહિ, કોઈક વાર તેઓ પૂરેપૂરું સત્ય કહેતા નથી, જ્યારે કે અમુક વખતે કટાક્ષમાં બોલી, હડહડતું જૂઠું બોલતા હોય છે.

જેઓ ખોટી માહિતી આપીને લોકોના મન ભરમાવે છે, તેઓ બીજાઓ પર દોષ લગાવીને, તેમને એક “પંથ” કહેતા હોય છે. તેથી, યુરોપના પાર્લામેન્ટે સલાહ આપી કે, જે અધિકારીઓ નવા ધાર્મિક ગ્રૂપો ઊભા કરે છે તેઓએ “આવા શબ્દોથી દૂર જ રહેવું જોઈએ.” શા માટે? એનું કારણ, એમ લાગતું હતું કે “પંથ” શબ્દનો એકદમ ખોટો અર્થ થાય છે. વળી, “આજે લોકોના મનમાં, પંથનો અર્થ એકદમ ખતરનાક અથવા ભયાનક છે.” એ જ રીતે, ગ્રીક જ્ઞાનીઓએ પણ પ્રેષિત પાઊલ પર ખોટો આરોપ લગાવ્યો કે તે તો “બકવાસ” અથવા ‘લવારો’ કરે છે. તેઓનું કહેવું હતું કે, પાઊલ પાસે તો આમતેમથી ભેગું કરેલું છૂટું છવાયું જ્ઞાન છે. તેથી એકની એક જ વાત બબડયા કરે છે. પરંતુ, હકીકતમાં પાઊલ તો ‘ઈસુ અને તેમના સજીવન થવા વિષે ઉપદેશ કરતા હતા.’—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૧૮, IBSI, પ્રેમસંદેશ.

પરંતુ, આવા વ્યક્તિઓ જેઓ બીજાઓના મન ભરમાવે છે, તેઓ શું સફળ થયા? હા, તેઓએ બીજા દેશો અને ધર્મો માટે, લોકોના મનમાં ઝેર ભરવામાં મોટો ભાગ ભજવ્યો છે. ઘણા મોટા અધિકારીઓએ ગરીબ લોકોને નાના ગ્રૂપના અધિકાર બનાવવા માટે પણ ઉપયોગ કર્યો છે. આવી તરકીબ એડોલ્ફ હીટલર ઉપયોગ કરતો હતો. તેણે યહુદીઓ અને બીજાઓને, દેશ માટે એકદમ “હલકા,” “દુષ્ટ” અને “ખતરનાક” લોકો કહ્યા. તેથી, આપણે કદી પણ આવા લોકોને, પોતાના મનમાં ઝેરના બી વાવવા ના દઈએ.—પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૧૯-૨૨.

જો જો તમે પોતાને જ ના છેતરતા!

અરે, આપણે પોતાને પણ એકદમ સહેલાઈથી છેતરી શકીએ છે. જેમ કે, આપણા મનમાં ઘર કરી ગયેલાં અમુક વિચારોને દૂર કરવા ઘણું જ અઘરું બની જાય છે. શા માટે? એનું કારણ આપણે પોતાના વિચારો સાથે એકદમ મનમેળ બેસાડી દઈએ છીએ. પછી આપણે ખોટી દલીલો કરીને, પોતાને જ છેતરીએ છીએ. એટલું જ નહિ, પણ આપણે સાચા છે એ સાબિત કરવા માટે જાતજાતના વિચારોએ ચઢી જઈએ છીએ, પછી ભલેને આપણે એકદમ ખોટા હોઈએ.

આવું પહેલી સદીના ખ્રિસ્તીઓમાં બન્યું હતું. તેઓ જાણતા હોવા છતાં, બાઇબલના વિચારોને મનમાં ઠસાવ્યા નહિ. તેઓ ‘જૂઠા શિક્ષણથી પોતાને જ છેતરતા હતા.’ (યાકૂબ ૧:૨૨, ૨૬) આવું ત્યારે બની શકે, જ્યારે કોઈ આપણી હામાં હા ના ભરે અને આપણે ગુસ્સે ભરાય જઈએ. એમ કરવાથી આપણે પોતાને જ છેતરીએ છીએ. પરંતુ, ગુસ્સે થવાને બદલે આપણે આપણા મન અને કાન ખુલ્લા રાખીને બીજા શું કહે છે એને ધ્યાનથી સાંભળવું જોઈએ. પછી ભલેને આપણે સો ટકા સાચા હોઈએ.—નીતિવચનો ૧૮:૧૭.

‘યહોવાહના જ્ઞાનની’ શોધ કરો

સારા વિચારો કરવા માટે આપણે શું કરી શકીએ? જો કે મદદ તો જોઈએ એટલી છે, પણ આપણે એ મેળવવા મહેનત કરવા તૈયાર હોવું જોઈએ. રાજા સુલેમાને કહ્યું: “મારા દીકરા, જો તું મારાં વચનોનો અંગીકાર કરશે, અને મારી આજ્ઞાઓને તારી પાસે સંઘરી રાખીને, જ્ઞાન તરફ તારો કાન ધરશે, અને બુદ્ધિમાં તારૂં મન પરોવશે; જો તું વિવેકબુદ્ધિને માટે ઘાંટો પાડશે, અને સમજણ મેળવવાને માટે ખંત રાખશે; જો તું રુપાની પેઠે તેને ઢૂંઢશે, અને દાટેલા દ્રવ્યની પેઠે તેની શોધ કરશે; તો તને યહોવાહના ભયની સમજણ પડશે, અને દેવનું જ્ઞાન તારે હાથ લાગશે.” (નીતિવચનો ૨:૧-૫) હા, જો આપણે પોતે મહેનત કરીને આપણા મન અને હૃદયને યહોવાહના જ્ઞાનથી ભરી દઈશું તો, ચોક્કસ આપણને જ્ઞાન, સમજણ અને વિવેકબુદ્ધિ મળશે. હકીકતમાં, આપણે કોઈ પણ ખજાના કે રૂપાના કરતાં પણ વધારે મૂલ્યવાન વસ્તુ એટલે કે જ્ઞાન મેળવીશું.—નીતિવચનો ૩:૧૩-૧૫.

જો કે સારા વિચારો માટે જ્ઞાન અને સમજણ બંને ખૂબ જ જરૂરી છે. બાઇબલ કહે છે: “તેથી ડહાપણ અને સત્ય તમારા હૃદયમાં પ્રવેશ કરશે અને તમારું જીવન આનંદથી ભરપૂર થશે. વિવેકબુદ્ધિ અને સમજદારી તને બચાવી લેશે, જેથી ભૂંડા માણસોથી તું દૂર રહી શકે. તેઓ પોતાના ગુનાઓમાં સાથ આપવા તને બોલાવે છે. ભૂંડા માણસોએ ઈશ્વરના માર્ગો તજી દઈને ખરાબ અને અંધકારમય માર્ગો પર ચાલે છે.”—નીતિવચનો ૨:૧૦-૧૩.

કોઈ આફત આવે કે આપણે મુશ્કેલીમાં હોઈએ ત્યારે, યહોવાહ જે રીતે વિચારે છે એમ આપણે વિચારીએ એ ઘણું જ મહત્ત્વનું છે. એનું કારણ ઘણી વખતે બીક કે ગુસ્સાને લીધે આપણે કંઈ સારુ વિચારી શકતા નથી. રાજા સુલેમાને કહ્યું: “જુલમ બુદ્ધિમાન માણસને મૂર્ખ બનાવે છે.” (સભાશિક્ષક ૭:૭) અરે, એમ પણ બની શકે કે આપણે ‘યહોવાહને દોષ દઈએ.’ (નીતિવચનો ૧૯:૩) કઈ રીતે? કદાચ મુશ્કેલી આવી પડે ત્યારે આપણે યહોવાહને દોષ દેવા માંડીએ અને મન ફાવે તેમ વર્તી, તેમના નિયમો અને સિદ્ધાંતોને તોડીએ. તેથી, આપણે જ સાચા છે અને સૌથી સારા નિર્ણયો લઈ શકીએ છીએ એવું વિચારવાને બદલે, બાઇબલમાંથી કોઈ સારી સલાહ આપે તો, આપણે નમ્ર બનીને સ્વીકારવી જોઈએ. તેમ જ, આપણને ખબર પડે કે આપણે ખોટું વિચારી રહ્યા છે તો, મન પર અધિકાર જમાવી બેઠેલા કોઈ પણ ખોટા વિચારોને કાઢી નાખવા પૂરો પ્રયત્ન કરવો જોઈએ.—નીતિવચનો ૧:૧-૫; ૧૫:૨૨.

‘યહોવાહને વિનંતી કરતા રહો’

આજે આપણે ભયાનક અને ખરાબ સમયોમાં જીવી રહ્યા છે. તેથી, જો આપણે સારો નિર્ણય લેવો હોય અને એ પ્રમાણે કાર્ય કરવું હોય તો, નિયમિત પ્રાર્થના કરવી જોઈએ. પાઊલે લખ્યું: “કોઈ પણ બાબતની ચિંતા ન કરો, પણ દરેક બાબત માટે પ્રાર્થના કરો અને તમારી માગણીઓ ઈશ્વરને જણાવો. જવાબ મળતાં પ્રભુનો આભાર માનો. જો એ પ્રમાણે કરશો તો તમે ઈશ્વરની શાંતિ અનુભવશો. એ અજાયબ શાંતિ માનવી જ્ઞાનથી સમજી શકાય તેમ નથી. ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા ઈશ્વરની એ શાંતિ તમારાં મનોને તથા હૃદયોને સ્વસ્થ અને નિશ્ચિંત બનાવશે.” (ફિલિપી ૪:૬, ૭, IBSI) તેથી, જો આપણા પર તકલીફ આવે કે આપણી કસોટી થાય અને શું કરવું એ સમજ ના પડે તો, આપણે ‘ઈશ્વરને વિનંતી કરીએ, કારણ કે જેઓ તેમની પાસે માગે છે તે સર્વને તે ઉદારતાથી જ્ઞાન આપે છે અને ઠપકો આપતા નથી.’—યાકૂબ ૧:૫-૮, IBSI.

પ્રેષિત પીતર અગાઉથી જાણતા હતા કે, ખ્રિસ્તીઓને સમજણની જરૂર છે. તેથી, તેમણે લખ્યું કે, મેં ‘તમારા મનમાં શુદ્ધ વિચારો ઉત્પન્‍ન કરવાનો પ્રયત્ન કર્યો છે.’ તેમણે જણાવ્યું: “ઘણાં સમય પહેલાં પવિત્ર સંદેશવાહકોની મારફતે જે વચનો જણાવવામાં આવ્યાં અને તમારા પ્રેષિતોની મારફતે આપવામાં આવેલી આપણા પ્રભુ અને ઉદ્ધારક [ઈસુ ખ્રિસ્ત]ની આજ્ઞા તમે યાદ કરો એવું હું ચાહું છું.” (૨ પીતર ૩:૧, ૨, પ્રેમસંદેશ) જો આપણે પણ એ યાદ રાખીશું અને ફક્ત બાઇબલના જ વિચારો મનમાં ભરીશું તો, આપણે સારા વિચારો કરી શકીશું. તેમ જ એ વિચારોની સુમેળમાં કામ કરીશું.

[પાન ૨૧ પર ચિત્ર]

અગાઉના ખ્રિસ્તીઓએ માનવ ફિલસૂફીઓના નહિ, પણ ફક્ત યહોવાહના જ વિચારોને મનમાં ઠસાવ્યા

[ક્રેડીટ લાઈન]

ડાબેથી જમણી બાજુ ફિલસૂફો: એપીક્યુરસ: Photograph taken by courtesy of the British Museum; Cicero: Reproduced from The Lives of the Twelve Caesars; Plato: Roma, Musei Capitolini

[પાન ૨૩ પર ચિત્ર]

પ્રાર્થના અને બાઇબલ વાંચવું ખૂબ જ જરૂરી છે