સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યુસીબીયસ—ચર્ચનો ઇતિહાસકાર

યુસીબીયસ—ચર્ચનો ઇતિહાસકાર

યુસીબીયસ—ચર્ચનો ઇતિહાસકાર

રોમન શહેનશાહ કોન્સ્ટન્ટાઈને, ઈસવીસન ૩૨૫માં દરેક બિશપોને કોર્ટમાં હાજર થવા હુકમ આપ્યો. શા માટે? તે ચાહતા હતા કે વર્ષોથી ચાલી રહેલો વિષય, દેવ અને પુત્ર વચ્ચે શું સંબંધ છે એનો ઉકેલ લાવી શકે. આ બધામાં કાઈસારીઆ શહેરનો યુસીબીયસ પણ હતો. યુસીબીયસ એના સમયમાં, ખૂબ જ ભણેલો ગણેલો વ્યક્તિ હતો. તેને બાઇબલનું ઘણું જ્ઞાન હતું. તેમ જ, તે માનતો હતો કે પરમેશ્વર ફક્ત એક જ છે.

એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા બતાવે છે કે, નાઈસીઆની કાઉન્સિલ વખતે “કોન્સ્ટન્ટાઈન પોતે પ્રમુખ બનીને આ ચર્ચામાં મુખ્ય ભાગ લીધો, તેમ જ . . . કાઉન્સિલમાં ખ્રિસ્ત અને દેવ વચ્ચેના સંબંધ વિષે પોતાના વિચારો એટલે કે, ‘પિતા સાથે એક જ રૂપ’ એમ જણાવ્યું . . . શહેનશાહથી પ્રભાવિત થઈને ફક્ત બે સિવાય બધા જ બિશપોએ, એ માન્યતા પર સહી કરી. એમાં ઘણા બિશપોએ પોતાના મન વિરુદ્ધ જઈને સહી કરી હતી.” પરંતુ, શું યુસીબીયસે સહી કરી હતી? તેણે જે નિર્ણય લીધો એના પરથી આપણે શું શીખી શકીએ? તે શું માનતો હતો અને તેણે શું સિદ્ધ કર્યું એ જોવા ચાલો આપણે યુસીબીયસના જીવન પર એક નજર નાખીએ.

યુસીબીયસના લખાણો

યુસીબીયસનો જન્મ લગભગ ઈસવી સન ૨૬૦માં પેલેસ્તાઈનમાં થયો હતો. નાનપણથી જ તેણે, કાઈસારીઆના એક ચર્ચના મુખી પામફીલસ સાથે દોસ્તી કરી હતી. યુસીબીયસ પામફીલસની ધાર્મિક સ્કૂલમાં જોડાયો. તે ખૂબ મહેનતુ વિદ્યાર્થી બન્યો. તેણે પામફીલસની લાઇબ્રેરીનો મન મૂકીને ઉપયોગ કર્યો. વળી, તે પામફીલસના પુસ્તકોનો કીડો બની ગયો, એમાંય ખાસ કરીને બાઇબલનો. તે પામફીલસનો એટલો દિલોજાન દોસ્ત બની ગયો કે, તે પોતાને “પામફીલસનો દીકરો” કહેવડાવવા લાગ્યો.

યુસીબીયસ શું કરવા માંગતો હતો એ વિષે તેણે કહ્યું: “મારો હેતુ છે કે, હું અત્યાર સુધીમાં થઈ ગયેલા પ્રેષિતોનો આખો અહેવાલ લખું. તેમ જ, ઈસુ ખ્રિસ્તથી લઈને આ જ સુધીનો ભૂલાઈ ગયેલા સમય વિષે લખવાની મારી ઇચ્છા છે. જેથી, ચર્ચના ઇતિહાસમાં કેટલાં મહત્ત્વના બનાવો બની ગયા; ચર્ચમાં કોણ કોણ પ્રમુખ બન્યા અને તેઓએ કઈ રીતે ચર્ચની દેખરેખ રાખી, તેમ જ તેઓએ કઈ રીતે બાઇબલને લખીને તેમ જ મોઢેથી સમજાવ્યું એ જાણી શકાય.”

યુસીબીયસનું એક પુસ્તક ખૂબ જ જાણીતું બન્યું જેમાં તેણે ખ્રિસ્તી ચર્ચનો આખો ઇતિહાસ લખ્યો છે. એના લીધે તે લોકોના મનમાં વસી ગયો હતો. તેના દસ ગ્રંથ જે લગભગ ઈસવી સન ૩૨૪માં છપાયા હતા, એ ચર્ચનો ઇતિહાસ આપતા સૌથી મહત્ત્વના પુસ્તકો બન્યા જે તેણે પ્રાચીન સમયમાં લખ્યા હતા. એના લીધે તે ચર્ચ ઇતિહાસના પિતા તરીકે ઓળખાવા લાગ્યો.

એ પુસ્તક સિવાય પણ યુસીબીયસે ક્રોનિકલના (અંગ્રેજી) બે ગ્રંથો લખ્યા. પહેલા ગ્રંથમાં તેણે આખા વિશ્વના ઇતિહાસને ટૂંકમાં આવરી લીધો છે. વળી, વિશ્વમાં બની ગયેલા બનાવો તારીખો પ્રમાણે જોવા, લગભગ ચોથી સદીમાં લોકો ફક્ત એ જ ગ્રંથોનો ઉપયોગ કરતા હતા. તેના બીજા ગ્રંથમાં ઇતિહાસના બનાવોની તારીખો જોવા મળતી હતી. આ રીતે યુસીબીયસે, જુદા જુદા દેશોના એક પછી એક રાજાઓ અને રાજાઓની સામે બનેલા બનાવોની તારીખો લખી.

યુસીબીયસે બીજા પણ બે પુસ્તકો લખ્યા જે પેલેસ્તાઈનના શહીદો અને કોન્સ્ટન્ટાઈનના જીવન વિષે હતા. પહેલું પુસ્તક, લગભગ ઈસવી સન ૩૦૩થી ૩૧૦ સુધીના સમય અને એ સમયમાં થઈ ગયેલા શહીદો વિષે જણાવે છે. યુસીબીયસે આ બનાવો પોતાની નજરે જોયા હોય શકે. જ્યારે કે, બીજું પુસ્તક ઈસવી સન ૩૩૭માં કોન્સ્ટન્ટાઈનના મરણ પછી, કુલ ચાર પુસ્તકોના સેટ તરીકે છાપવામાં આવ્યા હતા. એમાં ઇતિહાસ વિષે જાણવા મળે છે. જો કે આ પુસ્તકમાં ફક્ત મહત્ત્વનો ઇતિહાસ જ નહિ, એના વખાણ પણ જોવા મળે છે.

રોમનો મુખ્ય અધિકારી હેરોકલ્સ ખ્રિસ્તીઓનો વિરોધ કરતો હતો. તેણે ખ્રિસ્તીઓની વિરુદ્ધમાં લખ્યું. આ જોઈને યુસીબીયસથી રહેવાયું નહિ. તેથી, તેણે ખ્રિસ્તીઓના બચાવ પક્ષે એક પુસ્તક લખ્યું. આમ, હેરોકલ્સને સામો વળતો જવાબ આપ્યો. એટલું જ નહિ, તેણે બાઇબલના લેખક પરમેશ્વર છે એ સત્ય સાબિત કરવા માટે બીજા ૩૫ પુસ્તકો લખ્યાં. આ પુસ્તકોમાં તેણે નાનામાં નાની વાત પણ સમજાવી છે. એના લીધે, આ પુસ્તકનું મહત્ત્વ ઘણું જ વધી ગયું હતું. આમાં પહેલા ૧૫ પુસ્તકોમાં તેણે હિબ્રુના પવિત્ર લખાણો માટે ખ્રિસ્તીઓની માન્યતા શું હતી એ જણાવી છે. બીજા ૨૦ પુસ્તકોમાં બતાવ્યું છે કે ખ્રિસ્તીઓ યહુદી સિદ્ધાંતોને બદલે, નવા સિદ્ધાંતો અને નિયમોને અપનાવી રહ્યા છે એ બરાબર છે. આ બધા પુસ્તકોમાં, યુસીબીયસે પોતાની સમજણ પ્રમાણે ખ્રિસ્તીઓના પક્ષમાં ઘણું લખ્યું છે.

યુસીબીયસ લગભગ ૮૦ વર્ષ (લગભગ ઈસવી સન ૨૬૦-૩૪૦) જેટલું જીવ્યો. તે પ્રાચીન સમયનો એક જોરદાર લેખક બન્યો. તેના લખાણો, પહેલી ત્રણ સદીથી લઈને કોન્સ્ટન્ટાઈનના સમય સુધીના બનાવો વિષે જણાવે છે. તેના પાછલા જીવનમાં, તેણે લેખકની સાથે સાથે કાઈસારીઆના બિશપ તરીકે પણ કામ કર્યું. યુસીબીયસ એક સારો ઇતિહાસકાર હતો. એટલું જ નહિ, તે પોતાના ધર્મનો પક્ષ લેનાર, પેલેસ્તાઈનનો સારો નકશો દોરી જાણનાર, પ્રચાર કરનાર, ટીકા કરી જાણનાર અને ધર્મના લખાણોને સારી રીતે સમજાવનાર પણ હતો.

તેના લખાણોના બે હેતુઓ

શા માટે યુસીબીયસે આટલું મોટું કામનું બીડું ઝડપ્યું? એનું કારણ તેની માન્યતાઓ કે તે એવા યુગમાં જીવી રહ્યો હતો જ્યાં સમય બદલાય રહ્યો હતો. તે માનતો હતો કે, ભૂતકાળમાં એવા ઘણા બનાવો થઈ ગયા છે જેને લખવા ખૂબ જ જરૂરી હતા, જેથી આવનાર પેઢી એ વિષે વાંચી શકે.

વધુમાં, યુસીબીયસનો હેતુ પોતાના ધર્મનો બચાવ કરવાનો પણ હતો. તે માનતો હતો કે ખ્રિસ્તી ધર્મ દેવે સ્થાપ્યો હતો. પરંતુ, ઘણા લોકો એની સાથે સહમત થતા ન હતા. તેથી, યુસીબીયસે લખ્યું: “મારો હેતુ તમને એવા લોકોના નામ, આંકડા અને સમય આપવાનો છે, જેઓએ નવાની શોધ કરતાં કરતાં મોટી ભૂલો કરી. તેઓ પોતાને જ્ઞાનીઓ જાહેર કરતા હતા, પરંતુ હકીકતમાં તો તેઓ એવા ભયાનક વરુઓના જેવા હતા જેમણે નિર્દય રીતે ખ્રિસ્તના ટોળાને આડે રસ્તે ભટકાવી દીધા.”

પરંતુ, શું યુસીબીયસ પોતાને ખ્રિસ્તી માનતો હતો? હા, ચોક્કસ. એનું કારણ, તેણે ઈસુ ખ્રિસ્તને “આપણા ઉદ્ધાર” કરનાર કહ્યા. તેણે લખ્યું: “મારો હેતુ છે કે . . . આપણા ઉદ્ધાર કરનારને, યહુદીઓએ લુચ્ચાઈથી ફસાવ્યા અને એટલા માટે તેઓ પર આફતો આવી પડી એ વિષે લખું. તેમ જ, વિદેશીઓએ બાઇબલ પર કઈ રીતે જુલમ ગુજાર્યો અને કયા સમયે એ હું જણાવી શકું, અને જુદા જુદા સમયે બાઇબલને બચાવવા માટે, જેઓ પર સતાવણી થઈ અને છેવટે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા તેઓ વિષે પણ હું લખવા ચાહું છું. વળી, આપણા સમયમાં વફાદાર રહ્યા અને આપણા ઉદ્ધાર કરનારે કઈ રીતે તેઓ પર દયા બતાવી અને મદદ કરી” એ વિષે હું લખવા ચાહું છું.

યુસીબીયસનું પુષ્કળ વાંચન

યુસીબીયસે પોતે ઘણાં પુસ્તકો વાંચ્યાં તેમ જ બીજા પુસ્તકોમાંથી મળેલી માહિતી વિષે પણ જણાવ્યું. ખરેખર, યુસીબીયસના લખાણને લીધે જ પહેલી ત્રણ સદીમાં થઈ ગયેલી મોટી વ્યક્તિઓ વિષે જાણવા મળ્યું. તેમ જ, જે જે બનાવો બની ગયા એનો આખો અહેવાલ ફક્ત યુસીબીયસના લખાણોમાં જ મળી આવે છે. પરંતુ, હવે તે સહેલાઈથી મળી શકે એમ નથી.

જો કે, વાંચન માટે પુસ્તકો ભેગા કરવામાં યુસીબીયસ એક નંબર હતો. વળી, તે સાચી કે ખોટી માહિતી તરત જ સમજી જતો હતો. તેમ છતાં, તેના લખાણોમાં ઘણી ભૂલો જોવા મળે છે. જેમ કે, ઘણી વખતે તે વ્યક્તિ અને તેણે કરેલા કામોને બરાબર સમજી શક્યો નથી જેના લીધે તેઓ વિષે એકદમ ખોટી માહિતી આપી છે. વળી, તારીખો પ્રમાણે તેણે જે બનાવોનું લીસ્ટ આપ્યું, એમાં પણ ઘણી ભૂલો છે. તે એક સારો લેખક ન હતો. જો કે આટલી બધી ભૂલો છતાં, તેના ઘણાં પુસ્તકો જાણીતા બન્યા.

શું તે સચ્ચાઈને વળગી રહ્યો?

યુસીબીયસ તેનો પ્રશ્ન હજી પણ ઉકેલી શક્યો ન હતો કે, પિતા અને પુત્ર વચ્ચે શું સંબંધ છે. તે માનતો હતો એમ, શું પુત્રને બનાવ્યા પહેલા પિતા હતા? કે પછી બંનેનો ઉદ્‍ભવ સાથે જ થયો હતો? વળી, તે માનતો હતો કે જો “તેઓ બંનેનો ઉદ્‍ભવ સાથે” હોય તો, “કઈ રીતે પુત્ર અને પિતા એકબીજાથી અલગ છે?” જો કે તેની માન્યતા બાઇબલની કલમના આધારે જ હતી. જેમ કે, તેણે યોહાન ૧૪:૨૮ બતાવીને કહ્યું કે ‘પુત્ર કરતા બાપ મોટા છે.’ તેમ જ, તેણે યોહાન ૧૭:૩ બતાવી જેમાં કહ્યું છે કે, ઈસુને સાચા દેવે “મોકલ્યો છે.” વળી, યુસીબીયસે કોલોસી ૧:૧૫ અને યોહાન ૧:૧ વિષે જણાવ્યું, જ્યાં શબ્દ કે લોગોસ એટલે કે ઈસુ ખ્રિસ્ત “અદૃશ્ય દેવની પ્રતિમા” છે.

જો કે તે સત્ય જાણતો હોવા છતાં, જ્યારે નાઈસીઆની કાઉન્સિલ પતવા આવી ત્યારે, તેણે જૂઠી માન્યતા પર સહી કરી. તે માનતો હતો કે દેવ અને પુત્રનો સાથે ઉદ્‍ભવ થયો ન હતો, છતાં તેણે કોન્સ્ટન્ટાઈનની હામાં હા ભરી.

આપણા માટે સારી શિખામણ

શા માટે યુસીબીયસે નાઈસીઆની કાઉન્સિલમાં ગભરાઈને બાઇબલથી વિરુદ્ધની માન્યતામાં ભળી ગયો? શું તેના મગજમાં રાજકારણની રમત રમતી હતી? અરે, તે એ કાઉન્સિલમાં ગયો જ કેમ? એમાં તો બધા બિશપોને હાજર રહેવાનો હુકમ કરવામાં આવ્યો હતો. તેમ છતાં, ફક્ત ૩૦૦ જ આવ્યા હતા. શું યુસીબીયસને સમાજમાં પોતાનું જે નામ હતું એની પડી હતી? વળી, શહેનશાહ કોન્સ્ટન્ટાઈને તેને શા માટે વધુ પડતું માન આપ્યું? એ કાઉન્સિલમાં યુસીબીયસ કોન્સ્ટન્ટાઈનને જમણે હાથે બેઠો હતો.

અહીંયા એક વસ્તુ કાચની જેમ ચોખ્ખી દેખાય છે કે યુસીબીયસે, ઈસુની આ આજ્ઞા મનમાં ન ઠસાવી કે, મારા શિષ્ય આ “જગતના નથી.” (યોહાન ૧૭:૧૬; ૧૮:૩૬) એ જ રીતે, શિષ્ય યાકૂબે પૂછ્યું: “ઓ વ્યભિચારિણીઓ, શું તમને માલૂમ નથી, કે જગતની મૈત્રી દેવ પ્રત્યે વૈર છે?” (યાકૂબ ૪:૪) તેમ જ પાઊલે પણ કેટલી સુંદર સલાહ આપી કે, “અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો.” (૨ કોરીંથી ૬:૧૪) તેથી, ચાલો આપણે મનમાં ગાંઠ વાળીએ કે આ જગતથી દૂર રહીને, ‘ખરા દિલથી તથા સચ્ચાઈથી [પિતાનું] ભજન કરીએ.’—યોહાન ૪:૨૪, પ્રેમસંદેશ.

[પાન ૩૧ પર ચિત્ર]

નાઈસીઆની કાઉન્સિલનું ચિત્ર

[ક્રેડીટ લાઈન]

Scala/Art Resource, NY

[પાન ૨૯ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Courtesy of Special Collections Library, University of Michigan