સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગરીબો વધુ ગરીબ થાય છે

ગરીબો વધુ ગરીબ થાય છે

ગરીબો વધુ ગરીબ થાય છે

જો સમાજમાં મોટા ભાગના લોકો ગરીબ અને દુઃખી હોય તો, કઈ રીતે કહી શકાય કે સમાજમાં સુખ અને શાંતિ છે?’

એડમ સ્મિથે ૧૮મી સદીમાં આમ કહ્યું હતું. ઘણા માને છે કે તેમણે જે કહ્યું એ આપણા સમયમાં વધારે લાગુ પડે છે. ગરીબો અને ધનવાનો વચ્ચેની ખાઈ વધતી જ જાય છે. ફિલિપાઈન્સની વસ્તીના લગભગ ૩૦ ટકા લોકો દિવસમાં એક અમેરિકન ડોલરથી (આશરે ૪૮ રૂપિયાથી) પણ ઓછું કમાય છે. પરંતુ, ધનવાન દેશોમાં તો લોકો એટલા પૈસા મિનિટોમાં કમાય છે. યુએનનો હ્યુમન ડેવલોપમેન્ટ રિપોર્ટ ૨૦૦૨ કહે છે: “દુનિયાના સૌથી ગરીબ પાંચ ટકા લોકોની કમાણી સામે સૌથી ધનવાન પાંચ ટકા લોકોની આવક ૧૧૪ ગણી વધારે છે.”

અમુક લોકો સુખચેનમાં રહેતા હોય છે. એની સામે કરોડો લોકોએ સુખ જોયું પણ નથી. તેઓ ગમે તે જાહેર જગ્યાએ ગેરકાયદે ઝૂંપડાં બાંધીને રહે છે. બીજાઓના જીવનમાં તો ઝૂંપડાંમાં રહેવાનું પણ સુખ નથી. તેઓ રસ્તાની કોર પર પૂઠું કે પ્લાસ્ટિક પાથરીને ત્યાં જ રહેતા હોય છે. તેઓ તનતોડ મહેનત કરે તોપણ માંડ ટૂકડો રોટલી પામે છે. જેમ કે, ઘણા લોકો બે ટંક ખાવાનું મેળવવા પણ ગમે એવું કામ કરે છે. તેઓ સખત મજૂરીનું કામ કરે છે, કે કચરામાંથી ખાલી બોટલ, પ્લાસ્ટિક કે કાગળ વીણીને એને વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે.

અમીરી-ગરીબીનો ભેદભાવ ફક્ત વિકાસશીલ દેશોમાં જ જોવા નથી મળતો. વર્લ્ડ બૅન્ક જણાવે છે: “દરેક દેશોમાં કોઈ પણ રૂપમાં ગરીબાઈ એકદમ સામાન્ય છે.” ભલે બાંગ્લાદેશ કે અમેરિકા હોય, ત્યાં અમુક એવા લોકો છે જેઓ પાસે ઢગલો પૈસા છે. પણ ત્યાં બીજાઓને કોઈ રહેવાની જગ્યા નથી અને માંડ માંડ દિવસમાં એક ટંક ખાવા મળે છે. અમેરિકામાં ધ ન્યૂ યૉર્ક ટાઈમ્સએ ૨૦૦૧નો વસ્તીનો રિપૉર્ટ ટાંકતા જણાવ્યું કે અમેરિકામાં ધનવાન અને ગરીબો વચ્ચેનું અંતર સતત વધતું જાય છે. રિપૉર્ટ કહે છે: ‘અમેરિકાની વસ્તીમાંથી ૨૦ ટકા લોકો સૌથી અમીર છે, અને ૨૦ ટકા સૌથી ગરીબ છે. વર્ષ ૨૦૦૧માં એ દેશની કુલ આવકમાંથી અમીર લોકો ૫૦ ટકા કમાયા હતા. પરંતુ, ગરીબ લોકો એમાંથી ફક્ત ૩.૫ ટકા કમાયા હતા.’ બીજા ઘણા દેશોની હાલત આવી જ અથવા આનાથી પણ વધારે ખરાબ છે. વર્લ્ડ બૅન્કનો રિપૉર્ટ બતાવે છે કે દુનિયાની વસ્તીના ૫૭ ટકા લોકો આખા દિવસના આશરે બે અમેરિકન ડોલરથી (આશરે ૯૫ રૂપિયાથી) પણ ઓછું કમાય છે.

એક તો દુનિયાની હાલત ખરાબ છે. વધારામાં ૨૦૦૨માં અમુક રિપૉર્ટથી કરોડો લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. કેમ કે, કંપનીના ડાઇરેક્ટરો કાળું-ધોળું કરીને અબજોપતિ બની ગયા હતા. કાયદાની નજરે ભલે તેઓએ સજા થાય એવા કોઈ નિયમોનો ભંગ નથી કર્યો. તોપણ, ફોરચ્યુન મેગેઝિનમાં જણાવ્યા પ્રમાણે ઘણાને લાગે છે કે આ ડાઇરેક્ટરો પાસે “એટલા તો પૈસા છે કે તેઓ એમાં નાહી શકે.” કેટલાક વિચારે છે કે, દુનિયામાં એક બાજુ લાખો-કરોડો લોકો ગરીબીમાં જીવી રહ્યા છે, તો શા માટે ગણ્યા-ગાંઠ્યા લોકો કરોડો-અબજો રૂપિયાની લોટરી જીતી હોય એવું કમાઈ રહ્યા છે?

શું ગરીબી હંમેશાં રહેશે?

જોકે ઘણી સરકારો અને સંસ્થાઓએ ગરીબી દૂર કરવા બનતા બધા જ પ્રયત્નો કર્યા છે, અને તેઓ પાસે ઘણા સારા વિચારો પણ છે. તોપણ, તેઓની મહેનતનું કોઈ ફળ મળ્યું નથી. હ્યુમન ડેવલોપમેન્ટ રિપૉર્ટ ૨૦૦૨ કહે છે: “ઘણા દેશો આજે ૧૦, ૨૦ કે ૩૦ વર્ષ પહેલાં હતા એનાથી પણ વધારે ગરીબ બન્યા છે.”

શું ગરીબો માટે કોઈ આશાનું કિરણ છે? હવે પછીનો લેખ બતાવશે કે આપણે હમણાં શું કરી શકીએ. વધુમાં, એ લેખ બતાવશે કે કોણ ગરીબાઈનું નામનિશાન મિટાવી દેશે.