સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જ્યારે ગરીબી જ નહિ હોય!

જ્યારે ગરીબી જ નહિ હોય!

જ્યારે ગરીબી જ નહિ હોય!

દુનિયાના કોઈ પણ દેશમાં જાવ, ગરીબી વિષે કોઈ સારો રિપૉર્ટ જોવા નહિ મળે. તોપણ અમુક લોકો હિંમત હારતા નથી, કેમ કે તેઓ માને છે કે ગરીબી ચોક્કસ દૂર થઈ શકે છે. દાખલા તરીકે, ફિલિપાઈન્સના મીનીલા બુલેટિન છાપા પ્રમાણે, એશિયાની ડૅવલૉપમેન્ટ બૅન્કે અહેવાલ આપ્યો કે “એશિયા ૨૫ વર્ષોમાં પોતાની ગરીબી દૂર કરી શકે છે.” બૅન્કે ભલામણ કરી કે વધારે પૈસા કે ધંધાથી લોકોની ગરીબી દૂર થશે.

સરકારો અને બીજી સંસ્થાઓએ ગરીબી હટાવવા અનેક સૂચનો આપ્યા છે. જેમ કે: (૧) લોકો માટે ઇન્સ્યોરન્સ. (૨) શિક્ષણમાં સુધારો. (૩) અમીર દેશો ગરીબ દેશોની લોન માફ કરે. (૪) કસ્ટમ ડ્યુટી ઓછી કરવામાં આવે, જેથી ગરીબ દેશોના લોકો પોતાનો માલ સહેલાઈથી બીજા દેશને વેચી શકે. (૫) ગરીબ લોકોને સસ્તા દરે ઘર આપવા.

યુનાઈટેડ નેશન્સે ૨૦૦૦માં એની એક સભામાં ધ્યેય રાખ્યો છે કે, ૨૦૧૫ સુધીમાં ગરીબી અને ભૂખમરો કાઢી નાખવામાં આવશે. તેમ જ અમીરો અને ગરીબો વચ્ચેની અસમાનતા પણ કાઢી નાખવામાં આવશે. તેઓનો વિચાર ખૂબ સરસ છે. પણ ઘણા લોકોને શંકા છે કે તેઓનું સપનું પૂરું થશે કે કેમ.

ગરીબીને દૂર કરવા પગલાં લેવાં

હાલમાં તો આખી દુનિયામાં સુધારો થઈ શકે એવું કોઈ આશાનું કિરણ દેખાતું નથી. તો પછી, આપણે મદદ માટે કોની પાસે હાથ ફેલાવી શકીએ? બાઇબલમાંથી આપણે પરમેશ્વરની મદદ મેળવી શકીએ છીએ.

બાઇબલમાં જે જણાવવામાં આવ્યું છે એ બીજી કોઈ પણ માહિતી કરતાં એકદમ અલગ છે. કેમ કે, બાઇબલ વિશ્વના માલિક અને આપણા સરજનહાર તરફથી આવે છે. એમાં એવા સલાહ-સૂચનો અને સિદ્ધાંતો છે કે જેનાથી દુનિયાના બધા લોકોને દરેક સમયે લાભ થાય છે. જો ગરીબો આ સિદ્ધાંતોને લાગુ પાડે તો, તેઓ હાલમાં પણ સંતોષી જીવનનો આનંદ માણી શકે છે. ચાલો આપણે અમુક સલાહ જોઈએ.

“પૈસો મારો પરમેશ્વર,” એવા વલણથી દૂર રહો. બાઇબલ કહે છે: “ડહાપણ અથવા પૈસા દ્વારા તું ગમે તે મેળવી શકે છે, પણ ડાહ્યા થવામાં વધારે લાભ છે. ડહાપણ તને જીવન બક્ષે છે.” (ઉપદેશક ૭:૧૨, IBSI) એમાંથી આપણને શું શીખવા મળે છે? પૈસા જ કંઈ બધું નથી. એ સાચું છે કે થોડા પૈસા હોવાથી આપણે રોજબરોજની બાબતો વિષે ઓછી ચિંતા કરીએ છીએ. તેમ જ આપણે જોઈતી વસ્તુ ખરીદી શકીએ છીએ. પરંતુ, જેઓ પૈસા કમાવવા પાછળ જ પડ્યા છે, તેઓ અમુક બાબતો કદી ખરીદી નહિ શકે. જેમ કે જીવન અને ઈશ્વરની કૃપા. પરંતુ, જેઓ ઈશ્વરનું જ્ઞાન લઈને એ પ્રમાણે ચાલે છે તેઓ હાલમાં અને હંમેશાં સંતોષી રહેશે. જો આપણે આ વાત ધ્યાનમાં રાખીશું, તો પૈસાની પાછળ નહીં પડીએ. તેમ જ પૈસા નહીં હોવાને કારણે આપણે નિરાશા કે ચિંતામાં ડૂબી જઈશું નહિ.

તમારા ગજા બહાર ન જાઓ. અમુક વાર આપણને ખરેખર જરૂરી ન હોય એવી વસ્તુ જોઈતી હોય છે. આપણને એવું લાગી શકે કે મને એ વસ્તુની ખૂબ જરૂર છે. કદાચ આપણે એ વસ્તુ ખરીદવા તલપાપડ થઈએ છીએ. પરંતુ, બુદ્ધિમાન વ્યક્તિ બરાબર વિચાર કરીને પોતાના પૈસા રોટી, કપડાં અને મકાન જેવી જરૂરી વસ્તુઓમાં વાપરશે. પછી બીજા કશામાં ખર્ચ કરતા પહેલાં તે જોશે કે બાકીના પૈસા પૂરતા છે કે કેમ. ઈસુએ એક દાખલામાં કહ્યું હતું કે આપણે પહેલાં ‘કેટલો ખર્ચ થશે એનો અંદાજો કાઢવો જોઈએ.’—લૂક ૧૪:૨૮, પ્રેમસંદેશ.

ફિલિપાઈન્સની યુફ્રોસીનાનો વિચાર કરો. તેનો પતિ અમુક વર્ષો પહેલાં તેને અને તેમના ત્રણ બાળકોને છોડીને જતો રહ્યો હતો. તેથી તે બાળકો સાથે એકલી રહે છે. તે બહુ કમાતી નથી એટલે તે ખૂબ કરકસર કરીને ઘર ચલાવે છે. એમ કરીને તેણે પોતાના બાળકોને પણ એ રીતે રહેતા શીખવ્યું. દાખલા તરીકે, કોઈ વાર બાળકોને બજારમાં અમુક વસ્તુઓ ગમી જતી ત્યારે, તેઓ એને લેવાની જીદ કરતા. યુફ્રોસીના ત્યારે બાળકોને સીધું જ ના પાડી દેતી ન હતી. એના બદલે, તે તેઓને કહેતી: ‘જો તમને એ વસ્તુ ગમતી હોય તો તમે લઈ શકો. પણ આપણી પાસે ફક્ત એક વસ્તુ ખરીદવાના પૈસા છે. તમને ગમતી વસ્તુ ખરીદી શકો અથવા આખા અઠવાડિયાંનું શાકભાજી ખરીદી શકો. હવે તમને શું જોઈએ છે?’ આમ, બાળકો મનગમતી વસ્તુ લેવાનો મોહ જતો કરતા.

બીજાઓની અદેખાઈ ન કરો. બાઇબલ કહે છે: “આપણને જે અન્‍નવસ્ત્ર મળે છે તેઓથી આપણે સંતોષી રહીએ.” (૧ તીમોથી ૬:૮) પૈસાથી કંઈ આપણે સુખી થતા નથી. ઘણા પૈસાદાર લોકો અનેક દુઃખોથી પીડાતા હોય છે. જ્યારે કે, ઘણા ગરીબો સુખી હોય છે. આ ગરીબ લોકો જીવન જરૂરી સાદી વસ્તુઓથી સંતોષથી રહેતા શીખ્યા છે. ઈસુએ કહ્યું કે આપણી “આંખ નિર્મળ” હોવી જોઈએ. એટલે આપણે બીજાઓનું જીવન જોઈને અદેખાઈ નહિ કરીએ. (માત્થી ૬:૨૨) જો આપણે એ ધ્યાનમાં રાખીએ તો, આપણે સંતોષથી રહી શકીશું. ઘણા ગરીબ લોકો પરમેશ્વર સાથે સારો સંબંધ બાંધીને સુખી જીવનનો આનંદ માણી રહ્યા છે. એવો આનંદ કે જેને આપણે પૈસાથી ખરીદી શકતા નથી.

હા, બાઇબલમાં આપેલી સલાહને લાગુ પાડવાથી ગરીબ લોકોને ઘણી મદદ મળી શકે છે. એવા તો બીજા ઘણા દાખલા છે. જેમ કે, (૧) ધૂમ્રપાન અને જુગાર જેવી કુટેવોથી દૂર જ રહેવું જોઈએ, કેમ કે એ આપણા પૈસા બગાડે છે. (૨) પરમેશ્વરની ભક્તિ કરવી જોઈએ કેમ કે જીવનમાં એ સૌથી મહત્ત્વનું છે. (૩) જો નોકરી ન મળતી હોય તો, લોકોને મદદ જોઈતી હોય એવું કામ કરવું જોઈએ. (નીતિવચનો ૨૨:૨૯; ૨૩:૨૧; ફિલિપી ૧:૯-૧૧) બાઇબલ અરજ કરે છે કે આપણે ‘ડહાપણ અને સામાન્ય બુદ્ધિ’ વાપરીએ, કેમ કે ‘એમાંથી જીવનશક્તિ મળે છે.’—નીતિવચનો ૩:૨૧, ૨૨, IBSI.

ઘણા વિચારશે કે, ‘બાઇબલની સલાહોથી ગરીબ લોકોને હાલમાં તો થોડી ઘણી મદદ મળશે; પણ તેઓના ભવિષ્ય વિષે શું? શું તેઓ હંમેશાં ઝૂંપડપટ્ટી કે ફૂટપાથ પર જ રહેશે? શું ક્યારેય અમીરી-ગરીબીનો ભેદભાવ દૂર થશે?’ ચાલો આપણે આ પ્રશ્નોના જવાબ જોઈએ.

બાઇબલ આશાનું કિરણ આપે છે

ઘણા માને છે કે બાઇબલ સારું પુસ્તક છે. પરંતુ ઘણાને એ ખબર નથી કે બાઇબલ ભાવિ વિષે ખૂબ મહત્ત્વની માહિતી આપે છે.

સરકારો ગરીબીનો કોઈ હલ લાવી શકી નથી, અથવા તેઓ આ સમસ્યાઓને સળગતી રાખવા માગે છે. તેથી, બાઇબલ જણાવે છે કે પરમેશ્વર બહુ જ જલદી ગરીબી જેવી મોટી મોટી સમસ્યાઓનો હંમેશ માટે અંત લાવશે. તેમ જ, બધી જ માનવ સરકારોને પણ તે કાઢી નાખશે. દાનીયેલ ૨:૪૪માં બાઇબલ કહે છે: “રાજાઓની કારકિર્દીમાં આકાશનો દેવ એક રાજ્ય સ્થાપન કરશે કે જેનો નાશ કદી થશે નહિ, ને તેની હકુમત અન્ય પ્રજાના કબજામાં સોંપાશે નહિ; પણ તે આ સઘળાં રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો ક્ષય કરશે, ને તે સર્વકાળ ટકશે.”

પરમેશ્વર આ “રાજ્યો” કે સરકારોને કાઢી નાખ્યા પછી એક રાજાને રાજગાદીએ બેસાડશે. આ રાજા કોઈ મનુષ્ય નહિ, પણ પરમેશ્વરનો એકનોએક શક્તિશાળી પુત્ર ઈસુ ખ્રિસ્ત છે. તે ચપટીમાં અમીરી-ગરીબીના ભેદભાવને કાઢી નાખશે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૩૧) ગીતશાસ્ત્ર ૭૨:૧૨-૧૪ બતાવે છે કે આ રાજા શું કરશે: “દરિદ્રી પોકાર કરે ત્યારે તે તેને છોડાવશે; અને દુઃખી, જેનો કોઇ મદદગાર નથી, તેનો તે બચાવ કરશે. તે અબળ તથા દરિદ્રી ઉપર દયા કરશે, તે દરિદ્રીઓના આત્માઓનું તારણ કરશે. જુલમ તથા બળાત્કારમાંથી તે તેઓના આત્માઓને છોડાવશે; તેની દૃષ્ટિમાં તેઓનું રક્ત મૂલ્યવાન થશે.” કેવું સુંદર ભવિષ્ય! તેઓને માથે સુખનો સૂરજ ઊગશે, જે ક્યારેય આથમશે નહિ! રાજા ઈસુ, પરમેશ્વરના હાથ નીચે રહીને ખરેખર ગરીબોને સાથ આપશે.

ત્યારે તે ગરીબી સાથે જોડાયેલી બીજી બધી જ નાની-મોટી સમસ્યાઓને જડમૂળથી કાઢી નાખશે. ગીતશાસ્ત્ર ૭૨:૧૬ કહે છે: “દેશમાં પર્વતોનાં શિખરો પર પણ પુષ્કળ ધાન્ય પાકશે.” વિચાર કરો, દુકાળ કે ભૂખમરો ભૂતકાળ બની જશે!

બીજી સમસ્યાઓને પણ કાઢી નાખવામાં આવશે. દાખલા તરીકે, આજે દુનિયામાં મોટા ભાગના લોકો પાસે પોતાનું ઘર નથી. પરંતુ પરમેશ્વરે વચન આપ્યું છે કે: “તેઓ ઘરો બાંધીને તેઓમાં રહેશે, ને દ્રાક્ષાવાડીઓ રોપીને તેમનાં ફળ ખાશે. તેઓ બાંધશે ને તેમાં બીજો વસશે, એમ નહિ બને; તેઓ રોપશે ને તે બીજો ખાશે, એવું થશે નહિ; કેમકે ઝાડના આયુષ્ય જેટલું મારા લોકોનું આયુષ્ય થશે, ને મારા પસંદ કરાએલા પોતાના હાથોનાં કામોનાં ફળનો ભોગવટો લાંબા કાળ સુધી કરશે.” (યશાયાહ ૬૫:૨૧, ૨૨) હા, દરેક પાસે પોતાનું સુંદર ઘર હશે અને તેઓ જે કામ કરશે એમાં પૂરો આનંદ માણશે. આમ, પરમેશ્વરે ગરીબીને હંમેશ માટે કાઢી નાખવાનું વચન આપ્યું છે. ત્યારે અમીર અને ગરીબ વચ્ચે કોઈ ફરક નહીં હોય. કોઈએ પણ થોડું કમાવા માટે રાત-દિવસ કામ નહીં કરવું પડે.

જો તમે પહેલી વાર આ વચનો સાંભળતા હો તો, કદાચ તમને લાગશે કે એ બધું સપના જ છે. પણ તમે બાઇબલ વિષે વધુ શીખો તેમ, તમને જોવા મળશે કે પરમેશ્વરે અગાઉ આપેલા બધાં જ વચનો પૂરાં થયાં છે. (યશાયાહ ૫૫:૧૧) તેથી એમાં કોઈ શંકા નથી કે તેમના આ વચનો પણ જરૂર પૂરા થશે. તો પછી, તમારે લાભ મેળવવા શું કરવું જોઈએ?

શું તમે એ રાજમાં હશો?

પરમેશ્વરનું રાજ આવશે ત્યારે, શું તમને તેમની પ્રજા બનવાનું ગમશે? એ માટે તમારે તનમનથી તેમની ભક્તિ કરવી જોઈએ. બાઇબલ આપણને સારી રીતે જણાવે છે કે આપણે કઈ રીતે તેમની કૃપા મેળવી શકીએ.

પરમેશ્વરનો પુત્ર અને આપણો રાજા ન્યાયી છે. (યશાયાહ ૧૧:૩-૫) તેથી તે ઇચ્છે છે કે તેમના રાજમાં પણ બધા લોકો ન્યાયી અને સચ્ચાઈથી ચાલનારા હોય. નીતિવચનો ૨:૨૧, ૨૨ કહે છે: “સદાચારીઓ દેશમાં વસશે, અને નીતિસંપન્‍ન જનો તેમાં જીવતા રહેશે. પણ દુષ્ટો દેશ પરથી નાબૂદ થશે, અને કપટ કરનારાઓ તેમાંથી સમૂળગા ઊખેડી નાખવામાં આવશે.”

તો પછી, તમે કઈ રીતે પરમેશ્વરની નજરે સારા અને ન્યાયી બની શકો? બાઇબલમાંથી શીખો અને એની સલાહને જીવનમાં લાગુ પાડો. એમ કરીને તમે પરમેશ્વરના રાજમાં અપાર સુખ-શાંતિભર્યા જીવનનું વરદાન મેળવી શકશો. (યોહાન ૧૭:૩) યહોવાહના સાક્ષીઓ તમને બાઇબલમાંથી શીખવા ખુશીથી મદદ કરશે. હા, આવનાર નવી દુનિયામાં રહેવાની આ જ એક સોનેરી તક છે. એવી દુનિયા કે જ્યાં ગરીબી અને અન્યાયનું નામનિશાન નહિ હોય. અમે હૃદયથી ઇચ્છીએ છીએ કે તમે પણ પરમેશ્વરની સરકાર વિષે શીખો.

[પાન ૫ પર ચિત્ર]

યુફ્રોસીના: “હું ગજા બહાર ખર્ચ કરતી નથી, એટલે હું ખૂબ કરકસર કરીને ઘર ચલાવું છું”

[પાન ૬ પર ચિત્ર]

પૈસાથી પરમેશ્વરની કૃપા અને કુટુંબમાં ખુશી ખરીદી શકાતી નથી