સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ધીરજના મીઠાં ફળ

ધીરજના મીઠાં ફળ

રાજ્ય પ્રચારકોનો અહેવાલ

ધીરજના મીઠાં ફળ

ઈસુ ખ્રિસ્તે છેલ્લા દિવસો વિષે ભાખ્યું હતું કે “ઘણાખરાનો પ્રેમ ઠંડો થઈ જશે.” તેથી, આજે દુનિયાના મોટા ભાગના લોકોને રાજ્યના શુભસંદેશની કંઈ પડી નથી. અરે, કેટલાક તો ધર્મનું નામ સાંભળતા જ ભડકી ઊઠે છે.—માત્થી ૨૪:૧૨, ૧૪.

આવી મુશ્કેલીઓ હોવા છતાં, રાજ્ય પ્રચારકો ધીરજથી પ્રચારમાં મંડ્યા રહે છે. એનાથી તેઓને મીઠાં ફળ ચાખવા મળ્યા છે. નીચે આપેલા ચૅક પ્રજાસત્તાક દેશના એક અનુભવ વિષે વિચારો.

આપણી બે બહેનોએ પ્રચારમાં એક સ્ત્રી સાથે વાત કરી. જોકે, સ્ત્રી બારણું ખોલ્યા વગર જ સાંભળતી હતી. થોડી વાર પછી, તે સ્ત્રીએ થોડું બારણું ખોલ્યું અને બહેનોએ ઓફર કરેલા ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિન લઈ લીધા. પછી તેણે “થેન્ક યુ” કહીને બારણું બંધ કરી દીધું. હવે બહેનો વિચારવા લાગી: “શું અમારે ફરી તેને મળવું જોઈએ?” છેવટે, તેઓમાંની એક પાયોનિયર બહેને ફરીથી તે સ્ત્રીને મળવાનું નક્કી કર્યું. પણ ફરીથી એમ જ બન્યું. આવું એક વર્ષ સુધી ચાલતું રહ્યું.

છેવટે બહેને મદદ માટે યહોવાહને પ્રાર્થના કરી અને નક્કી કર્યું કે તે હવે સ્ત્રીને મળશે ત્યારે શું કહેશે. પછી તે સ્ત્રી પાસે ગઈ, તેને મૅગેઝિનો આપ્યા, અને પ્રેમથી પૂછ્યું: “તમે કેમ છો? શું તમને મૅગેઝિનો વાંચવાની મજા આવે છે?” પહેલી વાર તો સ્ત્રીએ કંઈ જવાબ ન આપ્યો. પણ અમુક મુલાકાતો પછી તે બહેન સાથે સારી રીતે વર્તવા લાગી. એક વાર તો તેણે અડધું બારણું ખોલ્યું, પણ ખૂબ ટૂંકી વાતચીત થઈ.

આ સ્ત્રી બારણે વાત કરતા અચકાતી હોવાથી, પાયોનિયર બહેને તેને પત્ર લખવાનું નક્કી કર્યું. પત્રમાં તેણે સમજાવ્યું કે શા માટે પોતે તેની વારંવાર મુલાકાત લે છે. તેણે ઘરે મફત બાઇબલ અભ્યાસની પણ ઑફર કરી. આમ, તે સ્ત્રી પાછળ બહેન સતત લાગુ રહી. છેવટે, દોઢ વર્ષ પછી તે સ્ત્રી સાથે તેણે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. પાછળથી તે સ્ત્રીએ જે કહ્યું એનાથી બહેનને ખૂબ નવાઈ લાગી. તેણે બહેનને કહ્યું કે “તમે મૅગેઝિન આપવાનું શરૂ કર્યું ત્યારથી હું ઈશ્વરમાં માનવા લાગી છું.”

હા, આપણે રાજ્યનો શુભસંદેશ જણાવીને શિષ્યો બનાવવાના કામમાં મંડ્યા રહીએ છીએ ત્યારે, ખરેખર ધીરજના મીઠાં ફળ ચાખવા મળે છે.—માત્થી ૨૮:૧૯, ૨૦.