સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહ પરમેશ્વરના સેવકો સુખી હોય છે

યહોવાહ પરમેશ્વરના સેવકો સુખી હોય છે

મારો અનુભવ

યહોવાહ પરમેશ્વરના સેવકો સુખી હોય છે

ટોમ ડાઈડરના જણાવ્યા પ્રમાણે

એ દિવસે કૅનેડાના સાસકેચુવાનમાં સરકીટ સંમેલન હતું. અમે પોર્કુપાઈન પેલ્નસ શહેરમાં કોમ્યુનિટી હૉલ ભાડે રાખ્યો હતો. આશરે ૩૦૦ લોકો આવવાની આશા હતી. પરંતુ, બુધવારે સ્નો પડવાનું શરૂ થઈ ગયું અને શુક્રવાર સુધીમાં તો ચારે બાજુ બરફ છવાઈ ગયો. બહાર -૪૦ સેલ્સિયસ નીચું તાપમાન થઈ ગયું હતું અને આજુબાજુ કંઈ દેખાતું ન હતું. તોપણ, એ સંમેલનમાં બાળકો સાથે ૨૮ લોકો આવ્યા. હું ૨૫ વર્ષનો હતો ત્યારે સરકીટ નિરીક્ષક બન્યો અને નિરીક્ષક તરીકે આ મારું પહેલું સંમેલન હતું. સંમેલનમાં શું થયું એ કહેતા પહેલાં ચાલો હું તમને જણાવું કે આ ખાસ લહાવો મને કઈ રીતે મળ્યો.

મારો જન્મ ૧૯૨૫માં થયો હતો. અમે કુલ આઠ ભાઈઓ હતા. સૌથી મોટો બીલ, પછી મેત્રો, જોન, ફ્રેડ, માઈક અને એલીક્ષ, પછી હું અને સૌથી નાનો વોલી. મારા પપ્પા માઈકલ અને મમ્મી આન્‍નાની યુક્રેઈન, માનેટોબા નજીક એક નાની વાડી હતી. અમે ત્યાં જ રહેતા હતા. પપ્પા રેલ્વેમાં કામ કરતા હતા. કામને કારણે તે બીજા લોકો સાથે નજીકના એક રેલ્વે ક્વાટર્સમાં રહેતા. પણ અમારું કુટુંબ મોટું હોવાથી અમે વાડીમાં જ રહેતા હતા. પપ્પા મોટા ભાગનો સમય ઘરમાં રહેતા ન હતા. તેથી, મમ્મી અમને એકલે હાથે ઉછેરતી હતી. તે ઘણી વાર પપ્પા સાથે એકાદ અઠવાડિયાંથી વધારે રહેવા માટે જતી હતી. પરંતુ, અમને એકલા મૂકતા પહેલાં તેણે અમને રસોઈ અને ઘરનું કામકાજ કરવાનું શીખવી દીધું હતું. અમે ગ્રીક કૅથલિક ચર્ચના સભ્યો હોવાથી, મમ્મીએ અમને પ્રાર્થના યાદ રાખવાનું અને બીજી વિધિઓમાં ભાગ લેવાનું પણ શીખવ્યું હતું.

બાઇબલમાંથી સત્ય મળ્યું

યુવાનીથી જ મને બાઇબલ વિષે વધારે શીખવાની હોંશ હતી. અમારા પડોશી યહોવાહના સાક્ષી હતા. તે હંમેશાં અમારા ઘરે આવતા અને પરમેશ્વરનું રાજ્ય, આર્માગેદ્દોન અને નવી દુનિયાના આશીર્વાદ વિષે બાઇબલમાંથી અમુક ભાગ વાંચતા હતા. તે જે કંઈ કહેતા એમાં મારી મમ્મીને જરાય રસ ન હતો. પણ માઈક અને એલીક્ષને એ ખૂબ ગમતું હતું. તેઓ જે કંઈ શીખતા એને હૃદયમાં લેતા. એ કારણે તેઓએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લશ્કરમાં જોડાવાનો નકાર કર્યો હતો. તેથી માઈકને થોડો સમય જેલની સજા થઈ. એલીક્ષને સજા તરીકે ભારે મજૂરી કરવા માટે ઑન્ટારીઓમાં મોકલવામાં આવ્યો. સમય જતાં, ફ્રેડ અને વોલીએ પણ સત્ય સ્વીકાર્યું. પણ મારા સૌથી મોટા ત્રણ ભાઈઓએ સત્ય સ્વીકાર્યું ન હતું. ઘણાં વર્ષો સુધી મારી મમ્મીએ મારા ધર્મ સામે ખૂબ વિરોધ કર્યો. પરંતુ પછી તેણે ઓચિંતા જ સત્ય સ્વીકાર્યું ત્યારે, અમને બધાને નવાઈ લાગી. તે ૮૩ વર્ષની હતી ત્યારે બાપ્તિસ્મા લીધું અને ૯૬ વર્ષે મરણ પામી. પપ્પાએ પણ મરણ પામ્યા પહેલાં સત્યમાં રસ બતાવ્યો હતો.

સત્તર વર્ષની વયે હું માનેટોબાના સૌથી મોટા શહેર વીનીપેગમાં નોકરી શોધવા ગયો. તેમ જ, હું ઇચ્છતો હતો કે ત્યાં કોઈ મને બાઇબલ વિષે શીખવા મદદ કરે. એ સમયે યહોવાહના સાક્ષીઓના કામ પર પ્રતિબંધ હતો, પરંતુ તેઓ નિયમિત રીતે સભાઓ ભરતા હતા. હું પહેલી વાર ગયો ત્યારે, તેઓએ એક ઘરમાં સભા ભરી હતી. જોકે હું ગ્રીક કૅથલિક ધર્મમાં ઊછર્યો હોવાથી, તેઓએ જે કંઈ શીખવ્યું એ મારા માથા ઉપરથી ગયું. પછી ધીરે ધીરે મને ખબર પડી કે પાદરી અને માણસો વચ્ચે કોઈ ભેદ ન હોવો જોઈએ, કેમ કે ઈશ્વર એ શીખવતા નથી. તેમ જ, પરમેશ્વર જરાય ખુશ નથી થતા જ્યારે પાદરીઓ સૈનિકોને યુદ્ધમાં જતા પહેલાં આશીર્વાદ આપે છે. (યશાયાહ ૨:૪; માત્થી ૨૩:૮-૧૦; રૂમીઓને પત્ર ૧૨:૧૭, ૧૮) પાદરીઓએ શીખવ્યું હતું કે આપણે મરણ પછી સ્વર્ગમાં જઈને અમર જીવન મેળવીએ છીએ. પણ એ મારા ગળા નીચે ઊતરતું ન હતું. જ્યારે પૃથ્વી પર હંમેશ માટે સુખ-ચેનમાં જીવવાની આશામાં માનવું મને બહુ સારું લાગ્યું.

મને ખાતરી થઈ ગઈ કે આ જ સત્ય છે. તેથી મેં યહોવાહને સમર્પણ કરીને વીનીપેગમાં ૧૯૪૨માં બાપ્તિસ્મા લીધું. પછી ૧૯૪૩માં કૅનેડામાં સરકારે યહોવાહના સાક્ષીઓ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો. હવે પ્રચારનું કામ ઝડપથી ચાલવા માંડ્યું. બાઇબલ સત્યની મારા પર ઊંડી અસર પડી હતી. એ સમયે હું મંડળમાં સેવક (આજે વડીલથી ઓળખાય છે) હતો અને જાહેરમાં ટોક આપવામાં ઉત્સાહથી ભાગ લેતો હતો. તેમ જ હું એવા વિસ્તારમાં પ્રચાર કરતો જ્યાં કોઈ સાક્ષીઓ પહોંચ્યા ન હતા. હું અમેરિકા મહાસંમેલનમાં જતો ત્યારે, મને ખૂબ ઉત્તેજન મળતું અને ત્યાં મને હંમેશાં યહોવાહની વધારે સેવા કરવાની તમન્‍ના જાગતી.

યહોવાહ માટે વધારે કરવું

વર્ષ ૧૯૫૦માં મેં પાયોનિયરીંગ શરૂ કર્યું. એ જ વર્ષે ડિસેમ્બરમાં મને સરકીટ નિરીક્ષક તરીકે સેવા કરવાનો લહાવો મળ્યો. અનુભવી અને ઉત્સાહી ભાઈ ચારલી હેપવર્થે મને ટોરોંટો નજીક સરકીટ કામ વિષે તાલીમ આપી. મેં તાલીમનું છેલ્લું અઠવાડિયું મારા ભાઈ એલેક્ષ સાથે ગાળ્યું ત્યારે, ખૂબ મજા આવી. એલેક્ષ ત્યારે વીનીપેગમાં સરકીટ નિરીક્ષક હતો.

આ લેખની શરૂઆતમાં જણાવ્યું તેમ, પેલ્નસ શહેરમાં મારું પ્રથમ સરકીટ સંમેલન હતું. એને હું ક્યારેય ભૂલીશ નહીં. હું સરકીટ નિરીક્ષક તરીકે પહેલી વાર સંમેલનની દેખરેખ રાખતો હોવાથી મને ઘણી ચિંતા હતી. તોપણ, ડિસ્ટ્રીક્ટ નિરીક્ષક ભાઈ જેક નેથને અમને બધાને ઘણું કામ આપ્યું અને એનાથી અમે ખુશ રહ્યા. જે ભાઈઓ સંમેલનમાં ટોક આપવાના હતા તેઓમાંના અમુક આવ્યા હતા. એટલે અમે તેઓની ટોક સાંભળીને બીજા ટોકની મુખ્ય બાબતો ટૂંકમાં જણાવી. પછી દરેક વ્યક્તિએ વારાફરતી પોતાના અનુભવ કહ્યાં, અને દૃશ્યથી બતાવ્યું કે કઈ રીતે ઘર-ઘરનું કાર્ય અને ફરી મુલાકાત કરી શકાય. તેમ જ કઈ રીતે બાઇબલ અભ્યાસ ચલાવી શકાય. પછી અમે રાજ્ય ગીતો ગાયા. ત્યાં ખાવા-પીવાની એટલી તો વસ્તુઓ હતી કે લગભગ દર બે કલાકે અમે કોફી પીતા અને પેસ્ટ્રી ખાતા હતા. એ દિવસે કાર્યક્રમ પત્યા પછી અમુક પાટલીઓ પર, પ્લેટફોર્મ પર અને બીજાઓ જમીન પર જ સૂઈ ગયા હતા. રવિવારે બરફનું વાવાઝોડું ઓછું થઈ ગયું હોવાથી ૯૬ જણ જાહેર ભાષણ માટે આવ્યા હતા. આ અનુભવથી હું મુશ્કેલ સંજોગોમાં પણ ધીરજ રાખવાનું શીખ્યો.

પછી હું સરકીટ કામ માટે એલબર્ટા, બ્રિટીશ કોલમ્બિયા અને યુકોન ટેરીટોરીમાં ગયો. આ જગ્યાઓએ રાતના બાર વાગ્યે પણ અજવાળું હોય છે! બ્રિટીશ કોલમ્બિયાના ડોસન ક્રિકથી યુકોનના વાઈટહોર્સનો રસ્તો ૧,૪૭૭ કિલોમીટર લાંબો છે. એ કાચા હાઈવે પર સાક્ષી આપવી ખૂબ હિંમતનું કામ હતું અને મારે ઘણું ધ્યાન પણ રાખવું પડ્યું. કેમ કે, પહાડ પરથી ખૂબ સ્નો ઢળી પડતો અને પહાડોના ઢાળ લપસી પડાય એવા હતા. તેમ જ સ્નોના વાવાઝોડાંથી એકદમ ઝાંખું દેખાતું હોવાથી મુસાફરી બહુ કઠિન બની જતી.

ઉત્તરના દૂર દૂર વિસ્તાર સુધી સત્ય ફેલાશે એની મને કલ્પના પણ ન હતી. એક વાર હું અને વોલટર લેકોવીઝ, યુકોન ટેરીટોરીની સરહદે અલાસ્કા હાઈવે પરથી જતા હતા. ત્યાં અમે બ્રિટીશ કોલમ્બિયાના લોવર પોસ્ટ ગામમાં એક ઝૂંપડીએ ગયા. નાની બારીમાંથી અજવાળું આવતું હોવાથી અમને ખબર પડી કે એમાં કોઈક રહે છે. અમે દરવાજો ખખડાવ્યો ત્યારે રાતના નવ વાગ્યા હતા. એક માણસે અમને અંદર બોલાવ્યા. અમે અંદર ગયા ત્યારે, એક વૃદ્ધ માણસને ખાટલામાં સૂતા સૂતા વોચટાવર મૅગેઝિન વાંચતા જોઈને અમને ઘણી નવાઈ લાગી! તેમની પાસે તો અમારા કરતાં પણ લેટેસ્ટ અંક હતો. અમે મંડળથી આઠથી વધારે દિવસ દૂર હોવાથી અમારી પાસે કોઈ લેટેસ્ટ મૅગેઝિન ન હતું. પણ તેમણે કહ્યું કે તે એર-મેઈલથી મૅગેઝિન મેળવે છે. તેમનું નામ ફ્રેડ બર્ગ હતું. તે કેટલાય વર્ષોથી આ મૅગેઝિનનું લવાજમ ભરતા હતા. તોપણ પહેલાં તેમને ક્યારેય યહોવાહના સાક્ષીઓ મળ્યા ન હતા. ફ્રેડે અમને તેમના ઘરે એક રાત રહેવા દીધા. અમે તેમની સાથે બાઇબલમાંથી ઘણી ચર્ચા કરી. પછી તેમની મુલાકાત લેવા અમે બીજા સાક્ષીઓની ગોઠવણ કરી કે જેઓ નિયમિત રીતે એ વિસ્તારમાંથી પસાર થતા હતા.

મેં અમુક વર્ષો સુધી ત્રણ નાની સરકીટમાં કામ કર્યું. મારો વિસ્તાર ૩,૫૦૦ કિલોમીટરથી પણ વધારે ક્ષેત્રમાં ફેલાયેલો હતો. એ પૂર્વમાં અલબર્ટાના ગ્રેન્ડ પ્રેરી શહેરથી લઈને પશ્ચિમમાં અલાસ્કાના કોડિયાક સુધી હતો.

મેં જોયું છે કે યહોવાહ માણસજાતને કેટલા ચાહે છે. તેમની કૃપા દૂર-દૂર રહેતા લોકો પર પણ હોય છે. તેમ જ, તે ખરા દિલવાળાને અનંતજીવન તરફ દોરે છે. એનું એક ઉદાહરણ હેનરી લીપાઈન ભાઈનું છે. તે યુકોનના, ડોસન શહેરના હતા. પરંતુ તે ૬૦થી વધારે વર્ષોથી બહુ દૂર છૂટા-છવાયા વિસ્તારમાં, સોનાની ખાણો પાસે રહેતા હતા. તોપણ, આ ૮૪ વર્ષના હેનરીએ યહોવાહની શક્તિથી પ્રેરાઈને ૧,૬૦૦થી વધારે કિલોમીટર લાંબી મુસાફરી કરી અને એનકોરીજમાં સરકીટ સંમેલનમાં ગયા. જોકે, એ પહેલાં તે ક્યારેય મંડળની સભાઓમાં ગયા ન હતા. તેમણે સંમેલનમાંથી બહુ જ આનંદ માણ્યો અને ભાઈબહેનોની સંગતિથી તેમને ખૂબ ખુશી થઈ. ડોસન શહેરમાં પાછા ફર્યા પછી, હેનરી ભાઈ પોતાના મરણ સુધી વિશ્વાસુ રહ્યાં. હેનરીને ઓળખતા ઘણા લોકોને જિજ્ઞાસા થતી હતી કે શા માટે તેમણે આટલી લાંબી મુસાફરી કરી હશે. ખરું કારણ જાણ્યા પછી, બીજા અમુક વૃદ્ધ લોકોએ પણ સત્ય સ્વીકાર્યું. આમ હેનરી સારી સાક્ષી આપી શક્યા.

યહોવાહના આશીર્વાદનો અનુભવ કર્યો

વર્ષ ૧૯૫૫માં મને વોચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડના ૨૬મા ક્લાસમાં જવાનો મોકો મળ્યો. આ તાલીમથી મારો વિશ્વાસ મજબૂત થયો અને હું યહોવાહની વધારે નજીક જઈ શક્યો. ગિલયડમાંથી ગ્રેજ્યુએટ થયા પછી, મને કૅનેડામાં જ સરકીટ કામ ચાલુ રાખવાનું કહેવામાં આવ્યું.

લગભગ એક વર્ષ સુધી મે ઓંટોરીઓમાં સેવા કરી. પછી મને ફરીથી ઉત્તરે આવેલા અલાસ્કામાં મોકલવામાં આવ્યો. એ સુંદર દેશ છે. મને હજુ પણ ચમકતા સરોવરો અને હિમથી ઢંકાયેલા ઊંચા ઊંચા પહાડો યાદ છે. ઉનાળામાં તો ખીણો અને મેદાનો રંગબેરંગી જંગલી ફૂલોથી છવાઈ જાય છે. ત્યાં તાજી હવા અને કાચ જેવું ચોખ્ખું પાણી જોવા મળે છે. આ પ્રદેશમાં રીંછ, વરુ, અને બીજા જંગલી પ્રાણીઓ પણ રહે છે.

જોકે, અલાસ્કામાં પ્રચાર કામ કરવું ખૂબ અઘરું હતું. ત્યાંના હવામાનમાં રહેવું અને લાંબી મુસાફરી કરવી કંઈ સહેલું ન હતું. મારે પૂર્વથી પશ્ચિમ ૩,૨૦૦ કિલોમીટરમાં ફેલાયેલી સરકીટમાં કામ કરવાનું હતું. એ દિવસોમાં સરકીટ નિરીક્ષકોને કાર આપવામાં આવતી ન હતી. મંડળના ભાઈઓ મને ખુશીથી એકથી બીજા મંડળમાં લઈ જતા. અમુક સમયે મારે કોઈ પણ ટ્રકમાં કે ટૂરિસ્ટ બસમાં જવું પડતું.

એક વાર ટોક જંક્સન અને માઈલ ૧૨૦૨ અથવા, સ્કોટી ક્રીક વચ્ચે આવેલા અલાસ્કા હાઈવે પરથી જતી વખતે મને એક આકરો અનુભવ થયો. આ બંને પ્રદેશની કસ્ટમ ઑફિસ વચ્ચે ૧૬૦ કિલોમીટરનું અંતર હતું. મેં ટોકમાં આવેલી અમેરિકાની કસ્ટમ ઑફિસ પસાર કરીને ૫૦ કિલોમીટર મુસાફરી કરી. પછી કોઈ ગાડી પસાર ન થઈ, એટલે મેં દસ કલાક ચાલીને ૪૦ કિલોમીટર જેટલું અંતર કાપી નાખ્યું. પાછળથી મને ખબર પડી કે મેં અમેરિકન કસ્ટમ પોઈંટ પસાર કર્યું પછી, ત્યાં બહુ બરફ પડ્યો હોવાથી આખો રસ્તો બંધ થઈ ગયો હતો. હજુ મારે ૮૦ કિલોમીટર અંતર કાપવાનું હતું. અડધી રાત સુધીમાં તો તાપમાન -૨૩ સેલ્સિયસ ઊતરી ગયું. હું થાકીને લોથપોથ થઈ ગયો અને ગમે ત્યાં આશરો મેળવવા માટે તરસી રહ્યો હતો.

મારાથી ચલાતું પણ ન હતું અને એવામાં મેં રસ્તા પર એક કાર જોઈ. પણ એનો એક બાજુનો ભાગ બરફથી ઢંકાઈ ગયો હતો. હું વિચારતો હતો કે જો હું અંદર જતો રહું અને સીટની ગાદી પર સૂઈ જઉં તો રાતની ઠંડીથી બચી શકું. હું બારણું ખોલવા જેટલો બરફ કાઢી શક્યો. પણ બારણું ખોલતા જોયું તો અંદર એક પણ સીટ ન હતી, એ તો કારનું ખાલી ખોખું હતું. પરંતુ, સારું થયું કે થોડેક આગળ મને એક નાનું ઘર જોવા મળ્યું. હું મહામુશ્કેલીએ ઘરમાં જઈને આગ પેટાવી શક્યો. પછી હું થોડા કલાક ત્યાં આરામ કરી શક્યો. સવારે મને એક ગાડી મળી જેમાં હું એક લોજમાં ગયો. હું ભૂખથી મરી રહ્યો હોવાથી, સૌથી પહેલાં મેં પેટ ભરીને ખાધું. પછી ઠંડીને કારણે આંગળીઓમાં કાપા પડી ગયા હોવાથી એનો ઇલાજ કર્યો.

અલાસ્કા પર યહોવાહ આશીર્વાદ આપે છે

ફેરબાન્કસની સૌથી પહેલી મુલાકાતથી મને ઘણું ઉત્તેજન મળ્યું. અમને પ્રચાર કાર્યમાં ઘણી મઝા આવી અને રવિવારે જાહેર ભાષણમાં ૫૦ લોકોએ હાજરી આપી. અમે એક નાના મિશનરી ઘરમાં સભા રાખી હતી. ત્યાં વરનર અને લોરેન ડેવીસ રહેતા હતા. એ દિવસે અમુક લોકો રસોડું, બેડરૂમ કે પરસાળમાંથી ડોકિયા કાઢીને ટોક સાંભળતા હતા. ટોક સાંભળવા ઘણા લોકો આવ્યા હોવાથી, અમને લાગ્યું કે ફેરબાન્કસમાં મોટું રાજ્ય ગૃહ હોય તો પ્રચાર કામમાં વધારો થઈ શકશે. તેથી યહોવાહની મદદથી અમે લાકડાની એક મોટી ઇમારત ખરીદી. પહેલાં આ ઇમારતમાં નાચવા-ગાવાના કાર્યક્રમો થતા હતા. એ ઇમારતને ગમે ત્યાં ખસેડી શકાય એવી હતી. તેથી અમે એને એક સારી જગ્યાએ લાવીને મૂકી. પાણી માટે અમે હોલની નજીક એક કૂવો ખોદાવ્યો. અમે ટોઇલેટ બનાવડાવ્યા અને ગરમ પાણી માટે ગીઝર પણ લગાવડાવ્યા. એક વર્ષમાં તો, ફેરબાન્કસમાં સરસ રાજ્ય ગૃહ તૈયાર થઈ ગયું. રસોડું બનાવ્યા પછી, ૧૯૫૮માં એ હોલ ડિસ્ટ્રીક્ટ સંમેલન માટે વાપરવામાં આવ્યો હતો અને એમાં ૩૩૦ની હાજરી હતી.

વર્ષ ૧૯૬૦ના ઉનાળામાં હું ગાડીમાં લાંબી મુસાફરી કરીને યહોવાહના સાક્ષીઓના મુખ્ય મથક, ન્યૂ યૉર્કમાં ગયો. અમેરિકા અને કૅનેડામાં ડિસ્ટ્રીક્ટ અને સરકીટ નિરીક્ષકો માટે એક સ્કૂલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્કૂલમાં અમને બધાને અમારા કામને સારી રીતે કરવાની તાલીમ આપવામાં આવી. એ વખતે, ભાઈ નેથન નોર અને બીજા જવાબદાર ભાઈઓએ મારી સાથે વાત કરી કે ભવિષ્યમાં અલાસ્કામાં બ્રાન્ચ ઑફિસ થાય તો કેવું રહે. થોડા મહિનાઓ પછી, અમને એ જાણીને ખૂબ આનંદ થયો કે સપ્ટેમ્બર ૧, ૧૯૬૧થી અલાસ્કામાં બ્રાન્ચ ઑફિસ હશે. ભાઈ એન્ડ્રુ કે. વાગનરને બ્રાન્ચની દેખરેખ રાખવાની જવાબદારી મળી. તે અને તેમની પત્ની વીરા વીસથી વધારે વર્ષથી બ્રુકલિનમાં સેવા આપતા હતા. તેમ જ, તેઓને ડિસ્ટ્રીક્ટ અને સરકીટ નિરીક્ષકનો પણ એટલો જ અનુભવ હતો. અલાસ્કામાં બ્રાન્ચ ઑફિસ હોવાથી બધા ખૂબ ખુશ થયા, કેમ કે એનાથી સરકીટ નિરીક્ષકોનો અમેરિકા સુધી મુસાફરી કરવાનો સમય બચી ગયો. વધુમાં, એનાથી તેઓ મંડળો અને દૂર દૂરના વિસ્તારોની ખાસ જરૂરિયાતને ધ્યાન આપી શક્યા.

અલાસ્કામાં ૧૯૬૨ના ઉનાળાનો સમય ઘણો આનંદિત હતો. એ વખતે અલાસ્કા બ્રાન્ચનું ડેડીકેશન કરવામાં આવ્યું. તેમ જ, ડિસ્ટ્રીક્ટ સંમેલન પણ અલાસ્કાના જુનો શહેરમાં રાખવામાં આવ્યું હતું. જુનો, વાઈટહોર્સ અને યુકોનમાં નવા રાજ્ય ગૃહો બાંધવામાં આવ્યા અને દૂર દૂર નવા ગ્રૂપ પણ શરૂ થયા.

કૅનેડા પાછા ફર્યા

કૅનેડામાં કેટલાંક વર્ષોથી હું અને માગારીટા પેટરાસ એક બીજાને પત્ર લખતા હતા. તેને બધા રીટા કહીને બોલાવતા. તેણે ૧૯૪૭થી પાયોનિયરીંગ શરૂ કર્યું હતું. તે ૧૯૫૫માં ગિલયડમાંથી ગ્રેજ્યુએટ થઈ હતી અને કૅનેડાના પૂર્વ ભાગોમાં પાયોનિયરીંગ કરતી હતી. મેં તેને લગ્‍ન માટે પૂછ્યું તો, તે રાજી થઈ ગઈ. પછી અમે ૧૯૬૩માં વાઈટહોર્સમાં લગ્‍ન કર્યા. એ વર્ષની પાનખર ઋતુમાં મને પશ્ચિમ કૅનેડામાં સરકીટ કામની સોંપણી મળી. એ પછીના ૨૫ વર્ષો સુધી અમે ત્યાં જ સેવા કરવાનો આનંદ માણ્યો.

પરંતુ, અમારી તબિયત સારી ન રહેતી હોવાથી, અમને ૧૯૮૮માં વીનીપેગ, માનેટોબામાં ખાસ પાયોનિયરની સોંપણી મળી. એમાં અમે લગભગ પાંચ વર્ષ સુધી સંમેલન હોલની પણ સંભાળ રાખી. આજે પણ બની શકે ત્યાં સુધી અમે પ્રચાર કામમાં ખુશીથી ભાગ લઈએ છીએ. સરકીટ કામમાં હતા ત્યારે અમે ઘણા બાઇબલ અભ્યાસો શરૂ કરીને બીજાઓને આપ્યા હતા. પણ હવે અમે યહોવાહના આશીર્વાદથી, લોકોને બાઇબલ શીખવીને સમર્પણ અને બાપ્તિસ્મા લેવા સુધી મદદ કરી શક્યા છીએ. એનાથી અમને એક અનેરો આનંદ મળે છે.

મને પૂરી ખાતરી થઈ છે કે યહોવાહની સેવા કરવી જીવનમાં સૌથી સારું છે. એનાથી આપણને સંતોષ મળે છે અને દરરોજ યહોવાહ પરનો પ્રેમ વધે છે. એ સાચી ખુશી લાવે છે. હા, પરમેશ્વરની સેવામાં અમને ગમે ત્યાં મોકલવામાં આવે, અને કોઈ પણ કામ સોંપવામાં આવે તોપણ અમે ગીતકર્તા સાથે પૂરી રીતે સહમત છીએ: “જેઓનો દેવ યહોવાહ છે તેઓને ધન્ય છે.”—ગીતશાસ્ત્ર ૧૪૪:૧૫.

[પાન ૨૪, ૨૫ પર ચિત્ર]

સરકીટ કાર્યમાં

[પાન ૨૫ પર ચિત્ર]

ડોસન શહેરમાં હેનરી લીપાઈનની મુલાકાત લેતા. હું જમણી બાજું છું

[પાન ૨૬ પર ચિત્ર]

એનકોરીજમાં પહેલું રાજ્ય ગૃહ

[પાન ૨૬ પર ચિત્ર]

હું અને રીટા, ૧૯૯૮માં