સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

યહોવાહ ઈસ્રાએલીઓને એકથી વધુ પત્ની રાખવા દેતા હતા, પણ આજે તે એની મનાઈ કરે છે. તો શું યહોવાહ મન ફાવે તેમ પોતાના નિયમ બદલે છે?

બિલકુલ નહિ. યહોવાહે કોઈ રીતે નિયમ બદલ્યો નથી. (ગીતશાસ્ત્ર ૧૯:૭; માલાખી ૩:૬) આદમ અને હવાથી માંડીને આજ સુધી યહોવાહનો નિયમ એ જ છે કે પતિને એક જ પત્ની હોવી જોઈએ. એટલે તેમણે ઉત્પત્તિ ૨:૨૪માં કહ્યું હતું: “એ સારૂ માણસ પોતાનાં માબાપને છોડીને, પોતાની વહુને વળગી રહેશે; અને તેઓ એક દેહ થશે.”

અમુક ધર્મગુરુઓએ ઈસુને છૂટાછેડા અને ફરીથી લગ્‍ન કરવા વિષે પૂછ્યું હતું. જવાબમાં ઈસુએ ફરીથી યહોવાહનો નિયમ જણાવતા કહ્યું: ‘શું તમે એમ નથી વાંચ્યું, કે જેણે તેઓને ઉત્પન્‍ન કર્યાં તેણે તેઓને આરંભથી નરનારી ઉત્પન્‍ન કર્યાં, ને કહ્યું, કે તે કારણને લીધે માણસ પોતાનાં માબાપને મૂકીને પોતાની પત્નીને વળગી રહેશે; અને બન્‍ને એક દેહ થશે. માટે તેઓ હવેથી બે નથી, પણ એક દેહ છે. અને હું તમને કહું છું, કે વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની પત્નીને મૂકી દઈને બીજીને પરણે, તે વ્યભિચાર કરે છે; અને તે મૂકી દીધેલીની જોડે જે પરણે તે પણ વ્યભિચાર કરે છે.’ (માત્થી ૧૯:૪-૬,) હા, એકથી વધુ પત્ની રાખવી પણ વ્યભિચાર કહેવાય છે.

તો પછી, શા માટે પ્રાચીન સમયમાં લોકો એકથી વધારે પત્નીઓ રાખી શકતા હતા? યાદ રાખો, કે યહોવાહે કંઈ એની છૂટ આપી ન હતી. બાઇબલ પ્રમાણે, એકથી વધારે પત્નીઓ રાખવામાં કાઈનનો વંશજ, લામેખ સૌથી પહેલો હતો. પછી તેની પાછળ બીજા ઘણા એકથી વધારે પત્નીઓ કરતા ગયા. (ઉત્પત્તિ ૪:૧૯-૨૪) પરંતુ, જ્યારે યહોવાહ જળપ્રલય લાવ્યા, ત્યારે આ બધી વ્યક્તિઓ મરી ગઈ. ફક્ત નુહ, તેમની પત્ની અને તેમના ત્રણ દીકરા અને ત્રણ વહુ બચી ગયા.

પરંતુ, વસ્તી વધી તેમ લોકો ફરીથી એકથી વધુ સ્ત્રીને પરણવા લાગ્યા. સદીઓ પછી, જ્યારે યહોવાહે ઈસ્રાએલીઓને પોતાના લોકો તરીકે પસંદ કર્યાં ત્યારે, ઘણા પાસે એકથી વધારે પત્નીઓ હતી. તેથી યહોવાહે એવા કુટુંબોને ચાલવા દીધા. પરંતુ, તેમણે તેઓને અમુક ખાસ નિયમો આપ્યા હતા, જેથી કોઈ કુટુંબ અધૂરું ન રહી જાય.—નિર્ગમન ૨૧:૧૦, ૧૧; પુનર્નિયમ ૨૧:૧૫-૧૭.

યહોવાહે આ રિવાજને થોડા સમય માટે જ ચાલવા દીધો હતો. પણ યહોવાહે પોતાનો નિયમ બદલ્યો ન હતો. એટલે જ ઈસુએ ફરીથી લોકોને ઉત્પત્તિના પુસ્તકમાં જણાવેલો નિયમ યાદ દેવડાવ્યો. સમય જતા એ નિયમ પર વધુ ભાર આપતા પ્રેષિત પાઊલે લખ્યું: “દરેક પુરુષને પોતાની પત્ની હોય અને દરેક સ્ત્રીને પોતાનો પતિ હોય.” (૧ કરિંથી ૭:૨, IBSI) પાઊલે એમ પણ લખ્યું કે મંડળમાં વડીલ કે સેવકાઈ ચાકરની “એક જ પત્ની હોવી જોઈએ.”—૧ તિમોથી ૩:૨, ૧૨, IBSI; તીતસ ૧:૬.

લગભગ બે હજાર વર્ષ પહેલાં ખ્રિસ્તી મંડળની શરૂઆત થઈ ત્યારથી માંડીને, યહોવાહનો લગ્‍ન વિષેનો નિયમ ચુસ્ત રીતે પાળવામાં આવે છે. આ નિયમ આજ સુધી બદલાયો નથી, એટલે યહોવાહના સર્વ મંડળોમાં દરેક પતિને એક જ પત્ની હોય છે.—માર્ક ૧૦:૧૧, ૧૨; ૧ કોરીંથી ૬:૯, ૧૦.