સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સત્યના પરમેશ્વરને પગલે ચાલો

સત્યના પરમેશ્વરને પગલે ચાલો

સત્યના પરમેશ્વરને પગલે ચાલો

“તમે પ્રભુનાં પ્રિય બાળકો તરીકે દેવનું અનુકરણ કરનારાં થાઓ.”—એફેસી ૫:૧.

૧. સત્ય વિષે કેટલાક શું માને છે, પરંતુ તેઓ શા માટે ભૂલ કરે છે?

 “સત્ય શું છે?” (યોહાન ૧૮:૩૮) આશરે ૨,૦૦૦ વર્ષ પહેલાં પંતિયસ પીલાતે કટાક્ષમાં આ પ્રશ્ન ઈસુને પૂછ્યો હતો. તે એમ કહેવા માગતો હતો કે, સત્ય ક્યાંથી મળી શકે એ કોઈ જાણતું નથી. આજે પણ ઘણા એમ જ માને છે. બીજાઓ માને છે કે સાચું શું છે એ પોત-પોતાની નજરે નક્કી કરી શકાય. પરંતુ, એવા લોકો ભૂલ કરે છે. કેમ કે જેમ ગણિતમાં બે વત્તા બેનો એક જ ખરો જવાબ છે તેમ, આવા પ્રશ્નોનો પણ એક જ ખરો જવાબ છે: શું આપણામાં અમર આત્મા છે કે નહિ? શેતાન છે કે નહિ? જીવનનો કોઈ હેતુ છે કે નહિ? હા, સત્ય એક જ છે, ઘણા નહિ.

૨. યહોવાહ કઈ રીતે સચ્ચાઈના પરમેશ્વર છે અને આપણે હવે કયા પ્રશ્નો પર વિચાર કરીશું?

આપણે ગયા લેખમાં જોયું કે યહોવાહ સત્યના પરમેશ્વર છે. તે તેમના દુશ્મન શેતાનથી એકદમ વિરુદ્ધ છે. યહોવાહ બધી જ બાબતો વિષે સત્ય જાણે છે. એટલું જ નહિ, યહોવાહ ઉદારપણે બીજાઓને પણ સત્ય જણાવે છે. એટલે જ પ્રેષિત પાઊલે સાથી ખ્રિસ્તીઓને અરજ કરી: “તમે પ્રભુનાં પ્રિય બાળકો તરીકે દેવનું અનુકરણ કરનારાં થાઓ.” (એફેસી ૫:૧) યહોવાહના સાક્ષી તરીકે આપણે કઈ રીતે પોતાની વાણી અને રહેણીકરણીમાં તેમની જેમ સચ્ચાઈ બતાવી શકીએ? એમ કરવું શા માટે ખૂબ મહત્ત્વનું છે? આપણે શા માટે ખાતરી રાખી શકીએ કે જેઓ જીવનમાં સચ્ચાઈથી ચાલે છે તેઓ પર યહોવાહની કૃપા છે? ચાલો આપણે જોઈએ.

૩, ૪. “છેલ્લા સમયમાં” શું થશે એ વિષે પ્રેષિત પાઊલ અને પીતરે શું કહ્યું હતું?

આજે આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ, જ્યાં ધર્મ સત્યને બદલે જૂઠાણું જ શીખવે છે. પ્રેષિત પાઊલે ઈશ્વરની પ્રેરણાથી ભાખ્યું હતું તેમ, આ “છેલ્લા સમયમાં” ઘણા લોકો ઉપર ઉપરથી પૂરા ઈશ્વરભક્ત લાગે છે. પણ ખરી રીતે, તેઓ ધર્મને નામે ધતિંગ કરનારાઓ છે. ઘણાના મન ખૂબ “ભ્રષ્ટ” થઈ ગયા હોવાથી, તેઓ સત્ય સાંભળવા પણ તૈયાર નથી. વધુમાં, “દુષ્ટ માણસ તથા ધુતારાઓ ઠગીને તથા ઠગાઈને વિશેષ દુરાચાર” કરે છે. આ લોકો હંમેશાં કંઈને કંઈ શીખતા રહે છે તોપણ, તેઓ કદી “સત્યનું જ્ઞાન પ્રાપ્ત” કરતા નથી.—૨ તીમોથી ૩:૧, ૫, ૭, ૮, ૧૩.

પ્રેષિત પીતરને પણ છેલ્લા સમય વિષે લખવા પ્રેરણા મળી હતી. તેમણે ભાખ્યું હતું એ જ પ્રમાણે, આજે લોકો સત્યને ખુલ્લેઆમ ઠુકરાવી રહ્યા છે. એટલું જ નહિ, તેઓ બાઇબલની અને એના સત્યને ફેલાવતા લોકોની પણ ઠઠ્ઠામશ્કરી કરે છે. ‘તેઓ જાણીજોઈને એ ભૂલી જાય છે કે’ નુહના સમયમાં આખી પૃથ્વી પર મહા પૂર આવ્યું હતું. જેઓએ સત્ય સાંભળ્યું નહિ તેઓનો એ પૂરમાં વિનાશ થઈ ગયો. આજે જો અધર્મી લોકો જૂઠાણું છોડીને સત્ય નહિ સ્વીકારે તો, યહોવાહનો ન્યાયનો દિવસ આવશે ત્યારે તેઓનો પણ વિનાશ થઈ જશે.—૨ પીતર ૩:૩-૭.

યહોવાહના સેવકો સત્ય જાણે છે

૫. પ્રબોધક દાનીયેલે “અંતના સમય” વિષે શું ભાખ્યું હતું? અને એ ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ છે?

“અંતના સમય” વિષે પ્રબોધક દાનીયેલે ભવિષ્ય ભાખ્યું કે પરમેશ્વરના ભક્તોમાં સત્ય ફેલાશે. તેમણે લખ્યું: “ઘણાઓ અહીંતહીં દોડશે, ને જ્ઞાનની [અથવા સત્યની] વૃદ્ધિ થશે.” (દાનીયેલ ૧૨:૪) હા, જૂઠાનો બાપ શેતાન, યહોવાહના લોકોને ગૂંચવી શક્યો નથી. કેમ કે તેઓ શેતાનની ચાલ જાણી ગયા છે. તેઓએ બાઇબલમાંથી સારી રીતે શીખીને સાચું જ્ઞાન મેળવ્યું છે. પહેલી સદીમાં, ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને આવા જ જ્ઞાનથી ભરપૂર કર્યા હતા. “ધર્મલેખો સમજવા સારૂ તેણે તેઓનાં મન ખોલ્યાં.” (લુક ૨૪:૪૫) આપણા દિવસોમાં પણ યહોવાહે એમ જ કર્યું છે. તેમણે બાઇબલ, પવિત્ર શક્તિ અને તેમની સંસ્થા દ્વારા આખી દુનિયાના ૬૦ લાખથી વધારે લોકોને સત્ય સમજાવ્યું છે.

૬. આપણે બાઇબલમાંથી કઈ સત્ય વાતો શીખ્યા છીએ?

પરમેશ્વરના ભક્તો તરીકે આપણે એવી ઘણી બાબતો સમજ્યા છીએ જે પહેલાં કદી જાણી ન હતી. હજારો વર્ષોથી દુનિયાના પંડિતો ઘણા પ્રશ્નોના જવાબ મેળવવા હાથ ધોઈને પાછળ પડ્યા છે. પણ તેઓ કંઈ સફળ થયા નથી. જ્યારે આપણે એનો જવાબ જાણીએ છીએ. દાખલા તરીકે, શા માટે આટલા બધા દુઃખો છે; શા માટે આપણે મરણ પામીએ છીએ; અને શા માટે મનુષ્યો વિશ્વમાં શાંતિ અને એકતા લાવી શકતા નથી. વળી, યહોવાહની કૃપાથી આપણે ભવિષ્ય વિષે પણ જાણીએ છીએ. જેમ કે, પરમેશ્વરનું રાજ્ય શું કરશે, એ કઈ રીતે પૃથ્વી પર અપાર સુખ-શાંતિ લાવશે, અને કઈ રીતે આપણે હંમેશ માટે જીવીશું. વળી, આપણે એ પણ જાણ્યું છે કે વિશ્વના માલિક યહોવાહ કેવા છે, અને તેમના આશીર્વાદો મેળવવા આપણે શું કરવું જોઈએ. સત્ય જાણવાથી આપણને ખબર પડે છે કે જૂઠાણું શું છે. એ સત્ય પ્રમાણે ચાલવાથી આપણને જીવનમાં ફાંફાં મારવાને બદલે સાચી રાહ મળે છે. વધુમાં એ આપણને અનહદ ખુશી અને હંમેશ માટેના સુખી જીવનની આશા આપે છે.

૭. બાઇબલ સત્ય કેવા લોકો માટે છે અને કેવા લોકો માટે નથી?

શું તમે બાઇબલનું સત્ય સમજો છો? જો એમ હોય તો, યહોવાહે તમને ખૂબ આશીર્વાદ આપ્યો છે. જ્યારે કોઈ લેખક પુસ્તક લખે ત્યારે, તે હંમેશાં કોઈ ખાસ ગ્રૂપના લોકોને ધ્યાનમાં રાખીને લખે છે. જેમ કે, ભણેલા-ગણેલા, બાળકો, માબાપ વગેરે. તેમ જ એ પુસ્તક વિજ્ઞાન, ફિલોસોફી કે અનેક જુદા જુદા વિષયો પર પણ હોય છે. વધુમાં મોટા ભાગે એ એક જ ભાષામાં હોય છે. પરંતુ બાઇબલની તો વાત જ કંઈ જુદી છે. કોઈ પણ વ્યક્તિ એને સહેલાઈથી મેળવી શકે છે. પરંતુ એ એવા લોકો માટે છે, કે જેઓ એને સમજીને લાભ ઉઠાવે છે. હા, યહોવાહે નમ્ર લોકો માટે બાઇબલ લખ્યું છે. આવા લોકો બાઇબલની ખરી સમજણ મેળવી શકે છે. પછી ભલે તેઓ વધારે-ઓછું ભણેલા હોય, ગમે એ સમાજ, જાતિ, કે દેશના હોય. (૧ તીમોથી ૨:૩, ૪) જ્યારે બીજી બાજુ, જેઓ ઘમંડી છે તેઓ કોઈ પણ કાળે બાઇબલનું સત્ય સમજી શકશે નહિ. પછી ભલેને તેઓ ગમે એટલા હોશિયાર કે ભણેલા-ગણેલા હોય. અભિમાની લોકો બાઇબલના મૂલ્યવાન સત્યને ક્યારેય સમજી શકશે નહિ. (માત્થી ૧૩:૧૧-૧૫; લુક ૧૦:૨૧; પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૮) ખરેખર, ફક્ત પરમેશ્વર જ આવું પુસ્તક લખી શકે છે.

સચ્ચાઈથી રહેતા યહોવાહના સેવકો

૮. શા માટે આપણે કહી શકીએ કે ઈસુની રગે-રગમાં સત્ય વહેતું હતું?

યહોવાહની જેમ તેમના વફાદાર સાક્ષીઓ પણ સચ્ચાઈથી રહે છે. યહોવાહના પ્રિય પુત્ર ઈસુ ખ્રિસ્તે લોકોને સત્ય શીખવ્યું અને છેક મરણ સુધી સચ્ચાઈથી જીવ્યા. તે બાઇબલના વચનો અને સત્યને વળગી રહ્યા. ખરેખર, તેમના પિતા યહોવાહની જેમ, ઈસુની રગે-રગમાં સત્ય વહેતું હતું. એટલે જ તે કહી શક્યા કે હું “સત્ય” છું.—યોહાન ૧૪:૬; પ્રકટીકરણ ૩:૧૪; ૧૯:૧૦.

૯. સાચું બોલવા વિષે બાઇબલ શું જણાવે છે?

ઈસુ “કૃપા તથા સત્યતાથી ભરપૂર” હતા અને તેમના “મુખમાં કપટ નહોતું.” (યોહાન ૧:૧૪; યશાયાહ ૫૩:૯) ઈસુએ બીજાઓ સાથે સચ્ચાઈથી રહેવામાં સરસ નમૂનો બેસાડ્યો. આજે સાચા ખ્રિસ્તીઓ તેમના પગલે ચાલી રહ્યા છે. પાઊલે સાથી ભક્તોને સલાહ આપતા કહ્યું: “દરેક પોતાના પડોશીની સાથે સાચું બોલો; કેમકે આપણે એકબીજાના અવયવો છીએ.” (એફેસી ૪:૨૫) એ પહેલાં પ્રબોધક ઝખાર્યાહે પણ લખ્યું હતું: “તમે સર્વ પોતપોતાના પડોશી સાથે સાચું બોલો.” (ઝખાર્યાહ ૮:૧૬) આપણે પણ પરમેશ્વરને ખુશ કરવા હોય તો, હંમેશાં સાચું જ બોલવું જોઈએ. યહોવાહ પોતે સત્યથી ભરપૂર છે અને જૂઠાણાંથી આવતા ખરાબ પરિણામોને તે સારી રીતે જાણે છે. તેથી, તે ઇચ્છે છે કે તેમના સેવકો સાચું જ બોલે.

૧૦. લોકો કેમ જૂઠું બોલે છે અને એના કેવાં ખરાબ પરિણામો આવે છે?

૧૦ આજે ઘણાને એવું લાગી શકે કે જૂઠું બોલવાથી તેઓને ઘણા લાભ થાય છે. અમુક લોકો સજાથી બચવા જૂઠું બોલે છે. બીજાઓ વધારે પૈસા કમાવા કે લોકોની પ્રશંસા મેળવવા જૂઠું બોલે છે. ગમે તે હોય, જૂઠું બોલવું એક ખરાબ આદત છે. એટલું જ નહિ, જૂઠું બોલતા લોકો કદી પરમેશ્વરની કૃપા પામશે નહિ. (પ્રકટીકરણ ૨૧:૮, ૨૭; ૨૨:૧૫) જ્યારે લોકો જાણે છે કે આપણે સાચું જ બોલીએ છીએ ત્યારે, તેઓ આપણા પર ભરોસો પણ મૂકે છે. બીજી બાજુ, જો આપણે એક વાર પણ જૂઠાબોલા તરીકે પકડાઈ જઈશું તો, લોકોનો આપણા પરથી ભરોસો ઊઠી જશે. એક આફ્રિકન કહેવત કહે છે: “એક જૂઠાણું હજાર સત્યને બગાડે છે.” બીજી એક કહેવત કહે છે: “જૂઠાબોલો સાચું બોલે તોપણ કોઈ માનતું નથી.”

૧૧. સાચું બોલવા કરતાં સચ્ચાઈથી રહેવું કઈ રીતે વધારે મહત્ત્વનું છે?

૧૧ સચ્ચાઈથી રહેવામાં ફક્ત સાચું બોલવું જ પૂરતું નથી. પણ એમાં તો આપણે હર પલ જીવનમાં સત્ય બોલવું જોઈએ અને લોકોને બાઇબલમાંથી સત્ય શીખવવું જોઈએ. પ્રેષિત પાઊલ એ વિષે આપણને પૂછે છે: “હે બીજાને શિખવનાર, શું તું પોતાને શિખવતો નથી? ચોરી ન કરવી, એવો બોધ કરનાર, શું તું પોતે ચોરી કરે છે? વ્યભિચાર ન કરવો એવું કહેનાર, શું તું પોતે વ્યભિચાર કરે છે?” (રૂમીઓને પત્ર ૨:૨૧, ૨૨) તો પછી, બીજાઓને સત્ય જણાવતા પહેલાં, આપણે દરેક રીતે સચ્ચાઈથી રહેતા હોવા જોઈએ. જો આપણો જીવન માર્ગ એમ બતાવે કે આપણે ખરેખર ઈશ્વરભક્ત છીએ તો, સત્ય શીખવતી વખતે લોકો પર ખૂબ જ સારી અસર પડશે.

૧૨, ૧૩. એક છોકરીએ સચ્ચાઈ વિષે શું લખ્યું? અને તેનામાં કોણે સારા સંસ્કારો સિંચ્યા હતા?

૧૨ યહોવાહના સેવકોમાં યુવાનો પણ સચ્ચાઈથી રહેવાનું મહત્ત્વ સમજ્યા છે. જેનીનો વિચાર કરો. તે ૧૩ વર્ષની હતી ત્યારે, તેણે સ્કૂલમાં એક નિબંધમાં આમ લખ્યું: “સચ્ચાઈથી રહેવું મારા માટે સૌથી મહત્ત્વનું છે. હું ક્યારેય જૂઠું બોલીશ નહિ. પણ દુઃખની વાત છે કે આજે બધા જ લોકો સચ્ચાઈથી રહેતા નથી. પણ મારા જીવનમાં હું હંમેશાં સચ્ચાઈથી જ રહીશ. કોઈ વાર સાચું બોલવાથી મને કે મારા મિત્રોને દુઃખ થાય તોપણ, હું જૂઠું બોલીશ નહિ. હું એવા મિત્રો રાખીશ કે જે સાચું બોલતા હોય.”

૧૩ જેનીનો આ નિબંધ વાંચીને તેની શિક્ષિકાએ તેને શાબાશી આપી કે: “તું ખૂબ નાની છે તોપણ, આટલા સારા સંસ્કાર કેળવ્યા છે. જે ખરું છે એ કરવાની તારામાં ખૂબ તમન્‍ના છે. અને મને ખબર છે કે તું હંમેશાં સચ્ચાઈને વળગી રહીશ.” જેનીમાં આટલી નાની ઉંમરે કોણે સારા સંસ્કાર સિંચ્યા હતા? જેનીએ તેના નિબંધની શરૂઆતમાં લખ્યું હતું કે તેના ધર્મએ તેના “જીવનમાં સારા સંસ્કારો સિંચ્યા છે.” જેની હવે વીસ વર્ષની છે. તેની શિક્ષિકાએ આશા રાખી હતી તેમ, જેની આજે પણ યહોવાહની સાક્ષી તરીકે સચ્ચાઈથી રહે છે.

યહોવાહના સેવકો સત્ય ફેલાવે છે

૧૪. શા માટે આપણી પાસે સત્ય જાહેર કરવાની મોટી જવાબદારી છે?

૧૪ એ ખરું છે કે યહોવાહના સાક્ષીઓ સિવાય બીજાઓ પણ સાચું બોલે છે અને પ્રમાણિક રહેવા બધું જ કરે છે. તોપણ, યહોવાહના સેવકો તરીકે આપણી પાસે સત્યને જાહેર કરવાની એક મોટી જવાબદારી છે. આપણે બાઇબલનું જે સત્ય શીખ્યા છીએ એનાથી કોઈ પણ અનંતજીવન મેળવી શકે છે. તેથી, આપણે એ સત્ય બીજાઓને જણાવવું જ જોઈએ. ઈસુએ કહ્યું કે “જેને ઘણું સોંપેલું છે, તેની પાસેથી વધારે માગવામાં આવશે.” (લુક ૧૨:૪૮) હા, જેઓને પરમેશ્વરના મૂલ્યવાન જ્ઞાનનો આશીર્વાદ મળ્યો છે, તેઓ “પાસેથી વધારે માગવામાં આવશે.”

૧૫. બીજાઓને બાઇબલ સત્ય જણાવવામાં તમને કેવી ખુશી મળે છે?

૧૫ બીજાઓને બાઇબલ સત્ય જણાવવામાં આપણને અનેરો આનંદ મળે છે. પહેલી સદીમાં લોકો “પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન થએલા તથા વેરાઈ ગએલા” હતા. તેમ જ, તેઓ છેતરાઈને “ભૂતોના ઉપદેશ” માનતા હતા. ઈસુના શિષ્યોએ આ લોકોને શુભસંદેશ જણાવ્યો ત્યારે, તેઓનું દિલ આશાથી ઊભરાઈ ગયું. આજે આપણે પણ આવા લોકોને બાઇબલમાંથી અપાર સુખ-શાંતિથી ભરેલા ભવિષ્યની આશા આપીએ છીએ. (માત્થી ૯:૩૬; ૧ તીમોથી ૪:૧) લોકો જ્યારે આપણા શુભસંદેશને સાંભળે છે ત્યારે, આપણી ખુશીનો પાર રહેતો નથી. પ્રેષિત યોહાને પણ એવું જ અનુભવ્યું હતું. તેમણે લખ્યું: “જ્યારે મારા સાંભળવામાં આવે છે કે મારાં બાળકો સત્યમાં ચાલે છે, ત્યારે એ કરતાં બીજાથી મને મોટો આનંદ થતો નથી.” (૩ યોહાન ૪) હા, પોતાના બાળકોને સત્યમાં ચાલતા જોઈને યોહાનને ખૂબ આનંદ થતો હતો. કદાચ આ “બાળકો” તેમના ન હતા. પણ યોહાન તેઓને સત્યમાં લઈ આવ્યા હોવાથી, તેઓને પોતાના બાળકો તરીકે જોતા હતા.

૧૬, ૧૭. (ક) શા માટે બધા લોકો સત્ય સ્વીકારતા નથી? (ખ) લોકોને બાઇબલ સત્ય જણાવીને તમે કેવી ખુશી અનુભવશો?

૧૬ જોકે બધા જ લોકો સત્ય નહિ સાંભળે. ઈસુના દિવસોમાં પણ એવા લોકો હતા. ભલે લોકોને સત્યમાં રસ ન હતો, તોપણ ઈસુએ પરમેશ્વરને લગતું સત્ય જણાવ્યું. ઈસુએ સત્યનો વિરોધ કરતા યહુદીઓને કહ્યું: “જો હું સત્ય કહું છું, તો શા માટે તમે મારૂં માનતા નથી? જે દેવનો છે, તે દેવનાં વચન સાંભળે છે; તમે દેવના નથી, માટે તમે તે સાંભળતા નથી.”—યોહાન ૮:૪૬, ૪૭.

૧૭ ઈસુની જેમ આપણે પણ યહોવાહ વિષેનું મૂલ્યવાન સત્ય જણાવવાથી ક્યારેય પાછા ન પડીએ. ઈસુના દિવસોની જેમ, આજે પણ બધા આપણું નહિ સાંભળે. તોપણ, આપણને અનહદ ખુશી મળે છે કે આપણે જે ખરું હોય એ જ કરીએ છીએ. કૃપાળુ યહોવાહ ચાહે છે કે બધા જ મનુષ્યોને સત્ય જણાવવામાં આવે. હવે આપણી પાસે સત્ય હોવાથી, આપણે આ અંધકારમય દુનિયામાં સત્યના કિરણો ફેલાવનારા બન્યા છીએ. તેથી, આપણી વાણી અને કાર્યોથી આપણે લોકોના હૃદયમાં સત્યનો દીપ પ્રગટાવી શકીએ. પછી, આપણે તેઓને યહોવાહની ભક્તિ કરવા તરફ દોરી શકીશું. (માત્થી ૫:૧૪, ૧૬) વધુમાં, આપણે લોકોમાં જાહેર કરીએ છીએ કે આપણે શેતાનના જૂઠાણાંથી દૂર રહીને, બાઇબલના સત્યને વળગી રહીએ છીએ. જેઓ આ સત્ય સ્વીકારે છે તેઓ ઘણી ખોટી માન્યતાઓથી મુક્ત થાય છે.—યોહાન ૮:૩૨.

સત્યના માર્ગમાં ચાલો

૧૮. ઈસુએ શા માટે નાથાનાએલને પસંદ કર્યો અને કઈ રીતે તેના પર કૃપા બતાવી?

૧૮ ઈસુના હૃદયમાં સત્ય હતું અને તેમણે લોકોને એ જણાવ્યું. તેમણે બતાવ્યું કે સત્યના માર્ગમાં ચાલતા લોકોને તે પસંદ કરે છે. નાથાનાએલનો વિચાર કરો. તેને જોઈને ઈસુએ કહ્યું: “જુઓ, આ ખરેખરો ઈસ્રાએલી છે, એનામાં કંઈ પણ કપટ નથી!” (યોહાન ૧:૪૭) નાથાનાએલ, બારથલમુ તરીકે પણ ઓળખાતો હતો અને તેને ઈસુના બાર પ્રેરિતોમાં પસંદ કરવામાં આવ્યો. (માત્થી ૧૦:૨-૪) તેનું કેવું સન્માન કરવામાં આવ્યું!

૧૯ યોહાનના પુસ્તકનો એક આખો અધ્યાય, બીજા એક પ્રમાણિક માણસનો અહેવાલ આપે છે. ઈસુએ તેના પર પણ કૃપા બતાવી હતી. જોકે આપણે તેનું નામ જાણતા નથી, પણ અહેવાલ બતાવે છે કે તે માણસ ભિખારી હતો અને જન્મથી આંધળો હતો. ઈસુએ તેને દેખતો કર્યો ત્યારે, લોકો અચંબો પામી ગયા. આ ચમત્કારની ખબર કેટલાક ફરોશીઓના કાને પહોંચી. તેઓ સત્યની નફરત કરતા હતા. તેઓએ અંદરોઅંદર મસલત કરીને નક્કી કર્યું હતું કે જેઓ ઈસુમાં વિશ્વાસ મૂકે છે, તેઓને સભાસ્થાનમાંથી કાઢી મૂકશે. આ ભિખારીના માબાપ તેઓનું તરકટ જાણતા હતા. તેથી તેઓએ ફરોશીઓથી બી જઈને જૂઠું કહ્યું કે તેઓનો દીકરો કેવી રીતે દેખતો થયો એ વિષે તેઓ કંઈ જાણતા નથી.—યોહાન ૯:૧-૨૩.

૨૦ ફરોશીઓએ આ દેખતા થયેલા માણસને ફરીથી બોલાવ્યો. કોઈ પણ સજાની ચિંતા કર્યા વગર એ માણસે હિંમતથી સત્ય કહ્યું. તેણે સમજાવ્યું કે તેને કઈ રીતે દેખતો કરવામાં આવ્યો. તેણે એ પણ કહ્યું કે ઈસુએ તેની આંખો ઉઘાડી હતી. તોપણ, એ મશહૂર અને ભણેલા-ગણેલા ફરોશીઓએ ઈસુને ઈશ્વરના પુત્ર તરીકે માનવાનો નકાર કર્યો. એનાથી આ માણસ દંગ થઈ ગયો. ફરીથી, તેણે હિંમત હાર્યા વગર ફરોશીઓને એ સત્ય સ્વીકારવા અરજ કરી: “જો એ માણસ દેવની પાસેથી આવ્યો ન હોત, તો તે કંઈ પણ કરી શકત નહિ.” ફરોશીઓ ચૂપ થઈ ગયા. ગુસ્સામાં તેઓએ આ માણસને ધક્કા મારીને બહાર કાઢી મૂક્યો.—યોહાન ૯:૨૪-૩૪.

૨૧ ઈસુને એ વાતની ખબર પડી ત્યારે, તે એ માણસને શોધવા ગયા. આ માણસનો વિશ્વાસ વધારે મજબૂત કરવા ઈસુએ તેને જણાવ્યું કે પોતે યહોવાહનો પુત્ર અને મસીહ છે. આ માણસ સાચું બોલ્યો એ માટે તેને કેવો સરસ બદલો મળ્યો! ખરેખર, જેઓ સાચું બોલે છે તેઓ પર યહોવાહ કૃપા વરસાવે છે.—યોહાન ૯:૩૫-૩૭.

૨૨. શા માટે આપણે હંમેશાં સત્યના માર્ગ પર ચાલવું જોઈએ?

૨૨ આપણે હંમેશાં સત્ય જ બોલવું જોઈએ. કેમ કે એનાથી આપણે પરમેશ્વરને ખુશ કરીએ છીએ અને બીજા લોકો સાથે સારો સંબંધ બાંધીએ છીએ. સચ્ચાઈથી રહીને આપણે નિખાલસ અને મળતાવડા બનીએ. એનાથી લોકો આપણા પર ભરોસો મૂકશે. તેમ જ બધા લોકોને આપણે ગમીશું અને આપણે યહોવાહની કૃપા મેળવીશું. (ગીતશાસ્ત્ર ૧૫:૧, ૨) જ્યારે બીજી બાજુ, જૂઠાબોલી વ્યક્તિ દગાબાજ, ઢોંગી અને તરકટી હોય છે. યહોવાહ તેઓને નફરત કરે છે. (નીતિવચનો ૬:૧૬-૧૯) તો પછી, ચાલો આપણે હંમેશાં સચ્ચાઈથી રહીએ. હા, યહોવાહને પગલે ચાલવા, આપણે બાઇબલમાંથી સત્ય શીખવું જોઈએ, હંમેશાં સાચું બોલવું જોઈએ અને સત્યના માર્ગ પર ચાલવું જોઈએ.

તમે કેવો જવાબ આપશો?

• સત્ય જાણવાથી આપણે શા માટે ખુશ છીએ?

• આપણે સચ્ચાઈથી ચાલવામાં કઈ રીતે યહોવાહને અનુસરી શકીએ?

• બીજાઓને બાઇબલ સત્ય જણાવવાથી કયા લાભો થાય છે?

• આપણે હંમેશાં સત્યના માર્ગ પર ચાલીએ એ કેમ ખૂબ મહત્ત્વનું છે?

[અભ્યાસ પ્રશ્નો]

૧૯-૨૧. દેખતા થયેલા માણસને હિંમતથી સત્ય જાહેર કરવા માટે કેવો બદલો મળ્યો?

[પાન ૧૭ પર ચિત્ર]

ખ્રિસ્તીઓ બાઇબલમાંથી જે સત્ય શીખ્યા છે એ હોંશથી બીજાઓને જણાવે છે

[પાન ૧૮ પર ચિત્ર]

ઈસુએ જે આંધળા માણસને દેખતો કર્યો તેને સાચું બોલવા માટે મોટો બદલો મળ્યો