સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સમજી-વિચારીને બોલતા શીખો

સમજી-વિચારીને બોલતા શીખો

સમજી-વિચારીને બોલતા શીખો

પેગીએ જોયું કે તેનો મોટો દીકરો નાના ભાઈને જેમ-તેમ બોલી રહ્યો હતો. તેથી, તેણે મોટાને કહ્યું: “તારા નાના ભાઈ સાથે એવી રીતે ન બોલ. જો, તે કેટલો ગમગીન થઈ ગયો છે.” પેગી તેના મોટા દીકરાને શીખામણ આપે છે કે વગર વિચાર્યું બોલવાથી તેના નાના ભાઈને કેટલું દુઃખ થયું હતું. પછી પેગી મોટા દીકરાને જીવન બોધ આપે છે કે તેણે હંમેશાં સમજી-વિચારીને બોલવું જોઈએ. તેણે બીજાઓની લાગણીઓને સમજવી જોઈએ.

પ્રેષિત પાઊલે તેમના યુવાન મિત્ર તીમોથીને કહ્યું: ‘સર્વ માણસો પ્રત્યે માયાથી બોલો.’ પાઊલ તીમોથીને યાદ કરાવતા હતા કે તેણે હંમેશાં સમજી-વિચારી બોલવું જોઈએ. આ સલાહ પાળીને તીમોથી બીજાઓની લાગણીઓને દુભાવશે નહિ. (૨ તીમોથી ૨:૨૪) આજે આપણે પણ એ સલાહ પાળવી જોઈએ. પરંતુ, સમજી-વિચારીને બોલવું એટલે શું? વાત-વાતમાં આપણે શું કહેવું જોઈએ અને શું ન કહેવું જોઈએ? આપણે બીજાઓને પણ કઈ રીતે એ શીખવી શકીએ?

સમજી-વિચારીને બોલવાનો શું અર્થ થાય?

સમજી-વિચારીને બોલવાનો અર્થ એ થાય કે આપણે સામેની વ્યક્તિની હાલત કે લાગણીઓ સમજીએ અને એ ધ્યાનમાં રાખીને તેઓ સાથે વાત કરીએ. તેમ જ બોલતા પહેલાં આપણામાં તેઓ માટે માન અને પ્રેમ હોવો જોઈએ. પરંતુ, ઘણી વાર આપણે ભૂલથી જે ન કહેવાનું હોય, એ બોલી નાખીએ છીએ. તેથી સમજી-વિચારીને બોલવું ખૂબ મહેનત માગી લે છે.

બાઇબલમાં એલીશાના ચાકર ગેહઝીનો વિચાર કરો. શૂનેમની એક સ્ત્રીનો દીકરો બીમાર પડે છે, અને તેની માના ખોળામાં જ ગુજરી જાય છે. તે દુઃખની મારી દિલાસો પામવા એલીશાને મળવા જાય છે. એલીશાનો ચાકર ગેહઝી થોડો આગળ ઊભો હોય છે. તે આ સ્ત્રીને પૂછે છે કે ‘તમે ઠીક છો?’ ચાલતા ચાલતા આ મા કહે છે, ‘હા, હા, બધું ઠીક છે.’ પછી એ સ્ત્રી એલીશા પાસે આવી ત્યારે, “ગેહઝી એને હડસેલી કાઢવા સારુ પાસે આવ્યો.” પરંતુ, એલીશા તેને કહે છે: ‘તેને રહેવા દે; કેમકે તેનું મન દુઃખિત છે.’—૨ રાજાઓ ૪:૧૭-૨૦, ૨૫-૨૭.

ગેહઝી આ સ્ત્રી સાથે વગર વિચાર્યું બોલ્યો અને ગમે તેમ વર્ત્યો. પરંતુ, શું એ સ્ત્રીએ પોતે જ કહ્યું ન હતું કે ‘બધું ઠીક છે?’ તો પછી, ગેહઝીનો વાંક કઈ રીતે કાઢી શકાય? વિચારો, જો તમે આ સ્ત્રીની જગ્યાએ હોત તો, શું તમે બધાંને તમારા દિલની વાતો જણાવી હોત? ના. પરંતુ, બોલ્યા વગર તમારા ચહેરા પરથી લોકોને તરત જ ખબર પડી જાત કે તમને ઠીક નથી. આવી રીતે એલીશાને ખબર પડી કે આ સ્ત્રી ખૂબ દુઃખી હતી. પણ ગેહઝીને એની ખબર ન પડી અથવા તો, તેણે જાણીજોઈને પોતાની આંખો બંધ કરી દીધી હતી. ગેહઝીની જેમ, શું આપણે પણ અમુક વાર કામમાં એટલા ડૂબી જઈએ છીએ કે બીજા કોઈનો વિચાર ન કરીએ? જો કોઈ બાળક દૂધ માટે રડતું હોય, તો શું મા એમ કહેશે કે ‘મને હેરાન ન કર, મારે આખા કુટુંબ માટે રસોઈ કરવાની છે?’ ના, જરાય નહિ. એના બદલે તે તરત જ કામ છોડીને તેના બાળકને દૂધ આપશે. એ જ રીતે, ભલે આપણે ખૂબ કામમાં હોઈએ, આપણે હંમેશાં બીજાઓની લાગણીઓને સમજવી જોઈએ.

હા, આપણે ગેહઝી જેવા ન બનવું જોઈએ. ઘણી વાર કોઈ વ્યક્તિ તેના દિલની વાતો નહિ જણાવે. પરંતુ, આપણે તેઓના ચહેરા કે વર્તન પરથી ઘણું જાણી શકીએ છીએ. એ ધ્યાનમાં રાખીને આપણે હંમેશાં તેઓ સાથે પ્રેમથી વાત કરવી જોઈએ. પરંતુ, સમજી-વિચારીને બોલવામાં આપણે બીજું શું કરવું જોઈએ?

બીજાઓની લાગણીઓને સમજો

ઈસુ ખ્રિસ્ત હંમેશાં લોકોની લાગણીઓ પારખીને બોલ્યા. દાખલા તરીકે, તે એક વખત સીમોનના ઘરમાં જમવા બેઠા હતા. ત્યારે ‘એ શહેરમાંથી એક પાપી સ્ત્રી’ ઈસુ પાસે આવી. આ સ્ત્રી કંઈ બોલી નહિ, તોપણ તેના હાવભાવ પરથી ઈસુને તરત જ ખબર પડી કે તેના દિલમાં શું ઊભરાતું હતું. આ સ્ત્રી ‘અત્તરની સંગેમરમરની એક ડબ્બી લાવીને, ઈસુના પગ પાસે રડતી રડતી પછવાડે ઊભી રહી, અને પોતાનાં આંસુઓથી તેના પગ પલાળવા તથા પોતાના ચોટલાથી લૂછવા લાગી, તેણે તેના પગને ચૂમ્યા, અને તેમને અત્તર ચોળ્યું.’ પરંતુ, સીમોને આ બધું જોઈને મનમાં કહ્યું: “જો આ માણસ પ્રબોધક હોત, તો આ જે સ્ત્રી તેને અડકે છે, તે કોણ ને કેવી છે, તે તે જાણત, એટલે કે તે પાપી છે.”—લુક ૭:૩૬-૩૯.

ઈસુ બધું જ જાણતા હતા તોપણ, તેમણે આ સ્ત્રીને જોશથી ધમકાવીને ઘરમાંથી કાઢી મૂકી નહિ. તેમ જ, તેમણે સીમોનને પણ એમ ન કહ્યું: “અરે ગાંડા! તારી આંખો નથી? શું તું જોઈ નથી શકતો કે આ સ્ત્રી માફી માગે છે?” ના, ઈસુ બંને વ્યક્તિની લાગણીઓ સમજીને પછી બોલ્યા. ઠપકો આપવાને બદલે તેમણે સીમોન સાથે પ્રેમથી વાત કરી. તેમણે બોધપાઠ આપતા એક દૃષ્ટાંત કહ્યું: એક માણસના બે દેવાદાર હતા. એકનું દેવું ખૂબ મોટું હતું, જ્યારે બીજાનું નજીવું હતું. પરંતુ, માલિકે બંનેના દેવા માફ કરી દીધા. પછી ઈસુ સીમોનને પૂછે છે: ‘તેઓમાંનો કોણ માલિક માટે વિશેષ પ્રેમ રાખશે?’ સીમોને ખરો જવાબ આપ્યો અને ઈસુએ તેને શાબાશી આપી. પછી ઈસુએ સીમોનને સમજાવ્યું કે આ સ્ત્રીનું વર્તન બતાવે છે કે તે માફી માગવા આવી હતી. પછી ઈસુ એ સ્ત્રી સાથે વાત કરવા ફર્યા. ઈસુનો ચહેરો જોઈને તરત જ આ સ્ત્રીને ખબર પડી કે તે ખુશ હતા. ઈસુએ તેના પાપને માફ કરીને પ્રેમથી કહ્યું: “તારા વિશ્વાસે તને બચાવી છે; શાંતિથી જા.” (લુક ૭:૪૦-૫૦) આ શબ્દો સાંભળીને એ સ્ત્રીનું હૈયું ખુશીથી કેવું ઊભરાઈ ગયું હશે! આ કિસ્સામાં તમે નોંધ કરી હશે કે ઈસુ, સીમોન અને સ્ત્રીની લાગણીઓને સમજીને પ્રેમથી બોલ્યા.

ઈસુએ સીમોનને બતાવ્યું કે તે આ સ્ત્રીના વર્તન કે હાવભાવ પરથી ઘણું જાણી શક્યા હતા. એ જ રીતે, આપણે પણ લોકોના ચહેરા કે હાવભાવ પરથી ઘણું જાણી શકીએ, અને બીજાઓને પણ એ પારખવા મદદ કરી શકીએ. અનુભવી ભાઈ-બહેનો પણ નવા લોકોને પ્રચારમાં ઘણું શીખવી શકે છે. દાખલા તરીકે, પ્રચારમાં મુલાકાત પછી આવા પ્રશ્નોની ચર્ચા કરો: ‘ઘરમાલિકનો સ્વભાવ કેવો હતો? શું તેઓ બહુ કામમાં હતા? તેઓના સંજોગો કેવા હતા? તેઓને શા માટે અમુક બાબતો સમજવી અઘરી લાગી?’ આવા પ્રશ્નો પર વિચાર કરવાથી આપણે સાક્ષી આપવામાં ફેરફાર કરી શકીએ, જેથી બીજી વાર સત્ય તેઓના દિલમાં ઊતરે. બીજા કિસ્સાનો વિચાર કરો જેમાં વડીલો આપણને ઘણું શીખવી શકે. દાખલા તરીકે, કોઈ ભાઈ-બહેન તમને કંઈ કહે જેમાં તમને દુઃખ લાગ્યું હોય. શાંતિ જાળવવા માટે વડીલો આપણને આવા પ્રશ્નો પર વિચાર કરાવશે: તે ભાઈ-બહેનને કેવું લાગતું હશે? શું આપણે કંઈ કર્યું હતું જેથી તે એવી રીતે બોલ્યા? આપણે કઈ રીતે તેઓને પ્રેમ બતાવી શકીએ? એકબીજાની લાગણીઓ સમજવાથી શાંતિ ફેલાય છે.

જો માબાપો પોતાના બાળકોને એકબીજાને પ્રેમ કરવાનું શીખવે તો, તેઓ મોટા થાય તેમ સમજી-વિચારીને બોલશે. પેગીનો અનુભવ ફરી યાદ કરો. તેનો મોટો દીકરો નાના ભાઈ તરફ ફર્યો, ત્યારે શું બન્યું? તેના નાના ભાઈનું મોઢું પડી ગયું હતું. તેની આંખોમાંથી આંસુ ટપકતા હતા. તેને જોઈને મોટા ભાઈને ખૂબ દુઃખ લાગ્યું. ખરેખર, આ બોધ તેના દિલમાં ઊતર્યો હતો. હવે આ બંને ભાઈઓ મોટા થઈ ગયા છે. તેઓ મંડળમાં વડીલો છે અને પ્રચાર કામમાં મહેનતુ છે. તેઓ નાનપણથી સમજી-વિચારીને બોલવાનું શીખ્યા હતા. આ બોધ લઈને તેઓ કોઈ પણ વ્યક્તિની લાગણીઓ સમજીને પ્રેમથી બોલે છે.

સાંભળો અને દયા બતાવો

જો કોઈ વ્યક્તિ આપણા પર ગુસ્સે થાય, તો વગર-વિચાર્યું બોલવું ખૂબ સહેલું છે. કદાચ આપણે તરત જ તેઓને ફટ દઈને સામો જવાબ આપી દેવા માંગતો હોઈ શકીએ. પરંતુ, આવા સંજોગોમાં આપણે કઈ રીતે સમજી-વિચારીને બોલી શકીએ? પહેલા તો, તેઓમાં જે સારું છે, એ જોઈને આપણે તેઓને શાબાશી આપવી જોઈએ. તેમ જ વાંક કાઢવાને બદલે તેઓને માન આપવું જોઈએ. પછી આપણે શાંતિથી સમજાવવું જોઈએ કે આપણને શું ખોટું લાગ્યું. તેમ જ એ દુઃખને દૂર કરવા શું કરી શકાય. તેઓ સાથે પ્રેમથી વાત કર્યા પછી આપણે નમ્ર બનીને તેઓનું સાંભળવું જોઈએ.

ઈસુ હંમેશાં સમજી-વિચારીને બોલ્યા. એક વખત તે જોઈ શક્યા કે મારથા ખૂબ ચિંતા કરતી હતી, એટલે તેમણે પ્રેમથી કહ્યું: “મારથા, મારથા, તું ઘણી વાતો વિષે ચિંતા કરે છે અને ગભરાય છે.” (લુક ૧૦:૪૧) મારથાને કેટલું સારું લાગ્યું હશે કે ઈસુ તેની સમસ્યા જોઈ શક્યા અને તેની ચિંતા સમજી શક્યા. તેમ જ જ્યારે કોઈ ભાઈ-બહેન તેઓનું દિલ આપણી આગળ ઠાલવે, ત્યારે આપણે બતાવવું જોઈએ કે આપણે ખરેખર તેઓની લાગણીઓ સમજીએ છીએ. ભલે આપણે એ તકલીફમાંથી તરત જ રસ્તો જોઈ શકતા હોય, આપણે હજુ શાંતિથી સાંભળવું જોઈએ. તેઓની ચિંતા વિષે આપણે પ્રશ્નો પૂછવા જોઈએ અને ઊંડી રીતે સમજવા કોશિશ કરવી જોઈએ. આમ કરવાથી તેઓને ખબર પડશે કે આપણે ખરેખર દયા બતાવીએ છીએ.

શું કહેવું જોઈએ અને શું ન કહેવું જોઈએ

રાણી એસ્તેર પણ સમજી-વિચારીને બોલતી હતી. આ એક કિસ્સાનો વિચાર કરો: હામાન યહુદીઓને મારી નાખવા માગતો હતો. રાજા પણ હામાનની સાથે હતો. એસ્તેરને ખબર પડી કે તેના પતિ જાણીજોઈને યહુદીઓને મારી નાખવા માગે છે. તો તેના પતિનું મન બદલવા, શું તે તરત જ તેમની પાસે દોડી ગઈ? ના, એના બદલે તેણે પતિનો સારો મુડ જોઈને પ્રેમ અને શાંતિથી વાત કરી. હા, તમે નોંધ કર્યું કે વાતચીતમાં એસ્તેરે તેના પતિનો વાંક કાઢ્યો ન હતો. તેને ખબર હતી કે શું કહેવું જોઈએ અને શું ન કહેવું જોઈએ.—એસ્તેર ૫:૧-૮; ૭:૧, ૨; ૮:૫.

એસ્તેરથી આપણે શું શીખી શકીએ? આ દાખલાનો વિચાર કરો: આપણે કોઈ એવી બહેનના ઘરે જઈએ કે જેના પતિને સત્ય વિષે વાત કરવાનું જરાય ગમતું નથી. શું આપણે તરત જ બાઇબલ ખોલીને તેમને પ્રચાર કરીશું? ના, એના બદલે આપણે વાતચીત કરીને તેમની સાથે દોસ્તી બાંધવી જોઈએ. બીજા દાખલાનો વિચાર કરો: કામના કપડાં પહેરીને કોઈ વ્યક્તિ પહેલી વાર મિટિંગમાં આવે છે, તો તમે તેને શું કહેશો? શું તમે એમ કહેશો કે ‘મિટિંગમાં સારા કપડાં પહેરીને આવવું જોઈએ.’ ના. તેમ જ જો કોઈ ભાઈ-બહેન ઘણા સમય પછી મિટિંગમાં આવે તો તમે શું કહેશો: ‘ઓહ, શું વાત છે! બહુ લાંબા સમયે તમને જોયા નથી.” ના, આપણે તેઓનું પ્રેમથી સ્વાગત કરવું જોઈએ. ત્રીજા દાખલાનો વિચાર કરો: કોઈ વ્યક્તિ હાલમાં જ બાઇબલ વિષે શીખવા લાગી છે, પણ તે હજુ અમુક ખોટા રિવાજો પાળે છે. શું તમે તરત જ બાઇબલમાંથી તેઓને સલાહ આપીને સીધા કરશો? બિલકુલ નહિ. (યોહાન ૧૬:૧૨) ખરેખર, આવા કિસ્સાઓમાં સમજી-વિચારીને બોલવાનો અર્થ એ થાય કે આપણે અમુક બાબતો વિષે કંઈ જ ન કહીએ.

સમજી-વિચારીને બોલવાથી શાંતિ ફેલાય છે

જો તમે સમજી-વિચારીને બોલો તો તમને ઘણો ફાયદો થશે. જેમ કે તમે સર્વ લોકો સાથે ખુશીથી જીવી શકશો. તેમ જ જો કોઈ વ્યક્તિ તમારા પર ગુસ્સે થાય, તો તમે હજી શાંતિ જાળવી રાખી શકશો. ગિદઓનનો વિચાર કરો. એફ્રાઈમના લોકોએ તેમને “સખત ઠપકો દીધો” તોપણ તેમણે તેઓને ચૂપ કરી દીધા નહિ. ગિદઓન સમજતા હતા કે તેઓ શા માટે ગુસ્સે હતા. એટલે નમ્ર રહીને તેમણે પહેલાં તેઓને માન આપ્યું. પછી તેમણે પ્રેમ અને શાંતિથી તેઓને સમજાવ્યું કે શું થયું હતું. ખરેખર, ગિદઓન સમજી-વિચારીને બોલ્યા.—ન્યાયાધીશો ૮:૧-૩; નીતિવચનો ૧૬:૨૪.

આપણે હંમેશાં વિચારવું જોઈએ કે આપણા બોલવાથી સામેની વ્યક્તિને કેવું લાગશે. જો આપણે સમજી-વિચારીને બોલીશું, તો આપણે પણ આવું જ અનુભવીશું: “પોતાને મોઢે આપેલા યોગ્ય ઉત્તરથી માણસને આનંદ થાય છે; અને વખતસર બોલેલો શબ્દ કેવો સારો છે!”—નીતિવચનો ૧૫:૨૩.

[પાન ૩૧ પર ચિત્ર]

માબાપો બાળકોને સમજી-વિચારીને બોલતા શીખવી શકે

[પાન ૩૧ પર ચિત્ર]

સત્યમાં અનુભવી ભાઈબહેનો નવા લોકોને સમજી-વિચારીને બોલતા શીખવી શકે