સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મરણ પામેલાઓ વિષે પરમેશ્વર શું વિચારે છે?

મરણ પામેલાઓ વિષે પરમેશ્વર શું વિચારે છે?

મરણ પામેલાઓ વિષે પરમેશ્વર શું વિચારે છે?

કોઈ નજીકનું સગું-વહાલું મરણ પામે ત્યારે, આપણે એકદમ ભાંગી પડીએ છીએ. ખરેખર, આપણને એ વ્યક્તિની ઘણી જ ખોટ સાલે છે. આપણે એકદમ એકલા પડી જઈએ છીએ, જાણે નિરાધાર બની જઈએ છીએ. ભલેને આપણી પાસે દુનિયાભરની મિલકત કે તાકાત કેમ ન હોય, એ પ્રિયજનને આપણે પાછા લાવી શકતા નથી.

પરંતુ, પરમેશ્વર કંઈક જુદું જ વિચારે છે. પરમેશ્વરે પ્રથમ માનવને ધૂળમાંથી બનાવ્યો હતો. તેથી, તે મરણ પામેલી વ્યક્તિને ફરીથી જીવન આપી શકે છે. તેથી, પરમેશ્વરની નજરમાં તો મરણ પામેલા લોકો પણ જીવતા જ છે. અગાઉ જે વિશ્વાસુ સેવકો મરી ગયા તેઓ વિષે ઈસુએ કહ્યું: “તેમને [યહોવાહ] માટે તો બધા જીવતાં જ છે.” ખરેખર, યહોવાહ પરમેશ્વરની નજરમાં મરણ પામેલા પણ જીવતા જ છે.—લુક ૨૦:૩૮, પ્રેમસંદેશ.

ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, તેમને મરણ પામેલા લોકોને સજીવન કરવાની શક્તિ આપવામાં આવી હતી. (યોહાન ૫:૨૧) જે વિશ્વાસુ સેવકો મરણ પામ્યા છે તેઓ માટે, ઈસુ પણ તેમના પિતાની જેમ જ વિચારે છે. દાખલા તરીકે, ઈસુના મિત્ર લાજરસ મરણ પામ્યા ત્યારે, ઈસુએ તેમના શિષ્યોને કહ્યું: “હું તેને ઊંઘમાંથી જગાડવા સારૂ જવાનો છું.” (યોહાન ૧૧:૧૧) માણસોની નજરમાં તો લાજરસ મરણ પામ્યા હતા. પરંતુ, યહોવાહ અને ઈસુ ખ્રિસ્તની નજરમાં તો લાજરસ ઊંઘી ગયા હતા.

ઈસુના રાજ્યમાં, “ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫) આમ, પુનરુત્થાન પામેલા એટલે કે સજીવન થયેલા લોકોને યહોવાહ પોતે શિક્ષણ આપશે અને તેઓને આ પૃથ્વી પર હંમેશનું જીવન મળશે.—યોહાન ૫:૨૮, ૨૯.

ખરું કે કોઈ મરણ પામે ત્યારે આપણે દુઃખી-દુઃખી થઈ જઈએ છીએ. અરે, થોડા સમય સુધી આપણે એ ગમમાં ડૂબી જઈ શકીએ. પરંતુ, મરણ પામેલી વ્યક્તિઓ વિષે યહોવાહ જેવું વિચારીશું તો, આપણને ચોક્કસ દિલાસો અને આશા મળશે.—૨ કોરીંથી ૧:૩, ૪.