સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહ શું માગે છે?

યહોવાહ શું માગે છે?

યહોવાહ શું માગે છે?

“હે મનુષ્ય, સારૂં શું છે તે તેણે તને બતાવ્યું છે; ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો, તથા તારા દેવની સાથે નમ્રતાથી ચાલવું, એ સિવાય યહોવાહ તારી પાસે બીજું શું માગે છે?”—મીખાહ ૬:૮.

૧, ૨. યહોવાહના અમુક સેવકો શા માટે નિરાશ થઈ જાય છે, પરંતુ તેઓ ક્યાંથી ઉત્તેજન મેળવી શકે?

 એક ૭૫ વર્ષના બા છે, જેમનું નામ છે વિરા. તેમની તબિયત બહુ સારી નથી રહેતી. તે કહે છે: “જ્યારે હું ઘરમાંથી બહાર ભાઈ-બેનોને પ્રચાર કરતા જોઉં છું, ત્યારે મારી આંખમાંથી ટપ ટપ આંસુ સરી પડે છે. મને તેઓ સાથે જવાનું મન થઈ જાય છે. પણ શું કરું, નથી જવાતું. મારી તબિયત સાવ લથળી ગઈ છે!”

શું તમને પણ કદી વિરા બા જેવી લાગણી થઈ છે? ખરું કે, આપણે તન-મનથી યહોવાહની ભક્તિ કરવા માંગીએ છીએ. પરંતુ, આપણી તબિયત સારી રહેતી ન હોય કે પછી ઘડપણ આવી ગયું હોય અથવા કુટુંબની જવાબદારી વધી ગઈ હોય તો શું? ઘણી વખત આપણે વિચારે ચડી જઈએ છીએ કે આપણે પહેલાં જેટલી યહોવાહની સેવા નથી કરી શકતા. જો એમ હોય તો, મીખાહના ૬ અને ૭માં અધ્યાયોમાંથી ઘણું જ ઉત્તેજન મળશે. એ બતાવે છે કે યહોવાહ કેટલા પ્રેમાળ છે અને આપણી મર્યાદા સમજે છે.

યહોવાહ પરમેશ્વરનો સ્વભાવ

૩. યહોવાહ પાપી ઈસ્રાએલીઓ સાથે કઈ રીતે વર્તે છે?

યહોવાહ પોતાના સેવકો સાથે કઈ રીતે વર્તે છે? ચાલો આપણે મીખાહ ૬:૩-૫માં જોઈએ. મીખાહના દિવસોમાં ઈસ્રાએલીઓનાં પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હતો. તેમ છતાં, યહોવાહ પ્રેમથી તેઓને “હે મારી પ્રજા” કહે છે. ત્યાર પછી, પરમેશ્વર યહોવાહ પોતે કરગરીને પાપીઓને કહે છે: ‘હે મારા લોક, મારી વિરૂદ્ધ જે કંઈ હોય તે કહી દો.’ યહોવાહ કેટલી બધી નમ્રતા બતાવે છે!

૪. યહોવાહના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?

યહોવાહ પાપીઓને પણ “મારી પ્રજા” કહીને બોલાવે છે. આમ, યહોવાહ આપણા માટે કેવો સરસ દાખલો આપે છે! એવી જ રીતે, આપણે મંડળમાં ભાઈ-બહેનો સાથે નમ્રતા અને દયાભાવથી વર્તવું જોઈએ. અમુક સાથે આપણું બનતું ન હોય. અમુક યહોવાહની ભક્તિમાં ધીમા પડી ગયા હોય. પરંતુ, જો તેઓ યહોવાહને પ્રેમ કરતા હોય, તો આપણે તેઓને પ્રેમ અને દયા બતાવીને મદદ કરવી જ જોઈએ.

૫. મીખાહ ૬:૬, ૭માંથી શું શીખવા મળે છે?

હવે ચાલો આપણે મીખાહ ૬:૬, ૭ જોઈએ. મીખાહે પૂછ્યું કે, “હું શું લઈને યહોવાહની હજૂરમાં આવું, ને મહાન દેવને નમસ્કાર કરૂં? શું હું દહનીયાર્પણો લઈને, એક વરસના વાછરડાને લઈને તેની આગળ આવું? શું હજારો ઘેટાઓથી કે તેલની હજારો નદીઓથી યહોવાહ રાજી થશે? શું મારા અપરાધને લીધે હું મારા પ્રથમજનિતનું બલિદાન આપું, મારા આત્માના પાપને લીધે મારા અંગના ફળનું અર્પણ કરૂં?” હજારો ઘેટાંથી કે તેલની નદીઓ વહેવડાવીને યહોવાહને રાજી કરી શકાય એમ નથી. તો પછી, કઈ રીતે યહોવાહને રાજી કરી શકાય?

શું આપણે અન્યાય કરી શકીએ?

૬. મીખાહ ૬:૮ કયા ગુણો વિષે જણાવે છે?

યહોવાહ આપણી પાસેથી શું માગે છે એ મીખાહ ૬:૮માંથી જાણવા મળે છે: “હે મનુષ્ય, સારૂં શું છે તે તેણે તને બતાવ્યું છે; ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો, તથા તારા દેવની સાથે નમ્રતાથી ચાલવું, એ સિવાય યહોવાહ તારી પાસે બીજું શું માગે છે?” આ સદ્‍ગુણો આપણા આચાર-વિચારને અસર કરે છે. સૌથી પહેલા તો આપણે પારખવું જોઈએ કે આ ત્રણેય ગુણો હીરા-મોતી કરતાં પણ કિંમતી છે. ચાલો, હવે આપણે દયા, નમ્રતા અને ન્યાય જેવા ગુણો વિષે વધુ શીખીએ.

૭, ૮. (ક) ‘ન્યાયથી વર્તવાનો’ શું અર્થ થાય? (ખ) મીખાહના જમાનામાં કેવો ઘોર અન્યાય થતો હતો?

“ન્યાયથી વર્તવું” એટલે કે કોઈને અન્યાય ન કરવો. યહોવાહ જે રીતે ન્યાય કરે છે, એ પ્રમાણે આપણે પણ ન્યાય કરવો જોઈએ. મીખાહના જમાનામાં યહુદીઓ બીજાને અન્યાય કરતા હતા. કઈ રીતે? મીખાહ ૬:૧૦માં નજર નાખો. એ કલમ બતાવે છે કે વેપારમાં લોકો “ખોટાં માપ” વાપરીને લોકોને અન્યાય કરતા હતા. કલમ ૧૧ બતાવે છે કે તેઓ “ખોટા ત્રાજવાં” રાખીને, લોકોને છેતરતા હતા. અરે ૧૨મી કલમ બતાવે છે કે તેઓના “મોંમાં કપટી જીભ છે.” આ બધું બતાવે છે કે એ જમાનામાં યહુદી વેપારીઓ કેટલી હદે છેતરપિંડી કરતા હતા!

એવો ઘોર અન્યાય ફક્ત વેપાર-ધંધામાં જ નહિ, પણ કોર્ટ-કચેરીમાં પણ થતો હતો. મીખાહ ૭:૩ બતાવે છે કે “સરદાર તથા ન્યાયાધીશ લાંચ માગે છે.” ન્યાયાધીશોને લાંચ આપીને ન્યાય ખરીદી લેવાતો, જેથી નિર્દોષ દોષી ઠરે. અરે ‘મોટા માણસો’ એટલે કે સમાજમાં માન-મોભ્ભો હોય તેઓ પણ અપરાધ કરતા હતા. મીખાહ જણાવે છે કે સૌ “ભેગા થઈને” અન્યાયની યોજનાઓ કરે છે.

૯. યહુદાહ અને ઈસ્રાએલમાં અન્યાયનું શું પરિણામ આવ્યું?

મીખાહના જમાનામાં થતો અન્યાય, એક રોગની જેમ આખા ઈસ્રાએલ અને યહુદાહમાં ફેલાઈ ગયો. મીખાહ ૭:૫ બતાવે છે અન્યાયને લીધે, મિત્રો તો શું, પતિ-પત્ની પણ એકબીજાનો ભરોસો કરતા ન હતા. એનું શું પરિણામ આવે છે? છઠ્ઠી કલમ બતાવે છે કે પરિસ્થિતિ એટલી હદે બગડી ગઈ કે કુટુંબમાં બાપ-દીકરો હોય કે મા-દીકરી, બધા એકબીજાને નફરત કરવા લાગ્યા.

૧૦. અન્યાયથી ભરેલા જગતમાં આપણે કઈ રીતે વર્તવું જોઈએ?

૧૦ શું આજે પણ એવી જ પરિસ્થિતિ જોવા મળતી નથી? આજે ચારે બાજુ અન્યાય જ અન્યાય જોવા મળે છે. એને લીધે કોઈ એકબીજા પર ભરોસો રાખી શકતા નથી. જ્યાં જુઓ ત્યાં લગ્‍ન જીવન વેરવિખેર થઈ રહ્યાં છે. પરંતુ, યહોવાહના સેવકો વિષે શું? ખરેખર, આપણે આ જગતના લોકો જેવું ન થવું જોઈએ. આપણે જીવનની દરેક બાબતોમાં “પ્રામાણિકપણે વર્તવાની ઇચ્છા” રાખવી જોઈએ. (હેબ્રી ૧૩:૧૮) આપણે ન્યાયથી વર્તીશું તો, ખરેખર એકબીજામાં ભરોસો રાખી શકીશું અને યહોવાહના આશીર્વાદો પામીશું.

લોકો યહોવાહનો સાદ કઈ રીતે સાંભળે છે?

૧૧. મીખાહ ૭:૧૨ના શબ્દો કઈ રીતે સાચા પડે છે?

૧૧ મીખાહની ભવિષ્યવાણી જણાવે છે કે ભલે અન્યાયે અડ્ડો જમાવ્યો હોય, પણ છેવટે તો ન્યાયની જ જીત થશે. મીખાહ જણાવે છે કે, “સમુદ્રથી સમુદ્ર સુધીના, તથા પર્વતથી પર્વત સુધીના લોકો” યહોવાહની ભક્તિ કરવા આવશે. (મીખાહ ૭:૧૨) આજે એ ભવિષ્યવાણી પ્રમાણે, કોઈ એક જ રંગ, જાતિ કે ભાષાના નહિ, પણ બધા જ ઈશ્વરનો પ્રેમ અનુભવી શકે છે. (યશાયાહ ૪૨:૧) પણ કઈ રીતે?

૧૨. આજે લોકો કઈ રીતે યહોવાહનો સાદ સાંભળે છે?

૧૨ ચાલો આપણે મીખાહ ૬:૯ના શબ્દો જોઈએ. જે કહે છે: “યહોવાહ નગરને હાંક મારે છે; જે કોઈ જ્ઞાની છે તે તારા નામથી બીશે.” કઈ રીતે લોકો યહોવાહની ‘હાંક’ સાંભળે છે? એમાંથી ન્યાય વિષે આપણે શું શીખી શકીએ? આજે આપણા પ્રચાર કાર્યથી બધી નાત-જાતના લોકો યહોવાહનો સાદ સાંભળી શકે છે. આમ, ઘણા લોકો સત્યમાં આવ્યા છે. તેથી, આપણે સત્યનો પ્રચાર કરીને બધાને યહોવાહનું નામ જણાવવું જોઈએ. આ રીતે આપણે સર્વ પ્રત્યે અન્યાય નહિ પણ ન્યાયથી વર્તીશું.

દયાભાવ રાખવો

૧૩. અપાર કૃપા અને પ્રેમ વચ્ચે શું તફાવત છે?

૧૩ મીખાહ ૬:૮માં દયાભાવ વિષે જણાવવામાં આવ્યું. યહોવાહ ઇચ્છે છે કે આપણે દયાભાવ રાખીએ. હેબ્રી ભાષામાં દયાભાવનો અર્થ અપાર કૃપા પણ થાય છે. આપણે કઈ રીતે અપાર કૃપા બતાવી શકીએ એ હંમેશાં વિચારવું જોઈએ. અપાર કૃપા અને પ્રેમ વચ્ચે આભ-જમીનનો ફેર છે. વ્યક્તિ કે ચીજ-વસ્તુઓ કે ઇચ્છા પર પ્રેમ રાખી શકાય. (૧ યોહાન ૨:૧૫) પરંતુ, અપાર કૃપા અથવા દયાભાવ ફક્ત માણસોને જ બતાવી શકાય. ખાસ કરીને જે લોકો યહોવાહના સેવકો છે તેઓને બતાવી શકાય. દાખલા તરીકે મીખાહ ૭:૨૦ જણાવે છે કે યહોવાહે પોતાના ભક્ત “ઈબ્રાહીમ પ્રત્યે” અપાર કૃપા બતાવી હતી.

૧૪, ૧૫. આજે કઈ રીતે દયાભાવ બતાવવામાં આવે છે?

૧૪ મીખાહ ૭:૧૮ જણાવે છે કે યહોવાહ અપાર કૃપા અથવા “દયા કરવામાં આનંદ માને છે.” મીખાહ ૬:૮ જણાવે છે કે દયા અથવા અપાર કૃપાનો સદ્‍ગુણ આપણા દિલમાંથી ઊભરાવો જોઈએ. તેથી, યહોવાહની જેમ આપણે પણ દિલથી દયા બતાવી ખુશ થવું જોઈએ.

૧૫ આજે યહોવાહના સેવકોમાં દયાભાવ જોવા મળે છે. દાખલા તરીકે, જૂન ૨૦૦૧માં અમેરિકાના ટેક્સસ ગામમાં, વાવાઝોડું આવ્યું. એનાથી હજારો લોકો ઘરબાર વગરના થઈ ગયા હતા. એમાં ઘણા યહોવાહના સાક્ષીઓ પણ હતા. તેઓને મદદ કરવા માટે યહોવાહના હજારો સેવકો ત્યાં ગયા. યહોવાહના આ બધા સેવકોએ રાત-દિવસ તનતોડ મહેનત કરીને, આપણા ભાઈ-બહેનો માટે લગભગ ૭૦૦ ઘરો પાછા બાંધ્યાં. તેમ જ ૮ કિંગ્ડમ હૉલ બાંધ્યા. જેઓ ત્યાં મદદ માટે જઈ ન શક્યા તેઓએ ચીજ-વસ્તુઓ, ખાવા-પીવાનું અને પૈસા મોકલ્યા. શા માટે યહોવાહના આ સેવકોએ આટલી મદદ કરી? એનું કારણ તેઓના દિલમાં ઊભરાતો ‘દયાભાવનો’ ગુણ હતો. આખી દુનિયાના આપણા ભાઈ-બહેનો આવા સદ્‍ગુણો બતાવે છે. દયાભાવ અથવા અપાર કૃપા બતાવવાથી ખરેખર તેઓને ખૂબ જ આનંદ મળે છે.

નમ્રતાથી ઈશ્વર સાથે ચાલવું

૧૬. નમ્રતાનો ગુણ સમજવા કયો દાખલો મદદ કરી શકે?

૧૬ ત્રીજો ગુણ કયો છે જે આપણે કેળવવો જોઈએ? મીખાહ ૬:૮ જણાવે છે, આપણે યહોવાહ “સાથે નમ્રતાથી ચાલવું” જોઈએ. એનો અર્થ એ કે આપણે આપણી મર્યાદાઓ પારખીને યહોવાહ પર પૂરો આધાર રાખવો જોઈએ. દાખલા તરીકે, કલ્પના કરો કે વાવાઝોડાનો પવન પૂરજોશથી ફૂંકાઈ રહ્યો છે. એમાં એક નાનકડી ફૂલ જેવી છોકરીએ તેના પપ્પાનો હાથ પકડી રાખ્યો છે. શા માટે? એ છોકરી જાણે છે કે આવા ખતરનાક વંટોળિયામાં એકલા ચાલવું, એની શક્તિ બહારની વાત છે. જો તે પપ્પાનો હાથ પકડી રાખે તો જ, એ વંટોળિયામાંથી પાર થઈ શકે. એ જ રીતે આપણે ફક્ત માનવીઓ છીએ. એ માટે આપણે ઈશ્વર પર પૂરો આધાર રાખવો જોઈએ. ઈશ્વર પર આધાર રાખવાના બીજાં કયાં કારણો છે? મીખાહ જણાવે છે કે, યહોવાહ આપણને આફતોમાંથી છોડાવે છે. આપણને માર્ગદર્શન આપે છે અને આપણું રક્ષણ પણ કરે છે.

૧૭. યહોવાહે કઈ રીતે પોતાના સેવકોને માર્ગદર્શન અને રક્ષણ આપ્યું?

૧૭ મીખાહ ૬:૪, ૫માં યહોવાહ જણાવે છે: “હું તો તને મિસર દેશમાંથી બહાર લાવ્યો.” હા, યહોવાહે ઈસ્રાએલીઓને ગુલામીની જંજીરમાંથી છોડાવ્યા હતા. પછી યહોવાહ જણાવે છે કે, “મેં તારી આગળ મુસાને, હારૂનને તથા મરિયમને મોકલ્યાં.” મુસા અને હારૂન, બધાને માર્ગદર્શન આપે છે. યહોવાહે જે જીત અપાવી એ વિષે મરિયમ ગીત ગાય છે. (નિર્ગમન ૭:૧, ૨; ૧૫:૧, ૧૯-૨૧; પુનર્નિયમ ૩૪:૧૦) યહોવાહે પોતાના સેવકો દ્વારા લોકોને માર્ગદર્શન આપ્યું. પાંચમી કલમમાં યહોવાહ જણાવે છે કે, બાલાકે અને બલઆમે હુમલો કર્યો ત્યારે, પોતે ઈસ્રાએલીઓનું રક્ષણ કર્યું. જેથી તેઓ યહોવાહે વચન આપેલા દેશમાં જઈ શકે.

૧૮. યહોવાહ આપણું કઈ રીતે રક્ષણ કરે છે?

૧૮ યહોવાહ આપણને પણ આફતોમાંથી છોડાવે છે. બાઇબલમાંથી અને યહોવાહની સંસ્થામાંથી આપણને માર્ગદર્શન મળે છે. વળી, કોઈ પણ આફત આવી પડે ત્યારે યહોવાહ આપણું રક્ષણ કરે છે. આપણે કદી યહોવાહથી દૂર થવું જોઈએ નહિ. હવે આ જગત ઘડીઓ ગણાઈ રહી છે. પછી યહોવાહ આપણને આશીર્વાદો આપશે અને આ પૃથ્વી સુંદર બનાવશે.

૧૯. નમ્રતાનો બીજો અર્થ શું થાય?

૧૯ યહોવાહની સાથે નમ્રતાથી ચાલવાનો અર્થ એ પણ થાય કે આપણે પોતાની શક્તિ પ્રમાણે ભક્તિ કરીએ. જો આપણી ઉંમર થઈ ગઈ હોય, તબિયત સાથ ન આપતી હોય તો, યહોવાહની સેવામાં આપણાથી થાય એટલું જ કરવું જોઈએ. આપણે નિરાશ થવું જોઈએ નહિ. યહોવાહ આપણી પાસે જે ‘નથી તે પ્રમાણે નહિ, પણ આપણે જે આપી શકીએ છીએ એ’ સ્વીકારે છે. (૨ કોરીંથી ૮:૧૨) આપણા સંજોગો ભલે ગમે તેવા હોય, પરંતુ, આપણે યહોવાહની પૂરા દિલથી ભક્તિ કરવી જોઈએ. (કોલોસી ૩:૨૩) આપણે રાજીખુશીથી યહોવાહની સેવા કરીએ છીએ ત્યારે, આપણને મબલખ આશીર્વાદ મળે છે. “યહોવાહનો આશીર્વાદ ધનવાન કરે છે. અને તેની સાથે કંઇ ખેદ મિશ્રિત નથી.”—નીતિવચનો ૧૦:૨૨.

ધીરજનાં ફળ મીઠાં

૨૦. મીખાહની જેમ, આપણે શા માટે ધીરજ રાખવી જોઈએ?

૨૦ યહોવાહના આશીર્વાદો પામીને આપણે પણ મીખાહની જેમ પોકારી શકીએ: “હું મારૂં તારણ કરનાર દેવની વાટ જોઈશ.” (મીખાહ ૭:૭) યહોવાહનો દિવસ ભલે ગમે ત્યારે આવે, પણ આપણે આપણી ધીરજ ગુમાવીએ નહિ. (નીતિવચનો ૧૩:૧૨) આપણને એવું થઈ શકે કે હવે તો આ દુનિયાનો અંત જલદી આવે તો સારું! પરંતુ હજુ તો લાખો લોકો સત્યમાં આવશે, એ જાણીને શું આપણે ધીરજ ન રાખવી જોઈએ? યહોવાહના એક ભક્તે કહ્યું: ‘હું ૫૫ વર્ષથી પ્રચાર કરું છું અને ધીરજથી યહોવાહની રાહ જોઉં છું. હું ખરેખર કહી શકું કે ધીરજનાં ફળ મીઠાં છે. પરંતુ, હું જો અધીરો બન્યો હોત તો મારે માથે ઘણાં દુઃખો આવી પડત.’ શું તમને એવા અનુભવો થયા છે?

૨૧, ૨૨. આજે મીખાહ ૭:૧૪નું વચન કઈ રીતે સાચું પડે છે?

૨૧ યહોવાહના માર્ગે ચાલવાથી આપણને ઘણા બધા આશીર્વાદો મળે છે. મીખાહ ૭:૧૪માં એક સરસ ચિત્ર આપવામાં આવ્યું છે, જેમાં ઘેટાંને નિરાંતે કોઈની બીક વગર ચરવા દેવામાં આવે છે. આ ભવિષ્યવાણી આપણા વખતમાં સાચી પડે છે. અભિષિક્ત જનો અને આ પૃથ્વી પર કાયમ જીવનારા, “બીજાં ઘેટાં” કોઈ પણ ડર કે બીક વિના યહોવાહના આશીર્વાદો મેળવે છે. તેઓ બધા “એકાંતમાં” રહે છે. એટલે કે યહોવાહના સેવકો આ જગતના આચાર-વિચારોથી તદ્દન અલગ રહે છે.—યોહાન ૧૦:૧૬; પુનર્નિયમ ૩૩:૨૮; યિર્મેયાહ ૪૯:૩૧; ગલાતી ૬:૧૬.

૨૨ મીખાહ ૭:૧૪ પ્રમાણે જ આજે યહોવાહના સેવકોને આશીર્વાદ મળે છે. એ કલમ બતાવે છે કે, “તેઓને બાશાનમાં તથા ગિલઆદમાં ચરવા દે.” એ જમાનામાં બાશાન તથા ગિલઆદ નામની જગ્યાએ સરસ લીલુંછમ ઘાસ હતું. આજે યહોવાહના સેવકો પણ સ્વાદિષ્ટ ભોજનની જેમ, સૌથી સરસ જ્ઞાન મેળવે છે. એ આશીર્વાદ નહિ તો બીજું શું છે!—ગણના ૩૨:૧; પુનર્નિયમ ૩૨:૧૪.

૨૩. આપણે મીખાહ ૭:૧૮, ૧૯માંથી કયો પાઠ શીખી શકીએ?

૨૩ જે લોકો દિલથી પસ્તાવો કરે છે તેઓને યહોવાહ માફ કરે છે. એ ખાસ કરીને મીખાહ ૭:૧૮, ૧૯માં જોવા મળે છે. અઢારમી કલમ બતાવે છે કે યહોવાહ “પાપ માફ કરે છે” અને “અપરાધને દરગુજર કરે છે.” ઓગણીસમી કલમ બતાવે છે કે તે “સર્વ પાપો સમુદ્રનાં ઊંડાણમાં ફેંકી દેશે.” આમાંથી આપણે શું શીખી શકીએ? શું યહોવાહની જેમ આપણે પણ બીજાઓની ભૂલો માફ કરવા તૈયાર છીએ? કોઈ પોતાની ભૂલનો પસ્તાવો કરે તો, શું આપણે પણ યહોવાહની જેમ દિલથી માફી આપીએ છીએ? એટલું જ નહિ, પણ માફ કરી દીધા પછી, આપણે બધું જતું કરીને એ ભૂલી જવું જોઈએ.

૨૪. તમને મીખાહના પુસ્તકમાંથી શું શીખવા મળ્યું?

૨૪ આપણે મીખાહના પુસ્તકમાંથી જોયું કે કઈ રીતે યહોવાહના ભક્તોની શ્રદ્ધા દૃઢ થાય છે. (મીખાહ ૨:૧-૧૩) આપણે એ પણ જોયું કે, યહોવાહનું નામ ફેલાવવા માટે પ્રચાર કરવો જોઈએ. આમ કરીને, આપણે હંમેશાં યહોવાહના માર્ગ પર ચાલી શકીશું. (મીખાહ ૪:૧-૪) છેવટે આપણે શીખ્યા કે ભલે આપણા સંજોગો ગમે તેવા હોય, યહોવાહ આપણી ખરા દિલની ભક્તિ સ્વીકારે છે.

તમને યાદ છે?

મીખાહ ૬:૮ પ્રમાણે યહોવાહ શું ચાહે છે?

• ન્યાયથી વર્તવા આપણે શું કરવું જોઈએ?

• આપણે કઈ રીતે દયા બતાવી શકીએ?

• નમ્ર બનવાનો શું અર્થ થાય છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૧ પર ચિત્ર]

મીખાહે યહોવાહના કહ્યા પ્રમાણે કર્યું. આપણે પણ એમ જ કરી શકીએ

[પાન ૨૩ પર ચિત્ર]

કોઈ ભેદભાવ વિના, બધાને સત્ય જણાવીને ન્યાયી બનો

[પાન ૨૩ પર ચિત્ર]

બીજાઓને મદદ કરીને દયાળુ બનો

[પાન ૨૩ પર ચિત્ર]

તમે જે કંઈ કરો, એ પોતાની શક્તિ પ્રમાણે કરો