સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમને યાદ છે?

શું તમને યાદ છે?

શું તમને યાદ છે?

છેલ્લા થોડા મહિનાના ચોકીબુરજ અંકો તમને કેવા લાગ્યા? એમાંથી શું તમને આ મુદ્દા યાદ છે?

રૂથને શા માટે સદ્‍ગુણી સ્ત્રી કહેવામાં આવી છે?

રૂથને યહોવાહ માટે અપાર પ્રેમ હતો. તેમ જ, રૂથને તેની સાસુ નાઓમી માટે પણ અનહદ પ્રેમ હતો. વળી, તે મહેનતુ તથા નમ્ર સ્ત્રી હતી. રૂથે વફાદારી અને પ્રેમનો એક સુંદર નમૂનો બેસાડ્યો. તેથી, લોકો તેને “સદ્‍ગુણી સ્ત્રી” કહે છે. (રૂથ ૩:૧૧)—૪/૧૫, પાન ૨૩-૬.

યહોવાહ કઈ રીતે ગરીબોની સંભાળ રાખે છે?

મિસરમાં ઈસ્રાએલીઓ સાથે જે ખરાબ વર્તાવ થયો, એ યાદ કરાવતા યહોવાહે તેઓને કહ્યું કે ગરીબોને હેરાન ન કરો. (નિર્ગમન ૨૨:૨૧-૨૪) એ જ રીતે, યહોવાહની જેમ ઈસુ ખ્રિસ્તે પણ ગરીબો પર ખૂબ પ્રેમ બતાવ્યો. વળી, તેમણે “અભણ અને સામાન્ય” લોકોને પોતાના પ્રેષિતો બનાવ્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૩, IBSI; માત્થી ૯:૩૬) એ જ રીતે, આપણે પણ યહોવાહની જેમ ગરીબો અને યુવાનોની સંભાળ રાખવી જોઈએ.—૪/૧૫, પાન ૨૮-૩૧.

કઈ રીતે આપણે ખાતરી રાખી શકીએ કે યહોવાહ આપણી કદર કરે છે?

બાઇબલ બતાવે છે કે યહોવાહ આપણાં કામની કદર કરે છે. હાબેલે બલિદાન આપ્યું એની તેમણે કદર કરી. એ જ રીતે, આજે આપણે ‘દેવને સ્તુતિરૂપ યજ્ઞ, એટલે કે હોઠોના ફળનું અર્પણ’ કરીએ છીએ એની યહોવાહ કદર કરે છે. (હેબ્રી ૧૩:૧૫) યહોવાહે જોયું કે કઈ રીતે હનોખે તેમને પસંદ પડે એવું શુદ્ધ અને નૈતિક જીવન જીવવા તનતોડ મહેનત કરી. એ જ રીતે, એક ઈસ્રાએલી વિધવાએ તેની પાસે જે કંઈ હતું એ પ્રબોધક એલીયાહને આપ્યું અને એની યહોવાહે ખૂબ કદર કરી. તેથી, એમાં કોઈ શંકા નથી કે યહોવાહ, આજે આપણે જે કંઈ કરીએ છીએ એની કદર કરે છે.—૫/૧, પાન ૨૮-૩૧.

શા માટે પેન્તેકોસ્ત ૩૩ના રોજ જે યહુદીઓ ખ્રિસ્તી બન્યા, તેઓએ પોતે યહોવાહને સમર્પણ કરવાનું હતું?

યહોવાહે ઈસ્રાએલીઓને ઈ.સ. પૂર્વે ૧૫૧૩માં, પોતાના પવિત્ર લોકો બનવાનો મોકો આપ્યો. (નિર્ગમન ૧૯:૩-૮) વળી, તેમનાથી જન્મેલા બધા જ યહુદીઓ પણ યહોવાહને સમર્પિત હતા. પરંતુ, ૩૩ની સાલમાં ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા ત્યારે, યહોવાહ દેવે એ નિયમ કરાર કાઢી નાખ્યો. (કોલોસી ૨:૧૪) તેથી, હવે તેઓએ દેવની સેવા કરવા ઈસુ ખ્રિસ્ત દ્વારા, યહોવાહને સમર્પણ કરવાનું હતું.—૫/૧૫, પાન ૩૦-૧.

શું યહોવાહના સેવકો ધૂપ બાળી શકે?

પ્રાચીન ઈસ્રાએલમાં ધૂપ બાળવાનો રિવાજ હતો. (નિર્ગમન ૩૦:૩૭, ૩૮; લેવીય ૧૬:૧૨, ૧૩) પરંતુ, ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા ત્યારે એ નિયમ કાઢી નાખવામાં આવ્યો. તેથી, એક વાત ચોક્કસ છે કે આજે યહોવાહની સેવામાં કોઈ પણ ધૂપ કે અગરબત્તીની જરૂર નથી. તેમ છતાં બીજા સમયે અગરબત્તી વાપરવી કે કેમ, એનો નિર્ણય દરેક ખ્રિસ્તીએ પોતે લેવો જોઈએ. વળી, સાથે સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે, એની બીજાઓ પર કેવી અસર પડશે.—૬/૧, પાન ૨૮-૩૦.

શું પુરાવો આપે છે કે ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર થઈ ગયા હતા?

ચૂનામાંથી બનેલું હાડકાં મૂકવાનું જાણીતું બૉક્સ ઈઝરાયેલમાં મળી આવ્યું. આ બૉક્સ ઈસવી સન પૂર્વે પહેલી સદીમાં મળી આવ્યું. એના પર લખેલું છે: “યાકૂબ, યુસફનો દીકરો, ઈસુનો ભાઈ.” ઘણા લોકો એને બાઇબલ સિવાય, ઈસુ વિષે જણાવતો સૌથી જૂનો પુરાવો ગણે છે.—૬/૧૫, પાન ૩-૪.

કોઈ પણ વ્યક્તિ પ્રેમ બતાવવાનું કઈ રીતે શીખી શકે?

વ્યક્તિ સૌથી પહેલા પોતાના માબાપ પાસેથી પ્રેમ કરતા શીખે છે. પતિ-પત્ની એકબીજાને પ્રેમ બતાવીને માન આપે છે ત્યારે, બાળકો આપોઆપ પ્રેમ બતાવતા શીખે છે. (એફેસી ૫:૨૮; તીતસ ૨:૪) ઘણા લોકો બાળપણથી જ પ્રેમ વગર મોટા થયા હોય છે. પરંતુ, યહોવાહ તેઓને પોતાના પવિત્ર આત્માની અને ખ્રિસ્તી ભાઈ-બહેનોની મદદથી એક પ્રેમાળ પિતાની જેમ માર્ગદર્શન પૂરું પાડે છે.—૭/૧, પાન ૪-૭.

યુસીબીયસ કોણ હતો અને તેના જીવનમાંથી આપણે શું શીખી શકીએ?

યુસીબીયસ એક ઇતિહાસકાર હતો. તેણે લગભગ ઈસવી સન ૩૨૪માં છાપેલા દસ ગ્રંથ, ચર્ચનો ઇતિહાસ આપતા સૌથી મહત્ત્વનાં પુસ્તકો બન્યાં. યુસીબીયસ માનતો હતો કે પુત્રને બનાવ્યા પહેલાં પિતાનું અસ્તિત્વ હતું. તેમ છતાં, નાઈસીઆની કાઉન્સિલમાં તેણે જૂઠી માન્યતા પર સહી કરી. યુસીબીયસે ઈસુની આ આજ્ઞા મનમાં ન ઠસાવી કે મારા શિષ્ય આ “જગતના નથી.” (યોહાન ૧૭:૧૬)—૭/૧૫, પાન ૨૯-૩૧.

શું આજે યહોવાહના સેવકો એકથી વધુ પત્ની રાખી શકે?

બિલકુલ નહિ. યહોવાહનો નિયમ આજે પણ બદલાયો નથી. (માલાખી ૩:૬) યહોવાહે આદમ માટે એ જ નિયમ બનાવ્યો હતો કે, તે “પોતાની વહુને વળગી” રહે. (ઉત્પત્તિ ૨:૨૪) તેમ જ, ઈસુએ કહ્યું કે, જે કોઈ પોતાની પત્નીને મૂકી દઈને બીજીને પરણે, તે વ્યભિચાર કરે છે. તેમ જ, જે મૂકી દીધેલીની જોડે પરણે તે પણ વ્યભિચાર કરે છે. (માત્થી ૧૯:૪-૬,) એકથી વધુ પત્ની રાખવાનો રિવાજ ખ્રિસ્તી મંડળની શરૂઆત થઈ ત્યારે જ કાઢી નાખવામાં આવ્યો હતો.—૮/૧, પાન ૨૮.