સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે યહોવાહને શોધવા મહેનત કરો છો?

શું તમે યહોવાહને શોધવા મહેનત કરો છો?

શું તમે યહોવાહને શોધવા મહેનત કરો છો?

એક ભાઈ રોજ ગાડીમાં અપ-ડાઉન કરે છે. તેને ઘણીવાર ગાડીમાં બેઠેલા લોકોને બાઇબલનો સંદેશો જણાવવાનું મન થાય છે. (માર્ક ૧૩:૧૦) પરંતુ, ગભરાટને લીધે જાણે કે તેના મોં પર તાળું વાગી ગયું હોય, એમ બોલતા અચકાય છે. શું તે હિંમત હારી ગયા? ના, તેમણે યહોવાહ પરમેશ્વરને સતત પ્રાર્થના કરી. તેમ જ, લોકો સાથે વાતચીત શરૂ કરી શકે એ માટે પ્રયત્નો કર્યા. યહોવાહે આ ભાઈની પ્રાર્થના સાંભળી અને તેને શક્તિ આપી. એનાથી તે લોકોને બાઇબલ વિષે જણાવી શક્યા.

ખરેખર, યહોવાહને શોધવા અને તેમનો આશીર્વાદ પામવા માટે ખંતથી પ્રયત્ન કરવા ખૂબ જ જરૂરી છે. પ્રેષિત પાઊલે કહ્યું: “જે ઈશ્વર [યહોવાહ] પાસે આવે છે, તેનામાં એવો વિશ્વાસ હોવો જ જોઈએ કે ઈશ્વર છે અને જેઓ તેમને [યહોવાહને] શોધે છે તેઓને તે બદલો આપે છે.” (હેબ્રી ૧૧:૬, પ્રેમસંદેશ) પરંતુ, યહોવાહને શોધવાનો શું અર્થ થાય છે? એ માટેના મૂળ ગ્રીક શબ્દનો અર્થ, ‘પૂરા જોશથી અને પૂરી શક્તિથી યહોવાહને શોધવા’ થાય છે. હા, આપણે પૂરા દિલથી, પૂરા જીવથી અને પૂરી શક્તિથી તેમને શોધવા જોઈએ. એમ કરવાથી, આપણામાં ઉત્સાહ વધશે અને આપણે કોઈ પણ સમયે, બાઇબલનો સંદેશો જણાવવા તૈયાર હોઈશું.—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૧૭.

યહોવાહના આશીર્વાદ માટે સખત મહેનત કરો

બાઇબલ એવા ઘણા લોકો વિષે જણાવે છે, જેઓએ યહોવાહના આશીર્વાદ મેળવવા સખત મહેનત કરી હતી. એમાંના એક યાકૂબ હતા, જેમણે એક સ્વર્ગદૂત સાથે આખી રાત કુસ્તી કરી. યાકૂબનું નામ ઈસ્રાએલ (દેવની સાથે યુદ્ધ કરનાર) પાડવામાં આવ્યું, કેમ કે તેમણે જાણે કે મરતા દમ સુધી દેવ સાથે લડાઈ કરી. સ્વર્ગદૂતે આ સખત મહેનત જોઈને તેમને આશીર્વાદ આપ્યો.—ઉત્પત્તિ ૩૨:૨૪-૩૦.

ચાલો હવે બીજો દાખલો જોઈએ. ગાલીલ શહેરમાં રહેતી એક સ્ત્રીને ૧૨ વર્ષથી લોહીવા હતો. બાઇબલ આ સ્ત્રીનું નામ જણાવતું નથી. તેણે આ દુઃખને કારણે “ઘણું સહ્યું” હતું. તે પોતાના આ રોગને લીધે કોઈને અડકી શકતી ન હતી. તેમ છતાં, તે બધી હિંમત એકઠી કરીને ઈસુને મળવા ગઈ. તેણે મનમાં વિચાર્યું: “જો હું માત્ર તેના લૂગડાને અડકું તો હું સાજી થઈશ.” વિચાર કરો: આટલા બધા ‘લોકો ઈસુની પાછળ ચાલ્યા આવતા હતા અને તેમના પર પડાપડી કરતા હતા.’ એવી ભીડમાં તે કઈ રીતે ઈસુ પાસે પહોંચી શકી હશે? પછી તે ઈસુના લૂગડાને અડકી કે તરત જ “તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો.” હા, વર્ષોથી જે રોગથી તે પીડાતી હતી, એનાથી એકદમ સાજી થઈ ગઈ! પછી ઈસુએ તરત પૂછ્યું કે, “મારા લૂગડાને કોણ અડક્યું?” એ સાંભળીને સ્ત્રી એકદમ ગભરાઈ ગઈ. પરંતુ પછી ઈસુએ તેને કહ્યું: “દીકરી, તારા વિશ્વાસે તને બચાવી છે; શાંતિએ જા, ને તારા દરદથી સાજી થા.” તેના પ્રયત્નનો કેવો આશીર્વાદ મળ્યો!—માર્ક ૫:૨૪-૩૪; લેવીય ૧૫:૨૫-૨૭.

ત્રીજા દાખલાનો વિચાર કરો. એક કનાની સ્ત્રીએ પોતાની દીકરીને સાજી કરવા ઈસુને કાલાવાલા કર્યા. ત્યારે ઈસુએ તેને કહ્યું કે, છોકરાંની રોટલી કદી કૂતરાને નંખાય નહિ. અહીં ઈસુ કહેતા હતા કે તે હમણાં યહુદીઓને મદદ કરતા હતા, એને બદલે જે યહુદી નથી તેઓને મદદ કરી શકતા નથી. ઈસુ શું કહેવા માંગે છે એ તે સ્ત્રી સમજી ગઈ. તેથી તેણે ફરી વિનંતી કરી: “હા પ્રભુ, એ તો ખરું છે! પરંતુ કૂતરાંને ટેબલ નીચે પડેલા ટુકડા ખાવાની તો છૂટ હોય છે.” તેનો આવો વિશ્વાસ અને શ્રદ્ધા જોઈને ઈસુએ તેને કહ્યું: “બાઈ, તારો વિશ્વાસ ઘણો છે; તારી માગણી પૂરી કરવામાં આવે છે.”—માત્થી ૧૫:૨૨-૨૮, IBSI.

હવે વિચાર કરો કે આ લોકોએ સતત પ્રયત્નો ન કર્યા હોત તો શું થાત? ‘કોઈ મારું સાંભળતું નથી,’ એમ વિચારીને જો તેઓ હિંમત હારી ગયા હોત તો, શું તેઓને આશીર્વાદ મળ્યો હોત? બિલકુલ નહિ! આ ઉદાહરણોથી ઈસુ આપણને શીખવે છે કે યહોવાહને શોધવા સતત પ્રયત્નો ખૂબ જ જરૂરી છે.—લુક ૧૧:૫-૧૩.

યહોવાહની ઇચ્છા પ્રમાણે માંગવું

આગળનાં ઉદાહરણોમાં તેઓને ચમત્કારથી સાજા કરવામાં આવ્યા હતા. પરંતુ સાજા થવા માટે, શું ફક્ત પ્રયત્ન અને વિશ્વાસ જ જરૂરી હતા? ના, તેઓએ યહોવાહની ઇચ્છા પ્રમાણે માંગવાનું હતું. વળી, ઈસુના ચમત્કારોએ પણ બતાવ્યું કે તે પોતે પરમેશ્વરનો પુત્ર, એટલે કે વચન અપાયેલા મસીહ છે. (યોહાન ૬:૧૪; ૯:૩૩; પ્રેરિતોનાં કૃત્યો ૨:૨૨) એટલું જ નહિ, ઈસુએ ચમત્કારો કરીને એ પણ બતાવ્યું, કે તે પોતે હજાર વર્ષ રાજ કરશે ત્યારે, યહોવાહ પૃથ્વીમાં સર્વ પર આવો જ આશીર્વાદ વરસાવશે.—પ્રકટીકરણ ૨૧:૪; ૨૨:૨.

આજે યહોવાહની ઇચ્છા એ નથી કે તેમના ભક્તો ચમત્કારો કરે. જેમ કે, લોકોને સાજા કરે કે જુદી જુદી ભાષાઓ બોલે. (૧ કોરીંથી ૧૩:૮, ૧૩) ના, પણ તે ઇચ્છે છે કે આખી દુનિયામાં, તેમના રાજ્યની ખુશખબર ફેલાય અને ‘સઘળાં માણસોને સત્યનું સંપૂર્ણ જ્ઞાન મળે.’ (૧ તીમોથી ૨:૪; માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) તેથી, યહોવાહની ઇચ્છા પ્રમાણે આપણે સખત પ્રયત્ન કરીશું તો, ચોક્કસ તે આપણી પ્રાર્થનાઓ સાંભળશે.

પરંતુ, કદાચ અમુકને સવાલ થશે, કે “જો યહોવાહ ગમે તે રીતે પોતાના હેતુઓ પાર પાડવાના જ હોય તો પછી, શા માટે આપણે મહેનત કરવી જોઈએ?” જો કે એક વાત સાચી છે કે, ભલે માણસ ગમે તે કરે, પરંતુ યહોવાહ તો તેમના હેતુઓ પૂરા કરશે જ. તેમ છતાં, યહોવાહની ઇચ્છા પૂરી કરવામાં જો આપણે પણ ભાગ લઈશું તો, યહોવાહ ખૂબ જ રાજી થશે. એ સમજવા માટે આપણે યહોવાહને એક એવા માણસ સાથે સરખાવી શકીએ, જે ઘર બાંધવા ચાહે છે. તેની પાસે ઘરનો આખો નકશો છે, છતાં તે સાધન-સામગ્રી તો આજુ-બાજુના લોકો પાસેથી લે છે. એ જ રીતે, આજે યહોવાહ પણ એક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. એમાં રાજીખુશીથી સેવા આપવા ચાહતા પોતાના સેવકોનો, તે ઉપયોગ કરે છે.—ગીતશાસ્ત્ર ૧૧૦:૩; ૧ કોરીંથી ૯:૧૬, ૧૭.

ચાલો આપણે જોઈએ કે નાના તોશીયોએ કઈ રીતે પ્રચાર કરવાની તક ઝડપી લીધી. તે તેની હાઈસ્કૂલમાં બની શકે એટલો પ્રચાર કરવા માંગતો હતો. તે હંમેશાં પોતાની સાથે જ બાઇબલ રાખતો. સાથે સાથે તે એક ખ્રિસ્તી તરીકે સારો નમૂનો પણ બેસાડતો. સ્કૂલનું પહેલું વર્ષ પૂરું થવા આવ્યું ત્યારે, તેને ક્લાસમાં થોડીક મિનિટો બોલવાનો મોકો મળ્યો. સૌ પ્રથમ તોશીયોએ યહોવાહને પ્રાર્થના કરી. પછી, તેણે “પાયોનિયરીંગ કરવાનો મારો ધ્યેય” વિષય પર ટૉક આપી. આખા ક્લાસે ધ્યાનથી સાંભળ્યું, એ જોઈને તોશીયોને ખૂબ જ આનંદ થયો. તેણે સમજાવ્યું કે મારે યહોવાહની સેવામાં પૂરેપૂરો સમય આપવો છે. એ સાંભળીને એક વિદ્યાર્થીએ, તોશીયો સાથે બાઇબલ શીખવાનું શરૂ કર્યું. તે વિદ્યાર્થી હવે બાપ્તિસ્મા લેવા પણ તૈયાર છે. તોશીયોએ પોતાની પ્રાર્થના પ્રમાણે મહેનત કરી, તેથી તેને ખૂબ જ આશીર્વાદ મળ્યા.

તમે કેટલી મહેનત કરો છો?

ઘણી રીતોએ તમે બતાવી શકો, કે યહોવાહ અને તેમના આશીર્વાદો માટે તમે કેટલી મહેનત કરી રહ્યા છો. જેમ કે, સૌ પ્રથમ તો તમે મિટિંગોની સારી તૈયારી કરી શકો. બીજું કે સરસ જવાબો અને ટૉક આપી શકો. તેમ જ દૃશ્યથી સારી રજૂઆતો કરીને બતાવી શકો કે તમે યહોવાહને શોધવા માટે કેટલી મહેનત કરો છો. ત્રીજું કે તમે પ્રચાર કરવાની રીતમાં સુધારો-વધારો કરીને પણ મહેનત કરી શકો. દાખલા તરીકે, તમે મળતાવડા સ્વભાવના બની શકો, જેથી પ્રચારમાં તમને મદદ મળે. અથવા તો તમે કોઈ એવી રજૂઆત વાપરી શકો જેનાથી લોકો વધારે સાંભળે! (કોલોસી ૩:૨૩) વળી, પૂરા દિલથી સેવા કરનાર કોઈ ભાઈને મંડળમાં વડીલ કે સેવકાઈ ચાકર બનવાનો મોકો પણ મળે. (૧ તીમોથી ૩:૧, ૨, ૧૨, ૧૩) આમ, જરૂર હોય ત્યારે મદદ કરવા તૈયાર રહેવાથી, જીવનમાં ઘણો આનંદ મળે છે. વળી, તમે બેથેલમાં સેવા આપી શકો. અથવા તો બાંધકામના પ્રૉજેક્ટમાં મદદ કરી શકો. જો કોઈ ભાઈએ લગ્‍ન ન કર્યું હોય તો, સેવકાઈ તાલીમ શાળામાં જઈ શકે. જેથી, મંડળમાં સારી સેવા આપી શકે. વળી, જો તમે પરણેલા હોય તો મિશનરિ સેવા કરીને, યહોવાહ માટેનો ઉત્સાહ બતાવી શકો. તેમ જ, પ્રચાર કરવાની જરૂર હોય ત્યાં પણ તમે જઈ શકો.—૧ કોરીંથી ૧૬:૯.

જો કે સૌથી મહત્ત્વની વાત એ છે કે યહોવાહની સેવામાં તમને જે કંઈ કામ સોંપવામાં આવે, એ પૂરા દિલથી કરો! તમને ગમે તે કામ સોંપવામાં આવે, પૂરા તન-મનથી અને “ઉમંગથી” કરો. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૪૬; રૂમીઓને પત્ર ૧૨:૮) યહોવાહને સતત પ્રાર્થના કરો. એની સાથે બનતા બધા જ પ્રયત્નો કરો તો, તમને જરૂર આશીર્વાદો મળશે.

મહેનત કરવાથી મળતા આશીર્વાદો

આપણે લેખની શરૂઆતમાં જોયું કે અપ-ડાઉન કરતા એક ભાઈએ લોકો સાથે વાતચીત શરૂ કરવા પ્રાર્થના કરી હતી. તેમણે કરેલી મહેનત માટે યહોવાહે આશીર્વાદ આપ્યો. તે લોકોને મળતા જ શું કહેશે અને શાની ચર્ચા કરશે એની તેમણે અગાઉથી તૈયારી કરી. એનાથી તેમણે એક એવા માણસ સાથે બાઇબલમાંથી ચર્ચા કરી, જેને લોકોના બદલાઈ રહેલા સ્વભાવની ખૂબ ચિંતા થતી હતી. ટ્રેનમાં જ આ ભાઈ સાથે ઘણી મુલાકાતો થઈ, અને ધીમે ધીમે તે બાઇબલ શીખવા લાગ્યા. ખરેખર, યહોવાહે આ ભાઈની મહેનત પર આશીર્વાદ આપ્યો!

જો તમે પણ આ જ રીતે ખંતથી, સખત મહેનતથી યહોવાહને શોધતા રહેશો તો, તે તમને ચોક્કસ આશીર્વાદ આપશે. યહોવાહે સોંપેલું કોઈ પણ કામ તમે પૂરા તન-મનથી કરશો તો, યહોવાહ પોતાનો હેતુ પાર પાડવા માટે ચોક્કસ તમારો ઉપયોગ કરશે. એટલું જ નહિ, પણ યહોવાહ તમારું જીવન આશીર્વાદોથી ભરી દેશે.

[પાન ૨૬ પર ચિત્ર]

આ સ્ત્રીએ જો પ્રયત્ન ન કર્યા હોત તો શું થયું હોત?

[પાન ૨૭ પર ચિત્ર]

શું તમે યહોવાહના આશીર્વાદ માટે કાલાવાલા કરો છો?

[પાન ૨૮ પર ચિત્ર]

તમે કઈ રીતે બતાવી શકો કે યહોવાહને તમે પૂરા દિલથી શોધી રહ્યા છો?