સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગરીબો માટે આશા

ગરીબો માટે આશા

ગરીબો માટે આશા

સુ ખ્રિસ્ત પૃથ્વી પર હતા ત્યારે, તેમણે ઘણી રીતોએ ગરીબોને મદદ કરી. ઈસુના કાર્યોને નજરે જોનારાએ કહ્યું: “આંધળા દેખતા થાય છે, ને પાંગળા ચાલતા થાય છે, રક્તપિત્તીઓ શુદ્ધ કરાય છે, ને બહેરા સાંભળતા થાય છે, મૂએલા ઉઠાડાય છે, ને દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરાય છે.” (માત્થી ૧૧:૫) તેમ છતાં, આજે પણ લાખો લોકો ગરીબ છે. તેઓ વિષે શું? શું તેઓ કદી ગરીબીમાંથી બહાર નીકળી શકશે? હા, તેઓ માટે આશા છે.

મોટા ભાગે લોકો ગરીબોને નકામા ગણે છે. પરંતુ, બાઇબલ વચન આપે છે કે “દરિદ્રીને હમેશાં ભૂલી જવામાં આવશે નહિ, અને ગરીબોની અપેક્ષા સદા નિષ્ફળ થશે નહિ.” (ગીતશાસ્ત્ર ૯:૧૮) પરંતુ આ ક્યારે બનશે? પરમેશ્વરની સરકાર આવશે ત્યારે. એ હાલની માનવ સરકારને કાઢી નાખશે. (દાનીયેલ ૨:૪૪) પરમેશ્વરની સરકારના રાજા ઈસુ, ‘અબળ તથા દરિદ્રી ઉપર દયા કરશે, તે દરિદ્રીઓનું તારણ કરશે. જુલમ તથા હિંસામાંથી તે તેઓને છોડાવશે; તેની દૃષ્ટિમાં તેઓનું રક્ત મૂલ્યવાન થશે.’—ગીતશાસ્ત્ર ૭૨:૧૩, ૧૪.

ઈસુ પૃથ્વી પર રાજ કરશે ત્યારે કેવું જીવન હશે? બાઇબલ મીખાહ ૪:૩, ૪માં કહે છે કે આપણે ‘સર્વ પોતપોતાના દ્રાક્ષાવેલા તળે તથા પોતપોતાની અંજીરી તળે બેસીશું; અને કોઈ તમને બીવડાવશે નહિ; કેમકે યહોવાહના મુખમાંથી એ વચન નીકળ્યું છે.’ અરે, પરમેશ્વરનું રાજ્ય બીમારીઓ અને મરણને પણ કાઢી નાખશે. (યશાયાહ ૨૫:૮) ત્યારે કેવું સરસ જીવન હશે! પરમેશ્વરે પોતે આ વચનો બાઇબલમાં લખાવ્યાં છે. તેથી આપણે એમાં પૂરો ભરોસો રાખી શકીએ.

બાઇબલ એ પણ સમજાવે છે કે દરરોજની મુશ્કેલીઓનો આપણે કઈ રીતે સામનો કરી શકીએ. દાખલા તરીકે ગરીબીના લીધે ઘણા લોકો પોતાને નકામા ગણતા હોય છે. પરંતુ, બાઇબલમાંથી તેઓને ખબર પડશે કે પરમેશ્વરની નજરમાં ધનવાન કે ગરીબ બંને મૂલ્યવાન છે. બાઇબલમાં અયૂબનું પુસ્તક બતાવે છે, પરમેશ્વર “ગરીબોને પડતા મૂકીને તે પૈસાદારો પર વધારે ધ્યાન આપતા નથી. કેમ કે તે સર્વ તેમનું પોતાનું સર્જન છે.” (અયૂબ ૩૪:૧૯, IBSI) પરમેશ્વર અમીર-ગરીબ બંનેને પ્રેમ કરે છે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫.