સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહમાં ભરોસો રાખો

યહોવાહમાં ભરોસો રાખો

યહોવાહમાં ભરોસો રાખો

“હે પ્રભુ યહોવાહ, તું મારી આશા છે; મારી જુવાનીથી હું તારો ભરોસો રાખું છું.” —ગીતશાસ્ત્ર ૭૧:૫.

૧. દાઊદ કોની સામે લડાઈ કરવા ગયો?

 કદાવર ગોલ્યાથની ઊંચાઈ લગભગ નવ ફૂટની હતી. ઘણા અઠવાડિયાઓથી, સવાર સાંજ તે ઈસ્રાએલીઓને લલકારતો હતો કે, ‘મારા જેવા કોઈને લડાઈમાં મોકલો.’ પરંતુ, ઈસ્રાએલીઓ ગોલ્યાથ સાથે લડાઈ કરવા બીતા હતા. છેવટે, એક વ્યક્તિ ઊભી થઈ. શું તે શૂરવીર યોદ્ધા હતો? ના, તે એક ફૂટડો યુવાન હતો. ઘેટાંપાળક દાઊદ ગોલ્યાથની સરખામણીમાં તો બચ્ચું જ હતો. અરે, દાઊદનું વજન ગોલ્યાથના બખતર અને હથિયાર કરતાં પણ ઓછું હતું. તેમ છતાં, હિંમતવાન દાઊદે ગોલ્યાથને હરાવ્યો. એ બનાવને કોઈ ભૂલશે નહિ.—૧ શમૂએલ ૧૭:૧-૫૧.

૨, ૩. (ક) શા માટે દાઊદ હિંમતથી ગોલ્યાથનો સામનો કરી શક્યા? (ખ) યહોવાહમાં ભરોસો દૃઢ કરવા આપણે શું કરવું જોઈએ?

આવી હિંમત દાઊદને ક્યાંથી મળી? તેમણે પાકી ઉંમરે લખ્યું: “હે પ્રભુ યહોવાહ, તું મારી આશા છે; મારી જુવાનીથી હું તારો ભરોસો રાખું છું.” (ગીતશાસ્ત્ર ૭૧:૫) દાઊદને યહોવાહમાં પૂરેપૂરો ભરોસો હતો. તેણે ગોલ્યાથનો સામનો કરતા કહ્યું: “તું તરવાર, ભાલો ને બરછી લઇને મારી સામે આવે છે; પણ હું સૈન્યોનો યહોવાહ, ઈસ્રાએલનાં સૈન્યોનો દેવ, જેનો તેં તિરસ્કાર કર્યો છે, તેને નામે તારી સામે આવું છું.” (૧ શમૂએલ ૧૭:૪૫) આમ, દાઊદનો ભરોસો યહોવાહમાં હતો. પરંતુ, ગોલ્યાથનો ભરોસો પોતાની શક્તિ અને હથિયારોમાં હતો. ગોલ્યાથ ભલે ગમે તેટલો રાક્ષસી કદનો કેમ ન હોય, પરંતુ, દાઊદની સાથે વિશ્વના બનાવનાર યહોવાહ હતા. આથી, દાઊદને ડરવાને કોઈ કારણ જ ન હતું!

દાઊદ વિષે વાંચીને શું તમે પણ યહોવાહમાં તમારો ભરોસો દૃઢ કરવા ઇચ્છો છો? હા, ચોક્કસ. તેથી, ચાલો આપણે બે મહત્ત્વની બાબતો વિષે વિચારીએ. સૌ પ્રથમ, શા માટે આપણે પોતાના વિચારોમાં ફેરફારો કરવા જોઈએ. બીજું, યહોવાહમાં ભરોસો મૂકવાનો શું અર્થ થાય.

પોતાના વિચારોમાં ફેરફારો કરો

૪, ૫. શા માટે ઘણા લોકો યહોવાહમાં ભરોસો મૂકતા ખચકાય છે?

શા માટે ઘણા લોકો પરમેશ્વરમાં ભરોસો મૂકતા ખચકાય છે? કેમ કે તેઓ ગૂંચવાતા હોય છે કે, ‘ઈશ્વર શા માટે આવી ખરાબ બાબતો ચલાવા દે છે?’ ધર્મગુરુઓ એવું શીખવે છે કે આફતો પાછળ ઈશ્વરનો જ હાથ છે. વળી, કોઈ મરણ પામે છે ત્યારે તેઓ કહે છે, ‘ઈશ્વર સારા લોકોને પોતાની પાસે બોલાવી લે છે.’ વધુમાં, ઘણા ગુરુઓ શીખવે છે કે, ‘જગતમાં જે કંઈ બને છે એ બધું ઈશ્વરે પહેલેથી જ નસીબમાં લખી લીધું છે.’ જો પરમેશ્વર ખરેખર પથ્થર દિલના હોય, તો તેમનામાં ભરોસો મૂકવો મુશ્કેલ થશે! પરંતુ, શેતાન ઈશ્વર વિષે આ બધા જૂઠણો શીખવે છે. તેણે “ભૂતોના ઉપદેશ” ફેલાવીને લોકોના મનને આંધળા કરી નાખ્યા છે.—૧ તીમોથી ૪:૧; ૨ કોરીંથી ૪:૪.

શેતાન ઇચ્છતો નથી કે લોકો યહોવાહમાં ભરોસો મૂકે. આથી, આપણે શા માટે દુઃખ સહન કરી રહ્યા છીએ, એ સત્ય તે લોકોથી છૂપાવે છે. વળી, જો આપણે એ સત્ય જાણતા હોય તો, પણ તે આપણા મનમાંથી રબરની જેમ એને ધીમે ધીમે ભૂંસી નાખવા માંગે છે. તેથી, આપણે અવારનવાર યાદ કરવું જોઈએ કે શા માટે આપણે દુઃખો સહન કરી રહ્યા છીએ. એના મુખ્ય ત્રણ કારણો જાણવાથી આપણને ખાતરી થશે કે દુઃખો યહોવાહના લીધે આવતા નથી.—ફિલિપી ૧:૯, ૧૦.

૬. આપણા પર ૧ પીતર ૫:૮ પ્રમાણે શા માટે સતાવણી આવે છે?

પહેલાં આપણે યાદ રાખવું જોઈએ કે શેતાન જ માનવીઓ પર દુઃખો લાવે છે. તે આપણને ગેરમાર્ગે દોરીને યહોવાહને બેવફા કરવા માગે છે. એક સમયે, તેણે અયૂબની વફાદારી તોડવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તે જીત્યો નહિ. તેથી તે વધારે પ્રયત્ન કરે છે. તે સિંહની જેમ આપણને “ગળી જવાને” શોધતો ફરે છે. (૧ પીતર ૫:૮) યહોવાહની સેવા કરતા અટકાવવા, શેતાન આપણા પર સતાવણી લાવે છે! શા માટે? કેમ કે શેતાને આરોપ મૂક્યો કે જો આપણા પર સતાવણી આવે તો, આપણે ચોક્કસ યહોવાહની સેવા કરવાનું છોડી દઈશું. પરંતુ, જો આપણે યહોવાહને વફાદાર રહીશું તો, આપણે શેતાનને જૂઠો પુરવાર કરીએ છીએ. જોકે સતાવણી સહન કરવી કંઈ નાનીસૂની વાત નથી, પણ એમ કરવાથી આપણે યહોવાહના હૃદયને આનંદ પમાડીએ છીએ. (અયૂબ ૨:૪; નીતિવચનો ૨૭:૧૧) યહોવાહ તમને સતાવણી સહન કરવા શક્તિ આપે છે તેમ, તેમના પર તમારો વિશ્વાસ વધતો જશે.—ગીતશાસ્ત્ર ૯:૯, ૧૦.

૭. ગલાતી ૬:૭માં મુશ્કેલીઓનું બીજું કયું કારણ બતાવવામાં આવ્યું છે?

આજે આપણે સહન કરી રહ્યા છે એનું બીજું કારણ આપણને ગલાતી ૬:૭માં જોવા મળે છે. એ કલમ કહે છે, “કોઈ માણસ જે કંઈ વાવે તેજ તે લણશે.” લોકો અમુક વાર ખોટા નિર્ણયો લે છે, અથવા વાવે છે. અને છેવટે તેઓ કડવું જ ફળ લણે છે. જેમ કે, ઘણા બેફિકર બનીને ડ્રાઈવ કરતા હોય છે, પરિણામે અકસ્માતનો ભોગ બને છે. ઘણા સિગારેટો ફૂંકે છે, તેથી તેઓ હૃદય રોગ અને કેન્સરના ભોગ બને છે. અરે, ઘણા તો અનૈતિક જીવન જીવવાનું પસંદ કરીને પોતાનું જીવન બરબાદ કરી નાખે છે. તેઓને પોતાની કોઈ ઇજ્જત રહેતી નથી. તેમ જ તેઓ સેક્સથી ફેલાતા રોગનો ભોગ બને છે, અને ઘણી છોકરીઓ પ્રેગ્‍નન્ટ બને છે. આવી બાબતો માટે પણ લોકો પરમેશ્વરને જ દોષ આપે છે. પરંતુ, ખરેખર તો તેઓ પોતાના પગ પર કુહાડો મારે છે.—નીતિવચનો ૧૯:૩.

૮. સભાશિક્ષક ૯:૧૧ પ્રમાણે શા માટે મુશ્કેલીઓ આવી પડે છે?

દુઃખોનું ત્રીજું કારણ સભાશિક્ષક ૯:૧૧માં જોવા મળે છે: “હું પાછો ફર્યો તો પૃથ્વી પર મેં એવું જોયું કે શરતમાં વેગવાનની અને યુદ્ધમાં બળવાનની જીત થતી નથી, તેમ જ વળી બુદ્ધિમાનને રોટલી મળતી નથી, ને વળી સમજણાને દ્રવ્ય પણ મળતું નથી, તેમ જ ચતુર પુરુષો પર રહેમનજર હોતી નથી, પણ [અણધાર્યા બનાવો દરેકને અસર કરે છે NW].” હા, અમુક સમયે, લોકોએ ધાર્યું ન હોય એવી કોઈ આફતના ભોગ બને છે. ભલે આપણે ગમે તેટલા તંદુરસ્ત હોઈએ, દુઃખ અને મરણ તો આપણા પર ગમે ત્યારે આવી પડે છે. દાખલા તરીકે, ઈસુના સમયમાં યરૂશાલેમનો બુરજ તૂટી પડ્યો અને ૧૮ લોકો મરી ગયા. ઈસુએ બતાવ્યું કે પરમેશ્વર તેઓના પાપની સજા કરી રહ્યા ન હતા. (લુક ૧૩:૪) આથી, કોઈ પણ મુશ્કેલી માટે યહોવાહનો વાંક કાઢવો જોઈએ નહિ.

૯. ઘણા લોકોના મનમાં કયો પ્રશ્ન ઘૂંટાતો હોય છે?

આપણે જોયું તેમ યહોવાહ આપણા પર દુઃખો લાવતા નથી. તેમ છતાં, ઘણા લોકો સમજી શકતા નથી કે, ‘યહોવાહ શા માટે દુઃખો ચાલવા દે છે?’

‘હે પરમેશ્વર ક્યાં સુધી?’

૧૦, ૧૧. (ક) રૂમી ૮:૧૯-૨૨ અનુસાર, ‘આખી સૃષ્ટિને’ શું થયું? (ખ) કોણે ‘સૃષ્ટિને નિરુપયોગી’ કરી? સમજાવો.

૧૦ ઈશ્વર શા માટે દુઃખોને ચાલવા દે છે? પ્રેષિત પાઊલ રૂમીઓને જવાબ આપતા લખ્યું: “ઈશ્વર પોતાના પુત્રોને પ્રગટ કરે તે માટે આખી સૃષ્ટિ આતુરતાથી રાહ જુએ છે. સૃષ્ટિને તેની પોતાની ઇચ્છાથી નહિ, પણ ઈશ્વરની ઇચ્છાથી સજારૂપે નિરુપયોગી કરવામાં આવી. છતાં, સૃષ્ટિ પોતે પણ એક દિવસે દુષણ ફેલાવનારી ગુલામીમાંથી મુક્ત થશે, અને ઈશ્વરના પુત્રો સાથે મહિમાવંત સ્વતંત્રતાની ભાગીદાર થશે એવી આશા હતી. અત્યારે તો સમગ્ર સૃષ્ટિ પ્રસૂતિની વેદના જેવી વેદના ભોગવી રહી છે.”—રોમનો ૮:૧૯-૨૨, પ્રેમસંદેશ.

૧૧ આ કલમોને સમજવા માટે, આપણે પહેલા જાણવાની જરૂર છે કે, કોણે સૃષ્ટિને “નિરુપયોગી” કરી છે? કેટલાક કહે છે શેતાન તો, વળી કેટલાક આદમ. પરંતુ, આ બંનેમાંથી કોઈ પણ એમ કરી શકતા નથી. શા માટે? કારણ કે ‘સૃષ્ટિને નિરુપયોગી’ કરનારે “આશા” પણ આપી છે. એ આશાથી વિશ્વાસુ લોકો એક દિવસ “દુષણ ફેલાવનારી ગુલામીમાંથી મુક્ત” થશે. શું આદમ કે શેતાન લોકોને આવી આશા આપી શકે? ના, ફક્ત યહોવાહ જ આપી શકે. તેથી, કહી શકાય કે તેમણે જ ‘સૃષ્ટિને નિરુપયોગી’ કરી હતી.

૧૨. ‘આખી સૃષ્ટિમાં’ કોનો સમાવેશ થયા છે?

૧૨ આ કલમોમાં બતાવવામાં આવેલી “આખી સૃષ્ટિ” શું છે? કેટલાક કહે છે કે ‘આખી સૃષ્ટિમાં’ પ્રાણીઓ અને ઝાડ-પાનનો પણ સમાવેશ થાય છે. પરંતુ, શું પ્રાણીઓ અને ઝાડ-પાન “ઈશ્વરના પુત્રો સાથે મહિમાવંત સ્વતંત્રતા” મેળવવાની આશા રાખી શકે? ના, જરાય નહિ. (૨ પીતર ૨:૧૨) આથી, “આખી સૃષ્ટિ” ફક્ત માણસજાતને જ લાગુ પડે છે. કારણ કે આદમ અને હવા, યહોવાહની આજ્ઞા તોડીને માણસજાત પર પાપ અને મરણ લાવ્યા. તેથી, સર્વને આશાની જરૂરત છે.—રૂમીઓને પત્ર ૫:૧૨.

૧૩. પાપના લીધે માણસજાત પર કેવી અસર પડી?

૧૩ આદમ અને હવાના પાપનું પરિણામ શું હતું? પ્રેષિત પાઊલે કહ્યું કે મનુષ્ય “નિરુપયોગી” બની ગયા. એક ગુજરાતી શબ્દ કોશ પ્રમાણે આનો અર્થ આ છે: ‘જેનો ઉપયોગ રહ્યો ન હોય એવું, નકામું, વ્યર્થ કે નિરર્થક.’ યહોવાહે આદમ અને હવાને પાપ વગર બનાવ્યા હતા. તેમની ઇચ્છા હતી કે સર્વ માણસજાત હંમેશાં સંપથી રહીને આ સુંદર પૃથ્વીની કાળજી રાખે. પરંતુ, એના બદલે, માણસજાત ટૂંકુ, દુઃખોથી ભરેલું અને નકામું જીવન જીવે છે. અયૂબે કહ્યું: “માણસ કેવો નિર્બળ છે. તેના દિવસો અલ્પ છે. તેનું જીવન મુસીબતોથી ભરેલું છે.” (અયૂબ ૧૪:૧, IBSI) ખરેખર આશા વગર માણસનું જીવનું કેવું નિરર્થક છે!

૧૪, ૧૫. (ક) શા માટે આપણે કહી શકીએ કે યહોવાહે મનુષ્યને ન્યાયી શિક્ષા આપી હતી? (ખ) શા માટે પાઊલે કહ્યું કે સૃષ્ટિ “પોતાની ઇચ્છાથી” નિરુપયોગી નથી?

૧૪ શા માટે ‘પૃથ્વીના ન્યાયાધીશે’ માણસજાતને નિરર્થક અને દુઃખોથી ભરેલું જીવન જીવવા દીધા? (ઉત્પત્તિ ૧૮:૨૫) શું આમ કરીને તેમણે ન્યાય બતાવ્યો? હા, આપણા પ્રથમ માબાપે શું કર્યું એ યાદ કરો. તેઓએ પરમેશ્વરની આજ્ઞા તોડીને શેતાનને રાજા બનાવ્યો. આમ તેઓએ શેતાનના હાથની કઠપૂતળી બનવાનું વધારે પસંદ કર્યું. એ કારણે, યહોવાહે તેઓને શેતાનના હાથમાં છોડી દીધા. આવા સંજોગોમાં, યહોવાહે માણસજાતને સજા આપી અને તેઓ નિરુપયોગી બન્યા. પરંતુ, તેમણે મનુષ્યને આશા પણ આપી. ખરેખર, યહોવાહે સૌથી ન્યાય નિર્ણય લીધો.

૧૫ દયાના લીધે યહોવાહે આદમ અને હવાને તરત જ મારી ન નાખ્યા. જેથી, તેઓ પોતાનું કુટુંબ વધારી શક્યા. આમ, મનુષ્ય “પોતાની ઇચ્છાથી” નિરુપયોગી ન બન્યા, પણ આદમ અને હવાના લીધે જન્મથી પાપના ફાંદામાં ફસાઈ ગયા. જોકે આપણે તેમના વંશજો છીએ છતાં, આપણે યહોવાહને આપણા માલિક તરીકે ઓળખી શકીએ. આમ આપણે બતાવીએ છીએ કે માણસના રાજથી ફક્ત દુઃખો અને તકલીફો આવે છે. પરંતુ, યહોવાહ હંમેશાં ન્યાયી છે અને સારૂ જ કરે છે. વળી, તેમના સિવાય બીજું કોઈ રાજ કરી શકતું નથી. (યિર્મેયાહ ૧૦:૨૩; પ્રકટીકરણ ૪:૧૧) આપણે જાણીએ છીએ કે શેતાનના રાજથી, જીવન વધારેને વધારે ખરાબ થતું જાય છે.—સભાશિક્ષક ૮:૯.

૧૬. (ક) શું આજે આપણે યહોવાહના લીધે દુઃખો ભોગવી રહ્યા છે? સમજાવો. (ખ) વિશ્વાસુ માણસો માટે યહોવાહે કઈ આશા આપી છે?

૧૬ આથી યહોવાહ માણસજાતને નિરુપયોગી કરે એમાં કંઈ ખોટું ન હતું. તો શું એનો અર્થ એમ છે પરમેશ્વરના લીધે આજે આપણે દુઃખ તકલીફો ભોગવી રહ્યા છીએ? કલ્પના કરો કે ન્યાયાધીશ એક ગુનેગારને સજા ફટકારે અને તે જેલમાં જાય. શું તે ગુનેગાર, ન્યાયાધીશનો વાંક કાઢશે કે તેના લીધે પોતે આ દુઃખ ભોગવી રહ્યો છે? બિલકુલ નહિ. વધુમાં, યહોવાહ કદી દુષ્ટતા ચલાવી લેતા નથી. યાકૂબ ૧:૧૩ બતાવે છે: “દુષ્ટતાથી દેવનું પરીક્ષણ થતું નથી, અને તે કોઈને પરીક્ષણમાં નાખતો પણ નથી.” એ પણ યાદ રાખો કે યહોવાહે “આશા” આપીને મનુષ્યને સજા ફટકારી. યહોવાહે પ્રેમના લીધે ગોઠવણો કરી જેથી મનુષ્ય હંમેશાં નિરુપયોગીમાં જીવતા ન રહે. આમ, જેઓ તેમના પર વિશ્વાસ મૂકે તેઓ ‘ઈશ્વરના પુત્રો તરીકે મહિમાવંત સ્વતંત્રતા’ મેળવે છે. માણસજાત ફરી કદી મોતના કૂવામાં ધકેલાશે નહિ. યહોવાહ હંમેશ માટે બતાવી આપશે કે ફક્ત તે વિશ્વના રાજા છે.—યશાયાહ ૨૫:૮.

૧૭. ચાલી રહેલી દુષ્ટતાના કારણો તપાસ્યા પછી આપણા પર કેવી અસર પડવી જોઈએ?

૧૭ માણસજાત શા માટે દુઃખ સહન કરી રહ્યા છે, એના કારણો આપણે તપાસ્યા છે. ખરેખર, એમાં યહોવાહનો કોઈ વાંક નથી. તેથી આપણે તેમના પર પૂરો વિશ્વાસ મૂકવો જોઈએ. આપણે મુસાની જેમ યહોવાહ વિષે કહેવું જોઈએ કે “તે તો ખડક છે, તેનું કામ સંપૂર્ણ છે; કેમકે તેના સર્વ માર્ગો ન્યાયરૂપ છે; વિશ્વાસુ તથા સત્ય દેવ, તે ન્યાયી તથા ખરો છે.” (પુનર્નિયમ ૩૨:૪) આપણે આ બાબતો પર વારંવાર વિચાર કરવો જોઈએ. આમ, જ્યારે આપણા પર સતાવણી આવે ત્યારે, શેતાને આપણા મનમાં શંકાના બી રોપી શકશે નહિ. ખરેખર, વિચારોમાં ફેરફારો કરવાથી, યહોવાહમાં આપણો વિશ્વાસ વધુ દૃઢ બની શકે છે. પરંતુ, શરૂઆતમાં બતાવેલું તેમ, યહોવાહમાં ભરોસો મૂકવાનો અર્થ શું થાય છે?

કઈ રીતે યહોવાહમાં ભરોસો મૂકી શકીએ?

૧૮, ૧૯. બાઇબલ પ્રમાણે યહોવાહમાં ભરોસો રાખવાનો અર્થ શું થાય છે? પરંતુ એ વિષે લોકો શું માને છે?

૧૮ બાઇબલ આપણને જણાવે છે: “તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે.” (નીતિવચનો ૩:૫, ૬) આ શબ્દો ખરેખર ઉત્તેજન આપનાર છે. યહોવાહ સિવાય બીજું કોઈ નથી કે જેના પર ભરોસો રાખી શકાય. તેમ છતાં, આ કલમો વાંચવી તો સહેલી છે, પરંતુ એ પ્રમાણે કરવું મુશ્કેલ છે.

૧૯ ઘણા લોકો ઇશ્વરમાં ભરોસો મૂકવાનો ખોટો અર્થ સમજે છે. તેઓ વિચારે છે કે આવો ભરોસો આપમેળે દિલમાં આવે છે. બીજા લોકો માને છે કે ઇશ્વરમાં શ્રદ્ધા મૂકવાથી તે દરેક દુઃખ તકલીફમાંથી આપણને તરત જ બચાવે. પરંતુ, આવી માન્યતા પણ ખોટી છે. ઈશ્વર પર વિશ્વાસ મૂકવાનો અર્થ એ નથી કે આપણે અંધશ્રદ્ધામાં માનીએ. ના, આપણે ઈશ્વર વિષે સમજી વિચારીને તેમના પર વિશ્વાસ મૂકવો જોઈએ.

૨૦, ૨૧. યહોવાહમાં ભરોસો રાખવાનો શું અર્થ થાય છે એ સમજાવો.

૨૦ નીતિવચનો ૩:૫ કહે છે કે, ‘યહોવાહ પર ભરોસો રાખવો અને પોતાની અક્કલ પર આધાર રાખવો’ એ બંને શક્ય નથી. શું એનો અર્થ એમ થાય છે કે આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ ન કરવો જોઈએ? ના, કેમ કે યહોવાહે આપણને બુદ્ધિ આપી છે. તેથી, તે ઇચ્છે છે કે આપણે એનો ઉપયોગ કરીને તેમની સેવા કરીએ. (રૂમીઓને પત્ર ૧૨:૧) પરંતુ, આપણે શાના પર આધાર રાખવો જોઈએ? જો તમે કોઈ બાબત વિષે એક રીતે જુએ છો, પણ યહોવાહ બીજી રીતે જુએ છે, તો તમે શું કરશો? શું તમે કહેશો કે યહોવાહ ખરા છે કેમ કે તેમના જેવા કોઈ બુદ્ધિમાન નથી? (યશાયાહ ૫૫:૮, ૯) યહોવાહમાં ભરોસો રાખવાનો અર્થ થાય છે કે આપણે તેમના વિચારો પ્રમાણે ચાલીએ.

૨૧ દાખલા તરીકે, એક નાના છોકરો પોતાના પપ્પાના મોટરબાઈક પર બેઠો છે. તેના પપ્પા બાઈક ચલાવી રહ્યા છે. મુસાફરી દરમિયાન રસ્તા કે હવામાનના લીધે કંઈ મુશ્કેલી આવે તો, શું છોકરો પપ્પા પર ભરોસો નહિ રાખે? શું એ પાછળ બેઠો બેઠો કહેશે કે તેના પપ્પાએ કઈ રીતે બાઈક ચલાવવું જોઈએ? શું તેના પપ્પાના ડ્રાઈવીંગ પર તે ડાઉટ કરશે? ના, બિલકુલ નહિ. તે તેના પપ્પામાં પૂરેપૂરો ભરોસો રાખે છે. તોપણ, તેના પપ્પા ભૂલ કરી શકે, જ્યારે કે યહોવાહ તો સંપૂર્ણ છે. તોપછી, આપણે મુશ્કેલીઓનો સામનો કરતા હોઈએ ત્યારે શું આપણે યહોવાહમાં પૂરેપૂરો ભરોસો ન રાખવો જોઈએ?—યશાયાહ ૩૦:૨૧.

૨૨, ૨૩. (ક) આપણે મુશ્કેલીઓના સમયમાં શા માટે યહોવાહમાં ભરોસો રાખવો જોઈએ? આપણે એ કેવી રીતે બતાવી શકીએ? (ખ) હવે પછીના લેખમાં શાની ચર્ચા કરીશું?

૨૨ નીતિવચનો ૩:૬ બતાવે છે કે આપણે મુશ્કેલીમાં હોય ત્યારે જ નહિ, પણ હંમેશાં યહોવાહના માર્ગને ધ્યાનમાં લેવા જોઈએ. આપણા રોજબરોજના નિર્ણયમાં પણ બતાવવું જોઈએ કે આપણે યહોવાહમાં ભરોસો રાખીએ છીએ. મુશ્કેલીઓ ઉભી થાય ત્યારે, આપણે જરાય ડરવું જોઈએ નહિ. પરંતુ, હંમેશાં યહોવાહના માર્ગદર્શન પર આધાર રાખવો જોઈએ. આવી રીતે આપણે બતાવીએ છીએ કે યહોવાહ આપણા માલિક છે અને શેતાન જૂઠો છે. વળી, મુશ્કેલીઓ સહીને આપણે એવા ગુણો વિકસાવી છીએ જેથી યહોવાહ ખુશ થાય છે.—હેબ્રી ૫:૭, ૮.

૨૩ ભલે આપણા માર્ગમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે છતાં, આપણે યહોવાહ પર પૂરેપૂરો ભરોસો બતાવી શકીએ. યહોવાહ પાસે પ્રાર્થનામાં તેમ જ બાઇબલ અને તેમના સંગઠન પાસે માર્ગદર્શન મેળવવું જોઈએ. ખાસ કરીને, આજના મુશ્કેલીભર્યું જગતમાં કઈ રીતે યહોવાહમાં ભરોસો બતાવી શકીએ? એની હવે પછીના લેખમાં ચર્ચા કરવામાં આવશે.

તમે કેવો જવાબ આપશો?

• દાઊદે યહોવાહમાં ભરોસો કઈ રીતે બતાવ્યો?

• આજના દુઃખોના મુખ્ય ત્રણ કારણો કયા છે? અને શા માટે અવારનવાર એના પર ધ્યાન આપવું મહત્ત્વનું છે?

• યહોવાહે માણસજાતને કઈ શિક્ષા ફટકારી અને શા માટે એ ન્યાયી શિક્ષા હતી?

• યહોવાહમાં ભરોસો રાખવાનો શું અર્થ થાય છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૮ પર ચિત્ર]

દાઊદે યહોવાહમાં ભરોસો રાખ્યો

[પાન ૧૦ પર ચિત્ર]

ઈસુએ સમજાવ્યું કે યરૂશાલેમનો બુરજ યહોવાહના લીધે પડી ગયો ન હતો