સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહ હંમેશાં આપણી કાળજી રાખે છે

યહોવાહ હંમેશાં આપણી કાળજી રાખે છે

મારો અનુભવ

યહોવાહ હંમેશાં આપણી કાળજી રાખે છે

એનેલેસ મંઝાનના જણાવ્યા પ્રમાણે

એ ૧૯૭૨નું વર્ષ હતું. એક દિવસ મલાવીના આર્મીના દસ યુવાનોનું ટોળું બળજબરીથી અમારા ઘરમાં ઘૂસી આવ્યું. પછી તેઓ મને ઘસડીને શેરડીના ખેતરોમાં લઈ ગયા. ત્યાં તેઓએ મને ઢોર માર માર્યો કે હું બેભાન થઈ ગઈ.

મલાવીમાં ઘણા યહોવાહના સાક્ષીઓ પર પણ આવો હુમલો કરવામાં આવ્યો હતો. શા માટે આવી રીતે સતાવવામાં આવતા? આવો જુલમ તેઓ કઈ રીતે સહી શક્યા? ચાલો હું તમને મારો અનુભવ કહું.

મારો જન્મ ડિસેમ્બર ૩૧, ૧૯૨૧માં થયો હતો. મારું કુટુંબ ખૂબ ધાર્મિક હતું. મારા પપ્પા પ્રોટેસ્ટંટ ચર્ચના પાદરી હતા. મલાવીની રાજધાની લીલૉન્ગવે નજીકના ઍનખોમ ગામડામાં હું મોટી થઈ. હું પંદર વર્ષની હતી ત્યારે જ મારું લગ્‍ન થઈ ગયું. મારા પતિનું નામ ઍમાસ મંઝાન હતું.

મારા પપ્પાના એક મિત્ર પણ પાદરી હતા. તે એક દિવસ અમારા ઘરે આવ્યા. તેમણે જોયું કે અમારા ઘરની આજુબાજુ યહોવાહના સાક્ષીઓ રહે છે. એટલે તેમણે તરત જ અમને ચેતવ્યા કે અમારે તેઓની સાથે ક્યારેય ભળવું જોઈએ નહિ. તેમણે કહ્યું: ‘યહોવાહના સાક્ષીઓને ભૂત વળગ્યું છે. તેથી, જો ભૂલથી પણ તમે તેઓની સાથે વાતચીત કરશો તો, તમને પણ ભૂત વળગશે.’ એ સાંભળીને અમે એટલા ગભરાઈ ગયા કે અમે તરત જ બીજા ગામમાં રહેવા જતા રહ્યા. ત્યાં મારા પતિ ઍમાસને દુકાનમાં નોકરી મળી ગઈ. પરંતુ, થોડા જ દિવસોમાં જાણવા મળ્યું કે અમારા આ નવા ઘરની આસપાસ પણ યહોવાહના સાક્ષીઓ રહે છે!

મારા પતિને બાઇબલમાં બહુ રસ હોવાથી તેમણે યહોવાહના સાક્ષીઓ સાથે વાત કરી. તેમને પોતાના પ્રશ્નોના જવાબ મળ્યા આથી, તે સાક્ષીઓ સાથે બાઇબલમાંથી વધારે શીખવા તૈયાર થઈ ગયા. પહેલાં તેઓ દુકાનમાં જ બાઇબલ વિષે શીખતા હતા. પણ થોડા સમય પછી તેઓ અઠવાડિયામાં એક વાર ઘરમાં જ અભ્યાસ કરવા લાગ્યા. સાક્ષીઓ આવતા ત્યારે હું ઘરમાંથી બહાર જતી રહેતી. કેમ કે મને તેઓની બહુ બીક લાગતી હતી. તોપણ, ઍમાસ બાઇબલનો અભ્યાસ કરતા હતા. લગભગ છ મહિના પછી તેમણે પણ પ્રચાર કરવાનું શરૂ કર્યું અને એપ્રિલ ૧૯૫૧માં બાપ્તિસ્મા લીધું. જોકે, એ વિષે તેમણે મને ગંધ પણ આવવા દીધી ન હતી. કેમ કે તેમને બીક હતી કે જો તે કંઈ કહેશે તો હું તેમને છોડીને અલગ રહેવા જતી રહીશ.

મુશ્કેલીભર્યાં અઠવાડિયા

એક દિવસ મારી બહેનપણી, ઍલૅન કાડઝલૅરૉએ મને કહ્યું કે ‘તારો પતિ ઍમાસ યહોવાહનો સાક્ષી બની ગયો છે!’ હું ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ! એ દિવસથી મેં તેમની સાથે બોલવાનું બંધ કરી દીધું. એટલું જ નહિ તેમની માટે ખાવાનું પણ બનાવતી ન હતી. તેમ જ, હું તેમના માટે નાહવાનું પાણી પણ કૂવોમાંથી કાઢીને ગરમ કરતી ન હતી.

આમને આમ ત્રણ અઠવાડિયા સુધી ચાલ્યું. છેવટે, એક દિવસ ઍમાસે મને બેસાડીને પ્રેમથી વાત કરી. શા માટે તેમણે યહોવાહના સાક્ષી બનવાનો નિર્ણય લીધો એ કહ્યું. તેમણે મને ૧ કોરીંથી ૯:૧૬ જેવી અમુક કલમો વાંચી-સમજાવી. મને એટલી અસર થઈ કે મારે પણ શુભ સંદેશાનો પ્રચાર કરવો હતો. તેથી, મેં પણ સાક્ષીઓ પાસેથી બાઇબલ વિષે શીખવાનું નક્કી કર્યું. પછી, એ સાંજે મેં તેમના માટે એવું તો ખાવાનું બનાવ્યું કે તે આંગળીઓ ચાટતા રહી ગયા!

અમે કુટુંબ અને મિત્રોને સત્ય શીખવ્યું

અમારા માબાપને ખબર પડી કે અમે હવે યહોવાહના સાક્ષીઓ છીએ ત્યારે, તેઓએ અમારો ઘણો વિરોધ કર્યો. મારા કુટુંબે મને પત્ર લખીને કહ્યું કે ‘અમને હવે ક્યારેય તમારું મોં બતાવતા નહિ.’ આથી, અમને ઘણું દુઃખ થયું. પરંતુ અમને ઈસુના વચનમાં ભરોસો હતો. યહોવાહના મંડળમાં અમને ઘણા મા-બાપ અને ભાઈ-બહેનો મળ્યા હતા.—માત્થી ૧૯:૨૯.

બાઇબલ શીખીને મેં બહુ ઝડપથી પ્રગતિ કરી. મારા પતિએ બાપ્તિસ્મા લીધું એના સાડા ત્રણ મહિના પછી ઑગસ્ટ ૧૯૫૧માં મેં પણ બાપ્તિસ્મા લીધું. મેં મારી બહેનપણી ઍલૅનને પણ સત્ય વિષે જણાવ્યું. તે ખુશી ખુશી બાઇબલ વિષે શીખવા લાગી. મે, ૧૯૫૨માં ઍલૅને બાપ્તિસ્મા લીધું અને અમારી દોસ્તી વધુ ગાઢ થઈ. આજે પણ અમે દિલોજાન મિત્રો છીએ.

વર્ષ ૧૯૫૪માં ઍમાસ સરકીટ નિરીક્ષક બન્યા ત્યારે અમારાં છ બાળકો હતાં. એ વખતે, નિરીક્ષકોને બાળકો હોય તો, તેઓ એક અઠવાડિયું મંડળની મુલાકાત લેતા, અને બીજું અઠવાડિયું પરિવાર સાથે રહેતા. ઍમાસ મંડળની મુલાકાતે જતા ત્યારે, હું હંમેશા બાળકોને બાઇબલમાંથી શીખવતી. હું અને મારા પતિ એવો પ્રયત્ન કરતા કે અમારાં બાળકો બાઇબલ અભ્યાસમાંથી આનંદ માણે. અમે તેઓ સાથે યહોવાહ માટેના પ્રેમ અને બાઇબલ સત્યની પણ પૂરા દિલથી વાત કરતા. અમે કુટુંબ તરીકે સાથે પ્રચારમાં જતા. એ કારણે બાળકો યહોવાહમાં ખૂબ શ્રદ્ધા રાખવા લાગ્યા. તેથી, તેઓ ઘણી સતાવણી સહી શક્યા.

મુશ્કેલીઓ શરૂ થઈ

વર્ષ ૧૯૬૪માં મલાવી સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું. નવી સરકારને ખબર પડી કે અમે રાજકારણમાં ભાગ નથી લેતા. એટલે તેઓએ મત કાર્ડ ખરીદવાની અમને બળજબરી કરી. પરંતુ અમે કાર્ડ ખરીદવાની ના પાડી ત્યારે, યુવાનોનું ટોળું અમારા મકાઈના ખેતરોમાં ધસી આવ્યું. તેઓ મકાઈનો છુંદો કરતી વખતે આવું ગીત ગાતા: “અરે, ઓ સાંભળો તમે! જો મત નહિ આપો કામુઝુ બૅન્ડાને, તો કીડા આવીને ખાઈ જશે મકાઈ તમારી. તમે કાંઈ નહિ કરી શકો, પછી દુ:ખી હાલત થઈ જશે તમારી.” તેઓએ અમારો આવતા વર્ષનો પાક ઉજાડી દીધો તોપણ, અમે હિંમત ન હાર્યા. અમને ખબર હતી કે યહોવાહ અમારી કાળજી રાખશે અને સામર્થ્ય પૂરું પાડશે.—ફિલિપી ૪:૧૨, ૧૩.

એક દિવસે અમારી આકરી પરીક્ષા થઈ. એ ઑગસ્ટ, ૧૯૬૪નો દિવસ હતો. મોડી રાત્રે હું ઘરમાં મારાં બાળકો સાથે એકલી હતી. બાળકો ઊંઘતા હતા અને દૂરથી ગીતનો આવજ સાંભળીને હું ઝબકી ગઈ. એ અવાજ ગુલૅવૉમકુલુઓનો હતો. તેઓ ભૂવાઓની જેમ નાચતા અને લોકોને હેરાન કરતા હતા. તેઓ કહેતા કે તેઓમાં મુએલાઓનો આત્મા છે. તોફાની યુવાનીઓએ તેઓને અમારા પર હુમલો કરવા મોકલ્યા હતા. મેં તરત જ બાળકોને ઉઠાડ્યા અને તેઓ અમારા ઘર સુધી પહોંચે એ પહેલાં અમે જંગલમાં નાસી ગયા.

અમે સંતાયા હતા ત્યાંથી અમે આગની જ્વાળાઓ અને ધૂમાડાના ગોટેગોટા જોયા. ગુલૅવૉમકુલુઓએ અમારા ઘરને સળગાવી દીધું હતું. તેઓએ અમારું ઘર, અને બીજી બધી ઘરવખરી બાળી નાખી. આ હુમલાખોરો જતા જતા કટાક્ષમાં કહેતા હતા કે: “હવે આ સાક્ષીઓને રાતે ઠંડી નહીં લાગે.” તોપણ, અમે બચી ગયા. અમે યહોવાહનો ખૂબ ઉપકાર માન્યો! તેઓએ અમારા ખેતરની સાથે ઘર પણ ઉજ્જડ કરી દીધું હતું. પરંતુ, યહોવાહ પર ભરોસો રાખવાના અમારા દૃઢ નિશ્ચયને તેઓ તોડી શક્યા નહિ.—ગીતશાસ્ત્ર ૧૧૮:૮.

પછી અમને જાણવા મળ્યું કે ગુલૅવૉમકુલુઓએ અમારા વિસ્તારના બીજા પાંચ સાક્ષીઓના કુટુંબોની પણ એવી જ હાલાત કરી હતી. નજીકના મંડળમાંથી ભાઈઓ અમને બચાવવા આવ્યા ત્યારે, અમારી આંખોમાં ખુશીના આંસુ ધસી આવ્યા. અમે કયા શબ્દોમાં તેઓનો ઉપકાર માનીએ? તેઓએ અમારા માટે નવો ઘરો બાંધ્યા. તેમ જ, કેટલાક અઠવાડિયા સુધી અમને ખોરાક પણ પૂરો પાડ્યો.

સતાવણીની આગ પર ઘી ફેંકવામાં આવ્યું

સપ્ટેમ્બર, ૧૯૬૭માં આખા દેશમાંથી યહોવાહના સાક્ષીઓને જોરજુલમથી ભેગા કરવાની ઝુંબેશ થઈ. રાક્ષસ જેવા યુવાનો મોટી કુહાડીઓ લઈને ઘરે ઘરે સાક્ષીઓને શોધવા મંડ્યા. તેઓ ખૂબ જ ક્રૂર હતા. કોઈ પણ સાક્ષીને મળે ત્યારે, તેઓ મત કાર્ડ ખરીદવા બળજબરી કરતા.

એક દિવસ તેઓ મારા ઘરે આવ્યા. તેઓએ મને પૂછ્યું કે અમારી પાસે મત કાર્ડ છે કે કેમ. મેં જવાબ આપ્યો: “ના, મેં કાર્ડ ખરીદ્યું નથી. હું તમારી પાસેથી લેવાની નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય નહિ લઉં.” આ સાંભળીને તેઓ ગુસ્સાથી લાલપીળા થઈ ગયા. તેઓએ તરત મને અને મારા પતિને પકડીને પોલીસ સ્ટેશને લઈ ગયા. પછી અમારા નાના બાળકો સ્કૂલેથી ઘરે આવ્યા ત્યારે, અમને ન જોતા તેઓ ચિંતામાં પડી ગયા. પરંતુ, થોડા જ સમયમાં અમારો મોટો દીકરો દાનીયેલ ઘરે આવ્યો. તેણે પાડોશી પાસેથી જાણી લીધું કે શું થયું હતું. તરત જ, તે પોતાના નાના ભાઈ-બહેનોને લઈને પોલીસ સ્ટેશને આવ્યો. તેઓ આવ્યા ત્યારે પોલીસ અમને લીલૉન્ગ્વેમાં લઈ જવા ટ્રકમાં ચઢાવતી હતી. તેઓએ બાળકોને પણ અમારી સાથે ટ્રકમાં ચઢાવી દીધા.

લીલૉન્ગ્વેના પોલીસના મુખ્ય સ્ટેશનમાં અમારો કેસ ચાલ્યો. અધિકારીએ અમને પૂછ્યું, “શું તમે યહોવાહના સાક્ષીઓ જ રહેવાના છો?” અમે એક સાથે જવાબ આપ્યો: “હા!” તેઓએ તરત જ અમને સાત વર્ષની જેલની સજા ફટકારી દીધી. સાક્ષીઓમાં ‘આગેવાની લેતા વડીલોને’ ૧૪ વર્ષની સજા ફટકારવામાં આવી.

એ રાતે અમને કંઈ ખાવાનું આપવામાં ન આવ્યું. અમને બિલકુલ આરામ પણ મળ્યો ન હતો. સવારે પોલીસ અમને મૉલા શહેરની જેલમાં લઈ ગઈ. ત્યાં પોલીસે જેલની દરેક સેલમાં ઘણા લોકોને ભરી દીધા હતા. અરે, અમને જમીન પર પણ સુવાની જગ્યા ન હતી! દરેક કોટડીમાં ટોયલેટ માટે ફક્ત એક જ ડોલ હતી. ખાવાનું તો મોંમાં પણ જતું ન હતું. બે અઠવાડિયા પછી જેલના ઑફિસરોએ જોયું કે સાક્ષીઓ તો, એકદમ શાંત છે. તેથી, તેઓ અમને જેલની બહારના વાડામાં જવાની રજા આપી. અમે બીજા ઘણા સાક્ષીઓ સાથે હતા, એટલે રોજ અમે એકબીજાને ઉત્તેજન આપતા. તેમ જ, જેલમાંના કેદીઓ ક્યાંય આવ-જા કરી શકતા ન હતા, આથી, તેઓને પણ સત્ય વિષે સાંભળવું પડ્યું. પરંતુ, અચાનક જ ત્રણ મહિના પછી અમને છોડી મૂકવામાં આવ્યા. કેમ કે, બીજા દેશોએ આ બનાવ વિષે ઘણો વાંધો ઉઠાવ્યો હતો.

પોલીસ ઑફિસરોએ અમને ઘરે જવાનું કહ્યું. પરંતુ, તેઓએ એ પણ કહ્યું કે મલાવીમાં યહોવાહના સાક્ષીઓના કામ પર પ્રતિબંધ છે. આ પ્રતિબંધ ઑક્ટોબર ૨૦, ૧૯૬૭થી ઑગષ્ટ ૧૨, ૧૯૯૩ સુધી રહ્યો. હા, લગભગ ૨૬ વર્ષ સુધી. આ વર્ષો ઘણાં મુશ્કેલ હતાં. તેમ છતાં, યહોવાહની મદદથી અમે હિંમત ન હાર્યા. તેમ જ અમે કોઈ પણ સરકારને મત આપ્યો નહિ.

શિકારીઓ અમારી પાછળ પડ્યા

ઑક્ટોબર ૧૯૭૨માં સરકારે અમારી ક્રૂર સતાવણી કરવા બીજો એક ઑર્ડર બહાર પાડ્યો. તેઓએ હુકમ આપ્યો કે બધા જ સાક્ષીઓને નોકરીમાંથી કાઢી મૂકવા જોઈએ. તેમ જ તેઓને ગામડાંમાંથી પણ બહાર હાંકી કાઢવા જોઈએ. જંગલી પ્રાણીઓ ગણીને લોકો અમારો શિકાર કરવા પાછળ પડ્યા હતા.

એક દિવસ એક યુવાન ભાઈ હાંફળો-ફાંફળો થઈને ઍમાસ માટે સમાચાર લઈ આવ્યો. તેણે કહ્યું: ‘ભાગી જાઓ! યુવાનિયાઓનું ટોળું તમારું માથું કાપવા આવી રહ્યું છે. તેઓ એને લાકડી ઉપર લગાવીને સરદારો પાસે લઈ જવાના છે.’ અમે તો ડરથી કાંપી ઊઠ્યા. અમે ફટાફટ ભાગી જવાનો પ્લાન બનાવ્યો. પહેલાં ઍમાસ નીકળી ગયા. પછી મેં બાળકોને મોકલી દીધા. છેલ્લે હું હજુ ઘર છોડીને બહાર જ નીકળથી હતી અને દસ તોફાનીઓ, ઍમાસને શોધતા આવી ચઢ્યા. તેઓ જબરજસ્તીથી અમારા ઘરમાં ઘુસી ગયા. તેઓએ ઍમાસને ન જોયા ત્યારે, ગુસ્સાથી લાલચોળ થઈ ગયા. તેઓ મને ઘસડીને શેરડીના ખેતરમાં લઈ ગયા. હું બેભાન થઈ ગઈ ત્યાં સુધી તેઓએ મને શેરડીથી અને લાતોથી ખૂબ મારી. પછી હું થોડી ભાનમાં આવી ત્યારે ઢસડાતી ઢસડાતી ઘરે પાછી ગઈ.

એ રાત્રે ઍમાસ પોતાનું જીવન જોખમમાં મૂકીને મને જોવા ઘરે આવ્યા. તે આવ્યા ત્યારે, હું કણસતી પડી હતી. ઍમાસ અને તેમનો મિત્ર મને સાચવીને એક કારમાં લીલૉન્ગ્વેમાં એક ભાઈના ઘરે લઈ ગયા. ત્યાં હું ધીરે ધીરે સાજી થતી ગઈ. હવે ઍમાસ આ દેશમાંથી બહાર જવાનો પ્લાન કરવા લાગ્યા.

રેફ્યુજી તરીકે ક્યાંય શરણ ન મળ્યું

મારી દીકરી ડેનેસ અને તેના પતિ પાસે એક ટ્રક હતી. તેઓનો ડ્રાઈવર પહેલાં બદમાશ યુવાનોના ટોળામાં હતો. પરંતુ તેને સાક્ષીઓ પર દયા આવવા લાગી, તેથી તે એમાંથી નીકળી ગયો. પછી, તે ખુશી ખુશી સાક્ષીઓને મદદ કરવા લાગ્યો. પહેલાં ભાઈઓ છાનામાના ગોઠવણ કરતા કે સાક્ષીઓ ક્યાં સંતાઈને રહેશે. પછી સાંજના આ ડ્રાઈવર સાક્ષીઓને ત્યાંથી લઈને ઝાંબિયાની બૉર્ડરે છોડી દેતો. સાક્ષીઓને લઈ જતી વખતે આ ડ્રાઈવર યુવા ટુકડીનો યુનિફૉર્મ પહેરતો. તેના કપડાં જોઈને પોલીસે તેને રોકતા નહિ. આવી રીતે આ માણસે પોતાનો જીવ જોખમમાં મૂકીને હજારો સાક્ષીઓને બચાવ્યા.

થોડાં મહિનાઓ પછી, ઝાંબિયાની સરકારે અમને પાછા મલાવી મોકલ્યા. પરંતુ, અમે અમારા ઘરે પાછા જઈ શક્યા નહિ. અમારા ઘરની બધી વસ્તુઓ ચોરાઈ ગઈ હતી. અરે, એટલે સુધી કે ઘરનું છાપરું પણ કોઈ લઈ ગયું હતું. કોઈ પણ જગ્યા સલામત ન હતી. તેથી અમે મોઝામ્બિક ગયા અને મ્લાનગીમાં રેફ્યુજી તરીકે અઢી વર્ષ રહ્યા. જૂન ૧૯૭૫માં મોઝામ્બિકમાં નવી સરકાર આવી. એણે બધાં રેફ્યુજી કેમ્પ બંધ કરી દીધા અને અમને બધાને પાછા મલાવી જવા માટે બળજબરી કરી. પરંતુ, હજુ પણ મલાવીમાં સાક્ષીઓ માટે કોઈ સલામતી ન હતી, એટલે અમને ફરી વાર ઝાંબિયા જવું પડ્યું. ત્યાં અમે ચેગુમકર રેફ્યુજી કેમ્પમાં ગયા.

બે મહિના પછી, એક દિવસ રોડ પર બસો અને લશ્કરી ટ્રકો પાર્ક કરવામાં આવી. પછી ઝાંબિયાના હજારો સૈનિકો મશીન ગન અને પિસ્તોલ લઈને કેમ્પમાં આવ્યા. તેઓએ અમને કહ્યું કે અમારા માટે સરસ ઘરો બાંધવામાં આવ્યા છે અને અમને ત્યાં લઈ જવા માટે આવ્યા છે. પરંતુ અમે જાણતા હતા કે તેઓ જૂઠું બોલે છે. સૈનિકો લોકોને બળજબરીથી ટ્રક અને બસમાં ભરવા લાગ્યા. અચાનક જ સૈનિકો હવામાં મશીનગન ચલાવવા લાગ્યા. આપણા હજારો ભાઈ-બહેનો બીકના માર્યા વિખેરાઈ ગયા.

બધા લોકો આમતેમ ભાગદોડ કરતા હતા. એવામાં ઍમાસ પડી ગયા અને તેમને ઘણી ઇજા પહોંચી. પરંતુ, એક ભાઈએ તેમને ઊભા થવા મદદ કરી. અમને લાગ્યું કે મહાન વિપત્તિ શરૂ થઈ ગઈ છે. બધા રેફ્યુજી મલાવી તરફ ભાગવા લાગ્યા. અમે ઝાંબિયાની નદીએ પહોંચ્યાં ત્યારે, ભાઈઓએ હાથ પકડીને એક પુલ બનાવ્યો. આમ દરેક વ્યક્તિ સલામતીથી નદી ઓળંગી શક્યા. જોકે નદીની બીજી બાજુ ઝાંબિયાના સૈનિકોએ અમારી રાહ જોતા હતા. તેઓએ અમને ભેગા કરીને હાંકી કાઢ્યા અને જબરજસ્તીથી મલાવી મોકલ્યા.

મલાવીમાં પાછા ગયા પછી અમને ક્યાં જવું એ સમજ પડતી ન હતી. છાપાઓ અને નેતાઓએ ચેતવ્યું હતું કે ગામમાં ‘નવા લોકો રહેવા આવશે.’ અમે જાણતા હતા કે તેઓ ખરેખર યહોવાહના સાક્ષીઓ વિષે કહેતા હતા. જોકે, ગામડામાં અમે જલદીથી લોકોની નજરે ચઢી શકતા હતા. એટલે અમે શહેરની રાજધાનીમાં રહેવા ગયા. અમે એક નાનું ઘર ભાડે રાખ્યું. ઍમાસે ફરીથી ખાનગીમાં મંડળોની મુલાકાત લેવાનું શરૂ કર્યું.

મિટિંગમાં જવું

શા કારણે અમે યહોવાહને વિશ્વાસુ રહી શક્યા? મિટિંગના લીધે! મોઝામ્બિક અને ઝાંબિયાના રેફ્યુજી કેમ્પમાં અમે ઝૂંપડી જેવા કીંગડમ હોલમાં સભાઓ ભરતા હતા. પણ મલાવીમાં સભાઓ ભરવી ખૂબ મુશ્કેલ હતું. તોપણ અમે બનતી બધી કોશિશ કરતા. કોઈની નજરે ન આવીએ એ માટે અમે મોડી રાતે કોઈ અવરજવર ન થતી હોય એવા વિસ્તારમાં સભાઓ રાખતા. બીજાઓનું ધ્યાન ન ખેંચાય એ માટે અમે ટોક પછી, તાળીઓ પાડવાને બદલે આનંદમાં હાથ ઘસતા હતા.

બાપ્તિસ્મા પણ મોડી રાતે થતું હતું. બાપ્તિસ્માના ટોક પછી, બાપ્તિસ્મા લેનારાઓને અંધારામાં કાદવ-કીચડવાળી જગ્યામાં લઈ જઈને બાપ્તિસ્મા આપવામાં આવ્યું. મારા દીકરા એબઈયુદે પણ આ જ રીતે બાપ્તિસ્મા લીધું.

મહેલ જેવું અમારું નાનું ઘર

પાછલાં વર્ષોમાં પ્રતિબંધ દરમિયાન, લીલૉન્ગ્વેના અમારા ઘરમાં અમે સાહિત્યોને સંતાડીને રાખતા. ઝાંબિયા બ્રાંચમાંથી પત્રો અને સાહિત્ય છૂપાવીને અમારા ઘરે પહોંચાડવામાં આવતા. અમુક ભાઈઓ ટપાલી જેવું કામ કરતા. એટલે તેઓ અમારા ઘરે આવતા અને સાહિત્યો અને પત્રો લઈને સાયકલથી મલાવીના બીજા ભાગોમાં પહોંચાડતા હતા. એ દિવસોમાં વૉચટાવર મૅગેઝિન બાઇબલના જેવા એકદમ પાતળા પેપર પર છાપવામાં આવતા હતા. તેથી, ભાર ખૂબ ઓછો થઈ જતો અને સાયકલ પર ઘણાં મૅગેઝિનોને લઈ જઈ શકાતા હતા. આ ટપાલી ભાઈઓ નાના વૉચટાવર મૅગેઝિનો પણ વહેંચતા. એ નાના મૅગેઝિનોમાં ફક્ત એક પાનના પેપર પર અભ્યાસ લેખો છાપેલા હતા. આમ એ સહેલાઈથી શર્ટમાં સંતાડી શકાતા.

આ મેગેઝિનો પહોંચાડતા ભાઈઓ પોતાનો જીવ જોખમમાં મૂકતા. તેઓ ખરબચડા રસ્તાઓ પર અને અમુક વાર તો અડધી રાત્રે સાહિત્યોનો થપ્પો સાઈકલ પર મૂકીને પહોંચાડતા હતા. ભલે રસ્તાઓ પર પોલીસ હોય, ભલે બીજા ઘણા જોખમો હોય, ભલે ગમે તેવું મોસમ હોય, પરંતુ, આ ભાઈઓ હજારો કિલોમીટર સાયકલ પર મંડળોને સાહિત્યો પહોંચાડતા હતા. ખરેખર, આ ભાઈઓની હિંમતની શાબાશી આપવી જોઈએ!

વિધવા હોવા છતાં યહોવાહ મને સાથ આપે છે

ડિસેમ્બર, ૧૯૯૨માં સરકીટ વિઝીટ દરમિયાન ટોક આપતા ઍમાસને અચાનક સ્ટ્રોકનો હુમલો થયો. એ પછી તે બોલી શકતા ન હતા. થોડા મહિનાઓ પછી બીજી વાર તેમને સ્ટ્રોક થયો. આ વખતે તેમના શરીરનો એક બાજુના ભાગને લકવો મારી ગયો. તેમની તબિયત એકદમ બગડી ગઈ આથી તેમને ઘણી મુશ્કેલી પડતી હતી. પરંતુ, અમારા મંડળે અમારી ખૂબ સારી કાળજી રાખી. નવેમ્બર, ૧૯૯૪માં ૭૬ વર્ષની ઉંમરે મારા જીવન સાથી મને છોડી ગયા. ત્યાં સુધી મેં ઘરે તેમની ખૂબ સંભાળ રાખી હતી. અમારા લગ્‍નના ૫૭ વર્ષ થયા હતા. મારા પ્રિય પતિ મરી ગયા પહેલાં ખૂબ ખુશ થયા હતા કેમ કે સરકારે સાક્ષીઓને ધર્મ પાળવાની છૂટ આપી હતી. હું હજુ પણ મારા વહાલા પતિને ખૂબ યાદ કરું છું. ઘણી વખતે હું રડી પડું છું.

મારા જમાઈ અને દીકરીના પાંચ બાળકો છે. હું વિધવા થઈ ત્યારે તેઓએ મારી પણ ખૂબ સારી સંભાળ રાખી. પરંતુ દુઃખની વાત છે કે મારા જમાઈ બીમારીને કારણે ઑગસ્ટ ૨૦૦૦માં મરણ પામ્યા. હું ચિંતામાં ડૂબી ગઈ, હવે મારી દીકરી કઈ રીતે અમારા બધાનું ધ્યાન રાખી શકશે? ફરીથી મને જોવા મળ્યું કે યહોવાહ આપણી કાળજી રાખે છે. ખરેખર પ્રેમાળ પિતા યહોવાહ “અનાથનો પિતા, અને વિધવાઓનો ન્યાયાધીશ” છે. (ગીતશાસ્ત્ર ૬૮:૫) સાક્ષીઓ દ્વારા યહોવાહે અમને એક નવું સુંદર ઘર આપ્યું. એ કઈ રીતે થયું? અમારા મંડળના ભાઈબહેનોએ અમારી દુઃખી હાલત જોઈ અને તરત જ સાથ આપવા ઊભા થયા. તેઓએ પાંચ અઠવાડિયાંમાં અમારા માટે એક નવું ઘર બનાવ્યું! બીજા મંડળોમાંથી કડિયાકામ કરનારાઓ પણ મદદે આવ્યા હતા. તેઓમાંના ઘણા પોતે જે ઘરમાં રહેતા હતા એનાથી સરસ ઘર અમારા માટે બનાવ્યું હતું. એ વિષે વાત કરવાથી મારો અવાજ ભારે થઈ જાય છે અને આંખોમાંથી આનંદના આસું સરી પડે છે. હું રાતે સૂઈ જઉં ત્યારે મને લાગે છે કે જાણે હું નવી દુનિયામાં છું! ભાઈબહેનોનો પ્રેમ અને દયા જોઈને આજુબાજુના પડોશીઓને પણ યહોવાહ વિષે સારી સાક્ષી મળી. અમારું નવું ઘર ઈંટ અને સિમેન્ટનું છે. પરંતુ પ્રેમના પાયા પર બાંધેલું છે.—ગલાતી ૬:૧૦.

યહોવાહ હંમેશાં આપણી સંભાળ રાખે છે

જોકે અમુક સમયે હું એકદમ હતાશ થઈ જઉં છું. પણ યહોવાહ હંમેશાં મને મદદ કરે છે. મારા નવ બાળકોમાંથી સાત બાળકો હજુ જીવે છે. હવે મારા કુટુંબમાં ૧૨૩ જણા છે. તેઓને યહોવાહની સેવા કરતા જોઈને મને કેટલો આનંદ થાય છે!

આજે હું ૮૨ વર્ષની છું. મલાવીમાં પરમેશ્વરની શક્તિથી જે ફળો મળ્યાં છે એ જોઈને મને ઘણી ખુશી થાય છે. છેલ્લા ચાર વર્ષમાં મેં જોયું કે રાજ્ય ગૃહની સંખ્યા એકથી વધીને ૬૦૦ સુધી પહોંચી ગઈ છે. લીલૉન્ગ્વેમાં હવે એક બ્રાન્ચ ઑફિસ પણ છે. અમને નવાં નવાં પુસ્તકો અને મૅગેઝિનો મળતા હોવાથી અમે ઘણા ખુશ છીએ. મેં સાચે જ યશાયાહ ૫૪:૧૭માં પરમેશ્વરે આપેલા વચનનો અનુભવ કર્યો છે. એ કહે છે: “તારી વિરુદ્ધ વાપરવા માટે બનાવેલ કોઈ પણ હથિયાર સફળ થશે નહિ.” (IBSI) હું ૫૦થી વધારે વર્ષોથી યહોવાહની ભક્તિ કરી રહી છું. આજે પણ મને પૂરી ખાતરી છે કે આપણા પર ગમે તેવી મુશ્કેલીઓ આવી પડે, યહોવાહ હંમેશાં આપણી કાળજી રાખશે.

[પાન ૨૪ પર ચિત્ર]

મારા પતિ ઍમાસે એપ્રિલ, ૧૯૫૧માં બાપ્તિસ્મા લીધું

[પાન ૨૬ પર ચિત્ર]

મૅગેઝિનો પહોંચાડતા હિંમતવાન ટપાલીઓ

[પાન ૨૮ પર ચિત્ર]

પ્રેમના પાયા પર બનાવેલું અમારું ઘર