સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું એક જ સાચો ધર્મ છે?

શું એક જ સાચો ધર્મ છે?

શું એક જ સાચો ધર્મ છે?

ઈસુ ખ્રિસ્તે ફક્ત એક જ મંડળની શરૂઆત કરી હતી. આ મંડળમાં ફક્ત પરમેશ્વરના પવિત્ર આત્માથી પસંદ કરેલા લોકો જ હતા. તેઓ સર્વ “દેવનાં છોકરાં” તરીકે ઓળખાતા હતા.—રૂમીઓને પત્ર ૮:૧૬, ૧૭; ગલાતી ૩:૨૬.

ઈસુએ શીખવ્યું કે સત્યનો એક જ માર્ગ છે. અને એના માર્ગ પર ચાલવાથી પરમેશ્વર લોકોને ખૂબ આશીર્વાદ આપશે. ઈસુએ એ માર્ગને અનંતજીવન તરફ દોરી જતો રસ્તો કહ્યો. તેમણે એ વિષે કહ્યું: “તમે સાંકડે બારણેથી માંહે પેસો; કેમકે જે માર્ગ નાશમાં પહોંચાડે છે, તે ચોડો છે, ને તેનું બારણું પહોળું છે, ને ઘણા તેમાં થઈને પેસે છે. કેમકે જે માર્ગ જીવનમાં પહોંચાડે છે, તે સાંકડો છે, ને તેનું બારણું સાંકડું છે. અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે.”—માત્થી ૭:૧૩, ૧૪; યોહાન ૧૪:૬; પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૧, ૧૨.

‘એક મંડળ’

ધ ન્યૂ ડિક્ષનરી ઑફ થીઑલોજી કહે છે, ‘આજે કૅથલિક ધર્મ આખી દુનિયામાં છે અને સંગઠિત છે. પરંતુ, પ્રથમ સદીનો ખ્રિસ્તી ધર્મ અને મંડળ એવું ન હતું.’ શા માટે? કેમ કે એ જ પુસ્તક આગળ કહે છે કે, ‘પહેલી સદીમાં આખી દુનિયામાં એવી કોઈ સંસ્થા જ ન હતી.’

પહેલી સદીનું ખ્રિસ્તી મંડળ આજના ચર્ચની જેમ સંગઠિત ન હતું. પરંતુ, એવું ન હતું કે દરેક મંડળ મન ફાવે તેમ કરતું હતું. આ મંડળોને ગોઠવણ કરવા અને માર્ગદર્શન આપવા માટે કોઈની જરૂર હતી. તેથી, યરૂશાલેમમાં ગવર્નિંગ બોડીની શરૂઆત થઈ. એમાં પ્રેષિતો અને ખાસ વડીલો હતા. સર્વ મંડળો માર્ગદર્શન માટે તેઓ પર આધાર રાખતા હતા. આ ગવર્નિંગ બોડીએ સર્વ મંડળોનું ‘એક મંડળ’ તરીકે ધ્યાન રાખ્યું હતું.—એફેસી ૪:૪, ૧૧-૧૬; પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૨-૩૧; ૧૬:૪, ૫.

તો પછી, એ ‘એક મંડળનું’ શું થયું? શું એ કૅથલિક ધર્મ હતો? કે પછી ભાગલા પડીને પ્રોટેસ્ટંટ ચર્ચ બન્યું? કે પછી બીજું જ કંઈ થયું?

“ઘઉં” અને “કડવા દાણા” એટલે કોણ?

ઈસુ ખ્રિસ્તે પોતે એ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તમને એ જાણીને નવાઈ લાગશે કે મંડળ શરૂ થયું એના પહેલાં ઈસુને ખબર હતી કે શું થવાનું છે. ઈસુએ કહ્યું કે ખ્રિસ્તી મંડળ થોડા સમય માટે ચાલશે, પણ પછી બંધ થઈ જશે. વળી, પોતે આ બધું પણ થવા દેશે.

પોતાના મંડળને ‘આકાશના રાજ્ય’ સાથે જોડતા ઈસુએ કહ્યું: “આકાશનું રાજ્ય પોતાના ખેતરમાં સારૂં બી વાવનાર માણસના જેવું છે. પણ માણસો ઊંઘતા હતા તેવામાં તેનો વૈરી આવીને ઘઉંમાં કડવા દાણા વાવીને ચાલ્યો ગયો. પણ જ્યારે છોડવા ઊગ્યા, ને તેમને ઉંબીઓ આવી, ત્યારે કડવા દાણા પણ દેખાયા. ત્યારે તે ઘરધણીના ચાકરોએ પાસે આવીને તેને કહ્યું, કે સાહેબ, તેં શું તારા ખેતરમાં સારૂં બી વાવ્યું નહોતું? તો તેમાં કડવા દાણા ક્યાંથી આવ્યા? અને તેણે તેઓને કહ્યું, કે કોઈ વૈરીએ એ કર્યું છે; ત્યારે ચાકરોએ તેને કહ્યું, કે તારી મરજી હોય તો અમે જઈને તેને એકઠા કરીએ. પણ તેણે કહ્યું, ના, રખેને તમે કડવા દાણા એકઠા કરતાં ઘઉંને પણ તેની સાથે ઉખેડો. કાપણી સુધી બન્‍નેને સાથે વધવા દો. અને કાપણીની મોસમમાં હું કાપનારાઓને કહીશ, કે તમે પહેલાં કડવા દાણાને એકઠા કરો, ને બાળવા સારૂ તેના ભારા બાંધો, પણ ઘઉં મારી વખારમાં ભરો.”—માત્થી ૧૩:૨૪-૩૦.

ઈસુએ સમજાવ્યું કે ઉદાહરણમાં તે પોતે “બી વાવનાર” છે. ‘સારાં બી’ તેમના શિષ્યો છે, અને “વૈરી” શેતાન છે. “કડવા દાણા” નામ પૂરતા કે નકલી ખ્રિસ્તીઓ છે, જેઓ પહેલી સદીના મંડળમાં ધીરે ધીરે જોડાયા. આમ “ઘઉં” અને “કડવા દાણા” ભેગા ઉગશે. પરંતુ, ‘કાપણીની મોસમે’ એટલે કે આ દુષ્ટ ‘જગતના અંતે,’ ઘઉં અને કડવા દાણાને અલગ કરવામાં આવશે. (માત્થી ૧૩:૩૭-૪૩) આ બધાનો શું અર્થ થાય છે?

ખ્રિસ્તી મંડળમાં ભ્રષ્ટતા

પહેલી સદીમાં, પ્રેષિતોના મરણ પછી ધર્મના નામે ધતિંગ કરતા શિક્ષકોએ મંડળોમાં આગેવાની લેવા માંડી. તેઓ “શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે અવળી વાતો” બોલ્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૯, ૩૦) પરિણામે, ઘણા ખ્રિસ્તીઓ ‘કલ્પિત વાતો તરફ ફર્યા,’ અને તેઓએ “વિશ્વાસનો ત્યાગ” કર્યો.—૧ તીમોથી ૪:૧-૩; ૨ તીમોથી ૪:૩, ૪.

ધ ન્યૂ ડિક્ષનરી ઑફ થીઑલોજી કહે છે ચોથી સદી સુધીમાં “આખું રોમ કૅથલિક ધર્મ પાળતું હતું.” પછી કૅથલિક ધર્મ રાજકરણમાં માથું મારવા લાગ્યું. પરંતુ, ઈસુનું ખરું મંડળ રાજકીય બાબતોથી એકદમ અલગ રહેતું હતું. (યોહાન ૧૭:૧૬; યાકૂબ ૪:૪) આ પુસ્તક વધુમાં જણાવે છે કે સમય જતા કૅથલિક ધર્મે ઈસુના શિક્ષણમાં ‘જૂના કરારના નિયમોને ફિલસૂફી સાથે ભેળસેળ કરી દીધો.’ આમ કૅથલિક ધર્મમાં મોટા પાયા પર ફેરફારો થયા અને ચર્ચના બદલે સંસ્થાઓ થવા માંડી. ઈસુએ ભાખ્યા પ્રમાણે નકલી ખ્રિસ્તીઓ ફૂલવા ફાલવા લાગ્યા. તેમ જ, અસલી ખ્રિસ્તીઓ જાણે છુપાઈ ગયા હોય એમ લાગતું હતું.

ઈસુના દિવસમાં લોકોને ઘઉં અને કડવા દાણાનો તફાવત ઓળખવો ઘણો મુશ્કેલ હતો. જેમ કે અનાજમાં ઊગતું ખડ પણ એકદમ ઘઉં જેવું જ દેખાય છે અને તેથી બંન્‍ને વચ્ચેનો ફર્ક જોવો અઘરો છે. ઈસુએ સમજાવ્યું કે તેવી જ રીતે ખરા ભક્તો અને નામ પૂરતાં ખ્રિસ્તીઓ વચ્ચેનો ફરક જોવો મુશ્કેલ પડશે. તો શું એનો અર્થ એ થાય છે કે આજે ખરું ખ્રિસ્તી મંડળ છે જ નહિ? ના, કેમ કે ઈસુએ વચન આપ્યું છે કે “જગતના અંત સુધી” તે પોતાના મંડળને માર્ગદર્શન આપશે. (માત્થી ૨૮:૨૦) ઈસુએ કહ્યું હતું કે ઘઉં અને કડવા દાણા બંને ભેગા ઊગશે. તેમ જ, દાયકા દરમિયાન ભલે નકલી ખ્રિસ્તીઓ વધતા ગયા. પરંતુ, હજુ એવા પણ સાચા ખ્રિસ્તીઓ હતા જેઓ સત્યને વળગી રહ્યા હતા. તેઓ બીજા ઢોંગી ખ્રિસ્તીઓ જેવા ન હતા, જેઓ દાયકાઓથી ઈસુના નામને બદનામ કરતા હતા. ખરા ખ્રિસ્તીઓ આ દુનિયાના અંધકારમાં એક નાના દીવા જેવા હતા.—૨ પીતર ૨:૧, ૨.

‘પાપનો માણસ પ્રગટ થશે’

નકલી ધર્મને ઓળખવા પ્રેષિત પાઊલે ભાખ્યું: ‘કોઈ માણસ કોઈ પણ પ્રકારે તમને ભમાવે નહિ; કેમકે એમ થતાં [યહોવાહના દિવસ] પહેલાં ધર્મત્યાગ થશે તથા પાપનો માણસ, પ્રગટ થશે.’ (૨ થેસ્સાલોનીકી ૨:૨-૪) આ ‘પાપનો માણસ’ કોણ છે? તે સર્વ ચર્ચના પાદરીઓ છે, જેઓ “ખ્રિસ્તીઓ” પર સત્તા ચલાવે છે. *

પાઊલના દિવસોમાં લોકો ખ્રિસ્તી ધર્મને બદલાવા માગતા હતા. તેથી, બધા પ્રેષિતોના મરી ગયા પછી, આ ધર્મત્યાગ એકદમ વધી ગયો. પાઊલે પહેલાંથી કહ્યું હતું કે એ લોકો ‘શેતાનના કરાવ્યા પ્રમાણે સર્વ પ્રકારનાં ખોટાં પરાક્રમો, ચિહ્‍નો તથા ચમત્કારો’ કરશે. (૨ થેસ્સાલોનીકી ૨:૬-૧૨) છેક આજ સુધી શું આપણે એવા ઘણા ધાર્મિક આગેવાનોને નથી જોતા જેઓ એવા કાર્યો કરીને લોકોને ભમાવે છે?

આજે કૅથલિક ચર્ચ દાવો કરે છે કે તેમનો જ સાચો ધર્મ છે. તેઓ શા માટે એમ કહે છે? કેમ કે કૅથલિક ચર્ચના અધિકારીઓ કહે છે કે “ખ્રિસ્તી ધર્મમાં પ્રેષિતો પાસે અધિકાર હતો. પ્રેષિતો એ અધિકાર વારસામાં, એક બિશપથી બીજા બિશપને આપતા ગયા.” જોકે, એવો કોઈ વારસો જ નથી, કેમ કે ઇતિહાસના અહેવાલમાં એના વિષે કંઈ લખવામાં નથી આવ્યું. વધુમાં, બાઇબલ એવું કંઈ શીખવતું જ નથી. તેમ જ, પરમેશ્વરે ચર્ચોને આશીર્વાદ આપ્યા હોય એવો પણ કોઈ પુરાવો નથી!—રૂમીઓને પત્ર ૮:૯; ગલાતી ૫:૧૯-૨૧.

ચર્ચમાં ઘણો સુધારો થયા પછી, એકદમથી અનેક જુદાં ચર્ચના પંથો ફૂટી નીકળ્યા. શું પરમેશ્વરે એ બધા ચર્ચોને આશીર્વાદ આપ્યો? સાચા ખ્રિસ્તીઓની જેમ, શું તેઓ સત્યને વળગી રહ્યા? એ ખરું કે ચર્ચના સુધારા પછી ઘણા લોકોને પોતાની ભાષામાં બાઇબલ વાંચવા મળ્યું. પરંતુ હકીકતમાં તો, તેઓ હજુ સત્ય શીખવતા ન હતા.—માત્થી ૧૫:૭-૯.

તેમ છતાં, ઈસુ ખ્રિસ્તે ભાખ્યું હતું કે સાચો ધર્મ આ જગતના અંતના સમયમાં ફરીથી ઊભો થશે. (માત્થી ૧૩:૩૦, ૩૯) બાઇબલ બતાવે છે આજે આપણે અંતના સમયમાં જીવી રહ્યાં છે. (માત્થી ૨૪:૩-૩૫) તેથી, સાચો ધર્મ સહેલાઈથી ઓળખી શકાય એવો હોવો જોઈએ. પરંતુ, શું તમે વિચારો છો કે ‘ખરેખર સાચો ધર્મ કયો છે?’

તમને લાગી શકે કે તમારો પોતાનો ધર્મ છે. પ્રથમ સદીમાં ફક્ત એક જ સાચો ધર્મ હતો. તો શું તમે એ જ ધર્મ પાળો છો? શું તમારો ધર્મ ફક્ત ઈસુના શિક્ષણોને જ વળગી રહે છે? એની તપાસ તમે હમણાં જ કરી શકો. યહોવાહના સાક્ષીઓ, તમને ખુશી ખુશી મદદ કરવા તૈયાર છે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૧૧.

[ફુટનોટ્‌સ]

^ ‘પાપના માણસને’ ઓળખવા વિષેની વધારે માહિતી ચોકીબુરજ સપ્ટેમ્બર ૧ ૧૯૯૦, પાન ૧૨-૧૬ પર જુઓ.

[પાન ૫ પર ચિત્ર]

ઈસુનું ઘઉં અને કડવા દાણાનું ઉદાહરણ, આપણને શું શીખવે છે?

[પાન ૭ પર ચિત્ર]

શું તમારો ધર્મ પ્રથમ સદીના ખ્રિસ્તીઓની જેમ પ્રચાર અને બાઇબલનો અભ્યાસ કરે છે?