સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રાર્થના કરતા રહો

પ્રાર્થના કરતા રહો

પ્રાર્થના કરતા રહો

“સતત પ્રાર્થના કરો. સર્વ સંજોગોમાં ઈશ્વરનો આભાર માનો.” —૧ થેસ્સાલોનીકી ૫:૧૭, ૧૮, પ્રેમસંદેશ.

૧, ૨. દાનીયેલે કઈ રીતે પ્રાર્થનાની કદર કરી? એનાથી તેમણે યહોવાહ સાથે કેવો સંબંધ બાંધ્યો?

 માનો કે આપણે ઈશ્વર-ભક્ત દાનીયેલના જમાનામાં જીવીએ છીએ. શું તમે યરૂશાલેમ શહેર તરફ પડતી બારીમાં દાનીયેલને જોઈ શકો છો? તે દરરોજ ત્રણ વાર, એ બારી પાસે ઘૂંટણે પડીને પ્રાર્થના કરે છે. (૧ રાજાઓ ૮:૪૬-૪૯; દાનીયેલ ૬:૧૦) એક વાર તો એવો કાયદો બહાર પડ્યો કે મિદ્યાની રાજા, દાર્યાવેશને જ અરજ કરવી, બીજા કોઈને નહિ. પરંતુ, દાનીયેલ એકના બે ન થયા. અરે, પોતાનો જીવ જોખમમાં આવી પડ્યો, છતાં આ ઈશ્વર-ભક્તે યહોવાહ સાથેની વાતચીતનો દોર કાપ્યો નહિ.

યહોવાહના દિલમાં દાનીયેલ માટે કેવી લાગણી હતી? દાનીયેલની એક પ્રાર્થનાનો જવાબ આપવા સ્વર્ગ દૂત ગાબ્રીએલ આવે છે. તે દાનીયેલને “અતિ પ્રિય” સેવક કહે છે. (દાનીયેલ ૯:૨૦-૨૩) યહોવાહે જ્યારે હઝકીએલને ભવિષ્યવાણી આપી, એમાં પણ તેમણે દાનીયેલને ન્યાયી કહ્યા છે. (હઝકીએલ ૧૪:૧૪, ૨૦) દાનીયેલે પ્રાર્થના દ્વારા યહોવાહ સાથે પાક્કી દોસ્તી બાંધી હતી, જે દાર્યાવેશે પણ કબૂલ કર્યું.—દાનીયેલ ૬:૧૬.

૩. એક મિશનરીના અનુભવ પ્રમાણે, પ્રાર્થના આજે પણ કઈ રીતે મદદ કરી શકે?

આજે પણ પ્રાર્થના એટલી જ અનમોલ છે. દાખલા તરીકે, ચીનમાં હેરોલ્ડ કીંગ કરીને એક મિશનરી હતા. તેમને પાંચ વર્ષ સુધી સખત કેદની સજા થઈ. ભાઈએ કહ્યું: “મારા ભાઈ-બહેનોથી તો મને છૂટો પાડી દીધો, પણ દુનિયાની કોઈ તાકાત મને મારા ઈશ્વરથી છૂટો પાડી શકશે નહિ. . . . એવા સમયે હું દાનીયેલને યાદ કરતો અને જેલના સળિયાની પાછળ હું પણ દિવસમાં ત્રણ વાર મોટે અવાજે પ્રાર્થના કરતો. પછી ભલેને આવતા-જતા લોકો મને જુએ અને જાણે. . . . એ વખતે યહોવાહની શક્તિથી મારું મન એવી વાતો તરફ વળતું, જેનાથી મારા મનને શાંતિ મળતી!”

૪. આ લેખમાં આપણે પ્રાર્થના વિષે કયા સવાલોનો વિચાર કરીશું?

બાઇબલ કહે છે, કે “નિત્ય પ્રાર્થના કરો; દરેક સંજોગમાં ઉપકારસ્તુતિ કરો.” (૧ થેસ્સાલોનીકી ૫:૧૭, ૧૮) પરંતુ, શા માટે આપણે પોતાની પ્રાર્થના વિષે વિચાર કરવો જોઈએ? તેમ જ, શા માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ? જેમ કોઈ બાળક તોફાન કરતા પકડાય અને માબાપથી સંતાઈ જાય, એમ કંઈ ખોટું કરવાને લીધે યહોવાહની આગળ પ્રાર્થનામાં જવાની શરમ લાગતી હોય તો શું?

પ્રાર્થના દ્વારા દોસ્તી બાંધો

૫. પ્રાર્થના દ્વારા આપણે યહોવાહ સાથે કેવી દોસ્તી બાંધી શકીએ છીએ?

તમને યહોવાહના મિત્ર બનવાનું ગમશે? યહોવાહે ઈબ્રાહીમ સાથે એવો જ સંબંધ બાંધ્યો હતો. (યશાયાહ ૪૧:૮; યાકૂબ ૨:૨૩) શું તમે જાણો છો કે યહોવાહ આપણને એવી જ દોસ્તીનો હાથ લંબાવે છે! (યાકૂબ ૪:૮) આજે કોઈ સરકારી ઑફિસરને ફક્ત મળવું હોય તોપણ, ધક્કા ખાઈ ખાઈને પગ દુઃખી જાય, તો પછી એમની સાથે દોસ્તીની વાત તો બાજુએ જ રહી. જ્યારે કે વિશ્વને રચનાર સામે ચાલીને જણાવે છે કે, પ્રાર્થના દ્વારા તેમની સાથે ચોવીસે કલાક વાત કરી શકાય છે! (ગીતશાસ્ત્ર ૩૭:૫) શું તમે એવા દોસ્ત પાસે સુખમાં કે દુઃખમાં વારંવાર દોડી નહિ જાવ?

૬. હંમેશાં પ્રાર્થના કરવા વિષે ઈસુ પાસેથી આપણે શું શીખી શકીએ?

પરંતુ, તમે કહેશો કે ‘દિવસમાં મારે કંઈ એક જ કામ થોડું છે, હજારો કામ કરવાના હોય છે. મારે પ્રાર્થના તો કરવી જ છે, પણ . . . .’ ઈસુએ પોતાના જિગરી દોસ્તોને હંમેશાં પ્રાર્થના કરતા રહેવા કહ્યું અને પોતે પણ એમ જ કરતા હતા. (માત્થી ૨૬:૪૧) શું ઈસુ બીઝી હતા? હા, વહેલી સવારથી મોડી રાત સુધી લોકો તેમની સાથે જ રહેતા હતા. તેમ છતાં, તે પ્રાર્થનામાં યહોવાહ સાથે વાતો કરવાનું કદી ચૂકતા ન હતા. કોઈ વાર તે પરોઢિયે હજુ તો અંધારું હોય ત્યારે, ઊઠીને પ્રાર્થના કરતા. (માર્ક ૧:૩૫) ઘણી વાર તે સાંજે એકાંતમાં જઈને યહોવાહ સાથે પ્રાર્થનામાં વાતો કરતા. (માત્થી ૧૪:૨૩) આપણે ઈસુને પગલે જ ચાલીએ. જેમ આપણે શ્વાસ લેવાનું ચૂકી નથી જતા, તેમ પ્રાર્થના કરવાનું પણ ન ચૂકીએ.—૧ પીતર ૨:૨૧.

૭. યહોવાહ સાથે વાતો કરવાના કયા સંજોગો દરરોજ ઊભા થઈ શકે?

શું બે જિગરી દોસ્તો સુખમાં અને દુઃખમાં, એકબીજાને સાથ નથી આપતા? એનાથી તેઓની દોસ્તી રાત-દિવસ વધતી જ જાય છે. (નીતિવચનો ૧૭:૧૭) એક દિવસમાં જ આપણને એવા ઘણા પ્રોબ્લમ આવે છે અથવા નિર્ણયો લેવાના હોય છે. એવા સમયે, પ્રાર્થના ખૂબ જ જરૂરી બને છે. (એફેસી ૬:૧૮) પ્રાર્થના દ્વારા આપણે યહોવાહની સાથે જેટલી વાતો કરીશું, એટલી જ આપણી દોસ્તી વધશે.—૨ કાળવૃત્તાંત ૧૪:૧૧.

૮. આપણી પ્રાર્થના કેટલી લાંબી હોવી જોઈએ? એના વિષે નહેમ્યાહ, ઈસુ અને હાન્‍નાહ શું શીખવે છે?

યહોવાહ પ્રાર્થના વિષે આપણને કોઈ રોક-ટોક નથી કરતા કે કોઈ લિમિટ નથી મૂકતા. નહેમ્યાહે ઈરાનના રાજાને અરજ કરવાની હતી, એ પહેલાં મનમાં જ ટૂંકી પ્રાર્થના કરી લીધી. (નહેમ્યાહ ૨:૪, ૫) ઈસુએ પણ લાજરસને સજીવન કરતા પહેલાં, ટૂંકી પ્રાર્થના કરી હતી. (યોહાન ૧૧:૪૧, ૪૨) જ્યારે કે હાન્‍નાહ પોતાનું હૈયું ઠાલવતી વખતે, લાંબો સમય ‘યહોવાહને પ્રાર્થના કરવામાં તલ્લીન હતી.’ (૧ શમૂએલ ૧:૧૨, ૧૫, ૧૬) તેથી, આપણે પણ સંજોગો પ્રમાણે લાંબી કે ટૂંકી પ્રાર્થના કરી શકીએ છીએ.

૯. શા માટે આપણે પ્રાર્થનામાં યહોવાહની કદર બતાવવી જોઈએ?

તમે જોયું હશે કે માબાપનો ચહેરો કેવો ખીલી ઊઠે છે, જ્યારે તેઓનું વહાલું બાળક તેમની કદર કરે છે અને તેમને ભેટી પડે છે! આપણે પણ યહોવાહને એવી જ કદર બતાવીએ. મહાન પરમેશ્વર યહોવાહ અને તેમણે કરેલી રચના ઉપર લખાયેલાં ઘણાં સુંદર ગીતો બાઇબલમાં છે. (નિર્ગમન ૧૫:૧-૧૯; ૧ કાળવૃત્તાંત ૧૬:૭-૩૬; ગીતશાસ્ત્ર ૧૪૫) પ્રેષિત યોહાને સંદર્શનમાં જોયેલા ચોવીસ વડીલો, એટલે કે અભિષિક્ત ખ્રિસ્તીઓ યહોવાહની ભક્તિનાં ગીતો ગાય છે: “ઓ અમારા પ્રભુ તથા દેવ, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તું જ યોગ્ય છે; કેમકે તેં સર્વેને ઉત્પન્‍ન કર્યાં, અને તારી ઇચ્છાથી તેઓ હતાં, ને ઉત્પન્‍ન થયાં.” (પ્રકટીકરણ ૪:૧૦, ૧૧) આપણે પણ પ્રાર્થના ફક્ત કરવા ખાતર જ ન કરીએ. પણ એમાં યહોવાહની અપાર કૃપા અને પ્રેમને લીધે, સુંદર શબ્દોથી આપણી કદર બતાવીએ.

શા માટે પ્રાર્થના કરતા રહેવું?

૧૦. પ્રાર્થનાથી કઈ રીતે આપણો વિશ્વાસ દૃઢ થાય છે?

૧૦ વિશ્વાસ કેળવવા માટે હંમેશાં પ્રાર્થના કરતા રહેવાની જરૂર છે. ઈસુએ એનું મહત્ત્વ સમજાવતા કહ્યું કે સતત પ્રાર્થના કરતા રહો. વળી, ઈસુએ એક દાખલો આપીને કહ્યું કે “માણસનો દીકરો આવશે, ત્યારે પૃથ્વી પર તેને વિશ્વાસ જડશે શું!” (લુક ૧૮:૧-૮) પ્રાર્થનામાં એકના એક જ શબ્દો બોલવાને બદલે, દિલથી કરેલી પ્રાર્થના આપણો વિશ્વાસ પહાડ જેવો બનાવે છે, જે કાયમ રહે છે. ઈબ્રાહીમની પ્રાર્થનાનો દાખલો લો. યહોવાહે વચન આપ્યું હતું કે તેમને બાળક થશે. પણ ઈબ્રાહીમને એ ચિંતા કોરી ખાતી હતી કે ક્યારે, કેમ કે હવે તો પોતે ઘરડા થઈ ગયા હતા. યહોવાહે તેમને કહ્યું, કે ‘આકાશ તરફ જો, અને તું તારાઓ ગણી શકે, તો ગણ.’ પછી, તેમણે જાણે ગેરંટી આપતા કહ્યું કે “તેટલાં તારાં સંતાન થશે.” ઈબ્રાહીમે “યહોવાહ પર વિશ્વાસ કર્યો; અને તે તેણે ન્યાયીપણાને અર્થે તેના લાભમાં ગણ્યું.” (ઉત્પત્તિ ૧૫:૫, ૬) જો આપણે પણ યહોવાહની આગળ મન મૂકીને પ્રાર્થના કરીશું, બાઇબલનાં વચનો પાળીશું, તો તે ચોક્કસ આપણો વિશ્વાસ દૃઢ કરશે.

૧૧. આપણા પ્રોબ્લમમાં પ્રાર્થના કઈ રીતે મદદ કરી શકે?

૧૧ પ્રાર્થના આપણા પ્રોબ્લમમાં પણ મદદ કરે છે. શું તમને કોઈ વાર એવું લાગે છે કે ‘મારા જીવનની રાહ પર તો બસ કાંટા જ પથરાયેલા છે’? બાઇબલ જણાવે છે કે “તારો બોજો યહોવાહ પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે; તે કદી ન્યાયીને ઠોકર ખાવા દેશે નહિ.” (ગીતશાસ્ત્ર ૫૫:૨૨) જો કોઈ મહત્ત્વનો નિર્ણય લેવાનો હોય, પણ કંઈ સૂઝ પડતી ન હોય તો શું કરશો? ઈસુએ ૧૨ પ્રેષિતોને પસંદ કરતા પહેલાં આખી રાત પ્રાર્થના કરી. (લુક ૬:૧૨-૧૬) ઈસુ મરણ પામ્યા એની આગલી રાત્રે, તે એટલી વેદના સાથે દિલથી પ્રાર્થના કરતા હતા કે, ‘તેમનો પરસેવો ભોંય પર પડતાં લોહીનાં ટીપાં જેવો થયો.’ (લુક ૨૨:૪૪) ‘તેમણે દેવનો ડર રાખ્યો, માટે તેમની પ્રાર્થના સાંભળવામાં આવી.’ (હેબ્રી ૫:૭) ઈસુની જેમ, આપણા પ્રોબ્લમોમાં મદદ માટે યહોવાહને પોકારીશું તો તે જરૂર સાંભળશે.

૧૨. યહોવાહ જે રીતે પ્રાર્થના સાંભળે છે એ કઈ રીતે તેમની લાગણી બતાવે છે?

૧૨ પ્રાર્થનામાં વારંવાર યહોવાહ પાસે જવાથી તેમની સાથે પાક્કી દોસ્તી બંધાય છે. (યાકૂબ ૪:૮) યહોવાહ આગળ પ્રાર્થનામાં મન મૂકીને વાત કરીએ છીએ ત્યારે, શું આપણને એવું નથી લાગતું, કે તે એક પ્રેમાળ માબાપની જેમ આપણી કાળજી લે છે? યહોવાહ પોતે જ આપણી બધી પ્રાર્થનાઓ સાંભળે છે, એ કામ તે બીજા કોઈને કરવા દેતા નથી. (ગીતશાસ્ત્ર ૬૬:૧૯, ૨૦; લુક ૧૧:૨) તે પોતે આપણને ‘આપણી સર્વ ચિંતા તેમના પર નાખવા’ કહે છે.—૧ પીતર ૫:૬, ૭.

૧૩, ૧૪. આપણે શા માટે હંમેશાં પ્રાર્થના કરતા રહેવું જોઈએ?

૧૩ પ્રાર્થનાથી આપણને પૂરા જોશથી પ્રચાર કાર્ય કરવાનું પણ બળ મળે છે. જેથી, આપણે કોઈ પણ વિરોધનો હિંમતથી સામનો કરી શકીએ. (પ્રેરિતોનાં કૃત્યો ૪:૨૩-૩૧) પ્રાર્થના આપણને શેતાનની કપટી ચાલ સામે રક્ષણ આપે છે. (એફેસી ૬:૧૧, ૧૭, ૧૮) ઈસુએ યહોવાહને વિનંતી કરી હતી કે, “ભૂંડાથી અમારો છૂટકો કર.” (માત્થી ૬:૧૩) આપણે પણ શેતાનની સામે ટકી રહેવા દરરોજ યહોવાહને પ્રાર્થના કરતા રહીએ.

૧૪ આપણે બધા પાપી છીએ. તેથી, એના પર કાબૂ મેળવવા પણ પ્રાર્થના કરતા રહીએ. બાઇબલ જણાવે છે કે, “દેવ વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ; પણ તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે.” (૧ કોરીંથી ૧૦:૧૩) પ્રેષિત પાઊલે પોતે જુદા જુદા સંજોગોમાં યહોવાહની મદદનો અનુભવ કર્યો હતો. તેથી તે કહે છે: “જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું.”—ફિલિપી ૪:૧૩; ૨ કોરીંથી ૧૧:૨૩-૨૯.

ભૂલો કરવા છતાં પ્રાર્થના કરતા રહો

૧૫. આપણે કોઈ ભૂલ કરી બેસીએ ત્યારે શું બની શકે?

૧૫ યહોવાહ આપણા મિત્ર પ્રાર્થના સાંભળે, એ માટે તેમણે શાસ્ત્રમાં આપેલી વાતો આપણે માનવી જ જોઈએ. પ્રેષિત યોહાને લખ્યું: “જે કંઈ આપણે માગીએ છીએ, તે તેની પાસેથી આપણને મળે છે, કેમકે આપણે તેની આજ્ઞાઓ પાળીએ છીએ, અને તેની નજરમાં જે પસંદ પડે છે તે કરીએ છીએ.” (૧ યોહાન ૩:૨૨) તેમ છતાં, આપણે ભૂલ કરી બેસીએ તો શું? આદમ અને હવાએ એદન બાગમાં યહોવાહની આજ્ઞા તોડી અને પાપ કર્યું. પછી તેઓ સંતાઈ ગયા. આપણે પણ યહોવાહની નજરથી સંતાઈ જઈને, પ્રાર્થના બંધ કરી દઈ શકીએ. (ઉત્પત્તિ ૩:૮) ક્લૌસ નામના એક અનુભવી સરકીટ ઓવરશીયર અથવા વડીલ કહે છે, કે “યહોવાહનો માર્ગ છોડી જનાર મોટા ભાગે પ્રાર્થના કરવાનું બંધ કરી દે છે.” (હેબ્રી ૨:૧) હોસે એન્જલ નામના એક ભાઈ કહે છે: “હું યહોવાહને દિલથી મારા પ્રેમાળ પિતા માનતો હતો. પણ મને લાગતું કે હું સાવ નકામો છું. તેથી, લગભગ આઠ વર્ષો મેં ભાગ્યે જ પ્રાર્થના કરી હશે.”

૧૬, ૧૭. દિલ ખોલીને પ્રાર્થના કરવાથી ભૂલો પર જીત મેળવવા મદદ મળે છે, એના ઉદાહરણો આપો.

૧૬ ખરું કે માણસ માત્ર ભૂલને પાત્ર છે. પરંતુ, આપણે વારંવાર કંઈ ખોટું કરીએ ત્યારે, કોઈ સાથે વાત કરવાનું નથી ગમતું. અરે, યહોવાહ સાથે પણ નહિ. પણ જરા વિચારો: શું આપણે એવા જ સમયે પ્રાર્થનામાં યહોવાહ પાસે દોડી જવાની જરૂર નથી, જેમ એક બાળકને વાગે ને રડતું રડતું મમ્મી કે પપ્પા પાસે દોડી જાય? ઈશ્વરે સોંપેલું કામ કરવાને બદલે, નાસી છૂટેલા યૂનાનો વિચાર કરો. તેમણે કહ્યું: “મારી વિપત્તિને લીધે મેં યહોવાહને વિનંતી કરી, ને તેણે મને ઉત્તર આપ્યો; શેઓલના પેટમાંથી મેં બૂમ પાડી, ને તેં મારો સાદ સાંભળ્યો.” (યૂના ૨:૨) હા, યૂનાએ પ્રાર્થના કરી અને યહોવાહે એ સાંભળી.

૧૭ હોસેએ પણ પ્રાર્થનામાં યહોવાહ સાથે મન મૂકીને વાત કરી. હોસે કહે છે: ‘મેં મારા દિલથી યહોવાહ પાસે માફીની ભીખ માંગી. તેમણે મને ખરેખર મદદ કરી. પ્રાર્થના દ્વારા મને મદદ ન મળી હોત તો આજે હું ક્યાં હોત? હવે હું સત્યમાં ખુશ છું અને કદી પ્રાર્થના કરવાનું ચૂકતો નથી.’ આપણે કોઈ ભૂલ કરીએ તોપણ, આપણા દિલોજાન મિત્ર યહોવાહ પાસે જઈને, માફી માંગતા કદી અચકાવું જોઈએ નહિ. રાજા દાઊદે પોતાનાં ઘોર પાપ કબૂલીને દિલથી માફીની ભીખ માંગી, અને યહોવાહે દરિયા જેવા દિલથી તેમને માફ કર્યા. (ગીતશાસ્ત્ર ૩૨:૩-૫) યહોવાહ આપણને મારવા નહિ, પણ મદદ કરવા તૈયાર છે. (૧ યોહાન ૩:૧૯, ૨૦) મંડળના વડીલોની પ્રાર્થના પણ જાણે ઘા પર લગાડેલા ક્રીમ જેવી છે, જે ઘા રુઝાવે છે.—યાકૂબ ૫:૧૩-૧૬.

૧૮. યહોવાહના સેવકો ભૂલ કરે તોપણ તેઓને કયો ભરોસો છે?

૧૮ શું કોઈ માબાપ, પોતાનું બાળક ભૂલની માફી માંગવા આવે તો મોં ફેરવી લેશે? ઉડાઉ દીકરાની વાર્તા એ શીખવે છે કે ભલેને આપણે પાપ કર્યું હોય, પણ ખરો પસ્તાવો કરીને જીવન સુધારીએ તો, યહોવાહનું દિલ ખુશીથી છલકાય છે. (લુક ૧૫:૨૧, ૨૨, ૩૨) યહોવાહ હાથ લાંબા કરીને આપણને ગળે લગાડવા તૈયાર છે, કેમ કે “તે સંપૂર્ણ ક્ષમા કરશે.” (યશાયાહ ૫૫:૬, ૭) દાઊદે કંઈ જેવા-તેવા પાપ કર્યા હતાં? તોપણ, તેમણે યહોવાહને કાલાવાલા કર્યા, કે “હે ઈશ્વર, મારી પ્રાર્થના પર કાન ધર; અને મારી યાચનાથી સંતાઈ ન જા. . . . સાંજે, સવારે તથા બપોરે હું શોક તથા વિલાપ કરીશ; તે [યહોવાહ] મારો સાદ સાંભળશે.”—ગીતશાસ્ત્ર ૫૫:૧, ૧૭.

૧૯. પ્રાર્થનાનો જવાબ તરત ન મળે તો એનો અર્થ કેમ એવો નથી કે યહોવાહ નારાજ છે?

૧૯ પરંતુ, જો આપણી પ્રાર્થનાનો તરત જવાબ ન મળે તો શું? સૌ પ્રથમ તો આપણે ખાતરી કરીએ, કે ‘મારી પ્રાર્થના યહોવાહની ઇચ્છા પ્રમાણે અને ઈસુના નામમાં હતી કે કેમ.’ (યોહાન ૧૬:૨૩; ૧ યોહાન ૫:૧૪) યાકૂબે અમુક ખ્રિસ્તીઓ વિષે જણાવ્યું, જેઓની પ્રાર્થનાનો કોઈ જવાબ ન મળ્યો, કેમ કે તેઓ ‘ખોટા ઇરાદાથી માગતા હતા.’ (યાકૂબ ૪:૩) પરંતુ, આપણી પ્રાર્થનાનો જવાબ તરત ન મળે, એનો અર્થ હંમેશાં એવો પણ નથી કે યહોવાહ આપણાથી નારાજ છે. ઘણી વાર યહોવાહ જવાબ આપતા પહેલાં, પોતાના વહાલા સેવકોને વારંવાર પ્રાર્થના કરવા દે છે. ઈસુએ કહ્યું હતું: “માગો, તો તમને અપાશે.” (માત્થી ૭:૭) તેથી, આપણે વારંવાર એમ કરીને ‘પ્રાર્થનામાં લાગુ રહીએ.’—રૂમીઓને પત્ર ૧૨:૧૨.

પ્રાર્થના કરતા રહો

૨૦, ૨૧. (ક) આપણે આ “છેલ્લા સમયમાં” શા માટે પ્રાર્થના કરતા રહેવું જ જોઈએ? (ખ) આપણે યહોવાહને વારંવાર પ્રાર્થના કરતા રહીએ તો શું મેળવીશું?

૨૦ આ ‘છેલ્લા સમયમાં સંકટના વખતોમાં’ આપણામાંથી કોને મુશ્કેલીઓ નથી? (૨ તીમોથી ૩:૧) જો આપણે ધ્યાન ન રાખીએ તો દિન-રાત એના જ વિચારે ચડી જવાય. પરંતુ, જો આપણે યહોવાહ, આપણા મિત્ર સાથે વાતચીતનો દોર જાળવી રાખીશું, તો ભલેને ગમે એટલી મુશ્કેલીઓનું તોફાન આવે, છતાં તેમની મદદથી આપણે એ પાર કરી શકીશું. ખરેખર, યહોવાહને વારંવાર પ્રાર્થના કરવી, એ આપણી જીવનની દોર છે.

૨૧ યહોવાહ, આપણી “પ્રાર્થનાના સાંભળનાર” કદી એમ નથી કહેતા કે ‘હું બીઝી છું.’ (ગીતશાસ્ત્ર ૬૫:૨) તો પછી, શું આપણે એટલા બધા બીઝી છીએ કે યહોવાહને પ્રાર્થના ન કરીએ? તેથી, “દયા પામવાને, તથા અગત્યને પ્રસંગે સહાયને સારૂ કૃપા પ્રાપ્ત કરવાને, આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ.” (હેબ્રી ૪:૧૬) યહોવાહ સાથેની દોસ્તી જ આપણું જીવન છે. આપણે જીવવા માટે શ્વાસ લેવાનું નથી ચૂકતા, તેમ દોસ્તી પાક્કી કરવા પ્રાર્થના પણ ન ચૂકીએ!

તમે શું કહેશો?

• ઈશ્વર ભક્ત દાનીયેલ પાસેથી પ્રાર્થના વિષે આપણે શું શીખી શકીએ?

• યહોવાહ સાથેની દોસ્તી કઈ રીતે વધારે પાક્કી કરી શકીએ?

• શા માટે આપણે વારંવાર પ્રાર્થના કરતા રહેવું જોઈએ?

• આપણે કોઈ ભૂલ કરી હોય તોપણ, શા માટે યહોવાહને પ્રાર્થના કરતા જ રહેવું જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૬ પર ચિત્ર]

રાજાને અરજ કરતા પહેલાં નહેમ્યાહે મનમાં ટૂંકી પ્રાર્થના કરી

[પાન ૧૭ પર ચિત્ર]

હાન્‍નાહે લાંબી પ્રાર્થનામાં યહોવાહ આગળ દિલ ઠાલવ્યું

[પાન ૧૮ પર ચિત્ર]

ઈસુએ ૧૨ પ્રેષિતો પસંદ કરતા પહેલાં આખી રાત પ્રાર્થના કરી

[પાન ૨૦ પર ચિત્ર]

દિવસમાં ઘણી વાર પ્રાર્થના કરવાની તક મળે છે