સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

લગ્‍ન કઈ રીતે ટકાવી રાખવું

લગ્‍ન કઈ રીતે ટકાવી રાખવું

લગ્‍ન કઈ રીતે ટકાવી રાખવું

જરા વિચારો. એક ઘરનું ધ્યાન ન રાખવાને લીધે પડું-પડું થઈ રહ્યું છે. ઘરની છતમાં ગાબડાં પડી રહ્યાં છે, કલરના પોપડા ઊખડી રહ્યા છે અને ધીરે-ધીરે ટાઇલ્સ પણ ઊખડી રહી છે! અધૂરામાં પૂરું, આ મકાનને વાવાઝોડા અને તોફાનને લીધે ઘણું નુકસાન પહોંચ્યું છે. શું તમે આ ઘરને તોડી નાખશો? તમે કહેશો, ‘ના. જો એનો પાયો અને બાંધકામ મજબૂત હશે તો, ઘરને રિપેર કરી શકાય.’

આજ-કાલ ઘણાના લગ્‍નની હાલત પણ આવી જ હોય શકે. સેન્ડીનો વિચાર કરો. સેન્ડીના લગ્‍નને ૧૫ વર્ષ થઈ ગયા, પણ તે કહે છે: “અમે ફક્ત કહેવા પૂરતા જ પતિ-પત્ની છીએ. પરંતુ, એનાથી જ થોડું લગ્‍ન જીવનનું ગાડું ચાલે!” શા માટે આવું થયું હોય શકે? કદાચ પતિ-પત્નીને લગ્‍ન-જીવનની બહુ પડી ન હોય. તેથી, જીવનના વાવાઝોડાથી તેઓના લગ્‍ન જીવનમાં તરાડ પડી હોય શકે.

જો એમ હોય તો, લગ્‍ન તોડી નાખવાનું ઉતાવળિયું પગલું ન ભરતા. આપણે ઘરનું ઉદાહરણ જોઈ ગયા તેમ, લગ્‍નને તોડી નાખવાની જરૂર નથી. એ ટકાવી રાખી શકાય છે, પણ એનો આધાર પતિ-પત્ની પર રહેલો છે! તેઓ બંને મળીને જીવનના વાવાઝોડાનો સામનો કરી શકે છે. સૌથી મહત્ત્વનું તો એ કે તેઓ બંને મળીને લગ્‍ન વિષે પરમેશ્વરની સલાહ જુએ. ચાલો આપણે પવિત્ર શાસ્ત્રમાંથી એ જોઈએ.

લગ્‍ન રમત વાત નથી

લગ્‍નમાં પતિ અને પત્ની બંને જવાબદાર છે. તેઓ બંને એ જવાબદારી ઉપાડવા જાણે કે જીવનભરનો કૉન્ટ્રેક્ટ કરે છે કે એકબીજાને વાયદો આપે છે. દાખલા તરીકે, એક કડિયો મકાન બાંધી આપવાનો કૉન્ટ્રેક્ટ લે છે. હવે એની જવાબદારી છે કે ભલે ગમે એ થાય પણ તે મકાન બાંધી આપશે. તે મકાન માલિકને ઓળખતો હોય કે ન હોય, પણ વાયદા પ્રમાણે કામ પૂરું કરવાની તેની જવાબદારી છે.

લગ્‍નમાં પણ એમ જ છે. ખાસ કરીને પતિ-પત્ની પરમેશ્વર સામે એકબીજાને વચન આપે છે કે, ભલે ગમે તે થાય પણ સાથે જ રહેવું. ઈસુએ કહ્યું: “આરંભથી જ ઈશ્વરે પુરુષ અને સ્ત્રીને બનાવ્યાં છે. અને પુરુષ પોતાનાં માબાપને છોડી દઈને પોતાની પત્નીને વળગી રહેશે. . . . ઈશ્વરે જેમને જોડ્યા છે તેમને કોઈ પણ માણસે છૂટાં ન પાડવાં.” (માત્થી ૧૯:૪-૬, IBSI) તેથી, પતિ અને પત્ની સુખમાં કે દુઃખમાં એકબીજાનો સાથ નિભાવે, એ ખૂબ જ જરૂરી છે. * એક પત્ની કહે છે: “જે દિવસથી અમે છૂટાછેડાનો વિચાર છોડી દીધો, ત્યારથી અમારું લગ્‍ન જીવન સુધરવા લાગ્યું.”

લગ્‍નમાં ફક્ત જવાબદારી જ નહિ, બીજી ઘણી બાબતો પણ જરૂરી છે. એ શું છે?

લગ્‍નમાં એક મન જરૂરી છે

જેમ ઘર હોય ત્યાં વાસણ તો ખખડવાના જ, તેમ લગ્‍ન જીવનમાં તકરાર તો ઊભી થવાની જ. એમ બને ત્યારે તરત જ એ તકરાર શાંત પાડવી જોઈએ. ફક્ત એક વચનને લીધે જ નહિ, પણ પતિ-પત્ની વચ્ચે અતૂટ પ્રેમના લીધે મામલો ઠંડો પાડવો જોઈએ. તેથી જ, ઈસુએ કહ્યું: “તેઓ હવેથી બે નથી, પણ એક દેહ છે.”

પરંતુ, “એક દેહ” હોવાનો શું અર્થ થાય છે? પ્રેષિત પાઊલે લખ્યું કે, “પતિઓએ જેમ પોતાનાં શરીરો પર તેમ પોતાની પત્નીઓ પર પ્રેમ રાખવો જોઈએ.” (એફેસી ૫:૨૮, ૨૯) તેથી, “એક દેહ” હોવાનો અર્થ એમ થાય કે, એક શરીરને ગમે એ થાય, બધા ભાગને એની અસર થશે. તેમ જ પતિ કે પત્નીને ગમે એ થાય એની અસર બંનેને સરખી જ થશે, પછી ભલે સુખ હોય કે દુઃખ. પતિ-પત્નીએ ફક્ત પોતાનો જ નહિ, પણ બંનેનો વિચાર કરવો જોઈએ. એક લેખક સલાહ આપે છે: “હવેથી બંનેએ મન ફાવે એમ નહિ, એકબીજા માટે જીવવું જોઈએ.”

અમુક પતિ-પત્ની વર્ષોથી પરણેલા હોય, પણ દિલથી “એક દેહ” ન થયા હોય કે ‘એકબીજા માટે જીવતા’ ન હોય. એના વિષે એક પુસ્તક કહે છે: “લગ્‍ન જીવનમાં એક મનના હોવું ખૂબ જરૂરી છે. જેમ જેમ તમે એકબીજાનો સાથ નિભાવશો તેમ તેમ તમારું લગ્‍ન જીવન ખીલતું જશે.”

ઘણા પતિ-પત્ની બાળકો માટે અથવા તો પૈસાને માટે જ સાથે રહેતા હોય છે. અમુક તો સમાજમાં બદનામીના ડરથી છૂટા નથી પડતા. વળી, અમુક છૂટાછેડા લેવાને પાપ ગણતા હોય છે, એટલે ચલાવી લેતા હોય છે. જો કે સમાજની નજરમાં લગ્‍ન ટકી રહે, એનો કોઈ ફાયદો નથી. એના બદલે, લગ્‍નમાં પ્રેમ અને દિલનું બંધન જરૂરી છે.

સ્વાર્થી ન બનો

બાઇબલમાં લખ્યું છે કે, “છેલ્લા સમયમાં” લોકો “સ્વાર્થી” બની જશે. (૨ તીમોથી ૩:૧, ૨) આજે આપણે ચારે બાજુ એ જ જોઈએ છીએ, લોકોને પોતાની જ પડી છે. અરે, લગ્‍નમાં પણ ‘પહેલા મને શું ફાયદો’ એવું લોકો વિચારે છે. આમને આમ ભોગ આપવો, એ કમજોરી ગણાય છે. જ્યારે કે, સુખી લગ્‍નમાં પતિ-પત્ની બંને એક સરખો ભોગ આપે છે. એમ કઈ રીતે?

એ માટે મનમાં ઘર કરી ગયેલા વિચારો બદલવાની જરૂર છે. મોટે ભાગે લોકો વિચારે છે કે લગ્‍ન કરવાથી મને શું ફાયદો થયો! એના બદલે વિચારો કે, લગ્‍નની ગાંઠ મજબૂત કરવા હું શું કરું છું? બાઇબલ પ્રમાણે, આપણે ફક્ત ‘પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓના હિત પર પણ લક્ષ રાખીએ.’ (ફિલિપી ૨:૪) આ સલાહ મનમાં રાખીને વિચારો કે, હું મારા સાથી સાથે કેવી રીતે વર્તું છું? મેં તેના ભલા માટે શું કર્યું છે? જ્યારે મારા સાથીને વાત કરવી હોય ત્યારે, શું હું એ ધ્યાનથી સાંભળું છું? ભલે મારું મન ન હોય છતાં, મારા સાથીને જે ગમતું હોય એ મેં કર્યું છે?

પરંતુ તમે કહેશો કે મારી કોઈ કદર જ ક્યાં કરે છે, મારા કરેલા પર તો પાણી ફરી વળ્યું! એવું ન માની લેતા, કેમ કે એક પુસ્તક કહે છે: “કેમ નહિ કે તમારા સાથીનું ભલું કરવાની શરૂઆત તમે કરો. જો તમે ભલું કરશો તો, મોટે ભાગે તે પણ તમારું ભલું જ ચાહશે. આમ તમે એકબીજાનું ભલું કરતા રહેશો.” આ રીતે તમે બતાવશો કે તમે લગ્‍નને કિંમતી ખજાનો ગણો છો, જે કોઈ પણ કિંમતે ગુમાવવા માંગતા નથી. તમે આ બંધનને જીવનભર ટકાવી રાખવા માંગો છો.

જીવનભર સાથ નિભાવો

યહોવાહને ભલા અને વફાદાર લોકો ખૂબ જ ગમે છે. બાઇબલ જણાવે છે: ‘ભલાની સાથે યહોવાહ ભલા બને છે.’ (૨ શમૂએલ ૨૨:૨૬, સંપૂર્ણ બાઇબલ) યહોવાહે લગ્‍નની ગોઠવણ કરી છે. તેથી, પતિ-પત્ની એકબીજાને વફાદાર રહીને ખુદ યહોવાહને વફાદાર રહી શકશે.—ઉત્પત્તિ ૨:૨૪.

જો પતિ-પત્ની એકબીજાને વફાદાર રહેશે, તો જીવનભર સાથ નિભાવી શકશે. તમે ભાવિનો વિચાર કરતા ગભરાશો નહિ, કે તમે છૂટા પડી જશો તો શું થશે? તેથી, જીવનભર લગ્‍ન ટકાવી રાખવા છૂટા પડવાનો વિચાર સપનામાં પણ ન કરો. એક પત્નીએ કહ્યું: ‘ભલે હું મારા પતિથી નારાજ થઈ જાઉં કે તેમના પર ગુસ્સાથી લાલ-પીળી થઈ જાઉં, પણ છૂટા પડવાનું તો હું મનમાં પણ વિચારતી નથી. એના બદલે હું એમ વિચારું છું કે કઈ રીતે અમારા વચ્ચે પ્રેમનાં ફૂલ ખીલેલાં જ રહે. પણ લગ્‍ન તોડવાની વાત તો હું વિચારી જ શકતી નથી.’

જો કે દુઃખની વાત છે કે આજકાલ પતિ-પત્ની તકલીફો આવે ત્યારે લગ્‍ન તોડી નાખવાનું જ વિચારે છે. જ્યારે બંને વચ્ચે ગરમાગરમી થઈ જાય ત્યારે કોઈ વગર વિચાર્યે બોલી પણ ઊઠે: “હું તને છોડી દઈશ.” અથવા તો “જે મને પ્રેમ કરે, એને હું શોધી લઈશ!” જો કે આપણે મનથી ખરેખર એવું ચાહતા ન હોઈએ, પણ બોલતા બોલી દેવાય છે. ખરું છે કે જીભ તો “મોત નીપજાવે તેવા ઝેરથી ભરપૂર છે.” (યાકૂબ ૩:૮, પ્રેમસંદેશ) ભલેને તમે ફક્ત ધાક-ધમકી આપતા હોવ, પણ તમે જાણે કહી રહ્યા છો કે, ‘આપણું લગ્‍ન જીવન લાંબું નહિ ટકે. હું તને ગમે ત્યારે છોડી દઈશ.’ એમ કરવાથી, તમારું લગ્‍ન સાચેસાચ તૂટી શકે છે.

પરંતુ, તમે જીવનભર લગ્‍ન ટકાવી રાખવાનું વિચારો છો, એનો અર્થ થાય છે કે, તમે સુખમાં કે દુઃખમાં સાથ નિભાવવા તૈયાર છો. એનાથી તમે બંને એકબીજાની ભૂલોને સમજશો અને એકબીજાને માફ કરશો. (કોલોસી ૩:૧૩) એક લેખક પોતાના પુસ્તકમાં કહે છે: “પતિ-પત્ની બંને ભૂલો તો કરશે જ. પરંતુ, સમજુ પતિ-પત્ની એ ભૂલો છતાં લગ્‍નને ટકાવી રાખી શકે છે.”

પતિ-પત્ની લગ્‍નને દિવસે સમાજને નહિ, પણ એકબીજાને જીવનભર સાથ નિભાવવાનું વચન આપે છે. તેથી, હવે બંનેએ એ વચન નિભાવી રાખવાનું છે. વળી, પતિ-પત્ની કોઈ પણ કિંમતે લગ્‍ન જીવન ટકાવી રાખવા ચાહે છે, કેમ કે તેઓ એકબીજાના પ્રેમમાં છે.

[ફુટનોટ્‌સ]

^ અમુક કિસ્સામાં, પતિ-પત્ની પાસે છૂટા પડ્યા સિવાય બીજો કોઈ રસ્તો ન હોય. (૧ કોરીંથી ૭:૧૦, ૧૧; યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત કૌટુંબિક સુખનું રહસ્ય પુસ્તક, પાન ૧૬૦-૧ જુઓ.) બાઇબલ જણાવે છે કે ફક્ત વ્યભિચારને કારણે જ છૂટાછેડા લઈ શકાય છે.—માત્થી ૧૯:૯.

[પાન ૫ પર બોક્સ/ચિત્ર]

પતિ અ પત્ની શું કરી શકે?

પતિ અને પત્ની પોતાના લગ્‍ન જીવન વિષે વિચારી શકે. લગ્‍નને જીવનભર ટકાવી રાખવા હજુ શું કરી શકાય. કેમ નહિ કે નીચેનાં સૂચનો અજમાવો:

● વિચાર કરો કે, ‘શું હું મારું લગ્‍ન જીવન કિંમતી ગણું છું અને એને જીવનભર નિભાવી રાખવા માંગું છું?’ વળી, એ વિષે તમારા સાથીના મનમાં શું છે એ જાણો.

● તમારા સાથી સાથે આ લેખ વાંચો. પછી, ઠંડા દિમાગે વિચારો કે તમે બંને લગ્‍ન ટકાવી રાખવા શું કરી શકો.

● પતિ-પત્ની લગ્‍ન બંધન મજબૂત કરવા સાથે મળીને ઘણું કરી શકે. દાખલા તરીકે, લગ્‍નના ફોટા જોઈ શકે. લગ્‍ન કર્યા પહેલાં સાથે ગાળેલા સમયનો વિચાર કરો. લગ્‍ન પછીનાં વર્ષોનો વિચાર કરો. એ સમયે જે સાથે કરવામાં આનંદ મળતો, એ ફરીથી કરો. લગ્‍ન વિષે બાઇબલની સલાહ આપતા ચોકીબુરજ અને સજાગ બનો!ના લેખો જોડે બેસી વાંચો.

[પાન ૬ પર બોક્સ/ચિત્ર]

લગ્‍ન ટકાવી રાખવાન અર્થ થાય . . .

જવાબદારી “તારી પ્રતિજ્ઞા પૂર્ણ કર. તું પ્રતિજ્ઞા લે અને પાળે નહિ તેના કરતા તું પ્રતિજ્ઞા ન લે તે વધારે સારું છે.”—ઉપદેશક ૫: ૪, ૫, IBSI.

એકતા ‘એક કરતાં બે ભલા . . . જો એક પડી જાય, તો તેમાંનો એક પોતાના સાથીને ઉઠાડશે.’—સભાશિક્ષક ૪:૯, ૧૦.

સ્વાર્થી ન બનો “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.”—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫.

લગ્‍નને ટકાવી રાખવાનો નિર્ણય “પ્રીતિ . . . સઘળું સહન કરે છે.”—૧ કોરીંથી ૧૩:૪,.

[પાન ૭ પર ચિત્ર]

તમારા સાથી વાત કરવી હોય ત્યારે શું તમે સાંભળો છો?