સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

“પોતામાં જીવન” હોવાનો શું અર્થ થાય?

બાઇબલ કહે છે કે ઈસુ ખ્રિસ્તને “પોતામાં જીવન” છે અને તેમના શિષ્યોને પણ ‘પોતાનામાં જીવન’ છે. (યોહાન ૫:૨૬; ૬:૫૩) જો કે આ બંને કલમોનો અર્થ જુદો જુદો છે.

“જેમ બાપને પોતામાં જીવન છે, તેમ દીકરાને પણ પોતામાં જીવન રાખવાનું તેણે આપ્યું.” આમ કહેતા પહેલાં ઈસુએ જણાવ્યું: “હું તમને ખચીત ખચીત કહું છું, કે જે મારાં વચન સાંભળે છે, અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; . . . એવી વેળા આવે છે, અને હમણાં આવી ચૂકી છે, કે જ્યારે મૂએલાંઓ દેવના દીકરાની વાણી સાંભળશે; અને સાંભળનારાં જીવતાં થશે.” અહીં ઈસુ શાના વિષે વાત કરતા હતા? ઈસુ અહીં પોતાને યહોવાહ પાસેથી મળેલી ખાસ શક્તિ વિષે જણાવી રહ્યા હતા. એનાથી ઈસુ લોકોને યહોવાહ સાથે સારો સંબંધ બાંધવા મદદ કરી શકે, અને તે મરણ પામેલાને પણ સજીવન કરી શકે. આમ, ઈસુને “પોતામાં જીવન” હોવાનો અર્થ એ થતો હતો કે તેમને આવી ખાસ શક્તિ મળી હતી. તેથી, યહોવાહની જેમ જ ઈસુને પણ “પોતામાં જીવન” છે. (યોહાન ૫:૨૪-૨૬) જો કે ઈસુના શિષ્યો વિષે શું?

લગભગ એક વર્ષ પછી, ઈસુએ લોકોને કહ્યું કે, “હું તમને ખચીત ખચીત કહું છું, કે જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ, અને તેનું લોહી ન પીઓ, તો તમારામાં જીવન નથી. જે કોઈ મારૂં માંસ ખાય છે અને મારૂં લોહી પીએ છે, તેને અનંતજીવન છે; અને છેલ્લે દહાડે હું તેને પાછો ઉઠાડીશ.” (યોહાન ૬:૫૩, ૫૪) હવે અહીં ઈસુ “તમારામાં જીવન” હોવાને “અનંતજીવન” પામવા સાથે સરખાવે છે. “તમારામાં જીવન” હોવું જેવા શબ્દો, ગ્રીક શાસ્ત્રવચનોમાં બીજે પણ મળે છે. દાખલા તરીકે, “પોતામાં મીઠું રાખો,” અને ‘પોતાને શરીરે ભોગવ્યું.’ (માર્ક ૯:૫૦; રૂમીઓને પત્ર ૧:૨૭) જો કે અહીં એનો અર્થ એમ નથી કે લોકોને એવી કોઈ શક્તિ મળી હોય, જેનાથી તેઓ બીજાને મીઠું આપી શકે કે બદલો આપી શકે. ના,એને બદલે અહીં તો વ્યક્તિની પોતાની અંદર કંઈક પૂરેપૂરું કે સંપૂર્ણ થવા વિષે વાત કરે છે. તેથી, યોહાન ૬:૫૩માં “તમારામાં જીવન” હોવું, એ સંપૂર્ણ જીવન મેળવવાની વાત કરે છે.

“તમારામાં જીવન” હોય એવું શિષ્યોને જણાવતી વખતે, ઈસુએ પોતાના શરીર અને લોહી વિષે જણાવ્યું. થોડા સમય પછી, પ્રભુના સાંજના ભોજનની શરૂઆત કરતી વખતે પણ, ઈસુએ પોતાના શરીર અને લોહી વિષે જણાવ્યું. જેઓ નવા કરારમાં ભાગ લેવાના હતા એવા શિષ્યોને, ઈસુએ કોઈ ભેળ-સેળ વિનાની રોટલી અને વાઇન ખાવા-પીવા કહ્યું. હવે, શું યહોવાહ સાથે નવા કરારમાં છે, એવા પવિત્ર આત્માથી પસંદ થયેલાઓ જ સંપૂર્ણ જીવન મેળવી શકે? ના, કેમ કે આ બંને પ્રસંગોની વચ્ચે એક વર્ષનો સમય વીતી ગયો હતો. યોહાન ૬:૫૩, ૫૪માંના ઈસુના શબ્દો સાંભળનારા લોકોને એવા પ્રસંગની કોઈ જાણ ન હતી, જે ખ્રિસ્તનું શરીર અને લોહી રજૂ કરતા ચિહ્‍નો દ્વારા ઉજવવામાં આવ્યો હતો.

યોહાનના છઠ્ઠા અધ્યાય પ્રમાણે, ઈસુ પહેલા તો પોતાના શરીરને માન્‍ના સાથે સરખાવીને કહે છે: “તમારા બાપદાદાઓએ રાનમાં માન્‍ના ખાધું, અને તેઓ મરી ગયા. જે રોટલી આકાશમાંથી ઊતરે છે, તે એજ છે કે જો કોઈ તે ખાય તો તે મરે નહિ. જે જીવતી રોટલી આકાશમાંથી ઊતરી છે તે હું છું; જો કોઈ એ રોટલી ખાય, તો તે સદા જીવતો રહેશે.” માન્‍ના કરતાં ઈસુનું શરીર અને લોહી વધારે મહત્ત્વના હતા. એ કઈ રીતે? એનું કારણ એ કે ઈસુનું શરીર “જગતના જીવનને” સારું આપવામાં આવ્યું, જે હંમેશ માટેનું જીવન શક્ય બનાવે છે. * તેથી, યોહાન ૬:૫૩ના શબ્દો “તમારામાં જીવન” હોવું, એ હંમેશ માટેનું જીવન પામનારા બધાને લાગુ પડે છે. પછી ભલે એ જીવન સ્વર્ગમાં હોય કે પૃથ્વી પર હોય.—યોહાન ૬:૪૮-૫૧.

ખ્રિસ્તના શિષ્યોને ‘પોતાનામાં જીવન’ અથવા તો સંપૂર્ણ જીવન ક્યારે મળશે? અમુક શિષ્યો સજીવન થયા પછી અમર જીવન પામીને સ્વર્ગમાંથી રાજ કરશે ત્યારે. (૧ કોરીંથી ૧૫:૫૨, ૫૩; ૧ યોહાન ૩:૨) જ્યારે કે “બીજાં ઘેટાં” ઈસુના હજાર વર્ષના રાજ્યના અંતે, સંપૂર્ણ જીવન પામશે. ત્યાં સુધીમાં સોનું અગ્‍નિમાં પરખાય તેમ, તેઓની ચકાસણી થઈ હશે. તેઓ વફાદાર સાબિત થઈને, સુંદર પૃથ્વી પર હંમેશ માટેના જીવન માટે પસંદ થયા હશે.—યોહાન ૧૦:૧૬; પ્રકટીકરણ ૨૦:૫, ૭-૧૦.

[ફુટનોટ]

^ અરણ્યમાં ઈસ્રાએલી લોકો અને બીજા ‘મિશ્રિત લોકોને’ જીવવા માટે માન્‍નાની જરૂર હતી. (નિર્ગમન ૧૨:૩૭, ૩૮; ૧૬:૧૩-૧૮) એ જ પ્રમાણે હંમેશ માટે જીવવા યહોવાહના બધા જ સેવકોએ સ્વર્ગમાંથી આવેલી રોટલી અથવા માન્‍નામાં વિશ્વાસ કરવાની જરૂર છે. એ ઈસુનું શરીર અને લોહીનું બલિદાન છે, જે આપણાં પાપ માફ કરી શકે છે.—ચોકીબુરજ, ફેબ્રુઆરી ૧, ૧૯૮૯, પાન ૩૦-૧ જુઓ.

[પાન ૩૧ પર ચિત્ર]

યહોવાહના બધા સેવકોને ‘પોતાનામાં જીવન’ હોય શકે