યહોવાહ નમ્ર લોકોને સત્ય શીખવે છે
મારો અનુભવ
યહોવાહ નમ્ર લોકોને સત્ય શીખવે છે
અસાનો કોશીનોના જણાવ્યા પ્રમાણે
બીજા વિશ્વયુદ્ધનાં થોડાં વર્ષો પછી ૧૯૪૯માં જાપાનના કોબી શહેરમાં હું એક ઘરે કામ કરતી હતી. એક દિવસે પરદેશી વ્યક્તિ આવી. તે ઊંચી અને મિલનસાર સ્વભાવની હતી. યહોવાહના સાક્ષીઓમાંથી જાપાનમાં આવનાર તે સૌથી પહેલા મિશનરિ હતા. તેમની મુલાકાતને લીધે મને બાઇબલ સત્ય શીખવાની તક મળી. એ કઈ રીતે બન્યું? એ બધું જણાવ્યા પહેલા ચાલો, હું તમને મારા વિષે જણાવું.
ઉત્તર ઓકાઈયામા પ્રિફેક્ટચર નામના નાનાં ગામડાંમાં ૧૯૨૬માં મારો જન્મ થયો. અમે આઠ ભાઈબહેનો હતા, એમાં મારો નંબર પાંચમો હતો. મારા પપ્પા શિન્ટો ધર્મ પાળતા હતા. તેથી, અમે બીજા સગા-સંબંધીઓ સાથે ભેગા મળીને અનેક ધાર્મિક તહેવારોનો આનંદ માણતા.
હું જેમ જેમ મોટી થતી ગઈ તેમ, મને જીવન વિષેના ઘણા પ્રશ્નો હતા. એમાંય મરણ વિષેની ચિંતા મને કોરી ખાતી હતી. અમારા ધર્મનો રિવાજ હતો કે માબાપનો છેલ્લો શ્વાસ ઘરમાં હોવો જોઈએ, અને તેઓના બાળકો તેમની પાસે હોવા જોઈએ. મારા દાદી અને મારો નાનો ભાઈ મરી ગયા ત્યારે મને બહુ જ દુઃખ થયું હતું. મારો ભાઈ તો એક વર્ષનો પણ ન હતો. હું મારા માબાપનાં મરણનો વિચાર કરતી ત્યારે, તૂટી જતી. મારા દિલમાં આગની જેમ આ પ્રશ્ન સળગતો હતો: ‘થોડા દિવસો જીવીને મરી જવું, શું એ જ જીવન છે?’
વર્ષ ૧૯૩૭માં હું છઠ્ઠા ધોરણમાં ભણતી હતી ત્યારે, ચીન-જાપાન વચ્ચે યુદ્ધ શરૂ થયું. માણસોને ભેગા કરીને યુદ્ધ માટે મોકલવામાં આવતા. સ્કૂલમાં જતા બાળકોએ પોતાના પિતા અને ભાઈઓને, જાપાનના રાજા “બાનઝાઈ” (જાપાનના રાજા જિંદાબાદ) કહીને તેમનો વિજય પોકારતા ‘આવજો’ કહ્યું. લોકોને એમ જ હતું કે જાપાન જીતી જશે, કેમ કે તેમનો રાજા એક ભગવાન છે.
જલદી જ અનેક કુટુંબોને પોતાના પતિ ક્યાં તો ભાઈ લડાઈમાં માર્યા ગયાના સમાચાર મળ્યા. એવા કુટુંબો દુઃખના સાગરમાં ડૂબી ગયા હતા. તેઓના મનમાં નફરતની જ્વાળાઓ ભડકતી હતી. તેથી, જ્યારે દુશ્મનો માર્યા જાય ત્યારે તેઓ ખૂબ ખુશ થતા. પરંતુ હું વિચારતી હતી કે, ‘દુશ્મનો મરે છે ત્યારે તેમના કુટુંબોને પણ એટલું જ દુઃખ થતું હશે.’ એ સમયમાં મારી પ્રાયમરી સ્કૂલ પૂરી થઈ. પરંતુ, ચીનમાં તો લડાઈ ચાલુ જ હતી.
પરદેશી સાથે મુલાકાત
અમે બહુ ગરીબ હતા આથી અમારું કુટુંબ ખેતરમાં કામ કરતું હતું. પરંતુ, શિક્ષણ મફત મળતું હોવાથી, મારા પપ્પાએ મને ભણવા દીધી. વર્ષ ૧૯૪૧માં હું અમારા ઘરથી ૧૦૦ કિલોમીટર ઓકયામા શહેરની ગર્લ્સ સ્કૂલમાં ભણવા ગઈ. એ સ્કૂલમાં છોકરીઓને સારી પત્ની અને મા બનવાની તાલીમ આપવામાં આવતી હતી. એટલું જ નહિ, છોકરીઓને અમીર કુટુંબો સાથે રહેવા મોકલવામાં આવતી, જેથી તેઓને ઘરનું કામકાજ કરવાની પણ તાલીમ મળતી હતી. અમે સવારે આ ઘરોમાં કામ કરતા અને બપોરે સ્કૂલમાં જતા.
એ સ્કૂલમાં પહેલા દિવસે અમારું સ્વાગત કર્યા પછી મારા શિક્ષક મને એક મોટા ઘરમાં લઈ ગયા. પરંતુ, કોઈ કારણસર એ ઘરની સ્ત્રીએ મને પોતાની સાથે રાખવાની ના પાડી. પછી મારા શિક્ષકે કહ્યું, “હવે આપણે મિસિસ કોડાના ઘરે જઈએ?” તેમનું ઘર અંગ્રેજી સ્ટાઈલનું હતું. દરવાજો ખખડાવ્યો અને થોડી વાર પછી ધોળા વાળ વાળી એક સ્ત્રી બહાર આવી. તેમને જોઈને મને એકદમ નવાઈ લાગી કેમ કે તે જાપાનની ન હતી. તેમ જ, મેં મારા જીવનમાં ક્યારેય અંગ્રેજોને જોયા ન હતા. મારા શિક્ષકે મિસિસ મૉડ કોડા સાથે મારો પરિચય કરાવીને ચાલ્યા ગયા. હું મારો સામાન લઈને ઘરમાં તો ગઈ પણ, હું બહુ નર્વસ હતી. પછી મને જાણવા મળ્યું કે મિસિસ મૉડ કોડા અમેરિકાના છે. પરંતુ, તેમણે જાપાનીસ સાથે લગ્ન કર્યું છે. તેમના પતિ અમેરિકામાં અભ્યાસ કરવા ગયા હતા ત્યારે તેઓ એકબીજાને મળ્યા. મિસિસ કોડા સ્કૂલમાં અંગ્રેજી શીખવતી હતી.
બીજા જ દિવસથી હું કામમાં પરોવાઈ ગઈ. મિસિસ કોડાના પતિને અવાર નવાર વા (સંધિવા) થતો હતો એટલે મારે તેમની કાળજી રાખવાની હતી. મને અંગ્રેજી આવડતું ન હોવાથી બહુ ચિંતા થતી હતી. પરંતુ, મિસિસ કોડા મારી સાથે જાપાનીઝ ભાષામાં બોલતા હતા એટલે મને સારું લાગતું. હું દરરોજ તેઓને અંગ્રેજીમાં વાત કરતા સાંભળતી. તેથી, ધીરે ધીરે હું એ ભાષા સમજવા લાગી. તેઓના ઘરનું એકદમ શાંત વાતાવરણ મને બહુ જ ગમતુ હતું.
મિસિસ કોડા પોતાના બીમાર પતિની જે રીતે કાળજી રાખતા એનાથી હું ઘણી પ્રભાવિત થઈ હતી. તેમના પતિને બાઇબલ વાંચવાનું ગમતું હતું. મને ખબર પડી કે તેઓ પાસે ધ ડીવાઈન પ્લાન ઑફ ધી એજીસ પુસ્તક જાપાનીઝ ભાષામાં છે. એ તેમણે સેકન્ડ-હેન્ડ બુક સ્ટોલમાંથી ખરીધ્યું હતું. તેમ જ, કેટલાક વર્ષોથી તેઓ ચોકીબુરજ મૅગેઝિન પણ વાંચતા હતા.
એક દિવસે તેઓએ મને બાઇબલ ભેટ આપ્યું. મને ઘણી ખુશી થઈ કેમ કે, પહેલી વાર મને મારું પોતાનું બાઇબલ મળ્યું હતું. હું સ્કૂલમાં જતા આવતા બાઇબલ વાંચતી હતી પણ મને કંઈ ખાસ સમજણ પડતી ન હતી. જોકે હું શિન્ટો ધર્મમાં માનતી હોવાથી મને ઈસુ ખ્રિસ્ત વિષે કંઈ ખબર ન હતી. મને ખબર ન હતી કે સત્યના માર્ગમાં ચાલવાનું આ મારું પહેલું પગથિયું હતું. તેમ જ એમાંથી મને જીવન અને મરણ વિષેના ઘણા સવાલોના જવાબ મળશે.
ત્રણ દુઃખદ બનાવો
બે વર્ષની સ્કૂલ પૂરી થવા આવી અને હવે મારે આ ઘર છોડવાનું હતું. સ્કૂલ પૂરી કરીને હું છોકરીઓના એક ગ્રુપમાં જોડાઈ. ફેક્ટરીમાં અમે બધા નેવીમાં કામ કરનારાઓ માટે કપડાં બનાવતા હતા. યુદ્ધ વધતું ગયું અને ઑગસ્ટ ૬, ૧૯૪૫માં અમેરિકાએ હિરોશિમા પર બૉમ્બ નાખ્યો. થોડા દિવસો પછી મને ટેલિગ્રામ મળ્યો કે મારી મમ્મી બહુ બીમાર છે. હું તરત જ ટ્રેન પકડીને ઘરે ગઈ. સ્ટેશન પર મારા એક સંબંધી મને લેવા આવ્યા હતા. હું ટ્રેનમાંથી ઊતરી ત્યારે તેમણે કહ્યું કે તારી મમ્મી મરી ગઈ. મારી મમ્મી ઑગસ્ટ ૧૧મીએ મરણ પામી હતી. આટલા વર્ષોથી હું ગભરાતી હતી કે એક દિવસે મારી મમ્મી મરી જશે. પછી હું તેની સાથે વાત નહિ કરી શકું, અને તેનું હસતું મોઢું નહિ જોઈ શકું. આખરે એ જ થયું!
ઑગસ્ટ ૧૫મીએ જાપાન લડાઈમાં હારી ગયું. દસ દિવસમાં મેં એક પછી એક દુઃખદ સમાચારો સાંભળ્યા. પહેલું હિરોશિમા પર બૉમ્બ ફેકવામાં આવ્યો અને લાખો લોકો મરી ગયા. બીજું, મારી મમ્મી મરી ગઈ અને ત્રીજું કે જાપાનની હાર. તોપણ, થોડો ઘણો દિલાસો મળ્યો કે હવે લડાઈ બંધ થઈ ગઈ હતી એટલે હવે કોઈ મરશે નહિ. અંદરો અંદર હું બહુ તૂટી ગઈ હતી. સૈનિકોના કપડાં બનાવવાની ફેક્ટરી છોડી દઈને હું પાછી ઘરે આવતી રહી.
સત્ય મળ્યું
એક દિવસે મને ઓકાઈયામાં મિસિસ મૉડ કોડાનો પત્ર મળ્યો. તે અંગ્રેજી સ્કૂલ ખોલવાના હતા. તેમણે મને તેમની સાથે રહીને ઘરના કામમાં મદદ માટે આવવાની વિનંતી કરી. મેં ઘણો વિચાર કર્યો અને આખરે તેમની ઑફર સ્વીકારી લઈને તેમના સાથે રહેવા ગઈ. થોડા વર્ષો પછી હું તેઓ સાથે કોબી શહેરમાં રહેવા ગઈ.
વર્ષ ૧૯૪૯ના ઉનાળામાં ડોનલ્ડ હાસલેટ અમારા ઘરે આવ્યા. તે ઊંચા અને મિલનસાર સ્વભાવના હતા. તે ટોકિયોથી કોબી શહેરમાં મિશનરિઓ માટે ઘર ખરીદવા આવ્યા હતા. યહોવાહના સાક્ષીઓમાંથી જાપાનમાં આવનાર તે સૌથી પહેલા મિશનરિ હતા. તેમને એક ઘર મળી ગયું અને નવેમ્બર ૧૯૪૯માં કેટલાક મિશનરિઓ કોબીમાં આવ્યા. તેઓમાંના પાંચ મિશનરિઓ કોડાના કુટુંબને મળવા આવ્યા. લોઈડ બેરી અને પરસી ઈસ્ઝલૉબે ઘરમાં ભેગા મળ્યા હતા તેઓ સાથે દસ મિનિટ અંગ્રેજીમાં વાત કરી. મિસિસ મૉડ યહોવાહની સાક્ષી હતી. તેમને મિશનરિઓની સંગતથી ઘણું ઉત્તેજન મળ્યું હતું. ત્યારથી માંડીને મને અંગ્રેજી શીખવાની હોંશ જાગી.
આ ઉત્સાહી મિશનરિઓએ મને ધીરે ધીરે બાઇબલનું સત્ય શીખવ્યું. મને બાળપણથી ગૂંચવતા પ્રશ્નોના જવાબ મળ્યા. હા બાઇબલ સમજાવે છે કે આપણે આ પૃથ્વી પર હંમેશ માટે જીવી શકીએ છીએ. તેમ જ, એમાં વચન આપવામાં આવ્યું છે કે ‘જેઓ કબરમાં છે, તેઓ સર્વ’ સજીવન થશે. (યોહાન ૫:૨૮, ૨૯; પ્રકટીકરણ ૨૧:૧, ૪) આ સત્ય જાણીને મને ઘણી ખુશી થઈ. યહોવાહ પરમેશ્વરે પોતાના પુત્ર ઈસુના બલિદાનથી આપણને આશા આપી. એ માટે હું યહોવાહની ઘણી આભારી છું!
હું યહોવાહના આનંદી સેવાકાર્યમાં
ડિસેમ્બર ૩૦, ૧૯૪૯થી જાન્યુઆરી ૧, ૧૯૫૦ સુધી યહોવાહના સાક્ષીઓનું પ્રથમ સંમેલન રાખવામાં આવ્યું હતું. આ સંમેલન કોબીમાં રહેતા મિશનરિના ઘરમાં હતું. હું પણ મિસિસ મૉડ સાથે ગઈ. મિશનરિઓએ ખરીદેલું એ ઘર પહેલા નાઝી લશ્કરોનું હતું. એ ઘરની આજુબાજુના દૃશ્યો ખૂબ સરસ હતા. બારીમાંથી દરિયો અને અવાજી ટાપુ પણ જોઈ શકતા હતા. હું સત્ય વિષે ફક્ત થોડું જ જાણતી હતી. એટલે ત્યાંથી જે કહેવામાં આવ્યું એ બધું માથા ઉપરથી ગયું. તોપણ, અંગ્રેજી મિશનરિઓ જાપાનીઓ સાથે હળીભળી ગયા હોવાથી મને ઘણું સારું લાગ્યું. આ સંમેલનના પબ્લિક ટોકમાં ૧૦૧ લોકો આવ્યા હતા.
સંમેલન પછી મેં, પ્રચારમાં જવાનો નિર્ણય લીધો. હું સ્વભાવે શરમાળ હતી. તેથી, ઘર-ઘરના પ્રચારમાં જવા માટે મેં ઘણી હિંમત ભેગી કરી. એક વાર સવારે ભાઈ લૉઈડ બેરી મને પ્રચારમાં લઈ જવા આવ્યા. તેમણે કોડા બહેનના બાજુના ઘરથી શરૂઆત કરી. હું તો એટલી શરમાતી હતી કે તેમની પાછળ સંતાઈને સાંભળતી હતી. હું બીજી વાર પ્રચારમાં ગઈ ત્યારે બે મિશનરિ બહેનો સાથે કામ કર્યું. એક વૃદ્ધ જાપાની સ્ત્રીએ અમને ઘરમાં બોલાવ્યા. તેમણે અમારું સાંભળ્યા પછીથી અમને ગ્લાસ ભરીને દૂધ આપ્યું. તે બાઇબલ શીખવા માટે તૈયાર થઈ ગયા, થોડા સમય બાદ તેમણે બાપ્તિસ્મા લીધું. તેમને
સત્યના માર્ગમાં ચાલતા જોઈને મને ખૂબ ઉત્તેજન મળ્યું.એપ્રિલ ૧૯૫૧માં બ્રુકલિનની હેડ ઑફિસમાંથી ભાઈ નાથાન એચ. નૉર પહેલી વાર જાપાનમાં આવ્યા. તેમણે ટોકિયોના કંડા શહેરના, ક્યોરેટસુ એડિટોરિયમાં પબ્લિક ટોક આપી. ટોક સાંભળવા આશરે ૭૦૦ લોકો આવ્યા હતા. આ ખાસ મિટિંગમાં સર્વએ જાહેરાત સાંભળી કે હવેથી જાપીનીઝ ભાષામાં ધ વોચટાવર મળશે. ત્યારે સર્વ ખુશીથી ઉછળી પડ્યા હતા. એ પછીના મહિને ભાઈ નૉર કોબીમાં આવ્યા હતા. ત્યાં જે ખાસ મિટિંગ રાખવામાં આવી હતી એમાં મેં બાપ્તિસ્મા લીધું.
લગભગ વર્ષ પછી મને પૂરા સમયનું પાયોનિયરીંગ કરવા માટે ઉત્તેજન આપવામાં આવ્યું. એ વખતે જાપાનમાં થોડા જ પાયોનિયરો હતા. પરંતુ મને ચિંતા એ હતી કે હું કઈ રીતે મારું ભરણપોષણ કરીશ. તેમ જ જો હું લગ્ન કરવાને બદલે પાયોનિયરીંગ કરીશ તો, પછીથી મારી સાથે કોણ લગ્ન કરશે? પછી હું સમજી ગઈ કે યહોવાહની સેવાને જીવનમાં પ્રથમ રાખવી જોઈએ. તેથી હું ૧૯૫૨માં પાયોનિયર બની. ખુશીની વાત એ છે કે પાયોનિયરીંગ સાથે હું બહેન કોડા માટે પાર્ટ-ટાઈમ કામ કરી શકી.
લડાઈના સમયમાં અમને કહેવામાં આવ્યું હતું કે મારો મોટો ભાઈ લડાઈમાં માર્યો ગયો છે. પરંતુ, તેણે તાઈવાનમાં લગ્ન કરી લીધું હતું અને તે પોતાના કુટુંબ સાથે જાપાનમાં ઘરે પાછો ફર્યો. તેને જીવતો જોઈને મને બહુ આનંદ થયો. મારા કુટુંબે ક્યારેય બાઇબલ કે ખ્રિસ્તી ધર્મમાં રસ બતાવ્યો ન હતો. પરંતુ, મારા પાયોનિયરીંગ ઉત્સાહના લીધે હું તેઓને મૅગેઝિનો અને નાની પુસ્તિકાઓ મોકલતી. પછીથી, મારો ભાઈ નોકરીના લીધે પોતાના કુટુંબ સાથે કોબીમાં રહેવા આવ્યો. મેં મારી ભાભીને પૂછ્યું, “શું તમે આ મૅગેઝિનો વાંચો છો?” તેણે કહ્યું કે “એ મૅગેઝિનો વાંચવા મને ખૂબ ગમે છે.” ત્યારે મને ઘણી નવાઈ લાગી. મારી ભાભીએ એક મિશનરિ સાથે બાઇબલ શીખવાનું શરૂ કર્યું. મારી નાની બેન તેઓ સાથે રહેતી હોવાથી તે પણ શીખવા લાગી. પછી, તેઓ બંનેએ બાપ્તિસ્મા લીધું.
આખા જગતના ભાઈચારાની ઊંડી અસર
વૉચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડના ૨૨માં ક્લાસમાં આવવાનું મને આમંત્રણ મળ્યું ત્યારે મને ખૂબ નવાઈ લાગી. જાપાનમાંથી સૌથી પહેલા મને અને ભાઈ સુટોમુ ફુકાસીને સ્કૂલમાં આવવા માટે કહેવામાં આવ્યું હતું. ક્લાસ ૧૯૫૩માં શરૂ થયા પહેલા અમે ન્યૂ યૉર્કના યાંકી સ્ટેડિયમમાં ન્યૂ વર્લ્ડ સોસાયટી મહાસંમેલનમાં ગયા. ત્યાં અનેક દેશોમાંથી આવેલા હજારો ભાઈબહેનને જોઈને હું પ્રભાવિત થઈ ગઈ.
સંમેલનના પાંચમાં દિવસે જાપાનના મોટાભાગના મિશનરિઓ અમારો રાષ્ટ્રિય ડ્રેસ, કિમોનો પહેરીને આવ્યા. મારો કિમોનો મેં જાપાન છોડ્યું એ પહેલા કારગોમાં મોકલ્યો હતો. પરંતુ, એ હજુ સુધી આવ્યો ન હોવાથી મેં બહેન નૉરનો કિમોનો પહેર્યો. પરંતુ ટોક દરમિયાન વરસાદ શરૂ થયો. હું ખૂબ ચિંતા કરવા લાગી કે આ કિમોનો ભીનો થઈને બગડી જશે તો. પરંતુ, તરત જ પાછળથી કોઈ ભાઈએ મને રેનકોટ ઓઢાડ્યો. મારી બાજુની બહેને મને પૂછ્યું, “તને ખબર છે કે તે ભાઈ કોણ છે?” પછી મને ખબર પડી કે એ ભાઈ ગવર્નિંગ બોડીના સભ્ય ફેડ્રિક ફ્રાંઝ હતા. જોકે આ એક નાનો બનાવ હતો પણ મને યહોવાહના સંગઠનમાં સાચો પ્રેમ જાણે ફૂલની જેમ ખીલેલો લાગ્યો.
ગિલયડના ૨૨મા ક્લાસમાં ૩૭ દેશોમાંથી ૧૨૦ વિદ્યાર્થીઓ આવ્યા હતા. જોકે, જુદી ભાષાના લીધે વાતચીત કરવું મુશ્કેલ હતું. તોપણ, અમે બધા દોસ્તો બન્યા. ફેબ્રુઆરી ૧૯૫૪માં હું ગ્રેજ્યુટ થઈ. મને પાછું
જાપાનમાં નિગોયા શહેરમાં જવાનું કહેવામાં આવ્યું. મારા ક્લાસની સ્વીડીશ બહેન ઇંગર બ્રેંડ મારી પાટનર હતી. કોરિયામાં યુદ્ધના કારણે મિશનરિઓ નિગોયા શહેરમાં પ્રચાર કરતા હતા અને અમે તેઓ સાથે જોડ્યા. થોડા વર્ષો મેં મિશનરિ સેવામાં ગાળ્યા અને મારા માટે એ સમય બહુ મૂલ્યવાન હતો.મારા જીવન સાથી જોડે સેવા કરવાનો આનંદ
સપ્ટેમ્બર ૧૯૫૭માં મને ટોકિયો બેથેલમાં આવવાનું કહેવામાં આવ્યું. એ વખતે બે માળનું લાકડાનું ઘર જાપાનની બ્રાંચ ઑફિસ હતી. બેથેલમાં ચાર જ સભ્યો હતા. ત્યારે ભાઈ બૅરી બ્રાન્ચ ઑવરસીયર અને બીજા ત્રણ મિશનરિઓ હતા. હું ટ્રાંસલેશન, પ્રુફરીંડીગની સાથે સાફસફાઈ, કપડાં ધોવાના અને ખાવાનું બનાવા જેવા બીજા કામો પણ કરતી હતી.
પ્રચાર કામમાંથી પુષ્કળ ફળો આવવા મંડ્યા. તેથી, વધારે ભાઈબહેનોને બેથેલમાં બોલાવામાં આવ્યા. એમાંના એક ભાઈ, જુનજી કૉશીનો વડીલ હતા અને મારા મંડળમાં જોડાયા હતા. અમે બંને એકબીજાના પ્રેમમાં પડ્યા અને ૧૯૬૬માં લગ્ન કર્યું. અમારા લગ્ન પછી જુનજીને સરકીટ કામ કરવાનું કહેવામાં આવ્યું. જુદા જુદા મંડળમાં જઈને ઘણા ભાઈબહેનોને મળવાથી મને બહુ જ આનંદ મળ્યો. જોકે મને ટ્રાંન્સલેશનનું કામ પણ આપ્યું હતું. તેથી મારે મુસાફરીના બીજા સામાનની સાથે ભારે ડિક્ષનરીઓ પણ લેવી પડતી હતી. અમે જે ભાઈબહેનોના ઘરે અઠવાડિયું રહેતા ત્યાં, હું મારું કામ કરતી હતી અને જુનજી મંડળની મુલાકાત લેતા હતા.
અમને ચાર વર્ષ સરકીટમાં કામ કરવાની ઘણી મઝા આવી અને સંગઠનમાં થઈ રહેલો વધારો પણ જોયો. પછી અમે પાછા બેથેલમાં ગયા. બ્રાંચ નુમાઝુમાં ખસેડાઈ અને લગભગ દસ વર્ષ પછી એબીનામાં ગઈ. આજે પણ બ્રાંચ ત્યાં જ છે. જુનજી અને હું લાબાં સમયથી બેથેલ સેવાનો આનંદ માણીએ છીએ. આજે બેથેલમાં કંઈક ૬૦૦ સભ્યો છે. પૂરા સમયની સેવામાં મારા ૫૦ વર્ષ પૂરા થયા. તેથી મે ૨૦૦૨માં બેથેલના મારા મિત્રોએ મને પાર્ટી આપી.
જાપાનમાં વધારો જોઈને ખુશ થવું
મેં ૧૯૫૦માં યહોવાહની સેવા કરવાનું શરૂ કર્યું. ત્યારે જાપાનમાં થોડા જ પ્રકાશકો હતા. હવે જાપાનમાં ૨,૧૦,૦૦૦ કરતાં પણ વધારે પ્રકાશકો છે. સાચે જ, મારી જેમ હજારો નમ્ર લોકો યહોવાહનું સત્ય શીખ્યા.
વર્ષ ૧૯૪૯માં જે ચાર મિશનરિઓ બહેન કોડાના ઘરે આવ્યા હતા, તેઓ અને બહેન મૉડ કોડા પણ મરણ સુધી યહોવાહને વફાદાર રહ્યા. મારો ભાઈ સેવકાઈ ચાકર હતો અને મારી ભાભી લગભગ ૧૫ વર્ષ પાયોનિયર હતી તેઓ બંને પણ મરણ પામ્યા. નાનપણમાં હું મારા માબાપના મરણ વિષે ઘણી ચિંતા કરતી હતી. પરંતુ, બાઇબલમાં ફરી સજીવન કરવામાં આવશે એ વચનમાંથી મને ઘણો દિલાસો મળ્યો.—પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫.
બહેન મૉડને ૧૯૪૧માં મળવાથી મારું જીવન બદલાઈ ગયું હતું. હું ઘણી વાર વિચારું છું કે, જો હું તેમને મળી ન હોત તો, યુદ્ધ પછી તેમની સાથે કામ કરવાનું મને આમંત્રણ મળ્યું ન હોત. વળી, હું મારા ગામના ખેતરોમાં જ કામ કરતી હોત અને મિશનરીઓને હું મળી ન હોત. પરંતુ, યહોવાહે બહેન મૉડ અને મિશનરિઓ દ્વારા મને સત્ય શીખવ્યું, એ માટે હું તેમની ઘણી આભારી છું!
[પાન ૨૫ પર ચિત્ર]
મૉડ અને તેમના પતિ સાથે. હું આગળ ડાબી બાજુ
[પાન ૨૭ પર ચિત્ર]
૧૯૫૩માં યાંકી સ્ટેડિયમમાં જાપાનમાંથી મિશનરિઓ સાથે. હું દૂર જમણી બાજુ
[પાન ૨૮ પર ચિત્ર]
બેથેલમાં મારા પતિ જુનજી સાથે