સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું ઈશ્વર—તેમના ભક્તોને બચાવે છે?

શું ઈશ્વર—તેમના ભક્તોને બચાવે છે?

શું ઈશ્વર—તેમના ભક્તોને બચાવે છે?

લગભગ ૨,૭૦૦ વર્ષ પહેલાં રાજા હિઝકીયાહ થઈ ગયા. તે ૩૯ વર્ષના હતા ત્યારે ખૂબ બીમાર પડ્યા. થોડા સમયમાં તે અડધા થઈ ગયા. તેમણે પ્રાર્થનામાં ઈશ્વરને ખૂબ કાલાવાલા કર્યા. જવાબમાં ઈશ્વરે કહ્યું: “તારી પ્રાર્થના મેં સાંભળી છે, તારાં આંસુ મેં જોયાં છે; હું તારા આયુષ્યમાં પંદર વર્ષ વધારીશ.”—યશાયાહ ૩૮:૧-૫.

શા માટે ઈશ્વરે હિઝકીયાહને આ ગંભીર બીમારીમાંથી બચાવ્યા? કેમ કે ઈશ્વરનું વચન તેમનામાં પૂરું થવાનું હતું. સદીઓ પહેલાં ઈશ્વરે હિઝકીયાહના પિતૃ, રાજા દાઊદને કહ્યું હતું: “અને તારૂં કુટુંબ તથા તારૂં રાજ્ય તારી આગળ સદા અવિચળ થશે; તારૂં રાજ્યાસન સદાને માટે કાયમ થશે.” આમ, ઈશ્વરે દાઊદને વચન આપ્યું હતું કે મનુષ્યના તારણહાર ઈસુ, તેમના કુંટુબમાંથી આવશે. (૨ શમૂએલ ૭:૧૬; ગીતશાસ્ત્ર ૮૯:૨૦, ૨૬-૨૯; યશાયાહ ૧૧:૧) પરંતુ, જ્યારે હિઝકીયાહ બીમાર પડ્યા ત્યારે તો, તેમને એક પણ દીકરો ન હતો. આથી, જો ઈશ્વરે તેમને સાજા કર્યા ન હોત તો, શું માણસજાતના બચાવનાર તેમના વંશમાંથી આવી શક્યા હોત?

આમ, યહોવાહે પોતે આપેલું વચન પૂરું કરવા, તેમણે બીજા ભક્તોને પણ બચાવ્યા છે. દાખલા તરીકે, ઈસ્રાએલીઓ મિસરની ગુલામીમાંથી બચ્યા ત્યારે મુસાએ એ પ્રજાને કહ્યું: ‘યહોવાહ તમને ચાહે છે, ને જે સોગન તેણે તમારા પિતૃઓની આગળ ખાધા એ પાળવા તે ઇચ્છે છે, ને તેથી જ યહોવાહ સમર્થ હાથ વડે તમને બંદીખાનામાંથી છોડાવ્યા છે.’—પુનર્નિયમ ૭:૮.

બીજા એક કિસ્સાનો વિચાર કરો: શાઊલ એક યહુદી હતો. તે ખ્રિસ્તીઓને ખૂબ સતાવતો હતો. તે દમસ્કમાં જતા રસ્તા પર હતો ત્યારે તેને ઈસુનું સંદર્શન થયું. એ વખતે ઈસુએ શાઊલને કહ્યું કે તેણે ખ્રિસ્તીઓને સતાવવા જોઈએ નહિ. પછીથી, શાઊલે પસ્તાવો કર્યો અને ખ્રિસ્તી બનીને પાઊલ તરીકે ઓળખાયા. પાઊલે અનેક દેશોમાં મુસાફરી કરી અને યહોવાહ વિષે સત્ય ફેલાવવા લાગ્યા. યહોવાહની ઇચ્છા પ્રમાણે કરવા તેમણે સખત મહેનત કરી.—પ્રેરિતોનાં કૃત્યો ૯:૧-૧૬; રૂમીઓને પત્ર ૧૧:૧૩.

શું ઈશ્વર હંમેશાં તેમના ભક્તોને બચાવે છે?

બાઇબલ બતાવે છે કે અમુક વાર યહોવાહે તેમના ભક્તોને બચાવ્યા છે. દાખલા તરીકે યહોવાહે ત્રણ હેબ્રી યુવાનોને એક ભઠ્ઠીમાંથી બચાવ્યા. તેમ જ તેમણે પ્રબોધક દાનીયેલને સિંહોના બીલમાંથી બચાવ્યા. તો શું ઈશ્વર હંમેશાં તેમના ભક્તોનું રક્ષણ કરે છે? જોકે, દરેક વખતે તેમણે પોતાના ભક્તોને બચાવ્યા નથી. કેમ કે, બીજા અમુક પ્રબોધકોને તેમણે દુશ્મનોના હાથે મરવા દીધા હતા. (૨ કાળવૃત્તાંત ૨૪:૨૦, ૨૧; દાનીયેલ ૩:૨૧-૨૭; ૬:૧૬-૨૨; હેબ્રી ૧૧:૩૭) હેરોદ એગ્રીપાએ પીતરને જેલમાં પૂરી દીધા, ત્યારે યહોવાહે ચમત્કાર કરીને પીતરને જેલમાંથી છોડાવ્યા. પરંતુ, એ જ રાજાએ પ્રેષિત યાકૂબને મારી નાખ્યા ત્યારે યહોવાહે તેમને બચાવ્યા ન હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૧-૧૧) યહોવાહે પાઊલ અને બીજા પ્રેષિતોને એવી શક્તિ આપી હતી કે તેઓ બીમાર લોકોને સાજા કરી શકે. અરે, તેમણે મૂએલાઓને પણ સજીવન કરવાની શક્તિ આપી હતી. પરંતુ, પાઊલ પોતે ખાસ પ્રકારની બીમારીથી પીડાતા હતા, ત્યારે યહોવાહ તેમને સાજા કર્યા નહિ. આમ, પાઊલે ‘દેહના કાંટા’ એટલે કે બીમારી સાથે જીવવું પડ્યું.—૨ કોરીંથી ૧૨:૭-૯; પ્રેરિતોનાં કૃત્યો ૯:૩૨-૪૧; ૧ કોરીંથી ૧૨:૨૮.

ઈસુએ પોતાના મરણ પહેલા બતાવ્યું હતું કે યહોવાહના ભક્તો પર ખૂબ સતાવણી આવશે. (માત્થી ૧૦:૧૭-૨૨) આ ક્રૂર સતાવણી આવી ત્યારે, આ ખ્રિસ્તીઓ પોતાના વિશ્વાસમાં નબળા પડી ગયા નહિ. રૂમી રાજા નીરોના હુકમથી લશ્કરોએ ખ્રિસ્તીઓને રિબાવ્યા, જીવતા બાળી નાખ્યા તેમ જ જંગલી જાનવરોની આગળ ફેંકી દીધા. પરંતુ, યહોવાહે આ ખ્રિસ્તીઓને બચાવ્યા ન હતા.

અમુક લોકો જ્યારે મોતના મોંમાંથી બચી જાય ત્યારે, તેઓ કહે છે કે ‘ઈશ્વરે મને બચાવ્યો છે.’ ઈશ્વરે ખરેખર તેઓને બચાવ્યા કે નહિ, એ આપણે કહી શકતા નથી. જો કે, યહોવાહ કોઈ પણ ભક્તને જોખમોમાંથી બચાવી શકે છે. પરંતુ, આ કિસ્સાઓ પર વિચાર કરો: અમુક વર્ષો પહેલાં, ફ્રાંસના ટુલૂઝ શહેરમાં, એક ફેકટરીના અકસ્માતમાં અમુક યહોવાહના સાક્ષીઓ મરી ગયા. બીજા વિશ્વ યુદ્ધમાં નાઝી અને બીજી જુલમી સરકારોએ હજારો સાક્ષીઓને મોતના ઘાટ ઉતાર્યા. તો પછી, શા માટે યહોવાહ તેમના અમુક ભક્તોને બચાવે છે અને અમુકને નથી બચાવતા?—દાનીયેલ ૩:૧૭, ૧૮.

“અણધાર્યા બનાવો દરેકને અસર કરે છે”

આફતો બધાને અસર કરે છે, પછી ભલેને આપણે ઈશ્વરમાં માનતા હોઈએ કે નહિ. ટુલૂઝની ફેકટરીમાં મોટો અકસ્માત થયો ત્યારે, એલાન અને લીલીયાન બચી ગયા. પરંતુ, ૩૦ લોકો મરી ગયા અને ઘણાને ખૂબ ઈજા થઈ. દર વર્ષે હજારો લોકો ગાડીના અકસ્માતમાં, ગુનેગારોના હાથે કે યુદ્ધમાં માર્યા જાય છે. તો આ નિર્દોષ લોકોની શું ભૂલ છે? શું એમાં ઈશ્વરનો વાંક છે? ના, બાઇબલ કહે છે કે “અણધાર્યા બનાવો દરેકને અસર કરે છે.”—સભાશિક્ષક ૯:૧૧, NW.

ભલે કોઈ પણ વ્યક્તિ કહે કે ઈશ્વરે તેઓને બીમારી કે જોખમમાંથી બચાવ્યા છે, પરંતુ, હકીકત બદલાતી નથી. આપણે બધા કોઈને કોઈ સમયે તો બીમાર પડવાના જ છીએ. વળી, આપણે દિવસે દિવસે વૃદ્ધ થઈને છેવટે મરી જઈશું. આજે કોઈ પણ વ્યક્તિ મોતના મોંમાંથી છટકી શકતું નથી. તેમ છતાં, ઈશ્વર વચન આપે છે કે બહુ જલદી જ, ‘તે આપણી આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે.’ વળી, ત્યારે આપણે કદી બીમાર પડીશું નહિ કે મરીશું પણ નહિ. એ સમય કેવો અદ્‍ભુત હશે એની કલ્પના કરો!—પ્રકટીકરણ ૨૧:૧-૪.

ઈશ્વર ભવિષ્યમાં આ દુનિયામાં મોટા ફેરફારો લાવશે. બાઇબલ કહે છે કે એ સમય “યહોવાહનો મહાન દિવસ” હશે. (સફાન્યાહ ૧:૧૪) એ ‘દિવસે’ યહોવાહ સર્વ દુષ્ટ લોકોનો નાશ કરશે. પછી આપણને હંમેશ માટે સુખચેનની દુનિયામાં જીવવા મળશે. વિચારો કે આ ખરાબ દુનિયા કે ‘આગલી બીનાઓનું તમે સ્મરણ કરશો નહિ, એ મનમાં પણ આવશે નહિ.’ (યશાયાહ ૬૫:૧૭) વધુમાં, યહોવાહ વચન આપે છે કે જેઓ મરી ગયા છે, તેઓને ફરી સજીવન કરવામાં આવશે. કોઈ ફરી મોતનો શિકાર બનશે નહિ! (યોહાન ૫:૨૮, ૨૯) એક જ ‘દિવસમાં’ યહોવાહ હંમેશ માટે મનુષ્યની સર્વ મુશ્કેલીઓને દૂર કરી નાખશે. ખરેખર, યહોવાહ કેટલા પ્રેમાળ છે!

ઈશ્વર તમારા માટે શું કરે છે?

“યહોવાહનો મહાન દિવસ” હજુ ભાવિમાં છે, તો શું એનો અર્થ એમ થાય કે હમણાં તે આપણા માટે કંઈ કરતા નથી? આખી દુનિયા દુઃખમાં કણસી રહી છે, તો શું યહોવાહ એ સાંભળીને મોં ફેરવી લે છે? ના, હમણાં પણ ઈશ્વર આપણને બધાને મદદ કરવા ચાહે છે, પછી ભલે આપણે ગમે તે રંગના હોઈએ. ઈશ્વર ઇચ્છે છે કે આપણે તેમને સારી રીતે ઓળખીએ. (૧ તીમોથી ૨:૩, ૪) પરંતુ, કઈ રીતે? ઈસુએ તેમના પિતા યહોવાહ વિષે કહ્યું: “જે મારા બાપે મને મોકલ્યો છે, તેના ખેંચ્યા વિના કોઈ માણસ મારી પાસે આવી નથી શકતો.” (યોહાન ૬:૪૪) તો આજે, યહોવાહના સાક્ષીઓ યહોવાહના રાજ્યનો શુભસંદેશો દરેકને જણાવે છે. નમ્ર વ્યક્તિઓ એ સંદેશો સાંભળે ત્યારે, યહોવાહ તેઓને તેમની નજીક ખેંચે છે.

યહોવાહ તેમના ભક્તોને ઘણી મદદ કરે છે. પોતાની શક્તિથી તે ભક્તોના દિલ કે ‘અંતઃકરણ ઉઘાડે’ છે, જેથી તેઓ બાઇબલમાંથી સત્યનું જ્ઞાન લઈ શકે. તેમ જ એમાંથી બોધ લઈને જીવનમાં ઉતારી શકે. (યોહાન ૧૭:૩; પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧૪) યહોવાહ તેમના ભક્તોને ભરપૂર માર્ગદર્શન પણ આપે છે. શું આ બતાવતું નથી કે યહોવાહ દરેકને ખૂબ ચાહે છે?

યહોવાહ તેમના સર્વ ભક્તોને જોખમોમાંથી બચાવતા નથી. પરંતુ, તે તેઓને એમ જ છોડી પણ દેતા નથી. યહોવાહ તેમના ભક્તોને એવી શક્તિ આપી છે કે તેઓ કોઈ પણ આફતનો સામનો કરી શકે છે. (૨ કોરીંથી ૪:૭) આથી, પ્રેષિત પાઊલે પણ લખ્યું: “જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું.”—ફિલિપી ૪:૧૩.

યહોવાહે આપણે હંમેશાં સુખી રહીએ એવું વચન પણ આપ્યું છે. એ જાણીને શું તેમના માટેનો પ્રેમ આપણા દિલમાંથી છલકાતો નથી? શું તમે ગીતકર્તાની જેમ પૂછો છો કે, ‘હું યહોવાહના મારા પર થએલા સર્વ ઉપકારોનો તેમને શો બદલો આપું?’ જો એમ હોય, તો તમારે શું કરવું જોઈએ? તમારે ‘યહોવાહના નામની વિનંતી કરવી’ જોઈએ. (ગીતશાસ્ત્ર ૧૧૬:૧૨, ૧૩) હંમેશાં ચોકીબુરજ મૅગેઝિનો વાંચવાથી તમે યહોવાહને સારી રીતે ઓળખી શકશો. એમાંથી તમે જાણશો કે યહોવાહ તમારા માટે શું કરી રહ્યા છે. વળી, તમે એ પણ જાણી શકશો કે તમારી અપાર ખુશી માટે તે ભાવિમાં શું કરશે.—૧ તીમોથી ૪:૮.

[પાન ૬ પર બ્લર્બ]

“આગલી બીનાઓનું સ્મરણ કરવામાં આવશે નહિ, તેઓ મનમાં આવશે નહિ.”—યશાયાહ ૬૫:૧૭

[પાન ૫ પર ચિત્ર]

પ્રબોધક ઝખાર્યાહને મારી નાખવામાં આવ્યા ત્યારે યહોવાહે તેમને બચાવ્યા નહિ

હેરોદના દિવસોમાં યહોવાહે ખ્રિસ્તીઓને બચાવ્યા નહિ

[પાન ૭ પર ચિત્ર]

જલદી જ સર્વ દુઃખો જતા રહેશે, અરે, કોઈ ફરી મોતનો શિકાર બનશે નહિ