સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સતાવણી સહન કરી યહોવાહને મહિમા આપો

સતાવણી સહન કરી યહોવાહને મહિમા આપો

સતાવણી સહન કરી યહોવાહને મહિમા આપો

“સારૂં કરવાને લીધે જ્યારે તમે દુઃખ ભોગવો છો, ત્યારે જો તે સહન કરો છો, તો એ દેવની નજરમાં પ્રશંસાપાત્ર છે.”૧ પીતર ૨:૨૦.

૧. આપણે યહોવાહને સમર્પણ કર્યું હોવાથી, કયો પ્રશ્ન ઊભો થાય છે?

 આપણે યહોવાહને આપણું સમર્પણ કર્યું છે. તેથી, આપણે તેમની ભક્તિને સૌથી મહત્ત્વની ગણીએ છીએ. તેમ જ આપણે ઈસુ ખ્રિસ્તના પગલે ચાલીને સત્ય વિષે સાક્ષી આપવી જોઈએ. (માત્થી ૧૬:૨૪; યોહાન ૧૮:૩૭; ૧ પીતર ૨:૨૧) ઈસુ અને બીજા વફાદાર ખ્રિસ્તીઓ પોતાના વિશ્વાસના લીધે શહીદ થઈ ગયા. તો શું એનો અર્થ એમ થાય કે, આપણે પણ શહીદ થવું પડશે?

૨. આપણે સતાવણી કે મુશ્કેલીઓને કઈ રીતે જોવી જોઈએ?

આપણે મરણ સુધી યહોવાહને વળગી રહેવું જોઈએ. પરંતુ, એનો અર્થ એમ નથી કે આપણે આપણા વિશ્વાસના લીધે શહીદ થવું જ પડે. (૨ તીમોથી ૪:૭; પ્રકટીકરણ ૨:૧૦) આપણે ગમે તેવી મૂશ્કેલીઓ સહન કરવા તૈયાર રહેવું જોઈએ, પછી ભલેને આપણું જીવન જોખમમાં આવી પડે. પરંતુ, એનો અર્થ એ નથી કે મુશ્કેલીઓ સહન કરવામાં આપણને આનંદ આવે છે. આપણે જાણીએ છીએ કે આવી મુશ્કેલીઓ આપણા પર આવવાની જ છે. એ આવે ત્યારે આપણે શું કરીશું, એના વિષે આપણે અત્યારથી જ ઊંડું મનન કરવું જોઈએ.

સતાવણીમાં અડગ રહો

૩. સતાવણી સહન કરી હોય એવા કયા દાખલાઓ બાઇબલમાં છે? (પાછળના પાના પર “તેઓએ કઈ રીતે સતાવણીનો સામનો કર્યો” બૉક્સ જુઓ.)

બાઇબલમાં, પરમેશ્વરના વફાદાર સેવકોના ઘણા દાખલાઓ છે. જ્યારે સત્યના લીધે તેઓનું જીવન જોખમમાં આવી પડ્યું ત્યારે, તેઓએ શું કર્યું એ જાણવું ખૂબ મહત્ત્વનું છે. એ તપાસવાથી આજે આપણને પણ મદદ મળે છે. “તેઓએ કઈ રીતે સતાવણીનો સામનો કર્યો” બૉક્સમાંથી તમે શું શીખી શકો એ જુઓ.

૪. ઈસુ અને વિશ્વાસુ સેવકોના ઉદાહરણમાંથી શું શીખી શકાય?

ઈસુ અને બીજા સેવકોએ પોતાના સંજોગો અનુસાર સતાવણીનો સામનો કર્યો હતો. પરંતુ એ સ્પષ્ટ છે કે તેઓએ જાણીજોઈને પોતાના જીવનો જોખમમાં નાખ્યા ન હતા. પોતે મુશ્કેલીમાં આવી પડ્યા ત્યારે, તેઓ હિંમતવાન તો બન્યા જ, પરંતુ તેઓએ ચાલાકી પણ બતાવી. (માત્થી ૧૦:૧૬, ૨૩) પ્રચાર કાર્યમાં લાગુ રહેવું અને યહોવાહ પ્રત્યે તેમની વફાદારી જાળવી રાખવી, એ જ તેઓનો મુખ્ય હેતુ હતો. એ ખ્રિસ્તીઓના દાખલામાંથી આપણને શીખવા મળે છે કે સતાવણીમાં આપણે શું કરવું જોઈએ.

૫. વર્ષ ૧૯૬૦ના દાયકામાં મલાવીમાં ફાટી નીકળેલી સતાવણીના સમયમાં ભાઈબહેનોએ શું કર્યું?

આપણા સમયમાં, યહોવાહના ભક્તોએ યુદ્ધ, પ્રતિબંધો અને સતાવણીના લીધે ઘણી વાર સખત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દાખલા તરીકે, ૧૯૬૦ના દાયકામાં મલાવીમાં યહોવાહના સાક્ષીઓની ક્રૂર સતાવણી કરવામાં આવી. તેમના રાજ્ય ગૃહો, ઘરબાર, અને વેપારધંધા સર્વનો નાશ કરવામાં આવ્યો. તેઓને સખત માર મારવામાં આવ્યા અને રિબાવવામાં આવ્યા. ભાઈઓએ આવા સંજોગોમાં શું કર્યું? હજારો ભાઈબહેનો ઘરબાર છોડીને નાસી ગયા. કેટલાક જંગલોમાં તો, વળી બીજા કેટલાક મોઝામ્બિકમાં રેફ્યુજી તરીકે જતા રહ્યા. જોકે ઘણા ભાઈબહેનોએ પોતાનું જીવન પણ ગુમાવ્યું. બીજાઓ ઈસુ અને પાઊલના ઉદાહરણને અનુસર્યા અને ખતરનાક વિસ્તારમાંથી નાસી ગયા.

૬. સખત સતાવણી છતાં, મલાવીના ભાઈબહેનોએ કઈ બાબતો પડતી મૂકી નહિ?

ભલે આ ભાઈબહેનો આમતેમ છૂપાઈને રહેતા હતા, પરંતુ તેઓ પરમેશ્વરના સંગઠન પાસેથી માર્ગદર્શન મેળવવાનું ચૂક્યા નહિ. છાનામાના મિટિંગો ભરવાનું અને પ્રચાર કરવાનું પણ તેઓએ ચાલુ રાખ્યું. એનું પરિણામ શું આવ્યું? આપણા કામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો એ પહેલાં ૧૯૬૭માં, દેશમાં પહેલી વાર ૧૮,૫૧૯ પ્રકાશકો હતા. પરંતુ, પ્રતિબંધમાં ઘણા લોકો મોઝામ્બિકમાં નાસી ગયા. તોપણ ૧૯૭૨માં ૨૩,૩૯૮ પ્રકાશકોએ રિપોર્ટ આપ્યો. તેઓ દર મહિને પ્રચારમાં લગભગ ૧૬ કરતાં વધારે કલાકો આપતા હતા. ખરેખર, એનાથી યહોવાહને મહિમા મળ્યો. વળી, આવા મુશ્કેલીના સમયમાં પણ યહોવાહે ભાઈબહેનોને ભરપૂર આશીર્વાદ આપ્યો. *

૭, ૮. સતાવણીઓ છતાં કેટલાક લોકો શા માટે બીજા દેશમાં જતા રહેતા નથી?

બીજા અમુક વિસ્તારોમાં સતાવણી હોવા છતાં, ભાઈબહેનો બીજા દેશોમાં જતા રહ્યા નહિ. કેમ કે બીજા દેશોમાં પણ મુશ્કેલીઓ તો રહેવાની જ છે. બીજા દેશમાં રહેવા જાય એ પહેલાં તેઓએ આ પ્રશ્નો પર વિચાર કરવો જોઈએ: શું અમે ભાઈબહેનોની સંગતમાં રહી શકીશું કે એકલા પડી જઈશું? હું નિયમિત સભાઓમાં અને પ્રચારમાં જઈ શકીશ, કે ગાડુ ગબડાવવા માટે રાતદિવસ કામમાં જ ડૂબી જઈશ? શું હું ધનદોલત કમાવવાના ફાંદામાં તો નહિ પડી જઉં ને?—૧ તીમોથી ૬:૯.

કેટલાક ભાઈબહેનો, મંડળના ભાઈબહેનોને સત્યમાં દૃઢ રાખવા માટે બીજા દેશમાં જતા નથી. આમ, તેઓના વિસ્તારમાં પ્રચાર કાર્ય ચાલુ રહે છે અને બીજા ભાઈબહેનોને પણ ઉત્તેજન મળે છે. (ફિલિપી ૧:૧૪) આવી રીતે કેટલાક ભાઈબહેનોએ, તેઓના દેશમાં ધર્મ પાળવા માટે કાયદેસરની જીત મેળવવામાં પણ ફાળો આપ્યો છે. *

૯. સતાવણીના લીધે બીજા દેશમાં જવું કે નહિ એ નિર્ણય લેતા પહેલાં, વ્યક્તિએ શું ધ્યાનમાં લેવું જોઈએ?

વ્યક્તિ ત્યાં જ રહે કે બીજે રહેવા જાય એ તેમનો નિર્ણય છે. જોકે, આવા નિર્ણયો પ્રાર્થનામાં યહોવાહ પાસે મદદ માંગ્યા પછી જ લેવા જોઈએ. ભલે આપણે રહેવાનો કે જવાનો નિર્ણય કરીએ, આપણે પ્રેષિત પાઊલના શબ્દો ધ્યાનમાં લેવા જોઈએ: “આપણ દરેકને પોતપોતાનો હિસાબ દેવને આપવો પડશે.” (રૂમીઓને પત્ર ૧૪:૧૨) સૌથી મહત્ત્વની બાબત એ છે કે આપણે હંમેશાં યહોવાહને વફાદાર રહેવું જોઈએ. અમુક સાક્ષીઓ હમણાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે; જ્યારે કે બીજાઓ પર ભવિષ્યમાં આવી શકે. સર્વની એક અથવા બીજી રીતે સતાવણી તો થશે જ, અને એમાંથી કોઈ પણ સાક્ષી બાકાત રહેશે નહિ. (યોહાન ૧૫:૧૯, ૨૦) યહોવાહને વફાદાર રહેવાથી આપણે તેમનું નામ દુનિયામાં રોશન કરીએ છીએ. તેમ જ યહોવાહને આપણા રાજા તરીકે સ્વીકારીને શેતાને મૂકેલા આરોપને જૂઠો સાબિત કરીએ છીએ.—હઝકીએલ ૩૮:૨૩; માત્થી ૬:૯, ૧૦.

“ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો”

૧૦. ઈસુ અને પ્રેષિતો પાસેથી બીજું શું શીખી શકીએ?

૧૦ સતાવણીમાં આપણે બીજી એક મહત્ત્વની બાબત ઈસુ અને પ્રેષિતો પાસેથી શીખી શકીએ છીએ. તેઓએ ક્યારેય ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો નહિ. બાઇબલમાં આપણને એવું ક્યાંય જોવા મળતું નથી કે ઈસુ અને તેમના શિષ્યોએ સતાવણી વિરુદ્ધ કોઈ ચળવળ શરૂ કરી હોય. પ્રેષિત પાઊલે સલાહ આપી, ‘ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો. ઓ વહાલાઓ, તમે સામું વૈર ન વાળો, પણ દેવના કોપને સારૂ માર્ગ મૂકો; કેમકે લખેલું છે, કે પ્રભુ કહે છે, કે વૈર વાળવું એ મારૂં કામ છે; હું બદલો લઈશ. ભૂંડાથી તું હારી ન જા, પણ સારાથી ભૂંડાનો પરાજય કર.’—રૂમીઓને પત્ર ૧૨:૧૭-૨૧; ગીતશાસ્ત્ર ૩૭:૧-૪; નીતિવચનો ૨૦:૨૨.

૧૧. સરકાર પ્રત્યે પ્રથમ સદીના ખ્રિસ્તીઓના વલણ વિષે એક લેખકે શું કહ્યું?

૧૧ પ્રથમ સદીના ખ્રિસ્તીઓએ આ સલાહને ધ્યાન પર લીધી. ઈસવીસન ૩૦થી ૭૦ના સમયગાળામાં ખ્રિસ્તીઓના સરકાર પ્રત્યેના વલણ વિષે સેસીલ જે. કાડૂસે પ્રથમ સદીનું ચર્ચ અને જગત (અંગ્રેજી) પુસ્તકમાં લખ્યું: ‘ખ્રિસ્તીઓ પર આવતા જુલમમાં એવું કંઈ જોવા મળતું નથી કે કોઈએ દુશ્મનો સામે માથું ઉઠાવ્યું હોય. વધારેમાં વધારે તેઓએ આમતેમ છૂપાઈને સરકારોને ગૂંચવી નાખી હતી. કાયદા પાળવામાં અને ખ્રિસ્તને આધીન રહેવા વચ્ચે મતભેદ થયો હોય ત્યારે, ખ્રિસ્તીઓએ શાંતિથી પરંતુ મક્કમ રીતે આવા કાયદાઓ પાળવાનો નકાર કર્યો.’

૧૨. ઈંટનો જવાબ પથ્થરથી આપવાને બદલે શાંતિથી સહન કરવું શા માટે સારું છે?

૧૨ અમુક કહેશે કે દુશ્મનો સામે સાક્ષીઓએ પોતાનો બચાવ કરવો જ જોઈએ. આવા સંજોગોમાં શાંતિનો માર્ગ લેવાય જ નહિ, કેમ કે દુશ્મનો તો તમને કચડી જ નાખે. આ બધું જો આપણે માનવીની નજરેથી જોઈએ તો યોગ્ય લાગી શકે. પરંતુ, યહોવાહના ભક્ત તરીકે, આપણને ખાતરી છે કે તેમના માર્ગદર્શન પ્રમાણે કરવાથી આપણને જ ફાયદો થશે. આપણે પીતરના શબ્દો ધ્યાનમાં રાખીએ છીએ: “સારૂં કરવાને લીધે જ્યારે તમે દુઃખ ભોગવો છો, ત્યારે જો તે સહન કરો છો, તો એ દેવની નજરમાં પ્રશંસાપાત્ર છે.” (૧ પીતર ૨:૨૦) આપણને ભરોસો છે કે યહોવાહ બધું જોઈ રહ્યા છે અને તે સતાવણી લાંબો સમય માટે ચાલવા દેશે નહિ. એની આપણે કઈ રીતે ખાતરી રાખી શકીએ? યહોવાહના લોકો ગુલામીમાં હતા ત્યારે તેમણે કહ્યું: “જે તમને અડકે છે તે [મારી] આંખની કીકીને અડકે છે.” (ઝખાર્યાહ ૨:૮) તમે કોઈને તમારી આંખની કીકીને ક્યાં સુધી અડકવા દેશો? હા, યહોવાહ યોગ્ય સમયે માર્ગ મોકળો કરશે, એમાં કોઈ શંકા જ નથી.—૨ થેસ્સાલોનીકી ૧:૫-૮.

૧૩. શા માટે ઈસુ વિરોધીઓની સામે થયા નહિ?

૧૩ આપણે ઈસુના ઉદાહરણને અનુસરવું જોઈએ. ઈસુને તેમના દુશ્મનો ગેથસેમાના બાગમાં પકડવા આવ્યા ત્યારે, તે પોતાનો બચાવ કરી શક્યા હોત. અરે, તેમણે તો શિષ્યોને કહ્યું: “શું તું એવું ધારે છે કે હું એવો શક્તિમાન નથી કે જો મારા બાપની પાસે માગું, તો તે હમણાં જ દૂતોની બાર ફોજ કરતાં વધારે મારી પાસે નહિ મોકલી દે? તો ધર્મલેખોમાં જે લખેલું છે કે એવું થવું જ જોઈએ, તે કેવી રીતે પૂરૂં થશે?” (માત્થી ૨૬:૫૩, ૫૪) ભલે ઈસુને સહન કરવું પડ્યું, પણ તેમના માટે જીવનમાં યહોવાહની ઇચ્છા પ્રમાણે કરવું એ સૌથી મહત્ત્વનું હતું. તેમને દાઊદના શબ્દોમાં પૂરો ભરોસો હતો: “તું મારો આત્મા શેઓલને સોંપશે નહિ; અને તારા ભક્તને કબરમાં જવા દેશે નહિ.” (ગીતશાસ્ત્ર ૧૬:૧૦) વર્ષો પછી પ્રેષિત પાઊલે ઈસુ વિષે કહ્યું: ‘તેણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને મરણસ્તંભનું દુઃખ સહન કર્યું, અને હવે દેવના રાજ્યાસનની જમણી તરફ બેઠેલો છે.’—હેબ્રી ૧૨:૨.

યહોવાહના નામને ઊંચું મનાવવાથી મળતો આનંદ

૧૪. સતાવણીમાં શા માટે ઈસુ આનંદ જાળવી રાખી શક્યા?

૧૪ શેતાન, ઈસુની સખત નફરત કરતો હતો, એટલે તે તેમના પર સખત સતાવણીઓ લાવ્યો. પરંતુ, આ સમયે ઈસુ કઈ રીતે આનંદ જાળવી રાખી શક્યા? તે યહોવાહને ખુશ કરવા માંગતા હતા. એટલે છેક મરણ સુધી તે તેમના પિતાને વફાદાર રહ્યા. આમ તેમણે મહેણાં મારનાર શેતાનને પણ ચુપ કરી દીધો. (નીતિવચનો ૨૭:૧૧) ઈસુ સજીવન થઈને સ્વર્ગમાં ગયા ત્યારે વિચાર કરો કે તેમને કેટલો આનંદ થયો હશે. તેમણે વિશ્વમાં યહોવાહના નામને ઊંચું મનાવ્યું અને બતાવી આપ્યું કે યહોવાહ જ પૃથ્વીના માલિક છે. બદલામાં ઈસુને ‘પ્રભુના જમણે હાથે બેસવાનો’ લહાવો મળ્યો.—ગીતશાસ્ત્ર ૧૧૦:૧, ૨; ૧ તીમોથી ૬:૧૫, ૧૬.

૧૫, ૧૬. સક્સેનહુસેનમાં ભાઈબહેનોએ કેવી ક્રૂર સતાવણી સહન કરી? અને તેઓને સહન કરવાની શક્તિ ક્યાંથી મળી?

૧૫ આજે આપણે પણ ઈસુની જેમ મુશ્કેલીઓનો સામનો કરીને યહોવાહના નામને મોટું મનાવીએ છીએ. દાખલા તરીકે, ઘણા ભાઈબહેનોએ સક્સેનહુસેન નામની જેલમાં સતાવણી સહન કરી. બીજા વિશ્વયુદ્ધના અંતમાં નાઝી સૈનિકોએ કેદીઓને બહુ લાંબી અને ક્રૂર મુસાફરી કરાવી. આ મુસાફરી દરમિયાન હજારો કેદીઓ વાતાવરણ, રોગ કે ભૂખના લીધે મરી ગયા. અથવા નાઝી સૈનિકોએ અમુકને રસ્તામાં મારી નાખ્યા. આ કેદીઓમાંના ૨૩૦ ભાઈબહેનો હતા. પરંતુ, તેઓ બધા બચી ગયા કેમ કે તેઓએ એકબીજાને ઉત્તેજન આપ્યું. તેમ જ પોતાના જીવના જોખમે પણ એકમેકને મદદ કરી.

૧૬ ભાઈબહેનોને આવી ક્રૂર સતાવણી સહન કરવા ક્યાંથી શક્તિ મળી? યહોવાહ તરફથી. એટલે તેઓએ ભેગા મળીને એક પત્ર દ્વારા યહોવાહનો આભાર માન્યો. એ પત્રની શરૂઆતમાં તેઓએ લખ્યું: “છ દેશોમાંથી આવતા ૨૩૦ યહોવાહના સાક્ષીઓ જર્મનીના શ્વેરીન જંગલમાં ભેગા મળ્યા.” તેઓએ પત્રમાં લખ્યું: “લાંબા સમય પછી અમારી અગ્‍નિની ભઠ્ઠી જેવી સતાવણી પૂરી થઈ છે. પરંતુ અમારા કોઈનો વાળ પણ વાંકો થયો ન હતો. (દાનીયેલ ૩:૨૭ જુઓ.) હકીકતમાં અમે યહોવાહની શક્તિથી વધારે દૃઢ બન્યા. વળી, અમે યહોવાહની વધારે ભક્તિ કરવા માટે વધુ સૂચનો મેળવવા ઉત્સુક છીએ.” *

૧૭. આપણે કેવા જાતની સતાવણીઓ સહન કરવી પડે છે?

૧૭ આ ૨૩૦ વિશ્વાસુ ભાઈબહેનોએ તેઓનું “લોહી રેડવા સુધી” સતાવણી સહન કરી. આપણી સાથે પણ એવું થઈ શકે. (હેબ્રી ૧૨:૪, પ્રેમસંદેશ) પરંતુ, એ સતાવણી કોઈ પણ જગ્યા કે વ્યક્તિથી આવી શકે. કદાચ સ્કૂલમાં બીજા છોકરાઓ તમારી મશ્કરી કરે. અથવા અનૈતિક અને એવાં બીજા ખરાબ કામ કરવા દબાણ કરે. અથવા, ડૉક્ટર તમને લોહી લેવા દબાણ કરે. પરીક્ષણો કુટુંબમાંથી પણ આવી શકે. કોઈ ભાઈબહેનને, સાક્ષી ન હોય એવી વ્યક્તિ સાથે લગ્‍ન કરવા દબાણ થઈ શકે. અથવા કોઈ માતાને પોતાના બાળકોને યહોવાહના માર્ગમાં ઉછેરવા છે, પણ પતિ તરફથી તકલીફો આવતી હોય.—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૯; ૧ કોરીંથી ૭:૩૯; એફેસી ૬:૪; ૧ પીતર ૩:૧, ૨.

૧૮. ગમે તેટલી મુશ્કેલી આવે તોપણ, આપણે કઈ રીતે સામનો કરી શકીએ?

૧૮ આપણે યહોવાહને ખૂબ ચાહીએ છીએ. તેમ જ તેમના રાજ્યને આપણા જીવનમાં પ્રથમ રાખવા માગીએ છીએ. એટલા માટે આપણા પર સતાવણી આવે છે. પણ આપણે પીતરના શબ્દોમાંથી હિંમત મેળવી શકીએ: “જો ખ્રિસ્તના નામને લીધે તમારી નિંદા થતી હોય, તો તમને ધન્ય છે; કેમકે મહિમાનો તથા દેવનો આત્મા તમારા પર રહે છે.” (૧ પીતર ૪:૧૪) યહોવાહની શક્તિથી, આપણે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરીને તેમને માન-મહિમા આપી શકીએ.—૨ કોરીંથી ૪:૭; એફેસી ૩:૧૬; ફિલિપી ૪:૧૩.

[ફુટનોટ્‌સ]

^ મલાવીના ભાઈબહેનો પર તો ૧૯૬૦થી દુઃખના ડુંગરો તૂટી પડ્યા હતા. તેઓએ લગભગ ત્રીસ કરતાં વધારે વર્ષો આવી સખત સતાવણીનો સામનો કરવો પડ્યો. વધારે માહિતી માટે યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલી ૧૯૯૯ની યરબુકના પાન ૧૭૧-૨૧૨ પર જુઓ.

^ એપ્રિલ ૧, ૨૦૦૩ના ચોકીબુરજના પાન ૧૧-૧૪ પર “સાક્ષીઓના પક્ષમાં ‘અરારાટ દેશની’ સુપ્રિમ કોર્ટે ચુકાદો આપ્યો” લેખ જુઓ.

^ આખો પત્ર વાંચવા માટે યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલી ૧૯૭૪ની યરબુકના પાન ૨૦૮-૨૦૯ પર જુઓ. જાન્યુઆરી ૧, ૧૯૯૮ના ચોકીબુરજના પાન ૨૫-૯ પર આ ક્રૂર સતાવણીમાંથી બચેલા ભાઈનો અનુભવ છે.

શું તમે સમજાવી શકો?

• ખ્રિસ્તીઓ સતાવણીને કઈ રીતે જુએ છે?

• ઈસુ અને બીજી વફાદાર વ્યક્તિઓએ સતાવણી સહન કરી એમાંથી આપણે શું શીખી શકીએ?

• શા માટે આપણે સતાવણીના સમયમાં ઈંટનો જવાબ પથ્થરથી ન આપવો જોઈએ?

• સતાવણીમાં શા માટે ઈસુ આનંદ જાળવી રાખી શક્યા અને આપણે એમાંથી શું શીખી શકીએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૫ પર બોક્સ/ચિત્ર]

તેઓએ કઈ રીતે સતાવણીનો સામનો કર્યો

• હેરોદે બે વર્ષની અંદરના નર બાળકોને મારી નાખવાની આજ્ઞા આપી. સૈનિકો બેથલેહેમમાં આવે એ પહેલાં, દૂતના માર્ગદર્શનથી યુસફ અને મરિયમ ઈસુને લઈને મિસરમાં જતા રહ્યા.—માત્થી ૨:૧૩-૧૬.

• ઈસુએ પોતાના સેવાકાર્યમાં સત્ય વિષે સાક્ષી આપી. એના લીધે અનેક વાર તેમના દુશ્મનો તેમને મારી નાખવા શોધતા હતા. દરેક સમયે ઈસુ તેઓથી છટકી ગયા.—માત્થી ૨૧:૪૫, ૪૬; લુક ૪:૨૮-૩૦; યોહાન ૮:૫૭-૫૯.

• સૈનિકો અને અધિકારીઓ ગેથસેમાના બાગમાં ઈસુને પકડવા આવ્યા ત્યારે, બે વખત ઈસુએ હિંમતથી તેઓને કહ્યું કે “હું તે છું.” તેમણે શિષ્યોને મારા-મારી કરતા અટકાવ્યા, અને તે શાંતિથી દુશ્મનો સાથે ગયા.—યોહાન ૧૮:૩-૧૨.

• યરૂશાલેમમાં, પીતર અને બીજા પ્રેષિતોને ફટકા મારવામાં આવ્યા. તેમ જ તેઓને ઈસુ વિષેનો પ્રચાર ન કરવાનો હુકમ આપવામાં આવ્યો. તોપણ, ‘તેઓ સભામાંથી ચાલ્યા ગયા. અને તેઓએ નિત્ય મંદિરમાં તથા ઘેર ઈસુ તેજ ખ્રિસ્ત છે તે વિષે શિખવવાનું તથા પ્રગટ કરવાનું છોડ્યું નહિ.’—પ્રેરિતોનાં કૃત્યો ૫:૪૦-૪૨.

• પ્રેષિત પાઊલને જાણવા મળ્યું કે દમસ્કના યહુદીઓએ તેમને મારી નાખવાનું કાવતરું કર્યું છે. ત્યારે, ભાઈઓએ પાઊલને ટોપલામાં બેસાડીને કોટ ઉપરથી ઉતારી મૂક્યા.—પ્રેરિતોનાં કૃત્યો ૯:૨૨-૨૫.

• ગવર્નર ફેસ્તસ અને રાજા એગ્રીપાએ કહ્યું કે પાઊલે “મોત અથવા કેદની સજાને લાયક કંઇ જ ગુનો કર્યો નથી.” તેમ છતાં, પાઊલ સત્ય માટે લડવા માંગતા હતા, આથી તેમણે કૈસરને અપીલ કરવાનું પસંદ કર્યું.—પ્રેરિતોનાં કૃત્યો ૨૫:૧૦-૧૨, ૨૪-૨૭; ૨૬:૩૦-૩૨, IBSI.

[પાન ૧૬, ૧૭ પર ચિત્ર]

ક્રૂર સતાવણીમાં નાસી જવાને બદલે, મલાવીના હજારો ભાઈબહેનોએ રાજ્ય સંદેશો જાહેર કરવાનું ચાલુ રાખ્યું

[પાન ૧૭ પર ચિત્ર]

આ વિશ્વાસુ ભાઈબહેનોએ નાઝીની ક્રૂર સતાવણીમાં પણ વફાદાર રહીને આનંદથી યહોવાહનું નામ મોટું મનાવ્યું

[ક્રેડીટ લાઈન]

મરણની મુસાફરી: KZ-Gedenkstätte Dachau, courtesy of the USHMM Photo Archives

[પાન ૧૮ પર ચિત્ર]

મુશ્કેલી કોઈ પણ સંજોગોમાં આવી શકે