સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યુવાનો યહોવાહને કદી ન ભૂલો

યુવાનો યહોવાહને કદી ન ભૂલો

યુવાનો યહોવાહને કદી ન ભૂલો

આપણા ઘણા યુવાનોને અમુક સમય માટે પોતાનું કુટુંબ અને મંડળ છોડી, દૂર જવું પડે છે. ઘણા યુવાનો પ્રચાર કાર્ય માટે બીજી જગ્યાએ જતા હોય છે. જ્યારે કે ઘણા રાજકારણમાં કોઈ ભાગ ન લેતા હોવાને લીધે ઘર છોડવું પડ્યું છે. (યશાયાહ ૨:૪; યોહાન ૧૭:૧૬) ઘણા દેશોમાં, ‘કાઈસારે’ અમુક વફાદાર યુવાનોને કેદમાં નાખ્યા છે અથવા તો સમાજ સેવા કરવા જણાવ્યું છે. *માર્ક ૧૨:૧૭; તીતસ ૩:૧, ૨.

ઘણા યુવાનોને રાજકારણમાં ભાગ ન લેવાને લીધે, લાંબા સમય સુધી કેદ કરવામાં આવે છે. વળી, કોઈ બીજાં કારણોને લીધે કદાચ ઘરથી દૂર રહેવું પડે તો, ઘણા યુવાનોને આ જગતનો રંગ લાગી જાય છે જે તેઓ માટે ખતરો પેદા કરી શકે છે. યુવાનો કઈ રીતે એનો સામનો કરી શકે? તેઓ કઈ રીતે “ઈશ્વરને પસંદ પડે એવું જીવન” જીવી શકે? (૧ થેસ્સાલોનીકી ૨:૧૨, IBSI) વળી, આવા સંજોગોનો હિંમતથી સામનો કરવા, માબાપ કઈ રીતે પોતાનાં બાળકોને મદદ કરી શકે?—નીતિવચનો ૨૨:૩.

અમુક યુવાનોને પડતી મુશ્કેલીઓ

એકવીસ વર્ષનો દૉગીસ કહે છે: “મારે અમુક કારણોને લીધે લગભગ ૩ વર્ષ ઘરથી દૂર રહેવું પડ્યું હતું. * ઘરે હું મારા માબાપ અને વડીલોની પ્રેમાળ છાંયા હેઠળ હતો. પરંતુ, હવે મને તેઓની ખોટ સાલવા મંડી. હું ડરી-ડરીને રહેવા લાગ્યો. હું જાણે એકલો અટૂલો પડી ગયો હોઉં એવું મને લાગવા લાગ્યું.” એ જ રીતે, ૨૦ વર્ષના પૅડ્રોસને પણ લગભગ બે વર્ષ ઘરથી દૂર રહેવું પડ્યું હતું. તે કહે છે: “જીવનમાં પહેલી વાર મારે પોતે મનોરંજન અને ભાઈબંધોની પસંદગી કરવી પડી, જેમાં હું ખૂબ જ કાચો છું. મને ખરો નિર્ણય લેવા કોણ મદદ કરે? હવે મારે જાતે નિર્ણયો લેવાના હોવાથી હું ખૂબ ચીડાઈ જતો.” એક વડીલ દાસૉસ આવા યુવાનો સાથેના અનુભવ પરથી કહે છે: “દુન્યવી યુવાનો તો ગંદી ભાષા બોલે, મોટાનું માન ન રાખે કે પછી મન ફાવે એમ વર્તે. આપણા યુવાનો પણ આસાનીથી આવી સંગતના રંગે રંગાઈ શકે છે.”

ખાસ કરીને યહોવાહના સેવકો ન હોય અથવા મન ફાવે તેમ જીવન બરબાદ કરતા હોય, એવા યુવાનોની સંગતથી નુકસાન થઈ શકે છે. (ગીતશાસ્ત્ર ૧:૧; ૨૬:૪; ૧૧૯:૯) એવા સંજોગોમાં, નિયમિત મેગેઝિનો વાંચવા, મિટિંગોમાં કે પ્રચારમાં જવું અઘરું બની શકે છે. (ફિલિપી ૩:૧૬) હા, આવા વાતાવરણમાં યહોવાહના માર્ગમાં પ્રગતિ કરવાનું પણ અઘરું બની શકે છે.

યહોવાહ કહે છે: “મારા દીકરા, જ્ઞાની થા, અને મારા હૃદયને આનંદ પમાડ, કે મને મહેણાં મારનારને હું ઉત્તર આપું.” (નીતિવચનો ૨૭:૧૧) આપણા યુવાનોએ આ સલાહ ચોક્કસ મનમાં ઠસાવી રાખવી જોઈએ. તેઓ જાણે છે કે પોતાની વાણી અને વર્તણૂક દ્વારા યહોવાહને આનંદ આપી શકે. એની સાથે સાથે લોકોના મન પર યહોવાહ અને તેમના સેવકો વિષે સારી છાપ પાડી શકે.—૧ પીતર ૨:૧૨.

એ વખાણવા જેવું છે કે ઘણા યુવાનો આજે યહોવાહને વફાદાર રહીને પહેલી સદીના સેવકોની જેમ વર્તે છે. પ્રેષિત પાઊલ તેઓ વિષે કહે છે: ‘તમે પૂર્ણ રીતે પ્રભુને પ્રસન્‍ન કરવાને સારૂ યોગ્ય રીતે વર્તો, અને સર્વ સારાં કામમાં તેનું ફળ ઉપજાવો, . . . અને આનંદ સહિત પૂર્ણ ધૈર્ય તથા સહનશીલતા રાખો.’ (કોલોસી ૧:૯-૧૧) બાઇબલમાં એવા ઘણા યુવાનોના દાખલા છે જેઓ પારકા દેશમાં રહીને, અરે મૂર્તિપૂજક દેશોમાં પણ યહોવાહને વફાદાર રહ્યા છે.—ફિલિપી ૨:૧૫.

‘યહોવાહ યુસફની સાથે હતા’

યુસફ યુવાન હતા ત્યારે, પોતાના પિતાની પ્રેમાળ છાંયાથી દૂર જઈને વસવું પડ્યું હતું. તેમને મિસર કે ઇજિપ્તમાં ગુલામ તરીકે વેચી દેવામાં આવ્યા. પરંતુ, ત્યાં તેમણે મહેનત અને વફાદારીથી લોકોના દિલ જીતી લીધા. વળી, તે નીતિમાન હતા. યુસફ પોટીફારને માટે કામ કરતા હતા. પોટીફાર યહોવાહનો સેવક ન હતો છતાં, યુસફની મહેનત અને ધગશ જોઈને ઘરનો આખો કારભાર તેમને સોંપી દીધો. (ઉત્પત્તિ ૩૯:૨-૬) યુસફે યહોવાહમાં ખૂબ જ ભરોસો રાખ્યો હતો. તેમ છતાં, તેમને કેદમાં નાખવામાં આવ્યા ત્યારે તેમણે એમ ન કહ્યું કે, “એનાથી મને શું ફાયદો થયો?” ના, તેમણે કેદમાં પણ પોતાના સારા ગુણો બતાવવાનું ચાલુ જ રાખ્યું. તેથી, તેમને કેદીઓના ઉપરી બનાવવામાં આવ્યા. (ઉત્પત્તિ ૩૯:૧૭-૨૨) ખરેખર, યહોવાહે તેમને છોડી દીધા ન હતા, પણ ઉત્પત્તિ ૩૯:૨૩કહે છે તેમ, ‘યહોવાહ યુસફની સાથે હતા.’

જરા વિચાર કરો કે યુસફ ઇજિપ્તમાં રહેતા હતા, ત્યાં ચારે બાજુ મૂર્તિપૂજા ફેલાયેલી હતી. વળી, ત્યાં સ્ત્રી-પુરુષના સંબંધોમાં મન ફાવે તેમ છૂટ લેવાતી હતી. શું યુસફ તેઓના રંગે રંગાયા? કુટુંબથી દૂર રહીને યુસફ એમાં સહેલાઈથી ફસાઈ ગયા હોત! પરંતુ, યુસફ આમ-તેમ ભટકી ન ગયા, પણ યહોવાહને પસંદ પડે એવું શુદ્ધ જીવન જીવ્યા. અરે પોટીફારની પત્નીએ તો યુસફને તેની સાથે સૂઈ જવા માટે બળજબરી કરી. પરંતુ, યુસફ એકના બે ન થયા અને કહ્યું: ‘આવું મોટું કુકર્મ કરીને, હું દેવનો અપરાધી કેમ થાઉં?’—ઉત્પત્તિ ૩૯:૭-૯.

આજે બાઇબલ યુવાનોને ખરાબ દોસ્તારો, ગંદું મનોરંજન, પોર્નોગ્રાફી, અને અયોગ્ય સંગીતથી દૂર રહેવાની સલાહ આપે છે. તેથી, યુવાનોએ સુખી થવા એ સલાહને મનમાં બરાબર ઠસાવવી જોઈએ. એનું કારણ કે, “યહોવાહની દૃષ્ટિ સર્વ સ્થળે છે, તે ભલા અને ભૂંડા પર લક્ષ રાખે છે.”—નીતિવચનો ૧૫:૩.

મુસાએ ‘પાપના સુખને’ ઠોકર મારી

મુસા ફારૂન રાજાના કુટુંબમાં મોટા થયા, જેઓ પણ મૂર્તિપૂજક હતા. વળી, તેઓ મોજશોખમાં જ રચ્યા-પચ્યા રહેતા હતા. બાઇબલ કહે છે: “વિશ્વાસથી મુસાએ . . . ફારૂનની દીકરીનો પુત્ર ગણાવા ના પાડી; પાપનું ક્ષણિક સુખ ભોગવવા કરતાં દેવના લોકોની સાથે દુઃખ ભોગવવાનું તેણે વિશેષ પસંદ કર્યું.”—હેબ્રી ૧૧:૨૪, ૨૫.

એ સાચું છે કે આ દુનિયા આપણને સુખ આપે છે, પણ એ લાંબું ટકતું નથી. (૧ યોહાન ૨:૧૫-૧૭) તેથી, શું આપણે મુસાનો દાખલો ન લેવો જોઈએ? બાઇબલ કહે છે: મુસાએ જાણે ‘ઈશ્વરને જોયા હોય, તેમ મક્કમ રહ્યા.’ (હેબ્રી ૧૧:૨૭, પ્રેમસંદેશ) મુસાએ પણ પોતાના બાપદાદાની જેમ યહોવાહની સેવા કદી છોડી નહિ. તેમણે પોતાના મનમાં ગાંઠ વાળી કે, યહોવાહની ઇચ્છા હોય તેમ જ કરવું.—નિર્ગમન ૨:૧૧; પ્રેરિતોનાં કૃત્યો ૭:૨૩, ૨૫.

જો આજે કોઈ પણ યુવાન આવા સંજોગોમાં આવી પડે તો શું? તેઓએ પણ મુસાનો દાખલો લેવો જોઈએ. જેમ કે, રાત-દિવસ યહોવાહ વિષે જ્ઞાન લઈને મનન કરે, અને તેમના હેતુઓ જાણે. આમ, તેઓ યહોવાહ સાથે ગાઢ સંબંધ બાંધી શકશે. તેઓએ નિયમિત મિટિંગોમાં જવું જોઈએ અને પ્રચાર કાર્યમાં પણ ભાગ લેવો જોઈએ. આમ, તેઓનું મન ફક્ત સારી બાબતોમાં ગૂંથાયેલું રહેશે. (ગીતશાસ્ત્ર ૬૩:૬; ૭૭:૧૨) તેઓએ મુસાની જેમ યહોવાહમાં પૂરો ભરોસો રાખવો જોઈએ. તેઓએ યહોવાહને જ પોતાના સૌથી સારા મિત્ર બનાવવા જોઈએ.

હંમેશાં યહોવાહ વિષે વાત કરતી છોકરી

બીજો એક કિસ્સો નાનકડી ઈસ્રાએલી છોકરીનો છે, જેણે પોતાના ઘરેથી દૂર દૂર હોવા છતાં પણ સુંદર નમૂનો બેસાડ્યો. તેને અરામીઓ, પ્રબોધક એલીશાના સમયમાં ઉપાડી લાવ્યા હતા. તે નાઅમાનની પત્નીની દાસી બનીને રહે છે. પણ નાઅમાન તો કોઢિયો હતો. તેથી, એ છોકરીએ તેની શેઠાણીને કહ્યું: “ઈશ્વર કરે ને મારો મુરબ્બી સમરૂનમાંના પ્રબોધક પાસે જાય તો કેવું સારૂં! કેમકે ત્યારે તો તે તેનો કોઢ મટાડે.” આ નાની છોકરીનું સાંભળીને નાઅમાન, ઈસ્રાએલમાં પ્રબોધક એલીશા પાસે ગયો અને તેનો કોઢ મટી જાય છે. એટલું જ નહિ, પણ નાઅમાન યહોવાહનો સેવક બને છે.—૨ રાજાઓ ૫:૧-૩, ૧૩-૧૯.

આ નાની છોકરીનો દાખલો આજના યુવાનોને કેટલું ઉત્તેજન આપે છે! ભલે તમે પોતાના માબાપથી ગમે તેટલા દૂર હોય, પણ તમારી જીભ પર ફક્ત યહોવાહનું જ નામ હોવું જોઈએ. જો આ નાની છોકરીને ગંદી ભાષા બોલવાની કે પછી ગંદા મજાક કરવાની આદત હોત તો, શું એ યહોવાહ વિષે વાત કરી શકી હોત? (એફેસી ૫:૪; નીતિવચનો ૧૫:૨) લગભગ ૨૨ કે ૨૩ વર્ષના નીગૉસને રાજકારણમાં ભાગ ન લેવાને લીધે કેદમાં નાખવામાં આવ્યો હતો. તે કહે છે: “હું અને અમુક ભાઈઓ માબાપ અને મંડળથી ઘણે જ દૂર હતા. ત્યાં અમારી ભાષા બદલાવા માંડી હતી, જેનાથી યહોવાહનું નામ બદનામ થતું હતું.” જો કે નીગૉસ અને તેની સાથેના યુવાનોને પાઊલની આ સલાહ પાળવા મદદ કરવામાં આવી: “વ્યભિચાર તથા સર્વ પ્રકારની મલિનતા અથવા લોભ, એઓનાં નામ સરખાં તમારે ન લેવાં, કેમકે સંતોને એજ શોભે છે.”—એફેસી ૫:૩.

તેઓ યહોવાહને કદી ન ભૂલ્યા

ઈસુએ કહ્યું જેઓ નાની નાની બાબતમાં વિશ્વાસુ છે તેઓ મોટી મોટી બાબતમાં પણ વિશ્વાસુ રહેશે. (લુક ૧૬:૧૦) ખરેખર, એ જ બાબત દાનીયેલના ત્રણ ભાઈબંધોના કિસ્સામાં સાચી પડી. તેઓ બાબેલોન શહેરમાં રહેતા હતા. તેઓને એવું ભોજન લેવાની ફરજ પાડવામાં આવી, જેની મુસાના નિયમમાં મનાઈ હતી. તેઓએ સહેલાઈથી કહ્યું હોત કે, ‘અમે તો પરદેશમાં કેદ હતા તેથી બીજો કોઈ ઉપાય જ ન હતો.’ પરંતુ, તેઓએ એમ કર્યું નહિ. તેઓ એ નાની બાબતમાં પણ અડગ રહ્યા અને તેઓને એનો ખૂબ આશીર્વાદ મળ્યો. એટલું જ નહિ, પણ તેઓ બીજા કરતા તંદુરસ્ત દેખાયા અને વધારે જ્ઞાની બન્યા. એનાથી તેઓમાં હિંમત આવી. જ્યારે મૂર્તિની સામે નમવા જેવી મોટી બાબત આવી, ત્યારે તેઓ મક્કમ રહ્યા. હા, તેઓ એ મૂર્તિ સામે ન જ નમ્યા.—દાનીયેલ ૧:૩-૨૧; ૩:૧-૩૦.

આ ત્રણેવના જીવનમાં યહોવાહ જ બધું હતા. પરંતુ, તેઓ યહોવાહનો ડર રાખનાર પોતાના કુટુંબથી બહુ દૂર હતા. તેમ છતાં, તેઓએ આ જગતની ગંદી હવા ન લેવાનો મક્કમ નિર્ણય કર્યો હતો. (૨ પીતર ૩:૧૪) તેઓ યહોવાહ સાથેની મિત્રતાને એટલી કિંમતી ગણતા હતા કે પોતાનું જીવન પણ કુરબાન કરવા તૈયાર હતા.

યહોવાહ તમારો સાથ કદી નહિ છોડે

ખરેખર યુવાનો માબાપ કે મિત્રોથી દૂર હોય ત્યારે, તેઓ ગભરાઈ, મૂંઝાઈ, કે ગુસ્સે પણ થઈ જઈ શકે. પરંતુ, તેઓ યહોવાહમાં પૂરો ભરોસો રાખી શકે કે ગમે એવી કસોટી કે તકલીફોમાં પણ “યહોવાહ પોતાના લોકને તજશે નહિ.” (ગીતશાસ્ત્ર ૯૪:૧૪) જો “ન્યાયીપણાને સારૂ સહન” કરવું પડે, તો ગભરાઓ નહિ. તમને યહોવાહનો પૂરો સાથ છે. “નેકીના માર્ગમાં” ટકી રહેવા યહોવાહ તમને બધી જ મદદ કરશે.—૧ પીતર ૩:૧૪; નીતિવચનો ૮:૨૦.

યહોવાહ યુસફ, મુસા, નાનકડી ઈસ્રાએલી છોકરી અને ત્રણેવ હેબ્રી યુવાનોની સાથે જ હતા. યહોવાહે તેઓને હિંમત આપી અને ઘણા જ આશીર્વાદ આપ્યા. આજે પણ યહોવાહ પોતાના પવિત્ર આત્મા કે શક્તિ દ્વારા હિંમત આપે છે. બાઇબલ અને તેમના સંગઠન દ્વારા માર્ગદર્શન આપે છે. જેથી આપણે અને આપણા યુવાનો ‘વિશ્વાસની સારી લડાઈ લડીએ.’ તેમ જ, કાયમી જીવન મેળવીએ. (૧ તીમોથી ૬:૧૧, ૧૨) ખરેખર, ગમે તેવા સંજોગોમાં આપણે યહોવાહના સાચા માર્ગ પર ચાલીને, સફળ થઈ શકીએ છીએ.—નીતિવચનો ૨૩:૧૫, ૧૯.

[ફુટનોટ્‌સ]

^ મે ૧, ૧૯૯૬નું ચોકીબુરજના પાન ૧૮-૨૦ જુઓ.

^ અમુક નામો બદલવામાં આવ્યાં છે.

[પાન ૨૫ પર બોક્સ]

તમારા બાળકને નાનપણથી શીખવો

‘યુવાનીના પુત્રો બળવાનના હાથમાંના બાણ જેવા છે.’ (ગીતશાસ્ત્ર ૧૨૭:૪) બાણ પોતાના નિશાને આપોઆપ પહોંચી જતું નથી, પણ એને નિશાન પર તાકવું પડે છે. એમ જ, માબાપે બાળકોને પહેલેથી જ તૈયાર કરવા પડે છે. જેથી, બાળકોને ઘર છોડવું પડે તોપણ, તેઓ મુશ્કેલીઓનો સામનો કરી શકે.—નીતિવચનો ૨૨:૬.

યુવાનો સહેલાઈથી “જુવાનીની વાસનાઓ” કે ખોટું કરવામાં ફસાઈ જઈ શકે છે. (૨ તીમોથી ૨:૨૨, સંપૂર્ણ બાઇબલ) તેથી, બાઇબલ ચેતવે છે: “સોટી તથા ઠપકો જ્ઞાન આપે છે; પણ સ્વતંત્ર મૂકેલું છોકરૂં પોતાની માને ફજેત કરે છે.” (નીતિવચનો ૨૯:૧૫) જે માબાપ પોતાનાં બાળકોને મન ફાવે તેમ કરવા દે છે, તેઓને ઘર છોડવાનું થાય છે ત્યારે બહુ તકલીફ પડે છે.

તેથી, એ ખૂબ જરૂરી છે કે માબાપ નાનપણથી જ પોતાના બાળકોને જીવનની તકલીફો કે મુશ્કેલીઓ માટે તૈયાર કરે. તેઓને સમજાવે કે ઘર બહારની દુનિયા કેવી છે. જેથી યુવાનો ઘર છોડે તોપણ મુશ્કેલીઓ પર જીત મેળવી શકે છે. આવી તૈયારીની સાથે સાથે યહોવાહનું શિક્ષણ આપવાથી, “ભોળાને ચતુરાઇ, જુવાન પુરુષને વિદ્યા તથા વિવેકબુદ્ધિ મળે” છે.—નીતિવચનો ૧:૪.

જે માબાપ પોતાનાં બાળકોને યહોવાહના સિદ્ધાંતો શીખવે છે, તે બાળકો મોટા ભાગે જિંદગીની સફરમાં પોતાની મંઝિલે પહોંચવા સફળ થાય છે. ઉપરાંત, રોજ જોડે બેસી બાઇબલમાંથી શિક્ષણ લો. ખુલ્લાં મને વાતચીત કરો અને એકબીજાને કેટલું ચાહો છો એ જણાવો. એ રીતે, બાળક પોતે સાચા-ખોટાનો નિર્ણય લઈ શકશે. એ જ સમયે, માબાપે સમજી-વિચારીને દેવના માર્ગદર્શન પ્રમાણે પોતાના બાળકોને મોટા કરવા જોઈએ, જેથી તેઓ પોતાના પગ પર ઊભા રહી શકે. માબાપ પોતાના દાખલાથી બતાવી શકે છે કે આ જગતમાં રહીને પણ જગતથી દૂર રહી શકાય છે.—યોહાન ૧૭:૧૫, ૧૬.

[પાન ૨૩ પર ચિત્ર]

ઘણાં યુવાનોને પોતાના ઘર કે કુટુંબથી દૂર રહેવું પડે છે

[પાન ૨૪ પર ચિત્ર]

યુસફની જેમ યુવાનો ગમે એવી લાલચમાં મક્કમ રહી શકે છે

[પાન ૨૬ પર ચિત્ર]

નાનકડી ઈસ્રાએલી છોકરીની જેમ યહોવાહ વિષે વાત કરીને તેમનું નામ રોશન કરો