સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ખુલ્લા હાથે દાન આપો

ખુલ્લા હાથે દાન આપો

ખુલ્લા હાથે દાન આપો

આપણે સર્વ જન્મથી ઉદાર હોતા નથી. દાખલા તરીકે બાળક પોતાને જોઈતી વસ્તુઓ માબાપ પાસેથી જીદ કરીને પણ મેળવે છે. બાળકને બીજા કોઈની પડી હોતી નથી. પરંતુ, જેમ જેમ તે મોટું થતું જાય છે તેમ તે શીખે છે કે આ રીતે કંઈ દુનિયા ચાલતી નથી. જીવન ફક્ત લેવા પર જ નહિ, પણ લેવા-દેવાથી ચાલે છે. હા, રાજીખુશીથી દાન આપવાની ટેવ આપમેળે આવતી નથી, એ કેળવવી પડે છે.

આજે ઘણા લોકો દાન કરે છે. પરંતુ બધા લોકો કંઈ ઉદાર દિલથી કરતા નથી. અમુક પોતાના સ્વાર્થ માટે કરે છે. જ્યારે અમુક પોતાની વાહ વાહ બોલાવવા દાન કરે છે. પરંતુ, યહોવાહના સાક્ષીઓએ એમ કરવું ન જોઈએ. આપણે કેવા દિલથી દાન આપવું જોઈએ એ વિષે બાઇબલ શું કહે છે? જવાબ મેળવવા, ચાલો આપણે પ્રથમ સદીના ખ્રિસ્તીઓના સરસ દાખલાઓ તપાસીએ.

રાજીખુશીથી દાન આપતા ખ્રિસ્તીઓ

પ્રથમ સદીના ખ્રિસ્તીઓ બાઇબલની આ સલાહ પાળતા: “જેઓ તંગીમાં હોય તેઓ પ્રત્યે ભલાઈ દર્શાવો. તમારી પાસે જે હોય તેમાંથી તેઓને પણ આપો.” (હિબ્રૂ ૧૩:૧૬, IBSI; રૂમીઓને પત્ર ૧૫:૨૬) પ્રેષિત પાઊલે લખ્યું કે, “જેમ દરેકે પોતાના હૃદયમાં અગાઉથી ઠરાવ્યું છે, તે પ્રમાણે તેણે આપવું; ખેદથી નહિ, કે ફરજિયાત નહિ; કેમકે ખુશીથી આપનારને દેવ ચાહે છે.” (૨ કોરીંથી ૯:૭) પરંતુ, અનાન્યા અને તેમના પત્ની સાફીરા દાન આપીને પોતાની વાહ વાહ કરાવવા ઇચ્છતા હતા. ઢોંગના લીધે તેઓએ જીવ ગુમાવ્યો. તેથી, ખ્રિસ્તીઓ નામ કમાવવા માટે નહિ, પણ પ્રેમનાં લીધે દાન આપવાનું હતું.—પ્રેરિતોનાં કૃત્યો ૫:૧-૧૦.

પ્રથમ સદીના ખ્રિસ્તીઓ રાજીખુશીથી એકબીજાની કાળજી રાખતા. આ કિસ્સાનો વિચાર કરો: ઈસવીસન ૩૩ના પેન્તેકોસ્તની ઉજવણી માટે યહુદીઓ અને બીજી જાતિના ખ્રિસ્તીઓ દૂર દૂરથી યરૂશાલેમમાં ભેગા મળ્યા. એક ખાસ સભામાં ‘સર્વે પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા.’ પછી પીતરે, ઈસુ વિષે એક ભાષણ આપ્યું. એ વખતે ઘણા લોકો ત્યાં હતા. વળી, બીજા દિવસે પીતર અને યોહાને મંદિરના બારણા બાજુ લંગડા માણસને સાજો કર્યો ત્યારે, લોકો જોતા જ રહી ગયા. ફરી વાર પીતરે ઈસુ વિષે અને પસ્તાવો કરવાની જરૂર વિષે ભાષણ આપ્યું. એ પછી ઘણા લોકોએ પસ્તાવો કરીને બાપ્તિસ્મા લીધું.—પ્રેરિતોનાં કૃત્યો બીજો અને ત્રીજો અધ્યાય.

બાપ્તિસ્મા પામેલા આ ખ્રિસ્તીઓને યરૂશાલેમમાં વધુ સમય રોકાવું હતું, જેથી તેઓ પ્રેષિતો પાસેથી વધારે શીખી શકે. પરંતુ, એ હજારો ભાઈબહેનો માટે વ્યવસ્થા કોણ કરે? શું પીતર અને યોહાન કરી શક્યા? ના, પણ બાઇબલ કહે છે કે મંડળોમાં “જેટલાની પાસે ભોંય કે ઘર હતાં તેટલાએ તે વેચી નાખ્યાં. તેઓ વેચેલી વસ્તુઓનું મૂલ્ય લાવીને પ્રેરિતોના પગ આગળ મૂકતા; અને જેની જેને અગત્ય હતી તે પ્રમાણે તેને વહેંચી આપવામાં આવતું હતું.” (પ્રેરિતોનાં કૃત્યો ૪:૩૩-૩૫) ખરેખર, યરૂશાલેમના મંડળે કેવા ખુલ્લા હાથે દાન આપ્યું હતું!

બીજા મંડળો પણ રાજીખુશીથી દાન આપતા. યહુદાહના ભાઈબહેનો તંગીમાં હતા ત્યારે, મકદોનિયાના મંડળે પોતે ગરીબ હતું છતાં, ઘણું દાન આપ્યું. (રૂમીઓને પત્ર ૧૫:૨૬; ૨ કોરીંથી ૮:૧-૭) ફિલિપી મંડળ પણ ખુલ્લા દિલવાળા હતા. તેઓના દાનોથી પાઊલ અનેક દેશોમાં પ્રચાર કરી શક્યા. (ફિલિપી ૪:૧૫, ૧૬) યરૂશાલેમના મંડળમાં અનેક વિધવાઓ હતી. તેઓની કાળજી રાખવામાં ભાઈબહેનો દરરોજ ખોરાક આપી જતા. વળી, તેઓનું સારું ધ્યાન રાખવા માટે પ્રેષિતોએ સાત ભાઈઓને પણ પસંદ કર્યા.—પ્રેરિતોનાં કૃત્યો ૬:૧-૬.

આ મંડળો કોઈ પણ આફત કે મુશ્કેલીમાં આવી પડેલાઓને તરત જ મદદ આપવા તૈયાર થઈ જતા. દાખલા તરીકે, આગાબસે પ્રબોધ કર્યો કે આખા જગતમાં મોટો દુકાળ પડશે. એ સાંભળીને સીરિયાના અંત્યોખ મંડળે નક્કી કર્યું કે “દરેક માણસે પોતપોતાની શક્તિ પ્રમાણે યહુદાહમાં રહેનાર ભાઈઓને કંઈક મદદ મોકલવી.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૨૮, ૨૯) ભાઈબહેનો તંગીમાં આવી પડે એ પહેલાં, આ મંડળે પ્રેમથી દાનો આપ્યા. આ મંડળના ભાઈબહેનો કેવા ઉદાર દિલના હતા!

શા માટે આ ભાઈબહેનો રાજીખુશીથી એકબીજાને મદદ કરતા હતા? તેઓની જેમ આપણે પણ કઈ રીતે ઉદાર દિલવાળા બની શકીએ? રાજા દાઊદના દાખલામાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ.

દાઊદ ઉદાર દિલથી દાન આપે છે

યહોવાહનો કરાર કોશ પવિત્ર હતો અને એ તેમની હાજરી દર્શાવતું હતું. પરંતુ, એને લગભગ ૫૦૦ વર્ષ સુધી એકથી બીજી જગ્યા લઈ જવામાં આવ્યો હતો. ઈસ્રાએલીઓ, અરણ્યમાં અને કનાન દેશમાં હતા ત્યારે કરાર કોશ એક મંડપમાં રાખવામાં આવતો હતો. દાઊદે પ્રબોધક નાથાનને કહ્યું: “હું એરેજકાષ્ટના મહેલમાં રહું છું, પણ યહોવાહના કરારનો કોશ પડદામાં રહે છે.” (૧ કાળવૃત્તાંત ૧૭:૧) દાઊદની તમન્‍ના હતી કે કરાર કોશ હંમેશાં એક ભવ્ય મંદિરમાં રહે. એટલે તેમણે મંદિર બાંધવાનું નક્કી કર્યું.

પરંતુ, દાઊદના રાજમાં ઘણું લોહી વહેવડાવામાં આવ્યું હતું. તેથી, યહોવાહે કહ્યું કે તેમનો દીકરો સુલેમાન મંદિર બાંધશે, કેમ કે તેના રાજમાં શાંતિ હશે. (૧ કાળવૃત્તાંત ૨૨:૭-૧૦) આ સાંભળીને શું દાઊદને ખોટું લાગી ગયું? ના, તેમણે રાજીખુશીથી મંદિર બાંધવા માટે પૈસા અને દાન આપ્યા. તેમણે કામદારોનું મોટું ટોળું ભેગું કરીને મંદિર માટે સાધન સામગ્રી તૈયાર કરી. પછીથી તેમણે પોતાના દીકરા સુલેમાનને કહ્યું: “મેં યહોવાહના મંદિરને સારૂ એક લાખ તાલંત સોનું તથા દશ લાખ તાલંત રૂપું તૈયાર રાખ્યું છે; અને પિત્તળ તથા લોઢું પણ અણતોલ છે; લાકડાં તથા પથ્થર પણ મેં તૈયાર રાખ્યાં છે; તું ચાહે તો તેમાં વધારો કરી શકે.” (૧ કાળવૃત્તાંત ૨૨:૧૪) દાઊદ એટલું કરીને અટકી ગયા નહિ, પણ તેમણે પોતાની મિલકતમાંથી ૧.૨ અબજ ડૉલર (લગભગ ૪૯ અબજ રૂપિયા) જેટલું સોનું-ચાંદી ખુશીથી આપ્યું. તેમ જ દેશના બીજા વડાઓએ પણ ઉદારતાથી દાનો આપ્યા. (૧ કાળવૃત્તાંત ૨૯:૩-૯) ખરેખર, દાઊદ કેટલા મોટા દિલવાળા હતા!

પરંતુ, શા માટે દાઊદે રાજીખુશીથી દાન આપ્યું? દાઊદ જાણતા હતા કે પોતે જે કંઈ મેળવ્યું છે એ યહોવાહના આશીર્વાદથી જ છે. દાઊદે પોતે પ્રાર્થનામાં કબૂલ્યું: “ઓ પ્રભુ અમારા ઈશ્વર, તમારા પવિત્ર નામમાં મંદિર બાંધવા માટે આ જે સર્વ સામગ્રી અમે અર્પણ કરી છે તે તમારી પાસેથી જ આવી છે! તે સર્વ તમારું જ છે! મારા ઈશ્વર, હું જાણું છું કે લોકોની પારખ તમે કરો છો અને સારા માણસોથી તમને બહુ આનંદ થાય છે. મેં આ સર્વ શુદ્ધ અંતઃકરણથી કર્યું છે. મેં જોયું છે કે તમારા લોકોએ પણ રાજીખુશીથી અને આનંદથી તેઓનાં દાનો અર્પણ કર્યું છે.” (૧ કાળવૃત્તાંત ૨૯:૧૬, ૧૭, IBSI) દાઊદ યહોવાહને ખૂબ ચાહતા હતા. તે “સંપૂર્ણ અંતઃકરણથી તથા રાજીખુશીથી” તેમની ભક્તિ કરતા હતા. (૧ કાળવૃત્તાંત ૨૮:૯) દાઊદની જેમ, પ્રથમ સદીના ખ્રિસ્તીઓના દિલમાં પણ યહોવાહ માટે ઊંડો પ્રેમ હતો. તેથી, તેઓ સર્વેએ પણ ઉદાર દિલે દાન કર્યું.

યહોવાહ સૌથી ઉદાર છે

યહોવાહ ખૂબ ઉદાર છે. આથી “તે પોતાના સૂરજને ભૂંડા તથા ભલા પર ઉગાવે છે, ને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ વરસાવે છે.” (માત્થી ૫:૪૫) યહોવાહ “પોતે જ સર્વને જીવન અને શ્વાસ આપે છે.” (પ્રેષિતોનાં કાર્યો ૧૭:૨૫, IBSI) એટલે યાકૂબે કહ્યું: ‘દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે, અને પ્રકાશોનો પિતા જેનામાં વિકાર થતો નથી, તેની પાસેથી ઊતરે છે.’—યાકૂબ ૧:૧૭.

પરંતુ, યહોવાહે આપણને એક સૌથી મોટું દાન આપ્યું છે. વિચાર કરો કે, તેમણે “પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ સારૂ કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.” (યોહાન ૩:૧૬) આપણે “સઘળાએ પાપ કર્યું છે, અને દેવના મહિમા વિષે સઘળા અધૂરા રહે છે.” (રૂમીઓને પત્ર ૩:૨૩, ૨૪; ૧ યોહાન ૪:૯, ૧૦) તોપણ, યહોવાહે આપણને બચાવવા તેમના દીકરાનું બલિદાન આપ્યું. હા, ‘ઈશ્વરે આપણા પર અસાધારણ કૃપા દર્શાવી.’ આમ, તેમણે ઈસુ દ્વારા આપણને ‘અમૂલ્ય બક્ષિસ’ આપી. (૨ કોરીંથી ૯:૧૪, ૧૫, પ્રેમસંદેશ) પાઊલ પોતાને મળેલા જીવન માટે ખૂબ આભારી હતા. તે જાણતા હતા કે ‘સઘળાં માણસો તારણ પામે, ને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી યહોવાહની ઇચ્છા’ હતી. (૧ તીમોથી ૨:૪) તેથી તેમણે આખી જીંદગી ‘દેવની કૃપાની સુવાર્તાની સાક્ષી આપી.’—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૪.

આજે ૨૩૪ દેશોમાં યહોવાહના સાક્ષીઓ યહોવાહની કૃપા વિષે લોકોને શીખવી રહ્યા છે. આ પ્રચાર કામ વિષે ઈસુએ કહ્યું: “સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારૂ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત આવશે.” (માત્થી ૨૪:૧૪) વળી ઈસુએ કહ્યું: “પહેલાં સર્વ દેશોમાં સુવાર્તા પ્રગટ થવી જોઈએ.” (માર્ક ૧૩:૧૦) શું આ વચન સાચું પડ્યું? હા, યહોવાહના સાક્ષીઓ જાણે છે કે લોકોના જીવન જોખમમાં છે, અને તેઓને સનાતન સત્યની જરૂર છે. (રૂમીઓને પત્ર ૧૦:૧૩-૧૫; ૧ કોરીંથી ૧:૨૧) તેથી, ગયા વર્ષે લગભગ ૬૦ લાખ સાક્ષીઓએ પ્રચારમાં ૧,૨૦,૨૩,૮૧,૩૦૨ કલાકો આપ્યા. વળી, તેઓએ ૫૩,૦૦,૦૦૦ લોકો સાથે બાઇબલનો અભ્યાસ કર્યો.

યહોવાહના જ્ઞાન માટે લાખો લોકો તરસ્યા છે. એટલે સાક્ષીઓની સંસ્થા દર વર્ષે લાખોને લાખો પુસ્તકો, મોટી પુસ્તિકાઓ અને બાઇબલ છાપે છે. વધુમાં, દર વર્ષે એક અબજથી વધુ ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિનો છપાય છે. લોકો સત્ય જાણે અને મિટિંગમાં આવે તેમ, વધુને વધુ કીંગડમ હૉલ અને સંમેલન હૉલની જરૂર પડે છે. સર્વ શીખી શકે એ માટે દર વર્ષે સરકીટ, ડિસ્ટ્રીક્ટ અને ખાસ સંમેલન હોય છે. પછી, સરકીટ અને ડિસ્ટ્રીક્ટ નિરીક્ષકો તેમ જ મિશનરિ, વડીલો અને સેવકાઈ ચાકરો માટે સ્કૂલ ચાલતી હોય છે. સત્ય શીખવવા માટે યહોવાહ “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” દ્વારા આ બધી ગોઠવણો કરે છે. (માત્થી ૨૪:૪૫-૪૭) આ અમૂલ્ય સત્ય માટે શું તમે યહોવાહના આભારી નથી?

યહોવાહનો આભાર માનો

મંદિરના બાંધકામ માટે પૈસા ક્યાંથી આવ્યા? વળી, પ્રથમ સદીમાં ગરીબોનું ધ્યાન રાખવા માટે કોણે ખર્ચો કાઢ્યો? આ બંને કિસ્સામાં યહોવાહના ભક્તોએ પોતાની મરજીથી પ્રદાનો આપ્યા. (૧ કાળવૃત્તાંત ૨૯:૧૪; હાગ્ગાય ૨:૮) યહોવાહે જ સર્વ આપ્યું છે, તો શા માટે તેમના ભક્તો તેમને રાજીખુશીથી દાનો આપે છે? કેમ કે તેઓ યહોવાહને ખૂબ ચાહે છે. તેથી આખી દુનિયામાં તેમની ભક્તિ આગળ વધારવા માટે આપે છે. પાઊલે કહ્યું કે ઉદાર દિલથી આપવાથી “દેવની સ્તુતિ થાય” છે. (૨ કોરીંથી ૯:૮-૧૩) આપણે રાજીખુશીથી પ્રદાન આપીએ છીએ ત્યારે, યહોવાહ ખુશ થાય છે. તે જોઈ શકે છે કે આપણા દિલમાં ઢોંગ નથી, પણ તેમના માટે પ્રેમ છે. યહોવાહ પર શ્રદ્ધા મૂકે છે તેઓ રાજીખુશીથી દાનો આપે છે. પરિણામે, ઈશ્વરનો આશીર્વાદ તેઓ પર રહે છે. (પુનર્નિયમ ૧૧:૧૩-૧૫; નીતિવચનો ૩:૯, ૧૦; ૧૧:૨૫) આ બાબત પર ભાર આપતા ઈસુએ કહ્યું: “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.”—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫.

આપણે હંમેશાં બીજા ભાઈબહેનોને મદદ કરવા તૈયાર રહેવું જોઈએ. એવું નહિ કે તેઓ પર તંગી આવી પડે ત્યારે જ આપણે તેઓને મદદ કરીએ. બાઇબલ આપણને કહે છે: “માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાંઓનું, અને વિશેષે કરીને વિશ્વાસના કુટુંબનાં જે છે તેઓનું સારૂં કરીએ.” (ગલાતી ૬:૧૦) તેથી, આપણે રાજીખુશીથી એકબીજાને મદદ કરવી જોઈએ. એટલા માટે પાઊલે કહ્યું: “વળી ઉપકાર કરવાનું તથા દાન વહેંચી આપવાનું તમે ભૂલો મા; કેમકે એવા યજ્ઞોથી દેવ બહુ સંતુષ્ટ થાય છે.” (હેબ્રી ૧૩:૧૬) જો આપણે રાજીખુશી તન-મન-ધનથી ભક્તિ કરીએ તેમ જ ભાઈબહેનોને પૂરા દિલથી સાથ આપીએ, તો યહોવાહ ખૂબ ખુશ થાય છે.

[પાન ૨૮, ૨૯ પર બોક્સ/ચિત્ર]

દાન આપવાની કેટલીક રીતો

આખા જગતમાં પ્રચાર માટે દાન

ઘણા લોકો નિયમિત રીતે અમુક રકમ અલગ રાખે છે અને મંડળમાં “જગતવ્યાપી પ્રચાર કાર્ય માટે દાન—માત્થી ૨૪:૧૪” લેબલવાળી પેટીમાં મૂકે છે.

દર મહિને આખી દુનિયાના મંડળોને જે દાન મળે છે એ રકમ, તેઓના દેશની યહોવાહના સાક્ષીઓની ઑફિસને કે હૅડ ઑફિસને મોકલવામાં આવે છે. તમે પણ તમારી મરજી પ્રમાણે પૈસાનું દાન યહોવાહના સાક્ષીઓની ઑફિસને મોકલી શકો છો. બ્રાંચ ઑફિસના સરનામા પાન ૨ પર આપવામાં આવ્યા છે. જો તમે ચૅક મોકલાવો તો, એ “વૉચટાવર”ના નામે મોકલાવી શકો. તમે ઘરેણાં કે એના જેવી બીજી કીંમતી વસ્તુઓ પણ દાનમાં આપી શકો. તમે આવી કોઈ વસ્તુ આપતા હોવ ત્યારે, એ પણ લખીને જણાવો કે એ શાના માટે દાન આપો છો. શરતી-દાન ગોઠવણ

એક ખાસ ગોઠવણ કરવામાં આવી છે જેથી દાન આપનારને જરૂર પડે તો, તે દાનમાં આપેલા પૈસા પાછા મેળવી શકે છે. જો તમારે વધુ માહિતી જોઈતી હોય તો, તમારા દેશની બ્રાંચ ઑફિસનો સંપર્ક કરો.

દાન આપવાની બીજી રીતો

પૈસાના દાનો આપવા ઉપરાંત, આખી દુનિયામાં પ્રચાર કાર્ય માટે દાન આપવાની અનેક રીતો છે. તમે કયા દેશમાં રહો છો એ પ્રમાણે તમે નીચે આપેલા કેટલીક રીતોથી દાન આપી શકો છો:

વીમો: જીવન વીમાની પોલિસી કે પેન્શનના ફૉર્મમાં, વારસદાર તરીકે વૉચટાવર સોસાયટીનું નામ આપી શકાય.

બૅંક ખાતાઓ: બૅંકમાં મૂકેલા પૈસા, ફિક્સ્ડ ડિપોઝિટના સર્ટિફિકેટ અને પેન્શનના બૅંક ખાતા તમારા મરણ પછી વૉચટાવર સોસાયટીને મળે એ માટે કોઈ ટ્રસ્ટમાં મૂકી શકાય. અથવા, મરણ પછી એ સીધા જ તેઓને મળે એવી ગોઠવણ કરી શકાય. એ ગોઠવણો તમારા બૅંકના નિયમ પ્રમાણે થઈ શકશે.

શેર અને બૉન્ડ્‌સ: શેર અને બૉન્ડ્‌સ પણ વૉચટાવર સોસાયટીને દાનમાં આપી શકાય.

જમીન કે મિલકત: જમીન કે મિલકતનું વૉચટાવર સોસાયટીને સીધું દાન કરી શકાય. અથવા, દાન કરનાર પોતે જીવે ત્યાં સુધી વસિયતનામાં રહી શકે છે. તમારી કોઈ પણ મિલકતનું દાન કરતા પહેલાં, તમારા દેશની બ્રાંચ ઑફિસને લખો.

ગિફ્ટ એન્યુઇટી: આ ગોઠવણમાં વ્યક્તિ પોતાના પૈસા કે મિલકત વૉચટાવર સોસાયટીને આપી શકે. પછી દાન આપનાર, કે તે પસંદ કરે તે વ્યક્તિને જીવનભર દર વર્ષે અમુક રકમ મળે છે. દાન આપનાર આ ગોઠવણ શરૂ કરે ત્યારે એ વર્ષમાં તેમને આવક વેરો ભરવો પડતો નથી.

વસિયત (વિલ) અને ટ્રસ્ટ: મિલકત કે પૈસા, વસિયત કે ટ્રસ્ટ દ્વારા વૉચટાવર સોસાયટીને નામે કરી શકાય. અમુક કિસ્સામાં ટ્રસ્ટ દ્વારા દાન આપવાથી, વૉચટાવર સોસાયટી સરકારી ગોઠવણ પ્રમાણે કર નિવારી શકે.

તમે અનેક રીતોથી આખા જગતમાં પ્રચાર માટે દાન આપી શકો છો. ઉપરના “દાન આપવાની રીતો” બતાવે છે કે દાન આપતા પહેલા, તમારે અમુક ફોર્મ ભરીને અગાઉથી તૈયાર કરવી પડે છે. જો તમે એ દાન આપવાની રીતોમાંથી કોઈ પણ રીતને પસંદ કરતા હોવ તો, ગોઠવણો કરવા માટે અંગ્રેજી અને સ્પેનિશ ભાષામાં એક બ્રોશર તૈયાર કરવામાં આવી છે. એનું નામ છે ચેરીટબલ પ્લાનીંગ ટુ બેનીફીટ કિંગડમ સર્વિસ વર્લ્ડવાઈડ. ઘણા લોકો ભેટો, વસિયત અને ટ્રસ્ટથી દાન આપવા વિષે પૂછતા હતા, તેથી આ બ્રોશર લખવામાં આવ્યું છે. એમાં મિલકત, નાણાંકીય અને કર માટેની ગોઠવણો વિષે પણ જણાવવામાં આવ્યું છે. આ બ્રોશર એ પણ સમજાવે છે કે તમે કઈ ગોઠવણોથી હમણાં દાન આપી શકો છો અને વસિયત દ્વારા કઈ રીતે આપી શકાય. બ્રોશર વાંચ્યા પછી, તમે વકીલ અથવા એકાઉન્ટન્ટ સાથે ચર્ચા કરી શકો છો. વળી, તમારે બ્રાંચની ચેરીટેબલ પ્લાનીંગ ઑફિસ સાથે પણ ચર્ચા કરવી જોઈએ. સારું માર્ગદર્શન લઈને ઘણા લોકોએ સંસ્થાને દાનો આપ્યા છે. તેમ જ અમુક દેશોમાં દાન આપનારને અને સંસ્થાને ઓછો વેરો ભરવાનો થયો છે.

જો તમને વધુ માહિતી જોઈતી હોય, તો તમે નીચે આપેલા બ્રાંચને ફોન કરી શકો કે પત્ર લખી શકો. અથવા, પાન ૨ પર આપવામાં આવેલા યોગ્ય બ્રાંચને લખો.

Jehovah’s Witnesses of India,

Post બોક્સ 6440,

Yelahanka, Bangalore 560 064, Karnataka.

Telephone: (080) 8468072

[પાન ૨૬ પર ચિત્ર]

શા માટે પ્રથમ સદીના ખ્રિસ્તીઓ રાજીખુશીથી અને ઉદાર દિલથી દાન આપતા હતા?