સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહની નજરમાં મૂલ્યવાન બહેનો

યહોવાહની નજરમાં મૂલ્યવાન બહેનો

યહોવાહની નજરમાં મૂલ્યવાન બહેનો

“લાવણ્ય ઠગારૂં છે, અને સૌંદર્ય વ્યર્થ છે; પણ યહોવાહનો ડર રાખનાર સ્ત્રી વખાણ પામશે.”—નીતિવચનો ૩૧:૩૦.

૧. યહોવાહ સુંદરતાને કઈ રીતે જુએ છે?

 આજકાલ દુનિયામાં, સ્ત્રીઓની સુંદરતા પર વધારે મહત્ત્વ આપવામાં આવે છે. પરંતુ, યહોવાહ તો વ્યક્તિની સુંદરતા કરતાં તેના સારાં ગુણો પર વધારે ભાર આપે છે. વળી, વ્યક્તિની ઉંમર થતી જાય તેમ, તેમના સારાં ગુણોથી વધારે સુંદર થતી જાય છે. (નીતિવચનો ૧૬:૩૧) તેથી, બાઇબલ સ્ત્રીઓને સલાહ આપે છે: “તમારો શણગાર બહારનો ન હોય, એટલે ગૂંથેલી વેણીનો તથા સોનાનાં ઘરેણાંનો અથવા જાતજાતનાં વસ્ત્ર પહેરવાનો એવો ન હોય; પણ અંતઃકરણમાં રહેલા ગુપ્ત મનુષ્યત્વનો, એટલે દીન તથા નમ્ર આત્માનો, જે દેવની નજરમાં બહુ મૂલ્યવાન છે, તેના અવિનાશી અલંકારનો થાય.”—૧ પીતર ૩:૩, ૪.

૨, ૩. પ્રથમ સદીમાં કોણે સુસમાચાર ફેલાવવાના કામમાં મોટો ફાળો આપ્યો અને એ વિષે શું ભાખવામાં આવ્યું હતું?

બાઇબલમાં સુંદર ગુણો બતાવ્યા હોય એવી ઘણી સ્ત્રીઓના ઉદાહરણ છે. પ્રથમ સદીમાં, કેટલીક સ્ત્રીઓએ ઈસુ અને તેમના શિષ્યોની સેવા કરી હતી. (લુક ૮:૧-૩) પછીથી, કેટલીક સ્ત્રીઓએ ઉત્સાહથી પ્રચાર કર્યો. બીજી કેટલીક સ્ત્રીઓએ પ્રેષિત પાઊલ જેવા વડીલોને ખૂબ મદદ આપી. કેટલીકે સારી આગતા-સ્વાગતા કરી. અરે, કેટલીક સ્ત્રીઓએ તો રાજીખુશીથી પોતાના ઘરમાં ખ્રિસ્તી સભાઓ પણ ભરવા દીધી.

બાઇબલમાં યહોવાહે અગાઉથી બતાવ્યું હતું કે સ્ત્રીઓ તેમના હેતુઓ પૂરો કરવામાં મોટો ભાગ લેશે. દાખલા તરીકે, યોએલ ૨:૨૮, ૨૯માં ભાખવામાં આવ્યું કે સ્ત્રી-પુરુષ, યુવાન-વૃદ્ધ સર્વ પવિત્ર આત્મા મેળવશે. આમ, તેઓ રાજ્યના સુસમાચાર ફેલાવવામાં ભાગ લેશે. એ ભવિષ્યવાણી પેન્તેકોસ્ત ૩૩ની સાલથી શરૂ થઈ. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૧-૪, ૧૬-૧૮) કેટલીક સ્ત્રીઓને આશીર્વાદ આપવામાં આવ્યો અને તેઓ ભવિષ્ય ભાખવા લાગી. (પ્રેરિતોનાં કૃત્યો ૨૧:૮, ૯) આવી વિશ્વાસુ બહેનોએ પ્રચાર કાર્યમાં ઉત્સાહથી ભાગ લીધો. તેઓની મહેનતથી પ્રથમ સદીમાં ખ્રિસ્તી ધર્મ બહુ ઝડપથી ફેલાયો. હકીકતમાં, લગભગ ઈસવીસન ૬૦ની સાલમાં પ્રેષિત પાઊલે લખ્યું કે સુસમાચાર ‘આકાશ તળેનાં સર્વ પ્રાણીઓને પ્રગટ થયા છે.’—કોલોસી ૧:૨૩.

તેઓના સદ્‍ગુણો માટે વખાણ

૪. શા માટે પાઊલે પ્રથમ સદીના મંડળની બહેનોના વખાણ કર્યા?

પ્રેષિત પાઊલે કેટલીક સ્ત્રીઓના પ્રચાર કાર્યની પ્રશંસા કરી. એવી જ રીતે આજે વડીલો પણ ઉત્સાહથી પ્રચાર કરતી બહેનોની ખૂબ કદર કરે છે. પાઊલે, “પ્રભુમાં મહેનત” કરી હોય એવી બહેનો ‘ત્રુફેના તથા ત્રુફોસાનો’ ઉલ્લેખ કર્યો. વળી, તેમણે લખ્યું કે “પેર્સીસ જેણે પ્રભુમાં ઘણી મહેનત કરી છે.” (રૂમીઓને પત્ર ૧૬:૧૨) યુઓદિયા અને સુન્તુખે વિષે પાઊલે લખ્યું કે ‘તેઓએ મારી સાથે સુવાર્તાના પ્રચારમાં ઘણો પ્રયાસ કર્યો છે.’ (ફિલિપી ૪:૨, ૩) પ્રિસ્કીલા અને તેના પતિ આકુલાએ પણ પાઊલની સાથે પૂરા ઉમંગથી કામ કર્યું. તેઓ બંનેએ પાઊલ માટે “પોતાના જીવ જોખમમાં મૂક્યા હતા.” આથી પાઊલે તેમના વિષે લખ્યું: “ફક્ત હું જ નહિ પણ બિનયહૂદીઓની મંડળીઓ પણ તેમની આભારી છે.”—રોમનોને પત્ર ૧૬:૩, ૪, પ્રેમસંદેશ; પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૨.

૫, ૬. કઈ રીતે પ્રિસ્કીલાએ આજની બહેનો માટે સારું ઉદાહરણ બેસાડ્યું?

પ્રિસ્કીલાના ઉત્સાહ અને હિંમતનું કારણ શું હતું? તે બાઇબલ અને પ્રેષિતોનાં શિક્ષણની એક સારી વિદ્યાર્થીની હતી. પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૨૪-૨૬નો અહેવાલ બતાવે છે કે, આપોલસ સારાં પ્રવચનો આપી શકતો હતો. પણ તેને સત્ય વિષે વધારે ખુલાસાની જરૂર હતી. આથી, પ્રિસ્કીલાએ પોતાના પતિ સાથે તેમને મદદ કરી. હા, સત્યને સારી રીતે જાણવાથી તેણે યહોવાહનું અને તેના પતિનું માન મેળવ્યું. વળી, તેણે મંડળમાં પણ મહત્ત્વનો ફાળો આપ્યો. એવી જ રીતે, આજે પણ મહેનતુ બહેનો બાઇબલનો ઊંડો અભ્યાસ કરે છે. તેમ જ, “વિશ્વાસુ તથા શાણા કારભારી” દ્વારા આપવામાં આવતી બાઇબલ સમજણ લે છે. આવી બહેનો ખૂબ કીમતી છે!—લુક ૧૨:૪૨.

આકુલા અને પ્રિસ્કીલા મહેમાનોને ખૂબ પ્રેમથી આવકારતા હતા. પાઊલ તેમની સાથે કોરીંથમાં રહ્યા અને તંબુ બનાવવાના ધંધામાં તેમની સાથે કામ કર્યું. (પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૧-૩) આ યુગલ પછીથી એફેસસ અને રોમમાં ગયું ત્યારે પણ ખૂબ મહેમાનગીરી કરતું હતું. અરે, તેઓ સભાઓ પણ પોતાના ઘરમાં રાખતા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૧૮, ૧૯; ૧ કોરીંથી ૧૬:૮, ૧૯) નુમ્ફા અને યોહાન માર્કની માતા મરિયમ પણ પોતાના ઘરમાં સભાઓ ભરવા દેતી હતી.—પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૧૨; કોલોસી ૪:૧૫.

બહેનોનું મહત્ત્વ!

૭, ૮. આજે ખ્રિસ્તી બહેનોનો કેવો રેકોર્ડ છે, અને તેઓ શાની ખાતરી રાખી શકે?

પ્રથમ સદીની જેમ, આજે પણ વિશ્વાસુ બહેનો પ્રચાર કાર્યમાં ખાસ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ બહેનો કેવું સરસ ઉદાહરણ બેસાડે છે! ગ્વેનનો વિચાર કરો. તેમણે ૫૦ વર્ષ યહોવાહની સેવા કરી. તેમના લગ્‍ન ૬૧ વર્ષ પહેલાં થયા હતા અને તે ૨૦૦૨માં મરણ પામ્યા. ત્યાં સુધી તે યહોવાહને વફાદાર રહ્યા. તેમના પતિ કહે છે, “ગ્વેન ખૂબ ઉત્સાહથી પ્રચાર કામ કરતી હતી. અમારા શહેરમાં તે ખૂબ જાણીતી હતી. તે દરેક વ્યક્તિને ભાવિના યહોવાહના ભક્ત તરીકે જોતી. તે પરમેશ્વર, તેમના સંગઠન તેમ જ કુટુંબને ઘણી વફાદાર હતી. તેણે મને અને મારા કુટુંબને ઘણી મદદ કરી હતી. અરે, મુશ્કેલીના સમયમાં પણ તેણે અમને ખૂબ ઉત્તેજન આપ્યું હતું. ખરેખર, અમને તેની ખૂબ ખોટ સાલે છે.”

પરિણીત કે કુંવારી હજારો ખ્રિસ્તી બહેનો પાયોનિયર કે મિશનરિ તરીકે સેવા કરે છે. તેઓ ખૂબ સાદું જીવન જીવે છે જેથી તેઓ દૂર દૂર સુધી પણ પ્રચાર કરી શકે. (પ્રેરિતોનાં કૃત્યો ૧:૮) ઘણી બહેનોએ યહોવાહની વધારે સેવા કરવા માટે પોતાના ઘર ખરીદ્યા નથી કે બાળકો કર્યા નથી. એવી બહેનો પણ છે જે પોતાના પ્રવાસી નિરીક્ષક પતિને પૂરેપૂરો સાથ આપે છે. જ્યારે કે હજારો બહેનો આખા જગતના બેથેલમાં કામ કરે છે. ખરેખર, આ બલિદાન આપનારી બહેનો, “કિંમતી વસ્તુઓ” છે. તેઓ યહોવાહના ઘરનું ગૌરવ ખૂબ વધારી રહી છે.—હાગ્ગાય ૨:૭.

૯, ૧૦. કેટલાક કુટુંબીજનોએ તેમની પત્ની કે મમ્મીનાં સારાં ઉદાહરણ વિષે શું કહ્યું?

જોકે, ઘણી બહેનોને પોતાના કુટુંબની સંભાળ રાખવાની હોય છે. તોપણ તેઓ પરમેશ્વરના રાજ્યને પોતાના જીવનમાં પ્રથમ રાખે છે. (માત્થી ૬:૩૩) એક કુંવારી પાયોનિયર બહેને લખ્યું: “મારી મમ્મીના દૃઢ વિશ્વાસ અને તેણે બેસાડેલા સારા ઉદાહરણને લીધે જ હું હવે એક નિયમિત પાયોનિયર છું. અરે, તે મારી સૌથી સારી પાયોનિયર પાર્ટનર હતી.” બીજા એક બહેન બોનીનો વિચાર કરો. તેમને પાંચ દીકરીઓ છે. બોનીના પતિ કહે છે: “અમારું ઘર હંમેશાં ચોખ્ખું અને સુઘડ રહેતું. બોની એને એકદમ સાદું રાખતી જેથી, અમારું કુટુંબ યહોવાહની સેવા કરવામાં વધારે ધ્યાન આપી શકે. તે કરકસરથી ઘર ચલાવતી. એના લીધે, હું ૩૨ વર્ષ પાર્ટ ટાઈમ કામ કરી શક્યો અને કુટુંબને યહોવાહના માર્ગમાં ઉછેરી શક્યો. મારી પત્નીએ અમારાં બાળકોને મહેનતુ બનાવ્યાં છે. ખરેખર, હું તેના ખૂબ વખાણ કરું છું.” આજે પતિ-પત્ની બંને યહોવાહના સાક્ષીઓના મુખ્ય મથકે કામ કરે છે.

૧૦ બે છોકરાની માતા વિષે તેના પતિ લખે છે: “હું મારી પત્ની સુઝનના ખૂબ વખાણ કરું છું. તેને યહોવાહ અને લોકો માટે પુષ્કળ પ્રેમ છે. વળી તે સમજુ, દયાળુ અને પ્રમાણિક છે. તે હંમેશાં એવું વિચારે છે કે આપણે યહોવાહની સેવામાં આપણાથી બનતું બધું જ કરવું જોઈએ. પરમેશ્વરની સેવિકા અને માતા તરીકે તે બાઇબલના માર્ગદર્શન પ્રમાણે જીવે છે.” પત્નીની મદદથી, આ પતિ ઘણા લહાવાનો આનંદ માણી શક્યા. તે પાયોનિયર, વડીલ, અને હૉસ્પિટલ લિએઝન કમિટિના સભ્ય તરીકે સેવા આપે છે. વળી, તે અમુક વાર સરકીટ નિરીક્ષક તરીકે પણ સેવા આપે છે. આવી સ્ત્રીઓ પોતાના પતિ માટે કેટલી મૂલ્યવાન છે. અરે, એનાથી વધારે તેઓ યહોવાહની નજરમાં ખૂબ મૂલ્યવાન છે.—નીતિવચનો ૩૧:૨૮, ૩૦.

કુંવારી બહેનો ખૂબ મૂલ્યવાન છે

૧૧. (ક) બહેનો અને ખાસ કરીને વિધવાઓ વિષે યહોવાહ કેવું વિચારે છે? (ખ) વિધવાઓ અને બીજી કુંવારી બહેનો કઈ ખાતરી રાખી શકે?

૧૧ યહોવાહે હંમેશાં વિધવાઓ માટે કાળજી બતાવી છે. (પુનર્નિયમ ૨૭:૧૯; ગીતશાસ્ત્ર ૬૮:૫; યશાયાહ ૧૦:૧, ૨) આજે, પણ તે એટલી જ કાળજી રાખે છે. તે ફક્ત વિધવાની જ નહિ, પરંતુ સાથે સાથે પતિ વગર એકલી રહેતી માતાની પણ કાળજી રાખે છે. તેમ જ તે એવી બહેનોનું પણ ધ્યાન રાખે છે જેઓને લગ્‍ન માટે હજુ કોઈ યોગ્ય ખ્રિસ્તી ભાઈ મળ્યા નથી. (માલાખી ૩:૬; યાકૂબ ૧:૨૭) જો તમે પણ તમારા જીવન સાથી વગર યહોવાહની સેવા કરતા હોવ તો, યહોવાહની નજરમાં તમે મૂલ્યવાન છો.

૧૨. (ક) કઈ રીતે કેટલીક બહેનોએ યહોવાહ પ્રત્યે વફાદારી બતાવી છે? (ખ) આપણી કેટલીક બહેનો શું અનુભવે છે?

૧૨ અમુક બહેનોએ લગ્‍ન નથી કર્યા, કેમ કે તેઓ “કેવળ પ્રભુમાં” લગ્‍ન કરવાની આજ્ઞા પાળે છે. (૧ કોરીંથી ૭:૩૯; નીતિવચનો ૩:૧) બાઇબલ તેઓને ખાતરી આપે છે: “વફાદારની સાથે તું [યહોવાહ] વફાદારી બતાવીશ.” (૨ શમૂએલ ૨૨:૨૬, NW) તોપણ, ઘણી કુંવારી બહેનો માટે એકલા રહેવું કંઈ સહેલું નથી. એક બહેન કહે છે: “મેં કેવળ પ્રભુમાં લગ્‍ન કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ જ્યારે હું મારી મિત્રોને સારા ખ્રિસ્તી ભાઈ સાથે લગ્‍ન કરતા જોતી, ત્યારે હું રડી પડતી.” બીજી એક બહેન કહે છે: “હું ૨૫ વર્ષથી યહોવાહની સેવા કરું છું. મેં તેમને વફાદાર રહેવાનો નિર્ણય કર્યો છે, પરંતુ, ઘણી વાર એકલતા મને કોરી ખાય છે. મારા જેવી બહેનો ઉત્તેજન માટે ફાંફાં મારતી હોય છે.” આપણે કઈ રીતે આવી બહેનોને મદદ કરી શકીએ?

૧૩. (ક) યિફતાહની દીકરીની મળવા જનારાઓમાંથી આપણે શું શીખી શકીએ? (ખ) આપણા મંડળની કુંવારી બહેનો માટે આપણે કઈ રીતે કાળજી બતાવી શકીએ?

૧૩ એક ઉદાહરણ બાઇબલમાંથી જોવા મળે છે. યિફતાહની દીકરીએ કુંવારા રહેવાનું નક્કી કર્યું ત્યારે, લોકો જાણતા હતા કે તે મોટું બલિદાન આપી રહી છે. આથી, તેઓ તેને ઉત્તેજન આપવા શું કરતા? ‘વર્ષમાં ચાર દિવસ ગિલઆદી યિફતાહની દીકરીને [“ઉત્તેજન આપવા,” NW] સારૂ ઇસ્રાએલપુત્રીઓ જતી હતી.’ (ન્યાયાધીશો ૧૧:૩૦-૪૦) એવી જ રીતે, આપણે પણ યહોવાહના નિયમને વફાદાર રહેનાર કુંવારી બહેનોની ખરા દિલથી પ્રશંસા કરવી જોઈએ. * બીજી કઈ રીતે આપણે તેઓની કાળજી રાખી શકીએ? આપણે તેઓ માટે પ્રાર્થના કરી શકીએ કે યહોવાહ તેઓને આશીર્વાદ આપે. આપણે આવી બહેનોને ખાતરી કરાવવી જોઈએ કે યહોવાહ તેમ જ આખું મંડળ તેઓને ખૂબ પ્રેમ કરે છે.—ગીતશાસ્ત્ર ૩૭:૨૮.

બાળકોને સારી રીતે ઉછેરતી એકલી માતાઓ

૧૪, ૧૫. (ક) શા માટે એકલવાયી માતાઓએ યહોવાહ પાસે મદદ માંગવી જોઈએ? (ખ) કઈ રીતે આવા મા કે બાપ પોતાની પ્રાર્થનાના સુમેળમાં વર્તી શકે?

૧૪ પતિ વગર એકલા હાથે બાળકોને ઉછેરતી માતાને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી, તેઓએ બાળકોને પરમેશ્વરનાં શિક્ષણમાં ઉછેરવા માટે યહોવાહ પાસે પ્રાર્થનામાં મદદ માંગવી જોઈએ. જો તમે એકલી માતા હોવ તો, તમે મા-બાપ બંનેની જવાબદારી બરાબર નીભાવી શકતા નથી. તેમ છતાં, જો તમે યહોવાહને મદદ માટે વિનંતી કરશો તો, તે તમને જરૂર મદદ કરશે. એક દાખલાનો વિચાર કરો. કલ્પના કરો કે તમે બહુમાળી મકાનમાં રહો છો. અને તમે કરિયાણા ભરેલી થેલી લઈને ઘરે પાછા આવી રહ્યા છો. તો શું તમે લીફ્ટ હોવા છતાં દાદરા ચઢીને જશો? ના, જરાય નહિ! એવી જ રીતે, યહોવાહ તમને મદદ કરવા તૈયાર છે ત્યારે, ચિંતાઓના ભાર નીચે દબાઈ ન જાવ. હકીકતમાં, તે ઇચ્છે છે કે તમે તેમની પાસે મદદ માંગો. ગીતશાસ્ત્ર ૬૮:૧૯ કહે છે: “ધન્ય છે પ્રભુને કે જે રોજ આપણો બોજો ઊંચકી લે છે.” એવી જ રીતે, ૧ પીતર ૫:૭ કહે છે કે તમે તમારી સર્વ ચિંતાઓ યહોવાહ પર નાખી દો, “કેમકે તે તમારી સંભાળ રાખે છે.” તેથી, તમે ચિંતાઓ અને મુશ્કેલીઓ તળે દબાઈ જાવ ત્યારે, યહોવાહ આગળ તમારું હૃદય ઠાલવી દો. તેમને “નિત્ય” પ્રાર્થના કરો.—૧ થેસ્સાલોનીકી ૫:૧૭; ગીતશાસ્ત્ર ૧૮:૬; ૫૫:૨૨.

૧૫ દાખલા તરીકે, તમે માતા હોવ તો, તમે તમારાં બાળક વિષે જરૂર ચિંતા કરશો. તે ખરાબ દોસ્તોના રવાડે તો નહિ ચઢી જાય ને? ગમે તેવી મુશ્કેલીઓ આવે, તોપણ શું તે યહોવાહને વફાદાર રહેશે? (૧ કોરીંથી ૧૫:૩૩) આ બાબતમાં ચિંતા કરવી કંઈ ખોટી નથી. પરંતુ, આ બાબતો વિષે તમે પ્રાર્થના કરી શકો છો. વળી, બાળક સ્કૂલે જાય એ પહેલાં તેની સાથે એ દિવસના વચનની ચર્ચા કરો. પછી મુશ્કેલીઓ વિષે તમે ભેગા પ્રાર્થના કરી શકો. પૂરા દિલથી પ્રાર્થના કરવાથી તમારાં બાળકનાં હૃદય પર એની સારી અસર પડે છે. વધુમાં, તમે તમારાં બાળકોને ધીરજથી યહોવાહનું શિક્ષણ આપો છો ત્યારે, યહોવાહ જરૂર આશીર્વાદ આપશે. (પુનર્નિયમ ૬:૬, ૭; નીતિવચનો ૨૨:૬) યાદ રાખો, “ન્યાયીઓ પર પ્રભુની નજર છે; અને તેઓની પ્રાર્થનાઓ તેને કાને પડે છે.”—૧ પીતર ૩:૧૨; ફિલિપી ૪:૬, ૭.

૧૬, ૧૭. (ક) ડારન પોતાની માતા વિષે શું કહે છે? (ખ) ઓલીવીયાના ધ્યેયો કઈ રીતે તેનાં બાળકોમાં જોવા મળે છે?

૧૬ છ બાળકોની માતા ઓલીવીયનો વિચાર કરો. તેનું છેલ્લું બાળક જનમ્યું ત્યારે તેના પતિએ તેને છોડી દીધી. તોપણ તેણે પોતાના બાળકોને પરમેશ્વરના માર્ગમાં ઉછેર્યા. ઓલીવીયનો દીકરો, ડારન આજે ૩૧ વર્ષનો છે. તે એક વડીલ અને પાયોનિયર છે. તેના પિતા છોડીને જતા રહ્યા ત્યારે તે લગભગ ૫ વર્ષનો હતો. જાણે બળતામાં ઘી રેડાયું હોય એમ ડારનને ગંભીર બીમારી થઈ, આથી તેની મમ્મીની ચિંતા વધી ગઈ. પોતાના બાળપણને યાદ કરતા ડારન લખે છે: “હું હૉસ્પિટલના ખાટલામાં કાગના ડોળે મમ્મીની રાહ જોતો. તે મારી પાસે બેસીને દરરોજ બાઇબલ વાંચતી. ત્યાર પછી તે ‘વી થેન્ક યુ જેહોવા’ ગીત ગાતી. * આજે પણ આ ગીત મને ખૂબ ગમે છે.”

૧૭ ઓલીવીયને યહોવાહમાં પૂરે ભરોસો હતો. એટલે તે બાળકોને સારી રીતે ઉછેરી શકી. (નીતિવચનો ૩:૫, ૬) તેણે પોતાનાં બાળકો માટે સારો ધ્યેય રાખ્યો. ડારન કહે છે, “મારી મમ્મી હંમેશાં અમને પૂરા સમયના સેવક બનવાનું ઉત્તેજન આપતી. એટલા માટે, મારી ચાર બહેનો અને હું પૂરા સમયના પ્રચાર કાર્યમાં જોડાયા. તો પણ મમ્મી કદી પણ આ બાબત વિષે બીજાઓ આગળ બડાઈ મારતી નથી. હું હંમેશાં તેના સદ્‍ગુણોને જીવનમાં લાગુ પાડું છું.” જોકે, ઓલીવીયાનાં બાળકોની જેમ બધા જ કંઈ પરમેશ્વરના માર્ગમાં ચાલતા નથી. પરંતુ, પતિ વગર એકલી માતા બાઇબલ પ્રમાણે પોતાનું જીવન જીવે છે ત્યારે, તે ખાતરી રાખી શકે કે યહોવાહ જરૂર તેમને માર્ગદર્શન અને પૂરો સાથ આપશે.—ગીતશાસ્ત્ર ૩૨:૮.

૧૮. યહોવાહ કઈ રીતે સાથ આપે છે? અને એના માટે આપણે કઈ રીતે કદર બતાવી શકીએ?

૧૮ સભાઓમાં નિયમિત માર્ગદર્શનથી યહોવાહ ઘણી મદદ આપે છે. તેમ જ બીજા ભાઈબહેનો અને “માણસોને દાન” દ્વારા તે ખૂબ સાથ આપે છે. (એફેસી ૪:૮) વિશ્વાસુ વડીલો મંડળને ઉત્તેજન આપવા ખાસ મહેનત કરે છે. તેઓ “વિધવાઓની અને અનાથોની તેઓનાં દુઃખની વખતે” ખાસ મદદ કરે છે. (યાકૂબ ૧:૨૭) તેથી, હંમેશાં પરમેશ્વરના લોકોની સાથે રહો.—નીતિવચનો ૧૮:૧; રૂમીઓને પત્ર ૧૪:૭.

નમ્ર રહેવાનાં સારાં ઉદાહરણો

૧૯. શા માટે પત્ની આધીન રહે એમાં કંઈ નાનમ નથી, અને બાઇબલનું કયું ઉદાહરણ એને ટેકો આપે છે?

૧૯ યહોવાહે સ્ત્રીને પુરુષની સાથી તરીકે બનાવી હતી. (ઉત્પત્તિ ૨:૧૮) તેથી, પત્ની પોતાના પતિને આધીન રહે છે. પણ એનો અર્થ એ નથી કે તે દાસી જેવી છે. એના બદલે, પતિને આધીન રહેવાથી સ્ત્રીનું ગૌરવ વધે છે. તેમ જ તે પોતાની આવડતનો પરમેશ્વરની ઇચ્છાના સુમેળમાં ઉપયોગ કરી શકે છે. નીતિવચનો ૩૧મો અધ્યાય, ઈસ્રાએલની સ્ત્રીઓ જે કામો કરતી, એનું લિસ્ટ બતાવે છે. આ સ્ત્રીઓ ગરીબોને મદદ કરતી; ખેતી કામ કરતી અને જમીન પણ ખરીદતી. હા, “તેના પતિનું અંતઃકરણ તેના પર ભરોસો રાખે છે, અને તેને સંપત્તિની ખોટ [પડી] નહિ.”—નીતિવચનો ૩૧:૧૧, ૧૬, ૨૦.

૨૦. (ક) ખ્રિસ્તી બહેનો કઈ બાબતોમાં મહેનત કરે છે? (ખ) એસ્તેરે કયા સરસ ગુણો બતાવ્યા અને યહોવાહે શા માટે તેનો ઉપયોગ કર્યો?

૨૦ વિનયી અને પરમેશ્વરનો ભય રાખનારી સ્ત્રી પોતાના પતિ સાથે હરીફાઈ કરીને પોતાને કંઈક સમજશે નહિ. (નીતિવચનો ૧૬:૧૮) તે દુનિયામાં પોતાનું નામ કમાવવા પોતાને મન ફાવે તેમ વર્તતી નથી. પરંતુ, કુટુંબ, ભાઈબહેનો, પડોશીઓ અને સૌથી મહત્ત્વનું તો યહોવાહની સેવા કરવા માટે મહેનત કરે છે. (ગલાતી ૬:૧૦; તીતસ ૨:૩-૫) બાઇબલમાંથી એસ્તેર રાણીના ઉદાહરણનો વિચાર કરો. તે દેખાવમાં સુંદર હતી છતાં, તે વિનયી અને આધીન રહેનારી હતી. (એસ્તેર ૨:૧૩, ૧૫) તે રાજાની પહેલી રાણી વાશ્તી જેવી ન હતી. પણ એસ્તેરને પોતાના પતિ અહાશ્વેરોશ પ્રત્યે ઊંડું માન હતું. (એસ્તેર ૧:૧૦-૧૨; ૨:૧૬, ૧૭) એસ્તેરે રાણી બન્યા પછી પણ પોતાના પિત્રાઈ મોટા ભાઈ મોર્દખાયનું કહેવું માન્યું. જોકે એનો અર્થ એમ નથી કે તે બીકણ હતી. પરંતુ, તેણે હિંમતથી ક્રૂર હામાનને ખુલ્લો પાડ્યો કેમ કે તે યહુદીઓને મારી નાખવા માંગતો હતો. યહોવાહે પોતાના લોકોના બચાવ માટે એસ્તેરનો ઉપયોગ કર્યો.—એસ્તેર ૩:૮-૪:૧૭; ૭:૧-૧૦; ૯:૧૩.

૨૧. કઈ રીતે સ્ત્રીઓ યહોવાહની નજરમાં વધારે મૂલ્યવાન બની શકે?

૨૧ પ્રાચીન અને આપણા સમયમાં, પરમેશ્વરનો ભય રાખનારી સ્ત્રીઓએ યહોવાહ માટે ખૂબ ભક્તિભાવ બતાવ્યો છે. આથી, તેઓ પરમેશ્વરની નજરમાં બહુ જ મૂલ્યવાન છે. ખ્રિસ્તી બહેનોએ પરમેશ્વરના માર્ગદર્શન પ્રમાણે ચાલવું જોઈએ. એમ કરવાથી તેઓ ધીમે ધીમે ‘ઉત્તમ કાર્યને સારૂ તૈયાર કરેલું પાત્ર’ બનશે. (૨ તીમોથી ૨:૨૧; રૂમીઓને પત્ર ૧૨:૨) આવી ખ્રિસ્તી બહેનો વિષે બાઇબલ કહે છે: “તેના હાથની પેદાશમાંથી તેને આપો; અને તેનાં કામોને માટે ભાગળોમાં તેની પ્રશંસા થાઓ.” (નીતિવચનો ૩૧:૩૧) તમે પણ એવી એક વ્યક્તિ બની શકો.

[ફુટનોટ્‌સ]

^ કઈ રીતે પ્રશંસા કરવી એ વિષે, માર્ચ ૧૫, ૨૦૦૨ના ચોકીબુરજના પાન ૨૬-૮ પર જુઓ.

^ યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત સોંગબુકમાંથી ગીત ૨૧૨.

શું તમને યાદ છે?

• પ્રથમ સદીની સ્ત્રીઓ કઈ રીતે યહોવાહની નજરમાં મૂલ્યવાન હતી?

• કઈ રીતે આજે ઘણી બહેનો યહોવાહની નજરમાં મૂલ્યવાન બની છે?

• યહોવાહ કઈ રીતે પતિ વગર રહેતી માતાઓને અને કુંવારી બહેનોને મદદ કરે છે?

• કઈ રીતે બહેનો પતિને આધીન રહેવામાં વિનયી રહી શકે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૭ પર બોક્સ]

મનન કરવા માટેના દાખલાઓ

શું તમને બાઇબલમાં આપેલા કેટલીક વિશ્વાસુ સ્ત્રીઓના ઉદાહરણો પર મનન કરવાનું ગમશે? કેમ નહિ કે તમે નીચે જણાવેલી કલમો વાંચો. તમે આ દાખલાઓ વાંચો ત્યારે વિચાર કરો કે કઈ બાબત તમે તમારા જીવનમાં લાગુ પાડવા માંગો છો.—રૂમીઓને પત્ર ૧૫:૪.

સારાહ: ઉત્પત્તિ ૧૨:૧, ૫; ૧૩:૧૮ક; ૨૧:૯-૧૨; ૧ પીતર ૩:૫, ૬.

ઉદાર ઈસ્રાએલી સ્ત્રીઓ: નિર્ગમન ૩૫:૫, ૨૨, ૨૫, ૨૬; ૩૬:૩-૭; લુક ૨૧:૧-૪.

દબોરાહ: ન્યાયાધીશો ૪:૧-૫:૩૧.

રૂથ: રૂથ ૧:૪, ૫, ૧૬, ૧૭; ૨:૨, ૩, ૧૧-૧૩; ૪:૧૫.

શૂનેમની સ્ત્રી: ૨ રાજાઓ ૪:૮-૩૭.

કનાની સ્ત્રી: માત્થી ૧૫:૨૨-૨૮.

મારથા અને મરિયમ: માર્ક ૧૪:૩-૯; લુક ૧૦:૩૮-૪૨; યોહાન ૧૧:૧૭-૨૯; ૧૨:૧-૮.

તબીથા: પ્રેરિતોનાં કૃત્યો ૯:૩૬-૪૧.

ફિલિપની ચાર દીકરીઓ: પ્રેરિતોનાં કૃત્યો ૨૧:૯.

ફેબી: રૂમીઓને પત્ર ૧૬:૧, ૨.

[પાન ૧૫ પર ચિત્ર]

શું તમે યહોવાહના નિયમ પાળતી કુંવારી બહેનોની પ્રશંસા કરો છો?

[પાન ૧૬ પર ચિત્ર]

બાળકો સ્કૂલમાં જાય એ પહેલાં પ્રાર્થનામાં કઈ ખાસ બાબત વિષે મદદ માંગી શકાય?