સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સુખી જીવન માટે ભરોસો મહત્ત્વનો છે

સુખી જીવન માટે ભરોસો મહત્ત્વનો છે

સુખી જીવન માટે ભરોસો મહત્ત્વનો છે

જો તમે ગરમ દૂધ પીવા જતા દાઝ્યા હોવ તો, શું એવું વિચારશો કે હવેથી હું ક્યારેય દૂધ નહિ પીવું? ચોક્કસ, તમે એવું નહિ વિચારો. એવી જ રીતે, જો કોઈ આપણી સાથે દગો કરે તો, શું આપણે એમ વિચારવું જોઈએ કે કોઈ પણ ભરોસાને લાયક જ નથી?

જોકે, કોઈએ દગો કર્યો હોય તો એ સહન કરવું બહુ અઘરું છે. આથી, જો કોઈ આપણી સાથે વારંવાર દગો કરતું હોય તો, આપણે બે વાર વિચારીશું કે આપણે કેવા લોકો સાથે દોસ્તી રાખીએ જોઈએ. પરંતુ, આપણે એવું નહિ વિચારીએ કે હવે પછી કોઈ દિવસ કોઈના પર વિશ્વાસ કે ભરોસો મૂકીશું જ નહિ. શા માટે? એમ કરવાથી તો, આપણી પોતાની જ શાંતિ છીનવાઈ જશે. કેમ કે સુખી જીવન જીવવા માટે આપણે એકબીજા પર ભરોસો રાખવાની જરૂર છે.

એક પુસ્તક કહે છે કે, “એકબીજા પરના વિશ્વાસથી તો આખી દુનિયા ચાલે છે.” એક છાપુ કહે છે, “દરેક વ્યક્તિ ભરોસાની ઇચ્છા રાખતી હોય છે. એકબીજા પર વિશ્વાસ રાખવાથી જીવનમાં ખુશીઓ આવે છે. તેમ જ, જીવન જીવવું પણ શક્ય બને છે.” એ જ છાપુ આગળ કહે છે કે ભરોસા વિના “વ્યક્તિ જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરી શકતી નથી.”

આમ, આપણે એકબીજા પર ભરોસો મૂકવાની જરૂર છે. પરંતુ, કોના પર ભરોસો મૂકવો જોઈએ?

પૂરા દિલથી યહોવાહ પર ભરોસો રાખો

બાઇબલ કહે છે, “તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ.” (નીતિવચનો ૩:૫) બાઇબલ આપણને ઉત્તેજન આપે છે કે આપણે વિશ્વના માલિક યહોવાહ પર પૂરો ભરોસો રાખવો જોઈએ.

પરંતુ, આપણે શા માટે પરમેશ્વર પર ભરોસો રાખવો જોઈએ? એક કારણ છે કે યહોવાહ પરમેશ્વર પવિત્ર છે. યશાયાહ પ્રબોધકે લખ્યું: “પવિત્ર, પવિત્ર, પવિત્ર છે સૈન્યોનો દેવ યહોવાહ.” (યશાયાહ ૬:૩) યહોવાહ પવિત્ર એટલે કે તે શુદ્ધ છે, તેમનામાં એક પણ ખોટા વિચારો નથી. તે ક્યારેય ખરાબ કાર્યો કરી શકતા નથી. વળી, તે ક્યારેય આપણી સાથે બેવફાઈ કરશે નહિ.

બીજું કારણ છે કે યહોવાહ પોતાના ભક્તોને મદદ કરવા ઇચ્છે છે. જેમ કે, તે સર્વ શક્તિમાન છે, તે જે ધારે એ કરી શકે છે. તે હંમેશાં ન્યાય અને ડહાપણથી પગલાં લે છે. તેમનામાં અપાર પ્રેમ છે, એટલે જ તે આપણા માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. પ્રેષિત યોહાને લખ્યું, “દેવ પ્રેમ છે.” (૧ યોહાન ૪:૮) આપણા માબાપ આપણા ભલા માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. તે ક્યારેય આપણને તરછોડી દેશે નહિ. યહોવાહ આપણાં માબાપ કરતાં પણ મહાન છે! તેથી આપણે ફક્ત તેમના પર જ પૂરો વિશ્વાસ મૂકવો જોઈએ.

યહોવાહ પર વિશ્વાસ રાખો અને ખુશ રહો

યહોવાહ પર ભરોસો રાખવાનું ત્રીજું મહત્ત્વનું કારણ એ છે કે તે એકલા જ આપણને સારી રીતે સમજે છે. બાળકને દૂધની જરૂર હોય છે તેમ, આપણને બધાને ઈશ્વરની જરૂર છે એવું તે જાણે છે. તેથી, તે ચાહે છે કે આપણે તેમના પર પૂરી શ્રદ્ધા રાખીએ. આમ કરવાથી આપણે વધારે શાંતિ અનુભવીશું. રાજા દાઊદે કહ્યું કે યહોવાહ “પર વિશ્વાસ કરે છે તે આશીર્વાદિત છે.” (ગીતશાસ્ત્ર ૪૦:૪, IBSI) આજે લાખો લોકો દાઊદની સાથે પૂરા દિલથી સહમત છે.

થોડાં ઉદાહરણોનો વિચાર કરો. ડોરીસ ડોમિનિકન પ્રજાસત્તાક, જર્મની, ગ્રીસ અને યુનાઈટેડ સ્ટેટ્‌સમાં રહી હતી. તે કહે છે: “હું યહોવાહ પર મારો ભરોસો રાખવાને કારણે ઘણી ખુશ છું. તે મારી બધી જ રીતે કાળજી રાખે છે. યહોવાહ મારા સૌથી સારા મિત્ર છે.” વુલ્ફગન્ગ જે વકીલ જેવું કામ કરે છે, તે જણાવે છે: “હું યહોવાહ પર પૂરા દિલથી વિશ્વાસ રાખું છું. કેમ કે તે હંમેશાં મારું ભલું ઇચ્છે છે!” હેમનો જન્મ એશિયામાં થયો હતો, પણ તે હમણાં યુરોપમાં રહે છે. તેમણે કહ્યું: “મને પૂરી ખાતરી છે કે યહોવાહ કદી ભૂલ કરતા નથી. મારું જીવન તેમના હાથમાં છે. તે મારી બધી રીતે કાળજી રાખે છે તેથી હું બહુ ખુશ છું.”

જોકે, આપણે દરેકે ફક્ત યહોવાહ પર જ નહિ પરંતુ, બીજા લોકો પર પણ ભરોસો રાખવાની જરૂર છે. આપણે કેવી વ્યક્તિઓ પર ભરોસો મૂકવો જોઈએ એ વિષે યહોવાહ માર્ગદર્શન આપે છે. તે બાઇબલમાં આપણને સલાહ આપે છે. ચાલો આપણે અમુક સૂચનો તપાસીએ.

આપણે કોના પર ભરોસો મૂકી શકીએ?

ગીતકર્તાએ લખ્યું: “રાજાઓ પર ભરોસો ન રાખ, તેમજ માણસજાત પર પણ નહિ, કેમકે તેની પાસે તારણ નથી.” (ગીતશાસ્ત્ર ૧૪૬:૩) આ કલમમાંથી આપણને એ જોવા મદદ મળે છે કે આપણે આ જગતના “રાજાઓ” પર ભરોસો રાખવો જોઈએ નહિ. તેમ જ, કોઈ ખાસ ક્ષેત્રમાં નિષ્ણાત થયા હોય, તેઓ પર પણ પૂરો ભરોસો રાખવો જોઈએ નહિ. કેમ કે તેઓનું જ્ઞાન અધૂરું અને ઘણી વાર તેઓનું માર્ગદર્શન છેતરામણું હોય છે. તેઓ પર પૂરો ભરોસો રાખવાથી આપણે નિરાશ થઈ શકીએ છીએ.

જોકે, એનો અર્થ એવો પણ નથી કે આપણે કોઈ પણ વ્યક્તિ પર ભરોસો મૂકવો જોઈએ નહિ. પરંતુ, આપણે ધ્યાનથી વિચારવું જોઈએ કે કોના પર ભરોસો મૂકવો જોઈએ. એ માટે, પ્રાચીન ઈસ્રાએલીઓનું ઉદાહરણ આપણને મદદ કરી શકે. મુસાની જવાબદારીમાં મદદ કરે એવી અમુક વ્યક્તિઓને પસંદ કરવાની હતી. યહોવાહે મુસાને આ સલાહ આપી: “કેટલાક શક્તિશાળી, પ્રભુમય જીવન જીવનારા, પ્રમાણિક અને લાંચને ધિક્કારનાર માણસો શોધી” કાઢ. (નિર્ગમન ૧૮:૨૧, IBSI) આ દાખલામાંથી આપણે શું શીખી શકીએ?

જવાબદારી આપવામાં આવેલા આ માણસો સદ્‍ગુણોથી ભરેલા હતા. તેઓ પરમેશ્વરનો ડર રાખતા હતા. એટલું જ નહિ, તેઓ પરમેશ્વરના ઊંચા ધોરણો પ્રમાણે જીવન જીવતા હતા. તેઓમાં સારા સંસ્કાર હોવાથી, તેઓ લોભ જેવા પાપને ધિક્કારતા હતા. તેમ જ તે લાંચ લેવા-દેવાને નફરત કરતા હતા. વળી, તેઓ ભલા હતા, એટલે તેઓ કદી પોતાના કે મિત્રોના લાભને લીધે બીજાઓને દગો કરવાના ન હતા.

તેથી, આજે આપણે પણ એવા માણસો પર ભરોસો મૂકવો જોઈએ. શું આપણે એવી કોઈ વ્યક્તિઓને જાણીએ છીએ જેઓ સીધી-સાદી કે પરમેશ્વરનો ડર રાખતી હોય? તેમ જ પરમેશ્વરના માર્ગમાં ચાલતી હોય કે સ્વાર્થી ન હોય? અથવા જેઓ ખરાબ કામોને ધિક્કારતા હોય અને પ્રમાણિક હોય? હા, આજે યહોવાહના સાક્ષીઓમાં આવું જોવા મળે છે! આપણે તેઓ પર ભરોસો મૂકી શકીએ છીએ.

થાપ ખાઈ જાવ તોપણ હતાશ ન થાઓ

આપણે કોના પર ભરોસો મૂકવો જોઈએ એ સમજી વિચારીને નક્કી કરવું જોઈએ. તેથી એ સારું થશે કે આપણે કોઈના પર આંખો બંધ કરીને નહિ, પરંતુ ધીરે ધીરે ભરોસો મૂકીએ. કઈ રીતે? પહેલા, આપણે જોઈ શકીએ કે વ્યક્તિ કેવા સ્વભાવની છે, અને કઈ રીતે વર્તે છે. શું વ્યક્તિ નાની બાબતોમાં પણ ભરોસો મૂકવાને લાયક છે? દાખલા તરીકે, શું તે આપણી લીધેલી વસ્તુ પાછી આપે છે? અથવા તેમની સાથે કંઈ જવાની ગોઠવણ કરી હોય તો, શું તે સમયસર આવી જાય છે? જો આવી નાની બાબતોમાં તેઓનો સારો સ્વભાવ જોવા મળે તો, આપણે થોડી મોટી બાબતમાં ભરોસો મૂકી શકીએ. આ બાબત બાઇબલ સલાહની સુમેળમાં છે: “જે બહુ થોડામાં વિશ્વાસુ છે તે ઘણામાં પણ વિશ્વાસુ છે.” (લુક ૧૬:૧૦) શરૂઆતમાં જ વિચાર કરવાથી નિરાશ થવાનો દિવસ નહિ આવે.

તોપણ, જો કોઈ આપણને દગો દે તો શું? કદાચ તમને યાદ હશે કે ઈસુની ધરપકડ થઈ ત્યારે, યહુદા ઈસકારીઓતે તેમને દગો કર્યો. તેમ જ બીજા પ્રેષિતો પણ બીકના માર્યા ત્યાંથી ભાગી ગયા. અરે, પીતરે તો ત્રણ વાર ઈસુનો નકાર પણ કર્યો. પરંતુ ઈસુએ પારખ્યું કે ફક્ત યહુદાએ જ જાણી જોઈને દગો કર્યો હતો. તેથી ઈસુનો તેમના ૧૧ પ્રેષિતો પરનો ભરોસો નબળો પડી ગયો ન હતો. (માત્થી ૨૬:૪૫-૪૭, ૫૬, ૬૯-૭૫; ૨૮:૧૬-૨૦) એવી જ રીતે જો આપણને એમ લાગે કે કોઈએ આપણી સાથે દગો કર્યો છે તો શું? શું આપણે નિરાશ થઈને બેસી જઈશું? બિલકુલ નહિ, આપણે વિચારીશું કે તેણે જાણીજોઈને કર્યું છે કે પછી ભૂલથી કર્યું છે.

હું કેવો છું?

બીજાઓનો વિચાર કરતાં પહેલાં આપણે પોતે વિચારવું જોઈએ કે ‘હું કેવો છું? શું હું સચ્ચાઈથી જીવું છું? શું લોકો મારા પર ભરોસો મૂકી શકે, કે મારાથી દૂર ભાગે છે?’

ખરેખર, ભરોસા લાયક વ્યક્તિ હંમેશાં સાચું બોલે છે. (એફેસી ૪:૨૫) તે પોતાનો લાભ મેળવવા બીજાઓને મસકા નહિ મારે. તેમ જ તે, વચન આપીને ફરી જશે નહિ. (માત્થી ૫:૩૭) જો કોઈએ તેમને પોતાની ખાનગી વાત જણાવી હોય તો, તેની કૂથલી નહિ કરે અને જાહેરમાં વાતો પણ નહિ કરે. ભરોસા લાયક વ્યક્તિ પોતાના લગ્‍ન સાથીને પણ વફાદાર રહેશે. તેથી તે પોર્નોગ્રાફી નહિ જુએ, ગંદી ફિલ્મો નહિ જુએ અને સામેવાળી વ્યક્તિને ખરાબ નજરથી પણ નહિ જુએ. (માત્થી ૫:૨૭, ૨૮) ભરોસા લાયક વ્યક્તિ બીજાઓના પૈસામાં કાળું-ધોળું નહિ કરે. તેમ જ પોતાની મહેનતથી કુટુંબનું ભરણ પોષણ કરશે. (૧ તીમોથી ૫:૮) આવી કલમો પર વિચાર કરવાથી આપણે જાણી શકીએ છીએ કે કેવી વ્યક્તિઓ પર ભરોસો મૂકવો જોઈએ. પરંતુ એ પહેલાં આપણે પણ એ સલાહ પાળવી જોઈએ અને સચ્ચાઈથી વર્તવું જોઈએ. એમ કરવાથી બીજા લોકો આપણા પર ભરોસો રાખશે.

વિચાર કરો કે એક એવી દુનિયા હશે જ્યારે આપણે સર્વ લોકો પર ભરોસો મૂકી શકીશું. એ સમયે કોઈ પણ આપણને દગો નહિ કરે. શું આ કોઈ સ્વપ્નું છે? બિલકુલ નહિ! કેમ કે બાઇબલ કહે છે કે આવનાર “નવી પૃથ્વી” પર કોઈ જૂઠું નહિ બોલે, કોઈ કોઈને છેતરશે નહિ, દુઃખ નહિ હોય, બીમારીઓ નહિ હોય. અરે, મરણ પણ નહિ હોય! (૨ પીતર ૩:૧૩; ગીતશાસ્ત્ર ૩૭:૧૧, ૨૯; પ્રકટીકરણ ૨૧:૩-૫) શું તમને આવા ભવિષ્ય વિષે વધારે જાણવું છે? યહોવાહના સાક્ષીઓને તમને આ અને બીજા મહત્ત્વના વિષયો પર વધારે માહિતી આપવામાં ખૂબ ખુશી થશે.

[પાન ૪ પર ચિત્ર]

કોઈ પર ભરોસો ન રાખવાથી આપણી શાંતિ છીનવાઈ જાય છે

[પાન ૫ પર ચિત્ર]

આપણે યહોવાહ પર પૂરો ભરોસો રાખી શકીએ

[પાન ૭ પર ચિત્ર]

આપણે દરેકે એકબીજા પર ભરોસો મૂકવાની જરૂર છે