કાલ અને આજ—બાઇબલે તેના જીવનમાં ફેરફાર કર્યો
“તમે દેવની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે”
કાલ અને આજ—બાઇબલે તેના જીવનમાં ફેરફાર કર્યો
એદ્રીયન યુવાનીમાં બહુ ગુસ્સાવાળો હતો. તેને વાત વાતમાં ખોટું લાગતું અને તરત જ તપી ઊઠતો હતો. તેથી તે વારંવાર મારામારી પર ઊતરી આવતો. તે ખૂબ જ દારૂ અને સિગારેટ પીતો હતો. તેમ જ, તે મન ફાવે તેમ પાપી જીવન જીવતો હતો. તે કહે છે: “મેં કંઈક અલગ જ સ્ટાઈલમાં વાળ કપાવ્યા અને ગુંદર લગાવી, એને ઊભા કર્યાં. પછી મેં મારા વાળ જાતજાતના કલરથી રંગ્યા.” વળી, તેણે અધિકારીઓ પ્રત્યેની નફરત બતાવતા પોતાના શરીર પર છૂંદણું કર્યું હતું. એટલું જ નહિ, તે નથણી પણ પહેરતો હતો.
એદ્રીયન તેના જેવા જ અમુક દોસ્તારો જોડે એક ભાગેલા-તૂટેલા ઘરમાં રહેવા ગયો હતો. ત્યાં તેઓ દારૂ પીતા અને ડ્રગ્સ પણ લેતા. એદ્રીયન એ વિષે કહે છે: “હું અનેક પ્રકારના ડ્રગ્સ લેતો હતો. જો મને કોઈ પણ ડ્રગ્સ ન મળે તો હું લોકોની ગાડીમાંથી પેટ્રોલ કાઢીને પી જતો. એનાથી હું સપનોની દુનિયામાં ખોવાઈ જતો.” એદ્રીયન તો ગલીઓનો બાદશાહ બની ગયો હતો. લોકો તેનાથી દૂર ભાગતા હતા. તેના આવા વર્તનને લીધે બીજા રખડુ યુવાનો પણ તેની સાથે જોડાયા.
પરંતુ, ધીમે ધીમે એદ્રીયનને ખબર પડી કે તેના “મિત્રો” ફક્ત સ્વાર્થના જ સગા હતા. એટલે નારાજ થઈને તેણે તેઓની ભાઈબંધી છોડી દીધી. તેણે જોયું કે, ‘ગુસ્સાએ તેને જીવનમાં કોઈ જ સુખ ન આપ્યું.’ એક વખત તેને બાંધકામ થઈ રહ્યું હતું એવી જગ્યાએથી ચોકીબુરજ મૅગેઝિન મળ્યું. એમાં લખેલા બાઇબલના સંદેશાએ તેના મન પર ઘણી ઊંડી અસર કરી. તેથી, તેણે યહોવાહના સાક્ષીઓ જોડે બાઇબલ શીખવાનું શરૂ કર્યું. એનાથી એદ્રીયનને પ્રેરણા મળી કે, “તમે દેવની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે.” (યાકૂબ ૪:૮) ત્યારથી એદ્રીયન બાઇબલ પ્રમાણે પોતાના જીવનમાં મોટા મોટા ફેરફારો કરવા લાગ્યો.
જેમ જેમ તે બાઇબલ શીખતો ગયો તેમ તેમ તે પોતાના જીવનમાં ફેરફાર કરતો ગયો. એદ્રીયનને મદદ કરવામાં આવી, જેથી તે પોતાના ગુસ્સા પર કાબૂ રાખી શકે. બાઇબલની મદદથી એદ્રીયનનો સ્વભાવ એકદમ બદલાઈ ગયો.—હેબ્રી ૪:૧૨.
પરંતુ, બાઇબલ કઈ રીતે આવા ફેરફારો કરવા મદદ કરે છે? બાઇબલનું જ્ઞાન આપણને ‘નવો સ્વભાવ પહેરવા’ ઉત્તેજન આપે છે. (એફેસી ૪:૨૪, IBSI) ખરેખર, બાઇબલનું જ્ઞાન આપણા જીવનમાં ઉતારવાથી, ગમે તેવો સ્વભાવ પણ બદલી શકાય છે. પરંતુ, એ લોકોમાં કઈ રીતે ફેરફાર કરે છે?
સૌ પ્રથમ તો બાઇબલ બતાવે છે કે કેવા ખરાબ ગુણો કાઢી નાખવાની જરૂર છે. (નીતિવચનો ૬:૧૬-૧૯) બીજું કે, બાઇબલ એ પણ જણાવે છે કે કયા સારા ગુણો બતાવવા જોઈએ. જેમ કે, “પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ.” આવા ગુણો કેળવવા પરમેશ્વર તેમની પવિત્ર શ આપે છે.—ગલાતી ૫:૨૨, ૨૩.
એદ્રીયન બાઇબલમાંથી જે શીખ્યો એના પર મનન કર્યું. એનાથી તેને જાણવા મળ્યું કે, હજુ તેણે કયા ગુણો કેળવવા જોઈએ અને કયા ગુણો જડમૂળથી કાઢી નાખવા જોઈએ. (યાકૂબ ૧:૨૨-૨૫) જો કે, આ તો તેની માટે ફક્ત શરૂઆત જ હતી. તેને જ્ઞાનની સાથે સાથે એવી પ્રેરણાની પણ જરૂર હતી, જેનાથી તેનામાં જીવન બદલવાની ઇચ્છા જાગે.
એદ્રીયનને જાણવા મળ્યું કે આ ગુણો “ઉત્પન્ન કરનારની પ્રતિમા પ્રમાણે” કેળવવા જોઈએ. (કોલોસી ૩:૧૦) તેણે એક ખ્રિસ્તી તરીકે, પરમેશ્વર જેવા ગુણો કેળવવાની જરૂર હતી. (એફેસી ૫:૧) એદ્રીયનને બાઇબલમાંથી જાણવા મળ્યું કે યહોવાહ પોતાના લોકો સાથે કેવું વર્તન રાખે છે. તે શીખ્યો કે યહોવાહ પ્રેમ, નમ્રતા, ભલાઈ, દયા અને ન્યાય જેવા સુંદર ગુણોથી ભરપૂર છે. એનાથી એદ્રીયનને યહોવાહ માટે પ્રેમ જાગ્યો. એનાથી, તેને પૂરા તન-મનથી યહોવાહની સેવા કરવાની પ્રેરણા મળી.—માત્થી ૨૨:૩૭.
સમય જતા, યહોવાહની પવિત્ર શક્તિની મદદથી એદ્રીયને ગુસ્સા પર પૂરી જીત મેળવી. હવે તે પોતાની પત્ની સાથે બીજાઓને બાઇબલ વિષે શીખવી રહ્યા છે. જેનાથી એ લોકોનું જીવન પણ સુધરી જાય. એદ્રીયન કહે છે: “મારા ઘણા જૂના દોસ્તારો મરી ગયા છે. પરંતુ, હું મારા કુટુંબ સાથે સુખી જીવન જીવી રહ્યો છું.” ખરેખર, એદ્રીયનનો જીવતો જાગતો દાખલો બતાવે છે કે, બાઇબલ લોકોના જીવનમાં મોટા ફેરફારો લાવે છે.
[પાન ૨૫ પર બ્લર્બ]
“ગુસ્સાએ મને જીવનમાં કોઈ જ સુખ ન આપ્યું”
[પાન ૨૫ પર બોક્સ]
બાઇબલના સિદ્ધાંતો
નીચે અમુક બાઇબલ સિદ્ધાંતો આપ્યા છે જે ગુસ્સાવાળી વ્યક્તિને શાંત મનવાળી થવા મદદ કરે છે:
“જો બની શકે, તો ગમે તેમ કરીને સઘળાં માણસોની સાથે હળીમળીને ચાલો. ઓ વહાલાઓ, તમે સામું વૈર ન વાળો, પણ દેવના કોપને સારૂ માર્ગ મૂકો.” (રૂમીઓને ૧૨:૧૮, ૧૯) તેથી, આપણે યહોવાહને ન્યાય કરવા દઈએ. એનું કારણ દેવ માણસને બરાબર જાણે છે અને તે જે કંઈ કરશે તે ન્યાયથી કરશે.
“ગુસ્સે થાઓ, પણ પાપ ન કરો; તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો; અને શેતાનને સ્થાન ન આપો.” (એફેસી ૪:૨૬, ૨૭) ગુસ્સો કોને નથી આવતો! પરંતુ, આપણાં મન પર ગુસ્સાને રાજ ન કરવા દઈએ. જો કરવા દઈએ તો એ આપણને શેતાનના જેવા કામો કરવા તરફ દોરી જશે. આમ કરવાથી યહોવાહ આપણાથી નારાજ થઈ જશે.
“રોષને છોડ ને કોપનો ત્યાગ કર; તું ખીજવાઇશ મા, તેથી દુષ્કર્મ જ નીપજે છે.” (ગીતશાસ્ત્ર ૩૭:૮) જો આપણે ગુસ્સાને કાબૂમાં ન રાખીએ તો આપણે કંઈ ઊંધું-ચત્તું કરી બેસી શકીએ. તેમ જ, આપણે કંઈક એવું બોલીશું અથવા કરીશું, જેનાથી બીજાઓને દુઃખ પહોંચશે.