ગુના વગરની દુનિયા નજીક
ગુના વગરની દુનિયા નજીક
કલ્પના કરો કે આ દુનિયામાં કોઈ ગુનેગાર ન હોય! અરે, આ સ્થિતિમાં પોલીસની જરૂર ન હોય, કેદની જરૂર ન હોય. તેમ જ મદદ માટે કોર્ટ-કચેરીના ધક્કા પણ ખાવાની જરૂર ન પડે. આવી દુનિયામાં લોકો એકબીજાની કદર કરશે. આ સપનું નથી, કારણ કે બાઇબલ આપણને ગૅરન્ટી આપે છે કે આમ જ થશે. શું તમે વિચાર્યું છે કે દેવનો શબ્દ ગુના અને બીજી ખરાબ બાબતો વિષે શું કહે છે?
બાઇબલમાં ગીતશાસ્ત્ર નામનું પુસ્તક જણાવે છે, “ભૂંડું કરનારાઓને લીધે તું ખીજવાઈશ નહિ, અને અન્યાય કરનારાઓની ઈર્ષા કરીશ નહિ. કેમકે તેઓ તો જલદી ઘાસની પેઠે કપાઇ જશે, અને લીલી વનસ્પતિની માફક ચીમળાઈ જશે નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૧, ૨, ૧૧) ખરેખર જે દેવે કહ્યું તે થશે અને કોઈ એને બદલશે નહિ.
દેવ કેવી રીતે આપણા પર આ આશીર્વાદો વરસાવશે? તેમના રાજ્ય દ્વારા. ઈસુ ખ્રિસ્તે તેમના શિષ્યોને જણાવ્યું કે તેઓ પ્રાર્થનામાં વિનંતી કરે કે દેવનું રાજ્ય આવે અને “જેમ આકાશમાં તેમ પૃથ્વી પર” તેમની ઇચ્છા પૂરી થાય. (માત્થી ૬:૯, ૧૦) આ રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ ગુનો કરશે નહિ કારણ કે ગરીબી, જુલમ અને સ્વાર્થ જેવી બાબતો હશે જ નહિ. પરંતુ, દેવનો શબ્દ કહે છે કે, “દેશમાં પર્વતોનાં શિખરો પર પણ પુષ્કળ ધાન્ય પાકશે; તેનાં ફળ લબાનોનની પેઠે ઝૂલશે; અને નગરના રહેવાસીઓ ઘાસની પેઠે વધશે.” (ગીતશાસ્ત્ર ૭૨:૧૬) ખરેખર યહોવાહ દેવ સદા માટે બધાની ખૂબ જ કાળજી રાખશે. વધુમાં, આખી પૃથ્વીમાં ચારેબાજુ પ્રેમ જ પ્રેમ હશે. જેથી, આપણે દેવની અને આપણા પડોશીઓ સાથે એકતામાં રહીશું. ત્યારે આ દુનિયા ગુના વગરની હશે.