સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પૃથ્વી પર સુખી જીવન જરૂર આવશે

પૃથ્વી પર સુખી જીવન જરૂર આવશે

પૃથ્વી પર સુખી જીવન જરૂર આવશે

વર્ષોથી લાખો લોકો માને છે કે, પૃથ્વી પર જીવ્યા બાદ તેઓ સ્વર્ગમાં જશે. અમુક લોકો માને છે કે, આ પૃથ્વી પર માનવ કાયમ રહે એવી કોઈ આશા પરમેશ્વરે આપી નથી. અરે, સાધુ-સંતો તો કંઈક અલગ જ જણાવે છે. તેઓ માને છે કે ભગવાન સાથે એક થવામાં પૃથ્વી સૌથી મોટી નડતર છે. એટલે, તેઓ આ પૃથ્વી અને એની બધી ચીજ-વસ્તુઓનો ત્યાગ કરી દે છે.

આવા લોકો જાણતા ન હતા કે પૃથ્વી શા માટે બનાવવામાં આવી. અથવા તો તેઓને એની કંઈ પડી પણ ન હતી. પરંતુ, માણસોની માન્યતાઓ કરતાં બાઇબલ શું કહે છે, એને આપણે વધારે ધ્યાન ન આપવું જોઈએ? (રૂમીઓને પત્ર ૩:૪) હા ચોક્કસ, આપણે બાઇબલ પર પૂરો ભરોસો રાખવો જ જોઈએ કારણ કે એ ઈશ્વર પાસેથી છે. (૨ તીમોથી ૩:૧૬, ૧૭) પરંતુ, લોકો બાઇબલ પણ તપાસવા તૈયાર નથી. એનું કારણ કે શેતાન “આખા જગતને ભમાવે છે” અને તેણે લોકોના મન આંધળા કરી નાખ્યા છે.—પ્રકટીકરણ ૧૨:૯; ૨ કોરીંથી ૪:૪.

ગૂંચવણ કઈ રીતે ઊભી થઈ

આજે લોકો જુદી જુદી માન્યતાઓના ચક્રમાં એવા ફસાઈ ગયા છે કે, આ પૃથ્વી પરમેશ્વરે શા માટે બનાવી એ સમજતા નથી. ઘણા લોકો માને છે કે, આત્મા અમર છે જે વ્યક્તિના મર્યા પછી પણ જીવવાનું ચાલુ જ રાખે છે. જ્યારે કે, બીજાઓ માને છે કે માનવ શરીરને બનાવ્યા પહેલા જ આત્મા હતો. એક પુસ્તક જણાવે છે કે ગ્રીક ફિલસૂફ પ્લૅટોને લાગ્યું કે, આત્માએ “સ્વર્ગમાં કરેલાં પાપની શિક્ષા તરીકે તેને શરીરની અંદર કેદ કરવામાં આવ્યો.” એ જ રીતે, ત્રીજી સદીના ઓરીગને પણ કહ્યું કે, “શરીરની સાથે એક થયા પહેલા આત્માએ [સ્વર્ગમાં] પાપ કર્યું હતું.” તેથી “આત્માને સજા આપવા માટે [પૃથ્વી પર શરીરમાં] કેદ કરવામાં આવ્યો છે.” તેથી, લાખો લોકો માને છે કે સ્વર્ગ સુધી પહોંચવા, આ પૃથ્વી તો એક શિક્ષાની જગ્યા છે.

વળી, વ્યક્તિના મરણ પછી શું થાય છે, એના વિષે પણ લોકોના જુદા જુદા વિચારો છે. પશ્ચિમ ફિલસૂફીનો ઇતિહાસ (અંગ્રેજી) પુસ્તક ઇજિપ્તના લોકોની માન્યતા જણાવે છે: “મરણ પછી વ્યક્તિનો આત્મા પાતાળમાં ઊતરી જાય છે.” પરંતુ, પછી ફિલસૂફોનો વિચાર બદલાયો. તેઓએ કહ્યું કે મરણ પછી વ્યક્તિનો આત્મા પાતાળમાં નથી ઊતરી જતો, પણ સ્વર્ગમાં ચઢી જાય છે. ગ્રીક ફિલસૂફ સૉક્રેટિસ પ્રમાણે, મર્યા પછી આત્મા “કોઈક અદ્રશ્ય જગ્યાએ જાય છે . . . જ્યાં તે દેવો સાથે જીવે છે.”

બાઇબલ શું કહે છે?

બાઇબલમાં કોઈ પણ જગ્યાએ લખ્યું નથી કે માનવીઓમાં આત્મા છે. દાખલા તરીકે, ઉત્પત્તિ ૨:૭ તમે જાતે વાંચો: “યહોવાહ દેવે ભૂમિની માટીનું માણસ બનાવ્યું, ને તેનાં નસકોરાંમાં જીવનનો શ્વાસ ફૂંક્યો; અને માણસ સજીવ પ્રાણી થયું.” અહીં એકદમ ચોખ્ખે-ચોખ્ખું બતાવ્યું છે કે પરમેશ્વરે આદમને બનાવ્યો ત્યારે, તેનામાં આત્મા મૂક્યો ન હતો.

યહોવાહે પૃથ્વી અને મનુષ્યોને બનાવ્યા. પરંતુ, યહોવાહે મનુષ્યોને મરવા નહિ, પણ આ સુંદર પૃથ્વી પર સુખી જીવન જીવવા બનાવ્યા હતા. પણ આદમે યહોવાહનો નિયમ તોડીને પાપ કર્યું. એટલા માટે તે મરણ પામ્યો. (ઉત્પત્તિ ૨:૮, ૧૫-૧૭; ૩:૧-૬; યશાયાહ ૪૫:૧૮) આદમ મરણ પામ્યો ત્યારે શું તેનામાંથી આત્મા જેવું કંઈક સ્વર્ગમાં ગયું? ના. બાઇબલ જણાવે છે કે આદમને ધૂળમાંથી બનાવ્યો હતો અને પાછો ધૂળમાં મળી ગયો.—ઉત્પત્તિ ૩:૧૭-૧૯.

આદમે પાપ કર્યું અને તેના વંશજ હોવાથી, આપણે પણ પાપી છીએ અને મરણ પામીએ છીએ. (રૂમીઓને પત્ર ૫:૧૨) જેમ આદમના મરણ પછી કશું જ બચ્યું નહિ, તેમ આપણા મરણ પછી પણ કશું જ બચતું નથી. (ગીતશાસ્ત્ર ૧૪૬:૩, ૪) વળી, બાઇબલમાં કોઈ પણ જગ્યાએ લખ્યું નથી કે આત્મા જેવું કંઈક છે જે મર્યા પછી ભટકે છે. એના બદલે, તે જણાવે છે કે જ્યારે વ્યક્તિ મરણ પામે છે ત્યારે તેના જીવનનો અંત આવે છે.—સભાશિક્ષક ૯:૫, ૧૦.

શું પૃથ્વી અને માનવ જીવન નકામા છે?

તો પછી, સવાલ થાય કે શું આ પૃથ્વી અને માનવ જીવન નકામા છે? ઈસવી સન ત્રીજી સદીમાં ઈરાનનો મેની નામનો માણસ આવું જ માનતો હતો. તેની માન્યતા પછીથી મેનાકેઈઝમ તરીકે જાણીતી થઈ. એ વિષે ધ ન્યૂ એન્સાયક્લોપેડિયા બ્રિટાનીકા કહે છે: “આ માન્યતા પ્રમાણે માનવ જીવન તો દુઃખોથી ભરેલું ચક્ર છે.” મેની પણ માનતો હતો કે પૃથ્વી પરનું માનવ જીવન દુષ્ટ અને પાપી છે. તેથી, તેણે જણાવ્યું કે આમાંથી છૂટવાનો ફક્ત એક જ રસ્તો છે, કે આત્મા શરીર છોડીને અને પૃથ્વી છોડીને સ્વર્ગમાં જાય.

પરંતુ, બાઇબલ જણાવે છે કે યહોવાહે પૃથ્વી અને માનવીઓ, “જે સર્વ ઉત્પન્‍ન કર્યું” તે સૌથી સારું હતું. (ઉત્પત્તિ ૧:૩૧) આદમ અને હવાએ પોતાનું જીવન એક સુંદર બગીચા જેવી પૃથ્વી પર શરૂ કર્યું. બાઇબલ કહે છે: “યહોવાહ દેવે પૂર્વ તરફ એદનમાં એક વાડી બનાવી; અને તેમાં પોતાના બનાવેલા માણસને રાખ્યું.” (ઉત્પત્તિ ૨:૮) આ જ બગીચા જેવી પૃથ્વી પર હવાને પણ બનાવવામાં આવી. આદમ અને હવાએ પોતાના બાળકો સાથે આખી પૃથ્વીને બગીચા જેવી સુંદર બનાવવાની હતી.—ઉત્પત્તિ ૨:૨૧; ૩:૨૩, ૨૪.

એ સમયે યહોવાહ અને માનવીઓ વચ્ચે ખૂબ જ સારો સંબંધ હતો. જેમ ઈસુ યહોવાહને પિતા માનતા હતા એમ જ આદમ અને હવા પણ પરમેશ્વરને માનતા હતા. (માત્થી ૩:૧૭) જો આદમ અને હવાએ પાપ ન કર્યું હોત તો, યહોવાહ સાથે તેઓનો સંબંધ એવો જ ગાઢ હોત. આ પૃથ્વી હા, આપણી આ પૃથ્વી સુંદર બગીચા જેવી સદાને માટે આપણું ઘર બની હોત.

શા માટે અમુક સ્વર્ગમાં જાય છે?

પરંતુ, તમે કહેશો કે “બાઇબલ જણાવે છે કે અમુક જણ સ્વર્ગમાં જશે.” હા, એ ખરું છે. તે બતાવે છે કે મનુષ્યોમાંથી ફક્ત ૧,૪૪,૦૦૦ સ્વર્ગમાં જશે. (પ્રકટીકરણ ૧૪:૧-૫) આદમે પાપ કર્યું ત્યાર પછી, યહોવાહે એક રાજ્યની શરૂઆત કરી. જેમાં ઈસુ ખ્રિસ્ત રાજા છે. તેમની સાથે ૧,૪૪,૦૦૦ મનુષ્યો સ્વર્ગમાંથી ‘પૃથ્વી પર રાજ કરશે.’ તેઓની શરૂઆત ઈસુના શિષ્યોથી થઈ. (પ્રકટીકરણ ૫:૧૦; રૂમીઓને પત્ર ૮:૧૭; લુક ૧૨:૩૨) એ માટે મરણ પછી તરત જ, તેઓને સ્વર્ગમાં અમર જીવન મળે છે.—૧ કોરીંથી ૧૫:૪૨-૪૪.

જો કે યહોવાહનો મૂળ હેતુ મનુષ્યો સ્વર્ગમાં રહે એવો ન હતો. ઈસુએ કહ્યું: “આકાશમાંથી ઊતરેલો માણસનો દીકરો જે આકાશમાં છે તે વિના આકાશમાં કોઈ નથી ચઢ્યું.” (યોહાન ૩:૧૩) આ ‘માણસના દીકરા,’ ઈસુ ખ્રિસ્ત શા માટે પૃથ્વી પર આવ્યા? યહોવાહે આપણને પાપમાંથી બચાવવા માટે તેમને મોકલ્યા. જેથી જે કોઈ ઈસુમાં વિશ્વાસ મૂકે તેને સદા માટેનું જીવન મળે. (રૂમીઓને પત્ર ૫:૮) પરંતુ, એ જીવન સ્વર્ગમાં ન હોય તો ક્યાં હશે?

યહોવાહનો મૂળ હેતુ પૂરો થશે જ

એ સાચું છે કે યહોવાહ અમુક મનુષ્યોને સ્વર્ગમાં લઈ જશે. પરંતુ, એનો અર્થ એમ નથી કે બધા જ સ્વર્ગમાં જશે. બાકીના લોકો આ જ પૃથ્વી પર સુખ-ચેનથી રહેશે. યહોવાહની એ જ ઇચ્છા છે. ખરેખર આ પૃથ્વી આપણું ઘર છે.—માત્થી ૬:૯, ૧૦.

ઈસુ ખ્રિસ્ત અને ૧,૪૪,૦૦૦ પૃથ્વી પર રાજ કરશે ત્યારે, ફક્ત શાંતિ જ શાંતિ હશે. (ગીતશાસ્ત્ર ૩૭:૯-૧૧) યહોવાહના મરણ પામેલા સેવકોને, તે ચોક્કસ સજીવન કરશે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫) આદમ અને હવાએ જે જીવન ગુમાવ્યું, એ યહોવાહ આપણને પાછું આપશે.—પ્રકટીકરણ ૨૧:૩, ૪.

યહોવાહ જે ઇચ્છે છે એ ચોક્કસ પૂરું કરે છે. તેથી, યશાયાહે કહ્યું: “જેમ વરસાદ તથા હિમ આકાશથી પડે છે, અને ભૂમિને સિંચ્યા વિના, ને તેને સફળ તથા ફળદ્રુપ કર્યા વિના તથા વાવનારને અનાજ તથા ખાનારને અન્‍ન આપ્યા વિના ત્યાં પાછાં ફરતાં નથી; તે પ્રમાણે મારૂં વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે સફળ થશે; મેં જે ચાહ્યું છે તે કર્યા વિના, ને જે હેતુથી મેં તેને મોકલ્યું હતું તેમાં સફળ થયા વિના, તે ફોકટ મારી પાસે પાછું વળશે નહિ.”—યશાયાહ ૫૫:૧૦, ૧૧.

વળી, નવી દુનિયાની ઝલક આપતા યશાયાહે લખ્યું કે કોઈ કહેશે નહિ કે, “હું માંદો છું.” (યશાયાહ ૩૩:૨૪) અરે, જંગલી પ્રાણીઓનો પણ ડર નહિ લાગે. (યશાયાહ ૧૧:૬-૯) આપણે પોતે સરસ-મજાનું ઘર બાંધીને, એમાં રહીશું અને ખેતીમાં પોતાના હાથનું ફળ ખાઈશું. (યશાયાહ ૬૫:૨૧-૨૫) વળી, યહોવાહ ‘કાયમ માટે મૃત્યુને મિટાવી દેશે. તે એકેએકનાં આંસુ લૂછી નાખશે.’—યશાયાહ ૨૫:૮, સંપૂર્ણ બાઇબલ.

જે કોઈ યહોવાહના માર્ગમાં ચાલે, તેઓ ભરપૂર આશીર્વાદ પામશે. તેઓ “ઈશ્વરનાં સંતાનોની સાથે પાપમાંથી મળતી મુક્તિનો અદ્‍ભુત આનંદ માણશે.” (રૂમીઓને પત્ર ૮:૨૧, IBSI) ખરેખર, એવી સુંદર પૃથ્વી પર સદાને માટે રહેવાનું કોને નહિ ગમે? (લુક ૨૩:૪૩) શું તમને આ જીવન ગમશે? ચાલો આપણે બાઇબલમાંથી યહોવાહ અને ઈસુનું જ્ઞાન લઈએ, અને તેઓમાં પૂરો ભરોસો મૂકીએ. જો આપણે એમ કરીએ, તો આ જ પૃથ્વી પર આપણે સર્વ સુખેથી જીવીશું.

[પાન ૫ પર ચિત્ર]

આદમ અને હવાને સુંદર પૃથ્વી પર સદાને માટે જીવન આપ્યું હતું

[પાન ૭ પર ચિત્ર]

નવી દુનિયામાં. . .

તેઓ પોતે ઘરો બાંધશે

તેઓ દ્રાક્ષવાડીઓ રોપશે

યહોવાહ તેઓને ભરપૂર આશીર્વાદ આપશે

[પાન ૪ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

U.S. Fish & Wildlife Service, Washington, D.C./NASA