બાઇબલ આપણા જીવનને અસર કરે છે
બાઇબલ આપણા જીવનને અસર કરે છે
“ઈશ્વરની વાણી જીવતી જાગતી છે.” (હિબ્રૂઓ ૪:૧૨, સંપૂર્ણ બાઇબલ) એની સાબિતી યહોવાહના સાક્ષીઓનું ૨૦૦૩નું કૅલેન્ડર (અંગ્રેજી) આપે છે. એમાં જુદી જુદી છ વ્યક્તિઓના અનુભવો છે, જે “કાલ અને આજ” વિષય નીચે છે. યહોવાહના સાક્ષીઓ આજે બાઇબલ વિષે લોકોને શીખવી રહ્યા છે. બાઇબલના શિક્ષણથી ઘણા લોકોએ પોતાના પાપી જીવનમાં ફેરફારો કર્યા છે. ઘણા મન ફાવે તેમ જીવતા હતા પણ હવે સુખી જીવનનો માર્ગ લીધો છે. ઘણાં કુટુંબો એક ગાંઠ બન્યાં છે. આમ આ બધાએ યહોવાહ સાથે મિત્રતા બાંધી છે.
આ કૅલેન્ડરના અનુભવોની ઘણાએ કદર કરીને પત્રો લખ્યા છે. એમાંના અમુક નીચે આપ્યા છે:
“આ કૅલેન્ડર જોઈને આપણા ઘણા ભાઈબહેનોને થશે કે, ‘હું એકલો જ નથી. મારા જેવા બીજા પણ છે જેઓએ જીવનમાં મોટા મોટા ફેરફારો કર્યા છે.’ આ કૅલેન્ડરના ચિત્રો તેઓના મનમાં જાણે છપાઈ જશે.”—સ્ટીવન, યૂનાઇટેડ સ્ટેટ્સ.
“મારે તમને લખવું જ પડ્યું કારણ કે આ કૅલેન્ડરથી હું રાજીના રેડ થઈ ગયો. હું એને મારી બૅગમાં જ રાખીશ. પ્રચારમાં હું લોકોને બતાવવા ચાહું છું કે બાઇબલ ખરેખર લોકોના જીવન પર કેવી અસર કરે છે.”—માર્ક, બેલ્જિયમ.
“આ કૅલેન્ડર જોઈને મારું હૈયું ભરાઈ આવ્યું. સાચે જ યહોવાહ કેવી કેવી રીતે લોકોને મદદ કરી રહ્યા છે! મેં જોયું કે મારા ભાઈબહેનોએ કેવા કેવા ફેરફારો કર્યાં છે. તેથી, મારે પણ જીવનમાં ફેરફારો કરવાનું ચાલું જ રાખવું છે. હવે મને લાગે છે કે જાણે આપણે બધા એક કુટુંબના જ છીએ.”—મેરી, યૂનાઇટેડ સ્ટેટ્સ.
“ઈસુના દિલમાં દયાનો સાગર વહેતો હતો. જેઓને યહોવાહ વિષે વધારે જાણવાની ભૂખ હતી, તેઓને ઈસુએ તરત જ મદદ કરી. આ કૅલેન્ડરમાં અનુભવો આપીને તમે ઈસુની જેમ ઉત્તેજન આપ્યું છે. આ કૅલેન્ડર જોઈને, મારી આંખમાંથી ડબ ડબ આંસુ સરી પડ્યા.”—કસાન્દ્રા, યૂનાઇટેડ સ્ટેટ્સ.
“મેં પહેલી સિગારેટ પીધી ત્યારે હું માંડ ૧૧ વર્ષની હતી. ધીરે ધીરે હું ડ્રગ્સ પણ લેવા લાગી. ઘણી વખત મને મરી જવાનું મન થતું. પરંતુ, કેવું સારું કે હું યહોવાહ વિષે શીખીને એ જાળમાંથી છૂટી. આ કૅલેન્ડરથી મને મારો અનુભવ યાદ આવી ગયો. મને ખૂબ જ ઉત્તેજન મળ્યું કે આ લડાઈમાં હું એકલી જ નથી. હવે તો તન-મનથી યહોવાહની સેવા કરવી એ જ મારું જીવન છે.”—માર્ગરેટ, પોલૅન્ડ.
“આ કૅલેન્ડરના અનુભવોથી મારો વિશ્વાસ પહાડ જેવો થયો છે. એ વાંચીને હું મારા આંસુ રોકી ન શકી. ખરેખર, બાઇબલમાં એવી શક્તિ છે જે લોકોના જીવન બદલી શકે છે!”—ડાર્લીન, યૂનાઇટેડ સ્ટેટ્સ.
“આ અનુભવો મને મારા પોતાના જીવનની યાદ અપાવે છે. હું પણ તેઓની જેમ એવી જાળમાં ફસાઈ ગયો હતો જેમાંથી યહોવાહે મને છોડાવ્યો. ખરેખર મારા દિલને ઘણી જ શાંતિ મળી છે.”—વિલિયમ, યૂનાઇટેડ સ્ટેટ્સ.