સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહનાં વચન સારી રીતે સમજાવો

યહોવાહનાં વચન સારી રીતે સમજાવો

યહોવાહનાં વચન સારી રીતે સમજાવો

“જેને શરમાવાનું કંઈ કારણ ન હોય એવી રીતે કામ કરનાર સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર, અને દેવને પસંદ પડે એવો સેવક થવાને પ્રયત્ન કર.”—૨ તીમોથી ૨:૧૫.

૧, ૨. (ક) એક મિસ્ત્રી પાસે શા માટે યોગ્ય સાધનો હોવા જોઈએ? (ખ) આપણને કયું ખાસ કામ મળ્યું છે? આપણે કઈ રીતે રાજ્યને પહેલા શોધી શકીએ?

 એક મિસ્ત્રીએ ડાઈનીંગ ટેબલ અને ખુરશીઓ બનાવવાના છે. તેને યોગ્ય સાધનો, એટલે કે કરવત, હથોડી, નાની-મોટી ખીલી વગેરેની જરૂર પડશે. પરંતુ, શું ફક્ત યોગ્ય સાધનો જ પૂરતા છે? ના, ભલે જરૂરી સાધનો હોય, પણ તમે ગમે તેને ટેબલ-ખુરશી બનાવવા આપી દેશો નહિ. એ કામ તો અનુભવી મિસ્ત્રી જ કરી શકે. ખરેખર, આપણે કોઈ પણ કામ કરવા યોગ્ય સાધનો અને એને વાપરવાનો અનુભવ બંને જરૂરી છે.

યહોવાહ પરમેશ્વરે આપણને પણ ખાસ કામ આપ્યું છે. ઈસુ ખ્રિસ્તે એ વિષે કહ્યું કે, ‘રાજ્યને પહેલા શોધો.’ (માત્થી ૬:૩૩) તમે એ કઈ રીતે કરશો? હું એ કઈ રીતે કરીશ? એક તો એ કે આપણે યહોવાહના રાજ્ય વિષે લોકોને હોંશે હોંશે જણાવીએ, જેથી તેઓ તેમના ભક્તો બને. બીજું એ કે આપણા સંદેશાના મૂળ બાઇબલમાં જ હોય. વળી, ત્રીજી રીત એ છે કે આપણો સ્વભાવ અને વર્તન સારા રાખીએ. (માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦; પ્રેરિતોનાં કૃત્યો ૮:૨૫; ૧ પીતર ૨:૧૨) એ માટે, યોગ્ય સાધનો જરૂરી છે. તેમ જ, એને વાપરવાનું જ્ઞાન પણ જરૂરી છે. પ્રેષિત પાઊલના અનુભવો આ વિષે ઘણું જ શીખવે છે. આ કામમાં તે ઍક્સપર્ટ હતા અને તેમણે આપણને એવા જ બનવાનું ઉત્તેજન આપ્યું છે. (૧ કોરીંથી ૧૧:૧; ૧૫:૧૦) તેથી, આવો આપણે સાથે પાઊલના અનુભવોમાંથી શીખીએ.

રાજ્ય માટે પાઊલની હોંશ

૩. પાઊલને પ્રચાર કામ માટે કેમ એટલી બધી હોંશ હતી?

પાઊલ કેવા હતા? તે બહુ જ હોંશીલા હતા. તે ઘણાં શહેરોમાં યહોવાહના રાજ્યનો પ્રચાર કરતા થાક્યા નહિ. પાઊલનો ઉત્સાહ રાત-દિવસ કેમ વધતો જ જતો હતો? તે પોતે જણાવે છે: “જો હું સુવાર્તા પ્રગટ કરૂં, તો તેમાં મારે અભિમાન રાખવાનું કંઈ કારણ નથી, કેમકે એમ કરવું મારી ફરજ છે; અને જો હું સુવાર્તા પ્રગટ ન કરૂં, તો મને અફસોસ છે.” (૧ કોરીંથી ૯:૧૬) ખરેખર, તે બહુ જ ભલા માણસ હતા. તે પોતાનો જીવ જોખમમાં નાખીને પણ, યહોવાહનો સંદેશો જણાવવા તૈયાર હતા. શા માટે? તે લખે છે કે, ‘હું બધાની સાથે બધાંના જેવો બનું છું. જેથી, ગમે તે રીતે કેટલાકને બચાવી શકું.’—૧ કોરીંથી ૯:૨૨, પ્રેમસંદેશ.

૪. આજે આપણી પાસે કયું મુખ્ય સાધન છે?

પ્રેષિત પાઊલને પોતાની આવડતનું જરાય અભિમાન ન હતું. હથોડી કે કરવત વગર અનુભવી મિસ્ત્રીનું કામ અટકી પડે છે. એ જ રીતે, પાઊલને ખબર હતી કે યોગ્ય સાધનો તો જોઈએ જ. એના વગર પોતે કંઈ ન કરી શકે. એનાથી, યહોવાહનાં વચનો લોકોના મનમાં જ નહિ, પણ નસેનસમાં દોડવા માંડે. પાઊલનું મુખ્ય સાધન કયું હતું? પવિત્ર શાસ્ત્ર! આજે, આપણી પાસેય પવિત્ર શાસ્ત્ર બાઇબલ છે, જે આપણું મુખ્ય સાધન છે.

૫. શાસ્ત્રમાંથી વાંચવાની સાથે સાથે શું કરવાની જરૂર છે?

પાઊલ સારી રીતે જાણતા હતા કે પવિત્ર શાસ્ત્રમાંથી વાંચી જવું જ પૂરતું ન હતું. તેમણે એની ચર્ચા કરીને ‘સમજણ’ પણ આપી. (પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૨૩) કઈ રીતે? પાઊલ એફેસસમાં હતા ત્યારે, ત્રણ મહિના સુધી સભાસ્થાનમાં ગયા. ત્યાં જઈને તેમણે લોકોની સાથે “ચર્ચા કરી અને ઈશ્વરના રાજ સંબંધી ખાતરી પમાડવા” સમજણ આપી. ‘તેમાંના કેટલાક જડ હતા અને વિશ્વાસ ન કર્યો,’ પણ કેટલાકે સાંભળ્યું. આમ, પાઊલની ધગશને લીધે એફેસસમાં “પ્રભુના વચનનો પ્રચાર અને પરાક્રમ વધતાં ગયાં.”—પ્રેષિતોનાં કાર્યો ૧૯:૮, ૯, ૨૦, પ્રેમસંદેશ.

૬, ૭. પાઊલે કઈ રીતે સેવાકાર્યને મહત્ત્વનું ગણ્યું? આપણે પણ કઈ રીતે એમ જ કરી શકીએ?

પાઊલે કહ્યું કે “હું મારૂં સેવાકાર્ય મહત્ત્વનું માનું છું.” (રૂમીઓને પત્ર ૧૧:૧૩) તેમને યહોવાહના સેવક હોવાનો ગર્વ હતો. પણ એનો અર્થ એવો ન હતો કે તે પોતાની વાહ વાહ કરવા ચાહતા હતા. ના, પાઊલ તો પોતાના કામને ખુદ યહોવાહ પાસેથી આવેલું માનતા હતા. જેમ એક મિસ્ત્રી સાધનોનો સારો ઉપયોગ કરે છે, તેમ પાઊલે શાસ્ત્રથી લોકોના દિલને સુંદર ઘાટ આપ્યો. પાઊલ પાસેથી બીજા પણ સારી રીતે પ્રચાર કામ કરવાનું શીખ્યા. આ રીતે પણ પાઊલનું સેવાકાર્ય સફળ થયું.

આપણે પણ પાઊલ જેવા બનવા માંગીએ છીએ, ખરું ને? આપણે ગમે એ રીતે પ્રચાર કામ કરતા હોય, પણ બને એટલા લોકોને શાસ્ત્રના મધ જેવાં મીઠાં વચનો ચખાડીએ. ચાલો એમ કરવા માટેની ત્રણ જુદી જુદી રીતો જોઈએ: (૧) એ રીતે સમજાવો કે લોકોને બાઇબલ ગમી જાય. (૨) જે વાત કરો એ બાઇબલમાંથી સમજાવો. (૩) વ્યક્તિના ગળે વાત ઉતરે એ રીતે સમજાવો.

૮. આજે આપણી પાસે કયાં કયાં સાધનો છે અને તમે એનો કઈ રીતે ઉપયોગ કર્યો છે?

આજે આપણી પાસે જે સાધનો છે, એ પાઊલ પાસે ન હતાં. આપણી પાસે પુસ્તકો, મૅગેઝિનો, પત્રિકાઓ, ઑડિયો અને વીડિયો કૅસેટો છે. ગઈ સદીની શરૂઆતમાં, સંદેશો લખેલા કાર્ડ, તાવડી-વાજું એટલે કે ગ્રામોફોન જેમાં સંદેશાવાળી રેકર્ડ વગાડતા, માઈક લગાડેલી કાર કે જીપ અને રેડિયો દ્વારા પણ લોકોને સંદેશો આપવામાં આવતો. પરંતુ, આપણું મુખ્ય સાધન તો બાઇબલ છે. તેથી, આપણે એનો ભરપૂર ઉપયોગ કરીએ.

પ્રચારમાં બાઇબલ વાપરો

૯, ૧૦. પાઊલે તીમોથીને જે સલાહ આપી, એમાંથી આપણે શું શીખીએ છીએ?

બાઇબલ સારી રીતે વાપરવા, આપણે શું કરીએ? નોંધ કરો કે પાઊલે તીમોથીને શું સલાહ આપી: “જેને શરમાવાનું કંઈ કારણ ન હોય એવી રીતે કામ કરનાર સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર, અને દેવને પસંદ પડે એવો સેવક થવાને પ્રયત્ન કર.” (૨ તીમોથી ૨:૧૫) ‘સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવવાનો’ અર્થ શું થાય?

૧૦ મૂળ ગ્રીક ભાષામાં એનો અર્થ થાય કે ‘સીધેસીધું કાપવું’ અથવા ‘એક જ દિશામાં સીધા રસ્તે જવું.’ પાઊલે તીમોથીને જે કહ્યું એમાં આ શબ્દો વપરાયા છે. ખેતરમાં હળથી જમીન ખેડતી વખતે, સીધા ચાસ કે લાઈન પાડવા એ જ શબ્દો વાપરી શકાય. પરંતુ, જો હળ આમ-તેમ જાય તો વાંકા-ચૂંકા ચાસ પડવાથી અનુભવી ખેડૂતને શરમાવું પડે. ‘જેને શરમાવાનું કંઈ કારણ ન હોય એવી રીતે કામ કરવા,’ તીમોથીએ શાસ્ત્રને જ વળગી રહેવાનું હતું. તેમણે એમ માની લેવાનું ન હતું કે ‘મને તો આમ બરાબર લાગે છે.’ આ રીતે, નેક દિલના લોકોએ મીઠી મીઠી ફિલસૂફીઓ નહિ, પણ યહોવાહનું શિક્ષણ મનમાં ઉતાર્યું. (કોલોસી ૨:૪, ૮; ૨ તીમોથી ૪:૨-૪) આજે આપણે પણ એમ જ કરવાનું છે.

આપણી વાણી અને વર્તન

૧૧, ૧૨. શાસ્ત્ર શીખવતી વખતે આપણી વાણી અને વર્તનની બીજા પર કેવી અસર પડી શકે?

૧૧ આપણે પ્રચારમાં શાસ્ત્રનો સારી રીતે ઉપયોગ કરીએ, એટલું જ બસ નથી. આપણે તો “દેવના સેવક હોઈને સાથે કામ કરનારા છીએ.” (૧ કોરીંથી ૩:૯) તેથી, આપણે એક બાજુ સાધુ અને બીજી બાજુ શેતાન બનીને, ઢોંગ ન કરીએ. બાઇબલ જણાવે છે: “હે બીજાને શિખવનાર, શું તું પોતાને શિખવતો નથી? ચોરી ન કરવી, એવો બોધ કરનાર, શું તું પોતે ચોરી કરે છે? વ્યભિચાર ન કરવો એવું કહેનાર, શું તું પોતે વ્યભિચાર કરે છે? મૂર્તિઓથી કંટાળનાર, શું તું દેવળોને [મંદિરોને] લૂંટે છે?” (રૂમીઓને પત્ર ૨:૨૧, ૨૨) તો પછી, યહોવાહનાં વચનો સારી રીતે સમજાવવા આપણે શું કરવું જોઈએ? આપણે આ સલાહ નસેનસમાં ઉતારીએ: “તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેની આણ [સલાહ] સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા [સીધા] કરશે.”—નીતિવચનો ૩:૫, ૬.

૧૨ આપણે સરસ રીતે બાઇબલ સમજાવીએ તો, લોકોના દિલ પર એની શું અસર થશે? ચાલો આપણે અમુક દાખલા જોઈએ.

શાસ્ત્રની લોકો પર થતી અસર

૧૩. યહોવાહનાં વચનોની લોકો પર શું અસર પડી શકે છે?

૧૩ યહોવાહનાં વચનો લોકો પર ઊંડી અસર કરી શકે છે. દાનવ કે શેતાન જેવા લોકો નેક દિલના માનવ બન્યા છે. પાઊલે પોતાની નજરે જોયું કે થેસ્સાલોનીકીમાં લોકો કેવા કેવા ફેરફારો કરીને યહોવાહના સેવકો બન્યા હતા. તેથી, તેઓને પાઊલે જણાવ્યું: “તમે જ્યારે અમારી પાસેથી સંદેશાનું વચન, એટલે દેવનું વચન, સાંભળીને સ્વીકાર્યું, ત્યારે તેને માણસોના વચન જેવું નહિ, પણ જેમ તે ખરેખર દેવનું વચન છે તેમ તમે તેને સ્વીકાર્યું; એ કારણ માટે અમે દેવની ઉપકારસ્તુતિ નિરંતર કરીએ છીએ; તેજ વચન તમ વિશ્વાસીઓમાં પ્રેરણા પણ કરે છે.” (૧ થેસ્સાલોનીકી ૨:૧૩) ખરેખર, યહોવાહના સેવકો આ સનાતન સત્ય જાણે છે: જેમ આકાશ પૃથ્વીથી ઊંચું છે, તેમ યહોવાહના વિચારો આપણા વિચારો કરતાં ઊંચા છે. (યશાયાહ ૫૫:૯) થેસ્સાલોનીકીના ભાઈ-બહેનોએ ‘ઘણી વિપત્તિઓ વેઠીને પવિત્ર આત્માના આનંદ સહિત પ્રભુની વાત સ્વીકારી.’ તેઓએ આપણા માટે સારો દાખલો બેસાડ્યો.—૧ થેસ્સાલોનીકી ૧:૫-૭.

૧૪, ૧૫. યહોવાહે આપેલા શાસ્ત્રમાં કેટલો પાવર છે અને શા માટે?

૧૪ યહોવાહ પાસેથી મળેલું પવિત્ર શાસ્ત્ર તેમના જેવું જ શક્તિશાળી છે. એ શાસ્ત્ર ‘જીવતા દેવ’ યહોવાહ પાસેથી આવ્યું છે. યહોવાહના કહેવાથી જ ‘આકાશો ઉત્પન્‍ન થયા’ અને તેમના વચનો ‘જે હેતુથી મોકલ્યાં છે તેમાં સફળ થશે જ.’ (હેબ્રી ૩:૧૨; ગીતશાસ્ત્ર ૩૩:૬; યશાયાહ ૫૫:૧૧) બાઇબલના એક સ્કૉલરનું કહેવું છે કે, ‘ઈશ્વર માટે તો પ્રાણ જાય પણ વચન ન જાય. તે વચન આપીને ફરી જતા નથી. જેમ તે જીવતા-જાગતા પરમેશ્વર છે, તેમ તેમનાં વચનો પણ છે.’

૧૫ યહોવાહે આપેલા શાસ્ત્રમાં કેટલો પાવર છે? પ્રેષિત પાઊલે લખ્યું: “દેવનો શબ્દ જીવંત, સમર્થ તથા બેધારી તરવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે, તે જીવ તથા આત્માને અને સાંધા તથા મજ્જાને જુદાં પાડે એટલે સુધી વીંધનારો છે, અને હૃદયના વિચારોને તથા ભાવનાઓને પારખનાર છે.”—હેબ્રી ૪:૧૨.

૧૬. બાઇબલ વ્યક્તિને કેટલી હદે બદલી શકે છે?

૧૬ બાઇબલનો સંદેશો ‘બેધારી તરવાર કરતાં’ વધારે તેજ છે. તેથી એ બીજા કશા કરતાં પણ પાવરફુલ છે. એ વ્યક્તિની નસેનસ પારખીને તેનામાં મોટા મોટા ફેરફારો કરી શકે છે. બાઇબલ વ્યક્તિનો આખો સ્વભાવ બદલીને, તેને યહોવાહનો સેવક બનાવી શકે છે!

૧૭. બાઇબલ વ્યક્તિમાં કેવા ફેરફારો લાવી શકે છે?

૧૭ જેમ હાથીના દાંત બતાવવાના ને ચાવવાના જુદા હોય છે, એમ કોઈ વ્યક્તિ દેખાડો કરતી હોય શકે. છતાંય પવિત્ર શાસ્ત્ર તેના મન અને દિલના વિચારો પારખી લે છે. (૧ શમૂએલ ૧૬:૭) કોઈ કદાચ ઠગભગત હોય પણ સંન્યાસી હોવાનો ઢોંગ કરતો હોય શકે. કોઈ પોતાનાં કાળાં કામ સંતાડવા મોટું દાન કરતો હોય. કે પછી કોઈ ઘમંડી હોય પણ લોકોની વાહ વાહ મેળવવા સેવક હોવાનો દેખાડો કરતો હોય શકે. પરંતુ, જેમ ઊંડા કૂવામાંથી પાણી બહાર કાઢીએ, એમ યહોવાહનાં વચનો વ્યક્તિના દિલની વાત બહાર કાઢે છે. વળી એ વ્યક્તિને, ખોટું છોડી દઈને સારું કરતા રહેવા મદદ કરે છે. આમ, તે “નવું માણસપણું જે દેવના મનોરથ [ઇચ્છા] પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સરજાએલું છે તે પહેરી” લે છે. (એફેસી ૪:૨૨-૨૪) બાઇબલ શરમાળ વ્યક્તિને પણ હિંમત આપે છે. જેથી તે પૂરી ધગશથી યહોવાહની સેવા કરતા રહે.—યિર્મેયાહ ૧:૬-૯.

૧૮, ૧૯. ફકરામાંથી કે તમારા કોઈ અનુભવોથી બતાવો કે કઈ રીતે બાઇબલ વ્યક્તિને બદલી શકે છે.

૧૮ યહોવાહના શાસ્ત્રની અસર બધાને થાય છે. કૅમ્બોડિયામાં યહોવાહના લોકો મહિનામાં બે વાર નોમ પેન્હથી બીજા અનેક શહેરોમાં પ્રચાર કરવા જતા. એ શહેરોના પાદરીઓને આ ગમતું નહિ. પરંતુ, એક સ્ત્રીએ યહોવાહના લોકો સાથે ચર્ચા કરવાનું વિચાર્યું. તે પોતે પણ એક ચર્ચમાં પાદરી તરીકે સેવા આપતી હતી. તેણે યહોવાહના સાક્ષીઓને એક પછી બીજા સવાલો પૂછ્યા, જેમાં તહેવારો વિષે પણ પૂછ્યું. તેણે બધું ધ્યાનથી સાંભળ્યું. પછી, તે બોલી ઊઠી: “પાદરીઓ સાચું બોલતા નથી! તેઓ કહે છે કે તમે બાઇબલ વાપરતા નથી, પણ તમે તો બધું જ બાઇબલમાંથી બતાવ્યું છે!”

૧૯ એ સ્ત્રીને ધમકીઓ પણ મળી કે તેની નોકરી લઈ લેવાશે. તોપણ તેણે ચર્ચા ચાલુ રાખી. તેણે આ વિષે પોતાની એક ફ્રેન્ડને જણાવ્યું, જેણે પણ બાઇબલ સ્ટડી ચાલુ કરી દીધી. એ ફ્રેન્ડ પર બાઇબલની ઘણી ઊંડી અસર પડી. એક દિવસ તે ચર્ચમાં પણ બોલી ઊઠી: “આવો, બધા યહોવાહના લોકો સાથે બાઇબલ સ્ટડી કરો!” પછી, તેણે ચર્ચમાંથી પોતાનું નામ કઢાવી નાખ્યું. પેલી સ્ત્રી જે પાદરી હતી તે પોતે, તેની ફ્રેન્ડ અને બીજાઓ પણ યહોવાહના લોકો સાથે બાઇબલ સ્ટડી કરવા લાગ્યા.

૨૦. બાઇબલે પૌલીનાને કઈ રીતે મદદ કરી?

૨૦ ઘાનાની પૌલીના નામની એક સ્ત્રીના જીવનમાં પણ બાઇબલે જોરદાર અસર કરી. એક પાયોનિયર બહેને પૌલીના સાથે બાઇબલની ચર્ચા શરૂ કરી. ચર્ચા માટે બહેને જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે, * પુસ્તક વાપર્યું. પૌલીનાના પતિને બીજી પત્નીઓ પણ હતી. બાઇબલ સ્ટડી પછી પૌલીનાને ખબર પડી કે આ બરાબર નથી. પરંતુ, તેના પતિ અને સગાઓને આ બધાની જાણ થતાં, તેઓ પૌલીનાને મારઝૂડ કરવા લાગ્યા. તેના દાદા હાઈ-કોર્ટના જજ અને ચર્ચના પાદરી હતા. તેમણે માત્થી ૧૯:૪-૬ કલમોનો પોતાની રીતે અર્થ કાઢી, પૌલીનાને મીઠું મીઠું બોલી પટાવવાની કોશિશ કરી. પણ પૌલીના જાળમાં ફસાઈ નહિ. તે સમજી ગઈ કે ઈસુ ખ્રિસ્તને લલચાવવા, શેતાને પણ શાસ્ત્રનો અવળો અર્થ કાઢ્યો હતો. (માત્થી ૪:૫-૭) પૌલીનાએ તો લગ્‍ન વિષે ઈસુની વાત મનમાં રાખી. ઈશ્વરે નર અને નારી ઉત્પન્‍ન કર્યા હતા, નહિ કે એક નર અને ઘણી નારીઓ. વળી, એક પતિ અને એક પત્ની એક દેહ થશે, બે કે ત્રણ પત્નીઓ નહિ. પૌલીના પોતાના નિર્ણયમાં મક્કમ રહી. તેણે છૂટાછેડા લીધા અને જલદી જ યહોવાહની સેવિકા બનીને બાપ્તિસ્મા લીધું.

બાઇબલ સમજાવતા રહો

૨૧, ૨૨. (ક) યહોવાહના સેવકો તરીકે આપણે શું કરતા શીખવું જ જોઈએ? (ખ) હવે પછીના લેખમાં આપણે શું શીખીશું?

૨૧ ખરેખર, પવિત્ર શાસ્ત્ર એટલું પાવરફુલ છે કે એ લોકોને જીવનમાં ફેરફારો કરવા મદદ કરે છે. આમ, તેઓ યહોવાહની દોસ્તીનો હાથ પકડી લે છે. (યાકૂબ ૪:૮) તેથી, અનુભવી મિસ્ત્રીની જેમ, આપણે પણ આપણું મુખ્ય સાધન, બાઇબલ સારી રીતે વાપરતા શીખીએ. આમ, આપણે લોકોને સત્ય સ્વીકારવા મદદ કરીને, મહેનતનાં મીઠાં ફળ ચાખી શકીશું.

૨૨ પવિત્ર શાસ્ત્ર સારી રીતે વાપરવા આપણે શું કરવું જોઈએ? એક રીત એ છે કે આપણે શાસ્ત્ર સારી રીતે સમજાવતા શીખીએ. ચાલો હવે પછીના લેખમાં જોઈએ કે બીજાઓને યહોવાહનાં વચનો કઈ રીતે શીખવી શકાય.

[ફુટનોટ]

^ યહોવાહના સાક્ષીઓનું પુસ્તક.

આપણે શું શીખ્યા?

• આજે આપણે પ્રચારમાં શું વાપરી શકીએ છીએ?

• પાઊલે આપણા માટે કેવો દાખલો બેસાડ્યો?

• બાઇબલનો સારી રીતે ઉપયોગ કરવા શું કરવાની જરૂર છે?

• યહોવાહનાં વચનો કેટલા પાવરફુલ છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૦ પર ચિત્ર]

યહોવાહનાં વચનો શીખવવા માટે આપણે આ વાપરીએ છીએ