સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

લોકોમાં સત્યનો પ્રકાશ ફેલાવો

લોકોમાં સત્યનો પ્રકાશ ફેલાવો

લોકોમાં સત્યનો પ્રકાશ ફેલાવો

“પ્રિસ્કીલાએ તથા આકુલાએ તેની વાત સાંભળી, ત્યારે તેઓએ તેને પોતાને ઘેર લઈ જઇને દેવના માર્ગનો વધારે ચોકસાઈથી ખુલાસો આપ્યો.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૨૬.

૧. (ક) આપોલસ “ઘણો ઉત્સાહી” હોવા છતાં તેને ફક્ત શાની જાણ હતી? (ખ) આપોલસે હજુ શાના વિષે જાણવાની જરૂર હતી?

 પ્રિસ્કીલા અને આકુલા પહેલી સદીમાં રહેતા પતિ-પત્ની હતા. તેઓએ એફેસસ શહેરમાં યહુદીઓના પ્રાર્થના હૉલ કે સભાસ્થાનમાં આપોલસનું ભાષણ સાંભળ્યું. આપોલસ સારી રીતે બોલી અને સમજાવી જાણતો હતો. એટલા માટે લોકો તેનું ધ્યાનથી સાંભળતા હતા. તે “ઘણો ઉત્સાહી” હતો અને ‘ચોકસાઈથી ઈસુ વિષેની વાતો શિખવતો હતો.’ જો કે “તે એકલું યોહાનનું બાપ્તિસ્મા જાણતો હતો.” ઈસુના શિષ્ય બનવા બીજું શું કરવું જોઈએ એની તેને બહુ ખબર ન હતી. તેથી, તેનું જ્ઞાન અધૂરું હતું. આપોલસે વધારે જાણવાની જરૂર હતી કે યહોવાહના હેતુઓમાં ઈસુ કેટલો મોટો ભાગ ભજવે છે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૨૪-૨૬.

૨. પ્રિસ્કીલા અને આકુલાએ કઈ રીતે આપોલસને મદદ કરી?

પ્રિસ્કીલા અને આકુલાએ તરત જ આપોલસને મદદ કરી, જેથી તે ખ્રિસ્તની ‘સર્વ આજ્ઞા પાળી’ શકે. (માત્થી ૨૮:૧૯, ૨૦) તેઓએ આપોલસને “પોતાને ઘેર લઈ જઇને દેવના માર્ગનો વધારે ચોકસાઈથી ખુલાસો આપ્યો.” પરંતુ, શા માટે બીજા ભાઈ-બહેનોએ આપોલસને કંઈ કહ્યું નહિ? પ્રિસ્કીલા અને આકુલાએ આપોલસ સાથે શાસ્ત્રની વધારે ચર્ચા કરી, એના પરથી આપણે શું શીખી શકીએ? લોકો સાથે બાઇબલ સ્ટડી શરૂ કરવા આપણને એ કઈ રીતે મદદ કરી શકે?

લોકોને જોઈતી મદદ કરો

૩. આપોલસને મદદ કરવામાં પ્રિસ્કીલા અને આકુલા કેમ શરમાયા નહિ?

ઍલેક્ઝાંડ્રિયા શહેર ઇજિપ્તની રાજધાની હતું. એ ભણેલા-ગણેલા લોકોનું શહેર કહેવાતું. એ શહેરમાં મોટી લાઈબ્રેરી હતી અને ત્યાં ઘણા યહુદીઓ તથા સ્કૉલરો રહેતા હતા. હેબ્રી શાસ્ત્ર વચનોનું ગ્રીક ભાષામાં ત્યાં ભાષાંતર થયું હતું. એ સેપ્ટ્યુઆજિંટ કહેવાયું. આપોલસ યહુદી હતો અને એ જ શહેરમાં મોટો થયો હતો. તેથી, તે “ધર્મલેખોમાં પ્રવીણ” અથવા હોશિયાર હોય, એમાં કંઈ નવાઈ ન કહેવાય! પરંતુ, આકુલા અને પ્રિસ્કીલા તો તંબુ બનાવનાર હતા. એટલે શું તેઓ આપોલસને મદદ કરતા શરમાયા? ના, તેઓને તો આપોલસ માટે ખૂબ જ પ્રેમ હતો. તેથી, તેઓ મદદ કરવા તૈયાર થઈ ગયા.

૪. આપોલસને કેવી રીતે મદદ મળી?

ભલેને આપોલસ બોલવામાં હોશિયાર હતો, છતાં પણ તેને વધારે જ્ઞાનની જરૂર હતી. એ તેને કોઈ કૉલેજમાં નહિ, પણ ફક્ત મંડળના ભાઈ-બહેનો પાસેથી જ મળવાનું હતું. આ જ રીતે, આપોલસને યહોવાહના હેતુઓ વિષે વધારે સમજણ મળવાની હતી. તેથી, પ્રિસ્કીલા અને આકુલાએ ‘તેને પોતાની સાથે લઈ જઇને દેવના માર્ગનો વધારે ચોકસાઈથી ખુલાસો આપ્યો.’

૫. પ્રિસ્કીલા અને આકુલાને શાસ્ત્ર માટે કેવો પ્રેમ હતો?

પ્રિસ્કીલા અને આકુલાનો વિશ્વાસ પહાડ જેવો હતો, જેને કોઈ હલાવી ન શકે. તેઓ બંને ‘પોતાની આશાનો ખુલાસો [સમજણ] નમ્રતાથી તથા સત્યતાથી આપવાને સદા તૈયાર રહેતા’ હતા. પછી ભલેને કોઈ ધનવાન હોય કે ગરીબ, પ્રોફેસર હોય કે અભણ. (૧ પીતર ૩:૧૫) ખરેખર, આકુલા અને તેમની પત્ની “સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર” હતા. (૨ તીમોથી ૨:૧૫) તેઓ પોતે શાસ્ત્રના પ્રેમી હતા, અને તેઓ એની અમૃત વાણી શીખતા ધરાતા જ નહિ. ‘દેવના જીવંત શબ્દની’ શક્તિ આપોલસના દિલમાં ઊતરી ગઈ, અને તેણે એના શિક્ષણની ખૂબ જ કદર કરી.—હેબ્રી ૪:૧૨.

૬. આપોલસને મળેલી મદદની તેણે કઈ રીતે બહુ જ કદર કરી?

આપોલસે આકુલા અને પ્રિસ્કીલાની પણ ખૂબ કદર કરી. તે યહોવાહના સેવકો બનાવવા વધારે કુશળ બન્યો. પછી તો પૂરા જોશથી યહોવાહ વિષે તે યહુદી લોકોને શીખવવા લાગ્યો. યહુદીઓને ખ્રિસ્ત વિષેની સમજણ આપવામાં આપોલસ ઍક્સપર્ટ બની ગયો હતો. તે પોતે ‘ધર્મશાસ્ત્રનો ઊંડો અભ્યાસી હતો.’ (પ્રેષિતોનાં કાર્યો ૧૮:૨૪, પ્રેમસંદેશ) એના પરથી, તે સમજાવી શક્યો કે પહેલાંના ઈશ્વર ભક્તો પણ ખ્રિસ્તની રાહ જોતા હતા. પછી આપોલસ આખાયા ગયો. ત્યાં “પ્રભુની કૃપાથી વિશ્વાસ કર્યો હતો, તેઓને તેણે ઘણી સહાય કરી; કેમકે ઈસુ તેજ ખ્રિસ્ત છે, એવું ધર્મશાસ્ત્ર ઉપરથી સાબિત કરીને એણે જાહેર વાદવિવાદમાં યહુદીઓને પૂરેપૂરા હરાવ્યા.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૨૭, ૨૮.

એકબીજા પાસેથી શીખો

૭. આકુલા અને પ્રિસ્કીલાને કેવી રીતે મદદ મળી?

આકુલા અને પ્રિસ્કીલા કઈ રીતે યહોવાહનાં વચનોની સમજણ આપવામાં આટલા ઍક્સપર્ટ બન્યા હતા? એક તો કે તેઓ પોતે શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરતા અને મિટિંગો જરાય ચૂકતા નહિ. તેમ જ, તેઓને પ્રેષિત પાઊલની સંગતનો પણ ઘણો જ લાભ થયો હશે. કોરીંથમાં પાઊલ તેઓના ઘરે દોઢ વર્ષ રહ્યા હતા. પ્રિસ્કીલા અને આકુલા સાથે પાઊલ તંબુ બનાવવાનું અને રિપૅર કરવાનું કામ કરતા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૨, ૩) તેઓને સાથે કામ કરતા કરતા, શાસ્ત્રની ચર્ચા કરવાની કેવી મજા આવી હશે! ખરેખર, ‘જે જ્ઞાનીની સંગત રાખે, એ જ્ઞાની થાય.’ (નીતિવચનો ૧૩:૨૦) પાઊલ પાસેથી તેઓ ઘણું બધું શીખ્યા હતા.—૧ કોરીંથી ૧૫:૩૩.

૮. પ્રિસ્કીલા અને આકુલાએ પાઊલના પ્રચારમાં શું જોયું?

પ્રચારમાં પાઊલે પોતે સરસ દાખલો બેસાડ્યો. પાઊલ કોરીંથમાં ‘દરેક વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને વાદવિવાદ કરતા હતા, અને યહુદીઓને તથા ગ્રીકોને સમજાવતા હતા.’ પછી, સીલાસ અને તીમોથી પણ આવ્યા ત્યારે, ‘પાઊલે ઉત્સાહથી ઈસુની વાત પ્રગટ કરતા યહુદીઓને સિદ્ધ કરી આપ્યું, કે ઈસુ તેજ ખ્રિસ્ત છે.’ પરંતુ, ત્યાં લોકોએ સાંભળ્યું નહિ ત્યારે, પાઊલે શું કર્યું? પ્રિસ્કીલા અને આકુલાએ જોયું કે પાઊલ બાજુના ઘરમાં ગયા, જ્યાં લોકોએ તેમની વાત સાંભળી. એ ઘરમાંથી “સભાસ્થાનના આગેવાન ક્રિસ્પસે” સાંભળ્યું અને તે શિષ્ય બન્યો. પછી પ્રિસ્કીલા અને આકુલાએ જોયું કે એ વાત લોકોમાં પવનની જેમ ફેલાઈ ગઈ. અહેવાલ જણાવે છે કે, “ક્રિસ્પસે પોતાના આખા ઘરનાં માણસો સુદ્ધાં પ્રભુ પર વિશ્વાસ કર્યો; અને ઘણા કોરીંથીઓએ પણ વાત સાંભળીને વિશ્વાસ કર્યો, અને બાપ્તિસ્મા પામ્યા.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૪-૮.

૯. પ્રિસ્કીલા અને આકુલા કઈ રીતે પાઊલના પગલે ચાલ્યા?

પ્રિસ્કીલા અને આકુલાની જેમ પાઊલે ઘણાને મદદ કરી. પાઊલે બધાને ઉત્તેજન આપ્યું કે, “જેમ હું ખ્રિસ્તને અનુસરનારો છું, તેમ તમે મને અનુસરનારા થાઓ.” (૧ કોરીંથી ૧૧:૧) પાઊલની જેમ, પ્રિસ્કીલા અને આકુલાએ આપોલસને સત્યની વધારે સમજણ આપી. પછી આપોલસે એ શીખવા બીજા ઘણાને મદદ કરી. પ્રિસ્કીલા અને આકુલાએ પણ રોમ, કોરીંથ અને એફેસસમાં બીજા ઘણાને મદદ કરી હશે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૧, ૨, ૧૮, ૧૯; રૂમીઓને પત્ર ૧૬:૩-૫.

૧૦. પ્રેરિતોનાં કૃત્યોનો ૧૮મો અધ્યાય આપણને શું શીખવે છે?

૧૦ પ્રેરિતોનાં કૃત્યોનો ૧૮મો અધ્યાય આપણને શું શીખવે છે? આકુલા અને પ્રિસ્કીલા, પાઊલ પાસેથી ઘણું શીખ્યા. આપણે પણ એવા અનુભવી ભાઈ-બહેનો પાસેથી ઘણું જ શીખી શકીએ. જેઓ ‘ઉત્સાહથી ઈસુની વાત પ્રગટ કરતા હોય,’ તેઓની સંગત આપણે રાખીએ. (પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૫) તેઓની સાથે પ્રચારમાં જઈએ ત્યારે આપણે શીખીએ કે તેઓ લોકો સાથે કઈ રીતે વાતચીત કરે છે. પછી આપણે પણ એ રીત અજમાવી શકીએ. કદાચ કોઈ આપણી સાથે બાઇબલ સ્ટડી કરતું હોય. આપણે તેમના કુટુંબમાંથી બીજાને પણ સ્ટડીમાં બેસવા જણાવી શકીએ. વળી, આપણે પૂછી શકીએ કે તેમની આસપાસ બીજા કોને સ્ટડી ઑફર કરી શકાય.—પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૬-૮.

પ્રચાર કરવાની તક શોધો

૧૧. આપણે ક્યાં ક્યાં પ્રચાર કરી શકીએ?

૧૧ પાઊલ અને બીજા ભાઈ-બહેનો બધે જ પ્રચાર કરતા હતા. ભલેને પછી એ ઘર હોય, બજાર હોય કે મુસાફરી કરતા હોય. આપણે પણ કઈ જુદી જુદી રીતોએ પ્રચાર કરી શકીએ? આપણે કઈ રીતે સંદેશો સાંભળે એવા લોકોને શોધી શકીએ? ચાલો આપણે ભાઈ-બહેનોના અમુક અનુભવો જોઈએ, જેઓએ ટેલિફોનથી પ્રચાર કર્યો.

૧૨ બ્રાઝિલમાં એક મારિયા નામની બહેન પ્રચાર કરતી હતી. તેમણે એક યુવતીને એપાર્ટમેન્ટમાંથી નીકળતી જોઈ. મારિયાએ તેને ટ્રેક્ટ બતાવીને પૂછ્યું કે “શું તમને બાઇબલ વિષે જાણવું ગમશે?” યુવતીએ જવાબ આપ્યો: “મને ગમે, પણ હું ટીચર છું. મારો બધો ટાઈમ એમાં જ ચાલ્યો જાય છે.” મારિયાએ સમજાવ્યું કે તેની ઇચ્છા હોય તો, ફોન પર બાઇબલ વિષે વાત થઈ શકે. પેલી યુવતીએ હા પાડી અને ફોન નંબર આપ્યો. એ જ સાંજે, દેવ આપણી પાસે શું માંગે છે? * પુસ્તિકામાંથી ફોન પર બાઇબલ સ્ટડી ચાલુ થઈ.

૧૩ ઇથિયોપિયામાં એક પાયોનિયર બહેન ફોનથી પ્રચાર કરી રહ્યા હતા. સામેથી એક માણસે ફોન ઉપાડ્યો, પણ પાછળથી બૂમાબૂમ સંભળાઈ. એટલે આપણા બહેન જરા ગભરાયા. પેલા માણસે પછીથી ફોન કરવાનું કહ્યું. બહેને પછીથી ફોન કર્યો ત્યારે, પેલા માણસે માફી માંગી. તેણે કહ્યું કે એક બાજુ ફોન આવ્યો અને બીજી બાજુ પતિ-પત્નીનો જોરદાર ઝઘડો ચાલી રહ્યો હતો. આપણી બહેને એ સાંભળીને જણાવ્યું કે બાઇબલ કુટુંબને કઈ રીતે મદદ કરી શકે છે. વળી, એ માણસને યહોવાહના સાક્ષીઓના પુસ્તક, કૌટુંબિક સુખનું રહસ્ય વિષે પણ જણાવ્યું. પેલા માણસે એ પુસ્તક સ્વીકાર્યું. જ્યારે આપણી બહેને ફરીથી તેને ફોન કર્યો, ત્યારે પેલો માણસ બોલી ઊઠ્યો: “આ પુસ્તકે તો અમારું લગ્‍ન બચાવી લીધું!” એટલું જ નહિ, તેણે પોતાના સગાં-વહાલાંને ભેગા કરીને, આ પુસ્તક વિષે જણાવ્યું. પછી બાઇબલ સ્ટડી શરૂ થઈ, અને એ માણસ મિટિંગોમાં પણ આવવા લાગ્યો.

૧૪ ડેન્માર્કની એક બહેને પણ ફોન પર બાઇબલ સ્ટડી ચાલુ કરી હતી. તે જણાવે છે: “મને સેવા નિરીક્ષકે ફોન પર પ્રચાર કરવાનું ઉત્તેજન આપ્યું હતું. પહેલા પહેલા તો મને થયું કે, ‘એ મારું કામ નહિ.’ તોપણ, એક દિવસ હિંમત ભેગી કરીને મેં પ્રચાર કરવા ફોન કર્યો. સામેથી સોનિયાએ ફોન ઉપાડ્યો. થોડી વાતચીત પછી તેણે જણાવ્યું કે તેને લીટરેચર વાંચવું ગમશે. એક સાંજે અમે કુદરતની રચના પર વાત કરતા હતા. તેણે લાઇફ—હાઉ ડીડ ઇટ ગેટ હીઅર? બાય ઇવોલ્યુશન ઓર બાય ક્રીએશન * પુસ્તક માંગ્યું. મેં પૂછ્યું કે ઘરે મળીને વાત કરીએ તો કેવું? સોનિયાને એ ગમ્યું અને હું સ્ટડી માટે ગઈ ત્યારે એ તો તૈયાર હતી. એ ટાઇમથી અમે નિયમિત સ્ટડી કરીએ છીએ.” આપણી બહેન અંતે કહે છે: “ઘણાં વર્ષોથી હું બાઇબલ સ્ટડી માટે પ્રાર્થના કરતી હતી, પણ મને ખબર ન હતી કે એ ફોન પર મળશે.”

૧૫, ૧૬. કેવી કેવી જગ્યાએ બાઇબલ સ્ટડી શરૂ કરી શકાય?

૧૫ ઘણા ભાઈ-બહેનો જ્યાં તક મળે ત્યાં પ્રચાર કરે છે. યૂનાઇટેડ સ્ટેટ્‌સમાં આપણી એક બહેને કાર પાર્કમાં પ્રચાર કરવાની તક લીધી. પોતાની બાજુની કારમાં બેઠેલી સ્ત્રી સાથે તેણે વાતચીત શરૂ કરી. પછી બહેને જણાવ્યું કે પોતે બાઇબલમાંથી લોકોને શીખવે છે. એ સાંભળીને પેલી સ્ત્રી પોતાની કારમાંથી, આપણી બહેનની કારમાં આવીને બેઠી. એ સ્ત્રીએ કહ્યું કે “તેં મારી સાથે વાત કરી એ મને ગમ્યું કેમ કે ઘણા ટાઇમથી મેં તમારું લીટરેચર વાંચ્યું નથી. વળી, મારે ફરીથી બાઇબલ સ્ટડી કરવી છે, શું તું મને મદદ કરીશ?” આપણી બહેને સામેથી પ્રચાર કરવાની તક ઊભી કરી.

૧૬ યૂનાઇટેડ સ્ટેટ્‌સમાં જ, આપણી બીજી બહેનને એક નર્સિંગ હૉમમાં સરસ અનુભવ થયો. તે પહેલા મૅનેજરને મળી. બહેને જણાવ્યું કે પોતે લોકોને પરમેશ્વર વિષે શીખવીને સેવા કરે છે અને એ પણ કોઈ ચાર્જ વિના. મૅનેજરે બહેનને રૂમમાં જઈને લોકોને મળવા દીધા. વિચાર કરો કે આપણી બહેનને અઠવાડિયામાં ત્રણ વાર ત્યાં જવું પડ્યું. શા માટે? ત્યાં ૨૬ વ્યક્તિઓ બાઇબલ સ્ટડી કરવા લાગ્યા, જેમાંથી એક દર મિટિંગમાં પણ આવવા લાગ્યા.

૧૭. બીજી કઈ રીતે બાઇબલ સ્ટડી ચાલુ કરી શકાય?

૧૭ અમુક ભાઈ-બહેનોએ બાઇબલ સ્ટડીની સીધી ઑફર કરી છે. એક મંડળમાં ૧૦૫ ભાઈ-બહેનો હતા. તેઓએ એક દિવસ નક્કી કર્યો, જ્યારે તેઓ દરેકને બાઇબલ સ્ટડી ઑફર કરે. એ સવારે ૮૬ ભાઈ-બહેનો પ્રચારમાં ગયા. તેઓએ બે કલાકમાં લગભગ ૧૫ નવી બાઇબલ સ્ટડી ચાલુ કરી.

નેક દિલના લોકોને મદદ કરો

૧૮, ૧૯. ઈસુએ આપણને કયું કામ સોંપ્યું છે? એ કરવા માટે આપણે શું કરવું જ જોઈએ?

૧૮ યહોવાહ વિષે પ્રચાર કરવા તમે આ લેખનાં સૂચનો વાપરી શકો. ખરું કે તમારી આસપાસના રીત-રિવાજોને પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે. ખાસ તો આપણે ઈસુના કહેવા પ્રમાણે, નેક દિલના લોકોને શોધતા રહીએ. તેમ જ, તેઓને સત્ય જાણવા મદદ કરીએ.—માત્થી ૧૦:૧૧; ૨૮:૧૯.

૧૯ એ માટે, ચાલો આપણે ‘સત્યનાં વચન સ્પષ્ટ રીતે સમજાવીએ.’ લોકો બાઇબલમાં વિશ્વાસ મૂકે એ રીતે સમજાવીએ. એનાથી આપણે નેક દિલના લોકોને જીતી લઈને, ઈસુના પગલે ચાલવા મદદ કરી શકીશું. એ માટે આપણે યહોવાહને પ્રાર્થના કરતા રહીએ અને તેમના પર પૂરેપૂરો ભરોસો રાખીએ. ચાલો આપણે ‘દેવને પસંદ પડે એવા સેવક થવાને પ્રયત્ન કરીએ.’ આમ, આપણે લોકોને સત્ય શીખવતા જઈને, જીવનભર યહોવાહનું નામ રોશન કરતા રહીશું.—૨ તીમોથી ૨:૧૫.

[ફુટનોટ્‌સ]

^ યહોવાહના સાક્ષીઓની પુસ્તિકા.

^ યહોવાહના સાક્ષીઓનું પુસ્તક.

આપણે શું શીખ્યા?

• આપોલસને વધારે સમજણની કેમ જરૂર પડી?

• પ્રિસ્કીલા અને આકુલા પ્રેષિત પાઊલ પાસેથી કઈ રીતે શીખ્યા?

• પ્રેરિતોનાં કૃત્યો ૧૮માંથી આપણે શું શીખ્યા?

• પ્રચાર કરવાની તક કઈ રીતે ઊભી કરી શકાય?

[અભ્યાસ પ્રશ્નો]

૧૨-૧૪. ફોન પર પ્રચાર કરવા વિષે તમારો પોતાનો અથવા ફકરાઓના અનુભવો જણાવો.

[પાન ૧૮ પર ચિત્ર]

પ્રિસ્કીલા અને આકુલાએ આપોલસને ‘દેવના માર્ગની વધારે ચોકસાઈથી સમજણ આપી’

[પાન ૨૦ પર ચિત્ર]

લોકોને સત્ય શીખવવા આપોલસે પોતે ફેરફારો કર્યા

[પાન ૨૧ પર ચિત્ર]

પાઊલે જ્યાં તક મળે ત્યાં પ્રચાર કર્યો

[પાન ૨૩ પર ચિત્ર]

પ્રચાર કરવાની તક શોધો